મનશ્ચિકિત્સાવિદ્યા (Psychiatry)
સારણી : 1. મનશ્ચિકિત્સાવિદ્યાનાં વિવિધ પાસાં.
ક. મનશ્ચિકિત્સાવિકાર (psychiatric disorder)
ખ. માનસિક આરોગ્ય (mental health)
ગ. માનસિક વિકારોની નિદાનપ્રક્રિયા
ઘ. મન:સ્થિતિનું પરીક્ષણ (examination of mental status)
ઙ. માનસિક વિકારોનું વર્ગીકરણ
(1) મગજના રોગોથી થતી માનસિક અસ્વસ્થતાઓ (પેશીવિકૃતિજન્ય માનસિક વિકારો – organic mental disorders)
(અ) સંનિપાત (delirium)
(આ) મનોભ્રંશ (dementia)
(ઇ) પેશીવિકૃતિજન્ય વિસ્મૃતિ (organic amnestic syndrome)
(ઈ) પ્રકીર્ણ પેશીવિકૃતિજન્ય માનસિક વિકારો
(2) મન:સક્રિય દ્રવ્યજન્ય વિકારો (psychoactive substance-use disorders)
(3) વિચ્છિન્નમનસ્કતા (schizophrenia)
(4) મનોદશા(ભાવસ્થિતિ)-વિકારો (mood disorders)
(અ) માનસિક ઉન્માદી અધિપ્રસંગ (maniac episode)
(આ) ખિન્નતાપૂર્ણ અધિપ્રસંગ (depressive episode)
(ઇ) દ્વિધ્રુવી મનોદશાવિકાર (bipolar mood disorder)
(ઈ) પુનરાવર્તી ખિન્નતાવિકાર (recurrent depressive disorder)
(ઉ) નિરંતર મનોદશાવિકાર (persistent mood disorder)
(ઊ) પ્રકીર્ણ મનોદશાવિકારો
(5) અન્ય તીવ્ર મનોવિકારી વિકારો (psychotic disorders)
(અ) દુર્માન્યતા(ભ્રાંતિ)લક્ષી વિકારો (dilusional disorders)
(આ) ઉગ્ર અને અલ્પકાલીન તીવ્ર મનોવિકારો (acute and transient psychosis)
(ઇ) વિચ્છિન્ન-ભાવમનસ્કતા (schizo-affective disorder)
(ઈ) પ્રતિક્રિયાત્મક તીવ્ર મનોવિકાર (reactive psychosis)
(6) સૌમ્ય મનોવિકારી (neurotic) તણાવજન્ય અને દેહારોપિત (somatoform) મનોવિકારો
(અ) ચિંતાવિકારો (anxiety disorders)
(આ) ભીતિજન્ય ચિંતાવિકારો (phobic anxiety disorders)
(ઇ) અદમ્ય પુનર્વર્તિતા વિકાર (obsessive-compulsive disorder)
(ઈ) સંરૂપાંતરી મનોવિકારો (conversion disorders) અને/અથવા વિયોજનકારી મનોવિકારો (dissociative disorders)
(ઉ) દેહારોપિત મનોવિકારો
(ઊ) ઉગ્ર તણાવજન્ય પ્રક્રિયા અને સમાયોજન (adjustment) વિકારો
(ઋ) અન્ય વિશિષ્ટ સૌમ્ય મનોવિકારી રોગો
(7) પુખ્તવયી વ્યક્તિત્વવિકારો અને વર્તનવિકારો (adult personality disorders and behaviour disorders)
(અ) ભ્રાંતિલક્ષી દુર્માન્યતાલક્ષી (paranoid) વ્યક્તિત્વવિકાર
(આ) વિચ્છિન્નમનસ્કતાભ (schizoid) વ્યક્તિત્વવિકાર
(ઇ) વિચ્છિન્ન મનસ્કતાપ્રકારી (schizotypical) વ્યક્તિત્વવિકાર
(ઈ) પ્રતિસામાજિક/દુ:સામાજિક (antisocial/dissocial) વ્યક્તિત્વવિકાર
(ઉ) સંનાટકીય (histrionic) વ્યક્તિત્વવિકાર
(ઊ) સ્વમોહનલક્ષી (narcissistic) વ્યક્તિત્વવિકાર
(ઋ) અસ્થિરભાવલક્ષી (emotionally unstable) વ્યક્તિત્વવિકાર
(એ) આશંકિત પરિવર્જનશીલ (anxious-avoidant) વ્યક્તિત્વવિકાર
(ઐ) પરાવલંબિત (dependent) વ્યક્તિત્વવિકાર
(ઓ) અદમ્ય પુનરાવર્તી (obsessive-compulsive) વ્યક્તિત્વવિકાર
(ઔ) અસક્રિય-આક્રમક (passive-aggressive) વ્યક્તિત્વવિકાર
(અં) અન્ય વ્યક્તિત્વલક્ષી અને વર્તનલક્ષી વિકારો
(8) મનોલૈંગિક વિકારો (psychosexual disorders)
(અ) લૈંગિક અભિજ્ઞાન (gender identity) વિકારો
(આ) લૈંગિક વિકાસ અને પરિપક્વતાલક્ષી વિકારો
(ઇ) લૈંગિક પરાચલન (paraphilia) અથવા લૈંગિક પસંદગીના વિકારો
(ઈ) લૈંગિક દુષ્કાર્યશીલતા (sexual dysfunction)
(9) નિદ્રાવિકારો
(અ) દુર્નિદ્રાઓ (dysomanias)
(આ) પરાનિદ્રાઓ (parasomnias)
(10) મનોલક્ષી (psychological) અને દેહવિકાર(physical disorders) જન્ય વર્તનવિકારો
(અ) આહારવિકારો
(આ) સગર્ભાવસ્થા અને સૂતિકાકાલના વિકારો
(ઇ) મનોદેહલક્ષણી વિકારો (psychosomatic disorders)
ચ. બાળમનોવિજ્ઞાન અને માનસિક અલ્પવિકસન (mental retardation)
છ. મનોલક્ષી ઔષધવિદ્યા
(1) પ્રતિતીવ્ર મનોવિકારલક્ષી (antipsychotic) ઔષધો
(2) પ્રતિખિન્નતા (antidepressant) ઔષધો
(3) લિથિયમ તથા અન્ય મનોદશા સ્થાપિત કરતાં (mood stabilising) ઔષધો
(4) ચિંતાશામક અને ઘેન-નિદ્રાપ્રેરક (anti-anxiety and hypno-sedative) ઔષધો
જ. જૈવિક સારવાર-પદ્ધતિઓ (biological methods of treatment)
(1) વીજ-આંચકીકારી ચિકિત્સા (electro-convulsive therapy, ECT)
(2) મન:શસ્ત્રક્રિયા (psychosurgery)
ઝ. મનશ્ચિકિત્સા (psychotheraphy) અને મનોવિશ્લેષણ (psychoanalysis)
ટ. સંકટકાલીન મનશ્ચિકિત્સાવિદ્યા (emergency psychiatry)
ઠ. ન્યાયલક્ષી મનશ્ચિકિત્સાવિદ્યા (forensic psychiatry)
ડ. સામુદાયિક (community) મનશ્ચિકિત્સાવિદ્યા
મનશ્ચિકિત્સાવિદ્યા (Psychiatry) : મન, ભાવ (લાગણી) અને વ્યક્તિને લગતા વિકારો અને રોગોનો અભ્યાસ, સારવાર તથા તેમના પૂર્વનિવારણના ઉપાયોને આવરી લેતી વિદ્યા. તેના વિશેષજ્ઞ તબીબને મનશ્ચિકિત્સાવિદ (psychiatrist) કહે છે. બધા જ પ્રકારના દર્દીઓમાંથી આશરે 2 ભાગના દર્દીઓને માનસિક વિકાર હોવાને કારણે આ વિદ્યાના વિશેષજ્ઞ ઉપરાંત દરેક તબીબને તેની ઓછી-વધતી જાણકારી હોવી જરૂરી ગણાય છે. સમગ્ર વિષયમાં મુખ્ય સંકલ્પનાઓ, તેની અંતર્ગત આવતા વિકારો અને રોગો તથા તેના ચિકિત્સીય પાસાંને આવરી લેવાય છે (સારણી 1).
(ક) મનશ્ચિકિત્સાવિકાર (psychiatric disorder) : સામાન્ય મનમાં જ્ઞાન અથવા બૌધાત્મકતા (cognition), કર્મ અથવા મન:સક્રિયતા (conation) તથા ભાવ (affect) અથવા ભાવાત્મકતાનો એક સંતુલિત ત્રિભુજ રચાયેલો હોય છે. તેમને અનુક્રમે વિચાર, કાર્ય કે લાગણીના રૂપે આપણે સમજીએ છીએ. આ ત્રણમાં કોઈ એક કે વધુ પાસાંને કારણે અસંતુલન થાય ત્યારે માનસિક વિકાર થાય છે. માનસિક વિકારને કારણે મનોવ્યાપાર કે વર્તન વિષમ (abnormal) બને છે, તેને કારણે એક જાતની માનસિક અપંગતા (disability) ઉદભવે છે અને તેથી ક્યારેક વ્યક્તિ માનસિક સ્વતંત્રતા ગુમાવે છે; પરંતુ જો તે તેના સામાજિક વર્તનમાં આવેલું ધારણા મુજબનું વિચલન (deviation) હોય કે વ્યક્તિને થઈ આવેલી તણાવયુક્ત સ્થિતિ ધારણા મુજબના પ્રતિભાવ જેવી હોય તો તે મનોવિકાર ગણાતો નથી. વ્યક્તિ અને સમાજ વચ્ચેની વિરોધિતા (conflict) પણ માનસિક વિકાર ગણાતી નથી. તેથી માનસિક વિકાર, વ્યાખ્યાની રીતે કહીએ તો, વ્યક્તિની અભિવ્યક્ત (expressed) વર્તનલક્ષી, માનસિક અને/અથવા જૈવિક દુષ્કાર્યશીલતા (dysfunction) છે.
(ખ) માનસિક આરોગ્ય : તેની વ્યાખ્યા કરવી મુશ્કેલ હોવાથી તેને વિવિધ પ્રરૂપકો(models)ના રૂપે સમજવામાં આવે છે. તબીબી ર્દષ્ટિકોણથી જોવામાં આવે તો મનોવિકાર (psychological disorder) કે મનોરુગ્ણતા(psychopathology)ની ગેરહાજરી સામાન્ય માનસિક આરોગ્ય સૂચવે છે. આંકડાશાસ્ત્રીય રીતે માનસિક સ્થિતિ માપવાનાં પરિમાણો જો સામાન્ય સ્થિતિની આસપાસનાં બે પ્રમાણિત વિચલનો(standard deviations)ની અંદરનાં હોય તો તેને સામાન્ય માનસિક આરોગ્યમાં આવરી લેવાય છે. સામાન્ય તત્વજ્ઞાનીય સંકલ્પનાની ર્દષ્ટિએ યથાર્થ માનસિક કાર્યશીલતાને માનસિક આરોગ્ય કહે છે. સમાજવિદ્યાની ર્દષ્ટિએ આવી વ્યક્તિનો સામાજિક વ્યવહાર સંતુલિત હોય છે; પરંતુ મનોવર્ણપટીય સાતત્યના પ્રરૂપક (continuum model) પ્રમાણે સંપૂર્ણ સામાન્ય મન:સ્થિતિ અને મનોવિકાર એક એવા મનોવર્ણપટના બે છેડા છે કે જેમની વચ્ચે ક્રમશ: વધતી/ઘટતી જતી સમતા/વિષમતા રહેલી છે. સામાન્ય માનસિક સ્થિતિવાળી વ્યક્તિ વાસ્તવિકતા તરફ સભાન હોય છે, પોતાની જાત તથા પોતાના વિશેના જ્ઞાનથી વાકેફ હોય છે (તેને અંત:સૂઝ કહે છે), તેને આત્મગૌરવ અને આત્મ-સ્વીકૃતિ હોય છે, તે પોતાના વર્તનને નિયંત્રિત કરી શકે છે અને ઉત્પાદન અને ધ્યેયલક્ષી કાર્યો કરવાને સક્ષમ હોય છે.
(ગ) માનસિક વિકારોની નિદાનપ્રક્રિયા : બીજા કોઈ પણ રોગ કે વિકારજૂથ કરતાં માનસિક વિકારોના જૂથમાં દર્દી સાથેની વાતચીત (interview) અને તેના વિકારના ઉદભવ, સમયગાળો અને વિકાસની નોંધનું મહત્વ વધુ રહે છે. શારીરિક તપાસ કરવાથી મગજની પેશીના રોગોની જાણકારી મેળવી શકાય છે. મગજની પેશીના રોગોથી થતા માનસિક વિકારોને મસ્તિષ્કી વિકૃતિજન્ય માનસિક વિકારો (organic disorders) અથવા પેશીવિકૃતિજન્ય મનોવિકારો કહે છે. દર્દી સાથે વાત કરીને તેના અંતર્મન અંગેની જાણકારી મેળવવાની ક્રિયા વિશિષ્ટ તાલીમ માંગી લે છે. દર્દી સાથે સરસ રીતે વાતચીત કરનાર મનશ્ચિકિત્સાવિદ વધુ અર્થપૂર્ણ માહિતી મેળવે છે, સ્પષ્ટ નિદાન કરી શકે છે અને દર્દી સાથે સારો નાતો અથવા સહસંબંધ (rapport) કેળવી શકે છે. તેના કારણે તે સરસ રીતે અને સફળતાપૂર્વક તેની સારવાર કરી શકે છે. દર્દી સાથેની વાતચીત અંગે કેટલાક વિશિષ્ટ મુદ્દાઓ છે. વાતચીત માટે એક સાતત્યપૂર્ણ પદ્ધતિ વિકસાવેલી હોય છે. જો દર્દી દ્વારા અપાયેલું ચિકિત્સીય વૃત્તાંત (clinical history) અને તેના વિશે માહિતી આપનારાનું વૃત્તાંત અલગ અલગ હોય તો તે બંનેની અલગ નોંધ કરાય છે. દર્દીની આસપાસનું વાતાવરણ સગવડપૂર્ણ રખાય છે. વાતચીત વખતે દર્દીનું માનસિક બંધારણ, તેની માનસિક સ્થિતિ અને તેની અભિવ્યક્તિની ફાવટ તથા મર્યાદાઓને પણ નોંધવામાં આવે છે. દર્દીના પ્રતિભાવોને શબ્દશ: નોંધવામાં આવે છે અને તે દર્દીની પોતાની બોલાયેલી ભાષામાં જ નોંધવામાં આવે છે. દર્દીને મુક્ત અને કોઈ ચોક્કસ દિશાદર્શન કરાવતા ન હોય એવા પ્રશ્નો પુછાય છે. દર્દીને શાંતિથી અને ધ્યાનથી સાંભળવાની ક્રિયા(શ્રવણ, listening)ને ઘણું મહત્વ અપાય છે. દર્દીને સાંભળવામાં ચિકિત્સાવિદને રસ છે એવું ખાસ દર્શાવાય છે. દર્દીની માહિતીને ગોપનીય રખાય છે; પરંતુ આત્મઘાતી, પરઘાતી કે બાળકોના દુ:શોષણ(child abuse)ની માહિતી ઘણી વખત ગોપનીય રાખી શકાતી નથી. જરૂર પડ્યે દર્દી સાથેની વાતચીત માટે એકથી વધુ મુલાકાતો યોજાય છે.
દર્દી સાથેની વાતચીતની નોંધમાં અનેક પ્રકારની માહિતીને આવરી લેવાય છે. તેની ઓળખ, રહેઠાણ અને વ્યવસાયની માહિતી; તેને વિશે માહિતી આપનારની ઓળખ, રહેઠાણ અને વ્યવસાયની માહિતી; દર્દીની મુખ્ય તકલીફોના ઉદભવ, સમયગાળો અને વિકાસની માહિતી; તેની તકલીફોમાં થતા વધારા-ઘટાડાને અસર કરતાં પરિબળો; દર્દીની માંદગીની વિગતોની સમયક્રમાનુસાર નોંધ; દર્દીને ભૂતકાળમાં કોઈ માનસિક કે અન્ય રોગ થયો હોય તો તેની વિગતો; દર્દીને અન્ય કોઈ રોગ હોય તો તેની અને તેની સારવારની વિગતો, તેના કુટુંબવિષયક સામાન્ય ને રોગવિષયક સંપૂર્ણ માહિતી; દર્દીની પોતાની આદતો અને હાજતો અંગે જાણકારી; દર્દીના જન્મસમયના અને બાળપણના નોંધનીય પ્રસંગો; તેની શિક્ષણપ્રક્રિયા; યૌવનારંભ(puberty)ના સમયની નોંધ; સ્ત્રીદર્દીની ઋતુસ્રાવ અને ગર્ભધારણ અંગેની માહિતી; દર્દીના વ્યવસાય અંગે નોંધ; તેના જાતીય જીવન અને લગ્નજીવનની માહિતી; માંદગી પહેલાંનું દર્દીનું વ્યક્તિત્વ; ખાસ કરીને તેના અન્ય વ્યક્તિઓ સાથેના સંબંધો; તેનો આરામનો સમય; તેની સામાન્ય મનોદશા અથવા ભાવસ્થિતિ (mood), પોતાના અને અન્ય તરફના અભિગમો; કાર્યશૈલી, ધાર્મિક અને નૈતિક માન્યતાઓ; તેનો કલ્પનાવિહાર (fantasy); તેની ટેવો વગેરેની ટૂંક નોંધ ઇત્યાદિને દર્દી સાથેની વાતચીત તથા મુલાકાતની નોંધમાં આવરી લેવાય છે. ત્યારબાદ દર્દીની સંપૂર્ણ શારીરિક અને ચેતાતંત્રીય તપાસ કરાય છે.
(ઘ) મન:સ્થિતિનું પરીક્ષણ (mental status examination) : તેમાં દર્દીનો સામાન્ય દેખાવ, વાણી, મનોદશા (ભાવસ્થિતિ) અને ભાવ (affect), વિચાર, અનુબોધન (perception), બોધાત્મક (cognitive) અથવા મનશ્ચેતાકીય (neuropsychiatric) ચકાસણી, અંત:સૂઝ અથવા અંર્તર્દષ્ટિ (insight), પરિસ્થિતિઅંદાજ (judgment) વગેરેનો અભ્યાસ કરાય છે.
દર્દીના સામાન્ય દેખાવ અને વર્તનની ચકાસણીમાં તેનો સામાન્ય દેખાવ ઉપરાંત તબીબ તરફનું મનોવલણ (attitude), સમજણ (comprehension), ચાલવાની ઢબ અને અંગવિન્યાસ (posture), હલનચલન, સામાજિક વર્તાવ તથા દર્દી અને તબીબ વચ્ચે સ્થપાયેલ સહસંબંધ (rapport) વગેરેની નોંધ લેવામાં આવે છે. દર્દીનાં ઊંચાઈ, વજન, તેને કેટલું સગવડભર્યું વાતાવરણ લાગી રહ્યું છે તે, તેનું આરોગ્ય, અંગત સફાઈ, શરીરની જાળવણી, પહેરવેશ, ચહેરા પરના ભાવ અને તે સ્ત્રૈણ (effeminate) કે પૌરુષ (masculine) લાગે છે તેની નોંધ કરીને તેનો સામાન્ય દેખાવ કેવો છે તેની ધારણા કરાય છે. દર્દીનું તબીબ તરફનું વર્તન કેવું છે તેની નોંધ લેવાય છે. તે સહકારપૂર્ણ, સંરક્ષણાત્મક (guarded), અસંબંધિત (evasive), વિરોધપૂર્ણ (hostile) કે પ્રતિકારાત્મક (combative) છે તે નોંધવામાં આવે છે. તે કેટલું ધ્યાન આપે છે, તે સમગ્ર ક્રિયામાં રસ ધરાવે છે, નીરસ કે ભાવશૂન્ય (apathetic) રહે છે અથવા તો કોઈ અન્ય પ્રકારનું વર્તન કરે છે તે બધાની નોંધ લઈને તેનું મનોવલણ નક્કી કરાય છે. દર્દીની સમજણ, ચાલવાની ઢબ તથા ઊઠવા-બેસવાના ઢંગ(અંગવિન્યાસ)ની ખાસ નોંધ લેવાય છે. દર્દીનું હલનચલન વધુ પડતું છે કે એકદમ ઓછું છે, તે ઉશ્કેરાટપૂર્ણ છે કે માદક ઘેનયુક્ત (stupor) છે, તે કોઈ અનૈચ્છિક હલનચલનક્રિયાઓ કે કુટેવજન્ય ક્રિયાઓ કરે છે કે નહિ, તેના અંગમાં કંપન (tremor) છે કે નહિ, તેનું હલનચલન બંધ થઈ ગયેલું છે કે નહિ, તે અજંપાયુક્ત (restless) અથવા આરામવિહોણો છે કે નહિ, તેનામાં પરિવર્તનકારી કે અલગકારી ચિહ્નો છે કે નહિ, તેને ખેંચ કે આંચકી (convulsions) આવે છે કે નહિ, તે નખ કરડવા જેવી અદમ્ય ક્રિયાઓ કર્યા કરે છે કે નહિ, તેનો પ્રતિભાવ ઝડપી છે કે ધીમો છે વગેરે વિવિધ બાબતોને ધ્યાનમાં લઈને તેના હલનચલન અંગે નિર્ણય લેવાય છે. દર્દીનું સામાજિક વર્તન કેવું છે – ઓછું છે, વધુ છે કે અસંગત છે – તથા તે નેત્રાનુનેત્રર્દષ્ટિયોગ (eye-to-eye contact) કેવો જાળવે છે તે ખાસ નોંધાય છે. તે તાકી રહે છે કે નથી તાકી રહેતો કે પછી ભાવશૂન્યતાથી તાકી રહે છે તે બધું જોવામાં આવે છે. દર્દી-તબીબ વચ્ચેનો સહસંબંધ (rapport) યોગ્ય પ્રકારનો છે કે નહિ તે તથા દર્દીનું વર્તન કોઈ માનસિક ભ્રમણા(hallucination)ને આધારે થઈ રહ્યું છે કે નહિ તે પણ જોઈ લેવાય છે.
દર્દીની વાણીની ચકાસણીમાં તે બોલી શકે છે કે નહિ (અવાકતા, mutism) તથા તેની વાણી સ્વયંભૂ છે કે પ્રતિભાવપૂર્ણ છે તેની નોંધ લેવાય છે. તે વધુ બોલે છે કે ઓછું ઝડપથી બોલે છે કે ધીમું તથા તેની વાણી સબળ છે કે નિર્બળ તે પણ જોવાય છે. અવાજનાં સ્તર, સ્વર અને સૂર કેવાં છે તે નોંધવામાં આવે છે. વાણીનો પ્રવાહ અને તાલ સહજ અને સરળ છે કે ખચકાટપૂર્ણ અને તે અટકી અટકીને આવે છે, તોતડાય છે કે કેમ, તેનાં ઉચ્ચારણ સ્પષ્ટ છે કે અસ્પષ્ટ, તે સીધી દિશામાં વાતો કરે છે કે ગોળ ગોળ ફરતી, તેને વારંવાર કોઈ શબ્દ કે શબ્દસમૂહને બોલવાની ટેવ છે કે નહિ તથા તે મુદ્દાને વળગી રહે છે કે વિચારોની ઊછળકૂદ ધરાવે છે તેની નોંધ કરાય છે. આમ અનેક બાબતો ધ્યાન પર લેવાય છે.
લાંબા સમય સુધી જે પ્રકારની લાગણી પ્રમાણેની સ્થિતિમાં મન રહે છે તેને મનોદશા અથવા ભાવસ્થિતિ (mood) કહે છે. તે દર્દીના મનોવલણ અને દેખાવને સુનિશ્ચિત કરે છે. વ્યક્તિના જે તે સમયે થતા વ્યક્તિલક્ષી લાગણીના તાત્કાલિક અનુભવને ભાવ (affect) કહે છે. દર્દી પોતાની મનોદશાને જે રીતે વર્ણવે તેને તેનો વ્યક્તિલક્ષી ભાવ (subjective affect) કહે છે. દર્દીનો ભાવ તથા તેની ભાવસ્થિતિ (મનોદશા) જે તે સમયનાં વાતાવરણ અને વિચારને અનુકૂળ છે કે નહિ તે જોવામાં આવે છે. સામાન્ય રીતે મનોદશાને હૂંફાળી, સ્વર્ગસુખાભાસ(euphoria)વાળી, આનંદિત, અત્યાનંદિત (માનસિક ઉન્માદ, mania), આશંકિત (anxious), અજંપાપૂર્ણ (restless), ચિંતા અને ખિન્નતાપૂર્ણ, ઉદાસ (sad), ઉશ્કેરાટભરી કે સંતાપશીલ (irritable), ક્રુદ્ધ અથવા ક્રોધિત, દુ:ખી, છીછરી (shallow), બુઠ્ઠી (blunted), બેદરકાર (indifferent), દમિત (restricted), અસંગત (inappropriate) કે વિચ્છિન્નમનસ્કતાપૂર્ણ (schizophrenic) એમ અનેક રીતે વર્ણવવામાં આવે છે.
સામાન્ય રીતે બોલાયેલી વાતના દળ(content)ને વિચાર કહે છે અને તેને તેના પ્રવાહ (stream), ઘાટ (form), દળ (content) અને ધારણ(possession)ના રૂપ સમજવામાં આવે છે. સ્વયંભૂપણું, ઉત્પાદકતા, ખ્યાલ અથવા ધ્યર્થ(idea)નું ઊંડાણ, શબ્દ-દારિદ્રય, વિચારરોધ (thought block), સરળ પ્રવાહિતા, તાર્કિકતા, વૈચારિક અપપતન (perversion) વગેરે વિવિધ રીતે વિચારના પ્રવાહ અને ઘાટને નોંધવામાં આવે છે. આમાંની કેટલીક બાબતો વાણીપરીક્ષણમાં પણ આવે છે. વિચારોના દળ અને ધારણના પરીક્ષણમાં આંતરિક ખ્યાલો, અદમ્ય અથવા અદાબ પુનર્વર્તી ભય, દુર્માન્યતાઓ (ભ્રાંતિ), ઈર્ષ્યાભાવ, સ્વદોષભાવ (guilt), નકારાત્મકતા, શારીરિક તકલીફો, હતાશા, અસહાયતા, અનુપયોગીપણાની ભાવના, આપઘાત કરવાના વિચારો વગેરે અનેક બાબતો તરફ ખાસ ધ્યાન આપવામાં આવે છે.
પરિસ્થિતિ અંગેના માનસિક તારણને અનુબોધન (perception) કહે છે. તેમાં માનસિક ભ્રમણાઓ (hallucination), વિભ્રમ (illusion), વિવ્યક્તિત્વીકરણ (depersonalisation), વિવાસ્તવીકરણ (derealisation), પરચેતનપ્રવેશ (somatic passivity) વગેરે વિવિધ પ્રકારનાં વિષમ અનુબોધનો થતાં હોય છે. કોઈ સંવેદનાની ગેરહાજરીમાં સંવેદના પ્રાપ્ત થઈ છે એવું અનુબોધન થાય તેને ભ્રમ, મનોભ્રમ અથવા માનસિક ભ્રમણા (hallucination) કહે છે; જેમ કે, ભણકારા વાગવા. આવી ભ્રમણાઓ શ્રવણ, ર્દષ્ટિ, સ્પર્શ, સ્વાદ કે ગંધની સંવેદનાઓના રૂપે હોય છે. માનસિક વિકારોમાં શ્રવણલક્ષી ભ્રમણાઓ (દા.ત., જુદા જુદા અવાજો સંભળાવા) વધુ નોંધાય છે. ભ્રમણાઓ જાગ્રત અવસ્થામાં તથા ઊંઘમાં પણ થાય છે. કોઈ પ્રકારની સંવેદના હોય પણ તેનું ખોટું અર્થઘટન કે અનુબોધન થાય તો તેને વિભ્રમ (illusion) કહે છે; જેમ કે, દોરડાને બદલે તે સાપ હોવાનું અર્થઘટન થાય. જ્યારે વાસ્તવિકતા અંગેનું ખોટું અર્થબોધન દર્દીના વ્યક્તિત્વને અસર કરે છે અથવા તેના વાસ્તવિકતા અંગેના અનુબોધનને વિકારયુક્ત કરે છે ત્યારે તેમને અનુક્રમે વિવ્યક્તિત્વીકરણ અને વિવાસ્તવીકરણ કહે છે. જ્યારે દર્દી એવું માને કે તેનામાં કોઈ બહારની ચેતનાએ પ્રવેશ કર્યો છે અને તે હવે અસક્રિય (passive) વાહક તરીકે પરકાયપ્રવેશી ચેતનાને આધારે કાર્ય કરે છે, તો તેને પરચેતનપ્રવેશ કહે છે.
જો દર્દીની બોધાત્મકતા (cognition) વિકારવાળી હોય તો તે સામાન્ય રીતે મગજની પેશીના રોગની હાજરી સૂચવે છે. દર્દી સભાન છે કે ગૂંચવાયેલો, તે ઘેનમાં છે અથવા બેભાન છે, તેને સ્થળ અને સમયની સભાનતા છે કે નહિ, તે વાતાવરણ તરફ ધ્યાન આપી રહ્યો છે કે નહિ, તે એકાગ્રતા કેળવી રહ્યો છે કે નહિ, તેની તાજેતરના બનાવોની અને દૂરના ભૂતકાળના બનાવોની સ્મૃતિ કેવી છે, તેની બુદ્ધિનું સ્તર કેટલું છે, તે અમૂર્ત વિચારણા (abstract thinking) કરી શકે છે કે નહિ વગેરે બાબતોની નોંધ વડે દર્દીની બોધાત્મકતા જાણી શકાય છે.
દર્દીની પોતાના રોગ વિશેની સમજણ (comprehension) અને જાગૃતિને એની અંતર્દષ્ટિ અથવા અંત:સૂઝ (insight) કહે છે. પોતાના શારીરિક તથા માનસિક વિકાર તરફનું દર્દીનું મનોવલણ તેની અંતર્દષ્ટિનું દ્યોતક છે. દર્દી પરિસ્થિતિ વિશે કેવી ધારણા કરીને નિર્ણય કરે છે તે પણ ખાસ જોવાય છે. આમ વિવિધ પાસાંઓથી દર્દીની માનસિક સ્થિતિનું પરીક્ષણ કરાય છે.
દર્દીની ઉપર જણાવેલી તપાસ-પ્રક્રિયાઓ કરીને જરૂર પડ્યે રુગ્ણતાલક્ષી પરીક્ષણશાળા(pathological laboratory)માં જુદી જુદી કસોટીઓ કરાય છે. તેમાં દર્દીના લોહીના કોષોની સંખ્યા, હીમોગ્લોબિનનું પ્રમાણ, મૂત્રપિંડ અને યકૃત(liver)ની કાર્યક્ષમતા, લોહીમાં ગ્લુકોઝ અને વીજવિભાજ્યો(electrolytes)નું પ્રમાણ જાણવા માટેની કસોટીઓ તથા પેશાબની ચકાસણી કરાય છે. 35 વર્ષથી વધુ ઉંમર હોય તો હૃદયનો વીજાલેખ (electrocardiogram, ECG) નોંધવામાં આવે છે. દર્દીને ઉપદંશ (syphilis) કે એઇડ્ઝનો રોગ છે કે નહિ તે પણ જોઈ લેવાય છે. નશાકારક દ્રવ્યના સેવન વિશે શંકા પડે તે કિસ્સામાં દારૂ, કોકેન, અફીણજૂથનાં રસાયણો, કેનાબિસ, ફેન્સાઇક્લિડિન, બેન્ઝોડાયાઝેપિન્સ, બાર્બિચ્યુરેટ્સ વગેરે દવાઓનું લોહીમાં સ્તર વધેલું છે કે નહિ તે પણ જાણી લેવાય છે. તેવી રીતે માનસિક રોગો કે અન્ય રોગોની સારવારમાં વપરાતાં લિથિયમ, કાર્બામેઝેપિન, વેલ્પ્રોએટ, હેલોપેરિડોલ, ત્રિચક્રીય ખિન્નતારોધક ઔષધો વગેરેની લોહીમાં કેટલી સપાટી છે તે પણ જાણવું જરૂરી હોય તો તેની તપાસ કરાય છે. મગજનો વીજાલેખ (electroencephalogram, EEG), મગજની વીજક્રિયાનો નકશો (brain electrical activity mapping, BEAM), ઊંઘ દરમિયાન હૃદય, મગજ, આંખ, સ્નાયુઓ વગેરેના વીજાલેખો તથા શરીરનું હલનચલન, શ્વસનક્રિયા, શિશ્નની સ્થિતિ, લોહી અને પેશીમાં ઑક્સિજનનું સ્તર, ગૅલ્વેનિક ત્વકીય પ્રતિભાવ (galvanic skin response) વગેરે વિવિધ બાબતો ચકાસવામાં-માપવામાં તથા નોંધવામાં આવે છે. તેને બહુઅવયવી આલેખ-(polysomatography)ની કસોટી કહે છે. મગજમાં કોઈ રોગ કે વિકાર થયો છે કે નહિ તે જાણવા સી. એ. ટી. સ્કૅન અને એમ. આર. આઈ. વડે ચિત્રો મેળવાય છે. તેવી રીતે જરૂર પડે તે કિસ્સાઓમાં ધનભારાણુ ઉત્સર્જન આડછેદી ચિત્રણ (positron emission tomography, PET), એકતેજાણુ-ઉત્સર્જન-કમ્પ્યૂટર-સંલગ્ન-આડછેદી ચિત્રણ (single photon emission computed tomography, SPECT), ચુંબકીય અનુવાદી વાહિનીચિત્રણ (magnetic resonance angiography) વગેરે વિવિધ ચિત્રાંકન(imaging)-કસોટીઓ પણ કરાય છે. ક્યારેક ચેતાતંત્ર અને અંત:સ્રાવી તંત્ર(endocrine system)ને લગતી કસોટીઓ કરાય છે. તેના વડે પિનિયલ કાય, ગલગ્રંથિ (thyroid gland) અને અધિવૃક્કગ્રંથિ(adrenal gland)ની ક્રિયાશીલતા જોવામાં આવે છે. માનસિક અલ્પવિકસન (mental retardation) જોવા મળે તો દર્દીનાં રંગસૂત્રો અને જનીનોનો અભ્યાસ કરાય છે.
દર્દીની તકલીફોની સમયક્રમાનુસાર નોંધ, શારીરિક તથા માનસિક તપાસ તથા જરૂરી કસોટીઓ કરીને નિદાનલક્ષી ધારણા પર પહોંચવામાં આવે છે – તે સમયે સમાન વિકારો દર્શાવતા અન્ય રોગો વચ્ચે નિદાનભેદ કરવામાં આવે છે તથા યોગ્ય સારવાર અંગે નિર્ણય લેવામાં આવે છે.
(ઙ) માનસિક વિકારોનું વર્ગીકરણ : સામાન્ય રીતે રોગો અને તેમની સારવારનું વર્ગીકરણ રોગકર્તા પરિબળો પર આધારિત હોય છે. પરંતુ માનસિક રોગોમાં દરેક વખતે તેમનું નિશ્ચિત કારણ જાણમાં ન હોવાને કારણે તેમને તેમના લક્ષણસમૂહોને આધારે પણ વર્ગીકૃત કરાય છે. નિદાનકારી સુનિશ્ચિત લક્ષણસમૂહને સંલક્ષણ (syndrome) કહે છે. આમ માનસિક રોગો અને વિકારોના વર્ગીકરણને મોટેભાગે સંલક્ષણી વર્ગીકરણ (syndromal classification) કહે છે. રોગોના વર્ગીકરણ દ્વારા તેમના વિશેનું પ્રત્યાયન (communication), સમજણ (comprehension), આગાહી અથવા ભવિષ્યકથન (prediction) અને પૂર્વાનુમાન (prognosis) સરળતાથી થઈ શકે છે. અગાઉ આયુર્વેદમાં તથા પ્લેટો દ્વારા માનસિક વિકારોને વર્ગીકૃત કરાયેલા હતા. હાલ રોગોનું આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ–10 (International Classification of Diseases, ICD–10)ની તથા માનસિક વિકારોની નિદાનીય અને અંકશાસ્ત્રીય હાથપોથી (Diagnostic and Statistical Manual of Mental Disorders, DSM-IV) – એમ બે પ્રકારનાં અધિકૃત વર્ગીકરણો ઉપલબ્ધ છે. ICD–10 વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પ્રકાશિત વર્ગીકરણ છે. તેના ‘F’ના નામના પ્રકરણમાં 00થી 99 ક્રમાંકમાં માનસિક વિકારોને વર્ગીકૃત કરાયેલા છે. તેમાં (1) મસ્તિષ્કી વિકૃતિજન્ય માનસિક વિકારો અથવા પેશીવિકૃતિજન્ય માનસિક વિકારો (organic mental disorders), (2) ઔષધો અને અન્ય દ્રવ્યો દ્વારા ઉદભવતા માનસિક અને વર્તનલક્ષી વિકારો (મન:સક્રિય દ્રવ્યજન્ય વિકારો, psychoactive substance use disorders), (3) વિચ્છિન્નમનસ્કતા (schizophrenia) અને અન્ય દુર્માન્યતાજન્ય (ભ્રાંતિજન્ય) (delusional) વિકારો, (4) મનોદશા અથવા ભાવસ્થિતિ (mood) સંબંધિત વિકારો, (5) અન્ય તીવ્રમનોવિકારો, (6) સૌમ્ય મનોવિકારી (neurotic), તણાવજન્ય અને દેહારોપિત (somatoform) માનસિક વિકારો, (7) વર્તનલક્ષી વિકારો, (જેમને અગાઉ મનોદૈહી (psychosomatic) વિકારો કહેવાતા હતા. હાલ ‘મનોદૈહી વિકારો’માં નિદ્રાલક્ષી વિકારો, લૈંગિક દુ:કાર્યશીલતા વગેરેને સમાવવામાં આવે છે), (8) પુખ્ત વ્યક્તિત્વના વર્તનવિકારો, (9) માનસિક અલ્પવિકસન (mental retardation), (10) માનસિક વિકાસના વિકારો, (11) બાળકો અને તરુણાવસ્થામાં જોવા મળતા વર્તન અને લાગણીલક્ષી વિકારો અને (12) પ્રકીર્ણ વિકારોનું જૂથ.
(ઙ–1) મગજના રોગોથી થતી માનસિક અસ્વસ્થતાઓ : તેમને મસ્તિષ્કી વિકૃતિજન્ય માનસિક વિકારો અથવા પેશીવિકૃતિજન્ય માનસિક વિકારો (organic mental disorders) કહે છે. માનસિક વિકારોને હાલ 3 જૂથમાં વિભાજિત કરાય છે – (અ) મગજની પેશીવિકૃતિથી થતા રોગો, (આ) શુદ્ધ માનસિક વિકારો અને (ઇ) માનસિક વિકારો પાછળ મગજની પેશીનો કોઈ રોગ છે કે નહિ તે નિશ્ચિત ન હોય તેવી સ્થિતિઓ. પ્રથમ જૂથના રોગોને મસ્તિષ્કી વિકૃતિજન્ય માનસિક વિકારો કહે છે. તેમાં મગજની પેશીના કામચલાઉ (ટૂંકા ગાળાના) રોગોમાં ઉદભવતા માનસિક અથવા વર્તનલક્ષી વિકારોને સમાવવામાં આવે છે. દરેક માનસિક કે વર્તનલક્ષી વિકારના નિદાનમાં કોઈ મગજની પેશીનો રોગ છે કે નહિ તેનો હંમેશાં નિદાનભેદ કરાય છે. મોટી ઉંમરે અચાનક થઈ આવેલો પ્રથમ હુમલો, દવાઓ કે દારૂની કુટેવ, અન્ય શારીરિક કે ચેતાતંત્રનો રોગ, ખેંચ (convulsion) કે મૂર્ચ્છા આવી જતી હોય તેવી સ્થિતિ, માનસિક ગૂંચવણ, દેશકાળની અભાનતા, વિસ્મૃતિ અથવા ર્દષ્ટિ કે અન્ય પ્રકારની (શ્રવણસંવેદના સિવાયની) ભ્રમણા થતી હોય તો તેના કારણરૂપ મગજની પેશીનો કોઈ રોગ હોઈ શકે કે જેણે માનસિક કે વર્તનલક્ષી વિકાર કર્યો હોય એમ માનવામાં આવે છે. તેમના મુખ્ય 4 ઉપપ્રકારો છે – (અ) સનેપાત અથવા સંનિપાત (delirium), (આ) મનોભ્રંશ (dementia), (ઇ) પેશીવિકૃતિજન્ય વિસ્મૃતિ સંલક્ષણ (organic amnesic syndrome) અને (ઈ) અન્ય પેશીવિકૃતિજન્ય માનસિક વિકારો.
(ઙ–1–અ) આ જૂથમાં સૌથી વધુ સનેપાત અથવા સંનિપાતનો વિકાર જોવાય છે. તે ઝડપથી થઈ આવતો સચેતન અવસ્થામાં થયેલા ઘટાડાનો વિકાર છે; જેમાં દર્દી દેશકાળનું ભાન ભૂલે છે, એકાગ્રતા ગુમાવે છે અને તેનું ધ્યાન ઝડપથી બીજે દોરાઈ જાય છે તથા તેને વિવિધ પ્રકારનાં વિષમ અનુબોધનો (દા.ત., ભ્રમ, વિભ્રમ વગેરે) થઈ આવે છે. તેની મન:ક્રિયાશીલતા (psychomotor activities) વધેલી હોય છે. તે અસ્પષ્ટ, ઉચ્ચારણ દોષવાળી (dysarthric) અને અસંગત વાણી બોલે છે અને તેની વાતમાં બદલાતી જતી દુર્માન્યતાઓ કે ભ્રાંતિ (delusions) જણાઈ આવે છે. સામાન્ય રીતે તેના હાથ પક્ષીની પાંખની માફક હાલે છે. તેને પંખકંપન (flapping tremors) કહે છે. તે તેનાં કપડાં અને ઓઢેલી ચાદરને ખેંચ્યા કરે છે. વિવિધ પ્રકારના ચયાપચય(metabolism)ના વિકારો, અંત:સ્રાવી તંત્રના વિકારો, દવાની ઝેરી અસર, વિટામિન-બી જૂથનાં વિટામિનોની ઊણપ, શરીરમાં વ્યાપક ચેપ, મગજના કેટલાક રોગો વગેરે વિવિધ પરિસ્થિતિઓમાં સંનિપાત થઈ આવે છે. દર્દીને લક્ષણલક્ષી સારવાર (symptomatic therapy) રૂપે જે તકલીફ થઈ હોય તેને દૂર કરવાની સારવાર અપાય છે. જરૂર પડે તે કિસ્સામાં બેન્ઝોડાયાઝેપિન્સ કે હેલોપેરિડોલ નામની દવાઓ આપવામાં આવે છે.
