મધુસૂદનદાસજી મહારાજ (જ. 1902, દુર્ગાડિહ, જિ. શાહબાદ, બંગાળ; અ. 29 ઑગસ્ટ 1994) : ધ્યાનયોગી સંત. પૂર્વાશ્રમનું નામ કાશીનાથ. માતા સંપત્તિદેવી અને પિતા શ્રીરામદહિનજીનું આઠમું સંતાન.
અગિયાર વર્ષની ઉંમરે કાશીનાથે ગૃહત્યાગ કર્યો. તેઓ પગપાળા કાશી પહોંચ્યા; પરંતુ ત્યાં એક સાધુ દ્વારા તેઓ ઓળખાઈ જતાં ફરી પાછા પોતાને ઘેર પાછું ફરવું પડ્યું. ઘરે તેમને યજ્ઞોપવીત આપવામાં આવ્યું અને ફરીથી ભણવા માટે શાળામાં મૂક્યા. વળી તે સાથે લગ્નબંધનની વાતો પણ શરૂ થઈ. આથી 1915માં તેર વર્ષની ઉંમરે તેમણે પુન: ગૃહત્યાગ કર્યો. ભારતમાં અનેક સ્થળોએ પરિભ્રમણ કર્યું. અનેક યાતનાઓ વેઠી. ઇષ્ટદેવ ભગવાન રામચંદ્ર અને હનુમાનજીમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખી. ચિત્રકૂટમાં કોઈ અજ્ઞાત મહાત્મા દ્વારા કાશીનાથ ‘મધુસૂદનદાસજી’ એવું નામાભિધાન પામ્યા. ત્યારથી તેઓ ‘મધુસૂદનદાસજી’ કે ‘ધ્યાની મહારાજ’ તરીકે જાણીતા થયા.
છેલ્લે રામેશ્વર છોડ્યા બાદ તેમણે ઉજ્જૈનમાં પણ વાસ કર્યો. ગુજરાત આવતાં આબુની જુદી જુદી પાંચ ગુફાઓમાં દસેક વર્ષ તેમણે સાધના કરી.
તેઓ ઝાલોર ખાતે પણ દોઢેક વર્ષ રહેલા. કાશીથી શરૂ થયેલું તેમનું પરિભ્રમણ ઝાલોર પાસે બંધવડની ભૂમિ પર વિરામ પામ્યું. આજે બંધવડ એક યાત્રાધામ બની ગયું છે.
હાલ સાબરમતી નદીના કાંઠે ‘શ્રી મધુસૂદન ધ્યાનયોગ નિકેતન’ શરૂ થયું છે. મુંબઈમાં પણ ‘શ્રીધ્યાનમંડળ’ ચાલે છે. મધુસૂદનદાસજી ધ્યાનયોગને ભવરોગનું નિવારણ કરનારી મહાન ઔષધિ કહેતા હતા અને ધ્યાનયોગ બધી સાધનાપદ્ધતિઓમાં સહજ અને સુલભ હોવાનું પ્રતિપાદિત કરતા હતા. જાહેર પ્રવચનો આપવાને બદલે તેઓ મુમુક્ષુઓને ધ્યાનમાર્ગે સ્થિર થવામાં સરળ ભાષામાં સબળ માર્ગદર્શન આપતા હતા.
શ્રી મધુસૂદનદાસજી માત્ર આધ્યાત્મિક ઉન્નતિ કે આત્મવિકાસની દિશામાં જ કદમ માંડીને સંતોષ ન પામતાં મૂંગા જીવોને પોષવા માટેની પ્રવૃત્તિઓ પણ કરતા હતા અને તે માટે લાંબા પ્રવાસ પણ કરતા હતા. સમાજકલ્યાણની પ્રવૃત્તિમાં પણ તેમણે મહત્વનો ફાળો આપ્યો છે. ઉત્તર ભારત, રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં તેમના શિષ્યો મોટી સંખ્યામાં જોવા મળે છે.
નલિની દેસાઈ