મધ્યપ્રદેશ
ભારતના લગભગ મધ્ય સ્થાને આવેલું દેશનું સૌથી મોટું રાજ્ય. તે આશરે 17° 45´ ઉ. અ.થી 26° 48´ ઉ. અ. અને 74° 0´ પૂ. રે.થી 84° 30´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલું છે અને દેશનો આશરે 14% ભૂમિભાગ રોકે છે. ભારતનાં અન્ય રાજ્યોના સંદર્ભમાં આ રાજ્યનું મધ્યસ્થ ભૌગોલિક સ્થાન તેના ‘મધ્યપ્રદેશ’ નામના અર્થને સાર્થક કરે છે. આ રાજ્યને સમુદ્રતટ મળેલો નથી એટલે વ્યાપાર માટે અન્ય રાજ્યો પર આધાર રાખવો પડે છે. વળી તે આંતરરાષ્ટ્રીય સીમાઓ પણ ધરાવતું નથી. તેનું પાટનગર ભોપાલ છે. તેને વાયવ્યમાં રાજસ્થાન, ઉત્તરમાં ઉત્તર પ્રદેશ, પૂર્વમાં છત્તીસગઢ, પશ્ચિમમાં ગુજરાત તથા દક્ષિણમાં મહારાષ્ટ્ર રાજ્યોની સીમાઓ મળેલી છે. આ વિશાળ રાજ્ય તેના વિભાજન અગાઉ આશરે 4,43,446 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવતું હતું, તેમાંથી 2000થી નવું છત્તીસગઢ રાજ્ય અસ્તિત્વમાં આવતાં તેના ક્ષેત્રફળમાં 1,46,361 ચોકિમી. જેટલો ઘટાડો થયો છે. આ રાજ્ય વિભાજન પહેલાં 45 જિલ્લાઓમાં વહેંચાયેલું હતું અને બીજા છ નવા જિલ્લા રચવાનું આયોજન પણ હતું. પણ તેમાંથી હવે છત્તીસગઢ રાજ્યના 16 જિલ્લાઓ અલગ પડી ગયા છે.
પ્રાકૃતિક રચના : આ રાજ્ય, ભારતનાં ઉત્તરનાં ગંગાનાં મેદાનો તથા દખ્ખણના ઉચ્ચપ્રદેશથી બનેલા મુખ્ય પ્રાકૃતિક વિભાગોના સીમાન્ત-વિસ્તારમાં આવેલું છે. તે નીચી ટેકરીઓ, વિશાળ ઉચ્ચપ્રદેશો, નદીખીણો વગેરેની વૈવિધ્યભરી પ્રાકૃતિક રચનાની લાક્ષણિકતાઓ ધરાવે છે.
રાજ્યમાં પથરાયેલી ડુંગરાળ હારમાળાઓ 100 મીટરથી માંડીને લગભગ 1,200 મીટર સુધીની ઊંચાઈ ધરાવે છે. રાજ્યના ઉત્તર ભાગના ભૂમિપ્રદેશો સામાન્ય રીતે દક્ષિણથી ઉત્તર તરફ જતાં ઊંચા થતા જાય છે. તે જ રીતે તેના દક્ષિણના ભાગોમાં પણ પશ્ચિમ તરફ જતાં ઊંચાઈ વધતી જાય છે. પશ્ચિમમાં વિંધ્ય હારમાળા તથા કૈમુરની ટેકરીઓ અગત્યની છે. તેનાં કેટલાંક સ્થળો 450 મી.ની ઊંચાઈ તેમજ દક્ષિણની સાતપુડા, મહાદેવ અને મૈકલ હારમાળાઓ 900 મી.થી વધુ ઊંચાઈ ધરાવે છે. દક્ષિણ-મધ્યની મહાદેવ હારમાળામાં પંચમઢી નજીક આવેલું ‘ધૂપગઢ’ નામનું શિખર 1,350 મીટર ઊંચું છે અને તે રાજ્યનું સર્વોચ્ચ શિખર ગણાય છે. વિંધ્ય હારમાળાથી વાયવ્યમાં ‘માળવાનો ઉચ્ચપ્રદેશ’ (450–600 મી.), રાજ્યની ઈશાનમાં અને વિંધ્યાચળની ઉત્તરમાં બુંદેલખંડનો ઉચ્ચપ્રદેશ તેમજ છેક વાયવ્યમાં મધ્ય ભારતનો ઉચ્ચપ્રદેશ આવેલો છે. છેક પૂર્વની સીમા પર છોટા નાગપુરના ઉચ્ચપ્રદેશના પશ્ચિમ ભાગો વિસ્તરેલા છે, જે 1,225 મી.ની ઊંચાઈએ પહોંચે છે. રાજ્યના અગ્નિ ભાગમાં છત્તીસગઢનું મેદાન આવેલું છે. મહા તથા તેની ઉપનદીઓ દ્વારા આ મેદાનની રચના થઈ છે.
આ રાજ્ય દ્વીપકલ્પીય ભારતની નર્મદા, તાપી, મહા, વૈનગંગા (ગોદાવરીની ઉપનદી) વગેરે અગત્યની નદીઓના સ્રોત ધરાવે છે. નર્મદા તથા તાપી જેવી દક્ષિણ ભારતની મોટી નદીઓ પશ્ચિમ તરફ ઘણી લંબાઈમાં વહીને ગુજરાત તરફ વળે છે; જ્યારે વર્ધા, વૈનગંગા અને મહાનદી આ રાજ્યમાંથી ઉદભવીને આંધ્રપ્રદેશ તથા ઓરિસા તરફ જાય છે. આ ઉપરાંત રાજ્યના ઉત્તર ભાગમાં થઈને બેતવા, શોણ તથા ચંબલ વગેરે નદીઓ વહે છે અને ગંગા-યમુનાને મળે છે.
