મનોવિશ્લેષણ (માનસશાસ્ત્ર)

January, 2002

મનોવિશ્લેષણ (માનસશાસ્ત્ર)

‘મનોવિશ્લેષણ’ શબ્દ બે અર્થમાં વપરાય છે. (1) અચેતનની વિભાવનાને આધારે માનવમન અને વર્તનનાં વિવિધ પાસાંઓની સમજૂતી આપતા સિદ્ધાંતો અને તદવિષયક કલ્પનાઓનું માળખું. (2) માનસિક રોગોની સારવાર માટેની એક માનસોપચાર પદ્ધતિ, જેનો હેતુ દર્દીઓના અચેતન માનસની પ્રક્રિયાઓનું વિશ્લેષણ કરી, તેમને મનોભાર અને માનસિક રોગોમાંથી મુક્ત કરવાનો છે.

મનોવિશ્લેષણનું મુખ્ય ધ્યેય આવેગાત્મક મુશ્કેલીઓ ધરાવતા દર્દીઓની ચિકિત્સા અચેતન મનની વિભાવનાના સંદર્ભમાં કરવાની હોવાથી તેની અભ્યાસપદ્ધતિઓ પણ પરંપરાગત મનોવિજ્ઞાનની પદ્ધતિઓ કરતાં જુદી છે. મનોવિશ્લેષણના પ્રણેતા ફ્રૉઇડ માનતા હતા કે સર્વ માનસિક તકલીફોનું મૂળ અચેતનમાં રહેલું છે. માનવમન તે ફક્ત જાગ્રત મનનો અજવાળાવાળો પ્રદેશ જ નથી. મનના ઊંડા અંધારા અને અગોચર પ્રદેશો પણ તેના છે, જેમાંથી સ્ફુરતી અભાન પ્રેરણાઓ મનુષ્યના સાધારણ કે અસાધારણ વર્તનને નિર્ધારિત કરે છે. આ પ્રદેશોનું ખેડાણ કરીને વર્તનના અચેતન પ્રેરકોને શોધીને બહાર લાવવાથી વર્તનને વધુ સારી રીતે સમજી શકાય છે.

મનોવિશ્લેષણના પ્રણેતા અને સ્થાપક ડૉ. સિગ્મંડ ફ્રૉઇડ હતા. ઈ. સ. 1882માં તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત વિયેનામાં તબીબી વિજ્ઞાનથી કરી. થોડા જ વખતમાં તે સમયના જાણીતા મનશ્ચિકિત્સક ડૉ. જોસેફ બ્રૂઅરના સંપર્કમાં આવતાં તેમનો રસ મનશ્ચિકિત્સા અને વિશેષ કરીને સૌમ્ય મનોવિકૃતિજન્ય (neurotic) બીમારીઓ તરફ વળ્યો. હીસ્ટિરિયા અને અન્ય માનસિક બીમારીઓના દર્દીઓની સારવારપ્રક્રિયાના અનુભવોમાંથી ક્રમશ: તેમણે મનોવિશ્લેષણના સિદ્ધાંતો અને સારવારપદ્ધતિ વિકસાવી. આ ર્દષ્ટિએ જોઈએ તો ફ્રૉઇડનાં જીવન અને કાર્યનો હેવાલ તે જ મનોવિશ્લેષણના જ આરંભ અને વિકાસનો ઇતિહાસ છે.

વિયેનામાં બ્રૂઅરની સાથે રહીને તેમણે હીસ્ટિરિયાની સારવાર માટે સંમોહનનો ઉપયોગ કરવા માંડ્યો. આ અરસામાં બ્રૂઅરની એક સ્ત્રી દર્દીનો કિસ્સો ફ્રૉઇડના ધ્યાનમાં આવ્યો. હીસ્ટિરિયાની આ દર્દીની બીમારી માટે તેના બાળપણનો કોઈ સંવેગાત્મક બનાવ જવાબદાર હતો. આ બનાવનો આઘાત તેને માટે તીવ્ર હોવા છતાં, તેની તેને સંપૂર્ણ વિસ્મૃતિ થઈ ગઈ હતી. સંમોહન અવસ્થામાં આ સ્ત્રીને પોતાના બાળપણના સાંવેગિક આઘાતની સ્મૃતિ થઈ. અત્યાર સુધી વિસ્મૃતિના ગર્ભમાં છુપાયેલા અનુભવની વાત બહાર નીકળતાં જ તે સ્ત્રીનાં રોગલક્ષણો અર્દશ્ય થઈ ગયાં. આ મૂળભૂત રીતે ભાવવિરેચનની ઘટના હતી. ભાવવિરેચન એટલે પોતાના મનની વાતો મુક્તપણે બહાર કાઢી, મનને હળવું કરવું. આ ઉપરથી તેમણે તારવ્યું કે મનના ઊંડાણમાં રહેલા આઘાતજનક અનુભવો અને તેની સાથે જોડાયેલ ઉદ્વેગાત્મક આવેગો સાધારણ અને પ્રત્યક્ષ આવિર્ભાવ ન પામે તો રોગલક્ષણો રૂપે દેખા દે છે. આ પ્રક્રિયાને ફ્રૉઇડે પરિવર્તન (conversion) નામ આપ્યું હતું. માનસિક બીમારીનાં રોગલક્ષણો તે બીજું કશું નહિ, પરંતુ મૂળ સમસ્યાઓની લક્ષણો રૂપે પરિવર્તિત અભિવ્યક્તિઓ છે, તેવું તેમણે જણાવ્યું. મનોવિશ્લેષણના સિદ્ધાંતોનાં ઘડતર અને વિકાસમાં આ કિસ્સો એક મહત્વનું સીમાચિહ્ન ગણાય છે. કારણ કે, ફ્રૉઇડને માનવવર્તન પાછળ રહેલા અચેતન મનનાં પરિબળોની તથા અચેતન મન ગત્યાત્મક છે તેની પ્રતીતિ થવામાં આ કિસ્સાએ મહત્વનો ફાળો આપેલો છે.