(ઙ–1–આ) આ જૂથનો બીજો મહત્વનો વિકાર છે મનોભ્રંશ. (જુઓ મનોભ્રંશ, વિ. કો. ખંડ 15.) વ્યક્તિની સામાજિક અને આર્થિક ક્રિયાઓને અસર કરે તે રીતે બૌદ્ધિક ક્રિયાઓમાં થયેલા સતત અને કાયમી ઘટાડાની સ્થિતિને મનોભ્રંશ કહે છે. વ્યક્તિની ભાષા, સ્મૃતિ, અંતર જાણવાની ર્દષ્ટિનું કૌશલ્ય (visuospatial skill), સંક્ષિપ્તીકરણ (abstraction), ગણતરી કે અંદાજો બાંધવાની ક્ષમતા (judgement) હોવી વગેરે 5 માનસિક ક્રિયાવિસ્તારોને સંયુક્તપણે તેની બોધાત્મકતા (cognition) કહે છે. આ 5 માનસિક ક્રિયાવિસ્તારોમાંથી ઓછામાં ઓછા 3 વિસ્તારોમાં કાયમી ધોરણે ઘટાડો થયેલો હોય તો તેને મનોભ્રંશ કહે છે. તેના મુખ્ય 2 પ્રકારો છે – સ્થાયી (static) અને સતત વર્ધનશીલ (progressive). માથાને ઈજા થાય, હૃદયનું ધબકવું થોડા સમય માટે બંધ થાય, મગજમાં મોટી ગાંઠ થાય કે લોહીનો ગઠ્ઠો જામી જાય, શસ્ત્રક્રિયામાં મગજનો મોટો ભાગ અસરગ્રસ્ત થાય કે મગજ કે તેનાં આવરણોમાં ચેપ લાગે ત્યારે મગજનો મોટો વિસ્તાર કાયમી ધોરણે ઈજા પામે છે. ત્યારે સ્થાયી મનોભ્રંશ થાય છે. જ્યારે મગજનો કોઈ રોગ સતત વધીને મગજના વધુ અને વધુ વિસ્તારોને અસર કરતો રહે ત્યારે સતત વર્ધનશીલ મનોભ્રંશ થાય છે. એક અંદાજ મુજબ અમેરિકામાં આશરે દસ લાખ વ્યક્તિઓ મનોભ્રંશથી પીડાય છે. તેમની સંખ્યા આવતા 4 દાયકામાં બમણી કે ત્રણગણી થવાની શક્યતા છે.
(ઙ–1–ઇ) પેશીવિકૃતિજન્ય વિસ્મૃતિ(organic amnestic syndrome)ના વિકારમાં મગજની પેશીના કોઈ રોગ કે વિકારને કારણે વ્યક્તિ ભુલકણી બને છે. તેની બીજી બધી માનસિક ક્રિયાઓ સામાન્ય હોય છે. વિટામિન B1ની ઊણપથી ઉદભવતા ઉગ્ર કે દીર્ઘકાલી વિકારમાં તે જોવા મળે છે. તેમને અનુક્રમે વર્નિકની મસ્તિષ્કી રુગ્ણતા (Wernicke’s encephalopathy) અને કૉર્સેકૉફનું સંલક્ષણ (Korsakoff syndrome) કહે છે. ક્યારેક માથાને ઈજા થાય, મગજના બંને અધ:પાર્શ્વ (temporal) ખંડને કાપી કાઢતી શસ્ત્રક્રિયા કરાઈ હોય, પેશીમાં ઑક્સિજનની ઊણપ થઈ હોય, હર્પિસ સિમ્પ્લેક્સ વિષાણુ વડે મગજને ચેપ લાગેલો હોય કે મગજના ત્રીજા નિલય (ventricle) નામના પોલાણની આસપાસ ગાંઠ થઈ હોય તોપણ આવો વિકાર થઈ આવે છે.
(ઙ–1–ઈ) આ ઉપરાંત અન્ય વિવિધ રોગોમાં પણ ક્યારેક માનસિક વિકારો થઈ આવે છે; જેમ કે, અપસ્માર(epilepsy)નો રોગ, હટિંગ્ટનનો રોગ, માથાને ઈજા થાય, મગજમાં ગાંઠ, મગજની નસોના રોગો, મગજની કુરચના, સ્વાદુપિંડનું કૅન્સર, વ્યાપક રક્તકોષભક્ષિતા (systemic lupus erythematosus, SLE), અલ્પગલગ્રંથિતા (hypothyroidism), અતિગલગ્રંથિતા (hyperthyroidism), કુશિંગનો રોગ, લોહીમાં ગ્લુકોઝના સ્તરનું ઘટી જવું, પૉરફિનતા (porphyria), કેટલાક ચેપી રોગો વગેરે. ક્યારેક કેટલીક દવાઓની આડઅસર રૂપે પણ માનસિક વિકારો થઈ આવે છે; જેમ કે કૉર્ટિકોસ્ટીરૉઇડ્ઝ, પ્રોપ્રેનોલોલ, લિવોડોપા, મિથાયિલડોપા, લોહીનું દબાણ ઘટાડતી કેટલીક દવાઓ, મલેરિયાવિરોધી દવાઓ, દારૂ તથા માનસિક વિકારમાં સારવાર માટે વપરાતી દવાઓ વગેરે.
પેશીવિકૃતિજન્ય માનસિક વિકારો રૂપે કેટલાંક લક્ષણો જોવા મળે છે; જેમ કે, પેશીવિકૃતિજન્ય ભ્રમણાઓ (organic hallucinations), પેશીવિકૃતિજન્ય સ્નાયુઅક્કડતા (organic catatonic disorder), પેશીવિકૃતિજન્ય દુર્માન્યતા (ભ્રાંતિ) વિકાર (organic delusional disorder), પેશીવિકૃતિજન્ય મનોદશાવિકાર (organic mood or affective disorder), પેશીવિકૃતિજન્ય ચિંતાવિકાર (organic anxiety disorder), પેશીવિકૃતિજન્ય વ્યક્તિત્વવિકાર (organic personality) વગેરે. એલ. એસ. ડી., કોકન, કેનાબિસ, ફેન્સાઇક્લિડીન, લિવોડોપા, બ્રોમોક્રિપ્ટિન, એમેન્ટિડિન, એફિડ્રિન, ઇમિપ્રેમિન, દારૂ વગેરે દવાઓ અને રસાયણોને કારણે તથા આધાશીશી (migraine), અપસ્માર (epilepsy), મગજની ગાંઠ વગેરે વિવિધ રોગોમાં મનોભ્રમણાઓ થાય છે. મૂળ રોગની સારવારથી તે મટે છે. એમ્ફેટેમાઇન, કેનાબિસ, ક્લોનાઝેપામ, ડાયસલ્ફિરામ, પ્રોપ્રેનોલોલ વગેરે દવાઓ દુર્માન્યતા અથવા ભ્રાંતિ (delusion) કરે છે. ક્યારેક પાર્કિન્સનનો રોગ, મગજને અસર કરતો વિલ્સનનો રોગ, જમણા પાર્શ્વકપાલીખંડ (parietal lobe)ના રોગો, મગજને અસર કરતો મલેરિયા, હર્પિસ સિમ્પ્લેક્સ વિષાણુથી થતો મસ્તિષ્કશોથ (encephalitis), વિટામિન B12ની ઊણપ વગેરે વિવિધ રોગો અને વિકારો દુર્માન્યતાઓ (ભ્રાંતિ) સર્જે છે. મનોદશાના વિકારો મુખ્યત્વે 2 પ્રકારના હોય છે – માનસિક ઉન્માદી (maniac) અને ખિન્નતાકારી (depressive). આઇસોનિએઝાઇડ, લિવોડોપા, કૉર્ટિકોસ્ટીરૉઈડ, ત્રિચક્રીય ખિન્નતારોધકો, કોકેન, એમ્ફેટેમાઇન, બેક્લોફેન, બ્રોમોક્રિપ્ટિન, સિમેટિડિન, પ્રોસાઇક્લિડિન વગેરે દવાઓ માનસિક ઉન્માદ (mania) સર્જે છે; જ્યારે રેઝરપિન, દારૂ (ઇથેનોલ), ક્લોનિડિન, મિથાપલ ડોપા, પ્રોપ્રેનોલોલ, કૉર્ટિકોસ્ટીરૉઇડ્ઝ, સિમેટિડિન, કૅન્સર વિરોધી દવાઓ, મુખમાર્ગી ગર્ભનિરોધકો ખિન્નતા સર્જે છે. અતિગલગ્રંથિતામાં માનસિક ઉન્માદ અને અલ્પગલગ્રંથિતામાં ખિન્નતા થયેલી જોવા મળે છે. અધિવૃક્ક ગ્રંથિ (adrenal gland) અને પરાગલગ્રંથિ(parathyroid gland)ના વિકારોમાં પણ ખિન્નતા થાય છે. મગજના વિવિધ રોગો અને ચેપમાં પણ આ પ્રકારના વિકારો થાય છે. વિટામિન B1, B6 તથા વિટામિન B12, નિઆસિન કે ફૉલિક ઍસિડની ઊણપ મનોદશાના વિકારો સર્જે છે. કાર્સિનૉઇડના સંલક્ષણમાં માનસિક ઉન્માદ અને SLE તથા સ્વાદુપિંડના કૅન્સરમાં ખિન્નતા થયેલી જોવા મળે છે. વ્યક્તિત્વવિકારને કારણે દર્દી પોતાનાં આવેગો અને લાગણીઓનું નિયંત્રણ બરાબર કરી શકતો નથી તથા તેનામાં ભાવશૂન્યતા (apathy) અને વિદ્વેષિતા (hostitity) ઉદભવે છે. તેનું અગાઉનું અપક્વ વ્યક્તિત્વ (personality) ફરીથી અભિવ્યક્ત થતું જોવા મળે છે. તેને કારણે ક્યારેક લૈંગિક વર્તણૂક (જાતીય વર્તણૂક) પણ બગડે છે. આ સર્વે પ્રકારની મગજની પેશીવિકૃતિથી થતા માનસિક વિકારોમાં મગજની પેશીના મૂળ રોગોની સારવાર કરીને તથા જે તે માનસિક વિકારની લક્ષણલક્ષી સારવાર કરીને દર્દીને રાહત આપવાનો પ્રયત્ન કરાય છે.
(ઙ–2) મન:સક્રિય દ્રવ્યજન્ય વિકારો (psychoactive substance-use disorders) : નશાકારક દ્રવ્યો અને દવાનો ખોટો ઉપયોગ (ઔષધ કુપ્રયોગ, drug abuse), નશાકારક દવાઓ પરનું અવલંબન (ઔષધીય અવલંબન, drug dependence) તથા વ્યસન (ઔષધીય વ્યસનાસક્તિ, drug addiction) જેવી વિવિધ સંજ્ઞાઓ હવે મન:સક્રિય દ્રવ્યજન્ય વિકારના સંયુક્ત નામે ઓળખાય છે. (જુઓ ઔષધ કુપ્રયોગ અને વ્યસનાસક્તિ, વિ. કો. ખંડ 2.) તેને મુખ્ય 4 ઉપવિભાગોમાં સમજવામાં આવે છે – (અ) ઉગ્ર વિષાન્વિતતા (acute intoxication), (આ) ઔષધવંચિતતા (withdrawal state), (ઇ) અવલંબન સંલક્ષણ (dependence syndrome) અને (ઈ) જોખમકારક ઉપયોગ (harmful use). મુખ્ય મન:સક્રિય ઔષધોમાં દારૂ, અફીણજૂથનાં ઔષધો, કેનાબિસ, કોકેન, એમ્ફેટેમાઇન અને અન્ય સંવેદી ચેતાતંત્રીય ઔષધો, ઘેન અને નિદ્રાકારક ઔષધો (દા.ત., બાર્બીચ્યુરેટ્સ), બાષ્પશીલ દ્રાવકો (volatile solvents), નિકોટીન, કૅફીન વગેરેનો સમાવેશ થાય છે.
(ઙ–3) વિચ્છિન્નમનસ્કતા (schizophrenia) : તીવ્ર મનોવિકાર (psychosis)ના વિવિધ પ્રકારો છે, જેમાંના મુખ્ય બે વિકારોને વિચ્છિન્ન-મનસ્કતા અને મનોદશા(ભાવસ્થિતિ)લક્ષી મનોવિકારો કહે છે. યૂજેન બ્લ્યુલર (Eugen Bleuler) દ્વારા વર્ણવાયેલાં 4 મૂળભૂત વિકારલક્ષણો ધરાવતા મનોવિકારને વિચ્છિન્નમનસ્કતાનો વિકાર કહે છે. આ ચાર લક્ષણો છે – (અ) અનિર્ણયાત્મકતા (ambivalence), (આ) સ્વાંત:પ્રતિગમન (autism), (ઇ) ભાવલક્ષી વિષમતા (affect disturbance) અને (ઈ) સહસંબંધોની વિષમતા (association disturbances) તથા વિચારવિકાર. દર્દી બે વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરવામાં મુશ્કેલી અનુભવે ત્યારે તેને અનિર્ણયાત્મકતા કહે છે. તે પોતાની અંદર ઊંડો ઊતરતો જાય તેવી સ્થિતિને સ્વાંત:પ્રતિગમન કહે છે. જો તેને અયોગ્ય પ્રકારની લાગણી ઉદભવે તો તેને ભાવલક્ષી વિષમતા કહે છે. સહસંબંધોની વિષમતાને કારણે તેની વિચારક્ષમતા અને વિચારક્રિયા વિકારયુક્ત બને છે.
આશરે 1 % વસ્તીમાં આ પ્રકારનો વિકાર થાય છે. તેના વિશેની સમજણ કેળવવામાં તત્વજ્ઞાનીઓ, તબીબો અને સમાજમાં ઘણી ગૂંચવણો છે, જે સદીઓ પુરાણી છે. અગાઉ આયુર્વેદમાં તથા કેટલાક પશ્ચિમી તબીબોનાં લખાણોમાં તેનો ઉલ્લેખ છે, પરંતુ તેને વિશેની આધુનિક વિચારસરણીનો પાયો 1896માં એમિલ ક્રિપેલિને (Emil Kraepelin) નાંખ્યો. તેણે મહત્વના માનસિક વિકારોને 2 જૂથમાં વર્ણવ્યા હતા – કાલપૂર્વ મનોભ્રંશ (dementia precox) અને ઉન્માદી ખિન્નતાપૂર્ણ તીવ્ર મનોવિકાર (maniac-depressive psychosis). તેણે કાલપૂર્વ મનોભ્રંશના વર્ણનમાં દુર્માન્યતાઓ (ભ્રાંતિ), મનોભ્રમ, ભાવલક્ષી વિકારો તથા સંચલનલક્ષી વિકારોનું વર્ણન કર્યું હતું. યૂજેન બ્લ્યુલરે 1911માં કાલપૂર્વ મનોભ્રંશ નામના વિકારને વિભાજિત માનસિક સ્થિતિ એટલે કે વિચ્છિન્નમનસ્કતા-(schizophrenia)નું નામ આપ્યું. તેણે એ પણ નોંધ્યું કે તે દરેક વખતે અસાધ્ય વિકાર હોતો નથી. તેણે દર્શાવ્યું કે તે માનસિક વિકારોનું એક જૂથ છે અને ફક્ત એક જ રોગ નથી. તેણે તેનાં ઉપર જણાવેલાં શાસ્ત્રીય લક્ષણો પણ વર્ણવ્યાં. તેણે દુર્માન્યતા (ભ્રાંતિ), મનોભ્રમ અને નકારાત્મકતા(negativism)ને આનુષંગિક લક્ષણો તરીકે વર્ણવ્યાં હતાં. કર્ટ શ્નીડરે (Kurt Schnieder) 1959માં તેનાં લક્ષણોની વધુ વિગતે છણાવટ કરી અને તેમને પ્રથમ અને દ્વિતીય કક્ષાનાં લક્ષણોમાં વિભાજિત કર્યાં. પ્રથમ કક્ષાનાં લક્ષણોમાં શ્રવણલક્ષી મનોભ્રમણાઓ (hallucinations), વિચારવિમુખતાની ઘટનાઓ (thought alienation phenomena), અસક્રિયતાની ઘટનાઓ (passivity phenomena) અને દુર્માન્યતાલક્ષી (ભ્રાંતિલક્ષી) અનુબોધનો(delusional perceptions)નો સમાવેશ કર્યો; જ્યારે અન્ય મનોભ્રમણાઓ અને ભાવલક્ષી વિષમતાઓને દ્વિતીય કક્ષાનાં અથવા ઊતરતી કક્ષાનાં લક્ષણો ગણાવ્યાં. દર્દીને વિચારો ‘સંભળાવા’, પરસ્પરવિરોધી વિચારોનો વિવાદ સંભળાવો તથા પોતાનાં કાર્યો પર કોઈ બહારના અવાજ દ્વારા ટીકા સંભળાવી વગેરે જેવી વિવિધ શ્રવણલક્ષી મનોભ્રમણાઓ થાય છે. દર્દી તેના મનમાં વિચારવિમુખતાની ઘટના થઈ રહી હોય એવું માને છે અને તેથી તે માને છે કે કોઈ તેના વિચારોને દૂર કરે છે, નવા વિચારોનું તેનામાં ઉમેરણ કરે છે અથવા તેના વિચારો બહાર ફેલાઈ જાય છે અને તે બીજાઓ જાણી જાય છે. દર્દીને લાગે છે કે તેની લાગણીઓ (ભાવ), આવેગો (impulses) અને બોલવું કે કરવું કોઈ બહારની વ્યક્તિ દ્વારા નિયંત્રિત છે. તેને અસક્રિયતાની ઘટના કહે છે. તેથી તેને એવું પણ લાગે છે કે તે જે સંવેદનાઓ પ્રાપ્ત કરી રહ્યો છે તે કોઈ બાહ્ય પરિબળને કારણે છે. દુર્માન્યતાજન્ય (ભ્રાંતિજન્ય) અનુબોધનને કારણે તે સામાન્ય પ્રકારની સ્થિતિનું અંગત અને અતાર્કિક અર્થઘટન કરતો થઈ જાય છે. આ બધાં લક્ષણો વિચ્છિન્નમનસ્કતાના વિકાર માટે વિશિષ્ટ નથી, પરંતુ તેમને તેના નિદાન માટે તથા વર્ગીકરણ માટે ઉપયોગી ગણવામાં આવે છે.
તેનો વસ્તીવ્યાપદર (prevalence) 1 % છે, જ્યારે નવસંભાવ્યદર (incidence) 1/1000 છે. સ્ત્રીઓમાં તે મોટી ઉંમરે થાય છે અને પ્રમાણમાં મંદ તીવ્રતા ધરાવે છે, જ્યારે પુરુષોમાં તે વધુ તીવ્ર હોય છે અને વહેલી વયે થાય છે. દર્દીનાં વિચાર, વાણી અને વર્તનમાં, અનુબોધનમાં, ભાવમાં, હલનચલનમાં તથા બાહ્ય વિશ્વ સાથેના સંબંધમાં આવતા ફેરફાર પરથી નિદાન કરવામાં આવે છે.
વિચ્છન્નમનસ્કતામાં જોવા મળતી વિચાર અને વાણીની વિષમતાને કારણે તે રોગનો દર્દી અંગત અને અતાર્કિક રીતે વિચારે છે. તેનાં વિચારો અને વાણીમાં સાથસાથેના વિચારો અને શબ્દો વચ્ચેનો સહસંબંધ ઘટે છે અને તેથી વાણી તૂટક (disjointed) બને છે. ક્યારેક તેની તીવ્રતા વધે ત્યારે તે શું બોલે છે તે સમજાતું નથી. દર્દી ક્યારેક બોલતાં બોલતાં અટકી પડે છે અને તે વિચારશૂન્ય બને છે (thought block). ઘણી વખતે તે નવા શબ્દો કે શબ્દસમૂહો બનાવે છે અને વાપરે છે. જેમ કે તે જઠરને ‘આહારસંગ્રાહક’ જેવા એક નવા જ નામે સંબોધે છે. આને નવશબ્દીકરણ (neologism) અથવા જલ્પના (paraphasia) કહે છે. ક્યારેક તે ઓછું બોલે છે (શબ્દદારિદ્રય, poverty of speech), બોલતો જ નથી (અવાકતા, mutism) અથવા ખ્યાલશૂન્ય વાણી (poverty of ideation) બોલે છે. ક્યારેક તે એક ને એક શબ્દ વારંવાર બોલે છે (પુનર્ઘોષિતા, echolalia) અથવા શબ્દોનું અર્થહીન પુનરાવર્તન કર્યા કરે છે. દર્દી પ્રાથમિક કે દ્વૈતીયિક દુર્માન્યતાઓ (ભ્રાંતિ) ધરાવતો થાય છે. તેથી તેને કોઈ અન્ય વ્યક્તિઓ પીડે છે, તેને વિશે કહે છે, તેનું ઘણું મહત્વ છે, તે કોઈ બાહ્ય પરિબળથી નિયંત્રિત છે કે તેના શરીરમાં કોઈ વિકાર છે વગેરે જેવી ખોટી માન્યતાઓ તેનામાં સર્જાય છે. આ પ્રકારની વિવિધ વિષમતાઓને લીધે દર્દી પોતાના ભાવનું વિસ્તૃતીકરણ કરી શકતો નથી અને તેથી કોઈ વિચારને મૂર્ત સ્વરૂપે સમજી શકતો નથી. તે અનિર્ણીત અને ગૂંચવાયેલો રહે છે.
દર્દીને મુખ્યત્વે શ્રવણલક્ષી ભ્રમણાઓ થાય છે. તે જો કશું જોવાની, અડવાની કે ગંધની ભ્રમણા અનુભવે તો તેની સાથે સામાન્ય રીતે કશુંક સાંભળવાની ભ્રમણા (શ્રવણભ્રમણા) પણ અનુભવે છે. શ્રવણભ્રમણા સિવાયની અન્ય ભ્રમણાઓ ભાગ્યે જ એકલી જોવા મળે છે. દર્દી ભાવશૂન્ય અથવા છીછરી લાગણીઓવાળો બને છે. તેનો લાગણીશીલ પ્રતિભાવ તેના વિચારને અસંગત હોય છે અને ઘણી વખત તેને આનંદનો અનુભવ થતો નથી. તેને વિષણ્ણતા (anhedonia) કહે છે. તેનો અન્ય વ્યક્તિ સાથે લાગણીજન્ય સહસંબધ (rapport) જોડાતો ન હોવાથી દર્દી-તબીબ સંબંધ પણ બરાબર બનતો નથી.
દર્દીની મન:ક્રિયાશીલતા (psychomotor activity) કાં તો ઘટે છે અથવા વધી જાય છે. તેને કારણે દર્દી સ્વયંસક્રિયતા ગુમાવે છે, જડતા અનુભવે છે અથવા ઉશ્કેરાટ, આક્રમકતા અને અજંપો અનુભવે છે. તે એક પ્રકારનું હલનચલન વારંવાર કરે છે તથા પોતાનું ઓછું ધ્યાન રાખે છે. દર્દીમાં નકારાત્મક લક્ષણો જોવા મળે છે; જેમ કે, ભાવશૂન્યતા, એકાગ્રતલક્ષિતા, અસ્વયંભૂ ક્રિયાશીલતા, વિષણ્ણતા, સામાજિક નિર્લેપતા અને અશબ્દતા (alogia) વગેરે. તે જાતે કાર્ય શરૂ કરવામાં મુશ્કેલી અનુભવે છે તેને અસ્વયંભૂ ક્રિયાશીલતા કહે છે. તેવી રીતે શબ્દો મેળવવામાં પડતી મુશ્કેલીને અશબ્દતા કહે છે. જો દર્દીને ઉપર જણાવેલાં લક્ષણોમાંથી કોઈ એક સુસ્પષ્ટ લક્ષણ અને બે અર્ધસ્પષ્ટ લક્ષણો થાય અને તે 1થી 6 મહિના સુધી ટકી રહેલાં હોય તો તે દર્દીમાં વિચ્છિન્નમનસ્કતાનું નિદાન કરાય છે. જો સમયગાળો 1 મહિનાથી ઓછો હોય તો તેને ઉગ્ર વિચ્છિન્નમનસ્કતા જેવો તીવ્ર મનોવિકાર (acute schizophrenia-like psychosis) કહે છે. સુસ્પષ્ટ લક્ષણોમાં વિચારલક્ષી લક્ષણો, શ્રવણભ્રમણાઓ તથા દુર્માન્યતાઓ(ભ્રાંતિ)નો સમાવેશ કરાય છે.
વિચ્છિન્નમનસ્કતા એ મનોવિકારોનું જૂથ છે અને તેથી તેને વિવિધ વિકારો રૂપે વર્ગીકૃત કરાય છે –દુર્માન્યતા(ભ્રાંતિ)લક્ષી (paranoid), દુ:વ્યવસ્થિત (disorganised), સ્નાયુઅક્કડતાલક્ષી (catatonic), અવશિષ્ટ (residual), અવિભેદિત (undifferentiated), સાદી, વિચ્છિન્નમનસ્કતોત્તર ખિન્નતા (post-schizophrenic depression) તથા પ્રકીર્ણ પ્રકારની વિચ્છિન્નમનસ્કતા. વિચ્છિન્નમનસ્કતાને મગજની પેશીના રોગોથી થતા મનોવિકારથી અલગ પાડવામાં આવે છે. આ ઉપરાંત તેને મનોદશાવિકારો (માનસિક ઉન્માદ, ખિન્નતા, મિશ્રભાવલક્ષી મનોવિકારો) તથા ઉગ્ર અને ટૂંક સમયના તીવ્ર મનોવિકારથી પણ અલગ પાડીને નિદાન કરાય છે.
સામાન્ય રીતે 35 વર્ષથી વધુ ઉંમરે થતો, કોઈ તણાવજન્ય પરિસ્થિતિ પછી ઉદભવેલો, સ્નાયુઅક્કડતાવાળો, 6 માસથી ઓછા સમયગાળાનો, નકારાત્મક લક્ષણો તથા ખિન્નતાનાં લક્ષણો ધરાવતો વિકાર જો સ્ત્રીમાં, પહેલી વખત થયેલો હોય અને મગજનો સી. ટી. સ્કૅન કોઈ વિષમતા ન દર્શાવતો હોય તો તેને કાબૂમાં લેવો વધુ સરળ રહે છે. આવા દર્દીનાં કુટુંબમાં પણ ઘણી વખત કોઈકને આવો વિકાર થયેલો હોય છે. થોડાક દર્દીઓમાં સતત બગડતો જતો વિકાર થયેલો હોય છે. પરંતુ આશરે ચોથા ભાગના દર્દીઓમાં તેની તીવ્રતા શમે છે (27 %), આશરે પાંચમા ભાગના દર્દીઓમાં થોડી વિષમતા શેષ રહી જાય છે (22 %), ચોથા ભાગમાં મધ્યમસરની વિષમતા રહે છે (24 %), પાંચમા ભાગના દર્દીઓમાં તીવ્ર માનસિક અપંગતા આવે છે (18 %) અને ફક્ત દસમા ભાગના દર્દીઓમાં તે અસંતુલિતપણે વધે છે (9 %). આમ આશરે 50 % દર્દીઓમાં ઘણી સારી સુખાકારી ઉદભવે છે, 18 % દર્દીઓને સતત સારવારની જરૂર પડે છે અને 9 % દર્દીઓને સારવારસંસ્થામાં રાખવા પડે છે. ભારતમાંથી ઉપલબ્ધ આંકડા પ્રમાણે 66 % દર્દીઓને ફાયદો થાય છે.
વિચ્છિન્નમનસ્કતા થવાનું કારણ નિશ્ચિત નથી. પરંતુ તેમાં કેટલાક નિષ્ણાતો વારસાગત જનીની વિકૃતિઓ, ડોપામિનનો અભાવ, માનસિક તણાવ, કૌટુંબિક, સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો અથવા મનોલૈંગિક વિકાસની વિષમતાને કારણરૂપ માને છે. તેની સારવાર રૂપે દવાઓ, વીજ-આંચકીકારી ચિકિત્સા (electroconvulsive therapy, ECT), મન:શસ્ત્રક્રિયા, મન:સામાજિક સારવાર તથા અન્ય પ્રાયોગિક ચિકિત્સાપદ્ધતિઓનો ઉપયોગ કરાય છે. પ્રતિ-તીવ્ર મનોવિકાર-ઔષધો રૂપે ક્લોરપ્રોમેઝિન, થાયોરિડેઝિન, ટ્રાયફ્લ્યુઓપરેઝિન, હેલોપેરિડોલ, ફ્લુફિનાઝિન, પિમોઝાઇડ, ટ્રાયફ્લ્યુપ્રોમેઝિન, પ્રોક્લોરપરેઝિન, ફ્લુપેન્થીઝોલ, લોક્ઝાપિન, ક્લોઝાપિન, રેસ્પેરિડોન વગેરે દવાઓ વપરાય છે. ક્યારેક ECT કે શસ્ત્રક્રિયાનો ઉપયોગ કરાય છે. દર્દીને મન:સામાજિક સારવાર રૂપે રોગ વિશેની જાણકારી, જૂથ-મનશ્ચિકિત્સા, કૌટુંબિક ચિકિત્સા કે વ્યક્તિગત મનશ્ચિકિત્સા અપાય છે. તેવા કિસ્સામાં જરૂર પડ્યે પુનર્વાસ સારવાર (rehabilitation therapy) પણ અપાય છે.
(ઙ–4) મનોદશા(ભાવસ્થિતિ)-વિકારો (mood disorders) : કોઈ વિચાર કે પ્રસંગ તરફ ઉદભવતી ટૂંકા ગાળાની લાગણીને ભાવ (affect) કહે છે, જ્યારે સતત રહેતા લાગણીપ્રદ પ્રતિભાવને મનોદશા અથવા ભાવસ્થિતિ (mood) કહે છે. તેથી માનસિક ઉન્માદ (mania) તથા ખિન્નતા(depression)ને મનોદશાલક્ષી વિકારો અથવા ભાવસ્થિતિ વિકારો કહેવાય છે. તેમને ભાવલક્ષી (affect) વિકાર ન કહેવા જોઈએ એવું ઘણા નિષ્ણાતોનું માનવું છે. હિપોક્રેટસે mania અને melancholia – એવાં નામો આપ્યાં, જ્યારે એરિટિયસે (Aretaeus) mania (માનસિક ઉન્માદ) અને depression (ખિન્નતા) – એવાં નામો આપ્યાં. ICD-10 વર્ગીકરણ પ્રમાણે મનોદશાવિકારોને 6 ઉપપ્રકારોમાં વહેંચવામાં આવે છે : (અ) ઉન્માદી અધિપ્રસંગ (maniac episode), (આ) ખિન્નતાપૂર્ણ અધિપ્રસંગ (depressive episode), (ઇ) દ્વિધુવી મનોદશાવિકાર (bipolar mood disorder), (ઈ) પુનરાવર્તી ખિન્નતાવિકાર (recurrent depressive disorder), (ઉ) નિરંતર મનોદશાવિકાર (persistent mood disorder) તથા (ઊ) પ્રકીર્ણ મનોદશાવિકારો.
(ઙ–4–અ) ઉન્માદી અધિપ્રસંગોવાળો વિકાર 3થી 4 મહિના ચાલે છે અને પછી તે પૂરેપૂરો શમે છે. ત્યારબાદ ઉન્માદી કે ખિન્નતાપૂર્ણ અધિપ્રસંગો બન્યા કરે છે. સામાન્ય રીતે ઉન્માદી અધિપ્રસંગ 1 અઠવાડિયાથી વધુ ચાલે છે અને તે વ્યક્તિની સામાજિક અને વ્યાવસાયિક ક્રિયાઓને અસર કરે છે. તેની મુખ્ય લાક્ષણિકતાઓમાં ઉત્સાહપૂર્ણ કે સંતાપશીલ (irritable) મનોદશા, મન:સંચલિત સક્રિયતા (psychomotor activities), વાણી અને વિચારના વિકારો, લક્ષ્યલક્ષી સક્રિયતા (goal-directed activity), મગજની પેશીના કોઈ રોગની ગેરહાજરી તથા કેટલીક પ્રકીર્ણ લાક્ષણિકતાઓનો સમાવેશ થાય છે. વ્યક્તિની મનોદશા જો થોડી ઉત્તેજિત હોય તો તેને સ્વર્ગસુખાભાસ (euphoria) કહે છે. તેમાં વ્યક્તિ મનથી સ્વસ્થતા અનુભવે છે અને આસપાસની ગતિવિધિઓ કરતાં અલગ રીતે વધુ ખુશ રહે છે. તેને અલ્પમાનસિક ઉન્માદ (hypomania) અથવા પ્રથમ તબક્કાનો વિકાર કહે છે. મધ્યમ તીવ્રતાવાળી ખુશીની મનોદશાને માનસિક ઉન્માદ કહે છે અને તે બીજો તબક્કો બનાવે છે. તેમાં વ્યક્તિ આત્મવિશ્વાસી, ખુશમિજાજી અને વધેલી મન:સંચાલિત સક્રિયતાવાળી હોય છે. તેને હર્ષોન્માદ(elation)ની સ્થિતિ પણ કહે છે. વધુ તીવ્ર ઉન્માદની સ્થિતિને તીવ્ર માનસિક ઉન્માદ (severe mania) કહે છે, જે ત્રીજો તબક્કો છે. તેમાં વ્યક્તિમાં અતિહર્ષોન્માદ (exaltation) થઈ આવે છે અને તે ભવ્યતાલક્ષી દુર્માન્યતા અથવા ભ્રાંતિ (delusion of grandeur) અનુભવે છે. અતિતીવ્ર માનસિક ઉન્માદ(ચોથા તબક્કા)માં વ્યક્તિને સંનિપાત થાય છે કે તે નશામય ઘેનમાં હોય તેવી માદકઘેનની (stuporous) સ્થિતિ અનુભવે છે. આવી મનોદશાને વિભોરાવસ્થા (ecstasy) કહે છે અને આ તબક્કાને સંનિપાતી અથવા માદકઘેનયુક્ત માનસિક ઉન્માદ (delirious or stuporous mania) કહે છે. આ પ્રમાણે મનોદશા ક્રમશ: વધુ ને વધુ ઉન્માદપૂર્ણ બને છે અને તે સાથે વ્યક્તિ સતત વધુ ને વધુ ઉત્સાહપૂર્ણ (enthusiastic) બને છે. તેથી તે વાતાવરણ અને આસપાસની વ્યક્તિઓ સાથે વધુ ને વધુ આંતરક્રિયા કરતો થાય છે. ક્યારેક વ્યક્તિ સહેલાઈથી અકળાઈ જાય છે અને તેનામાં ક્યારેક સ્વર્ગસુખાભાસ, ખિન્નતા કે ગુસ્સાના ભાવો બદલાતા રહે છે. વ્યક્તિ અતિશય સક્રિય બને છે, અજંપો અનુભવે છે. જોકે તેની ક્રિયાઓ કોઈ નિશ્ચિત ધ્યેય તરફ વળેલી હોય છે. તે વધુ પડતી વાતો કરે છે, તેના મનમાં જાણે વિચારોની દોડ લાગેલી હોય છે, તે મોટેથી બોલે છે અને તેની વાતમાં લયબદ્ધતા અને મશ્કરાપણું ઉમેરાયેલું હોય છે. પાછળથી તે વાતનો મુદ્દો ઝડપથી બદલે છે અને તેની તીવ્રતા વધે ત્યારે તેની વાત અસંબંધિત અને અસ્પષ્ટ બને છે. પોતાના વિશેનો ખ્યાલ વધી જાય છે અને તેથી પોતાને તે મહાન માને છે. બીજા તેનો વિરોધ કરી રહ્યા છે એવી ખોટી માન્યતાઓ ધરાવતો થઈ જાય છે. વ્યક્તિ અલ્પમાનસિક ઉન્માદમાં હોય ત્યારે તેની ઉત્પાદનશીલતા અને સર્જનાત્મકતા ઘણી વધે છે. તેવા સમયે ઘણા કલાકારોએ સુંદર કૃતિઓનું સર્જન કર્યું છે. માનસિક ઉન્માદના સમયે વ્યવસ્થિત આયોજનપૂર્વક અનેક ક્ષેત્રોમાં કાર્ય કરવાની ક્રિયા વધે છે. તે સમયે વ્યક્તિ સમાજમાં વધુ ભળે છે. તે આવેગશીલ બને છે, તેનાં માનસિક અવદાબનો ઘટે છે, તે લૈંગિક વિવેક ગુમાવે છે અને તેથી તે વધુ પડતી અતિલૈંગિક સક્રિયતા (hypersexuality) અનુભવે છે, તેને લૈંગિક સ્ખલનો (promiscuity) કહે છે. પોતાના વિશેના ખોટા પ્રકારના મોટાપણાના ખ્યાલને કારણે, વધેલી સામાજિક મિલનસારતાને કારણે તથા અંદાજક્ષમતા(judgement)માં આવેલા ઘટાડાને કારણે તે ખોટી અને વધુ પડતી ખરીદીઓ તથા ખર્ચા, બેજવાબદારપણે વાહન હંકારવાની ક્રિયા, મૂર્ખામીભર્યાં વેપારી રોકાણો, નાણાની કે વસ્તુઓની વહેંચણી વગેરે કરે છે. તે ભભકદાર (gaudy) કપડાં પહેરે છે અને અતિઉન્માદી સ્થિતિમાં પોતાની સંભાળ રાખી શકતી નથી. ઉન્માદી વ્યક્તિની ઊંઘ ઘટે છે અને ભૂખ વધે છે. તે પોતાના રોગ વિશે અંર્તર્દષ્ટિ ધરાવતી નથી અને ક્યારેક દુર્માન્યતા (ભ્રાંતિ), માનસિક ભ્રમણાઓ જેવાં તીવ્ર મનોવિકારી લક્ષણો પણ દર્શાવે છે.
(ઙ–4–આ) ખિન્નતાપૂર્ણ અધિપ્રસંગો થવાની સંભાવના માનસિક ઉન્માદ કરતાં ઘણી વધારે હોય છે અને સ્ત્રીઓમાં તે 2થી 3ગણી વધુ હોય છે. સામાન્ય રીતે 2 અઠવાડિયાં કે વધુ સમય સુધી આવા અધિપ્રસંગો થયા કરે છે. તેથી વ્યક્તિ ઉદાસ (sad) થાય છે, તેને વાતો કે કાર્યોમાં રસ પડતો બંધ થાય છે, તેની ઉદાસી આખો દિવસ સતત રહે છે અથવા તેને બધી જ વાતો કે કાર્યોમાં ઉદાસી ઉદભવે છે. તેની ઉદાસી વારંવાર બદલાતી નથી અને આનંદદાયક વાતાવરણથી ઘટતી નથી. તેને કારણે નિરાશા (pessimism) ઉદભવે છે. ખિન્નતાપૂર્વકના ખ્યાલો (ideas) 3 પ્રકારના હોય છે – હતાશા (hopelessness), અસહાયતા (helplessness) અને બિનઉપયોગિતા (worthlessness). બિનઉપયોગિતાની ભાવનાને કારણે વ્યક્તિ પોતાનો દોષ જોતી થઈ જાય છે (સ્વદોષિતા, guilt feeling). તેને વિચારો કરવામાં, એકાગ્રતા કેળવવામાં, નિર્ણયો લેવામાં, સ્મરણ કરવામાં કે કશુંય શરૂ કરવામાં મુશ્કેલી પડે છે. તે સમયે મૃત્યુ અંગેના કે મૃત્યુકેન્દ્રી વિચારો આવે છે અને ક્યારેક વ્યક્તિ આપઘાત કરવા ઇચ્છે છે. તીવ્ર ખિન્નતાપૂર્ણ વિકારમાં વ્યક્તિ નકારાત્મક દુર્માન્યતાઓ અથવા ભ્રાંતિઓ (delusions of nihilism) અનુભવે છે; જેમ કે, હવે વિશ્વનો કે જીવનનો અંત નજીક છે, ખોપરીમાંનું મગજ ખવાઈ ગયું છે વગેરે.
યુવાન વ્યક્તિની મન:સંચલિત સક્રિયતા ઘટે છે, તેનો અવાજ ધીમો અને એકલયી (monotonous) બને છે અને ક્યારેક તે ખિન્નતાપૂર્ણ માદક ઘેન જેવી (depressive stuporous) સ્થિતિમાં આવે છે. મોટી ઉંમરે અજંપો તથા હાથપગનું વધુ પડતું હલનચલન જોવા મળે છે. વ્યક્તિ માથું દુખવાનું કે શરીર કંપવાનું અનુભવે છે. કેટલાક દર્દીઓ (25 %) પોતે માંદા પડ્યા હોય એવી (hypochondrial) ભાવના અનુભવે છે. મોટેભાગે ઊંઘ ઘટે છે પરંતુ ક્યારેક તે વધી જાય છે. તેમનો ખોરાક, વજન અને લૈંગિક ઇચ્છાઓ (sexual drive) પણ ઘટે છે. વધુ તીવ્ર વિકાર હોય ત્યારે ખિન્નતાપૂર્ણ દૈહિક સંલક્ષણ અથવા વિષાદ (melancholia) ઉદભવે છે; જેમાં ભૂખ અને વજન ઘણાં ઘટે છે, સવારે 2 કલાક કે વધુ સમય માટે વહેલાં ઊંઘ ઊડી જાય છે, સવારે ખિન્નતા વધુ પડતી હોય છે, આનંદદાયક ઉત્તેજનાઓ તરફનો પ્રતિભાવ ઘણો ઘટે છે. મન:સંચલિત સક્રિયતા ઘણી ઘટે છે અથવા ઘણી વધી જાય છે. જ્યારે પણ દૈહિક સંલક્ષણ હોય ત્યારે ખિન્નતાનું સ્તર ઘણું તીવ્ર ગણાય છે અને ત્યારે દવાઓની કે વીજ-આંચકી સારવારની અસર પણ સારી થાય છે. આશરે 5મા ભાગના દર્દીઓમાં દુર્માન્યતા (ભ્રાંતિ), મનોભ્રમણાઓ, વર્તનવિકારો તથા ઘેન (stupor) જેવી તીવ્ર મનોવિકારી લાક્ષણિકતાઓ જોવા મળે છે. દર્દીને નકારાત્મક (nihilistic), સ્વદોષિતા(guilt)પૂર્ણ કે દરિદ્રતા-(poverty)વાળી દુર્માન્યતાઓ થઈ આવે છે. અતિશય તીવ્ર ખિન્નતામાં વ્યક્તિ આપઘાત કરવાની ભાવના ધરાવતી થઈ જાય છે, તેને મહત્વ આપવામાં આવે છે; કેમ કે, આવા દર્દીમાં આપઘાત કરવાની શક્યતા ઘણી વધુ રહે છે. 40 વર્ષની વયના અપરિણીત કે છૂટાછેડા પામેલા પુરુષમાં તેનું પ્રમાણ વધુ રહે છે, જો તેણે આપઘાત કરવાની વાત કહી હોય કે લખી હોય તો તેવું કરવાની સંભાવના વધુ હોય છે. ખિન્નતાના શરૂઆતના તબક્કામાં તેની શક્યતા વધુ છે અને તેવી રીતે ખિન્નતા શમતી હોય ત્યારે કે શમ્યા પછી 3 મહિના સુધી પણ તેની શક્યતા વધુ રહે છે.