આબોહવા : આ રાજ્ય મોસમી પ્રકારની આબોહવા ધરાવે છે, જે અલગ પડતી ઋતુઓમાં ક્રમશ: શિયાળો (ડિસેમ્બરથી ફેબ્રુઆરી), ઉનાળો (માર્ચથી મે), ચોમાસું (જૂનથી સપ્ટેમ્બર) તથા પાછા ફરતા મોસમી પવનોની ઋતુ(ઑક્ટોબર અને નવેમ્બર)માં વહેંચાયેલી છે. તેમાં અહીંનો ઉનાળો ગરમ અને શુષ્ક હોય છે. આ ઋતુમાં ઉચ્ચપ્રદેશો પર સુસવાટા મારતા પવનો વાય છે. રાજ્યના લગભગ બધા જ ભાગોમાં આ ઋતુનું સરેરાશ વાર્ષિક તાપમાન 29° સે. જેટલું રહે છે. કેટલાક ભાગોનું દૈનિક મહત્તમ તાપમાન 48° સે. સુધી ઊંચે જાય છે. સામાન્ય રીતે શિયાળા સૂકા અને આહલાદક હોય છે. શિયાળાનું તાપમાન 4° સે. તથા 23° સે. વચ્ચે રહે છે. રાજ્યના ઉત્તર ભાગમાં ડિસેમ્બર તથા જાન્યુઆરીમાં અલ્પ પ્રમાણમાં વરસાદ પડે છે. સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર માસ સુધી વર્ષાઋતુ ચાલે છે. રાજ્યનો સરેરાશ વાર્ષિક વરસાદ 1,117 મિમી. જેટલો છે. પશ્ચિમ તરફ જઈએ તેમ તેમ વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે. પૂર્વ ભાગોમાં આશરે 1,525 મિમી. કે તેથી વધુ વરસાદ પડે છે, જ્યારે પશ્ચિમ ભાગોમાં વરસાદનું પ્રમાણ ઘટીને 800 મિમી. જેટલું થઈ જાય છે. ઉત્તરની ચંબલની ખીણ, વાર્ષિક 762 મિમી. કરતાં પણ ઓછો વરસાદ મેળવે છે.
જમીનો, કુદરતી વનસ્પતિ અને પ્રાણીજીવન : આ રાજ્યમાં મુખ્યત્વે બે પ્રકારની જમીનો જોવા મળે છે. તે પૈકી માળવાના ઉચ્ચપ્રદેશમાં નર્મદા ખીણ-પ્રદેશમાં તેમજ સાતપુડાના કેટલાક ભાગોમાં ફળદ્રૂપ કાળી જમીનો આવેલી છે, જ્યારે છત્તીસગઢનાં મેદાનોને બાદ કરતાં રાજ્યના બાકીના મોટાભાગના પ્રદેશોમાં રાતાથી પીળા રંગની ઓછી ફળદ્રૂપ જમીનો પથરાયેલી છે.
રાજ્ય સરકારની કચેરીના ઉપલબ્ધ આંકડા મુજબ રાજ્યના લગભગ 1⁄3 ભાગમાં જંગલો હોવાનું જણાવવામાં આવેલું છે; આમ છતાં ઉપગ્રહ-તસવીરોને આધારે આ પ્રમાણ 1⁄5 ભાગનું જણાયું છે, જે ઝડપથી જંગલોનો નાશ થતો હોવાનું સૂચવે છે. વળી આ રાજ્યમાં ગોચર-વિસ્તારોનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે. મુખ્ય જંગલપ્રદેશો સાતપુડા, તથા મૈકલ હારમાળા ધરાવતા બાઘેલખંડ ઉચ્ચપ્રદેશમાં તેમજ દંડકારણ્ય-વિસ્તારમાં આવેલા છે. આ જંગલોમાં સાગ, સાલ, વાંસ, સલાઈ (salai) તથા ટીમરુ (tendu) અગત્યનાં વૃક્ષો છે. સલાઈ વૃક્ષમાંથી ગૂગળ (resin) મેળવાય છે, જેનો ઉપયોગ ધૂપ જેવા સુગંધિત પદાર્થો તથા ઔષધો બનાવવામાં થાય છે. ટીમરુનાં પાનમાંથી બીડી બને છે. આ સિવાય બીજી અનેક જંગલ-પેદાશો આ જંગલોમાંથી એકઠી કરવામાં આવે છે. જબલપુર તથા સાગર તેનાં મુખ્ય કેન્દ્રો છે.
અહીંનાં જંગલો વાઘ, દીપડો (panther), જંગલી ભેંસ (bison), સાબર, ગોર, ચીતળ, બારાસિંગા, સૂવર, રીંછ, જરખ, શિયાળ, વાંદરાં વગેરે જેવાં ચોપગાં પ્રાણીઓ, અનેક પ્રકારનાં સરીસૃપો અને પક્ષીઓની વિવિધ જાતિઓ ધરાવે છે. આ રાજ્યમાં વાઘનું પ્રમાણ વધારે છે, તેથી તેને ‘વાઘના રાજ્ય’(tiger state)નું બિરુદ મળેલું છે. અહીં વાઘનાં રક્ષણ અને જતન કરવા માટેની અનેક યોજનાઓ અમલમાં છે. આ રાજ્યમાં હાલમાં 35 જેટલાં વન્યજીવ અભયારણ્યો તથા 11 જેટલાં રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે. તે પૈકી કળણ-મૃગ (swamp-deer) માટેનું કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન, અલભ્ય સફેદ વાઘનાં રક્ષણ અને જતન માટેનું બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન તેમજ પક્ષીઓ માટેનું શિવપુરી (માધવ) રાષ્ટ્રીય ઉદ્યાન પ્રખ્યાત છે. વળી મગર માટે ચંબલ વન્યજીવ અભયારણ્ય પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકારે જંગલોનો વિસ્તાર વધારવા માટે વૃક્ષોની બાગાયત (tree plantation) સહિત અનેક યોજનાઓ પણ તૈયાર કરી છે.
ખેતી તથા સિંચાઈ : આ રાજ્યના અર્થતંત્રમાં ખેતીનું મહત્વ વધારે છે. તેના કુલ વિસ્તારનો લગભગ 43.7 % ભાગ ખેતીલાયક છે. પ્રાકૃતિક રચના, વરસાદનું પ્રમાણ અને જમીનોના વૈવિધ્યને લીધે કૃષિ-વિસ્તારોનું વિતરણ તદ્દન અસમાન જોવા મળે છે. ચંબલ-ખીણ, માળવાનો ઉચ્ચપ્રદેશ, રેવાનો ઉચ્ચપ્રદેશ, છત્તીસગઢનાં મેદાનો વગેરે મુખ્ય કૃષિ-પ્રદેશો છે. આ ઉપરાંત નર્મદા-ખીણનાં કાંપનિર્મિત મેદાનો પણ અત્યંત ફળદ્રૂપ છે. આ રાજ્યમાં પરંપરા મુજબની ખેતીની પદ્ધતિઓ અપનાવવામાં આવતી હોવાથી ઊપજો ઓછી થાય છે. વળી મોટા-ભાગની ખેતી વરસાદ પર આધારિત હોવાથી ઘણી વાર લોકોને અછતની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.
