મધ્ય આફ્રિકી પ્રજાસત્તાક : આફ્રિકા ખંડની મધ્યમાં આવેલો સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 2° 00´થી 10° 00´ ઉ. અ. અને 14° 00´થી 25° 00´ પૂ. રે. વચ્ચેનો 6,22,436 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દેશ બધી બાજુએ ભૂમિપ્રદેશોથી ઘેરાયેલો છે. તેની ઉત્તરે ચાડ, પૂર્વે સુદાન, દક્ષિણે ઝાયર અને કૉંગો તથા પશ્ચિમે કૅમરૂન દેશો આવેલા છે. બાંગુઈ તેનું પાટનગર છે.
ભૂપૃષ્ઠ–જળપરિવાહ : દેશનું મોટા ભાગનું ભૂપૃષ્ઠ ઉચ્ચપ્રદેશીય છે. સમુદ્રસપાટીથી તેની સરેરાશ ઊંચાઈ 600 મીટર, વધુમાં વધુ ઊંચાઈ 760 મીટર અને ઓછામાં ઓછી ઊંચાઈ 610 મીટર જેટલી છે. ઉત્તર તરફ સૌથી વધુ મહત્વ ધરાવતી ડારચાલા હારમાળા (Darchalla Range) આવેલી છે. તેનું સર્વોચ્ચ શિખર માઉન્ટ ટિંગા (1,348 મીટર) છે. તે સુદાન સાથે સીમા રચે છે. ઈશાનમાં બોંગોસનો મેદાની પ્રદેશ અને ઉચ્ચપ્રદેશ આવેલો છે. પૂર્વ અને અગ્નિ તરફ ટોન્ડુનો ઉચ્ચપ્રદેશ છે, જ્યારે મધ્યમાં ઉબાંગી ઉચ્ચપ્રદેશ આવેલો છે. આ ઉચ્ચપ્રદેશો રેતીખડકોથી બનેલા છે. વાયવ્યમાં આશરે 1,300 મીટર ઊંચાઈવાળી કારે પર્વતીય હારમાળા આવેલી છે. અહીં ગ્રૅનાઇટ ખડકો વધુ પ્રમાણમાં જોવા મળે છે. અગ્નિ તરફનો ઉચ્ચપ્રદેશ નદીઓથી કોતરાયેલો છે.
મધ્યભાગના જળવિભાજકમાંથી નીકળતી કેટલીક નદીઓ ઉત્તર તરફ વહીને શારી નદીને મળે છે, શારી નદી વધુ ઉત્તર તરફ જઈને ચાડ સરોવરમાં ઠલવાય છે; બીજી કેટલીક નદીઓ દક્ષિણ તરફ વહીને ઉબાંગીને અને ઉબાંગી કાગો નદીને મળે છે. ઉબાંગી અને બોમોઉ (Mbomou) નદીઓ ઝાયર સાથે સીમા બનાવે છે. આ ઉપરાંત સાંઘા અને કોટ્ટો નદીઓ પણ અહીં આવેલી છે.
આબોહવા : આ દેશમાં ઉત્તરના ભાગોમાં ઉપસહરા પ્રકારની અને દક્ષિણના ભાગોમાં વિષુવવૃત્તીય પ્રકારની આબોહવા પ્રવર્તે છે. દક્ષિણ ભાગમાં માર્ચથી નવેમ્બર દરમિયાન વાતાવરણમાં ભેજ વધુ રહેતો હોવાથી મોટેભાગે રોજ સાંજે ચાર વાગ્યા પછી ઉષ્ણતાનયનનો વરસાદ પડે છે. નૈર્ઋત્યના પવનો આ વરસાદનો પ્રારંભ કરે છે. ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદનું પ્રમાણ સારું રહે છે. ઉબાંગી નદીના ઉત્તર ભાગમાં 1,800 મિમી. જેટલો વરસાદ પડે છે, જ્યારે કારે પર્વતની હારમાળામાં 1,475 મિમી. જેટલો વરસાદ પડે છે. આ જ સમયગાળા દરમિયાન તાપમાનનો ગાળો 19°થી 30° સે. જેટલો રહે છે. દેશના ઉત્તર ભાગમાં ઑગસ્ટથી માર્ચ દરમિયાન હરમેટ્ટન તરીકે જાણીતા ઈશાની વ્યાપારી પવનો સૂકી ઋતુનો અનુભવ કરાવે છે. હવા તદ્દન સૂકી રહે છે અને દૈનિક તાપમાનનો ગાળો 18°થી 40° સે. જેટલો થઈ જાય છે. દિવસો ગરમ અને રાત્રિઓ પ્રમાણમાં ઠંડી રહે છે. કોઈક વાર રેતીના વંટોળ ઉત્પન્ન થાય છે. તેને કારણે સૂકું ધુમ્મસ જોવા મળે છે.
