મનીષા : ગુજરાતી સામયિક. છઠ્ઠા દાયકાના પ્રારંભે પાશ્ચાત્ય સાહિત્યના સંસર્ગે આધુનિક સાહિત્યની વિભાવનાને વ્યક્ત કરવા સુરેશ જોષીએ વિવિધ સામયિકોનો પ્રારંભ કરીને આધુનિક સાહિત્યિક પત્રકારત્વની કેડી કંડારી હતી. ‘મનીષા’ તે પૈકીનું પ્રારંભનું એક માસિક. તે માત્ર સાહિત્ય પૂરતું સીમિત નહોતું. જૂન 1954માં એ શરૂ થયું. રસિક શાહ, સુરેશ જોષીના સાથી તંત્રી હતા. ઑક્ટોબર 1955ના અંકથી ઉષા જોષી એનાં તંત્રી બન્યાં; પણ સામયિકનાં આકાર-આકૃતિનો ખ્યાલ તો સુરેશ જોષીની વિચારસૃષ્ટિ મુજબનો જ રહ્યો. 1957 સુધી તે નિયમિત રૂપે અને 1961–62 દરમિયાન અનિયમિત રૂપે તે પ્રકટ થતું રહ્યું.
‘મનીષા’ના પ્રથમ અંકમાં પ્રસિદ્ધ થયેલો ‘વિજ્ઞાનનો આત્મા’ નામક લેખ એમાં સાહિત્યેતર ચિંતનાત્મક વિષયને પણ અવકાશ હોવાની પ્રતીતિ કરાવે છે. વળી માનવવિદ્યાઓ(humanities)ને લગતાં લખાણોને પણ તેમાં સ્થાન રહેતું હતું. પારિભાષિક સંજ્ઞાઓ વિશે અગાઉના સામયિક ‘વાણી’માં ચર્ચા થયેલી. તેનો વિશેષ પરામર્શ અહીં જોવા મળે છે. એમાં સંસ્કૃતિ અને વિજ્ઞાનના થયેલા સમાસમાં તંત્રીની વિશેષ રુચિ હોવાનું જણાય છે. વળી પરંપરાભંજકતા અને પ્રયોગશીલતાનો પ્રારંભ પણ એમાં વરતાય છે. સર્જનાત્મક સાહિત્ય-સ્વરૂપો પૈકી કાવ્યો-વાર્તાઓ વગેરે એમાં છપાતાં. તે ગાળાના સક્રિય કવિઓની પ્રયોગર્દષ્ટિએ નોંધપાત્ર એવી અનેક કાવ્યકૃતિઓ એમાં પ્રસિદ્ધ થઈ છે. વાર્તાક્ષેત્રે સુરેશ જોષીની વળી ‘ઘટનાનો હ્રાસ’ કે ‘ઘટનાતિરોધાન’ની વિભાવનાને સ્ફુટ કરતી ગુજરાતી નવલિકાક્ષેત્રે નવપ્રસ્થાન દાખવતી ‘ગૃહપ્રવેશ’ની પ્રસિદ્ધ વાર્તાઓ જેવી વાર્તાઓ આ સામયિકનો ફાળો છે. એમાં ‘જનાન્તિકે’ના લલિત નિબંધો પણ પ્રગટ થયેલા. આ રીતે ‘મનીષા’ ગુજરાતી સાહિત્યમાં સર્જનક્ષેત્રે મહત્વનું સામયિક બની રહ્યું.
વળી, ‘મનીષા’થી અનુવાદપ્રવૃત્તિને વેગ મળ્યો. રવીન્દ્રનાથ-અરવિંદની કવિતા ગુજરાતીમાં આવી. સાર્ત્ર, કાફકા, કામુનું નામ ગાજતું થયું. એ રીતે પરભાષાના પરિશીલનની દિશા ઊઘડી અને સાહિત્યિક ચર્ચાને વેગ મળ્યો. ‘મનીષા’માં ગ્રંથાવલોકન પણ આવતું હતું. તેમાં સાહિત્યનાં ચિંતનાત્મક લખાણો પણ આવતાં હતાં. પરંપરાભંજક વિવેચનમાં પણ આ માસિકનો ફાળો મહત્વનો રહ્યો છે.
આમ ‘મનીષા’ ચિંતન-સર્જન-વિવેચનનું ગંભીર પ્રકારનું સામયિક હતું. એના થકી વિશ્વસાહિત્યથી ગુજરાતી વાચક પરિચિત થયો. છઠ્ઠા દાયકાના ઉત્તરાર્ધમાં ગુજરાતી સાહિત્યમાં સર્જનાત્મક ક્ષેત્રે જે પરિવર્તન આવ્યું તેની પૂર્વભૂમિકામાં, પાશ્ચાત્ય સાહિત્ય પ્રતિ વિશેષ ઝોક ધરાવતા આ સામયિકનું યોગદાન રહેલું છે.
પ્રફુલ્લ રાવલ