મધ્યમિકા : રાજસ્થાનમાં ચિતોડ પાસે આવેલી પ્રાચીન નગરી. આજે પણ એનાં ખંડેર ચિતોડના કિલ્લાથી 11 કિમી. ઉત્તરમાં જોઈ શકાય છે. આ પ્રદેશ પર ઈ. પૂ. 321માં મૌર્યવંશના રાજા ચંદ્રગુપ્ત અને એના પૌત્ર સમ્રાટ અશોકનું શાસન હોવાનું વૈરાટના અશોકના બે શિલાલેખ(ઈ. પૂ. 250)થી પુરવાર થાય છે. ત્યારબાદ ઈ. પૂ. 200ની આસપાસ ગ્રીક લોકો વાયવ્યથી ભારત આવ્યા ત્યારે ગ્રીક નરેશ મિનેન્દરે ઈ. પૂ. 150માં મધ્યમિકા (ચિતોડગઢ) પર આક્રમણ કર્યું અને પોતાનો અધિકાર જમાવ્યો હતો. ગ્રીક લોકોએ જે પ્રદેશો જીત્યા હતા એમાં મધ્યમિકા નામની પ્રાચીન નગરીનું વર્ણન પણ મળે છે. આ વિસ્તારમાંથી એપૉલોડૉરસ અને મિનેન્દરના કેટલાક સિક્કા મળ્યા છે. ઈ. સ. બીજીથી ચોથી સદી સુધી શક લોકોનો રાજપૂતાનાના દક્ષિણ-પશ્ચિમ ભાગો પર અધિકાર રહ્યો હતો. ઈ. સ. 150ના ગિરનાર શિલાલેખથી રુદ્રદામાનું રાજ્ય મરુ (મારવાડ) સુધી ફેલાયેલું હોવાનું માલૂમ પડે છે. ચોથી સદીના અંતભાગથી લઈને છઠ્ઠી સદી સુધી મગધના ગુપ્તવંશનું શાસન રહ્યું હતું. પછીથી હૂણ રાજા તોરમાણે ગુપ્તો પાસેથી સત્તા મેળવી. સાતમી સદીની શરૂઆતમાં હર્ષવર્ધને રાજપૂતાનાનો ઘણોખરો વિસ્તાર પોતાના રાજ્યમાં મેળવી દીધો હતો.
ઈ. સ. 629ની આસપાસ ચીની મુસાફર યુ-આન-શ્વાંગ ભારત આવ્યા ત્યારે તેણે રાજપૂતાનાને ચાર ભાગમાં વહેંચાયેલું વર્ણવ્યું છે, જેનો ત્રીજો ભાગ વૈરાટ (વિરાટ) હતો. સાતમીથી અગિયારમી સદી સુધી રાજપૂત જાતિના કેટલાય વંશો પ્રસિદ્ધ થયા. તેમણે પોતાના બાહુબળથી અહીંના આદિનિવાસીઓ અને વિદેશીઓને હઠાવી પોતાનાં અલગ અલગ રાજ્યો કાયમ કર્યાં. આ સમગ્ર ઘટનાઓમાં મધ્યમિકા નગરી ક્યાંક ને ક્યાંક સંકળાયેલી જણાય છે.
રામજીભાઈ ઠા. સાવલિયા