ઈ. સ. 1885માં ફ્રૉઇડ વધુ અભ્યાસ માટે પૅરિસ ગયા અને ત્યાંના પ્રખ્યાત મનશ્ચિકિત્સક શાર્કોની સાથે કામ કર્યું. શાર્કો હીસ્ટિરિયાની બીમારીની સારવારમાં સંમોહનપદ્ધતિનો સફળતાથી ઉપયોગ કરતા હતા. જોકે, આ સમયગાળા દરમિયાન જ તેમને સંમોહનપદ્ધતિની મર્યાદાઓનો પણ ખ્યાલ આવી ગયો હતો. સંમોહનની મુશ્કેલી એ હતી કે બધા જ દર્દીઓને તેથી સંમોહિત કરી શકાતા ન હતા. વળી, શરૂઆતમાં સંમોહનને પરિણામે દર્દીનાં રોગલક્ષણો અર્દશ્ય થતાં તે ફરી પાછાં થોડા જ વખતમાં એક યા બીજા સ્વરૂપે દેખા દેતાં હતાં, જેથી સંમોહનની પદ્ધતિ ફ્રૉઇડને ઉપરછલ્લી અને માનસિક બીમારીનાં ઊંડાં મૂળિયાં સુધી પહોંચવામાં નાકામયાબ જણાઈ. આ કારણસર તેમણે માનસસારવારની પદ્ધતિ તરીકે સંમોહનની પદ્ધતિને તજી દીધી.

સારવારમાંથી સંમોહનપદ્ધતિને બાકાત કર્યા બાદ દર્દીની સમસ્યાઓનાં મૂળ સુધી પહોંચવા માટે તેમણે મુક્ત સાહચર્ય (free association) પદ્ધતિનો આવિષ્કાર કર્યો. આ પદ્ધતિમાં દર્દીને આરામદાયક સ્થિતિમાં મૂકીને તેના મનમાં પોતાના વિશે કે પોતાના અનુભવો વિશે જે કંઈ વિચારો આવે તે કોઈ પણ જાતના સંકોચ વગર મુક્તપણે જણાવવા માટે પ્રેરિત કરવામાં આવતો હતો. ચિકિત્સક સાથેની આવી મુક્ત વાતચીત દરમિયાન કેટલીક વાર દર્દી પોતાના વર્ષો પહેલાંના ભુલાયેલા અનુભવોને યાદ કરી શકતો હતો. આમાંથી જો ભૂતકાળના આઘાતજનક અનુભવોનો કોઈ તંતુ હાથ લાગી જાય તો તે તંતુને આધારે માનસિક રોગનાં મૂળ સુધી પહોંચવાની પદ્ધતિ ફ્રૉઇડે વિકસાવી. પોતાના અનુભવોની મુક્ત વાત કરવામાં દર્દીને પોતાના મનમાં દબાયેલા સંવેગાત્મક ઊભરા ઠાલવવાની, ભાવવિરેચનની પણ તક મળતી. મુક્ત સાહચર્ય પદ્ધતિને મનોવિશ્લેષણ ઉપચારપદ્ધતિનું આરંભબિંદુ ગણવામાં આવે છે.

ઉપચારકાર્ય દરમિયાન ફ્રૉઇડને બે બાબતો જોવા મળી. ઉપચારની લાંબી અને અંગત પ્રક્રિયા દરમિયાન દર્દીની મુક્ત થયેલી લાગણીઓ અને ગ્રંથિઓનું મનશ્ચિકિત્સક પ્રત્યે ‘ભાવસંક્રમણ’ થાય છે, જેને પરિણામે દર્દી ચિકિત્સક પ્રત્યે આકર્ષણ અથવા ધિક્કારનો ભાવ ધરાવતો થાય છે. સંક્રમણમાં દેખાતી વિધાયક કે નિષેધાત્મક લાગણીઓ દર્દીએ શૈશવકાળમાં પોતાનાં માતાપિતા કે અન્ય પ્રત્યે અનુભવેલી હોય છે અને તે ચિકિત્સક તરફ વળતી હોય છે.

ઉપચાર દરમિયાન ફ્રૉઇડને બીજી એ બાબત જોવા મળી કે દર્દીની મુક્ત અભિવ્યક્તિ દરમિયાન એક એવો નાજુક તબક્કો આવે છે કે દર્દી જાણે કે મૂઢ થઈ ગયો હોય તેમ તેને કશું જ યાદ આવતું નથી, અથવા તો યાદ કરવામાં તે શરમ અને સંકોચ અનુભવે છે. તેનાં વિચારો અને વાતો બહાર આવવા મથે છે, પણ, જાણે કે કોઈક અગોચર પરિબળ તે વાતોને બહાર લાવવા દેતું નથી. આ ઘટનાને ફ્રૉઇડે ‘અવરોધ’ (resistance) તરીકે ઓળખાવી છે. આવા અવરોધને પરિણામે આંતરમનની વાતો બહાર આવી શકતી નથી.

આવો અવરોધ શાથી થાય છે તેની તપાસમાંથી જ ફ્રૉઇડને દમન(repression)ની વિભાવના હાથ લાગી. આપણી કેટલીક સ્મૃતિઓ દુ:ખદ અને આઘાતજનક હોય છે. આ જ રીતે આપણી કેટલીક ઇચ્છાઓ અને વાસનાઓ પણ એવી હોય છે કે જેનો જાગ્રત આવિર્ભાવ નૈતિક-સામાજિક રીતે ઇચ્છનીય હોતો નથી. આ બંને બાબતોનું સ્મરણ વ્યક્તિને માટે અત્યંત વેદનાજનક હોય છે. આવી અતૃપ્ત ઇચ્છાઓ, વાસનાઓ અને સ્મૃતિઓ અચેતન સ્તરે વસેલી હોય છે. આ બાબતો નિષ્ક્રિય રીતે અચેતનમાં સરી ગયેલી નથી હોતી, પરંતુ તેને ધકેલી દેવામાં આવેલી હોય છે. આ કોઈ સાદી સ્મૃતિઓ નથી, પણ વાસનાથી ભરપૂર અને પ્રબળ સંવેગો વડે લદાયેલી વૃત્તિઓ હોય છે. તે જાગ્રત મનમાં આવવા સતત ધમપછાડા કરે છે. અહમ્ તેને નથી નિષ્ક્રિય કે મૃતપ્રાય કરી શકતો, કે નથી તેનું વિસર્જન કરી શકતો. પરંતુ તેને નાથીને અચેતનમાં પૂરી રાખે છે. આ પ્રક્રિયાને મનોવિશ્લેષણની પરિભાષામાં દમન કહેવાય છે.

