મધ : મધમાખીઓ દ્વારા વિવિધ પુષ્પોમાંથી ચુસાયેલા રસમાંથી તૈયાર થયેલ સ્વાદિષ્ટ અને સુગંધિત પદાર્થ (સં. મધુ.; મ. ગુ. મધ; હિં. મધુ., શહદ; ક. જેનુ તપ્પ; તે. તેની મલા; ત. તેન; અં. હની; લૅ. મેલ). મધપૂડામાં વસતી કામદાર માખીઓ ઇયળમાંથી બહાર નીકળ્યા પછી શરૂઆતના દિવસોમાં મધપૂડાનું સફાઈનું, ઇયળોને ખોરાક આપવાનું, મધપૂડામાં ખાનાંઓ બાંધવાનું અને ખાનાંઓ પર ચોકીપહેરાનું કામ કરે છે. ઇયળમાંથી બહાર નીકળ્યા પછી પંદરેક દિવસે આ કામદાર માખીઓ મધ-સંચયના કાર્યમાં જોડાવા શારીરિક પરિપક્વતા ધારણ કરતી હોય છે. તે પુષ્પોની મધુગ્રંથિમાંથી શર્કરાયુક્ત ખોરાકના રૂપાંતરિત સ્વરૂપનું અને વનસ્પતિના અન્ય સ્રાવોનું વ્યવસ્થિત રીતે એકત્રીકરણ કરી મધુપુટ(honey sac)માં તેનો સંગ્રહ કરે છે, જ્યાં મધુરસ(nectar)નું ઇન્વર્ટેઝ નામના ઉત્સેચકની મદદથી ડેક્સ્ટ્રોઝ અને લેવ્યુલોઝમાં રૂપાંતર થાય છે. ત્યારપછી તે મધપૂડાના ખાનામાં આ રૂપાંતરિત મધુરસ બહાર કાઢે છે, જ્યાં મધમાખીની પાંખોના સમક્રમિત (synchronised) હલનચલન દ્વારા તેનું નિર્જલીકરણ (dehydration) થાય છે અને પાકા મધ તરીકે મધપૂડાનાં ખાનાંઓમાં સંગ્રહ કરી તેને સીલ કરવામાં આવે છે. એક વૈજ્ઞાનિક અંદાજ પ્રમાણે, લગભગ 1,000 માખીઓ 25 લાખ પુષ્પોમાંથી મધુરસ ચૂસી લાવે ત્યારે એક કિલોગ્રામ મધ બને છે અને સરેરાશ 80થી 85 મિગ્રા. વજન ધરાવતી એક કામદાર માખી પોતાની સાથે લગભગ 75 મિગ્રા. જેટલો મધુરસ ખેંચી જઈ શકતી હોય છે. મધુરસના સંચય દરમિયાન તે વનસ્પતિમાં પરાગનયન(pollination)ની પ્રક્રિયા કરે છે, જેથી વનસ્પતિમાં ફલનની પ્રક્રિયા શક્ય બને છે.
મધનો રંગ અને સુગંધ પુષ્પીય સ્રોત (floral source) ઉપર આધાર રાખે છે. ગીમટો (Plectanthus rugosus Wall.) અરીઠા (Sapindus mukorossi Gaertn. syn. S. detergens Roxb.) અને વ્હાઇટ ક્લોવર(Trifolium repens Linn.)માંથી મેળવેલું મધ આછા રંગનું અને અલ્પસુગંધિત હોય છે. રાઈ(Brassiajuncea Linn.)માંથી મેળવેલું મધ પીળું અને સપ્રમાણ સુગંધીવાળું હોય છે. દારૂહળદર (Berberis lycium Royle.) અને ફાફરા- (Fagopyrum esculentum Moench.)માંથી પ્રાપ્ત કરેલું મધ ઘેરા રંગનું અને પ્રબળ સુગંધીવાળું હોય છે. સીસમ(Dalbergia sissoo Roxb.)માંથી મેળવેલું મધ ઘેરા અંબર (amber) રંગનું અને પ્રબળ સુગંધીવાળું હોય છે.