(ઙ–4–ઇ) દ્વિધ્રુવી મનોદશાવિકારને અગાઉ ઉન્માદી ખિન્નતાપૂર્ણ તીવ્ર મનોવિકાર (maniac depressive psychosis) કહેવામાં આવતો હતો. તેમાં માનસિક ઉન્માદ અને ખિન્નતાના અધિપ્રસંગો વારંવાર અને જુદા જુદા સમયે બનતા રહે છે. જો ફક્ત માનસિક ઉન્માદના જ અધિપ્રસંગો વારંવાર બનતા રહે તો તેને એકધ્રુવીય માનસિક ઉન્માદ (unipolar mania) કહે છે. દ્વિધ્રુવી મનોદશાવિકારને બે જૂથમાં વહેંચાય છે. પ્રથમ જૂથમાં તીવ્ર માનસિક ઉન્માદ અને તીવ્ર ખિન્નતા વારાફરતી થતાં હોય છે, જ્યારે બીજા પ્રકારમાં અલ્પમાનસિક ઉન્માદ અને તીવ્ર ખિન્નતા થાય છે. પુનરાવર્તી ખિન્નતાવિકારને અલગ જૂથ તરીકે ગણવામાં આવે છે અને તેમાં વિવિધ તીવ્રતાવાળા ખિન્નતાપૂર્ણ વિકારના અધિપ્રસંગો બન્યા કરે છે. મંદ તીવ્રતાવાળા 2 વર્ષ કે વધુ ચાલતા અલ્પખિન્નતાવિકારને દુર્મન:સ્થિતિ (dysthymia) કહે છે. જો મન:સ્થિતિ વારંવારની હોય તો પલટતી જઈને વારાફરતી ખિન્નતા અને અલ્પમાનસિક ઉન્માદની આવ્યા કરતી હોય અને તે બંનેની વચ્ચે વચ્ચે સામાન્ય મન:સ્થિતિ આવતી હોય તો તેવી મનોદશાને ચક્રીય મન:સ્થિતિ (cyclothymia) કહે છે. જો દર્દી એક પ્રકારની મનોદશામાંથી બીજી મનોદશામાં જતાં વચ્ચે સામાન્ય સ્થિતિ અથવા સમમન:સ્થિતિ (euthymia) ન મેળવી શકતો હોય તો તેને મિશ્રભાવસ્થિતિ અધિપ્રસંગ (mixed affective episode) કહે છે.
(ઙ–4–ઈ, ઉ) દ્વિધ્રુવીય મનોદશાવિકાર સામાન્ય રીતે યુવાન વયે (જીવનના ત્રીજા દાયકામાં) થાય છે, જ્યારે પુનરાવર્તી ખિન્નતાવિકાર (એકધ્રુવીય વિકાર) તેથી મોટી ઉંમરે થાય છે – ત્રીજા દાયકાના પાછલા ભાગમાં અથવા પાંચમા અને છઠ્ઠા દાયકામાં. સામાન્ય રીતે ઉન્માદી અધિપ્રસંગ 3થી 4 મહિના રહે છે, જ્યારે ખિન્નતાપૂર્ણ અધિપ્રસંગ 4થી 6 મહિના ટકે છે. દ્વિધ્રુવીય ખિન્નતાવિકાર કરતાં એકધ્રુવીય ખિન્નતાવિકાર વધુ લાંબો સમય ચાલે છે. જો સમયસર સારવાર અપાય તો ઉન્માદી વિકાર 2–3 અઠવાડિયાંમાં અને ખિન્નતાવિકાર 6થી 8 અઠવાડિયામાં શમે છે. આશરે 15 %થી 20 % દર્દીઓમાં દીર્ઘકાલીન (નિરંતર) ખિન્નતાવિકાર થઈ જાય છે; જેમાં લક્ષણોની તીવ્રતા ઓછી હોય છે, વ્યાધિભયનાં લક્ષણો (hypochondrial symptoms) ઉદભવે છે, ક્યારેક દારૂની વ્યસનાસક્તિ, વ્યક્તિત્વવિકાર કે કેટલાક શારીરિક રોગો પણ સાથે હોય છે. આવી વ્યક્તિઓની આસપાસ તણાવકારી અને અસહકારી વાતાવરણ પણ હોય છે. વ્યક્તિ જ્યારે પોતે માંદો ન હોવા છતાં માંદો છે એવું માને તેને વ્યાધિભયપૂર્ણ (hypochondriac) વ્યક્તિ કહે છે અને તેને તે સમયે થતી તકલીફોને વ્યાધિભયજન્ય લક્ષણો કહે છે. જેમ જેમ ઉંમર વધે તેમ તેમ મનોવિકારના અધિપ્રસંગો ટૂંકા બનતા જાય છે અને તેમની વચ્ચેનું અંતર વધતું જાય છે. બધા જ દર્દીઓમાં ફેરહુમલા (relapses) થતા નથી, પરંતુ લગભગ ¾ ભાગના દર્દીઓમાં તે 5 વર્ષમાં ફરી થઈ આવે છે. જો દર્દીને એક વર્ષમાં 4 કે વધુ દ્વિધ્રુવીય મનોવિકારી અધિપ્રસંગો થાય તો તેમને ત્વરિત ચક્રકો (rapid cyclers) કહે છે. સ્ત્રીદર્દી, ખિન્નતારોધક દવાનો ઉપયોગ, અલ્પગલગ્રંથિતા (hypothyroidism), બીજા પ્રકારનો દ્વિધ્રુવીય વિકાર, ચેતાતંત્રના રોગની હાજરી વગેરે પરિબળોની હાજરીમાં ત્વરિત ચક્ર(rapid cycling)ની સ્થિતિ ઉદભવે છે. મનોદશાના વિકારોમાં જીવનની ગુણવત્તા વિચ્છિન્નમનસ્કતાના દર્દી કરતાં વધુ સારી રહે છે. ઝડપથી અને ટૂંકા ગાળામાં થતો વિકાર, લાક્ષણિક તકલીફો સર્જતો વિકાર, તીવ્ર ખિન્નતા, માંદગી પહેલાંનું સમાનુકૂલિત વ્યક્તિત્વ અને સારવારની સારી અસર ઉદભવતી હોય તેવા મનોદશાવિકારોમાં દર્દીને રાહત થવાની સંભાવના વધુ રહે છે; પરંતુ જો દર્દીને કોઈ અન્ય શારીરિક રોગ હોય, દારૂનું વ્યસન હોય, વ્યક્તિત્વનો વિકાર હોય, બેવડી ખિન્નતા (double depression) હોય, ઉગ્ર કે લાંબા ગાળાની તણાવકારી સ્થિતિ હોય, બાળપણમાં વિષમ વાતાવરણ હોય, રોગાભાસ અથવા વ્યાધિભય હોય કે તે દવા નિયમિતપણે ન લેતી હોય તે તેવી વ્યક્તિને મનોદશાવિકારમાંથી સહેલાઈથી મુક્તિ મળતી નથી. દર્દી જો દુર્મન:સ્થિતિ (dysthymia) એટલે કે દીર્ઘકાલીન ખિન્નતાથી પીડાતો હોય અને તેને ઉગ્ર ખિન્નતા(acute depression)નો હુમલો થઈ આવ્યો હોય તો તેને બેવડી ખિન્નતા અથવા દ્વિપ્રકારી ખિન્નતા (double depression) કહે છે.
મનોદશાવિકાર થવાનાં કારણો જાણમાં નથી. તેને સમજવા માટે જૈવિક, મન:સામાજિક અને બોધાત્મક એવાં વર્તનલક્ષી સિદ્ધાંતવૃત્તો (theories) વિચારવામાં આવેલાં છે. જનીની વારસાને આ પ્રકારના મનોવિકાર સાથે સંબંધ છે. કોઈના પ્રથમ કક્ષાના સગપણમાં દ્વિધ્રુવી મનોદશાવિકાર હોય તો તેને 25 %ના દરે જીવનભરમાં ક્યારેક મનોદશાવિકાર થઈ આવવાની સંભાવના રહે છે. તેથી જો માતા કે પિતા – બેમાંથી એકને મનોદશાવિકાર હોય તો 27 % બાળકોને અને જો માતાપિતા બંનેને મનોદશાવિકાર હોય તો 74 % બાળકોને મનોદશાવિકાર થાય છે. તેવી રીતે એકફલિતાંડ (monozygote)માંથી જન્મતાં જોડિયાં બાળકોમાંથી જો એકને મનોદશાવિકાર થાય તો બીજા જોડીદારને તે થવાની સંભાવના 65 % છે. જોકે વાતાવરણલક્ષી પરિબળો પણ અગત્યનો ભાગ ભજવે છે. ખિન્નતાપૂર્ણ મનોદશાવિકારના દર્દીના પેશાબમાં અને મગજની આસપાસના પ્રવાહીમાં નૉરએપિનેફ્રિન અને 5-હાઇડ્રૉક્સિટ્રિપ્ટોફેનનું પ્રમાણ ઓછું હોય છે. જ્યારે ઉન્માદી દર્દીમાં તે વધુ હોય છે. વળી ખિન્નતાના દર્દીઓમાં કૉર્ટિસોલનું પ્રમાણ વધુ હોય છે; પરંતુ ઊંઘતી વખતે ગલગ્રંથિઉત્તેજક અંત:સ્રાવ (thyroid stimulating hormone, TSH) અને વૃદ્ધિવર્ધક અંત:સ્રાવ(growth hormone)નું પ્રમાણ વધતું નથી તેથી અંત:સ્રાવો (hormones) તથા ચેતાસંદેશવાહકો(neurotransmitters)ની વિષમતા પણ મનોદશાવિકારો કરે છે એવું મનાય છે. મનોદશાવિકારો થવામાં મનોલૈંગિક વિકાસમાં આવેલા અવરોધો પણ કારણરૂપ મનાય છે. તેવી રીતે માનસિક વિકાસના સમયગાળામાં ઉદભવતા તણાવો પણ ખિન્નતાવિકાર સર્જે છે. નકારાત્મક જ્ઞાન, સ્વદોષભાવથી ઉદભવતો આત્મક્રોધ (પોતાના તરફનો ગુસ્સો) તથા અસહાયતાના અનુભવનું જ્ઞાન પણ દીર્ઘકાલીન, મંદ તીવ્રતાવાળી ખિન્નતા સર્જે છે.
મનોદશાવિકારોને મગજની પેશીઓના રોગથી થતા મનોભ્રંશ, અન્ય દુર્માન્યતાકારી (ભ્રાંતિકારી) તીવ્ર મનોવિકારો તેમજ અનુકૂલન-વિકારો, મનોવિકારી ચિંતા તથા અદાબ અથવા અદમ્ય પુનર્વર્તિતા(obsessive compulsive)ના વિકાર વગેરે જેવા સૌમ્ય મનોવિકારોથી અલગ પાડીને નિદાન કરાય છે. મનોદશાવિકારોની સારવારમાં પ્રતિખિન્નતા ઔષધો, વીજઆંચકીકારી અથવા વીજસંગ્રહણીય ચિકિત્સા (electroconvulsive therapy), લિથિયમ, પ્રતિતીવ્ર મનોવિકાર ઔષધો (antipyschotics), અન્ય મનોલક્ષી ઔષધો, મનોલક્ષી શસ્ત્રક્રિયા તથા વિવિધ પ્રકારની મન:સામાજિક ચિકિત્સાપદ્ધતિઓનો ઉપયોગ કરાય છે. ખિન્નતાપૂર્ણ મનોદશાવાળા અધિપ્રસંગોમાં પ્રતિખિન્નતા ઔષધો વપરાય છે. તેમાં મુખ્યત્વે વપરાતાં ઔષધો રૂપે ઇમિપ્રેમિન, એમિટ્રિપ્ટીલિન, ડૉક્ઝેપિન, ટ્રેઝોડોન, ડોથેઇમિન, નૉર-ટ્રિપ્ટીલિન, નાઇટૉક્સોઝેમિન, ટ્રાઇ-ઇમિપ્રેમિન, ફ્લોક્ઝેટિન, મિનોપ્ટિન, એમોક્ઝામિન, ટાયનેપ્ટિન, સિર્ટ્રેલિન વગેરેનો સમાવેશ થાય છે. દર્દીની માનસિક સ્થિતિમાં થતા સુધારા પ્રમાણે તેની માત્રામાં વધઘટ કરાય છે. સામાન્ય સંજોગોમાં તે માટે તેમની રુધિરસપાટી માપવામાં આવતી નથી. સામાન્ય રીતે 2થી 3 અઠવાડિયાંમાં અસર સુસ્પષ્ટ બને છે. તેથી દવાની માત્રા બદલવામાં કે દવા બદલવામાં 6 અઠવાડિયાંની રાહ જોવાય છે. નવી પ્રતિખિન્નતા દવાઓની પ્રતિકોલિનર્જિક આડઅસર ઘણી ઓછી હોય છે (જેમ કે મોં સુકાવું, પેશાબમાં અટકાવ આવવો વગેરે). તેથી મોટી ઉંમરની વ્યક્તિઓમાં, જેમને હૃદયરોગ કે પુર:સ્થગ્રંથિનું વર્ધન (prostatitic hypertrophy) થયેલું હોય તેમાં આવી નવી ખિન્નતારોધક દવાઓ વધુ ઉપયોગી રહે છે. આશરે 20 % દર્દીઓમાં દવાની અસર થતી નથી અને તેમનામાં અન્ય સારવારપદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે છે. અનાદર્શ (atypical) પ્રકારના ખિન્નતાના દર્દીમાં મૉનો-એમાઇન ઑક્સિડેઝ અવદાબક જૂથની દવાઓ અપાય છે. આ પ્રકારની દવા હાલ ભારતમાં મળતી નથી. આ પ્રકારની દવાથી યકૃતની આડઅસરો તથા લોહીનું વધુ પડતું દબાણ થઈ જવાની સંભાવના રહે છે.
જો ખિન્નતાની સાથે દુર્માન્યતાઓ (ભ્રાંતિઓ) પણ હોય તો તે તીવ્ર મનોવિકાર સૂચવે છે અને તેમનામાં પ્રતિખિન્નતા ઔષધો નિષ્ફળ જાય છે. તેથી તેમની સાથે વીજસંગ્રહણી અથવા વીજ-આંચકીકારી ચિકિત્સા, પ્રતિતીવ્ર મનોવિકાર ઔષધો તથા લિથિયમનો ઉપયોગ કરાય છે. દર્દીને આપઘાત કરવાના વિચારો આવે કે દર્દી તેવો પ્રયત્ન કરે, તીવ્ર ઔષધરોધી (drug resistant) ખિન્નતા હોય, દુર્માન્યતાઓવાળી ખિન્નતા હોય કે પ્રતિખિન્નતા ઔષધની ઘણી આડઅસરો હોય તો વીજ-આંચકીકારી ચિકિત્સા કરવામાં આવે છે. વીજઆંચકીકારી ચિકિત્સાથી આપઘાત કરવાની તીવ્ર ઇચ્છાવાળા ખિન્ન દર્દીનું જીવન બચી જાય છે. તે ઝડપી અને ઘણી અસરકારક સારવાર છે. સામાન્ય રીતે 6થી 8 વખત આ ચિકિત્સા અપાય છે. પહેલા અઠવાડિયે 3 વખત, બીજા અઠવાડિયામાં બે વખત અને ત્રીજા અઠવાડિયામાં એક વખત વીજઆંચકી-ચિકિત્સાની સારવાર અપાય છે, અને ત્યારબાદ પ્રતિખિન્નતા ઔષધો ચાલુ રખાય છે. આ સારવારપદ્ધતિની સુરક્ષિતતા ઘણી સારી રીતે નિશ્ચિત કરાયેલી છે. ક્યારેક પ્રતિતીવ્ર મનોવિકારી ઔષધો અને લિથિયમના પ્રયોગ છતાં માનસિક ઉન્માદ ન શમે તોપણ વીજ-આંચકીકારી ચિકિત્સા કરાય છે.
ઉગ્ર માનસિક ઉન્માદના અધિપ્રસંગમાં લિથિયમ ઘણી ઉપયોગી દવા છે. તેને દ્વિધ્રુવીય વિકાર કે જેમાં ખિન્નતા અને માનસિક ઉન્માદના અધિપ્રસંગો વારાફરતી બન્યા કરે છે તેમાં પણ વધુ અધિપ્રસંગો થતા અટકાવવા માટે વપરાય છે. ખિન્નતાના વિકારમાં તે ઓછી અસરકારક રહે છે. દવા શરૂ કર્યા પછી 1–2 અઠવાડિયાંમાં તેની અસર થતી જોવા મળે છે. જો ઉગ્ર ઉન્માદી વિકાર હોય તો સાથે પ્રતિતીવ્ર મનોવિકાર ઔષધો પણ અપાય છે. લિથિયમ કાર્બોનેટ વડે કરાતી સારવારનું સતત માપનેક્ષણ (monitoring) કરાય છે અને તે માટે તેની રુધિરસપાટી માપતાં રહેવામાં આવે છે. પ્રતિરોધક (prophylactic) માત્રા રૂપે 0.6થી 12.2 મિલીઇક્વિવેલન્ટ/લિટરની રુધિરસપાટી જાળવી રખાય છે (therapeutic), જ્યારે ચિકિત્સાર્થ રુધિરસપાટી 0.8થી 1.2 મિલી/લિ. છે. જો રુધિરસપાટી 2.0 મિલીઇક્વિવેલન્ટ/લિટર કે તેથી વધુ થાય તો તેની ઝેરી અસર જોવા મળે છે અને 2.5થી 3 મિલીઇક્વિવેલન્ટ/લિટરની રુધિરસપાટીએ મૃત્યુ નીપજે છે. અધિપ્રસંગ થતો અટકાવવા કરાતા ઉપયોગને પ્રતિરોધાત્મક ઉપયોગ (prophylactic use) કહે છે અને વિકારના શમન માટે કરાતા ઉપયોગને ચિકિત્સાર્થ ઉપયોગ (therapeutic use) કહે છે. તેની મુખ્ય ઝેરી અસરોમાં ચેતાતંત્રીય, મૂત્રપિંડી અને અંત:સ્રાવલક્ષી વિકારોનો સમાવેશ થાય છે. તેને કારણે અલ્પગલગ્રંથિતા (hypothyroidism) થઈ આવે છે. તેથી લિથિયમની સારવાર સાથે વારંવાર શારીરિક તપાસ, રુધિરકોષોની સંખ્યા, હૃદવીજાલેખ (ECG), મૂત્રપરીક્ષણ, 24 કલાકમાં થતા મૂત્રનું કદ, મૂત્રપિંડક્ષમતા કસોટીઓ તથા ગલગ્રંથિક્ષમતા કસોટીઓ કરાય છે.
ઉગ્ર ઉન્માદી અધિપ્રસંગ હોય કે દુર્માન્યતા(ભ્રાંતિ)વાળી ખિન્નતા હોય તો પ્રતિતીવ્ર મનોવિકાર ઔષધો પણ અપાય છે. દુર્માન્યતાવાળી ખિન્નતામાં ક્લૉરપ્રોમેઝિન, હેલોપેરિડોલ, પિમૉઝાઇડ વગેરે દવાઓ વપરાય છે. દ્વિધ્રુવીય મનોદશા વિકાર હોય, લિથિયમની ખાસ અસરકારકતા ન હોય, મસ્તિષ્કી વીજાલેખ (EEG) વિષમ પ્રકારનો હોય તો કાર્બામેઝેપિન અથવા સોડિયમ વૅલ્પ્રૉએટ અપાય છે. અન્ય વપરાશમાં લેવાતી દવાઓમાં ક્લોનાઝેપામ, ક્લોનિડિન, વેરાપામિલ અને ગલગ્રંથિ અંત:સ્રાવોનો સમાવેશ થાય છે. જવલ્લે બનતા કિસ્સામાં મગજની શસ્ત્રક્રિયા કરવા અંગે વિચારાય છે. તેવા સમયે મગજમાં આવેલી તલગંડિકાઓ(basal ganglia)માંના સપુચ્છી ચેતાકેન્દ્ર(caudate nucleus)ની નીચેની શ્વેતમજ્જામાંના ચેતાપથને કાપવામાં આવે છે. તેને મનોલક્ષી શસ્ત્રક્રિયા (psychosurgery) કહે છે.
દર્દીને શારીરિક સારવાર ઉપરાંત મન:સામાજિક સારવારની પણ જરૂર પડે છે. ક્યારેક મંદ તીવ્રતાવાળા ખિન્નતાવિકારમાં તે એકલી પણ પર્યાપ્ત થઈ પડે છે. તેમાં બોધાત્મક ચિકિત્સા (cognitive therapy), આંતરવ્યક્તિ ચિકિત્સા, વર્તનચિકિત્સા, જૂથચિકિત્સા, પારિવારિક અને યુગલચિકિત્સાનો સમાવેશ થાય છે.
વિવિધ બોધાત્મક ચિકિત્સા વડે ખિન્નતાજન્ય નકારાત્મક વલણો ઘટાડી શકાય છે. બે વ્યક્તિઓ વચ્ચેના પારસ્પરિક તણાવો, વિસંવાદો, સામાજિક વિનિમય, સામાજિક એકલવાયાપણું, સામાજિક કૌશલ્યો વગેરે વિવિધ બાબતોને સ્પર્શતી સારવારપદ્ધતિને આંતરવ્યક્તિ ચિકિત્સા કહે છે. મનોવિશ્લેષણાત્મક મનશ્ચિકિત્સા વડે દર્દીના વ્યક્તિત્વમાં વિધાયક ફેરફાર લાવવા પ્રયત્ન કરાય છે, પણ તેની સફળતા ઓછી રહે છે. મંદ ખિન્નતાવાળા દર્દીમાં ટૂંકા ગાળાના ઇલાજ રૂપે વર્તનચિકિત્સા કરાય છે. સમગ્ર જૂથને, યુગલને કે પરિવારનાં સભ્યોને સામૂહિક રૂપે પણ ચિકિત્સા આપવાની ક્યારેક જરૂર પડે છે. તેને જૂથલક્ષી, યુગલલક્ષી કે પારિવારિક ચિકિત્સા કહે છે.
(ઙ–4–ઊ) ખિન્નતા અને માનસિક ઉન્માદ કરતાં કેટલાંક સંલક્ષણો (syndromes) પણ નોંધાયેલાં છે; જેમ કે, 40થી 65 વર્ષની વયના દર્દીઓમાં અંત:શમનકારી ખિન્નતાજન્ય દેહવિકાર અથવા અંત:શમનકારી વિષાદ (evolutional melancholia) થાય છે. દર્દી ઉશ્કેરાટ, દુર્માન્યતા (ભ્રાંતિ), સ્પર્શ અને શ્રવણલક્ષી મનોભ્રમ તથા વ્યાધિભયને કારણે વિવિધ શારીરિક તકલીફોથી પીડાય છે. હાલ તેને અન્ય ખિન્નતાવિકારોની સાથે આવરી લેવાય છે. ક્યારેક મનોવિકારી ચિંતા અને ખિન્નતાઓ સાથે હોય છે. તો ક્યારેક શારીરિક તકલીફોની પાછળ ખિન્નતાનો વિકાર છુપાયેલો રહે છે. ક્યારેક લાંબા સમયની પીડા, ભયજન્ય વિકાર, મદ્યાસક્તિ, ઔષધકુપ્રયોગ, ધ્યાનાકર્ષિતા (hysteria), અદમ્ય પુનર્વર્તિતાનો વિકાર, અતિઆહારિતા કે અલ્પઆહારિતા વગેરે વિવિધ વિકારો આંતરિક ખિન્નતાના દ્યોતક હોય છે. ક્યારેક દર્દી ખિન્નતાનો ઉગ્ર તથા દીર્ઘકાલીન એમ બેવડો વિકાર ધરાવે છે, તો ક્યારેક તે ખિન્નતાની સાથે ઉશ્કેરાયેલો પણ હોય છે. કેટલાક દર્દીમાં ચોક્કસ ઋતુમાં ખિન્નતાવિકાર થઈ આવે છે.
ક્યારેક દર્દીને સૌમ્ય મનોવિકારી ખિન્નતા થઈ આવે છે. આવા દર્દીઓની ખિન્નતા મંદથી મધ્યમ તીવ્રતાની હોય છે. કોઈ તણાવ તરફના વધુ પડતા નકારાત્મક પ્રતિભાવ રૂપે હોય છે, તેની સાથે ચિંતા, પુનર્વર્તિતા, મનોવિકારી ભીતિ (phobia) તથા અન્ય શારીરિક તકલીફો પણ હોય છે. દર્દીનું ધ્યાન તે સમયે તણાવકારી પરિબળ તરફ દોરવાયેલું રહે છે. તેવી સ્થિતિ લાંબી ચાલે છે અને તેમાં વધઘટ થતી રહે છે. મનોભ્રમણા, દુર્માન્યતા (ભ્રાંતિ) તથા અન્ય તીવ્ર મનોવિકારનાં લક્ષણો હોતાં નથી. દર્દીનો પરિસ્થિતિ તરફનો ભાવાત્મક પ્રતિભાવ સામાન્ય હોય છે. તેને વધુપડતી ઊંઘ આવે છે અથવા તેની ઊંઘ ઘટી જાય છે. દર્દીને ઊંઘ આવતાં કે સવારે ઊઠતાં તકલીફ પડે છે. સાંજે મનોદશા ખૂબ ખરાબ રહે છે અને તે પ્રકાશ કે જનસમૂહમાં સારી રહે છે. મનોરંજક ક્રિયાઓમાં ખિન્નતા ઘટે છે. આપઘાતની ધમકી ઘણી વખત હોય છે, પણ દર્દી ભાગ્યે જ આત્મહત્યા કરે છે. તેમ છતાં આપઘાતની કોઈ પણ વાત, લક્ષણ કે ચિહ્નને ગંભીરતાથી લેવું જરૂરી ગણાય છે. દર્દીની માનસિક હાલત અને ચિકિત્સકની પસંદગી પ્રમાણે સારવારપદ્ધતિ વપરાય છે, તેમાં પ્રતિખિન્નતા ઔષધો, મનશ્ચિકિત્સા તથા સહાયકારી સારવારનો ઉપયોગ કરાય છે.
(ઙ–5) અન્ય તીવ્ર મનોવિકારી વિકારો (psychotic disorders) : વાસ્તવિકતા સાથેનો સંપર્ક મહત્તમ રીતે છૂટી ગયો હોય, વ્યક્તિત્વમાં મોટો ફેરફાર આવ્યો હોવાથી સામાજિક, અન્ય વ્યક્તિ સાથેના પારસ્પરિક અને વ્યાવસાયિક વ્યવહારમાં ઉદભવતી મહદ્ વિષમતા હોય, નિર્ણય(judgement)માં તથા પોતાનાં વિકારસૂચક લક્ષણો અને વિષમ વર્તન અંગે અંત:સૂઝ ઘટી હોય તથા લાક્ષણિક મનોભ્રમ (hallucination) અને દુર્માન્યતા (ભ્રાંતિ, delusion) થઈ આવી હોય તેવા મનોવિકારને તીવ્ર મનોવિકાર (psychosis) કહે છે. પેશીવિકૃતિ વગરના મુખ્ય તીવ્ર મનોવિકારો તરીકે વિચ્છિન્નમનસ્કતા અને મનોદશાવિકારોની આગળ ઉપર ચર્ચા છે. તે બે ઉપરાંત પણ કેટલાક તીવ્ર મનોવિકારો છે. તેમને તૃતીય તીવ્ર મનોવિકારોના સંયુક્ત નામે પણ ઓળખવામાં આવે છે. તેમાં (અ) વિવિધ પ્રકારના દુર્માન્યતાજન્ય અથવા ભ્રાંતિજન્ય વિકારો (delusional disorders), (આ) ઉગ્ર અને અલ્પકાલીન તીવ્ર મનોવિકારો, (ઇ) વિચ્છિન્ન ભાવમનસ્કતા (schizo-affective disorder) તથા (ઈ) પ્રતિક્રિયાત્મક તીવ્ર મનોવિકાર(reactive psychosis)નો સમાવેશ થાય છે.
(ઙ–5–અ) દુર્માન્યતા(ભ્રાંતિ)લક્ષી વિકારો (delusional disorders) અગાઉ paranoid disorders કહેવાતા હતા. જો 3 મહિના કે તેથી વધુ સમય દુર્માન્યતાઓ રહે તો તેને સતતકાલીન અથવા નિરંતર (persistent) દુર્માન્યતા (ભ્રાંતિ) કહે છે. સામાન્ય રીતે તેમાં પોતાની મહત્તા, બીજાની ઈર્ષ્યા કે નુકસાનકારકતા, વ્યાધિભય, કામોન્માદ (erotomania) વગેરે પ્રકારની ખોટી માન્યતાઓ પેદા થયેલી હોય છે. આ વિકારના દર્દીને સામાન્ય રીતે મનોભ્રમ (hallucination) અથવા/તથા મગજની પેશીનો કોઈ રોગ કે તીવ્ર મનોવિકારના મુખ્ય પ્રકારો વિચ્છિન્નમનસ્કતા અને મનોદશાવિકાર પણ હોતાં નથી. વાતાવરણમાં આવતો અચાનક ફેરફાર (દા.ત., જેલમાંનો નવો કેદી કે વિદેશ ગયેલી વ્યક્તિ) મોટેભાગે કારણરૂપ હોય છે. ઘણી વખત તણાવકારક પરિબળ સુસ્પષ્ટ હોતું નથી. વિવિધ ઘટકોને કારણે તે થવાની સંભાવના રહેલી છે. સતતકાલીન (નિરંતર) દુર્માન્યતા(ભ્રાંતિ)નો વિકાર લાંબો સમય ચાલે છે. આવી વ્યક્તિઓ સામાન્ય જીવન ગુજારતી હોય છે, પરંતુ જ્યારે તેમની દુર્માન્યતાના વિસ્તારમાં પ્રવેશ કરવામાં આવે ત્યારે તેમના વ્યક્તિત્વની ઊણપ છતી થાય છે. મોટેભાગે દર્દીને દુર્માન્યતાલક્ષી વિચ્છન્નમનસ્કતા (paranoid schizophrenia) કે દુર્માન્યતાલક્ષી વ્યક્તિત્વવિકાર નથી તેની ખાતરી કરી લેવાય છે. દુર્માન્યતાલક્ષી વિચ્છિન્નમનસ્કતાનો દર્દી પોતાની સંભાળ ઓછી રાખે છે, સમાજમાં ઓછો ભળે છે, અવ્યવસ્થિત વ્યક્તિત્વવાળો હોય છે, દુર્માન્યતાઓ (ભ્રાંતિઓ) ધરાવે છે, શ્રવણલક્ષી મનોભ્રમણા અનુભવે છે, વાસ્તવિકતાથી અલગ પડેલો હોય છે, પોતાના રોગ અંગે અભાન હોય છે અને તેનાં ભાવ અને ભાવસ્થિતિ તેની પરિસ્થિતિ સાથે સુસંગત હોતાં નથી. દુર્માન્યતાજન્ય વ્યક્તિત્વવિકારવાળી વ્યક્તિનો સામાજિક વ્યવહાર કુંઠિત હોય છે; પરંતુ તે અન્ય સર્વ રીતે સામાન્ય વર્તન અને મન:સ્થિતિ ધરાવે છે. જો તેને પોતાના પતિ કે પત્ની તરફથી ઈર્ષ્યાની દુર્માન્યતા (ભ્રાંતિ) હોય તો તેને ઑથેલો સંલક્ષણ પણ કહે છે. વ્યાધિભયવાળા દુર્માન્યતા(ભ્રાંતિ)વિકારમાં કોઈ એક રોગલક્ષણની દુર્માન્યતા હોય છે. તેથી તેને એકલક્ષણી વ્યાધિભયજન્ય તીવ્ર મનોવિકાર (monosymptomatic hypochondrial psychosis, MHP) કહે છે. મોટેભાગે કોઈ બાહ્ય પદાર્થ કે કૃમિ શરીરમાં છે એવી ખોટી માન્યતા હોય છે. તેથી તેને પરોપજીવધારણલક્ષી દુર્માન્યતા (delusional parasitosis) પણ કહે છે. ક્યારેક તેને પોતાનામાંથી દુર્ગંધ આવી રહી છે તેવી દુર્માન્યતા (ભ્રાંતિ) થાય છે અથવા પોતાના શરીરનો કોઈ ભાગ કે શરીર આખું કદરૂપું છે એવી ભ્રાંતિ થાય છે, તેને અનુક્રમે દુર્ગંધ ભ્રાંતિ (delusional halitosis) અને કુરૂપલક્ષી ભ્રાંતિ (delusional dysmorphophobia) કહે છે. કામોન્માદ(erotomania)ની દુર્માન્યતાને કિરેમ્બોલ્ટનું સંલક્ષણ કહે છે. આ સર્વે પ્રકારની દુર્માન્યતાઓને દુર્માન્યતાલક્ષી વિચ્છિન્નમનસ્કતા, માનસિક ઉન્માદ, ખિન્નતા, દુર્માન્યતાલક્ષી વ્યક્તિત્વવિકાર અને મગજની પેશીવિકૃતિજન્ય દુર્માન્યતાકારી વિકારથી અલગ પાડીને તેમની સારવાર કરાય છે. સામાન્ય રીતે પ્રતિતીવ્રમનોવિકારની ઔષધો વડે સારવાર કરાય છે. MHPના વિકારમાં પિમોઝાઇડ ઉપયોગી ઔષધ છે. તે સાથે સહાયદાયી મનશ્ચિકિત્સા તથા જરૂર પડ્યે પ્રતિખિન્નતા ઔષધો અને વીજ-આંચકી-ચિકિત્સા પણ ઉપયોગી રહે છે.
ક્યારેક બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે લાગણીના સંબંધને કારણે તેમને સમાન પ્રકારનો દુર્માન્યતાવિકાર (ભ્રાંતિવિકાર) થઈ આવે છે. તેને અનુક્રમે દ્વિવ્યક્તિ દુર્માન્યતાવિકાર (folie ä deux), બહુવ્યક્તિ દુર્માન્યતા વિકાર (folie ä trois, folie ä quatre) કહે છે. એક કુટુંબની વ્યક્તિઓને થતા આવા વિકારને પારિવારિક દુર્માન્યતાવિકાર (folie ä famille) કહે છે. જ્યારે આવી વ્યક્તિઓને અલગ પાડવામાં આવે ત્યારે જે વ્યક્તિઓ માનસિક રીતે બીજા પર આધારિત હોય તેઓની દુર્માન્યતા પ્રેરિત (induced) હોવાને લીધે આપોઆપ શમે છે. જે પ્રભાવી (dominant) વ્યક્તિને કારણે તેને તથા અન્ય વ્યક્તિઓને દુર્માન્યતાવિકાર થયો હોય તેને સારવાર અપાય છે.
(ઙ–5–આ) ભારત અને અન્ય વિકાસશીલ દેશોમાં ઘણી વખત ટૂંકા સમયથી શરૂ થયેલા અને ટૂંકો સમય ચાલતા તીવ્ર મનોવિકારના કિસ્સા જોવા મળે છે. તેમને ઉગ્ર-અલ્પકાલીન તીવ્ર મનોવિકાર કહે છે. ભારતીય આયુર્વિજ્ઞાન સંશોધન કાઉન્સિલ (ICMR) દ્વારા હાથ ધરાયેલા સંશોધન અનુસાર આવા 85 % દર્દીઓને સંપૂર્ણ રોગમુક્તિ મળે છે, જે ઘણી વખત કોઈ પણ જાતની સારવાર વગર પણ થયેલી હોય છે. આશરે 50 % દર્દીઓમાં માનસિક તણાવ અને 20 % દર્દીઓમાં શારીરિક પરિબળને કારણે વિકાર ઉદભવ્યો હોય છે. સામાન્ય રીતે 50 % દર્દીઓમાં તે 48 કલાકમાં જ ઉદભવે છે. મોટેભાગે ધંધામાં ખોટ, ધંધો ગુમાવ્યાની સ્થિતિ, ભાગીદાર ગુમાવ્યાની સ્થિતિ, લગ્નભંગ, હિંસા કે આતંકજનક સ્થિતિ કે યાતના (torture) જેવી સ્થિતિ થઈ હોય ત્યારે તે થાય છે. સામાન્ય રીતે ટૂંકા ગાળાનો વિકાર શમે છે. સારવાર રૂપે પ્રતિતીવ્ર મનોવિકારી ઔષધો વપરાય છે. સામાન્ય રીતે તે પણ ટૂંકા સમય માટે જ અપાય છે. સારવારની શરૂઆતમાં ક્યારેક બેન્ઝોડાયાઝેપિન્સ જૂથની દવાનું ઇન્જેક્શન આપવું જરૂરી બને છે. પ્રતિખિન્નતા ઔષધો તથા વીજ-આંચકી ચિકિત્સાની ભાગ્યે જ જરૂર પડે છે. ક્યારેક સાથે જોવા મળતા તણાવજન્ય વિકાર માટે મનશ્ચિકિત્સા પણ અપાય છે.
(ઙ–5–ઇ) ક્યારેક કોઈ દર્દીને વિચ્છિન્નમનસ્કતા અને મનોદશાવિકાર એમ બંને વિકારોનાં લક્ષણો એક જ અધિપ્રસંગમાં જોવા મળે છે. તેને વિચ્છિન્નભાવમનસ્કતા-વિકાર (schizo-affective disorder) કહે છે. તેમાં વિચ્છિન્નમનસ્કતા સાથે માનસિક ઉન્માદ, ખિન્નતા કે બંને ભાવસ્થિતિવાળી મિશ્ર અવસ્થા પણ જોવા મળે છે. તેની સારવારમાં લિથિયમ, પ્રતિતીવ્ર મનોવિકારી ઔષધો, પ્રતિખિન્નતા ઔષધો, વીજ-આંચકી-ચિકિત્સાનો ઉપયોગ કરીને, જે પ્રકારનાં લક્ષણો હોય તે પ્રકારે સારવાર કરાય છે. સારવારનું પરિણામ વિચ્છિન્નમનસ્કતાના વિકાર કરતાં સારું, પણ મનોદશાવિકાર કરતાં ઊણું ઊતરતું આવે છે. ક્યારેક દર્દી પોતાની ઓળખ અથવા બીજાની ઓળખ અંગે દુર્માન્યતા ધરાવે તો તેને કૅપ્ગ્રાસ(Capgras)નું સંલક્ષણ કહે છે જેમાં તે પોતાને કે અન્ય વ્યક્તિને કોઈ બીજી જ વ્યક્તિની છદ્મવેશી અનુકૃતિ (double) માને છે. આવી મન:સ્થિતિ વિવિધ દુર્માન્યતાઓ સર્જતા તીવ્ર મનોવિકારોમાં થાય છે અને તેથી ઉપચારાર્થે મૂળ રોગની સારવાર કરવાની રહે છે.
(ઙ–5–ઈ) પ્રતિક્રિયાત્મક તીવ્ર મનોવિકાર (reactive psychotic disorder) અચાનક થઈ આવે છે. સામાન્ય રીતે તે તીવ્ર તણાવ પછી ઉદભવે છે. લગભગ 1 મહિનામાં તે શમે છે.
(ઙ–6) સૌમ્ય મનોવિકારી (neurotic), તણાવ–સંબંધિત (stress-related) અને દેહારોપિત (somatoform) મનોવિકારો : આ જૂથના વિકારોમાં દર્દી પોતાની તકલીફને અનુભવે છે તથા તેને તેની જાણકારી પણ હોય છે. વિકારની જાણકારીને અંત:સૂઝ અથવા અંર્તર્દષ્ટિ (insight) કહે છે. તેનાથી તેને તકલીફ થાય છે. આવો સૌમ્યમનોવિકાર (neurosis) કારણસર ઉદભવેલો હોય છે. દર્દીનાં વ્યક્તિત્વ, વર્તન કે તેની વાસ્તવિકતા સાથેનું જોડાણ અકબંધ રહે છે. દર્દીને મગજની પેશીનો કોઈ રોગ થયેલો હોતો નથી. આ પ્રકારના સૌમ્યમનોવિકારથી વિપરીત, વાસ્તવિકતા સાથેનો અનુબંધ કાપી કાઢતા, વ્યક્તિત્વ અને વર્તનમાં મોટો ફેરફાર લાવતા, અંદાજક્ષમતા અને પોતાના વિકારની હાજરી અંગે અંત:સૂઝ દૂર કરતા તથા દુર્માન્યતાઓવાળા કે ભ્રાંતિવાળા વિકારને તીવ્ર મનોવિકાર (psychosis) કહે છે. હાલ રોગોના દસમા આંતરરાષ્ટ્રીય વર્ગીકરણમાં તીવ્ર મનોવિકાર અને સૌમ્ય મનોવિકાર શબ્દોને દૂર કરવામાં આવ્યા છે; પરંતુ તીવ્ર મનોવિકારી (psychotic) અને સૌમ્ય મનોવિકારી (neurotic) શબ્દોને વિશેષણો રૂપે ચાલુ રખાયા છે.
સૌમ્ય મનોવિકારી, તણાવજન્ય અને દેહારોપિત મનોવિકારોમાં જુદા જુદા 7 વિકારોને સમાવવામાં આવે છે : (અ) ચિંતાવિકારો (anxiety disorders), (આ) ભીતિજન્ય ચિંતાવિકાર (phobic anxiety disorders), (ઇ) અદાબ અથવા અદમ્ય પુનર્વર્તિતા વિકાર (obsessive compulsive disorder), (ઈ) સંરૂપાંતરી મનોવિકારો (conversion disorders) અને/અથવા વિયોજનકારી મનોવિકારો (dissocialised disorders), (ઉ) દેહારોપિત વિકારો (somatoform disorders), (ઊ) તીવ્ર તણાવજન્ય પ્રતિક્રિયા (acute stress-induced reaction) અને સમાયોજન-વિકારો (adjustment disorder) તથા (એ) અન્ય સૌમ્ય મનોવિકારી વિકારો.