દમનના સંદર્ભમાં ફ્રૉઇડને સ્વપ્નનું મહત્વ સમજાયું. ફ્રૉઇડના મત મુજબ સ્વપ્નો દ્વારા વ્યક્તિની દમન પામેલી અતૃપ્ત વાસનાઓ આવિર્ભાવ પામે છે. આથી સ્વપ્નોનું વિશ્લેષણ તે વ્યક્તિના અચેતનની જાણકારી મેળવવાનો રાજમાર્ગ છે. ફ્રૉઇડે આ સ્વપ્ન-સિદ્ધાંત રજૂ કર્યો છે. સ્વપ્નો નિદ્રા દરમિયાન આવે છે, જ્યારે વ્યક્તિનો બાહ્ય જગત સાથેનો જાગ્રત સંપર્ક હોતો નથી. આ વખતે વ્યક્તિનો ચોકીદારરૂપ જાગ્રત અહમ્ પણ થોડો નિષ્ક્રિય બની જાય છે. તેથી અચેતન મનમાં રહેલી અતૃપ્ત ઇચ્છાઓ અને વૃત્તિઓને બહાર આવવાનું મોકળું મેદાન મળી જાય છે. આવી ઇચ્છાઓ સ્વપ્ન રૂપે વ્યક્ત થઈને તૃપ્તિ મેળવે છે. આમ, ફ્રૉઇડ મુજબ સ્વપ્નો તે ઇચ્છાતૃપ્તિનું એક સાધન છે. અલબત્ત, સ્વપ્ન દરમિયાન અચેતનની ઇચ્છાઓ પોતાના મૂળ સ્વરૂપે આવતી નથી. કારણ કે જો એમ થાય તો ચોકીદારરૂપ અહમ્ જાગી જાય અને તેને ફરી દબાવી દે અને વ્યક્તિની ઊંઘમાં ખલેલ પડે. આથી આ બધી ઇચ્છાઓ વેશપલટો કરીને, છદ્મવેશ ધારણ કરીને, સ્વપ્નમાં આવે છે અને તૃપ્તિ મેળવે છે. ફ્રૉઇડની ર્દષ્ટિએ સ્વપ્નની સામગ્રી બે પ્રકારની હોય છે : પ્રગટ અને અપ્રગટ. પ્રગટ સામગ્રી એટલે વ્યક્તિ પોતાનાં સ્વપ્નનો જે અહેવાલ આપે છે તે; જ્યારે ગુપ્ત સામગ્રી એટલે પ્રગટ સામગ્રીના મહોરા પાછળ છુપાયેલી મૂળ દમિત ઇચ્છાઓ અને વાસનાઓ. વ્યક્તિને સમજવામાં આ ગુપ્ત સામગ્રીનું વિશ્લેષણ જ અગત્યનું છે.

વેશપલટો કરીને સ્વપ્નમાં આવેલી ગુપ્ત સામગ્રી અમુક નિશ્ચિત પ્રતીકનાં રૂપ લઈને આવે છે. આ પ્રતીકો સામાન્ય રીતે ચિત્રસ્વરૂપી હોય છે. સ્ત્રી, પુરુષ, માતા-પિતા, સંભોગ, જન્મ-મૃત્યુ વગેરે બાબતો જુદાં જુદાં પ્રતીકો દ્વારા સ્વપ્નમાં કેવી રીતે રજૂ થાય છે તેની વિગતવાર યાદી ફ્રૉઇડે આપી છે. ફ્રૉઇડે સ્વપ્નનાં કેટલાંક લક્ષણો પણ રજૂ કર્યાં છે. સ્વપ્નોમાં બનાવોનું સંક્ષિપ્તીકરણ થાય છે. સ્વપ્નો બૌદ્ધિક અને તર્કસંગત હોતાં નથી, તેમાં કાર્યકારણસંબંધોનું સ્વરૂપ અને ક્રમ બદલાઈ જાય છે. એક જ સ્વપ્નમાં પરસ્પરવિરોધી બાબતો એકસાથે અસ્તિત્વ ધરાવતી હોય એવું પણ જોવા મળે છે.

અત્યાર સુધીનો ફ્રૉઇડનાં જીવન અને કાર્યનો હેવાલ તે તેમની ચિકિત્સક તરીકેની કારકિર્દીનો હેવાલ છે. આ કારકિર્દી દરમિયાન તેઓ અનેક અનુભવોમાંથી પસાર થયા, દર્દીઓનાં માનસ અને રોગલક્ષણોનું પૃથક્કરણ કરવાની મથામણમાં તેમણે અનેક વિભાવનાઓ અને ધારણાઓનું સર્જન કર્યું. કેટલાંકમાં ફેરફારો કર્યા તો કેટલીક વિભાવનાઓને ત્યજી દીધી. ક્રમશ: માનવમનના સચેતન અને દુર્ગમ સ્વરૂપ વિશે તેઓ સ્પષ્ટ થતા ગયા. શરૂઆતમાં તદ્દન વેરવિખેર જેવા વિચારમણકાઓ એક માળામાં વ્યવસ્થિત રીતે ગૂંથાતા ગયા. આ ગૂંથણીએ મનોવિશ્લેષણ-સિદ્ધાંત-તંત્રનું આખરી પરિપક્વ સ્વરૂપ પ્રાપ્ત કર્યું. મનોવિશ્લેષણની પ્રમુખ વિભાવનાઓનો મૂળ પાયો ફ્રૉઇડની આ મનશ્ચિકિત્સક તરીકેની ઉપચાર-યાત્રામાં રહેલો છે.