રાજ્ય સરકારે કેટલીક સિંચાઈ-યોજનાઓ તૈયાર કરી છે. ઈ. સ. 1997–98માં 63.1 લાખ હેક્ટર ભૂમિને એટલે કે 30 % વાવેતર-વિસ્તારને સિંચાઈના લાભો મળતા હતા. મધ્યપ્રદેશમાં મુખ્યત્વે નહેરો, કૂવાઓ અને તળાવો દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. આશરે 35 લાખ હેક્ટર ભૂમિમાં કૂવાઓથી તેમજ 17.8 લાખ હેક્ટર ભૂમિમાં નહેરો દ્વારા સિંચાઈ થાય છે. મધ્યસ્થ સરકાર સંચાલિત પંચવર્ષીય યોજનાઓની અંતર્ગત નાની અને મધ્યમ કદની સિંચાઈ યોજનાઓનો વિકાસ કરવામાં આવ્યો છે. આ રાજ્યમાં ચંબલ તથા રિહન્દ નદી પરની પરિયોજનાઓ અગત્યની છે.
આ રાજ્યમાં પશુપાલન અને મરઘાપાલન જેવી પ્રવૃત્તિઓ આગળપડતી છે. અહીં ગાય, ભેંસ, ઘેટાંબકરાં, ડુક્કર વગેરેનું પાલન થાય છે. ભોપાલ, બિલાસપુર, ધાર વગેરે કેન્દ્રોમાં ઓલાદ-સુધારણા માટેની સુવિધાઓ છે.
મધ્યપ્રદેશમાં ઘઉં, ડાંગર, જુવાર, અળશી, તુવેર, કપાસ, શેરડી, સૉયાબીન, ચણા તથા અન્ય કઠોળ, તલ, મગફળી વગેરેની ખેતી કરવામાં આવે છે. સૉયાબીનની ખેતીનો વ્યાપ વધતો જાય છે. વળી આ રાજ્યમાં હલકાં ધાન્યો (કોડો, કુલ્કી, સામો વગેરે) તેમજ કેફી દ્રવ્યોની ખેતપેદાશો પણ મેળવાય છે. પશ્ચિમના મંદસોર (રાજસ્થાન નજીક) જિલ્લામાં અફીણનું તથા નૈર્ઋત્યના ખંડવા (પૂર્વ નિમાડ) જિલ્લામાં ગાંજા(marijuana)નું વાવેતર થાય છે.
ઊર્જા તથા ખનિજ–સંસાધનો તેમજ ઉદ્યોગો : આ રાજ્યની હાલની વિદ્યુતની સ્થાપિત-ક્ષમતા (installed capacity) 3,816 મેવૉ. ની છે. તે પૈકીની 848 મેવૉ. જળવિદ્યુત છે. આ રાજ્ય જળવિદ્યુતના વિકાસની ઘણી બધી શક્યતાઓ ધરાવે છે. મુખ્ય જળવિદ્યુત પરિયોજનાઓ અન્ય રાજ્યો સાથે સંયુક્ત રીતે સંકળાયેલી છે : તેમાં બબનથડી મહારાષ્ટ્ર સાથે; બનસાગર બિહાર સાથે; ચંબલ-ખીણ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સાથે; રાજઘાટ અને ઊર્મિલ ઉત્તર પ્રદેશ સાથે તેમજ નર્મદાસાગર ગુજરાત અને રાજસ્થાન સાથે સંકળાયેલી છે.
આ ઉપરાંત હસદેવ બાન્ગો, બાર્ગી અને બીરસિંગપુર વગેરે અગત્યનાં તાપવિદ્યુતમથકો છે. કોર્બા (બિલાસપુર) ખાતેનું 420 મેવૉ.નું તાપવિદ્યુતમથક ભિલાઈના લોહ-પોલાદ સંકુલને, કોર્બા કોલસાક્ષેત્રને તથા નજીકના ઍલ્યુમિનિયમના કારખાનાને વિદ્યુત પૂરી પાડે છે. વધારામાં ભિલાઈ ખાતે 900 મેવૉ.નું તેમજ સિપત (બિલાસપુર જિલ્લો) ખાતે પણ 2,000 મેવૉ.નું તાપવિદ્યુતમથક પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. વળી આશરે 67,959 જેટલાં ગામો(95 %)માં વિદ્યુતીકરણ થયું છે. વીજળીને લીધે આશરે 12.29 લાખ સિંચાઈના પમ્પ-સેટ ચાલે છે. વળી અહીં પવન, સૂર્ય, બાયોગૅસ વગેરે જેવા બિનપરંપરાગત ઊર્જાસ્રોતો મેળવવા માટે સઘન પગલાં લેવાયાં છે. દેવાસ ખાતે 15 મેવૉ.ની વિદ્યુત ઉત્પાદન-ક્ષમતાવાળું પવનક્ષેત્ર સ્થાપવામાં આવ્યું છે.
