મનિયર, કૉન્સ્ટન્ટીન (જ. 1831, બેલ્જિયમ; અ. 1905) : બેલ્જિયન શિલ્પી. ઓગણીસમી સદીના બેલ્જિયમમાં પ્રવર્તી રહેલ સામાજિક-આર્થિક વિષમતા અને મજૂર વર્ગની બેહાલી અને પાયમાલીની સીધી અસર મનિયરની કલા પર જોવા મળે છે. મનિયરે કલાને સામાજિક ક્રાંતિના સાધન તરીકે સ્વીકારી હતી. ચિત્રકાર તરીકે પ્રારંભ કરી 1885 સુધીમાં મનિયરે ચિત્રકલાનો પૂર્ણતયા ત્યાગ કરી શિલ્પકલા અપનાવી. માનવશ્રમનો મહિમા, ગૌરવ અને શ્રમજીવીઓની યાતના એ તેમનાં શિલ્પસર્જનોના મુખ્ય વિષયો બની રહ્યા. મનિયર પ્રસિદ્ધ ફ્રેન્ચ શિલ્પી રોદ પ્રત્યે અપાર આદર ધરાવતા હતા. મનિયરની શિલ્પકલા પર રોદની ખાસ્સી અસર જોવા મળે છે. ‘બસ્ટ ઑવ્ અ પડ્લર’ એ મનિયરનું ઘણું પ્રસિદ્ધ શિલ્પ છે.

અમિતાભ મડિયા