વનસ્પતિ–પ્રાણીજીવન : આ દેશનો મોટો ભાગ આફ્રિકાના સવાના ઘાસના પ્રદેશ તરીકે ઓળખાય છે. ઉત્તર તરફનો વિસ્તાર વૃક્ષવિહીન છે. દક્ષિણે વહેતી જળસભર નદીઓને કારણે ત્યાં 30,35,250 હેક્ટર ભૂમિમાં સદાહરિત જંગલોનો પ્રદેશ નિર્માણ પામ્યો છે. આ ગીચ જંગલો લોબાવે અને સાંઘાના વિસ્તારમાં આવેલાં છે. સૂકી ઋતુ દરમિયાન અહીંનાં જંગલોમાં દવ લાગ્યાનું પણ નોંધાયેલું છે. ગીચ જંગલોમાં ગોરીલા, ચિમ્પાન્ઝી અને વાનરોનું જ્યારે સવાના પ્રદેશમાં હરણ, જંગલી ભેસ, હાથી અને ગેંડાનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. વહેતી નદીઓમાં મત્સ્ય (તિલાપિયા – Tilapia) અને હિપોપૉટેમસ હોય છે. વિવિધ પ્રકારનાં પક્ષીઓ, સાપ, અજગર, પતંગિયાં પણ જોવા મળે છે. આ કારણે આ વિસ્તાર જંગલ-અભ્યાસીઓ માટે સ્વર્ગ સમાન ગણાય છે.
ખેતી–પશુપાલન : સવાના ઘાસના પ્રદેશમાં લોકો પોતાની જરૂરિયાત પૂરતી મકાઈ-બાજરીની ખેતી કરે છે. રહેઠાણોની આસપાસ થતી ખેતીમાં કસાવા, પાંદડાંવાળી શાકભાજી અને કેળાં મુખ્ય છે. તેની સંભાળ મુખ્યત્વે સ્ત્રીઓ લે છે. જંગલો કાપીને બગીચા ખેતી-પદ્ધતિ વિકસાવવામાં આવેલી છે. તેમાં કૉફી, કોકો અને તમાકુનો સમાવેશ થાય છે. આવા બગીચા ફ્રેન્ચોને હસ્તક રહ્યા છે. ગાય, ઘેટાં-બકરાં, ભૂંડ અને મરઘાં-બતકાં અહીંનું મુખ્ય પશુધન છે. લોકો નદી-તળાવોમાંથી માછલાં પકડીને પોતાની જરૂરિયાત સંતોષે છે.
ખનિજસંપત્તિ : આ દેશમાંથી કાચા હીરા, યુરેનિયમ, લોહ, સોના અને તાંબાનાં ખનિજો તથા કોલસો મળે છે. હીરા અહીંની મુખ્ય ખનિજસંપત્તિ છે; પરંતુ હીરાની દાણચોરી થતી હોવાથી સરકાર અને ખાણમાલિકો વચ્ચે પડેલા વિખવાદને કારણે આ ઉદ્યોગને માઠી અસર થઈ છે. પડોશી દેશ કૅમરૂન કરતાં અહીં ખનિજક્ષેત્રો ઓછાં છે. મોટાભાગનાં ખનિજો બાંગુઈના ખનિજક્ષેત્રમાંથી મેળવાય છે. આ ખનિજક્ષેત્ર ત્યાંના રાજા બોકાસાને હસ્તક હતું, હવે તે ખાનગી કંપનીઓ પાસે છે.
હોટેલો અહીં સારી કક્ષાની ન હોવાથી પ્રવાસન-ઉદ્યોગ પણ વિકસી શક્યો નથી. ઉત્તરમાં કેટલીક હોટેલો વિદેશીઓને હસ્તક હોવાથી પ્રવાસીઓ ‘પ્રાણીઓના સંગ્રહસ્થાન’ તરીકે ઓળખાતા સવાના પ્રદેશની મુલાકાત લેતા થયા છે.