આ રાજ્ય ખનિજસંપત્તિની બાબતમાં સમૃદ્ધ છે, પણ સંપૂર્ણ સંશોધન કરવાનું હજુ બાકી છે. આ રાજ્યમાંથી વિવિધ પ્રકારનાં 25 જેટલાં ખનિજોનું ઉત્ખનન કરવામાં આવે છે. અહીં કોલસાની ઘણી મોટી અનામતો આવેલી છે અને ઉમરિયા તથા સિંગરૌલીમાંથી મોટા જથ્થામાં કોલસો મેળવાય છે આ ઉપરાંત બૉક્સાઇટ (બિલાસપુર, બસ્તર, જબલપુર, કટની વગેરે); લોખંડની કાચી ધાતુ (બસ્તર અને દુર્ગ); મૅંગેનીઝ (જબલપુર, છીંદવાડા); તાંબું (જબલપુર, સાગર, બસ્તર); રૉક-ફૉસ્ફેટ, ડૉલોમાઇટ, ચૂના પથ્થર, ચિનાઈ માટી, અગ્નિજિત માટી, અબરખ, ચિરોડી (રેવા), યુરેનિયમ (બોદાલ), અકીક, ઍસ્બેસ્ટોસ, બેરાઇટ, ગ્રેફાઇટ, ફિલ્સ્પાર, ફ્લોરાઇટ, મીસાનું ખનિજ, વર્મિક્યુલાઇટ, સ્ટીએરાઇટ તથા બાંધકામ-ખડકો વગેરે ખનિજો પણ અહીંથી પ્રાપ્ત થાય છે. ભારતનું આ એક જ એવું રાજ્ય છે કે જ્યાંથી હીરા મળી આવે છે. ઈ. સ. 1997–98ના આંકડાઓ પ્રમાણે અહીંથી 856.6 લાખ ટન કોલસો, 181.1 લાખ ટન લોહ-ખનિજ, 6.44 લાખ ટન બૉક્સાઇટ, 254.5 લાખ ટન ચૂના-પથ્થર, 20.8 લાખ ટન તાંબાનાં ખનિજો તથા 31,000 કૅરેટ હીરાઓનું ઉત્પાદન થયું હતું.
એકંદરે જોતાં 1980 અગાઉ આ રાજ્ય ઔદ્યોગિક ર્દષ્ટિએ પછાત રહ્યું હતું, પણ ઈ. સ. 1981માં મધ્યપ્રદેશ ઔદ્યોગિક વિકાસ નિગમની સ્થાપના થતાં ઔદ્યોગિક પ્રવૃત્તિને ઘણો વેગ મળ્યો છે. અહીં પ્રાથમિક કક્ષાએ વપરાશી માલનું ઉત્પાદન થાય છે. અહીં મધ્યમ કદના અને ભારે ઉદ્યોગોનો વિકાસ થયો છે. ઇન્દોર, ભોપાલ, ગ્વાલિયર, ઉજ્જૈન અને જબલપુર મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો છે. આ રાજ્ય હવે હાઇ-ટેક ઔદ્યોગિક યુગમાં પ્રવેશી ચૂક્યું છે. અહીં પેટ્રોકેમિકલ્સ, વિદ્યુતની ભારે યંત્ર-સામગ્રી, સૂક્ષ્મ વીજાણુ-ઉપકરણો (microelectronics), દૂરસંચાર-વ્યવહાર-પદ્ધતિ, ખાદ્ય ચીજોનું પ્રક્રમણ, કાપડ, લોખંડ-પોલાદ, સિમેન્ટ, કાગળ, ઑટોમોબાઇલ વગેરેને લગતા ઉદ્યોગોનો વિકાસ થયો છે. દૂરસંચાર-વ્યવહારની જરૂરિયાત માટે આ રાજ્યે દેશમાં સૌપ્રથમ વાર ઑપ્ટિકલ ફાઇબરનું ઉત્પાદન શરૂ કર્યું છે.
સરકાર દ્વારા પ્રોત્સાહિત ઉદ્યોગોમાં ભિલાઈનગરનું લોખંડ-પોલાદનું સંકુલ, નેપાનગરની ન્યૂઝ-પ્રિન્ટ કાગળની મિલ, કટની અને મંદસોરનાં સિમેન્ટનાં કારખાનાં, ભોપાલ ખાતે વિદ્યુતની ભારે યંત્ર-સામગ્રીનું કારખાનું વગેરેનો સમાવેશ થાય છે. વળી ઉદ્યોગોના વધુ વિકાસ માટે ઇન્દોર, ગ્વાલિયર, ભોપાલ, રાયપુર, ભિલાઈનગર અને જબલપુર ખાતે ઔદ્યોગિક એસ્ટેટની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત ઇન્દોર પાસેના પિથમપુર ખાતે વિશાળ પાયા પર ઑટોમોબાઇલ ઉદ્યોગ પ્રસ્થાપિત થયેલો છે. આથી તેને ‘ભારતના ડેટ્રૉઇટ’ની ઉપમા આપવામાં આવી છે. વળી અહીં હવાઈ પરિવહન સંકુલ (air cargo complex), ઇન્ડો-જર્મન ટૂલ-રૂમ (Indo-German tool room) અને ઇનલૅન્ડ કન્ટેઇનર ડેપો (inland container depot) આવેલાં છે. આ સિવાય કોર્બા ખાતે ઍલ્યુમિનિયમનું કારખાનું, નીમુચ ખાતે આલ્કલૉઇડનું કારખાનું, હોસંગાબાદ ખાતે ચલણ(security)ના કાગળની મિલ તથા દેવાસ ખાતે બૅંક-નોટનું પ્રેસ આવેલાં છે. વળી અહીં મોટી સંખ્યામાં ખેત-ઉદ્યોગો પણ વિકાસ પામેલા છે; જેમ કે, ખાંડની, અનાજ દળવાની તથા ખાદ્યતેલની મિલો; સૉયાબીનમાંથી સૉલ્વન્ટ કાઢવાના એકમો વગેરે મુખ્ય છે. વળી અહીં સુતરાઉ અને ગરમ કાપડની તેમજ રેશમ અને શણની મિલો; લાકડાં વહેરવાની મિલો; કૃત્રિમ રેશમ અને સિન્થેટિક દોરા તથા રસાયણોના તેમજ વિવિધ પ્રકારના ઇજનેરી ઉદ્યોગ પણ પ્રસ્થાપિત થયેલા છે. વધુમાં આ રાજ્ય શસ્ત્રસરંજામ બનાવતાં કારખાનાં પણ ધરાવે છે.
રાજ્યમાં નાના પાયા પરના હસ્તઉદ્યોગોના અનેક એકમો નોંધાયા છે. અહીં હાથસાળ-ઉદ્યોગ વધુ અગત્ય ધરાવે છે. ચંદેરી અને મહેશ્વરી તેનાં મુખ્ય કેન્દ્રો છે. ચંદેરીની હાથવણાટની સાડીઓ ભારતભરમાં વિખ્યાત છે. આ સિવાય ગ્વાલિયર તેનાં સાદડી-વણાટ તથા ચિનાઈ માટીનાં વાસણો માટે અને ભોપાલ સોના-ચાંદીના તારના ભરતકામ (embroidering) માટે પ્રખ્યાત છે.
