મધ્યકાલીન દખ્ખણની ચિત્રકલા

May, 2023

મધ્યકાલીન દખ્ખણની ચિત્રકલા : દખ્ખણી જૂથની બિજાપુર, અહમદનગર અને ગોવળકોંડાના ત્રણ મુખ્ય રાજદરબારોમાં પાંગરેલી ચિત્રશૈલીઓ. દખ્ખણી શૈલીઓ મુઘલ ચિત્રકલાની સમકાલીન હતી. એમાં રૂઢ સ્વરૂપો ખરેખર વિજયનગર અને પૂર્વવર્તી શૈલીઓમાંથી અને સંભવતઃ બહમની દરબારનાં ચિત્રોમાંથી રૂપાંતરિત થઈ આવેલાં હોવાનું આ પ્રકારની ‘નુજૂમ-ઉલ્-ઉલૂમ’ની સચિત્ર હસ્તપ્રત પરથી જણાય છે. આમ છતાં સંખ્યાબંધ ચિત્રો – ખાસ કરીને વ્યક્તિચિત્રો આશરે ઈ. સ. 1600થી દખ્ખણનાં મુખ્ય ત્રણ રાજદરબારો – બિજાપુર, અહમદનગર અને ગોવળકોંડામાં બનવા શરૂ થયા. અનેક છૂટાંછવાયાં ચિત્રો પણ દેખાયાં. દખ્ખણમાંથી આ ચિત્રશૈલીઓ, એશિયા સાથેના સીધા સાંસ્કૃતિક સંપર્કોને લઈને તુર્કમાન શૈલીથી ભારે પ્રભાવિત થઈ પશ્ચાદભૂમિકાના નિરૂપણ ઉપરથી આ બાબત સ્પષ્ટ થાય છે. તબક્કાના પ્રારંભથી દખ્ખણી સુલતાનોએ તલસ્પર્શી અનન્ય ભાવને કારણે ભારતીય સંસ્કૃતિ દક્ષિણમાં વિદેશી અસર સામે ઓછી ગ્રહણક્ષમ બની. આમ છતાં ઉપર્યુક્ત ત્રણે શાહી દરબારોમાં બિજાપુર દરબારની ચિત્રકલાએ ઇબ્રાહીમ આદિલ શાહ (ઈ. સ. 1580–1627)ના આશ્રય નીચે નવા શિખર સર કર્યાં. ઇબ્રાહીમ પોતે ભારતીય સંગીત, ધાર્મિક વિચારધારા અને કાવ્યનો ચાહક હતો. તેના યૌવનના પ્રારંભથી માંડીને અંતિમ દિવસો સુધીના વ્યક્તિગતચિત્રો પણ મળ્યાં છે. આ ચિત્રકલાની સાદી સરળ ભાવના અને તેના રંગીન સ્વરૂપ ધીમે ધીમે મુઘલ પ્રભાવને લઈને ઝાખાં પડવા લાગ્યાં. બિજાપુર અને અહમદનગરનાં ઉત્તરકાલીન ચિત્રો પર જહાંગીર પ્રભાવ ઠીક ઠીક વરતાય છે. જોકે રંગની પસંદગી અને પશ્ચાત ભૂમિકાના નિરૂપણમાં કેટલેક અંશે પુરાણી પરંપરા ચાલુ રહી હતી. નિઝામશાહી સલ્તનતના પતન (ઈ. સ. 1636) પછી પણ બિજાપુર શૈલી મુઘલ પ્રભાવમાં રહી એ બાબત મુહમ્મદ આદિલ શાહ(ઈ. સ. 1627–1657)નાં વ્યક્તિચિત્રો  પરથી દૃષ્ટિગોચર થાય છે. એ જ શૈલી શિવાજીના દરબારમાં પણ ચાલુ રહી.

પ્રવીણચંદ્ર પરીખ