પરિવહન–વેપાર : આ દેશ બધી બાજુએ ભૂમિપ્રદેશોથી ઘેરાયેલો હોવાથી દરિયાઈ માર્ગોનો લાભ તેને મળતો નથી. વળી ગીચ જંગલો અને અસમતળ ભૂપૃષ્ઠને કારણે રેલમાર્ગોનો વિકાસ થઈ શક્યો નથી. માત્ર 500 કિમી. લંબાઈના ઊબડખાબડ પાકા માર્ગો આવેલા છે. કાચા રસ્તાઓની લંબાઈ આશરે 10,200 કિમી.ની છે. આંતરિક જળમાર્ગોની લંબાઈ આશરે 7,100 કિમી. જેટલી છે. તે પૈકી આશરે 1,200 કિમી.ના જળમાર્ગો બારેમાસ ઉપયોગમાં લઈ શકાય છે.
અહીંનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક બાંગુઈ પોકો (Bangui Mpoko) ખાતે આવેલું છે. દુનિયાની ઘણી હવાઈ સેવાઓનો લાભ અહીં ઉપલબ્ધ છે. વિશેષે કરીને એર અરિક્યુ(Air Ariquo)નો લાભ વધુ મળે છે. બીજાં કેટલાંક નાનાં હવાઈ મથકો પણ અહીં આવેલાં છે, પરંતુ પેટ્રોલના અપૂરતા જથ્થાને કારણે આંતરિક હવાઈ સેવાઓ અનિયમિત રહે છે.
આ દેશને દરિયાપારનો વેપાર કરવા માટે પડોશી દેશો પર આધાર રાખવો પડે છે. કૉંગો નદીનો જળમાર્ગ આફ્રિકાનો મુખ્ય આંતરરાષ્ટ્રીય જળમાર્ગ ગણાય છે. બાંગુઈ કૉંગોની સહાયક નદી પર આવેલું મુખ્ય વેપારી મથક છે. બાંગુઈથી બ્રાઝાવિલે મહત્વનો વેપારી જળમાર્ગ છે. આ દેશને પોતાના આયાત-નિકાસ વેપાર માટે આટલાંટિકના પૂર્વ કિનારે આવેલા પૉઇન્તે નૉઇર (Pointe Noire) બંદર પર આધાર રાખવો પડે છે. આ દેશના નિકાસ વેપારમાં કૉફી, હીરા, ઇમારતી લાકડાં અને કપાસ મુખ્ય છે; જ્યારે આયાત વેપારમાં દારૂ, કઠોળ, આટો, યાંત્રિક સાધનો, દવાઓ અને વાહનો મુખ્ય છે. તેમના સમગ્ર આયાત-નિકાસ વેપારમાં ફ્રાન્સનો ફાળો વિશેષ છે. ફ્રાન્સ ઉપરાંત યુરોપના દેશો, ઇઝરાયલ, જાપાન, યુ.એસ. અને ઝાયર સાથે પણ તેના વેપારી સંબંધો સ્થપાયેલા છે.
લોકો–વસાહતો–વસ્તી : અહીંના આદિવાસીઓ મસાઈ જાતિના છે. તેમની મુખ્ય પ્રવૃત્તિ શિકાર અને વન્ય પેદાશો એકઠી કરવાની છે. આ ઉપરાંત બાયા (34 %), બાન્ડા (26 %), સારા (10 %), મબાકા અને યાકોમા જાતિના લોકો પણ વસે છે. મબાકા અને યાકોમા જાતિના લોકોનું રાજકીય પ્રભુત્વ વધુ છે. અહીં એકંદરે આદિવાસીઓનાં 80 જેટલાં જાતિજૂથ વસે છે. અહીં ખ્રિસ્તીઓ 25 % છે. તેમાં રોમન કૅથલિક અને પ્રૉટેસ્ટંટ-પંથીઓ છે. બંનેનું પ્રમાણ સરખું છે. મુસ્લિમોની વસ્તી 5% છે. દેશની મોટાભાગની પ્રજા ગરીબ છે. પૂરતું પોષણ ન મળવાથી તેમનામાં કાવાશિયોરકોર (Kawashiorkor) અને મારસમસ (Marasmus) નામના રોગો ફેલાય છે. આશરે 23,000 નાગરિકો સામે માત્ર એક ડૉક્ટરની સેવા ઉપલબ્ધ રહે છે.
