મદ્યવશતા (alcoholism) : દારૂ પીવાની લતે ચડેલ બંધાણીને આરોગ્યલક્ષી, સામાજિક અને આર્થિક રીતે પાયમાલ કરી દે તેવી ટેવનો વિકાર. આથી દારૂ પીનારાને વારંવાર અને વધુ ને વધુ પ્રમાણમાં દારૂ પીવાની ઇચ્છા થાય છે. સ્વીડનની સરકારની જાહેર આરોગ્ય સંસ્થા મૅગ્નસ હસ દ્વારા 1849માં આ વિકારનું નિદાન કરવામાં આવ્યું હતું. અમેરિકાના માનસચિકિત્સકોના મંડળે પ્રસિદ્ધ કરેલ પરિચય-પુસ્તિકામાં મદ્યવશતાના બે ઉપપ્રકારોમાં મદ્યકુપ્રયોગ (alcohol abuse) અને મદ્યાવલંબન(alcohol dependence)ને ઓળખાવ્યાં છે.
નિદાન : દારૂ પીવાની લતે ચડેલ વ્યક્તિ પોતાને થતી હાનિથી સભાન હોય છે. આ હાનિ સામાજિક, આર્થિક, વ્યાવસાયિક, માનસિક કે શારીરિક હોઈ શકે. આમ છતાંય તે દારૂ પીતાં અટકતી નથી. વધુ ને વધુ દારૂ પીતાં થતી હાનિનું પ્રમાણ વધતું જાય છે. કેટલીક વાર તો શારીરિક જોખમને નોતરી તે દારૂ પીને વાહન હંકારે છે. આવી વ્યક્તિ મદ્યકુપ્રયોગની સ્થિતિમાં છે તેમ કહી શકાય. આ નિદાન માટે આ પ્રકારનાં લક્ષણો ઓછામાં ઓછા એક મહિના સુધી હોવાં જરૂરી ગણાય છે. વળી જો નીચે જણાવેલ 9 પ્રકારનાં લક્ષણોમાંથી ગમે તે ત્રણ એક મહિના સુધી રહે તો તેને મદ્યાવલંબન કહે છે : (1) દારૂ ન પીતી હોય ત્યારે તે વ્યક્તિ દારૂ મેળવવાની તજવીજ કર્યા જ કરતી હોય, (2) પોતે ઇચ્છે તે કરતાં વધુ પ્રમાણમાં વારંવાર દારૂ પીવાની ટેવ હોય, (3) એકસરખી માત્રામાં દારૂ લેવામાં આવે અને તેની અસર ક્રમશ: ઘટતી જતી હોય, (4) કોઈ વાર દારૂ પીવા ન મળે તો તેની વંચિતતા(withdrawal)નાં લક્ષણો થઈ આવે, (5) આવાં વંચિતતાનાં લક્ષણો ન થાય તે માટે દારૂ વારેઘડીએ પીવો પડે, (6) વ્યક્તિ દારૂ છોડવા માટે વારેઘડીએ પોતાની ઇચ્છા જાહેર કરે અને તે માટે પ્રયત્ન કરતી રહે, (7) સામાજિક કે વ્યાવસાયિક જવાબદારીની પરિપૂર્તિ વખતે વ્યક્તિ વારંવાર દારૂની ઝેરી અવસ્થા એટલે કે મદ્યવિષાક્તતા(alcohol intoxication)નાં કે મદ્યવંચિતતાનાં લક્ષણો દર્શાવે, (8) દારૂ પીવાની બાબત સાથે સુસંગત ન હોય તેવી મહત્વની સામાજિક, વ્યાવસાયિક કે આનંદદાયક પ્રવૃત્તિનો ત્યાગ કરવો પડે, અને (9) સામાજિક, વ્યાવસાયિક કે આરોગ્યલક્ષી સમસ્યાઓ વધતી જાય તોપણ દારૂ પીવાનું ચાલુ રાખે – આ બધાં લક્ષણો મદ્યાવલંબન માટે તારવી કાઢવામાં આવ્યાં છે.
વસ્તીવ્યાપ : અમેરિકામાં લગભગ 70 % પુખ્તવયની વ્યક્તિઓ દારૂનું સેવન કોઈ ને કોઈ વખતે કરે છે. જોકે 12 % જેટલી વ્યક્તિઓ તો ભારે માત્રામાં દારૂ પીવાની ટેવવાળી હોય છે. આવી રોજ દારૂ પીવાવાળી વ્યક્તિ તેની ઝેરી અસરોથી પીડાય છે તે નિ:શંક છે. આવી વ્યક્તિઓ સમાજના નીચલા શૈક્ષણિક, સામાજિક અને આર્થિક સ્તરમાંથી આવે છે. ભારતમાં ઉત્તરનાં રાજ્યોમાં અને બંગાળમાં દારૂની વ્યસનાસક્તિ(addiction)નો દર હજારે 10થી 19નો છે. દક્ષિણમાં વેલોર અને પૉન્ડિચેરી ખાતે આ દર અનુક્રમે 2.1 અને 3.6નો છે. અમેરિકામાં દર 3 પુરુષે એક સ્ત્રી દારૂ પીતી હોય છે, જ્યારે ભારતમાં 40 %થી 50 % પુરુષો અને 1 % સ્ત્રીઓ દારૂ પીતાં હોય છે એવું તારણ છે.