એક જ વનસ્પતિજાતિમાંથી પ્રાપ્ત થતા મધને એક-પુષ્પીય (unifloral) મધ અને વિવિધ પુષ્પીય સ્રોતોમાંથી મેળવાયેલા મધને બહુ-પુષ્પીય (multifloral) મધ કહે છે. પશ્ચિમ ઘાટમાં નોંધાયેલાં એક-પુષ્પીય મધ પીસા (Actinodaphne angustifolia Nees. syn. A. hookeri Meissn), ‘કારવી’ [Carvia callosa (Nees.) Bremek.], જાંબુ (Syzygium cuminii Skeels, syn. Eugenia jambolana Lam.), બુરંબી (Leucas stelligera Wall.), આક્રા [Nilgirianthus heyneanus (Nees.) Bremek. var. Neesi Bremek.], ખારવાર (N. reticulatus Bremek.), પાંગલ (Pogostemon parviflorus Benth.), મીંઢળ [Xeromorphis spinosa (Thunb.) Keay syn. Randia dametorum (Retz.) Lam.] અને હીરડા [Thelepaepale ixiocephala (Benth.) Bremek.]માંથી મેળવવામાં આવે છે.
એક-પુષ્પીય મધ તેમના ભૌતિક-રાસાયણિક ગુણધર્મોની ર્દષ્ટિએ વૈવિધ્ય દર્શાવે છે. બુરંબી મધ સફેદ, પીસા અને લીમડાનું મધ ઘેરું અંબર રંગનું અને Terminalia sp.નું મધ આછા પીળા રંગનું હોય છે. લીચી(Litchi chinensis Sonn. syn. Nephelium litchi Cambess.)નું મધ ગુલાબ જેવી સુંગધ ધરાવે છે. ‘સરગવા’(Moringa olefera Lam. syn. M. pterygosperma Gaertn.)નું મધ અલ્પસુગંધિત અને જાંબુનું મધ ઉગ્ર સુગંધીવાળું હોય છે. લીચી અને સરગવાના મધનો સ્વાદ આહલાદક અને જાંબુના મધનો સ્વાદ તીખો હોય છે. મધનું વિશિષ્ટ ગુરુત્વ 1.400થી 1.433 જેટલું અને ‘Taraxacum’ મધની શ્યાનતા (viscosity) ખૂબ ઓછી અને Gonolobus sp. મધની શ્યાનતા વધારે હોય છે. ‘કારવી’ મધ પ્રતિવર્તી (reversible) શ્યાનતા દાખવે છે. નીલગિરિ [Eucalyptus ficifolia F. muell.] અને ફાફડા થોર(Opuntia engelmanni Salm. Dyek.)નું મધ કેટલાક મીટર લાંબા તાંતણાઓમાં ખેંચી શકાય છે. આ ગુણધર્મને કાંતણ-શક્તિ (spinnability) કહે છે. ‘પદ્મ’ કે ‘કમળ’નું મધ ખૂબ ઊંચા ભાવે વેચવામાં આવે છે; પરંતુ કમળ(Nelumbo Mucifera Gaertn. syn. N. speciousum Willd.)નાં પુષ્પો મધુરસ ઉત્પન્ન કરતાં નથી. પદ્મ વૃક્ષ(Prunus cerasifera Ehrh. syn. P. puddum Roxb. ex. Braudis)નું મધ ‘પદ્મ’ કે ‘કમળ’ના મધ તરીકે વેચાતું હોવાની શક્યતા છે.