અહીંની રાષ્ટ્રીય ભાષા સાંગો છે, પરંતુ સરકારી કાર્યાલયોમાં ફ્રેન્ચ ભાષાનો ઉપયોગ વધુ થાય છે. આ સિવાય બાયા, માન્ડજિયા જેવી ભાષાઓ પણ બોલાય છે. કેટલીક ખ્રિસ્તી સંસ્થાઓ દ્વારા શાળાઓમાં શિક્ષણ અપાય છે. દેશના 60 % લોકો શિક્ષિત છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 66 %, 12 % અને 1.2 % જેટલું છે.
ફ્રેન્ચોએ અહીં બાંગુઈની આસપાસ વસાહતો સ્થાપીને પોતાનું વર્ચસ્ ઊભું કર્યું છે. ગ્રીક, પૉર્ટુગીઝ અને યેમેનની પ્રજાઓએ પણ વેપાર અર્થે છૂટીછવાઈ વસાહતો સ્થાપી છે. કેટલાક યુરોપિયન દેશોએ તેમજ દક્ષિણ સુદાન અને ઝાયરના નિર્વાસિતોએ પણ વસાહતો ઊભી કરી છે. અહીંનું પાટનગર બાંગુઈ છે. બેરબરાટી, બોઉર અને બોસ્સાંગોઆ અહીંનાં મહત્વનાં વેપારી મથકો છે.
રાજકીય માહિતી : અહીં સરકારમાં પ્રમુખ અને વડાપ્રધાન એવા બે મુખ્ય હોદ્દા હોય છે. હાલમાં એન્જે ફેલિક્સ પાટાસ્સે પ્રમુખ અને માઇકલ ગ્બેઝેરા બ્રિયા વડાપ્રધાનનો હોદ્દો ધરાવે છે. સંસદ 83 સભ્યોની બનેલી છે. ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત, સિવિલ કૉર્ટ, ફોજદારી કૉર્ટ અને ટ્રિબ્યૂનલની સગવડો છે. 1996 મુજબ આ દેશની વસ્તી આશરે 30,26,000 જેટલી છે. રાષ્ટ્રીય અવકાશ-દિવસ 13મી ઑગસ્ટ છે. દેશનું નાણું ફ્રાંક અને વિકાસદર 2.4 % જેટલો છે.
ઇતિહાસ : આશરે 2,500 વર્ષ પૂર્વે ખેતી અહીંના આદિવાસીઓની મુખ્ય પ્રવૃત્તિ હતી. છેલ્લાં 800 વર્ષથી લોકો મર્યાદિત પ્રમાણમાં ખાણપ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. પંદરમી સદીથી અહીંના આદિવાસીઓ ઉપયોગમાં લેવાતી સ્થાનિક ભાષાનો ઉપયોગ કરતા થયા છે. આ દેશને સત્તરમી સદી સુધી તો વિદેશીઓ સાથે વેપારી સંબંધ પણ ન હતો. ઓગણીસમી સદી સુધી આરબો અહીંના આદિવાસીઓને પકડીને ગુલામો તરીકે રાખતા અને તેમનો વેપાર પણ કરતા. ઓગણીસમી સદીના અંતમાં સ્ટીમરો, બંદૂકો અને તોપોનો ઉપયોગ વધતાં તેમજ મલેરિયા માટે ક્વિનાઇનની શોધ થતાં યુરોપિયનોને અહીં વસાહતો સ્થાપવાનું સરળ થઈ પડ્યું. ઔદ્યોગિક ક્રાંતિને કારણે યુરોપિયનોને કાચા માલ માટે નવાં ક્ષેત્રો શોધવાની તેમજ વેચાણ માટે બજારની જરૂર ઊભી થઈ. ઓગણીસમી સદીના છેલ્લા બે દશકામાં તો ગ્રેટ બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને બેલ્જિયમે મોટાભાગના પ્રદેશો પર પ્રભુત્વ મેળવી લીધું હતું. વીસમી સદીમાં યુરોપિયન દેશોએ પોતાને હસ્તક રહેલા પ્રદેશોની સીમાઓ પણ નિર્ધારિત કરી લીધી હતી. આ દેશમાં ફ્રેન્ચોનું પ્રભુત્વ વધુ હોવાથી અહીંની કેટલીક જમીનોનો ઉપયોગ કરવા યુરોપની કેટલીક કંપનીઓને તે ભાડાપટ્ટે આપી, તેઓ અહીંથી રબર મેળવતા; પરંતુ દુષ્કાળ અને રોગોને કારણે ઉત્પાદન ઘટી જતાં તેમની સામે સમસ્યાઓ ઊભી થઈ હતી. 