બાળલૈંગિકતા : મનોવિશ્લેષણનું માળખું આકાર લેતું હતું, તે દરમિયાન જ બાળલૈંગિકતાની વિભાવનાનો વિકાસ થયો. સૌમ્ય મનોવિકૃતિની સારવાર દરમિયાન ફ્રૉઇડને ખાતરી થઈ કે, તેના ઉદભવ પાછળ લૈંગિક (sexual) પરિબળો જ જવાબદાર છે. વળી તેમને એમ પણ ખાતરી થઈ કે આવાં લૈંગિક પરિબળો છેક શિશુ અવસ્થાથી સક્રિય બને છે. કેટલીક સ્ત્રી-દર્દીઓ સંમોહન અવસ્થામાં પોતાના પિતાએ પોતાની સાથે કરેલા જાતીય દુર્વ્યવહારોની વાત કરતી; પરંતુ વધુ તપાસમાં આ વાતમાં કોઈ તથ્ય નહોતું જણાતું. ફ્રૉઇડને ખ્યાલ આવ્યો કે આ હુમલાઓ દર્દીને થયેલા વાસ્તવિક અનુભવો ન હતા. દર્દીની આ મનઘડંત વાતો, તે કેવળ તેના તરંગો જ હતા. અને આ તરંગો દર્દીએ સેવેલાં દિવાસ્વપ્નો અને અજાગ્રતપણે સેવેલી ઇચ્છાઓના કાલ્પનિક સંતોષરૂપ હતા. આ ઘટનાઓને આધારે ફ્રૉઇડે તારવ્યું કે નાની ઉંમરે બાળક પોતાની લૈંગિક વૃત્તિઓની પરિતૃપ્તિ સ્વલૈંગિકતા કે આત્મરતિ દ્વારા કરે છે. પરંતુ આવી પ્રવૃત્તિ અત્યંત ગંદી અને નિષેધરૂપ હોવાથી જાગ્રત મન તેનો સ્વીકાર કરી શકતું નથી, પરંતુ પિતા દ્વારા થતા જાતીય દુર્વ્યવહારોની તરંગી કલ્પનાઓના અંચળા દ્વારા અભિવ્યક્તિ પામે છે. આવું અર્થઘટન ફ્રૉઇડને વ્યક્તિત્વના ઘડતરમાં બાળલૈંગિકતાના મહત્વ તરફ દોરી ગયું.

ચેતન, પૂર્વચેતન અને અચેતન : ફ્રૉઇડે માનવમનનાં બે સ્તરોની કલ્પના રજૂ કરી છે : ચેતન અને અચેતન. ચેતન મન કે અબોધ માનસ એટલે વ્યક્તિ જેનાથી સભાન અને વાકેફ છે, તેવી બાબતો. પ્રત્યેક ક્ષણે આપણું મન કોઈ ને કોઈ વિચારો કે પ્રવૃત્તિમાં પરોવાયેલું હોય છે. આ વખતે તે બાબતોનું સ્થાન આપણા ચેતન મનના સ્તરે હોય છે. તે કાર્ય અંગેના વિચારો, તે અંગે અનુભવાતી લાગણીઓ, મનોવલણો તેમજ તે વિષેના નિર્ણયો અને ભવિષ્યની કલ્પનાઓ–આ બધાં જ ફ્રૉઇડની ર્દષ્ટિએ ચેતનના વ્યાપારો છે. ચેતન મન ચંચળ હોય છે. તેનું કેન્દ્રીકરણ સતત બદલાતું રહે છે. એક ઉપરથી બીજા અને બીજા ઉપરથી ત્રીજા વિચારો કે પ્રવૃત્તિઓ પરત્વે સતત પરિવર્તન થતું રહે છે. ચેતન મન કેવળ તાત્કાલિક અનુભવોનું જ બનેલું અને અત્યંત સીમિત હોય છે. જે ક્ષણે જેનાથી આપણે સભાન તેટલો જ આપણા ચેતનમનનો વિસ્તાર ગણાય.

પૂર્વચેતન મન તે ચેતન અને અચેતન મનની સીમા ઉપર આવેલો પ્રદેશ છે. આ ક્ષણે વ્યક્તિ જેનાથી જાગ્રત  કે સભાન નથી, પરંતુ ઇચ્છે ત્યારે તેને ચેતન કક્ષાએ લાવી શકે તે સર્વ સામગ્રીનું આશ્રયસ્થાન પૂર્વચેતન મનમાં છે, જેનું સરળતાથી પુન:સ્મરણ કરી શકાય. યાદ કરતી વખતે કશો આવેગિક અવરોધ ન નડે તે તમામ બાબતો ચેતન મનમાં વસે છે. આ અર્થમાં પૂર્વચેતન મનને હાથવગી સ્મૃતિ પણ કહેવાય છે. ફ્રૉઇડે અંતરાત્મારૂપી ચોકીદારની જે વાત કરી છે તે પણ પૂર્વચેતનમાં જ વસે છે.

અચેતન ચેતન મન કરતાં ખૂબ જ વિસ્તૃત અને શક્તિશાળી એવું મનનું સ્તર છે. માનવવર્તન અને પ્રવૃત્તિ માટેનાં અત્યંત પ્રબળ ચાલક બળોનું આશ્રયસ્થાન તે અચેતન મન છે. ફ્રૉઇડના મત મુજબ માનવમાત્રની સુખેચ્છા મૂળભૂત રીતે લૈંગિક સ્વરૂપની હોય છે, જેનો સ્વીકાર અને આવિર્ભાવ સામાજિક અને નૈતિક ધોરણોને કારણે વ્યક્તિનું જાગ્રત મન કરી શકતું નથી. આથી અસંતુષ્ટ ઇચ્છાઓ ઉપરાંત બાળપણના કેટલાક આઘાતજનક અનુભવોની સભાનતા અંગેની તમામ બાબતો અચેતન મનમાં ધકેલાઈ જાય છે. આમ, અચેતન મનમાં આઘાતજનક અનુભવો અને અણગમાની બાબતોનો ભંડાર ભરેલો હોય છે. આવી સામગ્રી વ્યક્તિ સંપૂર્ણપણે, કાયમને માટે ભૂલી જાય છે, અથવા તો કેવળ સંમોહનની અવસ્થામાં જ તેનું પુન:સ્મરણ શક્ય બને છે. આમ, અચેતનનાં સ્તરો ઘણાં ઊંડાં અને ન પહોંચી શકાય તેવાં દુર્ગમ હોય છે. આવું અચેતન મન ભલે ચેતન પાછળના સ્તરે છે, પણ તે જરાય નિષ્ક્રિય નથી. તેની પ્રવૃત્તિઓ અને તેના પ્રવાહો અત્યંત સક્રિય, પ્રબળ અને શક્તિશાળી હોય છે. વ્યક્તિ ભલે તેની પ્રક્રિયાથી સભાન ન હોય, પણ આપણા મોટાભાગનાં વર્તનનો દોરીસંચાર તો તેના હાથમાં જ હોય છે.