કારણવિદ્યા : મદ્યવશતા ઉદભવવાનાં કારણો વિશે ચોક્કસ જાણકારી મળતી નથી; પરંતુ કેટલાંક પરિબળોને કારણે તેની સંભાવના વધે છે. મુખ્યત્વે તે પુરુષોમાં જોવા મળે છે. સામાન્ય રીતે 21થી 40 વર્ષની ઉંમર વચ્ચેના પુરુષો અને 40થી વધુ ઉંમરની સ્ત્રીઓમાં મદ્યવશતા જોવા મળે છે. નીચલું સામાજિક સ્તર, આર્થિક સંકડામણ, નહિવત્ શિક્ષણ અને કૌટુંબિક વાતાવરણ વ્યક્તિને મદ્યવશતા તરફ દોરે છે. દારૂડિયાનાં બાળકોમાં તેનું પ્રમાણ ચારગણું હોવાનું માલૂમ પડ્યું છે. આના માટે કૌટુંબિક વાતાવરણ જવાબદાર છે કે જનીની પરિબળોની જાણકારી મેળવવાના પ્રયોગો ચાલુ છે. મદ્યવશતા થવાની પ્રક્રિયાને મનોવિશ્લેષણલક્ષી (psychoanalytic), શિક્ષણલક્ષી કે જૈવરાસાયણિક સંકલ્પનાઓ દ્વારા સમજાવવામાં આવે છે. ફ્રૉઇડના મત અનુસાર વ્યક્તિત્વના વિકાસના મૂળમાં જ રહેલી આ ગ્રંથિ અને પછી તેની મનોદશા(mood)માં થતા જતા ફેરફારોને લીધે વ્યક્તિમાં આત્મઘાતક (self-destructive) ભાવના વિકસે છે. આના પરિણામે પણ મદ્યવશતા થાય છે. ક્રોધ, હતાશા કે લઘુતાગ્રંથિને લીધે આવી ભાવના વિકસે છે. ઉત્તેજના તેમજ તેનો પ્રતિભાવ શૈક્ષણિક પ્રક્રિયા સરજે છે; તેથી શિક્ષણલક્ષી સંકલ્પનામાં દારૂના સેવનથી ચિંતાનું શમન અને દારૂની ગેરહાજરીમાં ઉદભવતી અલગપણાની ભાવના એક રીતે વ્યક્તિને દારૂ પર અવલંબન ધરાવતી કરે છે. જૈવરાસાયણિક સંકલ્પનામાં જણાવ્યા મુજબ કેટલીક વ્યક્તિઓ દારૂ પીવાથી સ્વર્ગસુખાભાસ(euphoria)નો અનુભવ કરે છે અને તેમને તેની આસક્તિ થાય છે. જોકે કેટલીક વ્યક્તિઓનું રાસાયણિક બંધારણ જ એવું હોય છે કે તેમને આવી લાગણી થતી જ નથી. આ માટેનાં કારણોમાં સંબંધિત રસાયણોરૂપે રહેલાં અંત:અફીણાભ દ્રવ્યો (endorphines) તથા અન્ય મૉર્ફિન જેવાં આલ્કેલૉઇડ્ઝ હોઈ શકે એમ મનાય છે. જોકે આ માટેના વૈજ્ઞાનિક પ્રયોગો હજુ ચાલુ છે.
આનુષંગિક તકલીફો : ઉપલબ્ધ માહિતી પ્રમાણે અલ્પ પ્રમાણમાં દારૂ લેવાથી આયુષ્ય લંબાય છે, પણ વધુ પ્રમાણમાં તેની ઝેરી આનુષંગિક તકલીફો જોવા મળે છે. દારૂની લતને કારણે સામાજિક, શારીરિક અને મનશ્ચેતાકીય (neuropsychiatric) આનુષંગિક તકલીફો થાય છે. આમાંથી ઉદભવતી સામાજિક સમસ્યાઓમાં છૂટાછેડા, અકસ્માત, વ્યાવસાયિક નિષ્ફળતા અને નોકરી ગુમાવવાની સંભાવના વગેરેનો સમાવેશ થાય છે.
