મત્સ્યોદ્યોગ (Fisheries)

આર્થિક ર્દષ્ટિએ અગત્યના જલજ સજીવોનાં ઉત્પાદન, વેચાણ સાથે સંકળાયેલ ઔદ્યોગિક સાહસ (enterprise). માછલી, જિંગા, કરચલા, છીપ જેવા જલજીવો માનવીનો અગત્યનો ખોરાક બને છે. મોતીછીપ જેવાં પ્રાણીઓ ખોરાક તરીકે તો ઉપયોગી થાય જ છે, ઉપરાંત આર્થિક ર્દષ્ટિએ અગત્યનું એવું મોતીનું ઉત્પાદન પણ કરી આપે છે. વળી છીપલાંનું પણ ઉત્પાદન થાય છે. માછલીઓમાંથી યકૃત-તેલ, મત્સ્યચૂર્ણ (fish powder), સરેશ જેવી ચીજો પણ બનાવાય છે. દરિયાઈ શેવાળ(algae)માંથી આયોડીન, અલ્જિનેટ જેવાં રસાયણો ઉપરાંત અન્ય ઔષધીય પદાર્થો પણ મળે છે. મોટા ભાગનાં જળાશયો જાહેર માલિકીનાં હોવાથી જોખમ ખેડવા તૈયાર હોય તેવી કોઈ પણ વ્યક્તિ ઔદ્યોગિક ર્દષ્ટિએ તેમાંથી લાભ ઉઠાવી શકે છે. ખેતી ખાનગી ઉદ્યોગ તરીકે વિકસ્યો છે. અનાજ, કપાસ, ફળફળાદિ જેવી વસ્તુઓનું ખેડીને અને વાવેતર કરીને ઉત્પાદન કરવું પડે છે, જ્યારે માછલી આદિ જળસંપત્તિનો તો મોટાભાગે પકડવામાત્રથી જ લાભ ઉઠાવી શકાય છે. મત્સ્યોદ્યોગ સાહસિક ઉદ્યમ છે. માછલીઓ વગેરેને પકડવા માટે વાવંટોળ, પાણીના અવળા પ્રવાહ અને પ્રચંડ મોજાં વગેરેનો સામનો કરવો પડે છે. વળી ક્યારેક આકસ્મિક રીતે જ ઊપજતાં પરિબળોને કારણે માછીમારો માટે માછીમારીનું કામ જીવલેણ પણ બની જાય છે.

પાણીમાં આવેલ ક્ષારને અનુલક્ષીને, જળાશયોને દરિયાઈ, મીઠાં (fresh) અને ભાંભરાં – એમ ત્રણ પ્રકારોમાં વહેંચવામાં આવે છે.

દરિયો : પૃથ્વીનો 70 % જેટલો વિસ્તાર દરિયાથી આવૃત છે. તેની અગાધ જળસંપત્તિનો લાભ સૌને માટે ખુલ્લો રહે છે; પરંતુ સગવડની ર્દષ્ટિએ, આંતરરાષ્ટટ્રીય સમજૂતી મુજબ, કિનારાથી 320 કિલોમીટર જેટલા વિસ્તારમાં આવેલું દરિયાઈ ક્ષેત્ર આર્થિક લાભની ર્દષ્ટિએ કિનારા સાથે સંકળાયેલ જે તે દેશને EE (Exclusive Economic one) તરીકે સોંપવામાં આવે છે. ઈ.સ. 1976માં ભારત સરકારે મૅરિટાઇમ ઝોન ઑવ્ ઇંડિયાનો ખરડો પસાર કરી પોતાના EEમાં આવેલા વિસ્તારમાં મળતાં જલખોરાક, તેલ અને ખનિજસંપત્તિ પર પોતાનો હક્ક હોવાની જાહેરાત કરી છે. આમ છતાં, ભારતનો EE વિસ્તાર જલ-ખોરાકની ર્દષ્ટિએ અત્યંત સમૃદ્ધ હોવાથી આ ક્ષેત્રમાં વિદેશના માછીમારો પણ સાહસ ખેડીને જલખોરાક મેળવવા ઘૂસી જાય છે.