ચેતન અને અચેતન વચ્ચે સતત ગજગ્રાહ ચાલ્યા કરે છે. સામાજિક અને નૈતિક નિષેધોને પરિણામે છેક બાળપણથી વ્યક્તિને લૈંગિક બાબતો ગંદી, શરમજનક અને અનૈતિક છે તેવા સંસ્કારો મળેલા હોય છે. આ કારણસર વ્યક્તિ પોતાની કામેચ્છાઓ અને વાસનાઓને બળપૂર્વક અચેતનમાં ધકેલી દે છે. અચેતનમાં પહોંચ્યા પછી પણ આ વૃત્તિઓનો સળવળાટ તો ચાલુ જ હોય છે. આવિર્ભાવની તક ન મળતાં હતાશ થયેલી આ વૃત્તિઓ બમણી શક્તિથી તમામ બંધનો ફગાવીને ગમે તે રીતે જાગ્રત અહમમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે.

નિમ્ન અહમ્, અહમ્ અને ઉચ્ચ અહમ્ : વ્યક્તિનું ઘડતર અને વિકાસ કેવી રીતે થાય છે તેની મનોવિશ્લેષણવાદી સમજૂતી આપતા ફ્રૉઇડના વ્યક્તિત્વસિદ્ધાંતને ગત્યાત્મક સિદ્ધાંત કહેવાય છે. આ સિદ્ધાંતમાં તેમણે ત્રણ ગત્યાત્મક ઘટકો દર્શાવ્યા છે : ઇડ અથવા નિમ્ન અહમ્, અહમ્ અને ઉચ્ચ અહમ્.

નિમ્ન અહમ્ (Id) : વ્યક્તિત્વનો સૌથી ગહન અને આદિમ પ્રદેશ તે નિમ્ન અહમ્ છે. નિમ્ન અહમ્ વ્યક્તિત્વસંરચનાનો એવો ભાગ છે કે જ્યાં કામશક્તિ(Libido)ની પ્રાથમિક પ્રવૃત્તિઓ જ પ્રવર્તે છે. તમામ આનુવંશિક, શારીરિક અને મૂળવૃત્તિજન્ય બાબતોનો સૌપ્રથમ માનસિક આવિર્ભાવ નિમ્ન અહમમાં થાય છે. નિમ્ન અહમનું મુખ્ય કાર્ય વ્યક્તિના શરીરતંત્રની પ્રાથમિક જરૂરિયાતોને તાત્કાલિક સંતોષવાનું છે. આ પ્રાથમિક જરૂરિયાતો સુખેચ્છાસ્વરૂપની હોય છે. આ સુખ મુખ્યત્વે સ્પર્શજન્ય શારીરિક સુખ હોય છે અને કામેચ્છા સ્વરૂપે વ્યક્ત થાય છે. નિમ્ન અહમ્ શક્તિશાળી હોવા છતાં તે તદ્દન અતાર્કિક, અવ્યવસ્થિત, વિવેકહીન, બિનજવાબદાર, અનૈતિક અને બેદરકાર – આંધળુકિયો છે. તત્કાલ સુખપ્રાપ્તિના પ્રયાસોમાં નિમ્ન અહમને કશાની પરવા હોતી નથી. નીતિ-અનીતિ, મૂલ્યો, સાચું-ખોટું, અન્ય માટેની લાગણી વગેરે જેવું કશું તેને સ્પર્શતું નથી. તેમાં સંગ્રહાયેલી શક્તિ અગાધ, નાથી ન શકાય તેવી, તત્કાલ સંતોષ ઝંખતી અને વ્યક્તિના કાબૂ બહારની હોય છે. તે કેવળ સુખ અને તેની સુખની પ્રાપ્તિ જ ઝંખે છે. આ ઝંઝાવાતી સુખૈષણામાં તે શરીરતંત્રની સલામતી અને અસ્તિત્વ માટે ઊભાં થતાં જોખમોની પણ પરવા કરતો નથી.

અહમ્ (ego) : નવજાત શિશુને કેવળ નિમ્ન અહમ્ જ હોય છે. પરંતુ તે જેમ મોટું થતું જાય છે તેમ તેમ પ્રત્યક્ષીકરણ, અનુભવો, બુદ્ધિ, વિચારશક્તિ વગેરેનો વિકાસ થતાં તેમજ બાહ્યજગતની વાસ્તવિકતા સાથેના સંપર્કને પરિણામે તેનો અહમ્ વિકસે છે. અહમનો ઉદભવ થતાં જ પ્રત્યક્ષીકરણ, ઐચ્છિક નિયંત્રણ, આવેગનિયંત્રણ જેવાં કાર્યો માટે બાળક સમર્થ બને છે. અહમ્ વ્યક્તિત્વસંરચનાનો એક વિભાગ છે. તે વાસ્તવિકતાના સિદ્ધાંતથી દોરવાતો હોવાથી નિમ્ન અહમની ગેરવાજબી માગણીઓનું વધારે દબાણ થાય ત્યારે વાસ્તવિકતાના સંદર્ભમાં કઈ માંગણીઓ સંતોષવી, કઈનો સંતોષ મોકૂફ રાખવો અને કોની સાવ અવગણના કરવી વગેરે અંગે વિવેકબુદ્ધિપૂર્વક નિર્ણય કરીને નિમ્ન અહમને તે કાબૂમાં રાખે છે. અહમનો વિકાસ થયા પછી વ્યક્તિને ખ્યાલ આવે છે કે સુખૈષણાથી દોરવાયેલી ઇચ્છાઓની પરિતૃપ્તિ વાસ્તવિકતાને અવગણીને ન કરી શકાય. વૃત્તિઓનું દબાણ અને વાસ્તવિકતાની સમજણ વચ્ચેનો સંઘર્ષ વ્યક્તિમાં ચિંતા અને તાણ જન્માવે છે. આવા સંજોગોમાં અહમ્ કોઈ ને કોઈ સમાધાન શોધીને બંને વચ્ચે સમતુલન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. આ ર્દષ્ટિએ સતત દબાણ અનુભવતા અહમનું કાર્ય ખૂબ જ જવાબદારીભર્યું છે. અહમની પ્રવૃત્તિ પણ નિમ્ન અહમની સરખામણીમાં વધુ જવાબદારીવાળી અને વિવેકબુદ્ધિવાળી છે. તે તાર્કિક વિચારણા કરી શકે છે અને સુખસિદ્ધાંતને વિવેકપુર:સર અનુસરે છે. શરીરતંત્રનાં અસ્તિત્વ કે સલામતીને જોખમમાં મૂકે તેવી કોઈ માંગણીઓને તે સામાન્યત: વશ થતો નથી.