(ઙ–6–અ) માનસિક વિકારોમાં સૌથી વધુ જોવા મળતી તકલીફ ચિંતા (anxiety) છે. તેથી ચિંતાવિકારો (anxiety disorders) સૌથી વધુ જોવા મળતા મનોવિકારો છે. ભયની આશંકાથી ઉદભવતી માનસિક સ્થિતિને ચિંતા કહે છે. તેને ભયથી અલગ પાડવામાં આવે છે. જ્યારે બાહ્ય જોખમ સુસ્પષ્ટ હોય ત્યારે તેની પ્રતિક્રિયા રૂપે જે મનોભાવ ઉદભવે તેને ભય (fear) કહે છે, જ્યારે કોઈ જોખમ હોવાની સંભાવનાને કારણે ઉદભવતા મનોભાવને ચિંતા કહે છે. જ્યારે ચિંતા સ્વાનુગત તકલીફ (subjective discomfort) કરે કે તે વ્યક્તિના સામાન્ય કાર્યમાં વિક્ષેપ કરે ત્યારે તેને ચિંતાવિકાર કહે છે. કેટલાક નિષ્ણાતો ચિંતાને 2 પ્રકારમાં વહેંચે છે : ચિંતામય મન:પ્રકાર (trait anxiety) અને ચિંતામય સ્થિતિ (state anxiety). જો કોઈ વ્યક્તિને સતત ચિંતા કરવાની ટેવ હોય તો તેને ચિંતામય મન:પ્રકાર કહે છે. આવી વ્યક્તિ પોતાને ઘણી વખત ચિંતાગ્રસ્ત અનુભવે છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પરિસ્થિતિમાં ચિંતા કરતી થઈ ગઈ હોય ત્યારે તેને તેની ચિંતામય સ્થિતિ કહે છે. આવી વ્યક્તિ ચોક્કસ પરિસ્થિતિઓમાં ચિંતાગ્રસ્તતા અનુભવે છે. ચિંતામય મન:પ્રકારવાળી વ્યક્તિઓને ચિંતામય સ્થિતિના વારંવાર હુમલા અથવા અધિપ્રસંગો થઈ આવે છે. ચિંતાથી શારીરિક અને માનસિક લક્ષણો ઉદભવે છે. તેને કારણે ધ્રુજારી, અંજપો, સ્નાયુ થરકાટ (muscle tremors), ભયપૂર્ણ મુખભાવ, હૃદયસ્પંદનની સભાનતા (palpitation), ઝડપી હૃદયધબકાર, પરસેવો થવો, લાલાશ ઊભરાઈ આવવી, શ્વાસ ચડવો, અતિશ્વસન (hyperventilation) થવું, મોઢું સુકાવું, અંધારાં આવવાં (dizziness), પેશાબની હાજત શરૂ કરવામાં તકલીફ પડવી, ઝાડા થવા, આંખની કીકી ઝીણી થવી વગેરે વિવિધ શારીરિક ચિહ્નો અને લક્ષણો થાય છે. માનસિક લક્ષણો રૂપે બોધાત્મક (cognitive), અનુબોધાત્મક (perceptual), ભાવલક્ષી (affective) અને અન્ય પ્રકારનાં લક્ષણો થાય છે. બોધાત્મક લક્ષણો રૂપે વ્યક્તિની એકાગ્રતા ઘટે છે, તેનું ધ્યાન સહેલાઈથી બીજી તરફ દોરાઈ જાય છે, તે અતિજાગરૂકતા (hyperarousal) ધરાવે છે તથા સચેત (vigilant) રહે છે. તેનું અનુબોધન ઘટવાને કારણે તે વાસ્તવિકતાથી દૂર (વિવાસ્તવીકરણ, derealisation) જાય છે અને વિવ્યક્તિલક્ષી (depersonalised) બને છે. તેનું ભાવાત્મક (લાગણીજન્ય) વિશ્વ અસરગ્રસ્ત થવાથી તેને વ્યાપક, અપ્રિય અને અસ્પષ્ટ આશંકા (apprehension), ભયગ્રસ્તતા (fearfulness), સ્નાયુશિથિલનમાં મુશ્કેલી, અકળામણ અથવા સંતાપશીલતા (irritability) થાય છે અને જો ચિંતા તીવ્ર પ્રકારની હોય તો આવી રહેલા વિનાશની ભાવના થઈ આવે છે. શરૂઆતના તબક્કામાં અનિદ્રા (insomnia) થઈ આવે છે અને તે વધુ પડતા અંજાઈ જવા જેવો પ્રતિભાવ આપે છે.
સામાન્ય વ્યાપક ચિંતાવિકાર (generalised anxiety disorder) હોય તો તેની શરૂઆત જીવનના ત્રીજા તબક્કામાં અસૂચકપણે (insidiously) થાય છે. ક્યારેક તે સ્થાયી (stuff) સ્વરૂપે જોવા મળે છે. તે 6 મહિના કે વધુ ચાલતી દીર્ઘકાલીન સ્થિતિ છે એમાં ક્યારેક વારંવાર ભયવિકારના અધિપ્રસંગો બને છે. તેને ઉગ્ર ચિંતાના અધિપ્રસંગો પણ કહે છે. તેનું વસ્તીરોગપ્રમાણ 2.5 %થી 8 % જેટલું હોય છે અને આમ તે સૌથી વધુ જોવા મળતો માનસિક વિકાર છે. અન્ય અનેક માનસિક રોગોમાં પણ ચિંતા એક લક્ષણરૂપે હોય છે તેથી તેને અન્ય રોગોથી અલગ પાડવી પડે છે, પરંતુ ખિન્નતાકારી વિકારો અને મગજની પેશીવિકૃતિથી થતા રોગોથી તો ખાસ અલગ પડાય છે.
ઉગ્ર ચિંતારૂપે ક્યારેક ભયવિકાર(panic disorder)ના અધિપ્રસંગો ઉગ્ર ચિંતારૂપે જોવા મળે છે. સામાન્ય રીતે તે પણ જીવનના ત્રીજા દાયકામાં થાય છે. તે થોડા થોડા દિવસે વારંવાર થયા કરે છે. તેની સાથે ક્યારેક સામાન્ય અને વ્યાપક ચિંતાવિકાર હોય છે. તે થોડીક મિનિટો માટે, વારંવાર અચાનક થઈ આવતો તીવ્ર ચિંતાગ્રસ્તતાનો વિકાર છે. તેનું કોઈ ખાસ કારણ પણ હોતું નથી. તેને હૃદયના વિકારો અને મગજની પેશીવિકૃતિથી અલગ પડાય છે. હૃદયના દ્વિદલ કપાટના અપભ્રંશ(mitral valve prolapse)ને ખાસ અલગ પાડવો પડે છે. તે માટે હૃદ્પ્રતિઘોષાલેખન (echocardiography) કરાય છે. તેનું વસ્તીરોગપ્રમાણ 1.5 %થી 2 % છે. તે મુખ્યત્વે સ્ત્રીઓમાં થાય છે. તેની સાથે ક્યારેક પરિસ્થિતિને કારણે ઉદભવતી સંજોગ-ભીતિ (agoraphobia) પણ હોય છે.
ચિંતાવિકારોનાં કારણો સુસ્પષ્ટ નથી. તે માટે વિવિધ સિદ્ધાંતવૃત્ત અથવા સિદ્ધાંતમત (theories) પ્રચલિત છે. તેમાં મનોગતિક વર્તનલક્ષી, બોધાત્મક (psychodynamic), વર્તનલક્ષી અને જૈવવિદ્યાકીય સિદ્ધાંતમત મહત્વના છે. મનોગતિક સિદ્ધાંતમત પ્રમાણે આંતરિક માનસિક અસંતુલનને કારણે તે ઉદભવે છે. એવું મનાય છે કે જ્યારે પણ માનસિક અસંતુલન થાય ત્યારે તેના સૂચક ચિહ્નરૂપે ચિંતા (signal anxiety) થાય છે. કોઈ તણાવકારી પરિસ્થિતિ સર્જાય ત્યારે તેના પ્રતિભાવરૂપે ચિંતા ઉદભવે છે. તેને પ્રાથમિક બચાવપ્રવિધિરૂપે દબાવવામાં આવે છે. તેને મનોદમન (repression) કહે છે; પરંતુ જો તે નિષ્ફળ જાય તો આનુષંગિક અથવા દ્વૈતીયિક બચાવપ્રવિધિરૂપે બીજી માનસિક ક્રિયાઓ ઉદભવે છે. તેમને સંરૂપાંતરણ (conversion) અને અલગીકરણ (isolation) કહે છે, જેમાં વ્યક્તિ તેના વિચારને બીજું રૂપ આપે છે અથવા પોતે બીજાંઓથી અલગ થઈ જાય છે. જ્યારે આ દ્વૈતીયિક બચાવપ્રવિધિઓ સક્રિય ન બની શકે ત્યારે ચિંતાવિકાર ઉદભવે છે. આ સિદ્ધાંતના મત પ્રમાણે પ્રાથમિક ચિંતામાં સૌપ્રથમ શારીરિક લક્ષણો ઉદભવે છે અને તે વધુ વિકસે ત્યારે ચિંતાવિકાર થાય છે. તે તેના સૂચક ચિહ્નરૂપે જોવા મળે છે. ભયપૂર્ણ ચિંતાવિકારનું બીજ બાળપણમાં માતાપિતાથી વિખૂટા પડી જવાની ચિંતામાં રહેલું છે એવું મનાય છે.
વર્તનલક્ષી સિદ્ધાંતમત મુજબ પીડા કે જોખમકારી ઉત્તેજનાઓ તરફનો અનભિસંધાની (unconditional) અંતર્ગત પ્રતિભાવ (inherent response) ઉદભવે ત્યારે ચિંતા થાય છે. બોધાત્મક વર્તનવિકારના સિદ્ધાંતમત મુજબ વ્યક્તિ જે કાંઈ જાણતી હોય તેના તરફ જો તેને નકારાત્મક સ્વયંભૂ વિચારો ઉદભવે તો તે તેની સમજણને વિકૃત કરે છે. તેને તેની બોધાત્મક વિરૂપતા (cognitive distortion) કહે છે. તેના પર જો તે નિયંત્રણ ન રાખી શકે તો તેને ચિંતાવિકાર થાય છે. જૈવિક સિદ્ધાંતમત મુજબ જનીની પ્રક્રિયાઓ, જૈવરાસાયણિક પ્રક્રિયાઓ, ચેતાસંદેશવાહકો અને તેમના સ્વીકારકોના વિકારો, ચેતાતંત્રની રચનાલક્ષી કુરચના તથા વિવિધ રોગો પણ ચિંતાવિકાર સર્જે છે.
ચિંતાવિકારની સારવાર બહુઘટકીય છે. તેમાં મનશ્ચિકિત્સા, સ્નાયુશિથિલન, વર્તનલક્ષી સારવાર તથા દવાઓનો ઉપયોગ કરાય છે. જો સાથે વ્યક્તિત્વવિકાર પણ હોય તો મનોવિશ્લેષણ-મનશ્ચિકિત્સાનો ઉપયોગ કરાય છે. દવાઓ સાથેની કે તેના વગરની સામાન્ય મનશ્ચિકિત્સા તથા સ્નાયુશિથિલનની ક્રિયા ઉપયોગી રહે છે. સ્નાયુશિથિલનમાં દર્દી પોતે કોઈ પ્રક્રિયા કરે છે અથવા તેને જૅકબ્સનની સતત વર્ધનશીલ શિથિલન-પ્રક્રિયા, યોગ, પ્રાણાયામ, સ્વસંમોહન, ધ્યાનપ્રક્રિયા વગેરે વિવિધ પ્રક્રિયાઓ વડે મદદરૂપ થઈ શકાય છે. બોધાત્મક વર્તનચિકિત્સા, જૈવ પ્રતિપોષ (biofeedback) તથા અતિશ્વસનનિયંત્રણની પદ્ધતિઓ પણ ઉપયોગી છે. સામાન્ય અને વ્યાપક ચિંતાવિકારમાં બેન્ઝોડાયાઝેપિન્સ અને ભયવિકારમાં પ્રતિખિન્નતા ઔષધો તથા ક્લોનાઝેપામ વપરાય છે. આલ્પ્રાઝોલામ બંને પ્રકારના વિકારોમાં લાભકારક રહે છે. કોઈ કાર્યની શરૂઆત કરતાં પહેલાં પૂર્વધારણાજન્ય (anticipatory) ચિંતા રોકવા માટે પ્રોપ્રેનોલોલ વપરાય છે; પરંતુ તેને વાપરતાં પહેલાં દર્દીને શ્વાસ કે હૃદયના રોગો નથી તેની ખાતરી કરાય છે. બ્યુસ્પ્રિરોન નામની નવી શોધાયેલી દવા બેન્ઝોડાયાઝેપિન્સની જેમ કુટેવ પડતી નથી. પરંતુ તેની અસર દેખાતાં 2થી 3 અઠવાડિયાં થાય છે. લાંબા સમયના ચિંતાવિકારમાં તે વપરાય છે. તે ભયવિકારમાં ઉપયોગી નથી.
(ઙ–6–આ) ભીતિવિકારો (phobic disorders) : ચોક્કસ વસ્તુ, સંજોગ કે ક્રિયા તરફના અતાર્કિક ભયને ભીતિ (phobia) કહે છે. તેને કારણે વ્યક્તિ તે પદાર્થો, પરિસ્થિતિ કે કાર્યથી સતત દૂર રહે છે. વ્યક્તિને ખબર હોય છે કે તેનો ભય વધુ પડતો છે, પરંતુ તેને નિયંત્રિત કરી શકતી નથી. આવો ભીતિવિકાર તેના માનસપટનો કબજો લે છે અને તેથી તે સતત ભીતિને કારણે ત્રાસ (distress) અનુભવે છે અને પોતાની વિહરવાની અને હરવાફરવાની સ્વતંત્રતા ગુમાવે છે.
સામાન્ય રીતે સંજોગભીતિ (agoraphobia) ઘણા વધારે પ્રમાણમાં જોવામાં આવે છે. પશ્ચિમી દેશોમાં તે સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. ઘરની બહાર કે અજાણી જગ્યાએ અતાર્કિક ભય (ભીતિ) વધુ જોવા મળે છે. આવી જગ્યાઓમાં ખુલ્લી, ભીડવાળી તથા જ્યાંથી સહેલાઈથી ભાગી જઈ શકાય નહિ તેવી જગ્યાઓનો સમાવેશ થાય છે. તે સમયે મદદ ન મળી શકવાની સંભાવનાને કારણે અકાર્યક્ષમતાનાં લક્ષણો થઈ આવે છે. ઘણી વખત ફક્ત અંધારાં આવે છે અથવા હૃદયના ધબકારા વધી જાય છે, પરંતુ કોઈ ભય ઉત્પન્ન થયેલો હોતો નથી. તેને ભયવિકાર વગરની સંજોગભીતિ કહે છે. જો તે સમયે ભય પણ ઉત્પન્ન થયેલો હોય તો તેને ભયવિકાર સાથેની સંજોગભીતિ કહે છે. જેમ જેમ સંજોગભીતિ વધતી જાય તેમ તેમ વ્યક્તિ પોતાનાં કાર્યને ઘટાડે છે અને પોતાના ઘરમાં જ જાણે કેદી બની જાય છે. તેને ઘરકૂકડીપણું કહે છે. તે એક કે બે વ્યક્તિ પર ભરોસો કરીને તેમની સાથે બહાર નીકળે છે. આવી વ્યક્તિઓને ભીતિસાથીદાર (phobic companion) કહે છે.
સામાજિક કાર્યો અને સામાજિક આંતરક્રિયામાં ઉદભવતા અતાર્કિક ભયને સામાજિક ભીતિ કહે છે; તેથી તે બીજાંઓની હાજરીમાં બીજાંઓ સાથે વાત કરવામાં ભીતિ અનુભવે છે. તે એવું સમજે છે કે કોઈ કાર્ય કરશો તો બીજાંઓ તેના કાર્યનું નિરીક્ષણ કરીને ટીકા કરશે અને તેથી તે માનહાનિનો ભય અનુભવે છે. ખૂબ માનસિક ત્રાસ ઉદભવવાને કારણે ક્યારેક રોજનું કાર્ય થંભી જાય છે. સંજોગભીતિ અને સામાજિક ભીતિમાં ભીતિકારક ઘટના જાહેર અને વ્યાપક (generalised) હોય છે, જ્યારે ત્રીજા પ્રકારની સાદી અથવા વિશિષ્ટ પ્રકારની ભીતિ પણ હોય છે જેમાં કોઈ ચોક્કસ પદાર્થ કે સંજોગ કારણરૂપ બને છે. તેમાં પણ જે તે પદાર્થ કે સંજોગ સાથેનો સંપર્ક ઘટાડવા પ્રયત્ન કરાય છે. ધીમે ધીમે ભીતિકારક પદાર્થ અને સંજોગોની સંખ્યા વધતી રહે છે. વિશિષ્ટ ભીતિ કરનારા પદાર્થો અને સંજોગો અનેક હોવાની સંભાવનાને લીધે વિશિષ્ટ ભીતિના પ્રકારો પણ અનેક રહે છે; દા. ત., ઊંચાઈવાળી જગ્યાએ થતી ભીતિને ઉચ્ચસ્થાની ભીતિ (aerophobia), પ્રાણીઓની ભીતિને પ્રાણીજન્ય ભીતિ (zoophobia), અજાણી વ્યક્તિઓની ભીતિને અજ્ઞાત વ્યક્તિભીતિ (xenophobia), દુખવાની ભીતિને પીડાભીતિ (algophobia) અને બંધ જગ્યાની ભીતિને બંધસ્થાનીય ભીતિ (claustrophobia) કહે છે.
ભીતિવિકારો 25–35 વર્ષની સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. તે અચાનક ઉદભવે છે અને લાંબા સમયપટ પર ધીમે ધીમે વિકસે છે. ક્યારેક તે આપોઆપ શમે છે. તેનું કોઈ સુસ્પષ્ટ કારણ જાણમાં હોતું નથી, પરંતુ તેના કારણ માટે મન:સંચલિત (psychodynamic) વર્તનલક્ષી અને જૈવિક સિદ્ધાંતવૃત્તો અથવા સિદ્ધાંતમતો (theories) પ્રચલિત છે. ચિંતાવિકારની માફક જ્યારે મનોદમન(repression)ની પ્રારંભિક બચાવપ્રવિધિ નિષ્ફળ જાય ત્યારે જો દ્વૈતીયિક બચાવ પ્રવિધિ રૂપે માનસિક વિસ્થાનિતા(displacement)ની સ્થિતિ ઉદભવે તો તેને ભીતિવિકાર કહે છે. વિસ્થાનિતાને કારણે વ્યક્તિની સામાન્ય ચિંતા કોઈ પદાર્થ કે સંજોગ તરફના અતાર્કિક ભયમાં રૂપાંતરિત થાય છે અને તેથી જેને સહેલાઈથી અલગ રાખી શકાય તેવા પદાર્થ તરફ આવો અતાર્કિક ભય અથવા ભીતિવિકાર ઉદભવે છે. સંજોગભીતિના મૂળ કારણમાં વિખૂટા પડી જવાની કે બાળપણમાં ઉદભવતી માતાપિતા ગુમાવવાની ચિંતા રહેલી છે એવું મનાય છે. ભીતિ ક્યારેક અભિસંધાનીય પરાવર્તી ક્રિયા(condition reflex)ના રૂપે પણ વિકસે છે. તેને વર્તનલક્ષી સિદ્ધાંતમત કહે છે. જોકે આ મત બધા જ પ્રકારની ભીતિને સમજાવી શકતો નથી. કેટલીક સામાજિક ભીતિ એક જ કુટુંબની એકથી વધુ વ્યક્તિઓમાં થતી જોવા મળે છે. તેથી તેમાં કોઈક જનીનીય વિકાર પણ હોવાની સંભાવના ગણાય છે. તેને જૈવિક સિદ્ધાંતમત કહે છે.
નિદાન કરતી વખતે ભીતિવિકારને ચિંતાવિકાર, ભયવિકાર, મહત્તમ ખિન્નતા, વ્યક્તિત્વવિકાર, અદમ્ય પુનર્વર્તિતાનો વિકાર (obsessive compulsive disorder), દુર્માન્યતાજન્ય (ભ્રાંતિજન્ય) વિકાર, વ્યાધિભય (hypochondriasis) તથા વિચ્છિન્નમનસ્કતાથી અલગ પડાય છે. તેની સારવારમાં મનશ્ચિકિત્સા, વર્તનલક્ષી સારવાર અને દવાઓ વપરાય છે. મન:સંચલિત મનશ્ચિકિત્સા (psychodynamic psychotherapy) વડે વ્યક્તિત્વ કે વર્તણૂક-વિકારો ઘટાડી શકાય છે. સહાયદાયી મનશ્ચિકિત્સા વડે વર્તનચિકિત્સા અને ઔષધચિકિત્સાનું કાર્ય વધારી શકાય છે. ભીતિવિકારમાં જોવા મળતી ચિંતા ઓછી કરવા બોધાત્મક ચિકિત્સા કરાય છે. ભીતિવિકારમાં વર્તનચિકિત્સાનું ઘણું મહત્વ છે. વિવિધ પ્રકારની વર્તનચિકિત્સાઓ વપરાય છે (જુઓ મનશ્ચિકિત્સા.) તેમાં વિચારહેલી (flooding), આયોજિત વિસંવેદીતાકરણ (systematic desensitisation), ભીતિકારક ઉત્તેજના સાથે સંપર્ક અને તેનાથી ઉદભવતા પ્રતિભાવનું પૂર્વનિવારણ તથા સ્નાયુશિથિલનની પ્રક્રિયાઓ વપરાય છે. ચિંતા ઘટાડવા માટે બેન્ઝોડાયાઝેપિન્સ વપરાય છે. આલ્પ્રાઝોલામ ભીતિ, ભય તથા ચિંતા – એમ ત્રણેયને ઘટાડે છે માટે તેનો ઉપયોગ વધુ રહે છે. અન્ય દવાઓમાં ક્લોનાઝેપામ, લોરાઝેપામ અને ડાયાઝેપામનો સમાવેશ થાય છે. ભીતિવિકારમાં ઉદભવતો ભય અને તેને કારણે સહન કરવા પડતા ત્રાસ(distress)ને ઘટાડવા માટે ઇમિપ્રેમિન અને ફેનેલ્ઝિન વપરાય છે. સામાજિક ભીતિ ઘટાડવા માટે ફ્લ્યુઑક્ઝેટિન અને સિર્ટ્રેલિન વપરાય છે. સામાન્ય રીતે એકથી વધુ ચિકિત્સાપદ્ધતિઓનો ઉપયોગ કરાય છે.
(ઙ–6–ઇ) અદમ્ય પુનર્વર્તિતા વિકાર (obsessive compulsive disorder) : તેને અદાબ પુનર્વર્તિતા કે અદમ્ય પુનર્વર્તિતા વિકાર પણ કહે છે. કોઈ આવેગ, ખ્યાલ અથવા ધ્યર્થ (idea) કે ર્દશ્ય (image) સચેત મનમાં વારેઘડીએ આવે, પોતાના અહંભાવ કે વ્યક્તિત્વથી તે અલગ પડે છતાં તે પોતાનો જ આવેગ, ખ્યાલ કે ર્દશ્ય છે એવું લાગે; દર્દી પોતે તેને અર્થહીન (absurd) અને અતાર્કિક (irrational) માને અને એની અંત:સૂઝ ધરાવે; દર્દી તેને રોકવા ચાહે પણ અસમર્થ રહે અને તે નિષ્ફળતાને કારણે તે માનસિક ત્રાસ અનુભવે તેવી સમગ્ર સ્થિતિને પુનર્વર્તિતા (obsession) કહે છે. તેને દુર્માન્યતા અથવા ભ્રાંતિ (delusion) અને વિચારનિરૂપણ(thought insertion)થી અલગ કરાય છે. દર્દી દુર્માન્યતાને પોતાના જ વિચાર તરીકે ર્દઢતાથી માને છે, પરંતુ દર્દી તેને અતાર્કિક ગણતો નથી તેથી તે તેનો વિરોધ કરતો નથી. વિચારનિરૂપણમાં દર્દી આગંતુક વિચારને બીજાનો વિચાર ગણે છે. આમ તેમને પુનર્વર્તિતાથી અલગ પાડી શકાય છે. આવી વૈચારિક પુનર્વર્તિતાની સાથે હંમેશ અદમ્યતા (compulsion) હોય છે. અદમ્યતા એક પ્રકારનું વર્તન છે જે હંમેશાં પુનર્વર્તિતાના વિકાર સાથે હોય છે. તેનો હેતુ પુનર્વર્તિતાથી ઉદભવતા દુ:ત્રાસ અને ભયને ઘટાડવાનો હોય છે. તેથી તેનું વર્તન અતાર્કિક, અતિરેકભર્યું અને અવાસ્તવિક બને છે અને તેને વિશે દર્દી સભાન હોય છે. આમ તેને પોતાની તકલીફ અંગે અંત:સૂઝ હોય છે. આમ છતાં તે તેને રોકી શકતો નથી. આવું વર્તન તેની વ્યક્તિગત અદમ્યતા સૂચવે છે અને તે આવેગજન્ય ક્રિયાના સ્વરૂપે હોય છે. તેને કારણે પુનર્વર્તિતાથી ઉદભવતી ચિંતા ઘટે છે.
ભારતમાં અદમ્ય પુનર્વર્તિતાનો વિકાર અપરિણીત સાધનસંપન્ન અને બુદ્ધિશાળી પુરુષોમાં વધુ જોવા મળે છે. સામાન્ય રીતે 25 વર્ષથી 30 વર્ષની વયે તે જોવા મળે છે. તેનું વસ્તીપ્રમાણ 2.3 % છે, તે લાંબો સમય ચાલે છે પરંતુ ક્યારેક તે અધિપ્રસંગ રૂપે પણ જોવા મળે છે. સામાન્ય રીતે 25 % દર્દીઓમાં તે મટે છે અને 50 % દર્દીઓમાં તે સુધરતો નથી. અદમ્ય પુનર્વર્તિતા વિકાર(અપુવિકાર)ના 3 ઉપપ્રકારો છે – મુખ્યત્વે વૈચારિક અદમ્યતા, મુખ્યત્વે પુનર્વર્તિતાલક્ષી ક્રિયાશીલતા અને મિશ્ર વિકાર. સામાન્ય રીતે તેની પ્રતિખિન્નતાના અધિપ્રસંગો કે મંદ તીવ્રતાવાળી ખિન્નતા થતી જોવા મળે છે. ક્યારેક આવા દર્દીઓમાં અગાઉ પુનર્વર્તિતાવાળું વ્યક્તિત્વ હોય છે. મુખ્યત્વે 4 પ્રકારની ક્રિયાશીલતાઓ જોવા મળે છે અને તેનાં સંમિશ્રણો પણ હોય છે; જેમ કે, સ્વચ્છતા-આગ્રહીઓ (washers), શંકાનિવારકો (checkers), શુદ્ધ પુનર્વર્તિતા તથા પ્રાથમિક પુનર્વર્તિતાજન્ય શનૈશ્ર્ચરો (primary obsessive slowers). સૌથી વધુ સ્વચ્છતા-આગ્રહીઓ હોય છે. તેમને ધૂળ, જંતુ તથા ઉત્સર્જનથી સંદૂષણ (contamination) થવાનો સતત ભાવ રહે છે અને તેથી તેઓ અદમ્યપણે હાથ અને શરીરને પાણીથી સાફ કર્યા કરે છે. તેને કારણે તેઓ વારંવાર કપડાં, સ્નાનાલય, શય્યાખંડ, બારણાંના હાથા તથા અંગત વસ્તુઓને પણ સાફ કર્યા કરે છે. કેટલીક વ્યક્તિઓને બારણું કે રસોડાની ગૅસસગડી બંધ નથી એવી શંકા રહ્યા કરે છે. તેઓ નાણાં પણ વારંવાર ગણતા રહે છે. નાણાં ગણવાને કારણે સંભવિત ચિંતાનું પુનર્નિવારણ થાય છે. તેથી આવી વ્યક્તિઓને શંકાનિવારકો કહે છે. જો તેઓ શંકાનિવારણની ક્રિયા (નાણાં ગણ્યા કરવાં, તાળું મારેલું છે કે નહિ તે ચકાસ્યા કરવું વગેરે) ન કરે તો તેમને ચિંતા થાય છે. કેટલીક વ્યક્તિઓમાં વિચારો, આવેગો કે ર્દશ્યો જ વારંવાર આવ્યા કરે છે; પરંતુ તેને કારણે કોઈ અદમ્ય ક્રિયા થતી નથી. આવા વિકારને શુદ્ધ પુનર્વર્તિતાનો વિકાર કહે છે. સામાન્ય રીતે આવા વિચારો લૈંગિક ક્રિયા કે આક્રમણ અંગેના હોય છે. તેનાથી સર્જાતા માનસિક ત્રાસને ઘટાડવા માટે દર્દી પ્રતિવિચાર (counterthought) સર્જે છે; જેમ કે, એકથી સો સુધી ગણવું. પરંતુ તે સિવાય તે કોઈ ખાસ ક્રિયા કરતો નથી. કેટલાક દર્દીઓ મનના વિચારની તરફેણ અને વિરુદ્ધમાં વિચાર્યા કરે છે. તેને વિચાર-વાગોળ (rumination) કહે છે. બહુ થોડા દર્દીઓ તીવ્ર પુનર્વર્તિતાજન્ય વિચારો અને અદમ્ય અનુક્રિયાઓને કારણે ખૂબ જ ચીવટવાળા અને ધીરા (ધીમા) થઈ જાય છે. તેને પ્રાથમિક પુનર્વર્તિતાજન્ય શનૈશ્ચરતાનો વિકાર કહે છે. આવા દર્દીઓમાં ચિંતા થયેલી જોવા મળતી નથી.
અદમ્ય પુનર્વર્તિતાના વિકાર(અપુવિકાર)નું કારણ સ્પષ્ટ નથી. તેને માટે મન:સંગતિક (psychodynamic) સિદ્ધાંતમત, વર્તનલક્ષી સિદ્ધાંતમત તથા જૈવિક સિદ્ધાંતમત દર્શાવવામાં આવેલા છે. અગાઉ ભીતિવિકારમાં દર્શાવ્યું છે તે પ્રમાણે દ્વૈતીયિક બચાવ પ્રવિધિ રૂપે જો વિસ્થાપન થાય તો ભીતિ સર્જાય છે, તેવી રીતે જો દ્વૈતીયિક બચાવ પ્રવિધિ રૂપે અપૂર્ણપણે ઉદભવતું ભાવ-અલગીકરણ (isolation of affect) થાય ત્યારે પુનર્વર્તિતા થાય છે અને જો તે સમયે નિષ્ક્રિયતા (undoing) વિકસે તો તેને કારણે અદમ્ય અનુક્રિયાઓ (compulsive acts) ઉદભવે છે. આને ફ્રૉઇડ દ્વારા સૂચવાયેલ મન:સંગતિક સિદ્ધાંતમત પણ કહે છે. જ્યારે અદમ્ય અનુકરણને બદલે વિસ્થાપનની બચાવપ્રવિધિ વિકસે ત્યારે ભીતિવિકાર થાય છે. આમ એક જ સિદ્ધાંતમત વડે ભીતિવિકાર તથા અદમ્ય પુનર્વર્તિતાના વિકારોને સમજાવવામાં આવે છે. આ માટે મનોલૈંગિક વિકાસમાં ગુદાકીય પરપીડન (anal sadistic) તબક્કાનું મહત્વ ગણવામાં આવે છે. દર્દીમાં અદમ્ય અનુક્રિયા થયેલી હોય છે તેથી દર્દીના વર્તનમાં કરાતો સુધારો સારવાર રૂપે ઉપયોગી રહે છે. જોકે વર્તનલક્ષી સિદ્ધાંતમત સમગ્ર અપુવિકારને સમજાવી શકતો નથી. મગજની પેશીના વિવિધ રોગોમાં, આવા દર્દીઓનાં નજીકનાં સગાંમાં તથા મનોલક્ષી શસ્ત્રક્રિયા પછી અપુવિકાર થઈ આવે છે. તેમાં 5–હાઇડ્રૉક્સિટ્રિપ્ટોફેન નામનું રસાયણ પણ ખાસ ભાગ ભજવે છે. તેથી અપુવિકારમાં જૈવિક વિકૃતિઓનું પણ મહત્વ મનાય છે.
સારવાર રૂપે મનશ્ચિકિત્સા અને વર્તનચિકિત્સા કરાય છે. તે ઉપરાંત જરૂર પડે ત્યારે ઔષધો, વીજ-આંચકી-સારવાર આપવી પડે છે. કેટલાક કિસ્સામાં મનોવિશ્લેષણાત્મક મનશ્ચિકિત્સા ઉપયોગી છે. દર્દીનાં સગાંને ઘણી વખત સહાયકારક મનશ્ચિકિત્સા આપવી પડે છે. વર્તન-પરિવર્તનની મદદથી આશરે 80 % જેટલી અદમ્ય અનુક્રિયાઓ ઘટે છે. તે માટે વિચારરોધ અથવા વિચારપરિવર્તન, પ્રતિભાવ પૂર્વનિવારણ, આયોજનબદ્ધ (systematic) વિસંવેદીકરણ અને પ્રરૂપણ(modelling)ની ક્રિયાઓ કરાય છે. દવાઓ રૂપે બેન્ઝોડાયાઝેપિન્સ (આલ્પ્રાઝોલામ તથા અન્ય) આપીને ચિંતા ઘટાડાય છે. ક્લોમિપ્રેમિન, ફ્લ્યુઝેટિન, પેરોઝેટિન, ફ્લુવૉક્ઝેમાઇન તથા સર્ટ્રેલિન પણ ઉપયોગી દવાઓ છે. જો વધુ પડતી ચિંતા થતી હોય તો હેલોપૅરિડોલ આપીને સારવારની અસરકારકતા પણ સધાય છે. જો ખિન્નતા વધુ પડતી થાય તો વીજ-આંચકી-સારવાર અપાય છે. તે સિવાય તેનો ખાસ ઉપયોગ નથી. કોઈ પણ સારવારથી ફાયદો ન થાય તો મસ્તિષ્કી ભાવવિસ્તાર(limbic area)માંના શ્વેત દળને કાપી કાઢવાની કે પુચ્છીય ચેતાકેન્દ્રની નીચે આપેલા ચેતાપથને કાપવાની મનોલક્ષી શસ્ત્રક્રિયા કરાય છે. શસ્ત્રક્રિયા પછી વર્તનચિકિત્સા વડે દર્દીને ફરી જીવનમાં ગોઠવવામાં મદદ કરાય છે.
(ઙ–6–ઈ) વિયોજનકારી અને સંરૂપાંતરકારી વિકારો (dissociative and conversion disorders) : ‘ધ્યાનાકર્ષિતા’ (hysteria) શબ્દ અનેક અલગઅલગ સ્થિતિ વર્ણવવા માટે વપરાતો હોવાથી રોગોના દસમા આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ(ICD–10)માંથી તે શબ્દને બાકાત રખાયો છે. હવે તેને ઉપરના જણાવેલા નવા નામે (‘વિયોજનકારી અને સંરૂપાંતરી વિકારો’) ઓળખવામાં આવે છે. અગાઉ ધ્યાનાકર્ષણી વિકારમાં વિયોજન, સરૂપાંતરણ અને મનોદૈહિકતા(somatisation)ની ક્રિયાઓનો સમાવેશ થતો હતો. હાલ માનસિક રોગોના દવાખાનામાં સારવાર લેતા 6થી 15 % દર્દીઓને તે થાય છે. તે મુખ્યત્વે સ્ત્રીઓમાં થાય છે; પરંતુ બાળકોમાં છોકરા-છોકરીઓમાં તેનું પ્રમાણ સરખું રહે છે.
સંરૂપાંતરણીય વિકાર(conversion disorder)માં અચાનક તકલીફો થઈ આવે છે. તેને કારણે હલનચલન અને સંવેદનના વિકારો થઈ જાય છે. સામાન્ય રીતે કોઈ મનોલક્ષી તણાવને કારણે તે થઈ આવે છે. દર્દી પોતે આવી ક્રિયાઓ જાણીજોઈને કરતો નથી. તેને તેનાથી જોકે લાભ થવાની સંભાવના રહે છે. દર્દીની શારીરિક તપાસ અને પરીક્ષણશાળાની કસોટીઓ સામાન્ય રહે છે. દર્દીનાં લક્ષણો અને તેમના તણાવકારી કારકો વચ્ચે થોડો દેખીતો સંબંધ જોવા મળે છે. સંરૂપાંતરી વિકારનાં લક્ષણો હલનચલનલક્ષી (પ્રેરક, motor) તથા સંવેદનાલક્ષી (sensory) હોય છે. ક્યારેક તે નિશ્ચેતનાલક્ષી (anaesthetic) અને આંચકીકારી (convulsion) વિકારો તરીકે પણ જોવા મળે છે.
સંરૂપાંતરિત પ્રેરક વિકાર થાય ત્યારે દર્દીને એક, બે કે ચારે અંગો(હાથપગ)માં ‘લકવો’ થાય છે. દર્દીની ચેતાતંત્ર અંગેની જાણકારી પ્રમાણે લક્ષણો થઈ આવે છે. દર્દીની શારીરિક તપાસમાં તેની સ્નાયુસજ્જતા (tone) અને ચેતાપરાવર્તી ક્રિયાઓ (reflexes) સામાન્ય હોય છે. જો દર્દી લાંબા સમય સુધી ‘લકવા’ની તકલીફ અનુભવે તો તેનું અંગ કોઈ એક સ્થિતિમાં વળીને અકડાઈ જાય છે. તેને કોચનસ્થિતિ (contracture) કહે છે. ક્યારેક અનિચ્છાવર્તી હલનચલનો – ધ્રુજારી (કંપન), ચાલવામાં તકલીફ તથા આંચકી (convulsion) – પણ થાય છે. દર્દી પહોળા પગે, લથડાતો અને આંચકા ખાતો ચાલે છે. આમ તેની ચાલ (gait) નાટકીય અને અનિયમિત પ્રકારની હોય છે. સંરૂપાંતરિત નિશ્ચેતના (anaesthesia)ના વિકારમાં હાથમોજાં કે પગમોજાંના વિસ્તારમાં અચાનક બહેરાપણું થઈ આવે છે. ક્યારેક અર્ધા શરીરમાં બહેરાશ આવે છે અથવા તે એક આંખે કે ર્દષ્ટિક્ષેત્રના કોઈ ચોક્કસ વિસ્તારમાં ‘અંધાપો’ અનુભવે છે. તેવી રીતે તે કાનની બહેરાશ પણ અનુભવે છે. જોકે વિવિધ પરીક્ષણો વડે સંવેદનાતંત્ર સલામત અને સક્રિય છે એવું સાબિત કરી શકાય છે. ક્યારેક દર્દી બંને આંખે ‘અંધાપો’ અનુભવે છે, પરંતુ તે આડાશો વચ્ચે ચાલે ત્યારે તેને વાગી જતું નથી. ક્યારેક પ્રેરક અને સંવેદનાલક્ષી એમ બંને પ્રકારના વિકારો એકસાથે થઈ આવે છે.
ક્યારેક દર્દીને આંચકી તથા અર્ધબેભાનાવસ્થા આવી જાય છે. અગાઉ તે આંચકી ધ્યાનાકર્ષી સંગ્રહણન (hysterical fit) અથવા છદ્મસંગ્રહણ(pseudoseizure)ના નામે ઓળખાતી હતી. તે ભારતમાં ઘણા સ્થળે જોવા મળે છે. તેને સાચી આંચકીથી અલગ પાડવી જરૂરી છે. મનોવિકારી અથવા ધ્યાનાકર્ષી આંચકીમાં વિવિધ પ્રકારનાં હલનચલનો થાય છે. તે ઘરમાં કે સુરક્ષિત સ્થળે થાય છે. અગાઉથી કોઈ ખાસ સૂચકલક્ષણ થતું નથી. તે કદી ઊંઘમાં થતી નથી, તેમાં જીભ કે શરીરના અન્ય ભાગને ઈજા થતી નથી. પરંતુ ક્યારેક હોઠ કે ગાલ પર ઈજા થાય છે. પેશાબ કે મળની હાજત ભાગ્યે જ થઈ જાય છે. દર્દી તે સમયે અસ્પષ્ટ બોલે છે. તે સ્થિતિ લાંબી ચાલે છે. તેમાં દર્દીનું માથું વારંવાર ડાબું-જમણું થયા કરે છે. થોડીક વિસ્મૃતિ આવે છે, પરંતુ કોઈ ચેતાતંત્રની ક્ષતિનું લક્ષણ કે ચિહ્ન જોવા મળતું નથી. મગજનો વીજાલેખ (EEG) સામાન્ય રહે છે અને પ્રોલેક્ટિનનું પ્રમાણ પણ વધતું નથી.
વિયોજનકારી વિકાર(dissociative disorder)માં સભાનતા, સ્વઓળખ તથા સ્મૃતિ જેવી અંત:ગુંફિત (integrated) ક્રિયાઓમાં વિક્ષેપ ઉદભવે છે. તે ઝડપથી ઉત્પન્ન થઈને ઝડપથી શમે છે. જે તણાવકારક પરિબળથી આ વિકાર ઉદભવ્યો હોય તેની સાથે તેનું સમયથી અને સીધેસીધું જોડાણ હોય છે. દર્દીને તેનાથી થોડો લાભ પણ થાય છે. દર્દીની શારીરિક તપાસ અને અન્ય પરીક્ષણો સામાન્ય હોય છે. વિયોજનવિકારોના વિવિધ પ્રકારો છે – સંરૂપાંતરિત વિસ્મૃતિ, સંરૂપાંતરિત પલાયન (dissociative fugue), બહુવ્યક્તિત્વ અથવા રૂપાંતરિત ઓળખ, દેહાતીત ધ્યાનવસ્થા (trans) અને વળગાડનો વિકાર અથવા ગ્રાહિતાવસ્થાવિકાર (possession disorder) તથા અન્ય વિકારો. સૌથી વધુ સંરૂપાંતરિત વિસ્મૃતિનો વિકાર જોવા મળે છે અને તે મુખ્યત્વે યુવાન સ્ત્રીઓમાં થાય છે. સામાન્ય રીતે પીડાકારક વ્યક્તિ કે પ્રસંગ ભૂલી જવાય છે. સંરૂપાંતરિત પલાયનવિકારમાં દર્દી પોતાના ઘરથી દૂર રખડે છે. તે સમયે નવી ઓળખ અપનાવે છે અને અગાઉના જીવન માટે વિસ્મૃતિ અનુભવે છે. સંરૂપાંતરિત ઓળખના વિકારમાં વ્યક્તિ બે કે વધુ વ્યક્તિત્વો ધરાવે છે. દર્દીનું એક વ્યક્તિત્વ તેના બીજા વ્યક્તિત્વ વિશે અજાણ હોય છે. દેહાતીત ધ્યાનાવસ્થા (trance) અને ગ્રાહિતાવસ્થા વિકાર(possession disorder)માં દર્દીને લાગે છે કે તેને કોઈ અન્ય જીવે ગ્રહી લીધો છે. આવો વિકાર ભારતમાં અને આફ્રિકામાં વધુ જોવા મળે છે. આ ઉપરાંત ધ્યાનાકર્ષણી છદ્મમનોભ્રંશ(hysterical pseudodementia)નો વિકાર થાય છે. તેને ગેન્ઝરનું સંલક્ષણ કહે છે અને તે કેદીઓમાં જોવા મળે છે.