પરિવહન અને પ્રવાસન : આ રાજ્યમાં મુખ્યત્વે રેલ અને સડક જેવા ભૂમિમાર્ગો દ્વારા માલ-હેરફેર અને માનવ-અવરજવર વિશેષ થાય છે. ખાસ કરીને વિદેશી પર્યટકો માટે હવાઈ સેવાઓ વધુ અગત્યની છે. આ રાજ્ય આશરે 5,796 કિમી. લંબાઈના રેલમાર્ગો ધરાવે છે. તેને સમુદ્રતટ નહિ મળેલો હોવાથી મુખ્ય રેલમાર્ગો, મૂળભૂત રીતે, તેના પીઠપ્રદેશોને અનુલક્ષીને ચેન્નઈ, મુંબઈ, કૉલકાતા વગેરે જેવાં બંદરોને જોડવા માટે બાંધવામાં આવેલા છે. ઉત્તર અને દક્ષિણ ભારતને જોડતો મુખ્ય રેલમાર્ગ આ રાજ્યમાં થઈને પસાર થાય છે. આ રાજ્યમાં ભોપાલ, બીના, ગ્વાલિયર, ઇન્દોર, ઇટારસી, જબલપુર, ઉજ્જૈન, રતલામ, ખંડવા, કટની, બિલાસપુર વગેરે અગત્યનાં રેલવે જંકશનો છે. રેલવેનાં વડાં મથકોમાં ભોપાલ, રતલામ, જબલપુર તથા બિલાસપુરનો સમાવેશ થાય છે.
આ રાજ્યમાં આશરે 1,16,213 કિમી. લંબાઈના બધા જ પ્રકારના સડકમાર્ગો આવેલા છે. જોકે હવે નર્મદા તથા અન્ય નદીઓ પર પુલોનાં બાંધકામો થયા પછી બધી જ ઋતુઓમાં પરિવહન-સેવાઓ ઉપલબ્ધ થાય છે. અહીં મુંબઈ-ભોપાલ-આગ્રા (નં. 3), જબલપુર-ભોપાલ (નં. 12), વારાણસી-નાગપુર (નં. 7), ઝાંસી-સાગર (નં. 26), ધુળે-નાગપુર-કૉલકાતા (નં.6), લખનૌ-ઝાંસી-શિવપુરી (નં. 25), રાયપુર-જગદલપુર (નં. 43) વગેરે અગત્યના રાષ્ટ્રીય ધોરી માર્ગો છે.
આ રાજ્ય દેશના બીજા ભાગો સાથે તેનાં ભોપાલ, ગ્વાલિયર, ઇન્દોર, રાયપુર, જબલપુર, રેવા, બિલાસપુર, ખજુરાહો વગેરે હવાઈ મથકો દ્વારા સંકળાયેલું છે. કેટલાંક હવાઈ મથકો મુંબઈ અને દિલ્હી, વારાણસી અને નાગપુર તેમજ રાયપુર અને ભુવનેશ્વરને જોડતી સૂચિત નિયમિત હવાઈ સેવાઓ સાથે સંકળાયેલા છે.
આ રાજ્ય પહાડો, ટેકરીઓ તથા ગિરિમથકો; નદીઓ, સરોવરો, જળધોધો તથા જંગલો વગેરે જેવાં કુદરતી ભૂમિર્દશ્યોની તેમજ ઐતિહાસિક, ધાર્મિક તથા સાંસ્કૃતિક ભૂમિર્દશ્યોની વિપુલતા ધરાવે છે. આ બધાં દેશ-વિદેશના અનેક પ્રવાસીઓને આકર્ષે છે. તેથી અહીં પ્રવાસન-પ્રવૃત્તિના વિકાસને ઘણો વેગ મળ્યો છે. ઈ. સ. 1992–93માં આશરે 80,51,356 પર્યટકોએ આ રાજ્યની મુલાકાત લીધી હતી અને તે પૈકી લગભગ 61,469 પર્યટકો વિદેશી હતા.
મધ્યપ્રદેશ મનમોહક, રમણીય તથા દિલ–દિમાગને તાજાંમાજાં રાખતાં અનેક સ્થળો ધરાવે છે. સાતપુડા, વિંધ્ય અને મૈકલ પર્વતમાળાઓમાં કેટલાય જળધોધ આવેલા છે, જેમાં ચિત્રકૂટ પ્રપાત, સોનપુડા અને કપિલધારા ધોધ તેમજ ચચાઈ પ્રપાત જાણીતા છે. દૂધ જેવા સફેદ, ચકચકિત અને ભવ્ય આરસના ખડકો વચ્ચે ઊંચાઈએથી પડતાં નર્મદાનાં નીરથી ગર્જના કરતો ભેડાઘાટ પાસેનો ધુંવાધારનો જળધોધ અદભુત નૈસર્ગિક ર્દશ્ય ખડું કરે છે. સાતપુડા પર્વતમાળામાં આવેલું પંચમઢી એ એક બીજું સૌંદર્યધામ–વિહારધામ છે. અહીં દર વર્ષે હજારો પર્યટકો આવે છે. સાગ, સાલ ઉપરાંત વનસ્પતિના અત્યંત વૈવિધ્યને લીધે તેને ‘વનસ્પતિવિજ્ઞાનીઓના સ્વર્ગ’ તરીકેની ઉપમા મળેલી છે. અહીં રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય પ્રાણી અભયારણ્ય આવેલાં છે. વળી આ રાજ્યનું બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન, તેના કિલ્લા, પ્રાગૈતિહાસિક ગુફાઓ અને વન્ય જીવો માટે તેમજ કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન વાઘ તથા બારસિંગાનાં રક્ષણ અને જતન માટે પ્રખ્યાત છે. તેમનો પણ જોવાલાયક સ્થળોમાં સમાવેશ થાય છે.