ભારતનો બન્ને બાજુએથી કિનારાવાળો પ્રદેશ દખ્ખણના દ્વીપકલ્પ (Deccan Peninsula) તરીકે જાણીતો છે, તો પૂર્વ કિનારા બાજુનો દરિયો તે બંગાળનો ઉપસાગર છે. બંગાળનો ઉપસાગર સીમિત પ્રદેશ છે. હિમાલય, દખ્ખણ-વિસ્તાર તેમજ મ્યાનમાર પ્રદેશમાંથી આવતી ગંગા, બ્રહ્મપુત્રા, ઇરાવતી જેવી પ્રચંડ નદીઓ તેમજ કાવેરી, કૃષ્ણા જેવી નદીઓ પણ બંગાળના ઉપસાગરને મળે છે અને ચોમાસા દરમિયાન મોટા પ્રમાણમાં અને ગ્રીષ્મ ઋતુમાં ઓછા પ્રમાણમાં પાણી ઠાલવે છે. આ વિશિષ્ટ પરિબળને અધીન પયર્વિરણમાં ભૌતિક અને રાસાયણિક પરિવર્તનોને કારણે મોસમી વધઘટ જોવા મળે છે. અરબી સમુદ્રના મુકાબલે બંગાળના ઉપસાગરમાં ખોરાકી સજીવોનું પ્રમાણ થોડું ઓછું છે. દ્વીપકલ્પના કિનારા તરફનો વિસ્તાર ખંડીય છાજલી(continental shelf)થી ઘેરાયેલો છે. આ વિસ્તારનો દરિયો પ્રમાણમાં છીછરો છે. આ ભાગમાં નદીઓ કાંપ પણ ઠાલવે છે. તેમાં સેંદ્રિય (organic) પદાર્થો વિપુલ પ્રમાણમાં કોહવાતા રહેલા હોય છે. વળી આ વિસ્તારમાં વસતાં પ્રાણીઓના મૃતદેહ કે તેમના ભાગો પણ એકઠા થાય છે. તેમના કોહવાણને કારણે ખંડીય છાજલીના તલસ્થ પ્રદેશના કાદવમાં વિપુલ પ્રમાણમાં પોષકતત્વો ભળે છે.

સામાન્યપણે ભરતી-ઓટને લીધે કિનારા તરફના વિસ્તારમાં પાણી એકાંતરે કિનારા તરફ અને કિનારાથી દૂર વહેતું હોય છે. ખંડીય છાજલીના અપતટ વિસ્તાર(offshore)માં દરિયાઈ પ્રવાહો (water-currents) પણ વહેતા હોવાથી પાણી હંમેશાં ગતિશીલ રહે છે. વળી ચોમાસામાં નૈર્ઋત્ય દિશાએથી ફૂંકાતા વરસાદી પવનોને લીધે આ ક્ષેત્રમાં ભયાનક સ્વરૂપમાં ઊંચાં મોજાં ઊછળતાં હોય છે. તેમની અસર હેઠળ ચોમાસામાં પાણીનું પરિભ્રમણ ઝડપથી થતું હોય છે, જે ઊર્ધ્વારોહણ ઘટના (upwelling phenomenon) તરીકે જાણીતું છે. આ ઘટનાને કારણે તળિયે ભેગાં થયેલાં પોષકતત્વોથી સમૃદ્ધ ઘટકો પાણીની ઉપલી સપાટીએ પ્રસરે છે. ઉપલી સપાટીએ આવેલ પાણીમાં પ્રકાશકિરણો મુક્તપણે પ્રવેશતાં હોવાથી તેમજ તે તત્વોની વિપુલતાને લીધે પ્રકાશ-સંશ્લેષણ-પ્રક્રિયા (photosynthetic activitiy) વેગીલી બને છે. પરિણામે આ ઋતુમાં વાનસ્પતિક સૂક્ષ્મજીવોનાં વિકાસ અને ગુણન થવાથી સૂક્ષ્મ વાનસ્પતિક સજીવો (phytoplanktons) આ પ્રદેશમાં જ્યાં ત્યાં સારી સંખ્યામાં વ્યાપેલા જોવા મળે છે. આમ પોષક નિર્જીવ ઘટકોનું રૂપાંતર સજીવોમાં થયા કરે છે. આ ઘટનાને પ્રાથમિક ઉત્પાદકતા (primary productivity) કહે છે. સૂક્ષ્મ વાનસ્પતિક સજીવો પ્રાથમિક ઉત્પાદકો (primary producers) તરીકે ઓળખાય છે.

પ્રાણી સૂક્ષ્મસજીવો(zooplankton)નો ખોરાક વાનસ્પતિક સૂક્ષ્મજીવોનો બનેલો હોય છે. તેમને પ્રાથમિક કક્ષાના ઉપભોક્તા (primary consumers) કહે છે. બાંગડા (mackerel) કે તારલી (sardine) જેવી માછલીઓ સૂક્ષ્મ પ્રાણીજીવોનું ભક્ષણ કરે છે. તેમને દ્વિતીયક કક્ષાના ઉપભોક્તા (secondary consumers) કહે છે. જળાશયોમાં વસતાં મોટાભાગનાં પ્રાણીઓ માંસાહારી સજીવો (predatory animals) તરીકે જાણીતાં છે. તેમને તૃતીય (tertiary) કક્ષાના સજીવો તરીકે વર્ણવી શકાય. ડૉ. કાસિમ(1972)ની ગણતરી પ્રમાણે દરિયામાં વાસ કરતા સજીવોની વસ્તી નીચે મુજબ છે :