ઉચ્ચ અહમ્ (super ego) : વ્યક્તિત્વ-સંરચનાનો ત્રીજો ઘટક એટલે ઉચ્ચ અહમ્. ઉચ્ચ અહમ્ એટલે આપણે જેને અંતરાત્મા (conscience) કે નૈતિક આત્મા કહીએ છીએ તે. નવજાત શિશુના વિચારવર્તનનું સંચાલન નિમ્ન અહમ્ કરે છે, તો ઉંમર વધતાં વાસ્તવિક જગતના પરિચયને પરિણામે બાળકમાં અહમનો વિકાસ થાય છે. વાતાવરણનાં સામાજિક અને નૈતિક પાસાંના પરિચયથી તેનામાં ઉચ્ચ અહમ્ વિકસે છે. પાંચેક વર્ષની ઉંમર પછી માતાપિતા, વડીલો કે શિક્ષકો સાથે આંતરક્રિયાના પરિણામે બાળકમાં સમજણશક્તિનો વિકાસ થાય છે. શું સારું, શું ખોટું, શુ નૈતિક, શું અનૈતિક, કોને પાપ કહેવાય અને કોને પુણ્ય કહેવાય – આ બધા ખ્યાલોના વિકાસની સાથે સાથે જ બાળકમાં ઉચ્ચ કે ઉપરી અહમનો વિકાસ થાય છે. માતા-પિતાના સારાનરસાના ખ્યાલો અને સૂચનાઓનું આંતરિકીકરણ કરીને તેમના દ્વારા લદાતાં નિયંત્રણો અને નિષેધો, સારાં કામ માટેની શાબાશી અને દુષ્કૃત્ય માટે સજા જેવી બાબતોનો ઉપરી અહમ્ અંગીકાર કરે છે.

ઉપરી અહમનો જ એક ભાગ તે અહમ્ આદર્શ (ego-ideal) છે. આ અહમ્-આદર્શ માતા-પિતા વિશેનાં બાળકનાં અહોભાવ અને માનમાંથી જન્મે છે. બાળક માબાપને સર્વાંગસંપૂર્ણ તરીકે જુએ છે અને તેથી તે તેમની અપેક્ષાઓ મુજબ જીવવાનો પ્રયાસ કરે છે. જો તે તેમ કરી શકે તો તેને માબાપ તરફથી પુરસ્કાર મળે છે. તેથી બાળકના વ્યક્તિત્વનાં નૈતિક પાસાંના વિકાસને ઉત્તેજન મળે છે. ક્રમશ: આ પ્રકારની વ્યક્તિત્વભાત બાળકમાં એવી રીતે આત્મસાત્ થઈ જાય છે કે સારાં કાર્યો કરવા માટે બાળકને બાહ્ય પુરસ્કાર કે ઉત્તેજનાની જરૂર રહેતી નથી. બાળક સ્વયમ્ તે આદર્શોને પોતાની ર્દષ્ટિથી મૂલવીને વર્તન કરતું થઈ જાય છે. આ રીતે અંતરીકૃત કરાયેલાં સામાજિક નૈતિક મૂલ્યોને ફ્રૉઇડ અહમ્-આદર્શ તરીકે ઓળખાવે છે. ઉચ્ચ અહમનો પૂરોપૂરો વિકાસ થાય ત્યારે બાળકનું વર્તન સ્વનિયંત્રિત હોય છે. અહમ્ની સમક્ષ જે વર્તનનાં ધોરણો અને આદર્શો રજૂ થયાં હોય છે તેને આધારે તે વર્તનને દોરે છે. વર્તનના નિયમન માટે શિક્ષા અને પુરસ્કાર કે પ્રબલન પણ વ્યક્તિ પોતે જ આપે છે. પુખ્ત વ્યક્તિમાં તેના વર્તનનો મુખ્ય નિયંત્રક અહમ્ છે. જેમ અહમનો વિકાસ વધુ સ્વસ્થ તેમ વ્યક્તિ વધુ સમતોલ અને સુસમાયોજિત હોય. શું ન કરવું જોઈએ તે દર્શાવતો ઉચ્ચ અહમ્નો ભાગ એટલે વિવેકબુદ્ધિ કે અંતરાત્મા.

વ્યક્તિત્વના આ ત્રણેય વિભાગો નિમ્ન અહમ્, અહમ્ અને ઉચ્ચ અહમ્ – ત્રણ તદ્દન જુદા વિભાગો તરીકે નહિ, પણ એક એકમ તરીકે કામ કરે છે. નિમ્ન અહમ્ તે વ્યક્તિત્વનું જૈવિક પાસું છે; અહમ્ તે મનોવૈજ્ઞાનિક અને ઉચ્ચ અહમ્ તે તેનું સામાજિક – નૈતિક પાસું છે. આ ત્રણેય વચ્ચેની આંતરક્રિયા વ્યક્તિત્વને ઘડવામાં નિર્ણાયક હોય છે.

વ્યક્તિત્વનો વિકાસ સાધારણ થશે કે અસાધારણ તેનો આધાર ફ્રૉઇડના કહેવા મુજબ અહમ્ એક બાજુ નિમ્ન અહમની માંગણીઓ અને બીજી બાજુ ઉચ્ચ અહમનાં નિયંત્રણો વચ્ચે કેટલી કુશળતાથી સંતુલન કરી શકે છે તેના ઉપર છે. આ કામ અત્યંત મુશ્કેલ છે અને હંમેશાં તે કરવામાં સફળતા મળતી નથી. વ્યક્તિ જો અત્યંત ઊંચાં નૈતિક ધોરણો ધરાવતી હોય, તેના ઉપરી અહમની અપેક્ષાઓ ખૂબ જ પ્રબળ હોય, તો અહમ્ તેને સંતોષી શકતો નથી અને ભાંગી પડે છે, જેથી વ્યક્તિમાં અપરાધભાવની લાગણી ઉદભવે છે. જો તે નિમ્ન અહમ્ અને ઉચ્ચ અહમની દોરડાખેંચનું કુશળતાપૂર્વક સંચાલન અને નિયંત્રણ ન કરી શકે તો અનેક હતાશાઓ-મનોવિકૃતિનો ભોગ બને છે.