મધપૂડાના ખાનામાં રહેલું પાકું મધ સ્પર્શરેખીય (tangential) કે અરીય (radial) મધ-નિષ્કર્ષક (exractor) દ્વારા નિષ્કર્ષિત કરવામાં આવે છે. તેને 1.4 મિમી.ના કદનાં છિદ્ર ધરાવતી ગળણી વડે ગાળવામાં આવે છે. જુદા જુદા મધપૂડામાંથી મેળવેલું મધ એકત્રીકરણ (pooling) અને પ્રક્રમણ (processing) કેન્દ્રોમાં પહોંચાડવામાં આવે છે. જુદા જુદા વર્ગનું મધ એકત્રિત કરી પ્રત્યેક વર્ગના મધની સુગંધ, વિશિષ્ટ ગુરુત્વ અને મલિનતા (turbidity) માપવા ભૌતિક-રાસાયણિક કસોટીઓ કરવામાં આવે છે. આ પરીક્ષિત (tested) મધને 37° સે.થી 43° સે. તાપમાને ગરમ કરી 500 માઇક્રૉન અને 300 માઇક્રૉનની ગળણીઓ દ્વારા ગાળવામાં આવે છે. તેનું ફરીથી ગાળણ થઈ શકે અને આથવણ અને કણિકાયન (granulation) અટકાવી શકાય તે માટે તેનું પ્રક્રમણ કરવામાં આવે છે. પ્રક્રમિત (processed) મધમાંથી સૂક્ષ્મ અશુદ્ધિઓ દૂર કરવા માટે તેનું પુનર્ગાળણ કરવામાં આવે છે. ચોક્કસ વર્ગના મધની શ્રેણીબદ્ધ કસોટીઓ કર્યા પછી પ્રક્રમિત મધનું કાચ, ટીન કે પૉલિએથિલીનના પાત્રમાં પરિવેષ્ટન (packing) કરવામાં આવે છે. મેક્સિકો, આર્જેન્ટીના, ઑસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા દેશોમાં સારી જાતનું મધ બને છે.
મધ મુખ્યત્વે ડેક્સ્ટ્રોઝ અને ફ્રુક્ટોઝ, પાણી, થોડાક પ્રમાણમાં સુક્રોઝ અને ખનિજ દ્રવ્ય ધરાવે છે. શુદ્ધ મધમાં ફ્રુક્ટોઝ વધારે પ્રમાણમાં હોવાથી તે વામાધૂર્ણી (laevorotatory) હોય છે. મધમાં ઉત્સેચકો, પ્રજીવકો, પરાગરજ, પ્રોટીન, ઍસિડ, રંજકદ્રવ્ય, ડેક્સ્ટ્રીન, માલ્ટોઝ, મેલેઝીટોઝ, પેન્ટોસન અને ગુંદર હોય છે. બજારના મધના એક નમૂનાનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 20.6 %; પ્રોટીન 0.3 %; કાર્બોદિતો 79.5 %; ખનિજ દ્રવ્ય 0.2 %. આ મધમાં કૅલ્શિયમ 5.0 મિગ્રા.; ફૉસ્ફરસ 16.0 મિગ્રા.; લોહ 0.9 મિગ્રા.; રાઇબોફ્લેવિન 0.04 મિગ્રા.; નાયેસિન 0.2 મિગ્રા. અને પ્રજીવક ‘સી’ 4.0 મિગ્રા./100 ગ્રા. હોય છે. વીલો હર્બ (Epilobium angustifolium) અને રાસ્પબેરીના મધમાંથી 26 જેટલાં અલ્પ તત્વો (trace elements) મેળવી શકાયાં છે. રંજક દ્રવ્યોમાં કૅરોટીન, ક્લૉરોફિલ, ઝેન્થોફિલ, ઍન્થોસાયનિન અને ટૅનિનનો સમાવેશ થાય છે. મધમાં ફૉર્મિક, એસેટિક, મૅલિક, સાઇટ્રિક, સક્સિનિક, લૅક્ટિક, ટાર્ટરિક, ઑક્સૅલિક અને ફૉસ્ફૉરિક ઍસિડ મળી આવે છે. ઇટાલિયન મધમાં પામિટિક, ઓલિક અને લિનોલિક ઍસિડ નામના ફૅટી ઍસિડ અને યુ.એસ.ના લવિંગના મધમાં મુખ્ય ઍસિડ તરીકે ગ્લુકોનિક ઍસિડ હોય છે. ઍસિડનું પ્રમાણ 1% કરતાં ઓછું હોવા છતાં તેની સુગંધ પર ભારે અસર હોય છે. મધમાં ઇન્વર્ટેઝ, ડાયાસ્ટેઝ, ઍમાઇલેઝ અને કૅટાલેઝ નામના ઉત્સેચકો હોય છે. વધારેપડતા ભેજની હાજરીમાં આ ઉત્સેચકો આથવણની પ્રક્રિયા કરે છે.