વિયોજનકારી અને સંરૂપાંતરી વિકારોનાં કારણોને મન:સંગતિક(psychodynamic), વર્તનલક્ષી તથા જૈવિક સિદ્ધાંતમત વડે સમજવામાં આવે છે. મન:સંગતિક સિદ્ધાંતમતમાં દ્વૈતીયક માનસિક બચાવપ્રવિધિ રૂપે જો વિયોજન ઉદભવે તો વિયોજનકારી વિકાર સર્જાય છે અને જો વિયોજન તથા સંરૂપાંતરણ થાય તો સંરૂપાંતરણવિકાર સર્જાય છે. આ વિકારોના નિદાનમાં કોઈ શારીરિક રોગ કારણરૂપ નથી તેની ખાસ ખાતરી કરાય છે. ક્યારેક તે બંને સાથે પણ હોય છે. સારવાર રૂપે વર્તનચિકિત્સા, મનશ્ચિકિત્સા, સંમોહનક્રિયાઓ, સહાયદાયી સારવાર, મનોવિશ્લેષણ તથા ઔષધોનો ઉપયોગ થાય છે. ધ્યાનાકર્ષિતાના વિકારવાળા દર્દીઓ ધ્યાન ખેંચનારા હોય છે અને જેવું તેમના તરફ બધાંનું ધ્યાન જાય એટલે તે વધે છે માટે સારવાર રૂપે તેમના તરફ ર્દઢતાથી ધ્યાન ઘટાડવાનું સૂચવાય છે. તેમને સામાન્ય સ્થિતિ તરફ વળવાનું ર્દઢતાપૂર્વક સૂચન કરાય તથા અણગમો થાય તેવી સારવાર અપાય (દા.ત., ધ્યાનાકર્ષણી આંચકી (વાઈ) આવે ત્યારે પગરખાં સૂંઘાડવાં) છે. સ્વસંમોહન કરવાથી પણ અચાનક થઈ આવેલાં લક્ષણો શમે છે. અન્ય સારવાર પદ્ધતિઓની ઉપયોગિતા મર્યાદિત છે.
(ઙ–6–ઉ) દેહારોપિત વિકારો(somatoform disorders)માં દર્દીને કોઈ માનસિક કારણોસર શારીરિક લક્ષણો થઈ આવે છે અને તે સતત રહેતાં હોવાથી દર્દી નિદાન થાય તે માટે તથા સારવાર કરવા માટે તબીબ પાસે આવે છે. તબીબ તેને કોઈ શારીરિક રોગ નથી તેવું વારંવાર જણાવે તોપણ તેને તે તકલીફો વારંવાર થઈ આવે છે. આ વિકારોને દેહલક્ષણી વિકારો (somatisation disorders), વ્યાધિભય (hypochondriasis), દેહારોપિત સ્વાયત્ત ચેતાતંત્રીય વિકારો તથા અન્ય વિવિધ વિકારો રૂપે વિભાજિત કરાય છે.
(ઙ–6–ઉ–i) દેહલક્ષણી વિકારો(somatisation disorders)માં દર્દી કોઈ શારીરિક વિકાર ન હોય તોપણ વિવિધ પ્રકારની અને વારંવાર થતી કે સતત લાંબા સમય સુધી થયા કરતી શારીરિક તકલીફોની ફરિયાદ કર્યા કરે છે. તકલીફો અસ્પષ્ટ અને ઘણી વખત નાટકીય રીતે થઈ આવે છે. તે એક કરતાં વધુ અવયવો સાથે જાણે જોડાયેલી હોય છે. તેઓ સતત તબીબો બદલ્યા કરે છે અને તેમની સલાહ કે સૂચનોને સ્વીકારતા નથી. તેને કારણે તેમનાં સામાજિક અને પારિવારિક વર્તન અને કાર્યો બગડે છે. તેમને ઘણી વખત સંરૂપાંતરી લક્ષણો થાય છે. સામાન્ય રીતે તે જીવનના બીજા અને ત્રીજા દાયકામાં શરૂ થાય છે અને તે સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. તેમનાં સગાંમાં પણ આવો વિકાર, મદ્યાસક્તિ કે મનોરુગ્ણતા (psychopathy) જોવા મળે છે. ક્યારેક આવા દર્દીઓમાં સાથેસાથે નાટકીય વ્યક્તિત્વવિકાર (histrionic personality disorder) કે મન:પ્રકાર (trait) જોવા મળે છે. જે તે પ્રકારનાં લક્ષણો પ્રમાણે વિવિધ શારીરિક કે માનસિક રોગો નથી થયા તેની ખાતરી કરીને નિદાનભેદ કરાય છે. તેમની સારવાર કરવી મુશ્કેલ રહે છે. તેમને સહાયદાયી મનશ્ચિકિત્સા, સ્નાયુશિથિલનની સારવાર તથા જરૂર પડે તે કિસ્સામાં પ્રતિખિન્નતા ઔષધો કે બેન્ઝોડાયાઝેપિન્સ અપાય છે. આ દર્દીઓમાં માનસિક રોગોમાં વપરાતી દવાઓનો કુપ્રયોગ થવાની સંભાવના રહે છે.
(ઙ–6–ઉ–ii) વ્યાધિભય (hypochondriasis) અથવા વ્યાધિભયકારી વિકાર(hypochondriacal disorder)ના દર્દીને પોતાને કોઈ મોટો રોગ થઈ ગયો છે તેવો ભય રહે છે. તે પોતાની સમજણ અને જાણકારી પ્રમાણે જે તે રોગ વિશે વિચાર્યા કરે છે. તેને કોઈ શારીરિક વિકાર કે રોગ થયેલો હોતો નથી અને તેને પરીક્ષણો કરીને દર્શાવવામાં આવે તોપણ ખાતરી થતી નથી કે તેને કોઈ રોગ થયેલો નથી. તેનો આવો ભય કે આવી માન્યતા ભ્રાંતિ કે દુર્માન્યતા (delusion) હોતી નથી. તેના મનમાં રોગોનાં શાસ્ત્રીય નામો સતત આવ્યાં કરે છે અને તે તબીબ બદલ્યા કરે છે. સામાન્ય રીતે તે જીવનના ત્રીજા દાયકાના પાછલા ભાગમાં થાય છે અને તેની તીવ્રતામાં વધઘટ થયા કરે છે. ક્યારેક તેના વ્યક્તિત્વમાં પુનર્વર્તિતા (obsession) કે સ્વમોહિતતા (narcissism) જોવા મળે છે. તેનામાં ચિંતા તથા ખિન્નતાના વિકારો પણ હોય છે. તેનું ચોક્કસ કારણ ખબર નથી હોતું, પરંતુ તે ખિન્નતાનું એક લક્ષણ મનાય છે. તેને માટે એક મન:સંગતિકી સિદ્ધાંતવૃત (મત) પણ સર્જવામાં આવેલો હોય છે જેના પ્રમાણે એવું મનાય છે કે વ્યક્તિ તેનાં જનનાંગો સિવાયના કોઈ અવયવને તેની કામોત્તેજના (libido) સાથે સાંકળે છે અને તેથી તેને સંબંધિત વ્યાધિભય ઉદભવે છે. સામાન્ય રીતે તેની સારવાર અઘરી છે. તેને માટે સહાયદાયી મનશ્ચિકિત્સા તથા ખિન્નતા કે ચિંતાવિકાર સાથે હોય તો તેની સારવાર પણ કરાય છે.
(ઙ–6–ઉ–iii) દેહારોપિત સ્વાયત્ત ચેતાતંત્રીય દુષ્ક્રિયાશીલતા(somatoform autonomic dysfunction)ના વિકારમાં હૃદય અને રુધિરાભિસરણતંત્ર (દા.ત., હૃદ્સ્પંદ-સંવેદના, palpitation), ઉપલો જઠરાંત્રમાર્ગ (દા.ત., વાતભક્ષણ – aerophagy અને હેડકી), અધ:જઠરાંત્રમાર્ગ (વાયુપ્રકોપ – flatulence તથા સંતાપજન્ય સ્થિરાંત્રતા – irritable bowel sundrome), શ્વસનમાર્ગ (દા.ત., અતિશ્વસન – hyperventilation), મૂત્રમાર્ગ (દા.ત., દુર્મૂત્રતા – dysuria) વગેરે સ્વાયત્ત ચેતાતંત્ર વડે નિયંત્રિત અવયવોમાં તકલીફ અનુભવાય છે. હૃદયના ધબકારા અનુભવવાની સ્થિતિને હૃદ્સ્પંદ-સંવેદના કહે છે. મોટા અવાજ સાથે ઓડકાર ખાવા સાથે પેટમાં હવા ભરાય તેને વાતભક્ષણ કહે છે. કોઈ સ્થિતિ, સમાચાર કે વસ્તુ તરફના લાગણીજન્ય પ્રતિભાવ રૂપે મળની હાજત થવી કે મળમાં ચીકાશ પડવાના વિકારને સંતાપજન્ય સ્થિરાંત્રતા કહે છે. વારંવાર છીછરા શ્વાસોચ્છવાસ કરવાથી શરીરમાંથી અંગારવાયુનો વધુ પડતો નિકાલ થઈ જાય એવા વિકારને અતિશ્વસનનો વિકાર કહે છે. પેશાબ કરતી વખતે બળતરા થાય અને તેથી મૂત્રત્યાગમાં મુશ્કેલી પડે તેને દુર્મૂત્રતા કહે છે. આ સર્વે પ્રકારના દેહારોપિત સ્વાયત્ત ચેતાતંત્રીય દુષ્ક્રિયાશીલતાના વિકારોમાં સહાયકારક મનશ્ચિકિત્સા તથા પ્રતિચિંતા ઔષધો (દા.ત. આલ્પ્રાઝોલામ) કે પ્રતિખિન્નતા ઔષધો (દા.ત., ઈમિપ્રેમિન) વપરાય છે. સહાયદાયી સારવાર રૂપે સ્નાયુશિથિલન, સ્વસંમોહન, યોગ દેહાતીત ધ્યાનાવસ્થા તથા જૈવપ્રતિપોષણ(bio-feedback)ની ક્રિયાઓ શીખવાય છે. અતિશ્વસનના સંલક્ષણમાં દર્દીને આરામપૂર્ણ શ્વસનની પદ્ધતિ શીખવવામાં આવે છે. જેમાં શ્વસનક્રિયા માટે પેટના સ્નાયુઓનો ઉપયોગ, ગળા અને ખભાના શ્વસનસહાયક વધારાના સ્નાયુઓને આરામ, ધીમો શ્વાસ લેવાની પદ્ધતિ જેમાં ઉચ્છવાસનું એક ચક્ર પતે એટલો થોડો વિરામ લેવાની રીત વગેરે બાબતોને શીખવવામાં આવે છે. જ્યારે પણ દર્દીને અતિશ્વસનની તકલીફ થવા માંડે કે તરત તેને એક કોથળીમાં કે પોતાના બંને હાથથી બનાવેલા ખોબામાં મોં નાંખીને શ્વાસોચ્છવાસ કરવાનું જણાવાય છે જેથી તે ફરી ફરીને પોતાનો જ ઉચ્છવાસ પોતાના શ્વાસમાં લે છે. આમ કરવાથી તેના શરીરમાં કાર્બનડાયૉક્સાઇડ(અંગારવાયુ)નું પ્રમાણ ઘટી જતું અટકે છે અને તેને અતિશ્વસનથી થતી તકલીફો પણ શમે છે.
સંતાપજન્ય સ્થિરાંત્રતા વિકારની સારવારમાં સ્થિર અને વિશ્વાસપૂર્ણ દર્દી-તબીબ સંબંધ હોવો જરૂરી છે. માનસિક તણાવો કરતાં પરિબળોને દૂર કરવાની ક્રિયા તથા ચિંતાશામક અને પ્રતિખિન્નતા ઔષધો ઉપરાંત રાહતદાયી ઔષધો પણ અપાય છે, દા.ત., સિઝાપ્રાઇડ, પ્રતિકોલિનધર્મી દવાઓ (એટ્રોપિન-જૂથની દવાઓ) વડે આંતરડાંનું હલનચલન સામાન્યરૂપનું કરાય છે. જોકે આ પ્રકારની દવાઓની ખાસ અસર થતી નથી. સંતાપજન્ય સ્થિરાંત્રતાને ઉદ્વેગી સ્થિરાંત્ર સંલક્ષણ (irritable colon syndrome), સતતસંકોચનશીલ સ્થિરાંત્રશોથ (spastic colitis), માનસિક નિર્બળતાજન્ય અતિસાર (nervous diarrhoea), શ્લેષ્મિલ અતિસાર (mucus diarrhoea), સ્થિરાંત્રીય સૌમ્ય મનોવિકાર (colon neruosis) એમ અનેક વિવિધ નામોથી પણ ઓળખવામાં આવે છે.
(ઙ–6–ઉ–iv) અન્ય દેહારોપિત વિકારોમાં ઋતુસ્રાવપૂર્વ સંલક્ષણ ઉપરાંત અન્ય વિવિધ વિકારોનો સમાવેશ કરાય છે. ઋતુસ્રાવપૂર્વ તણાવ(premenstrual tension)માં ઋતુસ્રાવ પહેલાં વિવિધ શારીરિક, માનસિક અને વર્તનલક્ષી તકલીફો થાય છે. તેને કારણે અકળામણ, ચીડિયાપણું, ખિન્નતા, વારંવાર રડી પડવાની સ્થિતિ, અજંપો, ચિંતા, જમવા માટે અરુચિ, પગ પર સોજા, વજનમાં વધારો, સ્તન મોટાં થવાં, પેટ ફૂલવું, માથું દુખવું, થાક લાગવો વગેરે વિવિધ તકલીફો થાય છે. તેનાં કારણોમાં અંત:સ્રાવો તથા માનસિક પરિબળોનો સમાવેશ થાય છે. ઋતુસ્રાવ અંગેની ચિંતા કે સ્ત્રીત્વ તરફનો માનસિક પ્રતિભાવ મહત્વનું માનસિક કારણ હોય છે. સારવારરૂપે મૂત્રવર્ધક ઔષધો (દા.ત., થાયેઝાઇડ અથવા સ્પારોનોલેક્ટોન), મનશ્ચિકિત્સા, અંત:સ્રાવી સારવાર તથા વધુ તીવ્રતાવાળા વિકારોમાં ક્યારેક લિથિયમ, બ્રોમોક્રિપ્ટિન, પ્રતિખિન્નતા અને ચિંતાશામક ઔષધો વપરાય છે. આવા સતત દેહારોપિત પીડાવિકારના દર્દીને વધુ પડતી અથવા અકારણ પીડા થાય છે. તે સારવારનો વિરોધ કરે છે અને વારંવાર તબીબ બદલે છે. સામાન્ય રીતે તે ત્રીજા-ચોથા દાયકાની ઉંમરની સ્ત્રીમાં થાય છે. યોગ્ય પ્રકારનો દર્દી-તબીબ સંબંધ સ્થાપીને માનસિક ચિકિત્સા કરવાથી પણ રાહત આપી શકાય છે.
વિવિધ પ્રકારના અન્ય દેહારોપિત મનોવિકારો પણ છે, જેમ કે મનોવિકારી ગ્રીવાવંકતા (psychogenic torticollis), મનોવિકારી ખુજલી (pruritus), મનોવિકારી કષ્ટાવર્તતા (dysmenorrhoea), દાંત કચકચાવવા વગેરે. ICD 10માં કેટલાક બીજા સૌમ્ય મનોવિકારોનો સમાવેશ કરાયેલો છે. તેમાં મુખ્ય છે. મનોદૌર્બલ્ય (neurasthenia) તથા વિવ્યક્તિત્વીકરણ વિકાર, જેને વિવ્યક્તિત્વીકરણ-વિવાસ્તવીકરણ સંલક્ષણ પણ કહે છે. માનસિક કાર્ય પછી વધતા જતા થાકની સતત રહેતી કે ત્રાસ પહોંચાડતી તકલીફ, માનસિક કાર્ય પછી અશક્તિ અને થાકની શારીરિક તકલીફ, સ્નાયુમાં દુખાવો, અંધારાં આવવાં, માથું દુખવું, ઊંઘમાં તકલીફ પડવી, સ્નાયુશિથિલન કરવામાં મુશ્કેલી પડવી, અકળામણ થવી, અપચો થવો તથા થોડાક સમય માટેનાં ખિન્નતાસૂચક લક્ષણો થવાં – આવાં વિવિધ લક્ષણોવાળા માનસિક વિકારને મનોદૌર્બલ્ય કહે છે. તેની સ્પષ્ટ વ્યાખ્યા થયેલી નથી. તેને દીર્ઘકાલીન થાક સંલક્ષણ (chronic fatigue syndrome) તથા થાકની તકલીફ કરતા અન્ય રોગો અને વિકારથી અલગ પાડવામાં આવે છે.
વ્યક્તિ ‘જાણે’ પોતે નથી એવા વ્યક્તિત્વવિકારને વિવ્યક્તિત્વીકરણ કહે છે અને વ્યક્તિની આસપાસનું વાતાવરણ ‘જાણે બદલાઈ’ ગયું છે એવી માનસિક સ્થિતિને વિવાસ્તવીકરણ કહે છે. આ બંને વિકારો ભ્રાંતિજન્ય વિકારોથી અલગ પ્રકારના વિકારો છે. એને ‘જાણે’ ઘટના (‘as if’ phenomenon) કહે છે. આવી વ્યક્તિઓને વારંવાર સામાજિક, વાતાવરણીય અને પારસ્પરિક વ્યવહારમાં તકલીફો ઉદભવે છે. આવી તકલીફોનું આક્રમણ અચાનક થઈ આવે છે અને અચાનક શમે છે. તેને કારણે માનસિક તણાવ અને ચિંતા ઉદભવે છે. જોકે દરેક વખતે વ્યક્તિ પૂરેપૂરી સાનભાનમાં હોય છે. સામાન્ય રીતે જીવનના બીજા અને ત્રીજા દાયકામાં તે થાય છે અને લાંબો સમય વારંવાર થયા કરે છે. વિવ્યક્તિત્વીકરણ થવાનાં અનેક કારણો છે, જેમ કે વિવ્યક્તિત્વીકરણ વિકાર, ભીતિ-ચિંતા-વિવ્યક્તિત્વીકરણ સંલક્ષણ, ચિંતાવિકાર, ભયવિકાર, પરિસ્થિતિભીતિ વિકાર, વિચ્છિન્નમનસ્કતા, ખિન્નતા જેવા માનસિક વિકારો, આંશિક સંકુલ સંગ્રહણ (partial complex seizure), આધાશીશી (migraine), મગજમાં ગાંઠ જેવા ચેતાતંત્રીય વિકારો તથા અતિશ્વસન, મદ્યાવલંબન, અલ્પગ્લુકોઝરુધિરતા, થાક, મનોવેદના અથવા શોક (grief) વગેરે. આ પ્રકીર્ણ વિકારોની સારવાર રૂપે સહાયદાયી મનશ્ચિકિત્સા અને એમ્ફેટેમાઇન અથવા પ્રતિતીવ્ર મનોવિકાર ઔષધો વપરાય છે.
(ઙ–6–ઊ) તણાવ તરફની પ્રતિક્રિયા અને સમાયોજન વિકારો (adjustment disorders) : આ પ્રકારનો સૌમ્ય મનોવિકાર સામાન્ય રીતે ઉગ્ર તણાવ પછી કે ઈજા પછી ઉદભવતી પરિસ્થિતિને કારણે જીવનમાં આવેલા મહત્તમ ફેરફાર બાદ ઉદભવે છે. જીવનમાં આવેલા ફેરફાર સાથે પૂરતું અને યોગ્ય સમાયોજન (adjustment) ન થાય તો તે થઈ આવે છે. દર્દીની નજીકની વ્યક્તિનું મૃત્યુ થાય, કોઈ કુદરતી આપત્તિ આવી પડે (દા.ત., અકસ્માત, બળાત્કાર વગેરે) ત્યારે ઉગ્ર તણાવજન્ય પ્રતિક્રિયાત્મક સૌમ્ય મનોવિકાર થાય છે. સામાન્ય રીતે તે સમયે વ્યક્તિ શારીરિક રીતે થાકી ગયેલી હોય છે અથવા તે નાના બાળકમાં, વૃદ્ધ વ્યક્તિમાં કે પરિસ્થિતિને પહોંચી વળવાની ઓછી આવડત ધરાવતી સ્ત્રીઓમાં થાય છે. તેમાં ડઘાઈ ગયેલી સ્થિતિ (dazed), ચિંતા, ખિન્નતા, ગુસ્સો, હતાશા, અતિસક્રિયતા, વંચિતતા, સભાનતાનો ઘટેલો વ્યાપ વગેરે લક્ષણો થઈ આવે છે. જો દર્દીને તણાવપૂર્ણ સ્થળેથી દૂર કરાય તો તેનાં લક્ષણો ઝડપથી શમે છે પરંતુ જો તણાવ ઘટાડી ન શકાય તોપણ તેનાં લક્ષણો 1–2 દિવસમાં ઘટવા માંડે છે અને ત્રીજા દિવસથી નહિવત્ થઈ જાય છે. સારવાર માટે દર્દીને તણાવપૂર્ણ વાતાવરણમાંથી ખસેડવામાં આવે છે અને જો વધુ પડતો ઉશ્કેરાટ હોય તો નસ દ્વારા ડાયાઝેપામ આપવામાં આવે છે. વિપદાઓ (disasters), યુદ્ધ, બળાત્કાર, યાતનાકષ્ટ (torture) કે ગંભીર અકસ્માત થયા પછી 6 મહિના કે વધુ સમય પછી પ્રતિક્રિયાત્મક વિકાર થાય છે. તેને યાતનોત્તર તણાવ વિકાર (post-traumatic stress disorder) કહે છે. તેમાં તણાવવિકારી બનાવના વિચારો, ર્દશ્યો કે અનુબોધનો વારંવાર થયા કરે છે. તેને અતીતદર્શન (flashbacks) કહે છે. ક્યારેક તેનાં સ્વપ્નાં આવે છે. તેથી વ્યક્તિ તે તણાવપૂર્ણ સ્થિતિ ફરીફરીને અનુભવે છે. તેને આંશિક વિસ્મૃતિ થાય છે તથા તેની સંવેદના પણ ઘટે છે. વિપદાલક્ષી વ્યવસ્થાપન, સહાયદાયી મનશ્ચિકિત્સા તથા પ્રતિખિન્નતા ઔષધો તથા ચિંતાશામક ઔષધો (બેન્ઝોડાયાઝેપિન્સ) વડે તેની સારવાર કરાય છે.
તરુણાવસ્થામાં તથા સ્ત્રીઓમાં ઘણી વખત પરિસ્થિતિ સાથેનું સમાયોજન (adjustment) બરાબર ન થાય તો સમાયોજનલક્ષી મનોવિકાર થાય છે સામાન્ય રીતે જીવનમાં આવતા મહત્વના ફેરફારના 1 મહિનામાં તે થઈ આવે છે. સામાન્ય રીતે આવી વ્યક્તિઓ પરિસ્થિતિને પહોંચી વળવાની ઓછી દક્ષતા (poor coping skills) અથવા તેવા વ્યક્તિત્વલક્ષી વિકારો ધરાવે છે. જો તેનાથી વધતી જતી ખિન્નતા ન થાય તો તે 6 મહિનામાં શમે છે. ઘણી વખત વિવિધ ખિન્નતાવિકારો ઉપરાંત વર્તન અને ભાવલક્ષી વિકારો પણ થાય છે. પરંતુ તે સામાન્ય રીતે 3 મહિનામાં શમે છે. સારવાર રૂપે સહાયદાયી મનશ્ચિકિત્સા, તણાવ-વ્યવસ્થાપનની તાલીમ, પહોંચી વળવાની દક્ષતાની તાલીમ તથા જરૂર પડે તે કિસ્સામાં બેન્ઝોડાયાઝેપિન્સ કે પ્રતિખિન્નતા ઔષધો અપાય છે.
(ઙ–6–ઋ) અન્ય વિશિષ્ટ સૌમ્ય મનોવિકારી રોગોમાં ધાતુ-સંલક્ષણ, ‘કોરો’, ઉગ્રોન્માદ (amok) ‘વિહ્ટીગો’ અને ‘પિબ્લોકટો’ વગેરેનો સમાવેશ થાય છે. આ બધાં સંસ્કારસંબંધિત માનસિક સંલક્ષણો (culture – related syndromes) છે. ભારતમાં યુવાન પુરુષો અને છોકરાઓના પેશાબમાં ‘ધાતુ’ જાય છે એવી ફરિયાદ સાથે અનેક પ્રકારની માનસિક અને શારીરિક તકલીફોની પણ ફરિયાદ કરે છે. તે સમયે તેઓ માનસિક અને શારીરિક નિર્બળતા અનુભવે છે. તેને ચિંતા અને ખિન્નતા થઈ આવે છે અને તેને લૈંગિક કાર્યમાં મુશ્કેલી પડે છે. જેને તે ધાતુ કહે છે તે સફેદ રંગનો પેશાબમાં જતો બહિ:સ્રાવ (discharge) હોય છે. તેને તે વીર્ય માને છે. ભારતીય સમાજમાં વીર્યને શરીરનું મહત્વનું તત્વ માનવામાં આવતું હોવાથી દર્દી વિવિધ માનસિક અને શારીરિક લક્ષણોવાળો સૌમ્ય મનોવિકાર અનુભવે છે. ક્યારેક દર્દી હસ્તમૈથુન અથવા રાત્રિકાલીન વીર્યસ્ખલન પરત્વે પણ વધુ પડતો ચિંતિત બને છે. સામાન્ય રીતે દર્દીને શારીરિક રચના અને લૈંગિક ક્રિયાઓ સમજાવવાથી તેનો ભય ઘટે છે. તેની સાથે ચિંતા, ખિન્નતા, વ્યાધિભય કે લૈંગિક દુષ્ક્રિયાશીલતા થઈ હોય તો તેને ઘટાડવાની સારવાર અપાય છે.
મલેશિયા તથા એશિયાના અનેક બીજા દેશોમાં ક્યારેક કોઈ વ્યક્તિ કોઈ પણ કારણ વગર અચાનક થઈ આવતા ક્રોધ સાથે દોડાદોડ કરે અને ગમે તેમ લોકોને ઈજા પહોંચાડે કે રસ્તામાં જે મળે તેને મારી નાંખે એવો માનસિક વિકાર નોંધવામાં આવેલો છે. તેને ઉગ્રોન્માદ (amok) કહે છે. ભારત સહિત એશિયાના બીજા દેશોમાં ‘કોરો’ નામનો સાંસ્કૃતિક માન્યતાઓને કારણે ઉદભવતો મનોવિકાર થાય છે. તેનો દર્દી એવું માને છે કે તેની પું-ઇન્દ્રિય (શિશ્ન) સંકોચાઈ રહી છે. જ્યારે તે પેટમાં સમાઈ જશે ત્યારે તે મૃત્યુ પામશે. આવી રીતે ક્યારેક સ્ત્રીઓને પણ તેમના સ્તન સંકોચાઈ જવાનો ભય ઉત્પન્ન થાય છે. ઘણી વખતે તે સમુદાયના બીજા સભ્યોમાં પણ એક પ્રકારના ઉપદ્રવ રૂપે ફેલાય છે. તે પણ હસ્તમૈથુન અને રાત્રિસ્ખલનો સાથે સંબંધિત સ્થાનિક માન્યતાઓને કારણે થતો વિકાર છે. અમેરિકાની મૂળ પ્રજામાં વિહ્ટીગો (wihtigo) અથવા વિન્ડિગો(windigo)નો વિકાર થયેલો નોંધાયેલો છે, જેમાં ભૂખમરાના સમયે વ્યક્તિ પોતે માનવભક્ષી રાક્ષસ (cannibal monster) બન્યો છે એવી માન્યતા ધરાવતો થાય છે. ક્યારેક એસ્કિમો સ્ત્રી એક-બે કલાક માટે બરફમાં ચીસો પાડીને તથા કપડાં ફાડીને પડી રહે એવો માનસિક વિકાર થાય છે. તેને તેની આ ક્રિયાની પાછળથી વિસ્મૃતિ થયેલી હોય છે. તેને પિબ્લોક્ટો (piblokto) કહે છે. તેવી રીતે જાપાન અને અગ્નિ એશિયામાં સ્ત્રીઓને લતાહ (latah) નામનો વિકાર થાય છે જેમાં તે સ્વયંભૂ રૂપે આજ્ઞાંકિત બને છે અને સાંભળેલું ફરી ફરીને બોલે છે તથા જોયેલું ફરી ફરીને કરી બનાવે છે. આ ઉપરાંત પણ અનેક બીજા પ્રકારના સંસ્કૃતિજન્ય મનોવિકાર ભારતમાં થયેલા જોવા મળે છે.
(ઙ–7) પુખ્તવયી વ્યક્તિત્વવિકારો (adult personality disorders) અને વર્તનવિકારો (behaviour disorders) : વ્યક્તિના મનમાં ઊંડે સમાયેલી વર્તનભાત (pattern of behavior)ને તેનું વ્યક્તિત્વ કહે છે. તેમાં પોતાનાં અને આસપાસ વિશેનાં વિચારો અને અનુબોધનોનો સમાવેશ થાય છે. વ્યક્તિત્વનાં સામાન્ય અને પ્રભાવી પાસાંઓને વ્યક્તિત્વપ્રકારો (personality traits) કહે છે. જ્યારે આ વ્યક્તિત્વવિકારો વિષમ બને એટલે કે અક્કડ અને દુરનુકૂલિત (maladaptive) બને, તે સામાજિક કે વ્યાવસાયિક કાર્યોમાં વિક્ષેપ સર્જે અથવા વ્યક્તિગત ઉપદ્રવ (distress) ઉત્પન્ન કરે ત્યારે તેને વ્યક્તિત્વવિકાર (personality disorder) કહે છે. સામાન્ય રીતે વસ્તીના 5 %થી 10 % લોકોમાં તે જોવા મળે છે. સૌમ્ય મનોવિકારના દર્દીને થતા માનસિક વિકારો તેના અહંભાવ(ego)ને દુ:સજ્જતા (dystonia) અસર કરે છે અને તેનાથી તેને માનસિક ત્રાસ થાય છે. તેને કારણે દર્દી તબીબ પાસે સારવાર માટે આવે છે. જ્યારે વ્યક્તિત્વવિકારો તેના અહંભાવ પ્રતિ સંસજ્જતાપૂર્ણ (syntonic) હોય છે અને તેથી આવી વ્યક્તિઓ સારવાર માટે સહાય માંગતી નથી. સામાન્ય રીતે વ્યક્તિત્વવિકારો તરુણાવસ્થાથી સ્પષ્ટ બનવા માંડે છે. પરંતુ પુખ્તવયની શરૂઆતમાં તેમનું નિદાન શક્ય બને છે. સામાન્ય રીતે તેનાં લક્ષણો ઘટતાં નથી પરંતુ 40 વર્ષ પછી તેમની તીવ્રતા ઘટે છે.
DSM-IV વર્ગીકરણ પ્રમાણે વ્યક્તિત્વવિકારોને 3 જૂથમાં વહેંચવામાં આવે છે : વિચ્છિન્નમનસ્કતાલક્ષી મનોવર્ણપટ (schizophrenic continuum), મનોરુગ્ણતાકારી મનોવર્ણપટ (psychopathic continuum) તથા અંતર્વલન (introversion). તેમાં વધુ અભ્યાસ અર્થે એક વધારાના જૂથમાં ખિન્નતાલક્ષી વ્યક્તિત્વવિકારોનો સમાવેશ કરાય છે. વિચ્છિન્નમનસ્કતાલક્ષી મનોવર્ણપટમાં ભ્રાંતિલક્ષી (paranoid), વિચ્છિન્નમનસ્તાભ (schizoid) અને વિચ્છિન્નમનસ્કતાપ્રકારી (schizo-typal) એમ ત્રણ પ્રકારના વ્યક્તિત્વવિકારોનો સમાવેશ થાય છે. મનોરુગ્ણતાકારી વ્યક્તિત્વવિકારોમાં પ્રતિસામાજિક (antisocial), સ્વમોહિત (narcissistic), સંનાટકીય (histrionic) અને સીમાવર્તી (borderline) વ્યક્તિત્વવિકારોનો સમાવેશ થાય છે. અંતર્વલનકારી વ્યક્તિત્વવિકારોમાં પરાવલંબિત (dependent), અદમ્ય પુનર્વર્તિતાયુક્ત (obsessive compulsive) અને પરિવર્જનશીલ (avoidant) વ્યક્તિત્વવિકારનો સમાવેશ થાય છે. રોગોના દસમા આંતરરાષ્ટ્રીય વર્ગીકરણમાં વ્યક્તિત્વ અને વર્તનવિકારોને આવરી લેવાય છે. તેમાં વ્યક્તિત્વવિકારના નિદાન માટે કેટલાંક માર્ગદર્શક સૂચનો કરેલાં છે. તેમાં ભાવ, જાગરુકતા, આવેગ-નિયંત્રણ, વિચાર અને અનુબોધનપ્રક્રિયા અને અન્ય વ્યક્તિઓ સાથેના સંદર્ભો સર્જવામાં જો વર્તનલક્ષી અને મનોવલણજન્ય તાલમેલમાં વિષમતા આવે તો તેને વ્યક્તિત્વવિકાર હોવાનું લક્ષણ ગણવામાં આવે છે. વર્તનમાં આવેલી વિષમતા કોઈ વિકારની જેમ ટૂંકા ગાળાની ન હોય પણ લાંબો સમય રહે, જો આવી વર્તનવિષમતા દુ:સમાયોજનીય (maladujstive) હોય, તેનાં લક્ષણો બાળપણ તથા તરુણાવસ્થામાં પણ જોવા મળેલાં હોય, તે વ્યક્તિગત તકલીફ આપતી હોય પણ તે ઘણી મોટી ઉંમર સુધી અભિવ્યક્ત ન થયેલી હોય અને તેને કારણે અનિવાર્યપણે સામાજિક અને વ્યાવસાયિક કાર્યમાં મુશ્કેલી ઉદભવતી હોય તો તે વ્યક્તિત્વવિકાર સૂચવે છે.
તેના વિવિધ ઉપપ્રકારો છે : (અ) ભ્રાંતિલક્ષી વ્યક્તિત્વવિકાર (paranoid personality disorder), (આ) વિચ્છિન્ન-મનસ્કતાભ વ્યક્તિત્વવિકાર (schizoid personality disorder), (ઇ) વિચ્છન્નમનસ્કતાપ્રકારી વ્યક્તિત્વવિકાર (schizotypical personality disorder), (ઈ) પ્રતિસામાજિક/દુ:સામાજિક વ્યક્તિત્વવિકાર (antisocial/dissocial personality disorder), (ઉ) સંનાટકીય વ્યક્તિત્વવિકાર (histrionic personality disorder), (ઊ) સ્વમોહનલક્ષી વ્યક્તિત્વવિકાર (narcissistic personality disorder), (ઋ) અસ્થિરભાવલક્ષી વ્યક્તિત્વવિકાર (emotionally unstable personality disoder), (એ) આશંકિત/પરિવર્જનશીલ વ્યક્તિત્વવિકાર (anxious-avoidant personality disoder), (ઐ) પરાવલંબિત વ્યક્તિત્વવિકાર (dependent personality disorder) (ઓ) અદમ્ય પુનર્વર્તી વ્યક્તિત્વવિકાર (obsessive – compulsive personality disorder) અને (ઔ) અસક્રિય-આક્રમક વ્યક્તિત્વવિકાર (passive-aggressive personality disorder).
(ઙ–7–અ) ભ્રાંતિલક્ષી કે દુર્માન્યતાલક્ષી વ્યક્તિત્વવિકાર(paranoid personality disorder)માં વ્યક્તિત્વવિકારનાં અન્ય લક્ષણો ઉપરાંત નીચે જણાવેલ વ્યક્તિત્વપ્રકારમાંથી ઓછામાં ઓછા 3 હાજર હોય છે : વ્યક્તિ નિષ્ફળતા કે વિરોધ (rebuff) તરફ અતિશય સંવેદનશીલ હોય, લાંબા સમય સુધી માનસિક વિરોધ (grudges) જળવાઈ રહે અને તેથી અપમાન કે ઈજાને ભૂલી ન શકે, ખરી પરિસ્થિતિને અવગણીને પોતાના હક માટે ચુસ્ત આક્રમકતા દર્શાવે, લગ્નસાથી કે લૈંગિક સાથીની વફાદારી પર કારણ વગર શંકાશીલ રહે, પોતાનું વધુ પડતું મહત્વ માને અને વારંવાર પોતાના વિશે વાત કરે તથા દરેક પ્રસંગમાં સંદ્રોહ (conspiracy) હોય એવું માને. તેઓ નાની બાબતોમાં ન્યાયાલયમાં દોડી જાય છે. સામાન્ય રીતે લઘુમતીઓમાં, વિદેશી વસાહતીઓમાં અને પુરુષોમાં તેનું વધુ પ્રમાણ રહે છે. મન:સંગતિક સિદ્ધાંતમત પ્રમાણે પ્રક્ષેપન(projection)ની દ્વૈતીયિક બચાવપ્રવિધિને કારણે દુર્માન્યતાલક્ષી વ્યક્તિત્વવિકાર ઉદભવે છે. આવા દર્દીઓમાં ભ્રાંતિલક્ષી વિચ્છિન્નમનસ્કતા થઈ આવે કે નહિ તેને વિશે ખાસ સ્પષ્ટ માહિતી નથી. આ પ્રકારના વ્યક્તિત્વવિકારને ભ્રાંતિલક્ષી વિચ્છિન્નમનસ્કતાના વિકારોથી અલગ પાડવામાં આવે છે. સારવાર રૂપે વ્યક્તિગત અને સહાયદાયી મનશ્ચિકિત્સા અપાય છે. પરંતુ તેને તથા ઔષધચિકિત્સાને ખાસ સફળતા મળતી નથી.
(ઙ–7–આ) વિચ્છિન્નમનસ્કતા વ્યક્તિત્વવિકાર(schizoid personality disorder)માં નીચે જણાવેલા વ્યક્તિત્વપ્રકારોમાંથી ઓછામાં ઓછા 3 હાજર હોય છે. વ્યક્તિને બહુ થોડી ક્રિયાઓ આનંદ આપે, વ્યક્તિ લાગણીની ર્દષ્ટિએ ઠંડી અને અલિપ્ત હોય, હૂંફાળી અને કોમળ ભાવનાઓ પ્રદર્શિત કરવામાં ઓછી ક્ષમતા ધરાવે, ટીકા કે વખાણ તરફ બેધ્યાન રહે, લૈંગિક સુખમાં પણ ઓછો રસ ધરાવે, એકાંત પસંદ કરે, સ્વૈરવિહાર (fantasy) અને અંતર્દર્શન(introspection)માં રત રહે, ખાસ અને અંગત મિત્રો કે મિત્રતાવિહોણો હોય તથા સામાજિક રીતરિવાજો તરફ લાગણીશૂન્ય રહે તો તે આવા પ્રકારનો વ્યક્તિત્વવિકાર સૂચવે છે. તે પુરુષોમાં વધુ થાય છે. તેની સારવારમાં વ્યક્તિગત મનશ્ચિકિત્સા તથા મનોવિશ્લેષણનો ઉપયોગ થાય છે. સામૂહિક મનશ્ચિકિત્સાથી ધીમો સુધારો શક્ય છે. આવી વ્યક્તિ સામેથી સારવાર માંગતી નથી તેથી સારવારનું પરિણામ મર્યાદિત રહે છે. કોઈ ખાસ ઔષધચિકિત્સા નથી.
(ઙ–7–ઇ) વિચ્છિન્નમનસ્કતાપ્રકારી વ્યક્તિત્વવિકારને વિચ્છિન્ન-મનસ્કતાથી અલગ પાડવામાં આવે છે. વિચ્છિન્નમનસ્કતા રોગમાં જોવા મળતા માનસિક વિકારોની ગેરહાજરી મહત્વની ગણાય છે. નીચે જણાવેલાં લક્ષણોમાંથી 3 કે 4 લક્ષણો 2 વર્ષ કે વધુ હોય તો આ પ્રકારના વ્યક્તિત્વવિકારનું નિદાન થાય છે. આવી વ્યક્તિની લાગણીઓ બુઠ્ઠી, ઓછી તથા ઠંડી રહે છે, તે અળગો (aloof) રહે છે, તેનું વર્તન બેહૂદું (odd), અપકેન્દ્રી (eccentric) અને વિલક્ષણ પ્રકારનું હોય છે. સામાજિક સંબંધોની ઉપેક્ષા અને લોકો સાથેનો ઓછો સહસંબંધ હોય છે. બેહૂદી માન્યતાઓ તથા ચમત્કારિક વિચારસરણી હોય છે. દુર્ભ્રાન્તિજન્ય અને શંકાશીલ ખ્યાલ અથવા ધ્યર્થ (idea) ધરાવે છે, લૈંગિક અને આક્રમક વિચારવાગોળ (ruminations) કરે છે. વિભ્રમ તથા અસામાન્ય અનુબોધનો અને વિવ્યક્તિત્વીકરણ કે વિવાસ્તવિકીકરણ અનુભવે છે, અસ્પષ્ટ તથા વધુ વિશદ પરંતુ એક જ પ્રકારની પદ્ધતિવાળી વાણી બોલે છે વગેરે. આ વિકારને અન્ય વિચ્છિન્નમનસ્કતાના વિકારોથી અલગ પડાય છે. તેની મનોવિશ્લેષણ અને વ્યક્તિગત મનશ્ચિકિત્સા વડે સારવાર કરાય છે. પરંતુ તેનું પરિણામ ઓછું સફળ રહે છે. જો પ્રતિતીવ્ર મનોવિકારી દવાઓ વાપરવામાં આવે તોપણ તે ઓછી સફળ રહે છે.
