મત્સ્ય ગરુડ (Pallas’s Fishing Eagle) : ભારતનું વતની, પરંતુ ફક્ત શિયાળાનું મહેમાન પંખી. તેનું લૅટિન નામ Haliaeetus leucoryphus છે. તે Falconoformes વર્ગનું, Accipityidae કુળનું છે. ગોત્ર Aquila.
તેનું કદ ગીધથી નાનું, 76થી 84 સેમી. જેટલું હોય છે. તે અત્યંત વેધક નજરવાળું પંખી છે. છેડે કાળા પટ્ટાવાળી સફેદ પૂંછડીથી તે ઓળખાય છે. ડોક અને ગળું સફેદપડતું બદામી. બાકીનું શરીર ઘેરું બદામી. ફેલાવેલી બંને પાંખોની લંબાઈ 2.45 મી.
હવામાં ત્રાંસિયો મારીને પાણીમાં તરતી માછલીને બાજની જેમ તરાપ મારી સપાટી ઉપરથી જ પગ વડે ઝડપી લે છે. એ રીતે તેને પાણીમાં જવાની જરૂર રહેતી નથી. તેનો મુખ્ય ખોરાક દેડકાં, સાપ અને કાચબા છે. તે ઉપરાંત ભગતડાં, નીલ, જલમુરઘા જેવાં જળપંખીઓનો પણ શિકાર કરે છે.
અમેરિકન રાષ્ટ્રીય પક્ષી bald eagle તરીકે તે રાષ્ટ્રના સામર્થ્યનું પ્રતીક છે. દેખાવે દમામવાળો અને રાજા જેવો હિંમતવાળો ગણાય, છતાં કાગડાથી ડરીને ભાગનારો છે. ચોમાસા પછી તે મધ્ય એશિયા, ઉત્તર અમેરિકા તથા હિમાલય પરથી ભારતમાં આવે છે.
માદા નર કરતાં મોટી હોય છે. તેનું વજન આશરે 6 કિગ્રા., જ્યારે નરનું વજન 4.5 કિગ્રા. જેટલું હોય છે. તે ટેકરાળ પ્રદેશમાં, કાંટાળા ઊંચા વૃક્ષ પર, દરિયાકાંઠાના વનપ્રદેશમાં, નદીસરોવરકિનારે ઝાડની ડાળીઓનો માળો બનાવે છે. તે 1થી 3 ઈંડાં મૂકે છે. તેને નર-માદા બંને 35 દિવસ સુધી સેવે છે.
બળદેવભાઈ કનીજિયા