શારીરિક તકલીફોમાં અન્નનળી, જઠર, સ્વાદુપિંડ તથા યકૃતમાં શોથજન્ય (inflammatory) સોજો આવે છે. જઠર કે પક્વાશયમાં ચાંદું પડે છે, ઝાડા થાય છે, યકૃતમાં સતંતુકાઠિન્ય(cirrhosis)નો રોગ થાય છે. ગઠનકોષોની સંખ્યા ઘટે છે. મહારક્તકોષી પાંડુતા (myeloblastic anaemia) થાય છે. હૃદયના ધબકારા અનિયમિત બને છે તથા હૃદયના સ્નાયુઓમાં વિકાર ઉદભવે છે. આને હૃદ્સ્નાયુરુગ્ણતા (cardiomyopathy) કહે છે. વિવિધ અંત:સ્રાવોના કાર્યમાં વિક્ષેપ ઉદભવે છે. લોહીમાં ગ્લુકોઝ, મૅગ્નેશિયમ અને ફૉસ્ફેટનું પ્રમાણ ઘટે છે, કીટોન દ્રવ્યોનું પ્રમાણ વધે છે, નપુંસકતા અને વંધ્યતા આવે છે. પુરુષોના સ્તનનું કદ વધે છે અને શુક્રપિંડની ક્ષીણતા ઉદભવે છે. ગર્ભપાતનું પ્રમાણ અથવા ઓછા વજનનાં બાળકોની સંખ્યા વધે છે તથા બાળકોનું અલ્પમનોવિકસન (mental retardation) થાય છે. બાળકોમાં ચહેરાની વિકૃતિ પણ જોવા મળે છે.
ચેતામનોલક્ષી વિકારો રૂપે શરૂઆતની ઝેરી અસરો, વર્નિક-કૉર્સેકોફનું લક્ષણ, મનોદુર્બળતા, મદ્ય-વંચિતતા, સનેપાત, હાથપગમાં પરાસંવેદના (ઝણઝણાટી અને ખાલી ચડવી) તથા તેની નબળાઈ, ભ્રમણાઓ, મનોવિકારી ચિંતા યા ભિન્નતા તથા આપઘાત કરવાની વૃત્તિ વગેરે થાય છે. દારૂની ઝેરી અસરોરૂપે બોલવામાં થોથવાવું, લથડિયાં ખાવાં, આંખો ચકરવકર થવી, મોં પર લોહી ધસી આવવું, વર્તનવિકારને કારણે જાતીય આક્રમકતા થવી, મનોદશા ઝડપથી બદલાવી અને નિર્ણયશક્તિની ક્ષીણતા થવી વગેરે તકલીફો જોવા મળે છે.
સારવાર : મદ્યવશતાની સારવારમાં દારૂની વંચિતતા, તેની ઝેરી આડઅસરો, મનોલક્ષી વિકારો તથા મદ્યવશતાથી છુટકારો મેળવવાની વાત છે. દારૂની વંચિતતાથી પીડાતા દર્દીને ઇસ્પિતાલમાં દાખલ કરી, તેના અજંપા અને સ્વાયત્તચેતાતંત્રીય લક્ષણોના શમન માટે ક્લૉરડાયાઝંપૉક્સાઇડ કે ડાયાઝેપામ જેવાં પ્રશાંતકો (tranquillisers) અપાય છે. આ ઔષધોને ક્રમશ: ઘટાડીને પછી દર્દીને તે આપવાનું બંધ કરવામાં આવે છે. દર્દીના શરીરમાંના ક્ષારો અને પ્રવાહીનું સંતુલન કરાય છે. તેને થાયમીન તથા અન્ય વિટામિનો આપવામાં આવે છે. આવાં દર્દીને આંચકી આવે તો તેની સારવારની પણ જરૂર પડે છે. વળી જો શરીરનું તાપમાન વધે તો પૅરેસીટેમૉલ અપાય છે. મનોલક્ષી વિકારો માટે ઔષધો તથા માનસિક ચિકિત્સા અપાય છે. દર્દીને ફરી દારૂ પીવાની ટેવ ન પડે તે વાસ્તે ડાયસલ્ફિરાલની દવા, વર્તનચિકિત્સા તથા સહાયકારી જૂથોની મદદ લેવાય છે. ડાયસલ્ફિરાલની દવા લેતી વ્યક્તિ જો દારૂ પીએ તો તેની તકલીફો ઉદભવે છે અને તેથી તે દારૂ લેતી અટકે છે. જોકે ડાયસલ્ફિરાલ અને દારૂની સંયુક્ત આડઅસરથી ક્યારેક મૃત્યુ નીપજવાના દાખલા નોંધાયેલા છે; તેથી તેની માત્રા ડૉક્ટર નક્કી કરે છે.
શિલીન નં. શુક્લ