(ઙ–7–ઈ) પ્રતિસામાજિક/દુ:સામાજિક વ્યક્તિત્વવિકાર : બીજાઓ તરફની લાગણી તરફ રીઢું દુર્લક્ષ્ય (callous), સામાજિક રિવાજ, નિયમો અને કર્તવ્ય (obligations) તરફ બેજવાબદારીભર્યો અભિગમ, સંબંધ સ્થપાયા પછી લાંબો સમય ચલાવવાની અક્ષમતા, હતાશાને સહન ન કરવાની નબળાઈ અને સહેલાઈથી ગુસ્સે કે હિંસક થઈ જવાની મનોવૃત્તિ, પોતાનો દોષ ન જોવાની નબળાઈ તથા સજા કે અનુભવથી તે અંગે કશું ન શીખવાની સ્થિતિ, બીજાના દોષો જોવા અથવા સામાજિક વિરોધ સર્જતા વર્તનને યોગ્ય ઠેરવવાની ક્રિયા વગેરેમાંથી ગમે તે 3 મનોવૃત્તિઓ (traits) કે વર્તનો હોય તો તેને પ્રતિસામાજિક અથવા દુ:સામાજિક વર્તનવિકાર કહે છે. તેને સામાજિક રુગ્ણતા (sociopathy) પણ કહે છે. જોકે તેનો અર્થ હંમેશાં અપરાધપૂર્ણ વર્તન થતો નથી. આવી વ્યક્તિઓ સતત ઉશ્કેરાઈ જાય તેવી (irritable) રહે છે. ઘણી વખત બાળપણમાં કે કિશોરાવસ્થામાં આ પ્રકારનો વર્તણૂકવિકાર (conduct disorder) થયેલો હોય છે. આ વિકારમાં કોઈ તીવ્ર મનોવિકારી લક્ષણો હોતાં નથી. અગાઉ પ્રતિસામાજિક વ્યક્તિત્વને 4 પ્રકારમાં વહેંચવામાં આવતું હતું. આક્રમક મનોરોગી (aggressive psychopath), અપર્યાપ્ત મનોરોગી (inadequate pscychopath), સર્જક મનોરોગી (creative psychopath) તથા લૈંગિક મનોરોગી (sexual psychopath) જોકે આ એકબીજાથી પૂરેપૂરા અલગ એવા સુસ્પષ્ટ પ્રકારો ન હોવાથી હાલ તેમને તે રીતે વર્ગીકૃત કરાતા નથી. આ વ્યક્તિત્વવિકારનું કારણ જાણમાં નથી આવતું, પણ જનીનીય, વાતાવરણજન્ય અને જૈવિક ઘટકો તેની સાથે જોડાયેલા હોય છે; જેમ કે પિતાનું પ્રતિસામાજિક વ્યક્તિત્વ, આવેગશીલ અને અસાતત્યપૂર્ણ માતાપિતા, અસ્પષ્ટ ચેતાતંત્રીય ચિહ્નો, મસ્તિષ્કી વીજાલેખ(EEG)માં અવિશિષ્ટ વિષમતાઓ, બાળપણમાં વર્તણૂક કે એકાગ્રતાલક્ષી વિકારોની હાજરી વગેરે. સામાન્ય રીતે તેનો દર્દી પોતે સારવાર માટે આવતો નથી. ઘણી વખત કાયદો જાળવતી સંસ્થા તેને સારવાર લેવા માટે મોકલે છે. સારવારમાં વ્યક્તિલક્ષી મનશ્ચિકિત્સા, મનોવિશ્લેષણ, જૂથલક્ષી મનશ્ચિકિત્સા, સ્વ-સહાયક જૂથની મદદ તથા પેરિસાયેઝિન નામની પ્રતિતીવ્રમનોવિકારી ઔષધનો ઉપયોગ કરાય છે. દવાની ખાસ અસર થતી નથી.
(ઙ–7–ઉ) સંનાટકીય વ્યક્તિત્વવિકાર (histrionic personality disorder) : સ્વનાટકીકરણ અથવા લાગણીઓની નાટકીય અને અતિશય અભિવ્યક્તિ, વાતાવરણ અથવા અન્ય વ્યક્તિ દ્વારા કરાયેલાં સૂચનોને વશ થવું (સૂચનવશ્યતા, suggestibility), છીછરી અને અસ્થિર લાગણીઓ, ઉત્તેજના અને વખાણની સતત ઇચ્છા તથા સૌનું ધ્યાન કેન્દ્રિત કરવાના પ્રયત્નો, વર્તન કે દેખાવમાં અતિ કામુકતા (seductiveness), શારીરિક આકર્ષણક્ષમતા (attractiveness) અંગે વધુ પડતી ચીવટ વગેરે વિવિધ પ્રકારનાં વર્તનો કે પ્રકારોમાંથી ગમે તે 3 હોય ત્યારે આવો વ્યક્તિત્વવિકાર થયો કહેવાય છે. આવી વ્યક્તિઓ અહંભાવકેન્દ્રી (egocentric) અને સતત પોતાના વિશે વિચારતી હોય છે. તેઓ હંમેશાં વખાણ માટે તરસે છે અને તેમને જલદીથી ખોટું લાગી જાય છે. પોતાની જરૂરિયાતોને પહોંચવા તેઓ સતત ગોઠવણી કરતા રહે છે. તેઓ વારંવાર ગુસ્સે થઈ જાય અથવા ત્રાગું (tantrum) કરે છે. તેમનાં કાર્યો લાંબા સમયના કોઈ ધ્યેય માટે હોતાં નથી. તેમને તરત સંતોષ અને સ્વીકૃતિ જોઈએ છે. તેઓમાં ઘણી વખત પ્રદર્શનકારી મનોવિકાર હોય છે અને તેથી તેઓ ભભકાદાર કપડાં પહેરે છે. બોલચાલમાં તથા હલનચલનમાં વિશિષ્ટ અદા રાખે છે. પોતાને સુંદર, પ્રિયદર્શનીય (charming) અને કામોત્તેજી (seductive) દેખાડવાનું પસંદ કરે છે. ક્યારેક આત્મઘાતક નાટકીય દેખાવ કરે છે. બીજી વ્યક્તિ સાથેનો તેમનો વ્યવહાર ઘણી વખત તોફાની અને તોછડો (ungratifying) હોય છે. સ્ત્રીઓમાં આ વિકાર વધુ જોવા મળે છે. ધ્યાનાકર્ષિતા(hysteria)ના વિકારને આ પ્રકારના વ્યક્તિત્વવિકાર સાથે સંબંધ છે એવું પહેલાં મનાતું હતું. પરંતુ હાલ તેને માટે પૂરતા આધારો પ્રાપ્ત થતા નથી. આ વ્યક્તિત્વવિકારમાં નાટ્યક્રિયા અને વિયોજન(dissociation)ની માનસિક રક્ષણાત્મક પ્રવિધિઓ સક્રિય હોય છે. સારવાર રૂપે મનોવિશ્લેષણ તથા મનોવિશ્લેષણાત્મક મનશ્ચિકિત્સાનો ઉપયોગ કરાય છે.
(ઙ–7–ઊ) સ્વમોહિતતા (narcissistic) : આ વ્યક્તિત્વવિકારમાં પોતાના વિશે વધુ પડતો અને મહાન હોવાનો ખ્યાલ, અમર્યાદ સફળતાનાં સ્વપ્નોમાં રાચવું; ધ્યાનાકર્ષણ કરવું, નાટકીય વર્તન કરવું, સત્તા, વખાણ સાંભળવાની ઇચ્છા રાખવી, ટીકા સહન ન કરવી, બીજાઓ તરફ લાગણી ન રાખવી, લાભ ઉઠાવી લેવાનું વર્તન હોવું, આત્મબળ બાબતે શંકાશીલ રહેવું, દબાયેલી લઘુતાગ્રંથિ હોવી તથા નાની નાની બાબતોમાં ખિન્ન થઈ જવું વગેરે વિવિધ લાક્ષણિકતાઓ હોય છે. સારવારમાં કદાચ મનશ્ચિકિત્સા ઉપયોગી નીવડે.
(ઙ–7–ઋ) અસ્થિરભાવલક્ષી વ્યક્તિત્વવિકાર (emotionally unstable personality disorder) : તેમાં લાગણીઓની અસ્થિરતા (lability) અને અવિચારી આવેગવશ્યતા જોવા મળે છે. તેના 2 પ્રકારો છે : આવેગપૂર્ણ પ્રકાર તથા સીમાવર્તી પ્રકાર. આવેગપૂર્ણ (impulsive) પ્રકારમાં ભાવલક્ષી અસ્થિરતાની સાથે આવેગો પરનું ઓછું નિયંત્રણ જોવા મળે છે. આ લોકો સામાન્ય ટીકા કે વિરોધ સામે ક્યારેક હિંસક બને છે અથવા ધમકી આપતું વર્તન કરે છે. સીમાવર્તી (borderline) પ્રકારમાં લાગણીઓની અસ્થિરતા ઉપરાંત દર્દીની પોતાના વિશેની છાપ (self-image), પોતાના હેતુઓ અને પોતાની પસંદગી વિશે પણ અસ્પષ્ટતા રહેલી હોય છે. તેને લાંબા સમયથી ‘ખાલીપણા’ની ભાવના રહે છે. તેઓ અતિતીવ્ર રીતે અસ્થિર સંબંધોમાં જોડાય છે અને તેથી વારંવાર ભાવસંકટ(emotional crisis)માં સપડાય છે. તેથી તેઓ ઘણી વખત આપઘાતની ધમકી તથા પોતાને ઈજા કરતાં કાર્યો કરે છે. સીમાવર્તી અસ્થિરભાવલક્ષી વ્યક્તિત્વવિકારને સીમાવર્તી વ્યક્તિત્વવિકાર (borderline personality disorder) પણ કહે છે. તેમાં અગાઉ જેમને વિચ્છિન્ન-મનસ્કતા(schizophrenia)ના વિકારો ગણવામાં આવતા હતા એવા સંચલનગત વિચ્છિન્નમનસ્કતા (ambulatory schizophrenia) તથા છદ્મસૌમ્યમનોવિકારી વિચ્છિન્ન-મનસ્કતા(pseudo neurotic schizophrenia)નો સમાવેશ કરાય છે. મન:સંગતિકી-(psychodynamics)ના સિદ્ધાંતમત પ્રમાણે વિચ્છેદન(splitting)ની બચાવપ્રવિધિ તેમાં કાર્યરત રહેલી હોય છે. સીમાવર્તી, સ્વમોહિતતા તથા પ્રતિસામાજિક મનોવિકારો ઘણી વખત એકબીજા સાથે અમુક અંશે ભળેલા હોય છે. મહત્તમ ખિન્નતાનાં આક્રમણો તેમાં બન્યા કરે છે. સારવાર માટે મનોવિશ્લેષણાત્મક મનશ્ચિકિત્સા, સહાયક મનશ્ચિકિત્સા તથા ખિન્નતાવિરોધી દવાઓ વપરાય છે. મહત્તમ ખિન્નતા થઈ આવે તો વીજઆંચકીકારી સારવાર અપાય છે. ક્યારેક પ્રતિતીવ્ર મનોવિકાર ઔષધો, લિથિયમ કે કાર્બામેઝેપિનનો ઉપયોગ કરાય છે. આક્રમકતા કે આવેગશીલતા વધુ પડતી હોય ત્યારે જ તે વપરાય છે. સામાન્ય રીતે સીમાવર્તી વ્યક્તિત્વવિકારમાં દવાઓથી ખાસ વિશિષ્ટ લાભ થતો નથી.
(ઙ–7–એ) આશંકિત (anxious) અથવા પરિવર્જનશીલ (avoidant) વ્યક્તિત્વવિકાર : તણાવ અને અજંપાભરી ચિંતા (apprehension), લઘુતાગ્રંથિ, સામાજિક સંજોગોમાં ટીકાપાત્ર હોવા વિશેનો સતત વિચાર, શારીરિક સુરક્ષા માટે જીવનશૈલીમાં અનેક પ્રતિબંધો, ટીકા કે અસ્વીકારના ભયને કારણે પારસ્પરિક વર્તાવના સામાજિક પ્રસંગોનું વર્જન – આ 6માંથી ગમે તે 3 લાક્ષણિકતાઓ દેખાય તો આ પ્રકારનો વ્યક્તિત્વવિકાર છે એવું મનાય છે. તે ટીકા કે વિરોધ તરફ અતિશય સંવેદનશીલ હોય છે અને સકારણ ખિન્નતા (secondary depression) થવાની સંભાવના વધુ રહે છે. સારવાર રૂપે તેમને વ્યક્તિગત મનશ્ચિકિત્સા, જૂથલક્ષી મનશ્ચિકિત્સા તથા વર્તનચિકિત્સા અપાય છે. સારવારનું પરિણામ સારું આવે છે.
(ઙ–7–ઐ) પરાવલંબી વ્યક્તિત્વવિકાર (dependent peronality disorder) : બીજાઓને પોતાના જીવનના મહત્વના નિર્ણયો લેવાની છૂટ આપવી કે ઉત્સાહિત કરવા, પોતાની જરૂરિયાતોને બીજાઓની ઇચ્છાને તાબે કરવી, એકદમ યોગ્ય હોય તેવી પણ માંગ કરતાં ખચકાટ અનુભવવો, એકાંતમાં ભય અનુભવવો, જેના પર આધારિત હોય તે છોડી દેશે તેવી લાગણી તથા સલાહ વગર જાતે નિર્ણય લેવામાં તકલીફ – આ 6 પ્રકારની વર્તણૂકો કે વર્તનોમાંથી ગમે તે 3 હોય ત્યારે આ પરાવલંબી વ્યક્તિત્વવિકાર થયો છે એવું મનાય છે. તેથી વ્યક્તિ અસહાયતા, અક્ષમતા અને અશક્તિની લાગણી પણ અનુભવે છે. ઘણી વખત તેની સાથે પરિવર્તનલક્ષી અને પરોક્ષ આક્રમકતાવાળા (passive-aggressive) વ્યક્તિત્વવિકારો પણ હોય છે. આવી વ્યક્તિઓ પીડાપ્રાત્રન(masochism)ના મનોલૈંગિક વિકારથી પણ પીડાય છે. ક્યારેક આવા સંબંધો તેઓ વારંવાર બાંધે છે. વ્યક્તિગત મનશ્ચિકિત્સા, જૂથલક્ષી મનશ્ચિકિત્સા તથા વર્તનચિકિત્સા વડે સારું પરિણામ મળે છે.
(ઙ–7–ઓ) અદમ્ય પુનરાવર્તી વ્યક્તિત્વવિકાર (obsessive compulsive personality disorder) : અતિશય શંકાશીલતા અને સાવચેતી; નિયમો, વિગતો, યાદીઓ, વ્યવસ્થા, આજ્ઞા કે નિયત કાર્યક્રમને વળગી રહેવાની ભાવના; કાર્યમાં અડચણ પડે તેટલી હદની પરિપૂર્ણતા (perfection); અતિશય ચીવટ તથા પરિણામ પર એટલું ધ્યાન કે તેમાં રહેલા આનંદ અને પારસ્પરિક સંબંધોને ગૌણ સ્થાન; સામાજિક રીતભાતને અતિશય મહત્વ; અક્કડતા, બીજાઓએ પોતાના વિચાર પ્રમાણે જ વર્તવું જોઈએ તેવી મજબૂત માંગણી તથા અનિષ્ટ વિચારો તથા આવેગોનો અદમ્ય પ્રવેશ – આ 8 મનોવૃત્તિ કે વર્તનમાંથી ગમે તે 3 હાજર હોય તો તેને અદમ્ય પુનર્વર્તિતાજન્ય વ્યક્તિત્વવિકાર કહે છે. તે મોટેભાગે પુરુષોમાં જોવા મળે છે અને તેમનામાં ક્યારેક અદમ્ય પુનર્વર્તિતાનો વિકાર (obsessive compulsive disorder) થઈ આવે છે. મન:સંગતિકીના અભ્યાસ પ્રમાણે તે પરપીડન તબક્કામાંનું મન:સ્થાપન સૂચવે છે. તેમનામાં પ્રતિક્રિયાભવન (reaction formation) નામની માનસિક બચાવપ્રવિધિ ઉત્પન્ન થયેલી હોય છે. આ દર્દીઓને પોતાના વ્યક્તિત્વવિકારની ખબર હોય છે (insight) અને તેથી તેઓ સારવાર માટે આવે છે. મનશ્ચિકિત્સા તથા જૂથચિકિત્સા વડે તેમને લાભ આપી શકાય છે.
(ઙ–7–ઔ) અસક્રિય-આક્રમક (passive-agrressive) વ્યક્તિત્વવિકાર : યોગ્ય પ્રકારના સામાજિક અને વ્યાવસાયિક પ્રકાર્ય (performance) સામે સતત અને સબળ પરંતુ અસક્રિય અવરોધ તથા મનોબળ (stubornness), ઇરાદાપૂર્વકની અલ્પક્ષમતા (intentional inefficiency) દીર્ઘસૂત્રિતા (procrastination), અનાધાર વિરોધ, ભુલકણાપણું વગેરે વિવિધ વર્તનો અસક્રિય આક્રમકતા સૂચવે છે. તે એક પ્રકારનો પ્રચ્છન્ન ક્રોધ (covert anger) અથવા વિપરીતવંકી ક્રોધ (retroflexed anger) સૂચવે છે. સીધેસીધો વિરોધ શક્ય હોવા છતાં આવો વિપરીત પ્રકારનો વિરોધ પસંદ કરવામાં આવેલો હોય છે. ઘણી વખતે આવી વ્યક્તિઓમાં પરાવલંબી વ્યક્તિત્વવિકાર પણ સાથે-સાથે હોય છે. તેમાં ક્યારેક સકારણ ખિન્નતા થઈ આવે છે. સહાયદાયી મનશ્ચિકિત્સા, વર્તનચિકિત્સા, જૂથચિકિત્સા તથા જરૂર પડે ત્યારે પ્રતિખિન્નતા ઔષધો વડે સારવાર કરવાથી લાભ રહે છે.
(ઙ–7–અં) અન્ય વ્યક્તિત્વલક્ષી અને વર્તનલક્ષી વિકારો : ક્યારેક લાંબા સમયથી ચાલતા અતિશય તણાવ કે આઘાતજનક પ્રસંગ પછી મગજનો કે વ્યક્તિત્વનો કોઈ વિકાર ન હોય એવી વ્યક્તિમાં પણ લાંબા સમયની વ્યક્તિત્વલક્ષી વિષમતા ઉદભવે છે. કેટલાક વર્તનના વિકારો ટેવ અને આવેગજન્ય હોય છે. જેમ કે જુગારની આદત અથવા રુગ્ણકારી દ્યૂતક્રીડા (pathological gambling), કશુંય બાળી નાંખવાની વૃત્તિવાળો જ્વલનોન્માદ (pyromania), જરૂર ન હોય તોપણ ચોરી કરવી કે દુકાનમાંથી વસ્તુ ઉપાડી લેવાના વર્તનવાળો તસ્કરોન્માદ (kleptomania) તથા વાળ ખેંચવાનો લુંચનોન્માદ (trichotillomania). આ જુદા-જુદા વિકારો આવેગવશ્ય વર્તનથી થાય છે. તે સમયે દર્દી પોતાનું નિયંત્રણ કરી શકતો નથી. અને આવેગોને અટકાવી શકતો નથી. જ્યારે તે ક્રિયા કરે છે ત્યારે તેનો તણાવ ઘટે છે. પરંતુ પાછળથી તેનામાં દોષભાવ પ્રગટે છે. વર્ષમાં 2થી વધુ વખત જુગાર રમવાની ઇચ્છા થઈ આવે છે. જેમાં કોઈ ખાસ લાભ ન પણ મળતો હોય ત્યારે તેને રુગ્ણકારી દ્યુતક્રીડા કહે છે. જ્વલોન્માદમાં વ્યક્તિ બે કે વધુ વખત જુદી-જુદી વસ્તુઓને બાળી નાંખવા માટે અતિશય સક્રિય બને છે. દર્દી બે કે વધુ વખત ચોરી કરવાની અદમ્ય ઇચ્છા ધરાવે, તેને તે વસ્તુ ચોરવાની જરૂર ન હોય તો તેને તસ્કરોન્માદ કહે છે. વાળને ખેંચીને તોડવાની અદમ્ય ઇચ્છાથી લુંચનોન્માદ થાય છે. આ પ્રકારના આવેગનિયંત્રણના વિકારો(impulse control disorders)ની સારવારમાં વર્તનચિકિત્સા, વ્યક્તિગત મનશ્ચિકિત્સા તથા ક્યારેક ઔષધો વડે સારવાર કરાય છે. દર્દીને તેના આવેગ તરફ અણગમો થાય (aversion) કે તેના વિશે જાણકારી મળે (cognition) તે પ્રકારે વર્તન-ચિકિત્સા કરાય છે. લુંચનોન્માદમાં ફ્લ્યુક્ઝેટિન નામની દવા ઉપયોગી છે. જો વ્યક્તિ વારંવાર તોફાની પ્રવૃત્તિ કરવાનો આવેગ ધરાવતી હોય તો કાર્બામેઝેપિન વપરાય છે.
પુખ્તવયે થતા વ્યક્તિત્વ અને વર્તનવિકારો પર લૈંગિક અભિજ્ઞાન (gender identity) તથા લૈંગિક ચયન(sexual preference)ની અસર હોય તો તેને લગતા વિશિષ્ટ મનોવિકારો થાય છે. તેવી રીતે લૈંગિક વિકાસને લગતા પણ મનોવિકારો ઉદભવે છે. (આ લેખના ‘ચ-8’ વિભાગમાં તેને વિશે જણાવેલું છે.)
રોગછદ્મિતા વિકાર (fictitious disorder) અથવા મુન્ચોસેનનું સંલક્ષણ(Munchausen syndrom)ના નામે ઓળખાતા વિકારમાં દર્દી ખોટી રીતે કોઈ રોગ હોવાની સ્થિતિ સાથે હૉસ્પિટલમાં આવે છે. તેનો તેમાં સભાન હેતુ ધ્યાનાકર્ષણ કરવાનો હોય છે. તેમાં અન્ય કોઈ અપરાધકારી ઇરાદો ન હોવાથી છદ્મરોગિતા(malingering)થી તેને અલગ પડાય છે. દર્દી જાણી જોઈને તે કરે છે. માટે તે ધ્યાનાકર્ષિતાના વિકાર(hysterical disorder)થી પણ અલગ પડે છે. આ વિકારને હૉસ્પિટલ-વ્યસનાસક્તિ (hospital-addicition), હૉસ્પિટલ-રસિકતા (hospital hobes), છદ્મિતાવ્યાધિ (factitious illness), બહુશસ્ત્રક્રિયાલક્ષી વ્યસનાસક્તિ (polysurgical addiction) વગેરે વિવિધ નામે પણ ઓળખવામાં આવે છે. આવા દર્દીને વ્યાવસાયિક રોગી (professional patient) તરીકે પણ સંબોધવામાં આવે છે. દર્દીને શારીરિક અને/અથવા માનસિક લક્ષણો અને ચિહ્નો થાય છે. તેઓ તેમના રોગનાં લક્ષણોના વૃત્તાંતને, પરીક્ષણોનાં પરિણામોને તથા તેમના જીવનની હકીકતોને વિરૂપ (distort) કરે છે અને ખોટાં શારીરિક ચિહ્નો સર્જવા માટે ક્યારેક પોતાને ઈજા પહોંચાડે છે અથવા ચેપગ્રસ્ત પણ થાય છે. આવી મનોવૃત્તિને સ્વૈરવિહારી છદ્મજ્ઞતા (pseudologia fantastica) કહે છે. તેઓ નશાકારક અથવા તો ખાસ કરીને ઉપચારલક્ષી દવાઓનો કુપ્રયોગ (abuse) કરતા રહે છે. તેઓ ઘણી તબીબી પરિભાષા જાણે છે, પણ તેમનું તે માટેનું જ્ઞાન છીછરું હોય છે. ઘણી વખત આવા દર્દીઓને અગાઉ કોઈ શસ્ત્રક્રિયા કરેલી હોય છે. તેનું કારણ જાણમાં નથી. આ દર્દીઓને પીડાપ્રાપ્તન(masochism)નો વિકાર થયેલો હોય છે એવું મનાય છે. તેથી તેમને બીજાઓ દ્વારા પીડા કરવામાં આવે તેવું ગમે છે. તેઓ તબીબમાં એક ‘પિતાતુલ્ય’ વ્યક્તિત્વ (father figure) શોધે છે અને શસ્ત્રક્રિયાને આંશિક આત્મહત્યા (partial suicides) તરીકે જુએ છે. સામાન્ય રીતે બાળપણમાં તેમના તરફ ધ્યાન અપાયેલું હોતું નથી તથા તેથી તેમને ઘણો અસંતોષ રહી ગયેલો હોય છે. સારવારનું ખાસ પરિણામ આવતું નથી. તબીબે જોકે એ ધ્યાન રાખવાનું સૂચવાય છે કે તે છેતરામણી રોગસમ સ્થિતિ તરફ ગુસ્સો, વિદ્વેષિતા (hostility) કે અલ્પતાનો ભાવ ન દર્શાવે, દર્દીને તે જુઠ્ઠો છે એવું ન કહે તથા બિનજરૂરી સારવારક્રિયા કે શસ્ત્રક્રિયા ન કરે.
(ઙ–8) મનોલૈંગિક વિકારો (psychosexual disorders) : તેમને મુખ્ય 4 પ્રકારોમાં વિભાજિત કરાય છે : (અ) લૈંગિક અભિજ્ઞાન (gender identity) વિકારો; (આ) લૈંગિક વિકાસ અને પરિપક્વતાલક્ષી મનોવિકારો અને વર્તનવિકારો; (ઇ) લૈંગિક પરાચલન (paraphilia) અથવા લૈંગિક પસંદગીના વિકારો તથા (ઈ) લૈંગિક દુષ્કાર્યશીલતા (sexual dysfunction). ICD-10માં પ્રથમ 3 પ્રકારોને પુખ્તવયે થતા વ્યક્તિત્વ અને વર્તનલક્ષી વિકારોમાં અને ચોથા પ્રકારને શારીરિક ઘટકો અને ક્રિયાઓવાળા (પણ તેમના કારણે ન થયેલા) વર્તનવિકારોમાં સમાવવામાં આવેલા છે.
(ઙ–8–અ) લિંગાભિજ્ઞાન વિકારો (gender identity disorders) અથવા લૈંગિક અભિજ્ઞાનલક્ષી વિકારો : દર્દીની પોતાની જાતીય ઓળખ (લૈંગિક અભિજ્ઞાન) વિકારયુક્ત થયેલી હોય છે. તેથી તેની પુરુષત્વ કે સ્ત્રીત્વ અંગેની માનસિક છાપ બગડેલી હોય છે. તેમાં 4 ઉપપ્રકારો છે – (i) પારલૈંગિકતા (transexualism)–પુરુષની અથવા સ્ત્રીની; પ્રારંભિક અથવા આનુષંગિક; (ii) બાળપણનો લિંગાભિજ્ઞાનવિકાર; (iii) પરલિંગી વસ્ત્રપરિધાન (transvestism) અને (iv) આંતરલૈંગિકતા (intersexuality).
લિંગાભિજ્ઞાનવિકારનો સૌથી તીવ્ર પ્રકાર છે પારલૈંગિકતા. તેને પારલિંગિતા પણ કહે છે. દર્દીનો શારીરિક લૈંગિક વિકાસ સામાન્ય હોય છે. પરંતુ દર્દી પોતે પોતાની જે લૈંગિકતા (જાતિ, gender) માને છે તેની સાથે સુસંગત ન હોવાથી તેને તે તકલીફ પહોંચાડે છે. તેથી તે પોતાની માની લીધેલી લૈંગિકતા (perceived gender) મેળવવા માટે પોતાનાં બાહ્યજનનાંગો અને દ્વૈતીયિક લૈંગિક લક્ષણો (secondary sex characters)થી મુક્ત થાય તેમ સતત વિચારે છે. સામાન્ય રીતે તેનું નિદાન યૌવનારંભ (puberty) પછી થાય છે. જો બાળપણથી આ પ્રકારનો માનસિક અભિગમ હોય તો તેને પ્રાથમિક પારલૈંગિકતા કહે છે અને તેઓને શસ્ત્રક્રિયા વડે પોતાની લૈંગિકતા બદલવાની સતત વિચારગ્રસ્તતા (preoccupation) રહે છે. પુરુષમાંથી સ્ત્રી થવાની ઇચ્છાને પ્રારંભિક પુરુષ પારલૈંગિકતા (primary male transexualism) કહે છે. તેવી રીતે સ્ત્રીમાંથી પુરુષ થવાની વૃત્તિને પ્રારંભિક સ્ત્રી-પારલૈંગિકતા કહે છે. દ્વૈતીયિક પારલૈંગિકતા મોટી ઉંમરે ઉદભવે છે. તે ઓછી તીવ્રતા ધરાવે છે. જો કે તેમાં પણ શારીરિક લૈંગિકતા બદલવાની ઇચ્છા રહેલી હોય છે. તે સ્ત્રૈણ સ્વલિંગ-સંભોગકો (effeminate homosexuals) હોય તો પોતે પોતાના લિંગની વ્યક્તિ સાથે શારીરિક લૈંગિક ક્રિયા કરે છે. જો તેઓ પરલિંગી વસ્ત્રપરિધાની (transvestites) હોય તો બીજા લિંગની વ્યક્તિ જેવું વસ્ત્રપરિધાન કરે છે. મોટાભાગના દર્દીઓ શારીરિક રીતે પુરુષો હોય છે. દર 1 લાખ પુરુષે એકને તથા દર 4 લાખ સ્ત્રીએ એકને આવો વિકાર થાય છે. તેઓ બીજા લિંગના હોવાનું માનતા હોવાથી તેવું વસ્ત્રપરિધાન કરે છે. માટે તેમને દ્વિપાત્રી પરલિંગ-વસ્ત્રપરિધાની (dual-role transvestic) કહે છે. જે દર્દીઓને બીજા લિંગનાં વસ્ત્રો પહેરવાથી જાતીય ઉત્તેજના થાય છે તેવા દર્દીઓને નિર્જૈવકામી (fetishistic) કહે છે અને તેવા પરલિંગી–વસ્ત્રપરિધાનક ને નિર્જૈવકામી પરલિંગી વસ્ત્રપરિધાનક (fetishistic transvestic) કહે છે. તેમને પારલૈંગિકતાના પરલિંગી વસ્ત્રપરિધાનથી અલગ પાડવામાં આવે છે. ક્યારેક સ્વલિંગ-સંભોગકો (homosexuals) પણ જાતીય મજા માટે પરલિંગી પરિધાન (cross-dressing) કહે છે. પરંતુ તેઓ બીજા લિંગના હોય એવું અભિજ્ઞાન (ઓળખ) ધરાવતા નથી. તેથી તેને છદ્મપારલૈંગિકતા (pseudotransexualism) કહે છે. તેને પણ પારલૈંગિકતાથી અલગ પડાય છે. સારવારમાં દર્દી કાં તો પોતાની જાતિ (લિંગ)ને સ્વીકારતો થાય તેવું કરાય છે અથવા તેની શારીરિક જાતિ બદલવાની શસ્ત્રક્રિયા કરી અપાય છે. પ્રથમ કાર્ય માટે મનશ્ચિકિત્સા તથા વર્તનચિકિત્સા કરાય છે. લિંગપરિવર્તન શસ્ત્રક્રિયા (sex reassignment surgery) સૌપ્રથમ વખત ડેન્માર્કમાં 1951માં કરાઈ હતી. તેમાં એક અમેરિકન સૈનિક સ્ત્રી બન્યો હતો. 1956માં પ્રથમ વખત એક સ્ત્રી ‘શારીરિક-પુરુષ’ બની હતી. આ પ્રક્રિયા માટે શિશ્નરચના (phalloplasty), ખસીકરણ (castration) અથવા જનનપિંડ-ઉચ્છેદન, સ્તન-ઉચ્છેદન (mastectomy), ગર્ભાશય-ઉચ્છેદન (hysterectomy) વગેરે વિવિધ શસ્ત્રક્રિયાઓ વડે અનુક્રમે નવું શિશ્ન બનાવવાની શસ્ત્રક્રિયા કે જનનપિંડ, સ્તન અને ગર્ભાશયને દૂર કરવાની શસ્ત્રક્રિયા કરાય છે. લિંગપરિવર્તન કરાવ્યા પછી ફરીથી મૂળ શારીરિક લૈંગિકતા પાછી મેળવી શકાતી નથી. શસ્ત્રક્રિયા સાથે પુરુષ કે સ્ત્રીના વિશિષ્ટ અંત:સ્રાવો પણ અપાય છે. શસ્ત્રક્રિયા કર્યા પછી ફરીથી કોઈ સુધારો શક્ય ન હોવાથી ચોક્કસ નિદાન, મનશ્ચિકિત્સાની નિષ્ફળતા, દર્દી નવા ‘લિંગ’માં કેવો/કેવી સફળ થશે તેનો સ્પષ્ટ અંદાજ તથા તેને કારણે ક્યારેક માતા-પિતા થવાની અસંભાવના વગેરે વિવિધ બાબતોને ધ્યાનમાં લઈને તથા તેની વિશદ ચર્ચાવિચારણા કરીને નિર્ણય લેવાય છે. ક્યારેક દર્દીને જન્મજાત શારીરિક રચનામાં બંને લિંગનાં અંગો–અવયવો વધતા-ઓછા અંશે વિકસે છે. તેને આંતરલૈંગિકતા અથવા આંતરલિંગિતા કહે છે. તેમાં પણ ક્યારેક માનસિક વિકારો થાય છે. તેની સારવાર મૂળ શારીરિક કુરચનામાં સુધારો કરવા પરત્વે હોય છે.
(ઙ–8–આ) લૈંગિક વિકાસ અને પરિપક્વતાના મનોવિકારો અને વર્તનવિકારો : જ્યારે લૈંગિક વિકાસ અને પરિપક્વતા (sexual development and maturation)માં વિષમતા ઉદભવે ત્યારે આ વિકારો થાય છે. વિકાસ અને પરિપક્વતાને કારણે વ્યક્તિની લૈંગિક પ્રતિવૃત્તિ (sexual orientation) ઘડાય છે. તેને કારણે તેની પ્રતિવૃત્તિ સજાતીય અથવા સ્વલિંગી (homosexual), વિજાતીય અથવા અન્યલિંગી (heterosexual) કે દ્વિજાતીય અથવા દ્વિલિંગી (bisexual) બને છે. લૈંગિક પ્રતિવૃત્તિ જ્યારે દુસ્ત્રાસ કે અક્ષમતા સર્જે છે ત્યારે તે મનોલિંગી વિકાર કહેવાય છે.
તરુણાવસ્થા(adolescence)માં જો લૈંગિક પ્રતિવૃત્તિ અને લૈંગિક અભિજ્ઞાન અસ્પષ્ટ રહે તો તે ચિંતા અને ખિન્નતા સર્જે છે. તેને લૈંગિક પરિપક્વતા વિકાર (sexual maturation disorder) કહે છે. કેટલાક સજાતીય કે સ્વલિંગ–સંભોગીઓ (homosexuals)ની લૈંગિક પ્રતિવૃત્તિ તો સ્પષ્ટ હોય છે. પરંતુ ક્યારેક તેનાથી ઉદભવતા તણાવો મનોવિકાર કરે છે. તેને અહંભાવ-દુ:સજ્જી લૈંગિક પ્રતિવૃત્તિ (egodystonic sexual orientation)નો વિકાર કહે છે. એક જ લિંગ (કે જાતિ)ની બે વ્યક્તિઓ વચ્ચેના લૈંગિક વ્યવહારને સ્વલૈંગિક અથવા સજાતીય લૈંગિક વ્યવહાર (homosexuality) કહે છે. તે પુરુષ અને સ્ત્રી બંનેમાં થાય છે. સ્વલિંગ-સંભોગીઓના વિવિધ પ્રકારો છે. કેટલાક હમેશાં તો કેટલાક ક્યારેક ક્યારેક એવી પ્રતિવૃત્તિ ધરાવે છે. કેટલાક બંને લિંગમાં સરખો વ્યવહાર ધરાવે છે તો કેટલાકનો સ્વલૈંગિક વ્યવહાર વધુ પસંદગીયુક્ત હોય છે. કેટલીક વ્યક્તિઓમાં તે અભિવ્યક્ત ન થયેલો હોય તો કેટલીક વ્યક્તિઓનો સ્વૈરવિહાર (fantasy) સ્વલૈંગિક હોય છે. સ્વલિંગિતાને એક સામાન્ય ઘટના ગણવી કે માનસિક વિકાર ગણવો તે વિશે વિવાદ છે. જો દર્દીને તેનાથી માનસિક તકલીફ (ત્રાસ) થતી હોય તો તેને અહંભાવ-દુ:સજ્જી સ્વલિંગિતા કહે છે. પણ જો તે કોઈ માનસિક તકલીફ ન સર્જતી હોય તો તેને અહંભાવ-સંસજ્જી સ્વલિંગિતા (egosyntonic homosexuality) કહે છે. હાલ DSM–IVમાં આ વિકારનો ઉલ્લેખ નથી જ્યારે ICD-10માં તેને અહંભાવ-દુ:સજ્જી લૈંગિક પ્રતિવૃત્તિ (egodystonic sexual orientation) એવા નામાભિધાનની અંદર સમાવવામાં આવે છે. હાલ મળતા કેટલાક આધારોને કારણે મનાય છે કે તેમાં કોઈ જનીનીય પરિબળ કામ કરતું હશે. દર્દી પોતે કે તેનાં માતાપિતા કે સગાં સારવાર કરાવવા ઇચ્છે ત્યારે સારવાર સૂચવાય છે. તેની પ્રતિવૃત્તિ ઘટાડવા મનોવિશ્લેષણાત્મક મનશ્ચિકિત્સા, વર્તનચિકિત્સા, સહાયદાયી ચિકિત્સા તથા એન્ડ્રોજન (પુંલક્ષણી અંત:સ્રાવ) વડે ઔષધચિકિત્સા કરાય છે. જો દર્દી કે તેનાં સગાંને તેનાથી થતો માનસિક ત્રાસ ઘટાડવો હોય તો મનોવિશ્લેષણાત્મક અને સહાયદાયી મનશ્ચિકિત્સા તથા જરૂર પડ્યે તે કિસ્સામાં પ્રતિખિન્નતા ઔષધો અને બેન્ઝોડાયાઝેપિન્સ અપાય છે. દર્દી સિવાયની વ્યક્તિ દર્દીને સારવાર આપવા માટે વિનંતી કરે ત્યારે સારવાર કરવી કે નહિ તે માટે મતમતાંતર છે.
ક્યારેક દર્દીને જાતીય સંબંધ સ્થાપવામાં કે જાળવવામાં મુશ્કેલી પડે છે. તે પણ એક પ્રકારના વિકાસ અને પરિપક્વતાના વિકારો છે. તેમનું અલગ રીતે નિદાન કરીને મનશ્ચિકિત્સા કરાય છે.
(ઙ-8-ઇ) લૈંગિક પરાચલન (paraphilia અથવા disorder of sexual preference) : તેમને લૈંગિક વિચલનો (deviation) અથવા લૈંગિક અધોવર્તન (perversion) પણ કહે છે. તેઓ સામાન્ય રીતે લૈંગિક ઉત્તેજના ન કરે તેવા પદાર્થોથી, ક્રિયાઓથી કે વ્યક્તિઓથી ઉત્તેજિત થાય છે. જેમકે તેમની લૈંગિકતા વસ્ત્રો, બાળકો અથવા જાતીય વ્યવહાર માટે અસહમત વ્યક્તિઓ વડે કે પોતાની જાતને અથવા લૈંગિક-સાથીદારને પીડા પહોંચાડવાથી કે અપમાનિત કરવાથી જાગૃત થાય છે. તેમાં નિર્જૈવકામ (fetishism), નિર્જૈવકામી અન્યલિંગી વસ્ત્રપરિધાન (fetishistic transvestism), લૈંગિક પરપીડન (sexual sadism), લૈંગિક પીડાપ્રાપ્તન (masochism), લૈંગિક પ્રદર્શિતા (exhibitionism), લૈંગિક વિષમદર્શિતા (voyeurism), લૈંગિક વિસ્પર્શતા (frotteurism), લૈંગિક બાલકામ (pedophilia), લૈંગિક પશુકામ (zoophilia bestiality) વગેરેનો સમાવેશ થાય છે. નિર્જીવ પદાર્થોથી ઉદભવતી લૈંગિક ઉત્તેજનાવાળા વિકારને નિર્જૈવકામ (fetishism) કહે છે. તે સામાન્ય રીતે પુરુષોમાં જોવા મળે છે. તેઓ સ્ત્રીનાં બહારનાં કે અંદરનાં કપડાંને કારણે ઉત્તેજિત થાય છે. જો અન્યલિંગનાં કપડાં પહેરવાથી ઉત્તેજના થતી હોય તો તેને નિર્જૈવકામી અન્યલિંગી વસ્ત્રપરિધાન (fetishistic transvestism) કહે છે. તેવી રીતે અન્યલિંગની વ્યક્તિના અંગ વડે કરાતું હસ્તમૈથુન (masturbation) કે જનનાંગ-કંપક (genital vibrator) જેવા યંત્રની મદદથી ઉત્તેજના પ્રાપ્ત થતી હોય તો તેને નિર્જૈવકામ કહેવાતો નથી. નિર્જૈવકામ સાથે ઘણી વખત હસ્તમૈથુનની આદત હોય છે. લૈંગિક પરપીડન (sexual sadism) વાળી વ્યક્તિ પોતાના લૈંગિક સાથીદારને શારીરિક કે માનસિક ઈજા પહોંચાડીને કે તેનું અપમાન કરીને લૈંગિક ઉત્તેજના પ્રાપ્ત કરે છે. મોટેભાગે તે પુરુષોમાં જોવા મળે છે. તેમાં તે અન્ય વ્યક્તિને બાંધે છે, મારે છે, બાળે છે, ચીરા પાડે છે, હથિયાર ભોંકે છે, બળાત્કાર કરે છે કે મારી નાંખે છે. લૈંગિક પીડાપ્રાપ્તન(sexual masochism) વાળી વ્યક્તિ પોતાને કરાતી પીડા કે અપમાનથી જાતીય ઉત્તેજના પ્રાપ્ત કરે છે. મોટાભાગની પીડાપ્રાપ્તક (masochist) વ્યક્તિઓ સ્ત્રીઓ હોય છે. તેઓ પરપીડનમાં થતી ક્રિયાઓ પોતાના પર થાય તેવી રીતે વર્તે છે. ઘણી વખત પરપીડન અને પીડાપ્રાપ્તન એક જ વ્યક્તિમાં હોય છે. જો તે સળંગ વિકારના રૂપે હોય તો તેને પરપીડન-પીડાપ્રાપ્તન (sadomasochism) કહે છે. આવી વૃત્તિ સતત અને તીવ્રતાવાળી હોય ત્યારે તેને વિકાર કહે છે.
અજાણી શંકારહિત વ્યક્તિ આગળ સતત કે વારંવાર પોતાનાં જનનાંગો દેખાડવાથી લૈંગિક ઉત્તેજના મેળવવામાં આવે તો તેને લૈંગિક પ્રદર્શિતા (exhibitionism) કહે છે અને અજાણી શંકારહિત વ્યક્તિ કપડાં બદલતી હોય, તેણે કપડાં કાઢી નાંખ્યા હોય કે તે લૈંગિક સંભોગ કરતી હોય એવું જોવાથી લૈંગિક ઉત્તેજના મેળવાતી હોય તો તેને વિદર્શિતા (voyeurism) કહે છે. બંને પરિસ્થિતિઓમાં સામાન્ય રીતે લૈંગિક ઉત્તેજના પ્રાપ્ત કરનાર પુરુષ હોય છે અને તે તે પછી હસ્તમૈથુન કરે છે. તેમાં ઉત્કામલેખન(pornography)નો સમાવેશ કરાતો નથી.