મધ્યપ્રદેશ તેના કિલ્લાઓ, મંદિરો, મહેલો, સ્તૂપો, ગુફાઓ અને પ્રાચીન સ્મારકોનો ખજાનો ધરાવે છે એમ કહીએ તો જરાયે અતિશયોક્તિભર્યું નથી. ગ્વાલિયર, માંડુ, દાતિયા, ચંદેરી, જબલપુર, ઓચ્છા, રાયસેન, સાંચી, વિદિશા, ઉદયગિરિ, ભીમબેટકા, ઇન્દોર, ભોપાલ વગેરે તેનાં ભૂતકાળનાં સ્મારકો માટે પ્રખ્યાત છે. ભોપાલ પાસે આવેલા સાંચીના વિશાળ બૌદ્ધ સ્તૂપનાં દ્વાર અને તોરણ શિલ્પ અને સ્થાપત્યકળાના ઉત્કૃષ્ટ નમૂના છે. તેના પર બુદ્ધનાં જીવન અને પૂર્વજીવનની કથાઓનું આલેખન કરવામાં આવેલું છે. એવી જ રીતે મહેશ્વર, ઓમકારેશ્વર (જ્યોતિર્લિંગ), ઉજ્જૈન (મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ), ચિત્રકૂટ અને અમરકંટક વગેરે તીર્થધામો છે. આ સિવાય છત્તરપુર જિલ્લામાં આવેલાં ખજુરાહોનાં મંદિરો વિશ્વભરમાં અજોડ છે. ખજુરાહો એક વખત ચંદેલા રાજ્યકર્તાઓનું પાટનગર હતું. 9થી 12મી સદીઓ દરમિયાન અહીં મૂર્તિકળા, શિલ્પકળા તથા સ્થાપત્યકળાના ઉત્તમ નમૂનારૂપ 85 મંદિરો બાંધવામાં આવ્યાં હતાં, પણ હાલમાં માત્ર 22 મંદિરો જ હયાત છે. ઈ. સ. 1996માં ખજુરાહોની 2.69 લાખ પર્યટકોએ મુલાકાત લીધી હતી. તે પૈકીના 69,000 પર્યટકો વિદેશી હતા. આ ઉપરાંત ઓચ્છા, ભોજપુર તથા ઉદયપુરનાં મંદિરો પણ યાત્રિકોને આકર્ષે છે. વળી મહુ (Mhow) પાસેની બાઘ(Bagh)ની ચિત્રાંકિત ગુફાઓ બૌદ્ધ વિહાર માટે નિર્ણીત થયેલી હતી. ઉદયગિરિની ગુફાઓ કળા અને કોતરકામની ર્દષ્ટિએ અગત્ય ધરાવે છે. આ સિવાય ધાર પાસેનાં માંડુનાં મહેલો અને મસ્જિદો જોવાલાયક છે. પ્રસિદ્ધ ગાયકબેલડી બાજબહાદુર અને રૂપમતી માંડુનાં હતાં. એમના મહેલો તથા બીજી ઇમારતો અને ખંડિયેરો હજી માંડુમાં છે. એવી જ રીતે ઉજ્જૈનમાં જયપુરના રાજા જયસિંહે બંધાવેલી વેધશાળા હજુ ઊભી છે. આ રાજ્યમાં તેના ભવ્ય ભૂતકાળનો શિલ્પ અને સ્થાપત્યોનો વારસો અનેક સ્થળે સંગ્રહાલયોમાં સચવાયેલો જોવા મળે છે. સતના, સાંચી, વિદિશા, ગ્વાલિયર, ઇન્દોર, મંદસોર, ઉજ્જૈન, રાજગઢ, ભોપાલ, જબલપુર, રાયપુર, બિલાસપુર, રેવા અને બીજાં અનેક સ્થળોએ આવાં સંગ્રહાલયો આવેલાં છે.
વસ્તી અને વસાહતો : આ રાજ્યમાં વિવિધ જાતિઓ, ધર્મો અને ભાષાઓ બોલતા આશરે 6,61,81,000 (ઈ.સ. 1991) લોકો વસવાટ કરે છે. તેનું વસ્તીવિતરણ અત્યંત અસમાન છે અને દર ચો. કિ. મીટરે સરેરાશ વસ્તીગીચતાનું પ્રમાણ 149 વ્યક્તિઓનું છે. મહા નદી-ખીણ, ઉપલી વૈનગંગા-ખીણ, નીચલી ચંબલ-ખીણ, નર્મદા-ખીણ તથા પશ્ચિમ મધ્યપ્રદેશના માળવાના ઉચ્ચપ્રદેશનાં છૂટાંછવાયાં ક્ષેત્રોમાં ગીચ વસ્તી જોવા મળે છે. અહીંના 20 %થી વધુ લોકો અનુસૂચિત જનજાતિના છે. તેમાં ભીલ, બૈગા, ગોંડ, કોરકુ, કોલ, કમર અને મારિયા વગેરે આદિવાસીઓ છે. આ રાજ્યની આશરે H ભાગની વસ્તી ગ્રામીણ છે. મુખ્ય શહેરી વસાહતો રાજ્યના મધ્ય અને પશ્ચિમ ભાગના જબલપુર, છીંદવાડા અને હોશંગાબાદ જિલ્લાઓમાં આવેલી છે. આમ છતાં ખનિજસંપત્તિ ધરાવતા અવિકસિત પ્રદેશોમાં હવે સૌથી વધુ વસ્તીવધારો નોંધાયો છે. તેમાં અગ્નિ અને પૂર્વના ખાસ કરીને દુર્ગ, રાયપુર, શાહડોલ, સરગુજા વગેરે જિલ્લાઓનો સમાવેશ થાય છે.
આ રાજ્યમાં ઇન્દોર (11,04,065), ભોપાલ (10,63,662), જબલપુર (8,87,188), ગ્વાલિયર (7,20,068), ઉજ્જૈન (3,67,154), રાયપુર (4,61,851), દુર્ગ-ભિલાઈનગર (6,88,670), સાગર (2,56,878) અને બિલાસપુર (2,33,570) એ મોટાં નગરો છે. આ ઉપરાંત રતલામ, બુરહાનપુર, દેવાસ, સતના, મોરેના, ખંડવા, રેવા, રાજનાંદગાંવ, ભીંડ, શિવપુરી, દામોહ, ગુના વગેરે અન્ય નગરો છે. એકંદરે જોતાં આ બધાં નગરો ઔદ્યોગિક ર્દષ્ટિએ વિકાસ પામેલાં છે. વળી ગ્વાલિયર, ઉજ્જૈન અને સાગર એ શૈક્ષણિક ર્દષ્ટિએ આગળપડતું સ્થાન ધરાવે છે.
