મનોલક્ષી માપનકસોટીઓ (psychometric tests) : ચેતાતંત્રના વિકારોના મૂલ્યાંકનમાં ઉપયોગી થતી મનોલક્ષી કસોટીઓ. તેનાં પરિણામોને દર્દીની હાલત સાથે સરખાવીને અર્થઘટન કરાય છે. કોઈ એક કસોટીની અંતર્ગત મર્યાદા દૂર કરવા કસોટીસમૂહ (battery of tests) વપરાય છે. ગુરુમસ્તિષ્ક(મોટા મગજ)ના રોગમાં બૌદ્ધિક ક્રિયાક્ષમતા અસરગ્રસ્ત થાય છે, પરંતુ તેની કક્ષાને મૂળની રોગની તીવ્રતા સાથે ખાસ સીધો સંબંધ હોતો નથી. માહિતી કે શબ્દભંડોળને બદલે સ્મૃતિ, ઝડપ અથવા નવું શીખવાની ક્ષમતા ચકાસતાં પરીક્ષણોને બૌદ્ધિક ક્ષમતા માટે વધુ આધારરૂપ કસોટીઓ ગણવામાં આવે છે. જો દર્દીના મગજની પેશીનો રોગ હોય કે તેને વિચ્છિન્નમનસ્કતા (schizophrenia) થયેલી હોય તો તેઓ તેમની સંકલ્પનાઓમાં અક્કડ, મૂર્ત (concrete) અને એકપરિમાણી (stereotyped) હોય છે અને તેથી તેઓ આ કસોટીઓને પૂરી કરી શકતા નથી. મગજની પેશીના રોગોના નિદાનમાં ઘણી વખત બૌદ્ધિક પ્રકાર્યતા(intellectual performance)ની કસોટીઓ સૌથી શ્રેષ્ઠ આધાર (સાબિતી) આપતી હોય છે. જુદી જુદી કસોટીઓ દર્દીની સંક્ષિપ્તીકરણની ક્ષમતા, સંજ્ઞા(symbols)ને વાપરવાની આવડત અને જૂના અનુભવોને આધારે નવા અનુભવોને મૂલવવાની પહોંચ વગેરેનું પરીક્ષણ કરે છે. સામાન્ય રીતે મગજમાંનું વ્યાપક નુકસાન થયું હોય કે અગ્રસ્થ ખંડ(frontal lobe)માંનો વિકાર આ પ્રકારની અક્ષમતા સર્જે છે. આ દર્દીઓ પરિસ્થિતિમાંના નાના ફેરફારને કે તફાવતને સમજતાં વાર કરે છે. તેઓ બે કે વધુ આજ્ઞાઓને એક સાથે યાદ રાખી શકતા નથી, તેમના ધ્યાનનો વ્યાપ ટૂંકો રહે છે, અંદાજ (judgement) ક્ષતિયુક્ત રહે છે, સ્મૃતિક્ષમતા ઘટેલી હોય છે અને જો વધુ તીવ્ર વિકાર હોય તો માનસિક ગૂંચવણ અને સંપૂર્ણ વિસ્મૃતિ થયેલી હોય છે. માનસિક ક્ષમતા માટે અને ભાષાક્ષમતા માટે વિશિષ્ટ કસોટી હોય છે.
મનોલક્ષી માપનકસોટીઓના મુખ્ય બે પ્રકાર છે — વસ્તુલક્ષી (objective) અને પ્રક્ષેપિત (projective). વસ્તુલક્ષી કસોટીઓમાં વેલ્શલર(Welchsler)ની પુખ્તવયી બુદ્ધિકસોટી, સ્ટૅન્ફર્ડ–બિનેટની બાળકો માટેની બુદ્ધિકસોટી, વેન્ડર–ગેન્સ્ટૅલ્ટની ર્દષ્ટિપ્રેરક કસોટી, પૉર્ટિઅસ–મેઝની પ્રકાર્યતા-કસોટી (performance test), માનવાકૃતિ-ચિત્રણની પ્રકાર્યતા-કસોટી, મિનેસોટાની બહુફલકીય વ્યક્તિત્વઘટકોની શોધયાદી (inventory), બેન્ટનની ર્દષ્ટિ-અનુબોધન, સ્મૃતિ અને પુન:સર્જન કસોટી, હાલ્સ્ટેડ–રિટાનનો કસોટીસમૂહ વગેરેનો સમાવેશ થાય છે. પ્રક્ષેપિત કસોટીઓમાં રૉર્શેક(Rorschach)ની કસોટી, વિચારવસ્તુ ગુણાગુણજ્ઞાન કસોટી (thematic apperception test), વાક્યપૂર્તિ કસોટી, ચિત્રવાર્તા-સર્જન કસોટી, શબ્દાભિસંધાનીય કસોટી (word association test) તથા ગૃહ-વૃક્ષ-માનવ-ચિત્રણ કસોટી જેમાં દર્દીને ઘર, ઝાડ કે માણસનાં મુક્તહસ્ત (freehand) ચિત્રો દોરવાનું કહેવાય છે, એમ વિવિધ પ્રકારની કસોટીઓનો સમાવેશ થાય છે.
શિલીન નં. શુક્લ