મનોન્મણિયમ્ (1891) : તમિળ પદ્યનાટક. રાવબહાદુર પી. સુંદરમ્ પિલ્લઈરચિત આ નાટક 1891માં ચેન્નાઈમાં સૌપ્રથમ પ્રગટ થયું. આ કૃતિથી તમિળ નાટ્યસાહિત્યમાં રેનેસાંનો આરંભ થયો ગણાય છે.
આ કૃતિ લૉર્ડ લિટનના ‘લૉસ્ટ ટેલ્સ ઑવ્ મિલિયસ : ધ સીક્રેટ વે’નું પદ્યમાં નાટ્યરૂપાંતર છે, જ્યારે નાટકમાંનું નાટક ‘શિવકામી ચરિતમ્’ ઑલિવર ગોલ્ડસ્મિથના ‘ધ હર્મિટ’ પર આધારિત છે.
નાટ્યકારે નાટકને ઐતિહાસિક સત્યાભાસ આપવાનો પ્રયત્ન કર્યો છે; પરંતુ સમગ્ર કૃતિ રોમૅન્ટિક છે. નાટ્યોચિત જરૂરિયાત મુજબ લેખકે મૂળ કથાવસ્તુમાં સુધારાવધારા તથા કાપકૂપ કરી છે તેમજ જીવન વિશેની પોતાની તત્વદર્શી વિચારધારા અને પૌરસ્ત્ય ર્દષ્ટિબિંદુને અનુલક્ષીને આ કૃતિમાં આધ્યાત્મિક વાતાવરણ જમાવ્યું છે.
એક કસબી ચિત્રકારની સાહજિકતાથી સુંદરમ્ પિલ્લઈએ ગુણ-અવગુણ ધરાવતાં નાટ્ય-પાત્રોનું આછા-ઘેરા રંગોથી વૈવિધ્યપૂર્ણ ચિત્રણ કર્યું છે.
વસ્તુગૂંથણીમાં કુશળતા વરતાય છે. સંવાદો, પાત્રવિકાસ, પ્રસંગાલેખન વગેરેના વિવેકપૂર્ણ ઉપયોગથી તેઓ નાટકના કથાપ્રવાહને બહેલાવતા રહે છે.
આ કૃતિમાં સમય અને સ્થળની એકતા(unity)નું પાલન થયું નથી. તેમાં શેક્સપિયરની નાટ્યરીતિનું પાલન થયાનું જોવાય છે. આખું નાટક કાવ્યમાં લખાયું છે અને તે માટે તમિળ પિંગળશાસ્ત્રનો સૌથી સરળ અગવાળ છંદનો વિનિયોગ કરવામાં આવ્યો છે. એ છંદ બહુધા ‘બ્લૅન્ક વર્સ’ને મળતો છે.
કુનેહપૂર્વક યોજાયેલા સંવાદો પાત્રોચિત, સુગમ અને અસરકારક છે. ક્યાંક તે સુદીર્ઘ બન્યા છે. તે માટે એવું કારણ આગળ કરાયું છે કે આ નાટ્યકૃતિ ભજવવા માટે નહિ, પણ વાંચવા માટે છે.
તેઓ ભાષા પર અદભુત પ્રભુત્વ ધરાવે છે. તેમની શૈલીમાં ખાસ્સું વૈવિધ્ય છે. અંગ્રેજી સાહિત્યમાંથી પણ તેમણે રૂઢિપ્રયોગો, વિભાવનાઓ તથા અલંકારો અપનાવ્યાં છે. વેદાંતી વિચારધારા, વૈજ્ઞાનિક સિદ્ધાંતો, ગુરુત્વાકર્ષણ, સંકર ગર્ભાધાન વગેરેના નવતર ખ્યાલો તેમજ વૈજ્ઞાનિક સાધનો(જેમ કે હોકાયંત્ર)ના ઉલ્લેખોના પરિણામે તમિળ વાચકવર્ગ કે પ્રેક્ષકવર્ગ સમક્ષ પાશ્ચાત્ય વિજ્ઞાન તથા ટેક્નૉલોજીનું જગત ખુલ્લું થાય છે.
આ પંચાંકી નાટકમાં એકોક્તિ તથા ગીતો પણ છે. પૂર્વરંગમાં તમિળ કાવ્યદેવીનું આહ્વાન કરાયું છે તે તામિલનાડુના રાષ્ટ્રગીત જેવી રચના બની છે. તેમાં આર્ય સંસ્કૃતિને લગતા કેટલાક ઉલ્લેખો છે અને તે સામે કેટલાક વિવેચકોનો વિરોધસૂર ઊઠ્યો હતો. આ કૃતિનું નાટ્યમાળખું પ્રશિષ્ટ પૌરસ્ત્ય પદ્ધતિનું છે, જ્યારે તેની રજૂઆત પાશ્ચાત્ય શેક્સપિરિયન ઢબની છે. એથી તેમાં પૂર્વ-પશ્ચિમની શૈલીનો સુભગ સમન્વય જોવાયો છે. આ ‘મનોન્મણિયમ્’ કેરળ નાટ્યસાહિત્યમાં અર્વાચીનતાની અગ્રયાયી (pioneer) કૃતિ બની છે.
ચન્દ્રકાન્ત મહેતા