મનોલૈંગિક વિકાસનો સિદ્ધાંત (theory of psychosexual development) : કામવૃત્તિ તો બાળકને જન્મ સાથે જ મળે છે અને ઉંમર વધતાં તેમાં વૃદ્ધિ, વિકાસ અને પરિવર્તનો ઉદભવે છે. જુદી જુદી ઉંમરે કામસુખ પ્રાપ્ત થવાનાં વિસ્તારો, અંગો અને પ્રવૃત્તિઓ બદલાયાં કરે છે. પુખ્ત ઉંમરે વ્યક્તિ વિજાતીય સંબંધમાં કામસંતોષ પ્રાપ્ત કરવાની અવસ્થાએ પહોંચે તે પહેલાં તેના લિબિડોનું કેન્દ્રીકરણ જે વિવિધ અંગો, અવયવો અને પ્રવૃત્તિઓમાંથી પસાર થાય છે તેને ફ્રૉઇડે જુદા જુદા તબક્કાઓમાં વહેંચ્યું છે. વ્યક્તિત્વનો આ વિકાસ મનોલૈંગિક વિકાસ તરીકે ઓળખાય છે.

એક બાબત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે ફ્રૉઇડે મનોલૈંગિક વિકાસની જે જુદી જુદી અવસ્થાઓ વર્ણવી છે તે દરેક અવસ્થામાં તે કોઈ ને કોઈ લૈંગિક પ્રવૃત્તિઓ કરે જ છે એવો અર્થ અહીં અભિપ્રેત નથી. આ અવસ્થાઓનો અર્થ એટલો જ કરવાનો કે વ્યક્તિ તે અવસ્થા દરમિયાન શરીરના જે તે અવયવો દ્વારા થતી પ્રવૃત્તિઓમાંથી આનંદ અને કામસુખ પ્રાપ્ત કરે છે.

મનોજાતીય વિકાસની વિવિધ અવસ્થાઓ નીચે મુજબ છે :

(1) મુખકેન્દ્રી અવસ્થા (oral stage) : પ્રથમ બે વર્ષ. બાળકના લૈંગિક વિકાસના મુખકેન્દ્રી અવસ્થાના આ તબક્કામાં બાળક પોતાનાં મોં, હોઠ અને જીભ દ્વારા મળતી ઉત્તેજનાથી કામસુખ અનુભવે છે. આ અવસ્થા, તેની તમામ પ્રકારની જાતીય તેમજ માનસિક સંતોષની પ્રક્રિયાઓ માતાના સ્તન્યપાન સાથે સંકળાયેલી હોય છે. બાળકને માટે માતાનાં સ્તન તે સંતોષ માટેનો સૌપ્રથમ પદાર્થ છે. તે દ્વારા બાળકની ક્ષુધા સંતોષાય છે અને ક્ષુધાના સંતોષ સાથે બાળકને કામતૃપ્તિ થાય છે. આમ, પ્રેમ અને ભૂખ વચ્ચે સાહચર્ય સ્થપાય છે.

(2) ગુદાકેન્દ્રી અવસ્થા (anal stage) : 2થી 4 વર્ષ. લગભગ ત્રીજા વર્ષના આરંભે બાળકની કામવૃત્તિનું સ્થાનીકરણ બદલાઈને મળમૂત્ર-વિસર્જનની ક્રિયા અને તેના અવયવો પરત્વે કેન્દ્રિત થાય છે. આ અવયવોની ઉત્તેજના બાળકને આનંદ આપતી હોવાથી તેને તે વારંવાર કરવાની ઇચ્છા થયા કરે છે. જોકે આ જ સમય દરમિયાન બાળકના મળમૂત્ર-વિસર્જનની તાલીમ ઉપર મા-બાપ ભાર મૂકે છે અને સમાજસ્વીકૃત પદ્ધતિ મુજબ જ તે ક્રિયાઓ કરવાની ફરજ બાળક ઉપર લાદવામાં આવે છે. આનાં બે પરિણામો આવી શકે છે, મળત્યાગ અને મળઅટકાવ. માબાપને ખુશ રાખવા બાળક મળત્યાગ કરે છે, પણ તેમના શાસનનો વિરોધ કરવા મળત્યાગની ક્રિયા અવરોધે છે કે અટકાવી રાખે છે. આ બંને પ્રકારનાં મનોવલણો બાળકના ભાવિ વ્યક્તિત્વ ઉપર જુદી જુદી અસરો કરે છે.

