મદ્રસા-શાહ-સુલતાન હુસન, કેરો (ઇજિપ્ત)
January, 2002
મદ્રસા-શાહ-સુલતાન હુસન, કેરો (ઇજિપ્ત) : 4 ‘ઇવાન’વાળી ભવ્ય મસ્જિદ–મદ્રસા. આ ઇમારતમાં 4 ખૂણે 4 મદ્રસા અને એક બાજુ મસ્જિદનું આયોજન, અગાઉની આવી કોઈ પણ ઇમારત કરતાં વધારે વિશાળતાથી કરાયું છે. આ ઇમારત મામલૂક સમય(1356–1359)માં બંધાયેલ તેમજ ઈરાન અને સીરિયાથી આવેલ કારીગરો દ્વારા તેનું કલાત્મક નિર્માણ થયેલ. આ સંસ્થામાં ‘ઇવાન’ને મદ્રસાના ઉપયોગમાં લેવાને બદલે મસ્જિદ માટે સ્વીકારવામાં આવેલ અને તેને લઈને મસ્જિદની ઇમારતની પ્રચલિત પ્રણાલીમાં એટલે કે સ્તંભોવાળા વિશાળ ખંડો બનાવવામાં સુધારો થયો અને એક નવી શૈલીની શરૂઆત થઈ. આ ઇમારતમાં એક બાજુએ વિશાળ મકબરાનું પણ આયોજન કરાયેલ છે, જે તેના નકશામાં એક બાજુ અલાયદું સ્થાન ધરાવે છે. આ ઇમારતની પાછળ ઇરાકના સાસાનિયન રાજમહેલને ઝાંખો પાડે તેવા ‘ઇવાન’ની રચના કરવાની અને પોતાની પ્રતિષ્ઠા વધારવાની તત્કાલીન સુલતાનની મહેચ્છા હતી.
રવીન્દ્ર વસાવડા