તેવી રીતે અજાણી, શંકારહિત અને લૈંગિક વ્યવહાર માટે સહમતિ ન આપી હોય એવી વ્યક્તિને સતત કે વારંવાર સ્પર્શ કરવાથી કે તેની સાથે ઘસાવાથી લૈંગિક ઉત્તેજના મેળવાતી હોય તો તેને લૈંગિક વિસ્પર્શિતા (frotteurism) કહે છે. સામાન્ય રીતે જાહેર પરિવહનની બસો જેવી ભીડવાળી જગ્યામાં તે કરાય છે. સામાન્ય રીતે તે તરુણાવસ્થાના છોકરાઓમાં જોવા મળે છે. 16 વર્ષથી વધુ વયની વ્યક્તિ કે જેણે સહન કરવાનું છે તેનાથી 5 વર્ષ વધુ ઉંમરની વ્યક્તિ દ્વારા કોઈ પણ લિંગના નાના બાળક સાથે સતત કે વારંવાર લૈંગિક ક્રિયા કરવાથી ઉત્તેજના મળે તેને બાળકામ (pedophilia) કહે છે. તેમાં ઘણી પરપીડનની ક્રિયા થાય છે. મોટેભાગે તે અગમ્યાગમ (incest) અને કુટુંબ બહારનું બાળક હોય છે. આ એક ઘણી વખત જોવા મળતો વિકાર છે. સતત, વારંવાર, પ્રસંગોપાત્ત કે સંયોગપ્રાપ્ત પ્રાણી સાથેના લૈંગિક વ્યવહારને પશુકામ (zoophilia અથવા bestiality) કહે છે. આ પ્રકારે ક્યારેક મૂત્ર વડે (મૂત્રકામ, urophilia), મળ વડે (વિષ્ટાકામ, coprophilia), બસ્તીક્રિયા વડે (બસ્તીકામ, Klismaphilia), મૃતદેહ સાથે (મૃતદેહકામ, necrophilia) વગેરે વિવિધ ક્રિયા કે નિર્જીવ પદાર્થ સાથે સંસર્ગથી લૈંગિક ઉત્તેજના થવાના વિકારો પણ થાય છે. આ વિકારોની મનોવિશ્લેષણ, વર્તનચિકિત્સા તથા ઔષધચિકિત્સાનો ઉપયોગ કરીને સારવાર કરાય છે. જ્યારે આવા વિકારો જોખમી આક્રમકતા કરે ત્યારે પ્રતિતીવ્ર-મનોવિકારનાં ઔષધો વપરાય છે. બેનપેરિડોલથી મર્યાદિત લાભ રહે છે. પ્રતિ-પુંલક્ષણી અંત:સ્રાવ (anti-androgen) ઔષધો વડે લૈંગિકતાની અધિકતા ઘટાડાય છે. તેમાં સાયપ્રોટેરોન અને મૅડ્રોક્સિપ્રોજેસ્ટીરોન ઉપયોગી છે. અતિતીવ્ર, સતત અને વારંવાર થતી જોખમી અને આક્રમક પારલૈંગિકતાના દર્દીમાં જનનગ્રંથિ-ઉચ્છેદન (castration) કે મગજના એમિગ્ડેલા નામના વિસ્તારને કાપી કાઢવાની શસ્ત્રક્રિયા કરવાનું પણ સૂચવાય છે.
(ઙ–8–ઈ) લૈંગિક દુષ્કાર્યશીલતા (sexual dysfunction) : કોઈ શારીરિક રોગ કે વિકારની ગેરહાજરીમાં લૈંગિક પ્રતિભાવ-ચક્ર (sexual response cycle)માં મહત્વનો વિક્ષેપ પડે ત્યારે તેને લૈંગિક દુષ્કાર્યશીલતા કહે છે. સામાન્ય લૈંગિક પ્રતિભાવ-ચક્રમાં 5 તબક્કા (સોપાનો) હોય છે. (1) લૈંગિક ક્ષુધાસોપાન (appetite phase), (ii) ઉત્તેજના સોપાન (excitement phase), (iii) સ્થિર મંચ-સોપાન (plateau phase), (iv) કામોત્તેજી સોપાન (orgasmic phase), તથા (iv) શમન-સોપાન (resolution phase). લૈંગિક પ્રતિભાવ-ચક્ર શરૂ થાય તે પહેલાં લૈંગિક ક્ષુધાસોપાનનો તબક્કો હોય છે. તેમાં લૈંગિક સ્વૈરવિહાર (sexual fantasies) તથા લૈંગિક ક્રિયાની ઇચ્છા ઉદભવે છે. શારીરિક ઉત્તેજના કે લૈંગિક ક્ષુધાસોપાનની સાથે સામાન્ય લૈંગિક પ્રતિભાવ-ચક્રનો ખરેખરો પ્રથમ તબક્કો-લૈંગિક ઉત્તેજનાસોપાન – શરૂ થાય છે, પુરુષોમાં શિશ્નોત્થાન (penile erection) થાય છે તથા શુક્રપિંડો (વૃષણ, testis) ઉપર સહેજ ચડે છે. સ્ત્રીઓમાં યોનિસ્રાવ થાય છે. તેથી યોનિમાર્ગ ચીકણો અને લીસો બને છે, સ્તનની ડીંટડી તથા સ્ત્રીશિશ્ન(clitoris)નું ઉત્થાન (erection) થાય છે તથા લઘુભગોષ્ઠ (labia minora) મોટા થાય છે. આ તબક્કો થોડીક મિનિટો કે વધુ સમય ચાલુ રહે છે. ત્યાર પછી ટૂંકા સમય માટે સ્થિરમંચ સોપાનનો તબક્કો આવે છે. તેમાં (અર્ધી મિનિટ કે થોડો વધુ સમય). સ્ત્રી અને પુરુષમાં સ્વાયત્ત ચેતાતંત્રીય અતિસક્રિયતા (hyperactivity) થઈ આવે છે તથા ક્યારેક લૈંગિક રતાશ (flash) થઈ આવે છે, પુરુષોમાં શિશ્નોત્થાન તથા શિશ્નરુધિરભારણ (eugongement of penis) પૂર્ણ કક્ષાએ પહોંચે છે. અને શિશ્નમુકુટ અથવા શિશ્નમુંડ (glans penis) પર એક-બે ટીપાં પ્રવાહીનાં આવે છે. સ્ત્રીઓમાં સ્ત્રીશિશ્ન તેના ચર્માવરણ (prepuce) નામના ચામડીના આવરણમાં પાછો છુપાય છે. યોનિ(vagina)નો નીચલો 2 ભાગ લંબાય છે અને ફૂલે છે. તે સમયે સ્તન તથા લઘુભગોષ્ઠ મોટાં થાય છે અને યોનિમાં પારસ્રાવ (transdate) અથવા પ્રવાહી ઝરે છે. ત્યારબાદ ચોથો અને મુખ્ય તબક્કો કામોત્તેજનાની પરાકાષ્ઠા(orgasm)નો આવે છે. તે સમય લૈંગિક તણાવ (sexual tension) મુક્ત થાય છે તથા શ્રોણીમાંનાં જનનાંગો તાલબદ્ધ સંકોચનો પામે છે. પુરુષોમાં 0.8 સેકન્ડે એકના દરે શિશ્નમાર્ગી મૂત્રાશયનલી (penile urethra), પુર:સ્થગ્રંથિ (prostate gland), વીર્યનલિકા (vas) તથા વીર્યસંગ્રહિકા(seminal vesicles)નાં 4થી 10 સંકોચનો થાય છે. વીર્યના બહિ:ક્ષેપની અનિવાર્યતા (ejaculatory inevitability) ઉદભવે તે પછી તરત પરાકાષ્ઠા આવે છે. વીર્યસ્રાવ 30થી 60 સેમી. જેટલી ધારાનો હોય છે. સ્ત્રીઓમાં યોનિનો નીચલો (1/3) ભાગ, ગર્ભાશય તથા ગર્ભાશયગ્રીવા દર 0.8 સેકન્ડે એક એમ 3થી 15 વખત સંકોચાય છે. સ્ત્રીશિશ્નમાં સંકોચનો થતાં નથી. સ્ત્રી અને પુરુષ બંનેમાં સ્વાયત્ત ચેતાતંત્રમાં ઉત્તેજના આવે છે. તેથી નાડી તથા શ્વસનદર બમણાં થાય છે અને લોહીનું દબાણ 10થી 40 મિમી. વધે છે. તે સમયે નલિકાઓના બાહ્ય અને આંતરિક ચક્રીય દ્વારરક્ષકો (sphincters) સંકોચાય છે. આશરે 3થી 15 સેકન્ડનો આ તબક્કો છે. છેલ્લો તબક્કો શમનસોપાન છે. સ્ત્રી અને પુરુષ બંનેમાં સ્નાયુશિથિલતા આવે છે અને કામોત્તેજનાની પરાકાષ્ઠા વખતે સભાનતાની જે થોડી ઊણપ થયેલી હોય છે તે ઘટી જાય છે. લૈંગિક રક્તિમા જતી રહે છે અને થોડો પરસેવો થાય છે. ધીમેધીમે રુધિરાભિસરણ સામાન્ય થઈ જાય છે. થોડી મિનિટોથી થોડાક કલાકો સુધી પુરુષ ફરીથી કામોત્તેજના મેળવી શકતો નથી, પરંતુ સ્ત્રીમાં આવો કોઈ સમયગાળો હોતો નથી, જે સમય દરમિયાન ફરીથી લૈંગિક ક્રિયા ન કરી શકાય તેને અપ્રતિભાવી કાળ (refractory period) કહે છે.
લૈંગિક પ્રતિભાવ-ચક્રના તબક્કાઓ પ્રમાણે તથા અન્ય કારક પરિબળોને આધારે લૈંગિક દુષ્કાર્યશીલતાને 5 જૂથમાં વહેંચવામાં આવે છે. (i) લૈંગિક ક્ષુધાસંબંધિત વિકારો, (ii) લૈંગિક ઉત્તેજના અને સ્થિરમંચસોપાનલક્ષી વિકારો, (iii) કામોત્તેજી પરાકાષ્ઠાલક્ષી વિકારો, (iv) લૈંગિક પીડાવિકારો તથા (v) શારીરિક પરિબળોની લૈંગિક ક્રિયાશીલતા પર થતી અસરને કારણે ઉદભવતા વિકારો. લૈંગિક ક્ષુધા ઓછી હોય તો તેને કારણે લૈંગિક પ્રતિભાવચક્રની શરૂઆત ઓછી રહે છે. પરંતુ તેઓ કામસુખ માણી શકે છે. સ્ત્રીઓમાં તે વધુ જોવા મળે છે અને તે ઉંમર સાથે વધે છે. તેને કામજડતા (frigidity) કહે છે. સગર્ભાવસ્થાનો ભય, ભૂતકાળના દુ:ખદ અનુભવો, લગ્નજીવનમાં વિસંવાદ તથા થાકને કારણે તે થાય છે. ક્યારેક દવાઓ તથા લાંબી માંદગી પછી પણ તેવું બને છે. ક્યારેક કામસુખ અંગેની બધી જ ક્રિયાનો મનોવિરોધ (aversion) થઈ આવે છે તો ક્યારેક કામસુખની ગેરહાજરીનો વિકાર થાય છે. તે બંનેને અનુક્રમે કામસુખલક્ષી મનોવિરોધ વિકાર (sexual aversion disorder) અને અકામસુખ વિકાર (lack of sexual enjoyment disorder) કહે છે. પ્રથમ વિકારમાં લૈંગિક ક્રિયાના વિચારથી ચિંતા ઉદભવે છે અથવા નકારાત્મક ભાવના થઈ આવે છે. બાળપણમાં કોઈ અઘટિત લૈંગિક બનાવ તેની પશ્ચાદભૂમિકા રૂપે હોય છે. ક્યારેક સામાજિક રૂઢિઓ પણ કારણરૂપ હોય છે. અકામસુખ વિકાર સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. જેમાં લૈંગિક પ્રતિભાવચક્રના બધા જ તબક્કાઓ સામાન્ય હોવા છતાં તે સમયે કોઈ વિશેષ સુખ પ્રાપ્ત થતું નથી. તેને લૈંગિક વિષણ્ણતા (sexual anhedonia) પણ કહે છે. લૈંગિક ક્ષુધાસંબંધિત ચોથો વિકાર છે અતિકામલક્ષી મન:પ્રચલન (excessive sexual drive)નો. પુરુષોમાં તેને સદોષ કામક્ષુધા (satyriasis) કહે છે. અને સ્ત્રીઓમાં તેને ભગોન્માદ (nymphomania) કહે છે. આવાં પુરુષ અને સ્ત્રીઓની કામભૂખ (લૈંગિક ક્ષુધા) ઘણી વધુ પડતી હોય છે.
કામોત્તેજના અને સ્થિરમંચીય સોપાનોમાં પુરુષોને અને સ્ત્રીઓમાં વિકારો ઉદભવે છે. પુરુષોમાં શિશ્નોત્થાન થવામાં તકલીફ પડે છે. તેને નપુંસકતા (impotence) કહે છે. તેને કારણે પૂરતો સમય ટકી રહે એવું શિશ્નોત્થાન થતું નથી અને તેથી લૈંગિક પ્રતિભાવચક્ર પૂરું થતું નથી અને અસંતોષ રહી જાય છે. તેનાં વિવિધ કારણો હોય છે. લૈંગિક ક્રિયાનું અજ્ઞાન, નિષ્ફળતાનો ભય અથવા પ્રકાર્યતા(performance)જન્ય ચિંતા, લૈંગિક સાથીદાર સાથે કુમેળ, મનોવિકારી ચિંતા, મનોદશાવિકાર, હસ્તમૈથુનીય ચિંતા, ભારતમાં ‘ધાતુ’ સંલક્ષણ, શારીરિક થાક, સગર્ભાવસ્થાનો ભય, ઈજા થવા કે કરવાનો ભય, એકાંતનો અભાવ, લગ્નજીવન બહારના સંબંધમાં પ્રતિબદ્ધતા(commitment)નો અભાવ, લઘુતાગ્રંથિ વગેરે વિવિધ માનસિક કારણો નપુંસકતા લાવે છે. તે ઉપરાંત કેટલાક શારીરિક રોગો પણ પુરુષને નપુંસક બનાવે છે. કેટલીક દવાઓને કારણે પણ નપુંસકતા આવે છે. સ્ત્રીઓમાં લૈંગિક ઉત્તેજનાનો અભાવ શારીરિક અથવા માનસિક કારણોસર હોય છે. ઋતુસ્રાવનિવૃત્તિ (menopouse) પછી યોનિસ્રાવ ઘટે છે ત્યારે તે થાય છે. તે મુખ્ય કારણ હોય છે. માનસિક કારણો ગૌણ હોય છે.
કામોત્તેજનાની પરાકાષ્ઠાના સોપાનના વિકારને અકામોત્તેજના (anorgasmia) કહે છે. સામાન્ય પ્રકારની કામોત્તેજના થાય તેમ છતાં તેની પરાકાષ્ઠા ન આવે અને વીર્યક્ષેપ ન થાય. કે મોડો થાય તેવું ભાગ્યે જ બને છે. તે મુખ્યત્વે દવાને કારણે કે પુર:સ્થગ્રંથિ પરની શસ્ત્રક્રિયા પછી અથવા લગ્નજીવનના સંઘર્ષને લીધે ઉદભવતી માનસિક તકલીફોને કારણે થાય છે. સ્ત્રીઓમાં આ વિકાર વધુ પ્રમાણમાં જોવા મળે છે. તે પ્રારંભિક કે આનુષંગિક વિકારના રૂપમાં હોય છે. તે અતિશય માનસિક ત્રાસ સર્જે છે. પરંતુ ભારતમાં સ્ત્રીઓ તેની સરળતાથી ફરિયાદ કરતી નથી. ક્યારે આ વિકારનું કારણ અલ્પગલગ્રંથિતા (hypothyroidism), કેટલીક દવાઓ તથા લગ્નજીવન સંબંધિત માનસિક વિકારો હોય છે. વધુ પ્રમાણમાં જોવા મળતી તકલીફ રૂપે વહેલો થઈ જતો વીર્યક્ષેપ જોવા મળે છે જેમાં તે પુરુષ કે સ્ત્રી તેમની કામોત્તેજના પરાકાષ્ઠા પર પહોંચે તે પહેલાં થાય છે. વધુ તીવ્ર વિકારમાં લૈંગિક ક્રિયા શરૂ કરતાં પહેલાં જ તે થઈ જાય છે. તેનું મુખ્ય કારણ પ્રકાર્યલક્ષી ચિંતા (performance anxiety) હોય છે.
વિવિધ દવાઓથી આ વિકારો થાય છે. મિથાયલડોપા, પ્રોપ્રેનોલોલ, સ્યારોનોલેકટોન, કોર્ટિકોસ્ટીરોઈડ્ઝ, ઇસ્ટ્રોજન, થિઓરિડેઝિન, ક્લોરપ્રોમેઝિન, અફીણજૂથ, કોકેઇન, ઇન્ડોમિથેસિન, L-ડોપા તથા બાર્બીચ્યુરેટ અને બેન્ઝોડાયાઝેપ્રિન્સની ભારે માત્રાને કારણે કામસુખની ઇચ્છા ઘટે છે. જોકે દારૂ બાબ્રીચ્યુરેટ્સ તથા બેન્ઝોડેપાઇન્સની ઓછી માત્રામાં કામસુખ-ઇચ્છા વધે છે. આ દવાઓ ઉપરાંત ક્લોનિડિન, થાયેઝાઇડ્ઝ, ગ્વાનેડિથિન, પ્રતિખિન્નતા ઔષધો, હેલોપેરિડોલ, લિથિયમમાં શિશ્નોત્થાન અસરગ્રસ્ત થાય છે. ટ્રેઝોડોન નામની દવાથી સતત અને પીડાકારક શિશ્નોત્થાન થાય છે. તેને સપીડ શિશ્નોત્થાન (priapism) કહે છે. મિથાયલડોપા, કલોનિડિન, સ્પાયરોનોલેક્ટોન, ગ્વાનેથિડિન, ડોર્ટિકોસ્ટીરોઇડ્ઝ, ઇસ્ટ્રોજન, પ્રતિખિન્નતા ઔષધો, બાર્બીચ્યુરેટ્સ, બેન્ઝોડાયાઝેપિન્સ, આલ્કોહોલ, અફીણજૂથ, કોકેઇન તથા એન્ટિકોલિનર્જિક દવાઓથી વીર્યક્ષેપ ઘટે છે. ગ્વાનેથિડિન, હેકઝામેથોનિયમ તથા થિઓરિડેઝિનને કારણે અવળે માર્ગે વીર્યક્ષેપ થઈને વીર્ય મૂત્રાશયમાં પ્રવેશે છે. થિઓરિડેઝિન અને ડાયસલ્ફીરામ નામની દવાઓથી વીર્યક્ષેપ મોડો થાય છે.
સપીડ શિશ્નોત્થાન, જન્મજાત કુરચનાઓ, પ્રોસ્ટેસ્ટ ગ્રંથિ પર શસ્ત્રક્રિયા, ગાલપચોળિયું, હાથીપગો, શુક્રપિંડ પાસે જલકોષ્ઠ (hydrocoele), મધુપ્રમેહ, શુક્રપિંડમાં ક્ષીણતા, ગલગ્રંથિ તથા પીયૂષિકા ગ્રંથિની દુષ્કાર્યશીલતા, કરોડરજ્જુના રોગો વગેરે વિવિધ શારીરિક રોગોમાં ક્યારેક શિશ્નોત્થાન અસરગ્રસ્ત થાય છે અને તેને કારણે નપુંસકતા ઉદભવે છે.
લૈંગિક દુષ્કાર્યશીલતા કરતા અન્ય વિકારોમાં દુર્યોનિતા (vaginisms) તથા સંભોગપીડ અથવા દુ:સંભોગ (dyspareumia)નો સમાવેશ થાય છે. શિશ્નપ્રવેશ પહેલાં યોનિનો નીચલો 1/3 ભાગ સતત સંકોચન પામે તો તેને દુર્યોનિતા કહે છે. સંભોગસમયે પુરુષ કે સ્ત્રીને જનનાંગમાં દુખાવો થાય તો તેને સંભોગપીડ કહે છે. આ બંને વિકારોનાં કારણોમાં શારીરિક અથવા માનસિક પરિબળોનો સમાવેશ થાય છે. લૈંગિક દુષ્કાર્યશીલતાની સારવારમાં સૌપ્રથમ શારીરિક અથવા માનસિક વિકાર હોય તો તેને શોધીને તેની સારવાર કરાય છે. આ ઉપરાંત મનોવિશ્લેષણ, સંમોહન, જૂથ મનશ્ચિકિત્સા, વર્તનચિકિત્સા, પતિપત્ની બંનેને સાથે અપાતી દ્વિલિંગી ચિકિત્સા (dual-sex therapy) વગેરેનો ઉપયોગ કરાય છે. માનસિક કે શારીરિક રોગની ઔષધીય સારવાર અપાય છે. ચિંતાનું શમન કરવા બેન્ઝોડાયાઝેપિન્સ, કાલપૂર્વ વીર્યક્ષેપ માટે વિવિધ પ્રકારનાં પ્રતિખિન્નતા ઔષધો, મોડેથી થતા વીર્યક્ષેપ માટે ક્લોમિપ્રેમિન, નપુંસકતાની સારવાર માટે યોહિમ્બિન, આઇડાઝોકસાન, નેકટ્રેકઝોન, બ્રોમોક્રિપ્ટન, એપોમોર્ફિન, પેન્ટોક્સિફાયલિનને મુખમાર્ગે તથા ગ્લિસરાયલ ટ્રાઇનાઇટ્રેટ, મિનોક્સિડિલ, પેપાવરિન, પ્રોસ્ટાગ્લેન્ડિનને સ્થાનિક દવાના રૂપે આપી શકાય છે. સિલ્ડેનેફિલ સાઇટ્રેટ નામની દવા અમેરિકામાં વાયગ્રાને નામે ઉપલબ્ધ છે. હાલ ભારતમાં પણ અન્ય નામો સાથે તે ઉપલબ્ધ થઈ છે. તેને મોં વાટે લેવાથી 30થી 120 મિનિટમાં તેનું લોહીમાંનું સ્તર સર્વોચ્ચ સપાટીએ પહોંચે છે. તેનો યકૃતમાં નાશ થાય છે. સામાન્ય રીતે તેને યોગ્ય માત્રામાં લૈંગિક ક્રિયાના 1 કલાક પહેલાં લેવાનું સૂચવાય છે. તેની મુખ્ય આડઅસરોમાં ટૂંકા સમય માટે થોડું માથું દુખવું, રક્તિમા (flushing), અજીર્ણ તથા નાકમાં રુધિરભારિતા (congestion) હોય છે. જેમને તેની એલર્જી હોય, હૃદયની નસોનો રોગ હોય, શિશ્નની કુરચના હોય, જેઓ નાઇટ્રેટ્સ લેતા હોય કે જેમને સપીડ શિશ્નોત્થાન કરે તેવા રોગો હોય તેમણે તેના ઉપયોગ વખતે સાવચેતી રાખવી જરૂરી ગણાય છે. દર્દીને અંત:સ્રાવનો કોઈ વિકાર હોય તો તેની સારવાર કરાય છે. ક્યારેક શિશ્નમાંની વાહિનીવિવરકાય-(corpora cavernosa)માં પેપાવેરિન નામની દવાનું ઇન્જેકશન અપાય છે. ક્યારેક તેની સાથે ફેન્ટોલેમાઇન, ફિનોક્સિબેન્ઝામિન, એટ્રોપિન કે પ્રોસ્ટાગ્લેન્ડિન પણ અપાય છે. તેની મદદથી નપુંસકતાનું કારણ જાણવામાં પણ મદદ રહે છે, આ ઉપરાંત યાંત્રિક સંરચનાઓ પણ ઉપલબ્ધ હોય છે, જેની મદદથી શિશ્નમાં કંપન કે શિશ્નને મોટું કરી શકાય છે. તેમનો ઉપયોગ મધુપ્રમેહ જેવા શારીરિક રોગોમાં નપુંસકતા આવે ત્યારે થાય છે. માનસિક વિકારથી થતી નપુંસકતામાં તેનો ખાસ ઉપયોગ નથી.
(ઙ–9) નિદ્રા અને નિદ્રાલક્ષી વિકારો : દિવસનો લગભગ ત્રીજો ભાગ આપણે ઊંઘમાં વિતાવીએ છીએ. ઊંઘને ત્વરિત નેત્રચલન (ત્વનેચ અથવા rapid eye movement, REM) અને અત્વરિત નેત્રચલન (અત્વનેચ અથવા non-REM) એમ બે મુખ્ય ફલકોમાં વિભાજિત કરાય છે. અત્વનેચ નિદ્રામાં 4 તબક્કા છે (જુઓ નિદ્રા. વિ. કો. 10) નિદ્રાવિકારોને 2 જૂથમાં વહેંચવામાં આવ્યા છે. (અ) દુર્નિદ્રા (dyssomias) અને (આ) પરાનિદ્રાઓ (parasomnias).
(ઙ–9–અ) દુર્નિદ્રાઓ : અનિદ્રા (insomia), અતિનિદ્રા (hypersommia) તથા નિદ્રાજાગૃતિના ક્રમમાં વિકાર એમ ત્રણ પ્રકારના વિકારોને દુર્નિદ્રાના જૂથમાં સમાવાય છે. જ્યારે ચોથા તબક્કાનો વિકાર અને અન્ય વિકારોને પરાનિદ્રામાં સમાવાય છે. ઊંઘની ગુણવત્તા તથા તેના સમયગાળાની લંબાઈ અને વહેલા-મોડાપણું વગેરેથી ઉદભવતા વિકારોને દુર્નિદ્રામાં સમાવાય છે. અનિદ્રાના વિકારમાં મોડે સુધી ઊંઘ ન આવે, વહેલા ઊઠી જવાય, ત્રુટક ત્રુટક ઊંઘ આવે કે ઊંઘ્યા પછી પણ વ્યક્તિને પૂરી ઊંઘ મળ્યાનો સંતોષ ન હોય એવું બને છે. અનિદ્રાનાં શારીરિક અને માનસિક કારણો હોય છે. દુખાવો, હૃદયરોગ, શ્વાસનો રોગ, વૃદ્ધાવસ્થા, સન્નિપાત તથા ઊંઘમાં થતા હલનચલનને કારણે અનિદ્રા થાય છે. દારૂ તથા અન્ય નશાકારક દવાઓની વંચિતતા, તેમનો દીર્ઘકાલીન કુપ્રયોગ કે અન્ય દવાઓ સાથેનો સહપ્રયોગ ક્યારેક અનિદ્રા લાવે છે. માનસિક ઉન્માદ, મહત્તમ ખિન્નતા, દુર્મન:સ્થિતિ (dysthymia), મનોવિકારી ચિંતા તથા તણાવયુક્ત જીવનશૈલી માનસિક વિકાર રૂપે અનિદ્રા સર્જે છે. ક્યારેક તેનું કારણ જાણી શકાતું નથી. અનિદ્રાની સારવાર માટે જુઓ ‘નિદ્રા’ (વિ. કો. 10). અતિનિદ્રા મુખ્યત્વે શારીરિક રોગોમાં થાય છે. માનસિક વિકાર રૂપે ક્યારેક દુર્મન:સ્થિતિ, અનાદર્શખિન્નતા (atypical depression) તથા વિમુખતાલક્ષી અથવા પરિવર્જનલક્ષી પ્રતિભાવ (avoidance reaction) રૂપે થાય છે. સારવારમાં મૂળ શારીરિક કે માનસિક વિકાર તરફ ધ્યાન અપાય છે. જો કોઈ દવાને કારણે વધુ પડતી ઊંઘ હોય તો તેને દૂર કરાય છે. દિવસે વધુ પડતી ઊંઘ હોય અને રાત્રે ઉજાગરો રહેતો હોય તો રાત્રે બેન્ઝોડાયાઝેપિન્સ આપવાથી ફાયદો રહે છે.
(ઙ–9–આ) પરાનિદ્રાઓ : ઊંઘમાં ક્યારેક થઈ આવતી દુષ્કાર્યશીલતા કે પ્રસંગોને પરાનિદ્રા કહે છે. નિદ્રાચલન (somnambulism) નામના વિકારમાં દર્દી રાત્રે ‘અત્વનેચ’ નિદ્રાના ચોથા તબક્કામાં સ્વાયત્ત હલનચલન કરે છે. અને ક્યારેક પથારીમાંથી નીકળીને ચાલવા માંડે છે. ક્યારેક ઘરની બહાર પણ જતો રહે છે. કેટલાક દર્દીઓ રાત્રે ઊંઘમાં ભયભીત થઈ જાય છે અને ચીસ પાડી ઊઠે છે, તેને નિદ્રાભય (sleep terror) અથવા નિશાભય (night terror) કહે છે. કેટલાકને રાત્રે ઊંઘમાં પેશાબ થઈ જાય છે તો કેટલાક દાંત કચકચાવે છે. તેવી રીતે કેટલાક રાત્રે ઊંઘમાં બબડે છે. તેને નિદ્રાવાણી (somniloquy) કહે છે, આવા વિકારો ઘણી વખતે સાથે સાથે પણ હોય છે. તે વખતે દર્દીને જગાડવો મુશ્કેલ હોય છે અને જાગે ત્યારે તેને કશું યાદ હોતું નથી. રાત્રી દુ:સ્વપ્ન (nightmare) ત્વનેચ નિદ્રામાં થાય છે. તેમને નિદ્રાભય કે નિશાભય (કે જે ચોથા તબક્કામાં થાય છે) તેનાથી અલગ પડાય છે. કેટલાક શારીરિક રોગો કે વિકારો ફક્ત રાત્રે પણ થાય છે, જેમ કે દમ, હૃદય-પીડ (angina), આંચકી, રક્તકોષવિલયન (haemolysis), પારિવારિક લકવો વગેરે. આ વિકારોની કોઈ વિશિષ્ટ સારવાર ઉપલબ્ધ નથી. બેન્ઝોડાઝેપિન્સ આપવાથી ‘ત્વનેચ’ નિદ્રા (REM sleep) ઘટે છે અને તેથી દુ:સ્વપ્નો ઘટે છે, જોકે દવા બંધ કરવાથી તે ફરીથી થઈ આવે છે.
(ઙ–10) મનોલક્ષી અને દેહવિકારજન્ય વર્તનવિકારો : તેમાં (અ) આહાર વિકારો, (આ) સૂતિકાકાલનો માનસિક વિકાર, (ઇ) મનોદૈહી વિકારો (psychosomatic disorders) વગેરેનો સમાવેશ થાય છે. તે ઉપરાંત પ્રકીર્ણ વિકારોરૂપે નિદ્રાલક્ષી વિકારો તથા મનોલૈંગિક વિકારોનો પણ અહીં સમાવેશ કરાય છે.
(ઙ–10–અ) આહારી વિકારો (eating disorders) : તેમાં કાં તો વધુ પડતો અથવા નહિવત્ આહાર લેવાની સ્થિતિને આવરી લેવાય છે. મનોવિકારને કારણે થતી અરુચિ (ભૂખ મરી જવી)ને મનોવિકારી અરુચિ (anorexia nervosa) કહે છે. (જુઓ, અરુચિ મનોવિકારી, ગુ. વિ. ગ્રં 1) તેનાથી વિપરીત વધુ પડતું ખાવાનો મનોવિકાર થાય તો તેને મનોવિકારી અતિઆહાર (bulimia nervosa) કહે છે. તરુણાવસ્થામાં દેહાકૃતિની માનસિક છાપ ગુમાવતાં બાળકો વધુ પડતું ખાય છે. વધુ આહારની અસર ઘટાડવા તેઓ જાતે ઊલટી કરે છે, જુલાબ લે છે, ભૂખમરો પણ કરે છે. તેમને કોઈ શારીરિક કે અન્ય પ્રકારનો માનસિક રોગ હોતો નથી. વર્તનચિકિત્સા, વ્યક્તિગત મનશ્ચિકિત્સા, ઇમિપ્રેમિન કે ફલ્યુઓઝેટિન વડે કરાતી ઔષધચિકિત્સા તથા જરૂર હોય તે કિસ્સામાં જૂથલક્ષી કે પારિવારિક મનશ્ચિકિત્સા અપાય છે. અન્ય પાચનતંત્ર અને પોષણને લગતા માનસિક વિકારોમાં મેદસ્વિતા (obesity) અને માનસિક કારણજન્ય વમન(ઊલટી, vomiting)નો સમાવેશ થાય છે. વિવિધ માનસિક વિકારોમાં ઊલટી થાય છે. ક્યારેક તે જાતે સર્જેલી હોય છે. યોગ્ય મનશ્ચિકિત્સા વડે તેની સારવાર કરાય છે.
(ઙ–10–આ) સગર્ભાવસ્થા અને સૂતિકાકાલ(puerperium)ના વિકારો : તેમાં સ્ત્રીને ઘણો માનસિક તણાવ ઉદભવે છે. શારીરિક ફેરફારો, નવી સર્જાયેલી માતૃત્વની ભૂમિકા, આંતરિક મનોલક્ષી સંઘર્ષો વગેરે વિવિધ કારણોસર માનસિક તણાવ થાય છે. તેથી સૂતિકાકાલમાં 25 %થી 50 % સ્ત્રીઓને મંદ પ્રકારનાં માનસિક લક્ષણો થઈ આવે છે, જેમકે થોડી ખિન્નતા અને થોડુંક ચીડિયાપણું. સામાન્ય રીતે તેની સારવારની જરૂર નથી હોતી. પરંતુ દર 1,000 સુવાવડોએ 2 જણને તીવ્રમનોવિકારી લક્ષણો થઈ આવે છે. તેને સૂતિકાકાલીન તીવ્રમનોવિકાર (postpartum psychosis) કહે છે, જે શિશુજન્મના ત્રીજાથી સાતમા દિવસે થઈ આવે છે અને તેની સૌથી વધુ તીવ્રતા 4 અઠવાડિયાં રહેતી હોય છે. સૂતિકાકાળ 6 અઠવાડિયાંનો ગણાય છે. માટે તે સમયગાળામાં થતા બધા જ માનસિક વિકારોને સૂતિકાકાલીન મનોવિકારો ગણાય છે. તેમાં મોટેભાગે ખિન્નતાના અધિપ્રસંગો (depressive episodes) જોવા મળે છે. ક્યારેક વિચ્છિન્નમનસ્કતા (schizophrenia) કે માનસિક ઉન્માદ અધિપ્રસંગ (maniac episode) થાય છે. જૂજ કિસ્સામાં સન્નિપાત થઈ આવે છે. વિકસિત દેશોમાં ખિન્નતાવિકાર વધુ જોવા મળે છે. જ્યારે ભારતમાં વિચ્છિન્નમનસ્કતાનો વિકાર વધુ થાય છે એવું મનાતું હતું. જો કે હાલ નોંધવામાં આવ્યું છે કે ભારતમાં પણ ખિન્નતાનો વિકાર વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેનાં કારણો જૈવિક અને મન:સામાજિક એમ બંને પ્રકારનાં હોય છે. સ્ટિરોઇડ અંત:સ્રાવોની વંચિતતા, નિદ્રાવિકાર તથા એમિનના ચયાપચયની વિષમતાઓ આ સમયે થાય છે. તે જૈવિક કારણોસર સૂતિકાકાલીન મનોવિકાર સર્જે છે. માતૃત્વની ભૂમિકા (maternal role) પારિવારિક અને લગ્નજીવનના કે આંતરિક મન:સંઘર્ષો મનોવૈજ્ઞાનિક રીતે આ વિકાર સર્જે છે. સારવારનું પરિણામ સારું રહે છે. જોકે 15 %થી 20 % દર્દીઓમાં બીજા સૂતિકાકાલમાં તે ફરી થઈ આવે છે. ફોલિક એસિડની ઊણપને કારણે તે લંબાઈ જાય છે અને તેથી દીર્ઘકાલી વિકાર પણ બને છે. ખિન્નતાવિકાર હોય તો પ્રતિખિન્નતા ઔષધો અને/અથવા વીજઆંચકીકારી ચિકિત્સા કરાય છે. માનસિકઉન્માદ હોય તો પ્રતિતીવ્ર મનોવિકારનાં ઔષધો અને/અથવા લિથિયમ વપરાય છે. વિચ્છિન્નમનસ્કતાના કિસ્સામાં પ્રતિતીવ્ર મનોવિકારી ઔષધો વપરાય છે. એક વખત તબિયત સુધરે એટલે શેષ રહેલા મનોવિકાર માટે મનશ્ચિકિત્સા વપરાય છે. લિથિયમ, પ્રતિતીવ્ર મનોવિકાર ઔષધો તથા પ્રતિખિન્નતા ઔષધો માતાના દૂધમાં પ્રવેશતાં હોવાથી તે નવજાતશિશુ માટે જોખમી રહે છે. માતાને પોતાના માનસિક વિકારની સૂઝ હોતી નથી અને તેનો પરિસ્થિતિ-અંદાજ (judgement) પણ ઓછો હોય છે. તેથી તે નવજાતશિશુની પૂરતી સંભાળ લઈ શકતી નથી. તેથી બાળકને સ્તન્યપાનને બદલે ઉપરથી દૂધ આપવું પડે છે. સ્તન્યસર્જન (lactation) ઘટાડવા માટે જરૂર પડે તે કિસ્સામાં સ્ટિલ્બેસ્ટિરોલ અને પાયરિડોક્સિન વડે સારવાર કરાય છે.
(ઙ–10–ઇ) મનોદેહલક્ષણી વિકારો (psychosomatic disorders) : શારીરિક રોગો કે જેમાં માનસિક પરિબળોને મહત્વનું સ્થાન અપાય છે તેમને આમાં આવરી લેવાય છે, જેમ કે દમ, વ્રણકારી સ્થિરાંત્રશોથ (ulcerative colitis), જઠરમાં કે પક્વાશયમાં ચાંદું, અતિગલગ્રંથિતા (hyperthyroidism), આમવાતી સંધિશોથ (rheumatoid arthritis), લોહીનું ઊંચું દબાણ વગેરે રોગોમાં મનોલક્ષી પરિબળો મહત્વનાં હોય છે. માનવ વ્યક્તિત્વને ‘અ’ અને ‘બ’ પ્રકારમાં વિભાજિત કરાયેલાં છે તેમાંથી અ પ્રકારનું વ્યક્તિત્વ હોય તો પણ હૃદયરોગ થવાની સંભાવના વધે છે. આ પ્રકારના વ્યક્તિત્વની મુખ્ય લાક્ષિકતાઓ છે અતિશય ઉતાવળિયો સ્વભાવ, અતિશય સ્પર્ધાત્મકતા અને વિદ્વૈષિતા (hostility). તેની સારવારમાં સ્નાયુશિથિલન, યોગક્રિયા, સ્વસંમોહન, દેહાતીત ધ્યાનાવસ્થા તથા જૈવપ્રતિપોષણ (biofeedback)ને સમાવવામાં આવે છે. આ ઉપરાંત વર્તનચિકિત્સા તથા વ્યક્તિગત અને સામૂહિક મનશ્ચિકિત્સા પણ ઉપયોગી રહે છે. [આ સમગ્ર માહિતીને વધુ વિશદ રૂપે ‘મનતન સંબંધ અને તેના વિકારો’ હેઠળ આવરી લેવાઈ છે.]
(ચ) બાળમનોવિજ્ઞાન અને માનસિક અલ્પવિકસન (mental retardation) : બાળકોની મનશ્ચિકિત્સાવિદ્યાના અભ્યાસમાં માનસિક અલ્પવિકસનને પણ આવરી લેવાય છે. તેમાં બુદ્ધિ તથા માનસિક વિકાસના માર્ગ પરના સામાન્ય સિદ્ધિસ્તંભો (mile-stone)ને આધારે બાળક કેટલું પાછળ પડી રહ્યું છે તેનો નિર્ણય કરાય છે. (જુઓ : માનસિક અલ્પવિકસન). બાળમનોવિજ્ઞાનના અભ્યાસમાં માનસિક અલ્પવિકસન ઉપરાંત તેના અન્ય માનસિક વિકાસના વિકારો, વર્તણૂંક-વિકારો, વાણી-વિકારો, ટેવજન્ય વિકારો વગેરે વિવિધ માનસિક વિકારોને આવરી લેવાય છે. (જુઓ : બાળમનોવિજ્ઞાન)
(છ) મનોલક્ષી ઔષધવિદ્યા (psychopharmacology) : છેલ્લાં 50 વર્ષમાં મનોલિંગી ઔષધવિદ્યામાં ઘણો વિકાસ થયો છે અને તેથી મનોવિકારોની સારવારમાં મૂળભૂત ઘણો ફેરફાર આવેલો છે. તેને કારણે હાલ સંસ્થાગત સારવારને બદલે દર્દીને તેના ઘરમાં રાખીને સારવાર કરાતી થઈ છે. આયુર્વેદમાં ધતૂરા અને સર્પગંધાને ઘી સાથે આપીને કેટલાક મનોવિકારોની સારવાર થતી. સન 1853માં બ્રોમાઇડ નિદ્રાકારક ઔષધ તરીકે વપરાતું થતું. માનસિક ઉન્માદની સારવારમાં ક્લોરલ હાઇડ્રેટનો ઉપયોગ 1869થી શરૂ થયો તથા સન 1875માં ફ્રૉઇડે કોકેન વાપર્યું. 1882માં પેરાલ્ડીહાઇડને નિદ્રાપ્રેરક ઔષધ તરીકે વપરાતું હતું. 1883માં ફિનોથાયેઝાઇન્સ તથા 1903માં બાર્બાચ્યુરેટ્સ વપરાશમાં આવ્યાં. 1949માં લિથિયમ અને 1950માં ક્લોરપ્રોમેઝિન ઉપલબ્ધ થયાં. 1951થી પ્રતિખિન્નતા ઔષધો વપરાશમાં આવ્યાં જ્યારે હેલોપેરિડોલ 1958માં, ક્લોરડાયાઝેપોક્સાઇડ 1966માં, પિમોઝાઈન 1968માં, કાર્બોમેઝેપિન 1974માં, બુસ્પિરોન 1986માં તથા ક્લોઝાપિન 1990માં ઉપલબ્ધ થયાં.
મનોલક્ષી ઔષધોને મુખ્ય 5 જૂથોમાં વર્ગીકૃત કરાય છે. (1) પ્રતિતીવ્ર મનોવિકારલક્ષી ઔષધો (antipsychotic drugs), (2) પ્રતિખિન્નતા ઔષધો, (3) લિધિયમ તથા અન્ય મનોદશા સ્થાપિત કરતાં ઔષધો તથા (4) ચિંતાશામકો અને (5) ઘેન-નિદ્રાપ્રેરકો (hypnosedatives). આ ઉપરાંત આંચકીરોધકો (anti-epileptics), મદ્યાસકિત અને મદ્યાવલંબનલક્ષી ઔષધો, પાર્કિન્સનના રોગવિરોધી ઔષધો તથા કેટલાંક પ્રકીર્ણ ઔષધોના જૂથમાં આહારવિકારનાં ઔષધો, વ્યસનાસક્તિ ઘટાડતાં ઔષધો, બાળમનશ્ચિકિત્સામાં વપરાતાં ઔષધો, કેલ્શિયમ માર્ગરોધકો વગેરેનો સમાવેશ કરાય છે.
