મનાલી : હિમાચલપ્રદેશના કુલુ જિલ્લામાં આવેલું ગિરિનગર. ભૌગોલિક સ્થાન : 32° 15´ ઉ. અ. અને 77° 10´ પૂ. રે. તે સમુદ્રસપાટીથી 2,134 મીટરની ઊંચાઈએ આવેલું છે. સિમલાથી તે 274 કિમી.ને અંતરે તથા કુલુથી કુલુ–લેહ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 21 પર 40 કિમી.ને અંતરે આવેલું છે. આ ગિરિનગર તેનાં કુદરતી રમણીય ર્દશ્યો તેમજ શીતળ આહલાદક આબોહવાને કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું સ્થળ બની રહેલું છે. તેની ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમે ડુંગરધારો વિસ્તરેલી છે, કેટલીક જગાએ ઉગ્ર ઢોળાવવાળી ભેખડો ત્યાંની ખીણો સુધી જુદી પડી આવે છે તથા ચોખ્ખા હવામાન વખતે આજુબાજુના ભાગથી જુદાં તરી આવતાં હિમાચ્છાદિત શિખરો સ્પષ્ટ દેખાય છે. કુલુ–મનાલી માર્ગ પણ બિયાસ નદીની ધારે ધારે પર્વતીય ઢોળાવો અને ગાઢ જંગલમાંથી પસાર થાય છે. હિમાચ્છાદિત શિખરો, દેવદારનાં ઊંચાં વૃક્ષો અને નજીકમાં વહેતી બિયાસ નદી જેવાં નયનરમ્ય ર્દશ્યોને કારણે કુલુ–મનાલી વિસ્તારને ‘દેવોની ખીણ’ (Valley of Gods) નામથી નવાજવામાં આવેલો છે. પ્રવાસીઓ માટે અહીં રહેવા-જમવાની સુવિધાઓ પણ વિકસાવવામાં આવેલી છે.
કહેવાય છે કે મહાભારતના રચયિતા વ્યાસની આ તપોભૂમિ હતી. પાંડવોના અજ્ઞાતવાસનું સ્થળ હોવાની દંતકથા પણ પ્રચલિત છે. અહીં નજીકમાં હિડિંબામંદિર, હિમાદેવીનું ધ્રૂંગીમંદિર તેમજ મનુમંદિર જેવાં પૌરાણિક સ્થળો આવેલાં છે. ગંધકયુક્ત ગરમ પાણીના વસિષ્ઠ કુંડ માટે પણ મનાલી જાણીતું છે. વસિષ્ઠ મુનિએ અહીં તપસ્યા કરી હોવાનું માનવામાં આવે છે. વિખ્યાત રશિયન ચિત્રકાર નિકોલસ રોરિકનો સ્ટુડિયો પણ ત્યાં આવેલો છે. દુનિયાનો સૌથી વધુ ઊંચાઈ પરનો માર્ગ મનાલી પાસેથી પસાર થઈને લડાખના લેહ ખાતે જાય છે. 1981માં અહીંની વસ્તી 2,254 જેટલી નોંધાયેલી.
ગિરીશભાઈ પંડ્યા