મની ઍટ કૉલ : માંગવામાં આવે ત્યારે તરત જ પાછું મેળવી શકાય તેવું ધિરાણ. જ્યારે કોઈ એક બૅંકને તેનું રોકડ અનામત પ્રમાણ (cash reserve ratio) જાળવવા માટે અથવા બીજા કોઈ કારણસર તરત નાણાંની જરૂર પડે ત્યારે તે બૅંક બીજી બૅંક પાસેથી તુરત જ ભરપાઈ કરી આપવાની શરતે ઉછીનાં નાણાં લે છે અને તેની જરૂરિયાત પૂરી કરે છે. ધિરાણ આપનાર બૅંકની ર્દષ્ટિએ આ ધિરાણ ‘મની ઍટ કૉલ’ તરીકે ઓળખાય છે. આ ધિરાણ ટૂંકા સમય માટેનું કામચલાઉ હોય છે. મની ઍટ કૉલ પરના વ્યાજનો દર દરરોજ બદલાય છે. જો બૅંકોની જરૂરિયાત વધારે હોય તો વ્યાજના દરોમાં વધારો થાય છે. એક સમયે આ વ્યાજના દરો 60 %થી 75 % થયા હતા. સામાન્ય સંજોગોમાં આ દર 7 %થી 10 % સુધીના હોય છે. આ ધિરાણ સામાન્ય રીતે બૅંક અન્ય બૅંકો અને નાણાકીય સંસ્થાઓને કરતી હોય છે, છતાં કેટલીક વાર તેવું ધિરાણ તે વટાવગૃહો, નાણાદલાલો, શેરદલાલો, સોનાચાંદીના દલાલો અને નિગમોને પણ કરે છે. હાથ ઉપરની રોકડ ઉપર બૅંકને કોઈ વ્યાજ મળતું નથી, તેથી તેની પાસે ફાજલ રોકડ હોય તો બિનવપરાશમાં રાખી મૂકવાના બદલે તે તેનું મની ઍટ કૉલમાં રોકાણ કરીને પોતાના નફાનું ધોરણ સુધારી શકે છે. ભારતમાં નોંધાયેલી બૅંકે તેનું સરવૈયું બૅંકિંગ નિયંત્રણ અધિનિયમ 1949ની ધારા 29 અને પરિશિષ્ટ 3 હેઠળ દર્શાવેલા નમૂના પ્રમાણે તથા ભારતીય રિઝર્વ બૅંકે બહાર પાડેલી માર્ગદર્શન-રેખાઓ પ્રમાણે તૈયાર કરવાનું હોય છે; તેમાં પણ બકે રોકડ અસ્કામત પછી તુરત જ અન્ય તરલ અસ્કામત તરીકે મની ઍટ કૉલની વિગતો જાહેર કરવાની હોય છે.
અશ્વિની કાપડિયા