(3) શિશ્નકેન્દ્રી અવસ્થા (phallic stage) : 4થી 6 વર્ષ : આ વર્ષની ઉંમરની આસપાસ બાળકની કામવૃત્તિનું સ્થાનીકરણ જનનઅવયવો પરત્વે કેન્દ્રિત થાય છે. આ અવયવોનો સ્પર્શ કરીને કે તેમને રમાડીને બાળક કૃત્રિમ ઉત્તેજના પ્રાપ્ત કરે છે અથવા તો હસ્તમૈથુન જેવી ક્રિયાઓ દ્વારા પોતાની તે સ્તરની કામેચ્છા તે પરિતૃપ્ત કરે છે. વ્યક્તિની આ આત્મરતિની અવસ્થા છે. ક્રમે ક્રમે આ આત્મરતિ વિજાતીય આકર્ષણમાં સંક્રમિત થાય છે. પુત્રને માતા પ્રત્યે વિજાતીય આકર્ષણ થાય છે. તે માતાનો સ્પર્શ અને સહવાસ ઇચ્છે છે. માતા તેની ઉપર સતત ધ્યાન આપે અને પ્રેમ વ્યક્ત કરે તેવી તેની ઝંખના હોય છે. આથી પુત્રને પિતાની ઈર્ષ્યા અને ક્યારેક તો ધિક્કાર પણ થાય છે. પ્રાચીન ગ્રીક સાહિત્યમાં ઇડિપસ નામના રાજકુંવરે પોતાના પિતાની હત્યા કરીને માતા સાથે લગ્ન કર્યાં હતાં તેવી કથાના નામને અપનાવીને પુત્રના માતા પ્રત્યેના આ આકર્ષણને ફ્રૉઇડે ‘ઇડિપસ-ગ્રંથિ’ તરીકે ઓળખાવી છે. જોકે ઇડિપસે જ્યારે આવું વર્તન કર્યું હતું ત્યારે તે પોતાનાં માતાપિતા વિશે અજાણ હતો તે નોંધવું ઘટે. પિતા દ્વારા માતા સાથે કામયુક્ત વર્તનની ઇચ્છા અંગે પુત્રને શિશ્નવિચ્છેદ(castration)ની ધમકી મળે છે. એ હંમેશાં શાબ્દિક રૂપમાં આપવામાં આવતી હોતી નથી. છોકરો એ તબક્કે જ્યારે જુએ છે કે છોકરીમાં પોતાના જેવું શિશ્ન નથી ત્યારે તે કલ્પી લે છે કે કદાચ આવી જ સજા પિતા તેને પણ કરશે. તેથી લિંગવિચ્છેદભીતિને વશ થઈને પુત્રનો માતા તરફનો કામુક પ્રેમ દબાઈ જાય છે. તે પિતા સાથે તાદાત્મ્ય અનુભવે છે અને તેનાં ધોરણોનો અંગીકાર કરી લે છે. બરાબર આવું જ પિતા અને પુત્રીના સંબંધમાં પણ જોવા મળે છે. પિતા પ્રત્યેના અદમ્ય આકર્ષણને કારણે પુત્રી માતાને પોતાની હરીફ સમજી, તેની ઈર્ષ્યા અને તેનો તિરસ્કાર કરે છે. ઇલેક્ટ્રા અંગેની પ્રાચીન ગ્રીક કથાનો આધાર લઈ, પુત્રીની આ ગ્રંથિને ફ્રૉઇડે ‘ઇલેક્ટ્રા-ગ્રંથિ’ તરીકે ઓળખાવી છે.

4. સુષુપ્તાઅવસ્થા (latent stage) : 6થી 11 વર્ષ : સુષુપ્તાઅવસ્થા એટલે થોડા સમય માટે કામશક્તિના પ્રવર્તનની વિરામ-અવસ્થા. આ અવસ્થામાં બાળક કોઈ સ્પષ્ટ અને દેખીતી શારીરિક પ્રવૃત્તિ દ્વારા આનંદ મેળવતો હોય તેમ લાગતું નથી. હવે તેનું વધુ ધ્યાન માનસિક ઉત્તેજના ઉપર કેન્દ્રિત થતું જણાય છે. તેનું ધ્યાન બૌદ્ધિક, સામાજિક રમતગમત જેવી ઇતર પ્રવૃત્તિઓ સાથે વધુ જોડાયેલું હોય છે. અન્ય બાળકો સાથે હળવું-મળવું, બીજાંની સાથે – વિશેષ કરીને સજાતીય બાળકો સાથે – મૈત્રી કેળવવી વગેરે પ્રવૃત્તિઓ હવે તેને માટે વધુ મહત્વની બનતી જાય છે. ટૂંકમાં, આ અવસ્થા બાળકના માનસિક અને સામાજિક વિકાસની અવસ્થા હોય છે.

(5) પૌગંડાવસ્થા (genital stage or puberty) : 12થી 13 વર્ષ પછીની ઉંમર. મનોલૈંગિક વિકાસના આ છેલ્લા તબક્કામાં બાળકને જનન – અવયવની પ્રવૃત્તિમાં પુન:રસ જાગે છે. છોકરીઓ છોકરાઓની તુલનામાં આ અવસ્થામાં થોડી વહેલી પ્રવેશે છે. આ અવસ્થાનું મુખ્ય લક્ષણ તે વિજાતીય આકર્ષણ છે. જાતીય પરિવર્તનનો પણ આ જ ગાળો છે અને જાતીય વિકાસના ફલસ્વરૂપ વ્યક્તિની કામેચ્છા સંપૂર્ણ સ્વરૂપમાં વિકસે છે. વિજાતીય વ્યક્તિ સાથે મૈત્રી, વાતચીત, હરવું-ફરવું અને રમત-ગમત હવે બંને જાતિઓને માટે ગમતી પ્રવૃત્તિ બની જાય છે.

સ્વસ્થ વ્યક્તિ કામશક્તિના વિકાસના તમામ તબક્કાઓમાંથી પસાર થાય છે; પરંતુ જો કોઈ વ્યક્તિનો જાતીય વિકાસ કોઈ કારણસર અમુક એક અવસ્થાએ ગંઠાઈ જાય તો તેનો આવિર્ભાવ પુખ્ત ઉંમરે અન્ય અકુદરતી કે વિચલિત જાતીય વર્તન દ્વારા થાય છે.

ફ્રૉઇડના ચેતન-અચેતન મન અંગેનો, પ્રતિકાર, દમન અંગેનો, સ્વપ્ન અંગેનો, ન્યૂરૉસિસ અંગેનો અને અહમ્ – ઉચ્ચ અહમ્ અંગેનો એમ જુદા – જુદા સિદ્ધાંતો ઉપરથી સ્પષ્ટ થાય છે કે તેમના મતે મનુષ્યની ઇચ્છાઓનું દમન થયા વગર એટલે કે તેની આક્રમકતા, લૈંગિકતા વગેરે વૃત્તિઓને રોક્યા વગર કે ઇષ્ટ લક્ષ્ય તરફ વાળ્યા વગર જેને આપણે ‘સિવિલાઇઝેશન’ કહીએ છીએ તે શક્ય નથી. મનુષ્યનો અહમ્ હંમેશાં એક બાજુ વૃત્તિઓના, તો બીજી બાજુ સામાજિક – નૈતિક મૂલ્યાંકનોના સતત દબાણ હેઠળ મૂંઝાયેલો, હતાશાની અને નિરાશાની સ્થિતિમાં મુકાયેલો હોય છે. તે અનેક બચાવયુક્તિઓ પ્રયોજીને આવી કારમી હતાશાઓ હળવી કરવા મથે છે. પણ ‘સિવિલાઇઝ્ડ’ (civilized) થવા માટે તેણે ન્યૂરૉટિક બનવાની પણ કદાચ કિંમત ચૂકવવી પડે છે.

યોગેન ભટ્ટ