આદર્શ મન:પોષી ઔષધ(psychotropic drug)ના ગુણધર્મો વિચારી કાઢવામાં આવેલા છે. તે રોગને મૂળમાંથી મટાડી શકે અને થોડા સમયના વપરાશ પછી બંધ કરી શકાય તેવું હોવું જોઈએ. તે બધા જ દર્દીઓને લાભકારક હોય અને તેની ચિકિત્સીય માત્રામર્યાદા (therapeutic range)માં આડઅસર કે ઝેરી અસર ન હોવી જોઈએ. તેની અસર ઝડપથી શરૂ થવી જોઈએ. તે અવલંબન કે વ્યસનકારક ન હોવું જોઈએ તથા તેનો ઉપયોગ બંધ કરતાં, વંચિતતાનાં લક્ષણો ન થઈ આવવાં જોઈએ. તેના સતત વપરાશથી તેની અસર ઘટવી ન જોઈએ અને તેથી તે જરૂર પડે તો લાંબા સમય સુધી અસરકારક રહેવું જોઈએ. તેની અધિકમાત્રા મૃત્યુકારક ન હોવી જોઈએ તથા તે સંસ્થાગત કે બહારના દર્દીમાં વાપરી શકાય તેવું હોવું જોઈએ. આવું આદર્શ ઔષધ હાલ ઉપલબ્ધ નથી.
(છ–1) પ્રતિતીવ્ર મનોવિકારલક્ષી ઔષધો (antipsychotic drugs) : તેમને તીવ્રમનોવિકાર કે તેના જેવાં લક્ષણોમાં વપરાય છે. તેમને મહત્તમ પ્રશાંતકો (transquillizer), ચેતોત્તેજકો (neuroleptics), પ્રતિમનોવિચ્છિન્નતા ઔષધો અથવા D2–સ્વીકારક–અવરોધકો (ડોપામિન–સ્વીકારકના અવરોધકો) તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં વિવિધ જૂથોનો સમાવેશ થાય છે. ફિનોથાયેઝાઇન જૂથમાંની દવાઓ છે ક્લોરપ્રોમેઝિન, ટ્રાઇફલ્યુપ્રોમેઝિન, ટ્રાઇફલ્યુસેપરેઝિન, થિઓરિડેઝિન, પ્રોક્લોરપરેઝિન, ફલ્યુફીનાઝિન તથા થાયોપ્રોપેરાઝિન. થિઓઝન્થેન્સ જૂથમાં ક્લોરપ્રોઝેન, થિઓથિકક્ઝેન તથા ફલ્યુપેન્થીક્ઝોલનો સમાવેશ થાય છે. ત્રીજું જૂથ છે બ્યુટાયરોફિનોન્સ કે જેમાં હેલોપેરિડોલ અને ટ્રાયફલ્યુપેરિડોલનો સમાવેશ કરાય છે. ડાયફિનાયલ-બુટાયલપિપિરિડિન્સ જૂથની દવાઓ છે પિમોઝાઇડ અને પેનફલ્યુરિડોલ. મોલિન્ડોન ઇન્ડોલિક જૂથની દવા છે. જ્યારે ડોક્સાપિન ડાબેન્ઝોક્સાઝેપિન જૂથની દવા છે. સાતમા જૂથ તરીકે અનાદર્શ પ્રતિતીવ્રમનોવિકાર ઔષધોને સમાવિષ્ટ કરાય છે. તેમાં ક્લોઝાપિન, સલ્પિરાઇડ, રિસ્પેરિડોન વગેરે વિવિધ દવાઓનો સમાવેશ થાય છે. રેઝરપિનને એક અલગ દવા તરીકે આ વર્ગીકરણમાં સમાવાયી છે.
તેમનો ઉપયોગ સન્નિપાત (haloparidol), મનોભ્રંશ, ઔષધજન્ય તીવ્રમનોવિકાર તથા મગજની પેશીવિકૃતિજન્ય તીવ્રમનોવિકારમાં કરાય છે. આ ઉપરાંત તેનો વિચ્છિન્નમનસ્કતા, વિચ્છિન્ન મનસ્કભાવના વિકારો, તીવ્રમનોવિકાર, માનસિક ઉન્માદ મહત્તમ ખિન્નતા, દુર્માન્યતા(ભ્રાંતિ)જન્ય વિકારો તથા બાળકોમાં જોવા મળતા કેટલાક મનોવિકારોમાં પણ ઉપયોગ કરાય છે. ક્યારેક અતિતીવ્ર ચિંતાવિકાર, અદમ્ય પુનર્વર્તિતા, મનોવિકારી અરુચિ તથા કાલપૂર્વ વીર્યક્ષેપના જેવા સૌમ્ય મનોવિકારોમાં પણ તે વપરાય છે. તેનો વપરાશ સામાન્ય રીતે સુરક્ષિત ગણાય છે. પરંતુ તે ક્યારેક આડઅસરો કરે છે. મુખ્ય આડઅસરોમાં મોં સુકાવું, કબજિયાત, પેશાબનો અટકાવ, સન્નિપાત, ઊઠતાં-ઊભા થતાં લોહીનું દબાણ ઘટવું, નપુંસકતા, અપૂર્ણ વીર્યક્ષેપ, પાર્કિન્સનના રોગ જેવું કંપન, સ્નાયુસજ્જતાના વિકારો, આંચકી આવવી, ઘેન રહેવું, ખિન્નતા થઈ આવવી, વજન વધવું, સ્તનસ્રાવ (breast discharge), ઋતુસ્રાવ-સ્તંભન (amenorhoea), આંખના ર્દષ્ટિપટલનો વિકાર, સંસર્ગજન્ય ત્વચાશોથ (contact dermatitis) તથા પ્રકાશસંવેદિતાનો વિકાર, પિત્તરોધક કમળો, લોહીના શ્વેતકોષોનો ઘટાડો કે અચાનક મૃત્યુનો સમાવેશ થાય છે. તીવ્રમનોવિકારના દર્દીઓને નિયમિત દવા આપવી પણ મુશ્કેલ રહે છે. કેમકે તેઓ ઘણી વખત સહકાર આપતા નથી. વળી તેમને બંધ કરવાથી ઘણી વખત ઊથલો મારે છે. હાલ સૌથી વધુ વપરાશમાં જે દવાઓ છે તે છે ફલ્યુફિનેઝિન, હેલોપેરિડોલ, ફલ્યુપેન્થિક્ઝોલ, પેન્ફલ્યુરિડોલ અને પિમોઝાઇડ. અનાદર્શ પ્રતિતીવ્ર મનોવિકાર ઔષધો વાપરવાથી પાર્કિન્સનનાં લક્ષણો થતાં નથી. તેમાંની ક્લોઝાપિન સૌથી વધુ વપરાય છે. પરંતુ તે ક્યારેક શ્વેતકોષોની અલ્પતા અને આંચકીની આડઅસરો કરે છે.
(છ–2) પ્રતિખિન્નતા ઔષધો : તેમના વડે ખિન્નતા ઘટાડાય છે. તેમને મનોદશાવર્ધકો (mood-elevators) પણ કહે છે. આ જૂથનું સૌપ્રથમ ઔષધ ઇમિપ્રેમિન 1958માં શોધાયું હતું. તે વિવિધ પ્રકારના ખિન્નતાકારક કે ખિન્નતાલક્ષણી મનોવિકારમાં વપરાય છે. બાળકો માટે રાત્રે પથારીમાં પેશાબ કરી નાંખે તો તેની સારવારમાં પણ તે વપરાય છે. બાળકોના અન્ય વિવિધ વિકારોમાં પણ તે ઉપયોગી છે. જેમ કે અલગ પડી જવાનો ભય, નિશાભય (night terrors) વગેરે ભીતિવિકારો, અદમ્ય પુનર્વર્તિતાનો વિકાર, મોટી ઉંમરે જોવા મળતી આક્રમકતા, અતિભક્ષણનો વિકાર, સીમાવર્તી વ્યક્તિત્વવિકાર વગેરે વિવિધ અન્ય મનોવિકારી સ્થિતિઓમાં પણ તે વપરાય છે. તેમના અન્ય ઉપયોગોમાં ઈજા પછીના તણાવવિકાર, વ્યાપક ચિંતાવિકાર, નિકોટિનનું કે દારૂનું અવલંબન વગેરે વિવિધ વિકારોમાં પણ ઉપયોગી છે. દુખાવો તથા આધાશીશીની સારવારમાં તે ઉપયોગી છે. તેમને ચક્રીય પ્રતિખિન્નતા ઔષધો, સિરોટોનિન/નોરએપિનેફ્રિન સંબંધિત ખિન્નતારોધકોનાં જૂથ, અનાદર્શ પ્રતિખિન્નતાકારકો, મોનોએમાઇન ઑક્સિડેઝ અવદાબકો વગેરે વિવિધ જૂથોમાં વર્ગીકૃત કરાય છે. એક, દ્વિ, ત્રિ અને ચતુ: ચક્રીય ખિન્નતારોધકોના જૂથમાં અનેક દવાઓ વપરાય છે. તેમાં ઇમિપ્રેમિન, એમિટ્રિપ્ટિલિન, ડોક્સેપિન, ક્લોમિપ્રેમિન, ડોથેપિન, નોર્ટિપ્ટિલિન, ડેસિપ્રેમિન વગેરે ઔષધો મુખ્ય વપરાશમાં છે. અન્ય જૂથમાંથી ફલ્યુક્ઝેટિન પણ વધુ વપરાશમાં છે. મોનોએમાઇન ઓક્સિેડેઝ (MAO) અવદાબકો અને ચક્રીય પ્રતિખિન્નતા ઔષધો જુદી-જુદી રીતે નોર-એપિનેફ્રિન અને સિરોટોનિનની તેમના સ્વીકારક પર અસર વધારે છે. MAO અવદાબકો 5થી 10 દિવસમાં જ્યારે ત્રિચક્રીય ખિન્નતારોધકો 2 – 3 અઠવાડિયામાં પૂર્ણ અસર બતાવે છે. તેને કારણે પ્રતિખિન્નતા ઔષધોને જ્યારે જરૂર પડે ત્યારે આપવાની રીતે વપરાતા નથી. સંતોષકારક લાભ મળ્યા પછી તેમને 6થી 12 મહિના ચાલુ રખાય છે. તેમની મુખ્ય આડઅસરોમાં મોં સુકાવું, કબજિયાત, પેશાબમાં અટકાવ, સન્નિપાત, ઝામર, લોહીનું ઘટતું દબાણ, સપીડ શિશ્નોત્થાન (priapism), વીર્યક્ષેપમાં ઘટાડો કે વિલંબ, ઘેન, કંપન, વંચિતતા, આંચકી, તીવ્ર મનોવિકારની તીવ્રતામાં વધારો, માનસિક ઉન્માદ, હૃદયના ધબકારા વધવા, હૃદય-સ્નાયુનું અવદાબન, શ્વેતકોષોનો ઘટાડો, પિત્તરોધી કમળો, ચામડી પર સ્ફોટ, વજનવધારો, લોહીના દબાણમાં એકદમ વધારો, ખૂબ તાવ ચડવો, યકૃતમાં તીવ્ર કોશનાશ થવો વગેરે જોવા મળે છે. ત્રિચક્રીય ખિન્નતારોધકોની ઝેરી અસર થાય ત્યારે ઉશ્કેરાટ, સન્નિપાત, મળ-મૂત્રમાં અટકાવ, બેભાનાવસ્થા, શ્વસનનું અવદાબન, આંચકી, ખૂબ તાવ, હૃદયના અનિયમિત ધબકારા તથા મૃત્યુ થઈ આવે છે. તે સમયે જઠરને સાફ કરવું, ઊલટી કરાવવી, હૃદય-શ્વસન સહાય આપવી, લિગ્નોકેઇન વડે હૃદયના ધબકારા સમસ્થિતિ પર લાવવા, ફાયઝોસ્ટિગ્મિન આપવું વગેરે સારવારની વિવિધ પ્રક્રિયાઓ કરાય છે.
આશરે 35 % દર્દીઓમાં દવા નિષ્ફળ રહે છે. તેઓમાં બીજા પ્રકારનું પ્રતિખિન્નતા ઔષધ વપરાય છે. ક્યારેક તેમની પૂરી અસર થાય તે માટે રાહ જોવી પણ જરૂરી બને છે. જેઓમાં તે સદંતર નિષ્ફળ રહે છે તેઓમાં વીજ-આંચકીકારી ચિકિત્સા કરાય છે.
(છ–3) લિથિયમ તથા અન્ય મનોદશા(ભાવસ્થિતિ)ને સ્થાપિત કરતાં ઔષધો : મનોદશા-સ્થિરકારી (mood stabilising) ઔષધોમાં લિથિયમ, કાર્બામેઝેપિન, સોડિયમ વેલ્પ્રોએટ, ક્લોનાઝેપાન, ક્લોર્જિલિન અને થાયરૉક્સિન(અંત:સ્રાવ)નો સમાવેશ થાય છે. તેમાંનાં પ્રથમ 3 ઔષધોનો હાલ વ્યાપક ઉપયોગ થાય છે. સન 1949માં કેડે (Cade) લિથિયમનો માનસિક ઉન્માદની સારવારમાં ઉપયોગ દર્શાવ્યો, પણ તેના તરફ લોકોનું ખાસ ધ્યાન ન રહ્યું. સન 1957માં શો(Schou)એ ફરીથી તેને માનસિક ઉન્માદની સારવારમાં વાપરીને તેને પ્રચલિત કર્યું. સારવારમાંની સફળતાને કારણે ક્યારેક તેને પ્રતિ-ઉન્માદી (antimania) ઔષધ પણ કહે છે. પરંતુ તે મનોદશા અથવા ભાવસ્થિતિની દોલાયમાન સ્થિતિ(swings)ને અટકાવે છે માટે તેને મનોદશા-સ્થિરકારી ઔષધ કહે છે. ઉગ્ર માનસિક ઉન્માદની સારવારમાં તથા દ્વિધ્રુવી મનોદશાવિકારના પ્રતિરોધ-(prophylaxes)માં તેનો ઉપયોગ કરાય છે. પરંતુ ક્યારેક તેને વિચ્છિન્નમનસ્કતા-ભાવવિકાર(schizo-affective disorder)ની સારવારમાં, એકધ્રુવી મનોદશાના પ્રતિરોધમાં, ચક્રીય મન:સ્થિતિની સારવારમાં, ઉગ્ર ખિન્નતાની સારવારમાં, લાંબા સમયની મદ્યાસક્તિની સારવારમાં, મન:સક્રિય પદાર્થો(psycho-active substances)ના વ્યસનની સારવારમાં (દા.ત., કોકેન), આવેગાત્મક આક્રમકતાની સારવારમાં તથા કેટલીક શારીરિક તકલીફોની સારવારમાં પણ તેનો ઉપયોગ થાય છે. સારવાર દરમિયાન તેની રુધિર-સપાટી (blood level) વારંવાર માપવામાં આવે છે. જ્યારે તેને બંધ કરવામાં આવે છે ત્યારે તેની માત્રા ક્રમશ: ઘટાડાય છે. તેની આડઅસર રૂપે ધ્રુજારી, સ્નાયુમાં નિર્બળતા, ક્યારેક મંદ પ્રકારની સ્નાયુ-અક્કડતા, આંચકી, સંનિપાત, નાના મગજની વિષમતા, અનૈચ્છિક સંચલન; મૂત્રપિંડી વિષમતાઓ જેવી કે વધુ પેશાબ, વધુ તરસ, નેફ્રોટિક સંલક્ષણ વગેરે; પોટેશિયમ ઘટવાથી હૃદયના વીજાઘાતમાં ‘T’ તરંગનું ઘટવું; ઊબકા, ઊલટી, ઝાડા તથા પેટમાં દુખાવો વગેરે થાય છે. સગર્ભાવસ્થામાં લેવામાં આવે તો તે પછી જન્મેલા બાળકમાં ગર્ભપેશી અર્બુદ (teratoma) થાય છે, ક્યારેક હૃદયના જમણા ક્ષેપકમાંનો ત્રિદલ કપાટ (valve) નીચેની તરફ ખસેલો હોય છે અને વિકૃત બને છે. તે માતાના દૂધમાં પણ ઝરે છે અને તેથી નવજાત શિશુને નુકસાન કરી શકે છે. તેથી તેને હૃદય, મૂત્રપિંડ, ગલગ્રંથિ કે ચેતાતંત્રની દુષ્કાર્યશીલતા હોય તો વાપરવાનો નિષેધ છે. તેવી રીતે લોહીના કોષોની સંખ્યામાં વધઘટ હોય તેવા વિકારોમાં તથા સગર્ભાવસ્થાના પ્રથમ 3 મહિનામાં તે વપરાતું નથી. તેની સાથે થાયેઝાઇડ મૂત્રવર્ધકો, ટેટ્રાસાઇક્લિન અથવા નિશ્ચેતકો (anaesthetics) પણ વપરાતા નથી.
લિથિયમની માફક કાર્બામેઝેપિનનો ઉપયોગ પણ મનોદશા-સ્થિરકારી ઔષધ તરીકે થાય છે. તે મુખ્યત્વે આંચકી કરતાં અપસ્માર (epilepsy) કરતા રોગમાં વપરાય છે. તેને દ્વિધ્રુવી મનોદશાવિકાર, આવેગ-નિયંત્રણવિકાર, મનના ઉન્માદનો તીવ્ર મનોવિકાર, વિચ્છિન્નમનસ્કતા-ભાવવિકાર, સીમાવર્તી વ્યક્તિત્વવિકાર, કોકેઇન-વંચિતતાવિકાર જેવા વિવિધ માનસિક રોગોમાં પણ વપરાય છે. તેના અન્ય સારવારલક્ષી ઉપયોગોમાં કેટલાક પીડાકારક વિશિષ્ટ વિકારો તથા હૃદયના ધબકારાની અનિયમિતતાનો સમાવેશ થાય છે. તેને કારણે આડઅસર રૂપે ક્યારેક બેવડું દેખાવું, ઘેન ચડવું, અંધારાં આવવાં, ઊબકા-ઊલટી થવી, અસંતુલન થવું, ચામડી પર સ્ફોટ થવો, ઍલર્જીજન્ય સ્ટિવન-જૉનસન સંલક્ષણ થઈ આવવું, પ્રકાશ-અતિસંવેદિતા થવી, પિત્તરોધી કમળો થવો, મૂત્રપિંડનું કાર્ય એકદમ બંધ થવું, લોહીનું દબાણ વધવું, શ્વેતકોષો અને રુધિરગંઠકકોષો ઘટવા, ચામડીમાં રુધિરછાંટ (purpura) થઈ આવવી, અસ્થિમજ્જાનું કાર્ય ઘટી જવું કે રુધિરાભિસરણ ઘટી જવું જેવા વિવિધ વિકારોનો સમાવેશ થાય છે. જ્યારે લિથિયમ એકલી દવા રૂપે નિષ્ફળ જાય ત્યારે તેની સાથે કાર્બામેઝેપિન અપાય છે.
(છ–4) ચિંતાશામક (antianxiety) તથા ઘેન–નિદ્રા–પ્રેરક (hypnosedative) ઔષધો : તેમને પ્રશાંતકો (tranquillizers) પણ કહે છે. તેમાં બાર્બિચ્યુરેટ્સ, બેન્ઝોડાયાઝેપિન્સ તથા અન્ય ઔષધોનો સમાવેશ થાય છે (જુઓ પ્રશાંતકો). બસ્પિરોન નામની દવા બેન્ઝોડાયાઝેપિન્સ જૂથની નથી. તે એક અસરકારક ચિંતાશામક દવા છે. તે ઘેન કરતી નથી તેમજ સ્નાયુશિથિલતા કરતી નથી કે આંચકી અટકાવતી નથી. તેની અસર દેખાતાં 2 અઠવાડિયાં થાય છે. તેની મુખ્ય આડઅસરોમાં અંધારાં આવવાં, માથું દુખવું તથા પાતળા ઝાડા થવા તે છે. તેનાથી ઔષધ-અવલંબન પણ થતું નથી. ઝોલ્પિડેમ એક નિદ્રાપ્રેરક દવા છે. મોડેથી ઊંઘ આવતી હોય તો તે કામ આવે છે. તેને કારણે ઘેન, અંધારાં, માથાનો દુખાવો, ખિન્નતા, ઊબકા, સૂકું મોં, સ્નાયુપીડ તથા ઔષધ-અવલંબન થાય છે. તેને 2 અઠવાડિયાંથી વધુ સમય માટે અપાતી નથી. ઝોપિક્લોનની નામની દવા ગામા-એમીનો બૅનઝોઇક ઍસિડ(GABA)ના સ્વીકારકો પર કાર્ય કરે છે. તેની અસર ઝડપથી શરૂ થઈને ઝડપથી શમે છે. તેને કારણે આડઅસર રૂપે ક્યારેક કડવો સ્વાદ, સૂકું મોં, ઘેન, ઊબકા અને માથાનો દુખાવો થઈ આવે છે. તેને લીધા પછી સવારની જાગૃતિ અને સ્વસ્થતા વધુ જોવા મળે છે.
(જ) જૈવિક સારવાર–પદ્ધતિઓ (biological methods of treatment) : વિવિધ પ્રકારની ચિકિત્સા-પદ્ધતિઓનો તેમાં સમાવેશ થાય છે. પરંતુ હાલ (1) વીજ-આંચકીકારી સારવાર અને (2) મન:શસ્ત્રક્રિયા (psychosurgery) વપરાશમાં છે. 1785માં કેમ્ફરની મદદથી આંચકી લાવવાનો પ્રયોગ થતો. ત્યારબાદ બાર્બીચ્યુરેટથી બેભાનાવસ્થા કરવી તથા ઇન્સ્યુલિનથી બેભાનાવસ્થા કરવી જેવા ઉપચારો પણ ઉપયોગમાં આવ્યા હતા. હાલ તેમનો ખાસ કોઈ ઉપયોગ નથી.
(જ–1) વીજ–આંચકીકારી ચિકિત્સા (electroconvulsive therapy, ECT) : તેનો સફળ અને સુરક્ષિત ઉપયોગ સન 1938માં સેર્લેટી અને બિની(Cerletti and Bini)એ દર્શાવ્યો હતો. તેમણે ‘વીજાઘાત ચિકિત્સા’ (electroshock therapy) શબ્દ પ્રયોજ્યો હતો. પણ હાલ તેને ECTના નામે ઓળખવામાં આવે છે. 1970ના દાયકામાં અમેરિકામાં તેના પર નિયંત્રણ લાવતા કાયદા ઘડાયા. તેથી તેને વધુ સુરક્ષિત બનાવવાના પ્રયત્નો થયા. 1976માં અમેરિકાના મનોવૈજ્ઞાનિકોના સંઘે એક તપાસટુકડી રચીને તેની સુરક્ષિતતાની તપાસ કરી. તેણે તેના ઉપયોગ માટે માર્ગદર્શિકા બનાવી અને તેને એક સુરક્ષિત ઉપચારપદ્ધતિ જાહેર કરી. 1990માંની તેમની સમિતિએ તેના ઉપયોગ અંગે વધુ માર્ગદર્શિકા પ્રકાશિત કરી. તેમાં દર્દીની સહમતી તથા તબીબની તાલીમનો પણ સમાવેશ કર્યો છે. તેનો મુખ્ય ઉપયોગ તીવ્ર ખિન્નતા, અધ:સજ્જી અક્કડતા (catatonia) અને તીવ્ર મનોવિકારના દર્દીમાં થાય છે. જ્યારે આપઘાતનું જોખમ હોય, દર્દી ઘેન(stupor)માં હોય, તીવ્ર મનોવિકારનાં લક્ષણો હોય, દર્દીનાં ખોરાક-પાણી ઘટી ગયાં હોય, દવાઓની પૂરતી અસર ન થઈ હોય અને મટવાની ક્રિયા ઝડપી બનાવવાની જરૂર હોય ત્યારે ECT વપરાય છે. માનસિક ઉન્માદ કે વિચ્છિન્નમનસ્કતાના દર્દીઓમાં તેનો ઉપયોગ તો જ કરાય છે, જો ઉપર જણાવેલ સ્થિતિ ઉપસ્થિત થઈ હોય. અગાઉ દવાથી ફાયદો ન થયો હોય કે દર્દી પણ તે પ્રકારની સારવારને પસંદ કરે તો પણ ECT વાપરવાનો નિર્ણય કરાય છે. સન 1990ની સમિતિએ કેટલાક શારીરિક રોગોમાં પણ તેનો ઉપયોગ કરી શકાય તેવું સૂચવ્યું છે; જેવા કે મગજની પેશીવિકૃતિથી થતી મનોદશાનાં સંલક્ષણો, પેશીવિકૃતિજન્ય ભ્રમ, પેશીવિકૃતિજન્ય ભ્રાંતિ (દુર્માન્યતા), સંનિપાત, ઔષધની નિયંત્રણમાં ન આવતી આંચકી વગેરે.
ECT આપતા પહેલાં દર્દી કે તેના વાલીની માહિતીપૂર્ણ સહમતી (informed consent) મેળવાય છે. તેની શારીરિક અને માનસિક બાબતોની બધી વિગતો મેળવાય છે અને તપાસ કરાય છે. લોહીના કોષોની સંખ્યા, પેશાબનું પરીક્ષણ, હૃદયવીજાલેખ (ECG), છાતીનું તથા ખોપરીનું એક્સ-રે ચિત્રણ તથા અન્ય જરૂરી પરીક્ષણો કરી લેવાય છે. આંખની અંદર ઘુમ્મટનિરીક્ષા (fundoscopy) કરીને ખોપરીમાં દબાણ વધેલું નથી તેની ખાતરી કરી લેવાય છે. જો દર્દીની ખોપરીમાં દબાણ વધુ હોય તો ECT કરી શકાતું નથી. આ ઉપરાંત દર્દીને થોડા સમય પહેલાં હૃદયરોગનો હુમલો થયેલો હોય, લોહીનું ઊંચું દબાણ હોય, મગજમાં લોહીનું અભિસરણ વિષમ થયું હોય, લકવો કે તેવી સ્થિતિ થયેલી હોય, ર્દષ્ટિપટલ છૂટું પડી ગયેલું હોય કે દર્દીને ફિયોક્રોમોસાયટોમા નામનો રોગ થયેલો હોય તો ECT આપતા પહેલાં તેની સુરક્ષિતતા તપાસવી પડે છે અને તેથી ઘણી વખત તેના વડે સારવાર કરી શકાતી નથી. તેને માટે 2 પદ્ધતિઓ છે : સીધી અને આડકતરી. સીધી પદ્ધતિમાં સ્નાયુશિથિલક (muscle relaxant) અને નિશ્ચેતક (anaethetic) અપાતાં નથી. જ્યારે આડકતરી પદ્ધતિમાં તે અપાય છે. અન્ય પ્રક્રિયાઓ બંને પદ્ધતિમાં સમાન છે. સામાન્ય રીતે રાત્રિ દરમિયાન કશું પણ લીધા વગરના દર્દીને સવારે ECT અપાય છે. જો દિવસ દરમિયાન તે અપાય તો તેણે ઓછામાં ઓછા 4 કલાક માટે મોં વાટે કશું લીધેલું ન હોવું જરૂરી છે. પેશાબ કરાવીને તેનું મૂત્રાશય ખાલી કરાવાય છે. તેવી રીતે મોંમાંથી દાંતનું ચોકઠું, શરીર પરનાં ચુસ્ત કપડાં કે ઘરેણાં તથા તીક્ષ્ણ પદાર્થો દૂર કરાય છે. દર્દીને સખત અને વીજ-અવાહક પથારી પર સુવાડવામાં આવે છે. શસ્ત્રક્રિયા વખતે બેભાન કરતા પહેલાં જે સાવચેતી લેવાય છે કે રખાય છે તેનો અહીં પણ ઉપયોગ કરાય છે. જરૂર પડે તે કિસ્સામાં નસ દ્વારા ધીમેથી પ્રવાહી અપાય છે. દર્દીને ઍટ્રોપિનનું ઇન્જેક્શન આપ્યા પછી 30 મિનિટ પછી થાયોપેન્ટોન તથા સક્સિનાયકોલિનની મદદથી બેભાન કરીને તેના સ્નાયુઓ શિથિલ કરાય છે. 100 % ઑક્સિજનનું શ્વસન કરાવાય છે. સ્નાયુ-શિથિલન થાય એટલે મોંમાં દાંતની વચ્ચે પદાર્થ મૂકવામાં આવે છે જેથી સારવાર વખતે દાંત ભિડાઈ ન જાય. ત્યારબાદ U આકારનાં વીજાગ્રોને માથા પર મૂકીને એક બાજુથી કે બંને બાજુથી ECT અપાય છે. એક બાજુથી અપાતી સારવારની એકપાર્શ્ર્વી (unilateral) પદ્ધતિ કહે છે. તે દ્વિપાર્શ્ર્વી (bilateral) સારવાર કરતાં વધુ સુરક્ષિત હોય છે. એક સહાયક દર્દીના પગને ઢીંચણથી અને બીજો સહાયક દર્દીના ખભાને પકડે છે. વીજઆંચકી 28થી 30 સેકન્ડ સુધી ચાલે તો તે પૂરતી ગણાય છે. વીજપ્રવાહનાં વોલ્ટેજ, મિલિઍમ્પિયર અને સમયગાળાનાં પ્રમાણો અંગે સ્પષ્ટ નિર્દેશો ઉપલબ્ધ છે. આંચકી પતે એટલે મોંમાંનો દંડ દૂર કરાય છે, મોંમાંના પ્રવાહીને સાફ કરાય છે અને દર્દીને ઑક્સિજન અપાય છે. દર્દીને એક પડખે ફેરવી દેવાય છે. દર્દી ભાનમાં આવે તે પછી ½ થી 1 કલાક માટે તેને આરામ અપાય છે. સામાન્ય રીતે 6થી 10 વખત સારવાર આપવી પડે છે. પરંતુ કેટલાક કિસ્સામાં તે 15 વખત થઈ જાય છે. તે ખિન્નતાની સારવારમાં અસરકારક છે. પરંતુ જેવી સારવાર પતે એટલે તેની અસર પણ ઘટે છે. તેથી દર્દીને આ સારવાર દરમિયાન તથા પાછળથી પણ પ્રતિખિન્નતા ઔષધો અપાય છે. વીજ-આંચકી સારવાર કેવી રીતે કાર્ય કરે છે તે સ્પષ્ટ નથી. તેને માટે કેટલીક વિભાવનાઓ સૂચવાયેલી છે. તેની મુખ્ય આડઅસરોમાં મૃત્યુ, વિસ્મૃતિ તથા માનસિક ગૂંચવણ જોવા મળે છે. ક્યારેક માથું દુખવું, શ્વાસોચ્છવાસમાં તકલીફ, લાંબો સમય ચાલુ રહેતી આંચકી, હૃદયરુધિરાભિસરણની વિષમતા, માનસિક ઉન્માદ, સ્નાયુપીડ વગેરે થઈ આવે છે. તેનાથી મગજને કોઈ નુકસાન થતુ્ં નથી.
(જ–2) મન:શસ્ત્રક્રિયા (psychosurger) : તે એક બીજી મહત્વની જૈવિક ચિકિત્સા છે. તેને મુખ્યત્વે દીર્ઘકાલીન, તીવ્રખિન્નતાના દર્દીમાં કે જેમનામાં અન્ય સારવાર-પદ્ધતિઓ નિષ્ફળ ગઈ છે તેમાં વપરાય છે. આ ઉપરાંત દીર્ઘકાલીન તીવ્ર અદમ્ય પુનર્વર્તિતાવિકાર, દીર્ઘકાલીન તીવ્ર ચિંતાવિકાર, વિચ્છિન્નમનસ્કતા, તીવ્ર પ્રકારની મનોવિકારી આક્રમકતાવાળા દર્દીઓમાં પણ તે ઉપયોગી છે. (જુઓ મન:શસ્ત્રક્રિયા).
(ઝ) મનશ્ચિકિત્સા (psychotherapy) અને મનોવિશ્લેષણ (psychoanalysis) : માનસિક સંઘર્ષોના મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતવૃત્તને આધારે મન અને વ્યક્તિત્વના વિકાસ, આંતરમનની પ્રક્રિયાઓનો અભ્યાસ અને તેના ચિકિત્સીય ઉપયોગને મનોવિશ્લેષણ કહે છે. (જુઓ મનોવિશ્લેષણ). વિવિધ પ્રકારની મનશ્ચિકિત્સાપદ્ધતિઓ વિકસેલી છે. તેમાં મનોવિશ્લેષણ, મનોવિશ્લેષણાત્મક મનશ્ચિકિત્સા, સંમોહન, જૂથચિકિત્સા, બોધાત્મક ચિકિત્સા, અભિસંધાનીય (condition) ચિકિત્સા, મનોનાટ્ય વગેરે વિવિધ પદ્ધતિઓનો સમાવેશ થાય છે. (જુઓ મનશ્ચિકિત્સા તથા મનોનાટ્ય).
(ટ) સંકટકાલીન મનશ્ચિકિત્સાવિદ્યા (emergency psychiatry) : અણધારી પરિસ્થિતિઓના સંભવને કારણે તત્કાલીન ઉપચારાત્મક ક્રિયાની જરૂર પડે તેવી સ્થિતિને સંકટકાલ (emergency) કહે છે. દર્દીને અતિશય શારીરિક કષ્ટ પડે કે મૃત્યુ થવાની સંભાવના ઉદભવે તેને આયુર્વિજ્ઞાનીય સંકટ (medical emergency) કહે છે. તેવી રીતે વિચારમનોદશા (ભાવસ્થિતિ) અને/અથવા માનસિક ક્રિયાની એવી વિષમતા કે જે વ્યક્તિને અચાનક અતિશય માનસિક ત્રાસ અથવા માનસિક દુર્બળતા લાવે તેને મનશ્ચિકિત્સીય સંકટ (psychiatric emergency) કહે છે. મુખ્ય મનશ્ચિકિત્સીય સંકટોમાં આપઘાત, ઘેન અને અધ:સજ્જીઅક્કડતા (catatonic) સંલક્ષણ તથા અતિ ઉશ્કેરાટપૂર્ણ વર્તન અને હિંસા (violence) ગણાય છે. ખિન્નતા, મદ્યાસક્તિ અને ઔષધીય અવલંબન તથા વિચ્છિન્નમનસ્કતાના દર્દીઓમાં આપઘાતની સંભાવના વધે છે. તેથી આપઘાતની ધમકી, દેખાવ કે પ્રયત્નને મહત્વ આપીને સારવાર આપવામાં આવે છે. અન્ય મનશ્ચિકિત્સીય સારવાર ઉપરાંત ECT વડે પણ સારવાર કરવામાં આવે છે. વિવિધ ચેતાતંત્રના અને ચયાપચયના વિકારો ઉપરાંત દવાઓ અને ઝેરની અસરને કારણે તેમજ માનસિક વિકારોને કારણે ઘેન અને અધ:સજ્જી અક્કડતા(stupor and catatonia)નો વિકાર થાય છે. જે તે કારણ પ્રમાણે તેની સારવાર થાય છે. દર્દી સભાન પણ મૂંગો (mute) થયેલો હોય છે. તે કાં તો અતિશય શાંત કે ઉશ્કેરાયેલો હોય છે. દર્દીનાં શ્વસન અને રુધિરાભિસરણ બરાબર ચાલે તે માટેની શારીરિક સારવાર અપાય છે. ક્ષાર-પાણીને નસ વાટે આપીને ક્ષાર કે પાણીની ઊણપના વિકારોની સારવાર કરાય છે. લોહીમાં ગ્લુકોઝ ઘટેલો હોય તો તે નસ વાટે અપાય છે. મૉર્ફીનની ઝેરી અસર હોય તો નેલોક્ઝોન ઉપયોગી છે. તેવી રીતે પ્રતિકોલિનર્જિક દ્રવ્યની ઝેરી અસરમાં ફાયઝોસ્ટિગ્મિન વપરાય છે. વર્નિકની મસ્તિષ્કરુજા (encephalopathy) થયેલી હોય તો થાયામિન નામનું વિટામીન ઉપયોગી છે. ગલગ્રંથિની અલ્પસ્રાવતાથી થતી બેભાનાવસ્થામાં થાયરૉક્સિન અપાય છે, અધિવૃક્કગ્રંથિની અલ્પકાર્યતામાં હાઇડ્રોકૉર્ટિસોન અપાય છે તથા બેન્ઝોડાયાઝેપિન્સની અતિમાત્રા અપાયેલી હોય તો ફ્લુમાઝેનિલ ઉપયોગી રહે છે. ઉશ્કેરાટપૂર્ણ અને હિંસક વર્તનનાં કારણોમાં મુખ્ય છે માનસિક ઉન્માદ, ખિન્નતા, ઉગ્ર તણાવજન્ય સંલક્ષણ, ભીતિવિકાર, આવેગજન્ય હિંસક વર્તન, પ્રતિક્રિયાત્મક તીવ્ર મનોવિકાર વગેરે. આ ઉપરાંત તે સંનિપાત કે મનોભ્રંશના દર્દીઓમાં અને વિચ્છિન્નમનસ્કતામાં પણ જોવા મળે છે. સારવારમાં ધૈર્યપ્રદાન (reassurance), પ્રશાંતકો કે નિદ્રાપ્રેરકોનો ઉપયોગ અને બધું જ નિષ્ફળ જાય તો છેવટે બંધક અવસ્થા(restraint)નો ઉપયોગ કરાય છે. અન્ય મનશ્ચિકિત્સીય સંકટ-અવસ્થાઓમાં તીવ્ર ખિન્નતા, અતિશ્વસન સંલક્ષણ, દવાઓની ઝેરી અસર, અનિદ્રા, ધ્યાનાકર્ષણી વિકાર, મનોવિકારી અરુચિ, બાલતાડન સંલક્ષણ (battered child syndrome), શોક (grief), મન:સામાજિક તકલીફો, ભીતિવિકાર અને ઉગ્ર તીવ્ર મનોવિકાર વગેરેનો સમાવેશ થાય છે.
(ઠ) ન્યાયલક્ષી મનશ્ચિકિત્સાવિદ્યા (forensic psychiatry) : ક્યારેક માનસિક વિકારની હાજરીમાં અહેતુક અવરોધ થાય છે. તેવી રીતે લગ્ન કે નાણાકીય વ્યવહારમાં પણ માનસિક સ્થિતિ ભાગ ભજવે છે. તેથી વ્યક્તિએ માનસિક વિકારની હાજરીમાં આદરેલાં ઘાતક અપરાધપૂર્ણ કે સામાજિક-આર્થિક કૃત્યોની જવાબદારી નિશ્ચિત કરવા માટે જે તે પ્રકારના અપરાધ અંગેના કાયદાઓમાં તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આવી રીતે સાક્ષી આપવી, સોગંદનામું કે વિલ તૈયાર કરવું, મિલકતોની ફેરબદલી કરવી કે કૉન્ટ્રાક્ટ કરવો જેવી વિવિધ બાબતોમાંના કાયદાઓમાં પણ માનસિક સ્થિતિ અંગે સ્પષ્ટ ઉલ્લેખ છે. ભારતમાં માનસિક રોગીઓને લગતા પણ કેટલાક કાયદા ઘડાયેલા છે : ઇન્ડિયન લ્યુનેસી ઍક્ટ, 1912 તથા ધ મેન્ટલ હેલ્થ ઍક્ટ, 1987. માનસિક સ્વાસ્થ્ય કાયદો(1987)માં 10 પ્રકરણો છે. તેમાં માનસિક રીતે માંદી વ્યક્તિની વ્યાખ્યા કરેલી છે. તેવી જ રીતે મનશ્ચિકિત્સાલય(psychiatric hospital)ની પણ વ્યાખ્યા કરેલી છે. માનસિક રોગીની હૉસ્પિટલ(mental hospital)ને સ્થાને હવે આ નવો શબ્દ પ્રચલિત કરાયેલ છે. આ કાયદામાં માનસિક સ્વાસ્થ્ય પ્રસ્થાપિત કરવાની નિયમાવલીઓ દર્શાવી છે. તે હૉસ્પિટલોમાં કોને કેવી રીતે પ્રવેશ અપાય તેની પણ સ્પષ્ટતા કરેલી છે. આવી હૉસ્પિટલોનાં નિરીક્ષણ, ખર્ચભારણ અને અનુદાન અંગે તથા તેને સંબંધિત માનવઅધિકાર અંગે પણ વિશદ છણાવટ કરાયેલી છે. તેમાં તેને લગતા ગુનાઓની શિક્ષા અંગે પણ ઉલ્લેખ છે.
અગાઉ અફીણ અંગેનો કાયદો 1857થી અમલમાં હતો, જે 1878 અને 1950માં સુધારાયો હતો. 1930માં જોખમી દવાઓનો એક બીજો કાયદો પસાર કરાયેલો છે. 1985માં નશાકારક દવાઓ અને મન:સક્રિય પદાર્થોનો કાયદો પસાર થયો અને તેણે અગાઉના બીજા બધા કાયદાઓનું સ્થાન લીધું છે. ભારતીય મનશ્ચિકિત્સક સંઘે 6 સિદ્ધાંતો અને 10 સૂચનોવાળી આચારસંહિતા બહાર પાડી છે, જેનો ભારતના મનશ્ચિકિત્સકો અમલ કરે તેવી અપેક્ષા રખાય છે.
(ડ) સામુદાયિક મનશ્ચિકિત્સાવિદ્યા (community psychiatry) : પહેલાં માનસિક રોગોને પાપ કે જાદુગરીના ભાગ રૂપે જોવામાં આવતા હતા. મનોવિશ્લેષણના વિચારે તેને નવો વળાંક આપ્યો. વિવિધ પ્રકારની દવાઓની શોધ, વીજ-આંચકીકારી સારવાર અને મન:શસ્ત્રક્રિયાએ મનશ્ચિકિત્સાવિદ્યાને આધુનિક રૂપ આપ્યું. તેથી સામુદાયિક મનશ્ચિકિત્સા અભિયાન ઉદભવ્યું. ક્લિફર્ડ બીર્સે (Clifford Beers) 1968માં માનસિક સ્વાસ્થ્યની વાત પ્રચલિત કરી. ત્યારબાદ સંસ્થાગત અને અસંસ્થાગત સારવારના સમયપટ્ટાઓ આવ્યા. સામુદાયિક મનશ્ચિકિત્સાની મુખ્ય લાક્ષણિકતાઓમાં હાલ માનસિક સ્વાસ્થ્ય સહાય, મનશ્ચિકિત્સા, બહુવિદ્યાલક્ષી અભિગમ, સામુદાયિક પ્રયત્નો, પૂર્વનિવારણનું મહત્વ તથા હૉસ્પિટલમાં બિનજરૂરી સારવાર આપવાનો નિષેધ સમાવિષ્ટ છે. સન 1982થી ભારતમાં રાષ્ટ્રીય માનસિક આરોગ્યનો કાર્યક્રમ ચાલે છે. તેમાં માનસિક વિકારોનાં પૂર્વનિવારણ, સારવાર તથા પુનર્વાસનને આવરી લેવાયાં છે.
શિલીન નં. શુક્લ