મધ્યપ્રદેશની સત્તાવર ભાષા હિન્દી છે, જેનો મોટાભાગના પ્રદેશોમાં ઉપયોગ થાય છે. બાઘેલખંડ, સાતપુડા, છત્તીસગઢ તથા ઉપલી નર્મદા-ખીણમાં પૂર્વીય હિન્દી, અવધી, બાઘેલી, છત્તીસગઢી વગેરે બોલીઓ બોલાય છે. બુન્દેલી એ પશ્ચિમી હિન્દી બોલી છે, જેનો ઉપયોગ મધ્ય તથા વાયવ્યના જિલ્લાઓમાં થાય છે. માળવી બોલીને કેટલેક અંશે પશ્ચિમી હિન્દી તરીકેની માન્યતા મળેલી છે, જે પશ્ચિમ મધ્યપ્રદેશમાં બોલાય છે. ભીલ લોકો ભીલી અને ગોંડ લોકો ગોંડી બોલીઓ બોલે છે. આ સિવાય આ રાજ્યમાં મરાઠી, ઉર્દૂ, ઊડિયા, ગુજરાતી અને પંજાબી ભાષાઓનો પણ વપરાશ છે. વળી અલ્પ પ્રમાણમાં તેલુગુ, બંગાળી, તમિળ અને મલયાળમ ભાષાઓ પણ બોલાય છે.
આ રાજ્ય 14 જેટલી યુનિવર્સિટીઓ ધરાવે છે, જે રેવા, ઇન્દોર, બિલાસપુર, ગ્વાલિયર, ઉજ્જૈન, ચિત્રકૂટ, સાગર, રાયપુર (કૃષિ), ભોપાલ, ખૈરાગઢ (સંગીત) અને જબલપુર (કૃષિ) ખાતે આવેલી છે. વળી જબલપુર જિલ્લાના કરોન્દી ખાતે મહર્ષિ મહેશ યોગી વૈદિક યુનિવર્સિટી પણ છે. આ સિવાય અહીં 13 ઇજનેરી તથા 6 તબીબી કૉલેજો પણ છે.
ધર્મની ર્દષ્ટિએ જોઈએ તો આ રાજ્યના મોટાભાગના લોકો હિન્દુ ધર્મ પાળે છે. આ પછી મુસ્લિમ, જૈન, ખ્રિસ્તી અને બૌદ્ધ ધર્મો પાળતા લોકોનો ક્રમ આવે છે. શીખ ધર્મ પાળતા લોકોનું પ્રમાણ અલ્પ છે.
અહીંના લોકો ઋતુ પ્રમાણે આવતા પરંપરાગત વિવિધ તહેવારોની તથા મેળાઓની ઉજવણી કરે છે. આ પૈકી બસ્તરના આદિવાસીઓ દશેરાનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઊજવે છે. મંદસોર તથા ઉજ્જૈનના મેળાઓ પ્રખ્યાત છે. ઉજ્જૈનમાં દર બાર વર્ષે ક્ષિપ્રા નદીકાંઠે કુંભમેળો ભરાય છે. એવી જ રીતે ખજુરાહો, ભોજપુર, પંચમઢી, ઉજ્જૈન વગેરેમાં શિવરાત્રિના તેમજ ચિત્રકૂટ અને ઓરછામાં રામનવમીના તહેવારોની ઉજવણી થાય છે. આ ઉપરાંત પાટનગર ભોપાલમાં સરોવરકાંઠે ભારત-ભવન નામનું એક વિશિષ્ટ અને વિવિધલક્ષી સાંસ્કૃતિક સંકુલ સ્થાપવામાં આવ્યું છે, જ્યાં જુદાં જુદાં ક્ષેત્રોના નિષ્ણાત કળાકારોના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તે અનેક સંકુલો ઉપરાંત સંગ્રહાલય, પુસ્તકાલય, ઓપન એર થિયેટર તથા સંખ્યાબંધ શિબિર-ખંડોની સુવિધાઓ ધરાવે છે. આ રાજ્યમાં વાર્ષિક સાંસ્કૃતિક સમારોહોનું પણ આયોજન થાય છે. તે પૈકી ઉજ્જૈનનો કળા અને નાટકનો કાલિદાસ-સમારોહ; મૈહરનો ઉસ્તાદ અલાઉદ્દીનખાન સંગીત-સમારોહ તેમજ ખજુરાહોનો નૃત્ય-મહોત્સવ નોંધપાત્ર છે. આ બધા સમારોહોમાં ભારતભરનાં કળાકારો ભાગ લે છે.
ઐતિહાસિક ભૂમિકા : પ્રાચીન સમયમાં આ પ્રદેશમાં આદિ જાતિના લોકો અથવા નિષાદો વસવાટ કરતા હતા. આશરે ઈ. પૂ. 1000ની આસપાસના સમયમાં આર્યો વિંધ્યાચળ ઓળંગીને દક્ષિણ ભારતના વિદર્ભ, આંધ્ર, ચેર, ચોલ, પાંડ્ય વગેરે પ્રદેશો તરફ આગળ વધ્યા. આમ વિંધ્યાચળ એ આર્યાવર્ત તથા તેની દક્ષિણે આવેલા પ્રદેશોની સીમારૂપ હતો. વિંધ્યાચળ અને અગત્સ્ય મુનિના કથાનકમાં આર્યોનું મધ્યપ્રદેશમાં થઈને દક્ષિણાભિગમન સૂચિત થાય છે. રામવનવાસનું ક્ષેત્ર દંડકારણ્ય પણ અહીં જ વિસ્તરેલું હતું તેમજ તેમાં જુદા જુદા ઋષિઓના આશ્રમો પણ હતા.