મધનું અપમિશ્રણ (adulteration) શેરડી, મકાઈના મુરબ્બા કે વ્યાપારિક ઇન્વર્ટ ખાંડ દ્વારા કરવામાં આવે છે. શેરડી અને મકાઈનો મુરબ્બો દક્ષિણાવર્ત ધૂર્ણક (dextrorotatory) હોવાથી મધમાં તેની હાજરી સરળતાથી શોધી શકાય છે; કારણ કે મધ વામાધૂર્ણી છે. ઇન્વર્ટ ખાંડની હાજરી ફીહે(Fiehe)ની કસોટી દ્વારા શોધી શકાય છે.
આયુર્વેદ અનુસાર સામાન્ય મધ શીત, લઘુ, સ્વાદુ, રુક્ષ, ગ્રાહક, નેત્રોને હિતાવહ, અગ્નિદીપક, વ્રણશોધક, નાડીની શુદ્ધિ કરનારું, સૂક્ષ્મ, રોપણ, મૃદુ, વર્ણકારક, મેધાકર, વિશદ, વૃષ્ય, રુચિકારક, આનંદકારક અને તૂરું છે તથા સહેજ વાતકર અને કોઢ, અર્શ, ઉધરસ, પિત્ત, રક્તદોષ, કફ, મેહ, કૃમિ, મદ, ગ્લાનિ, તૃષ્ણા, ઊલટી, અતિસાર, દાહ, ક્ષતક્ષય, મેદ, ક્ષય, હેડકી, ત્રિદોષ, આધ્માન, વાયુ, વિષ અને મળબંધનો નાશ કરે છે. સર્વ જાતિનું મધ, વ્રણરોપણ, શોધક અને અસ્થિને સાંધનાર છે. ઔષધોમાં જૂના મધનો ઉપયોગ કરવામાં આવે છે. ઘી અને મધ સરખે ભાગે લેવાથી તે વિષ સમાન થાય છે. તે કાન વહેતો હોય તે માટે, કાનમાં બગાઈ કે અન્ય જંતુ ગયું હોય તે ઉપર; વીંછીના વિષ, મેદોરોગ, મુખરોગ, અગ્નિદગ્ધ વ્રણ, રક્તપિત્ત, તૃષારોગ અને ખરસાણી તેમજ ઝેરકોચલાના વિષ ઉપર ઉપયોગી છે.
કુદરતી રીતે મળતા મધ ઉપરાંત હવે તો મધમાખીઓનો ચોક્કસ વાતાવરણમાં મધપેટીઓમાં મોટા પાયા પર ઉછેર કરી મધ પ્રાપ્ત કરવામાં આવે છે. મધ મેળવવા ઉપરાંત મધમાખીઉછેર-કેન્દ્રો ફળોદ્યોગ અને કૃષિ-ઉદ્યોગની ગુણવત્તા અને ઊપજ વધારવામાં મદદરૂપ બને છે. ભારતમાં ખાદી ગ્રામોદ્યોગ બૉર્ડ અને બીજી ઘણી સેવાભાવી સંસ્થાઓ આ ક્ષેત્રમાં ખેડૂતો અને ઉદ્યાનધારકોને સુંદર માર્ગદર્શન અને સહાય પૂરાં પાડી અમૂલ્ય સેવા બજાવે છે.
મૃગેન્દ્ર વૈષ્ણવ
બળદેવભાઈ પટેલ