1920માં ફ્રેન્ચોએ અહીં હરતાં-ફરતાં દવાખાનાં શરૂ કર્યાં. રોમન અને પ્રૉટેસ્ટંટ મિશનરીઓએ શાળાઓ અને ચિકિત્સાલયો સ્થાપ્યાં. ઉત્પાદન વધતાં પાકા રસ્તાઓનું પણ નિર્માણ થયું. 1930માં સોનાનું અને હીરાનું ઉત્પાદન વધતાં ફ્રેન્ચોને ઘણો ફાયદો થયો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અહીંથી ગયેલા નાગરિકો નવી વિચારસરણી મેળવી પાછા ફર્યા. 1946માં ફ્રેન્ચની રાષ્ટ્રીય સમિતિમાં બાર્થલેમી બોગાન્ડાની નિમણૂક થઈ; પરંતુ તેમણે ત્યાંથી રાજીનામું આપી દેશના ઉદ્ધાર માટે ચળવળ ઉપાડી. તેમની ધારણા હતી કે ફ્રેંચો ચાડ, ગેબન, કૉંગો અને ઉબાંગી-શારી પ્રદેશનું એક રાષ્ટ્ર જાહેર કરશે, પરંતુ ફક્ત ઉબાંગી-શારી માટે જ નવું બંધારણ ઘડાયું. 1959ના માર્ચની 29મીએ બોગાન્ડાનું અવસાન થતાં ડેવિડ ડાકો વડાપ્રધાન તરીકે આવ્યા. 1960ની 13મી ઑગસ્ટના રોજ આ પ્રદેશ મધ્ય આફ્રિકી પ્રજાસત્તાક તરીકે જાહેર થયો. વડાપ્રધાને વેપાર, સંરક્ષણ, આંતરરાષ્ટ્રીય સંબંધો માટે ફ્રાન્સને વધુ હક્ક આપ્યા. 1962માં ડાકોએ MESAN (Movement Pouri Evolution Social de I’Ainique Noire) નામનો કાયદેસરનો રાજકીય પક્ષ સ્થાપ્યો. 1964ની ચૂંટણીમાં તેઓ બિનહરીફ ચૂંટાયા. 1965ની 31મી ડિસેમ્બરે અહીં દેશવ્યાપી હડતાળ પડતાં લશ્કરના સેનાપતિ જીન બેડેલ બોકાસાએ ડાકોને પદભ્રષ્ટ કર્યા. બોકાસાએ બંધારણ રદ કર્યું. આમાં ફ્રેન્ચ સરકાર તરફથી તેમને સતત સહકાર મળતો રહેલો. 1972માં તેઓ વડાપ્રધાન બન્યા. 1977ની 4થી ડિસેમ્બરે તેઓ જાતે અહીંના રાજા બની બેઠા. 1979ના સપ્ટેમ્બરમાં ફ્રેન્ચ સરકારે તેમને સત્તા પરથી દૂર કરીને ડાકોને ફરીથી સત્તા સોંપી. 1981ના સપ્ટેમ્બરની 1લી તારીખે જનરલ આન્દ્રે કોલિંગ્બાના સહકારથી યાકોમાએ ડાકોને સત્તા પરથી દૂર કર્યા. 1985 સુધી અહીં લશ્કરી શાસન રહ્યું. 1986માં આંતરરાષ્ટ્રીય બૅંકના દબાણને કારણે નવું બંધારણ અસ્તિત્વમાં આવ્યું. 1993માં આ બંધારણમાં સુધારા થયા. લોકશાહી ઢબે ચૂંટણી થઈ અને એન્જે ફેલિક્સ વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા.
નીતિન કોઠારી