મૌર્યકાળ(ઈ. પૂ. 323–184)માં ચંદ્રગુપ્તના અને તે પછી અશોકના સમયમાં મધ્યપ્રદેશ એ એના સામ્રાજ્યનું અંગ હતું. ચંદ્રગુપ્ત પહેલાના સમયમાં અહીં અવંતી, માલવ અને ચેદી નામનાં લોકરાજ્યો કે જનપદો પણ હતાં. બિન્દુસારના સમયમાં તેનો પુત્ર અશોક ઉજ્જયિની(હાલના ઉજ્જૈન)માં રાજ્યપાલ તરીકે હતો અને તેની મહારાણી શ્રીદેવી અહીંના વિદિશા(હાલના ભીલસા)ની હતી. બૌદ્ધ કાળના અવશેષો આજે ભોપાલ પાસે સાંચીમાં જોવા મળે છે. બુદ્ધના બે પટ્ટશિષ્યોનાં અસ્થિઓ પર આ સ્તૂપ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. સ્તૂપનું પ્રવેશદ્વાર તે સમયની શિલ્પ અને સ્થાપત્યકળાની ઉત્કૃષ્ટતાનું પ્રતીક છે. ગુપ્ત સામ્રાજ્યમાં ઉજ્જૈનનું મહત્વ વિશેષ હતું. ચોથી સદીમાં થઈ ગયેલા ગુપ્ત વંશના સમ્રાટ ચંદ્રગુપ્ત (બીજો), જે વિક્રમાદિત્ય બીજા તરીકે ઓળખાય છે, તેની આસપાસ અનેક પ્રકારની કથાઓ ગૂંથાયેલી છે. આ વિક્રમાદિત્ય બીજા પરથી વિક્રમ સંવત ચાલુ કરવામાં આવ્યો હોય તેવું કેટલાક વિદ્વાનોનું માનવું છે.
ગુપ્ત સામ્રાજ્યના અસ્ત પછી મધ્ય એશિયામાંથી હૂણો ચડી આવ્યા. ત્યારપછી પ્રતિહાર અને પરમાર જેવા વંશોના રાજાઓએ માળવા અને મધ્યપ્રદેશના બીજા ભાગો પર રાજ્ય કર્યું. તે પૈકી સાહિત્ય અને કળાના પ્રોત્સાહક તથા મહાન રાજ્યકર્તા ભોજનું નામ પ્રખ્યાત છે. વળી અહીં આદિવાસી ગોંડ રાજાઓનું પણ શાસન હતું અને 1294માં અલાઉદ્દીન ખલજીએ મધ્યપ્રદેશના ઘણા મોટા ભાગો પર મુસ્લિમ સત્તા સ્થાપી. ત્યારપછી જુદા જુદા સુલતાનોએ અહીં સ્વતંત્ર રાજ્યો સ્થાપ્યાં. તેમાં માંડુનું રાજ્ય તેની બાંધકામ-પ્રવૃત્તિ માટે જાણીતું છે. મુઘલ સમયમાં કેન્દ્રીય સત્તા સામે અહીં ઘણા બળવા થયા. મરાઠા સત્તાના વિસ્તરણમાં ઇંદોર તથા ગ્વાલિયરમાં હોલકર અને સિંધિયાના રાજાઓનું રાજ્ય હતું. આ સિવાય બીજાં નાનાંનાનાં મરાઠા રાજ્યો પણ અહીં હતાં. આ ઉપરાંત ચંબલ તથા નર્મદા વચ્ચેનો ભારતનો મધ્યપ્રદેશ મરાઠા શાસન હેઠળ હતો. ઈ. સ. 1857ના સ્વાતંત્ર્ય-સંગ્રામ પછી ઈ. સ. 1861માં અંગ્રેજોએ અહીં મધ્યપ્રાન્તની રચના કરી. આ પ્રદેશ પીંઢારાઓની કર્મભૂમિ હતી. ઔરંગઝેબ પછીના સમયમાં જુદી જુદી કોમ અને જાતિઓના એ લોકોએ પ્રજાને રંજાડવાનું કાર્ય કર્યું. છેવટે ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં અંગ્રેજોએ પીંઢારાઓનો ત્રાસ દૂર કર્યો. આ પ્રદેશમાં ઇન્દોર તથા ગ્વાલિયર તેમજ બીજાં રજવાડાંનું અસ્તિત્વ જળવાઈ રહ્યું. ઈ. સ. 1903માં વરાડ(વિદર્ભ)ના ચાર જિલ્લા મધ્યપ્રાંતમાં જોડી દેવામાં આવ્યા. ભારતે સ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યું તે પછી દેશી રજવાડાંના એકીકરણમાં રેવા અને પન્ના જેવાં રાજ્યોનું ‘વિંધ્યપ્રદેશ’ એકમ બન્યું. બીજી બાજુ ગ્વાલિયર, ઇન્દોર, દેવાસ અને રતલામ જેવાં રજવાડાંને મધ્યભારત નામના નવા રાજ્યસંઘમાં સમાવવામાં આવ્યાં. તે પછી ઈ.સ. 1956માં રાજ્યોનું પુનર્ગઠન થયું ત્યારે મધ્યપ્રાંતમાંથી વિદર્ભનો ભાગ મહારાષ્ટ્રમાં (તે વખતના દ્વિભાષી મુંબઈમાં) મેળવી દેવાયો અને બાકીનો વિસ્તાર મધ્યપ્રદેશ, મધ્ય ભારત, વિંધ્યપ્રદેશ અને ભોપાલ-આ ચાર વિસ્તારોનો એક નવો અને બૃહદ્ મધ્યપ્રદેશ બન્યો. તેનું પાટનગર ભોપાલ રાખવામાં આવ્યું. આ પરિસ્થિતિમાં એકીકરણ અને તેમાંથી ઉદભવતા પ્રશ્નો મધ્યપ્રદેશ માટે ઘણા અગત્યના બન્યા. આવા ખૂબ જ વિશાળ પ્રદેશમાં વિવિધ સ્તરની શાસનવ્યવસ્થા તેમજ ભિન્નભિન્ન વિસ્તારોની અર્થવ્યવસ્થાને એકરૂપતા આપવાનું કાર્ય ઘણું જ કપરું હતું. વળી આ વિશાળ વિસ્તારમાં વસવાટ કરતા જુદા જુદા લોકોને એકસૂત્રે બાંધવાની જવાબદારી આ રાજ્યના શિરે આવી પડી.
પૂર્વ વિસ્તારની આદિવાસી જનજાતિઓની લાંબા સમયની અલગ રાજ્યની માગણીને ધ્યાનમાં લઈને ‘છત્તીસગઢ’ રાજ્યની રચના અંગેનો ખરડો લોકસભામાં પસાર કરવામાં આવ્યો. આમ 1લી નવેમ્બર 2000ના રોજ મધ્યપ્રદેશમાંથી નવું છત્તીસગઢ નામનું અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું છે. આજે છત્તીસગઢની વસ્તી 1.76 કરોડ જેટલી છે તથા તેની 85 % વસ્તી ગામડાંઓમાં વહેંચાયેલી છે. તેનું કામચલાઉ પાટનગર રાયપુર રાખવામાં આવ્યું છે.
બીજલ પરમાર