કિનારાને અનુલક્ષીને જલજીવો જ્યાં વાસ કરતા હોય એવા વિસ્તારોના આ પ્રમાણે વિભાગ કરવામાં આવ્યા છે : તટવર્તી વિસ્તાર (tidal, shore area), અપતટ (offshore) વિસ્તાર અને ખુલ્લો (ઊંડો) દરિયા (deep sea/open sea) વિસ્તાર.

તટવર્તી વિસ્તાર : ભરતી દરમિયાન આ વિસ્તારના પાણીની ઊંડાઈ સહેજ વધે છે અને તેના પ્રભાવની અસર હેઠળ મુક્તજીવી જલજીવો કિનારા તરફ ખસે છે; જ્યારે ઓટ દરમિયાન તેઓ કિનારાથી અંદરના ભાગ તરફ પાછા ફરે છે.

આમ ભરતી દરમિયાન કિનારા તરફના ભાગમાં જલજીવોનું પ્રમાણ વધે છે. ઓટ દરમિયાન તેઓ અંદરના ભાગમાં પાછા ખસી જતા હોવાથી ભરતીની શિખર-અવસ્થા દરમિયાન દરિયામાં આડી જાળ નાખવાથી દરિયા તરફ ખસતી માછલીઓ જાળમાં ફસાય છે.

અપતટવિસ્તાર : યાંત્રિક હોડીઓના અભાવમાં મોટા ભાગના માછીમારોની મત્સ્ય-પકડાશ આ વિસ્તાર પૂરતી મર્યાદિત હોય છે. અપતટ-વિસ્તારમાં ખંડીય છાજલી હોવાથી ભારતનો આ પ્રદેશ જલજીવોથી સમૃદ્ધ રહે છે. આ પ્રદેશમાં આવેલ સૂક્ષ્મજીવોથી આકર્ષાઈને તારલી (sardine) અને બાંગડા (mackerel) જેવી સ્થળાંતરી માછલીઓ આ વિસ્તારમાં પ્રવેશીને ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે. પશ્ચિમ કિનારાએ આવેલ કેરળ અને કર્ણાટકના કિનારા તરફના વિસ્તારમાં તારલી માછલીઓ કરોડોની સંખ્યામાં પ્રયાણ કરતી હોય છે. જ્યારે બાંગડા કેરળના મલબાર-કિનારા તરફથી પ્રવેશ કરીને ઉત્તરની દિશાએ પ્રયાણ કરતી હોવાથી ઉત્તરમાં મહારાષ્ટ્રના રત્નાગિરિ તરફના પ્રદેશ સુધી પ્રસરેલી જોવા મળે છે. ઉનાળામાં તેઓ આ વિસ્તારમાં ઘણી ઓછી સંખ્યામાં ફરતી જોવા મળે છે. ગુજરાતના અપતટવિસ્તારમાં આ માછલીઓ દેખાતી નથી.

આકૃતિ 1 : અપતટ વિસ્તારમાં પ્રયાણ કરતી બાંગડા અને તારલી માછલીઓ

ઊંડો (ખુલ્લો) દરિયો : આ વિસ્તારમાં સ્થળાંતરી સજીવો મોટા કાફલામાં ફરતા હોય છે. વળી સૂક્ષ્મજીવો પર નભતાં મોટા કદનાં વહેલ અને ડૉલ્ફિન જેવાં સસ્તન પ્રાણીઓ તેમજ માનવભક્ષી શાર્ક જેવાં જાતજાતનાં નાનામોટા કદનાં મત્સ્યો હરતાંફરતાં હોય છે. આ પ્રદેશ કિનારાથી સહેજ દૂર હોવાથી આ પ્રદેશની માછીમારી માત્ર આધુનિક સુવિધા હોય તેવા સાહસિકો પૂરતી મર્યિદિત રહે છે.

માછલીઓ પાણીનાં વિવિધ સ્તરોએ વાસ કરતી હોય છે. મોટેભાગે સૂક્ષ્મજીવો પર નભતી બાંગડા જેવી માછલીઓ ઉચ્ચસ્તરીય ક્ષેત્ર(pelagic region)માં માર્ગ-ક્રમણ કરે છે. બાંગડા જેવી માછલીઓ સાથે સંકળાયેલા ઉદ્યોગને ઉચ્ચસ્તરીય મત્સ્યોદ્યોગ (pelagic fishery) કહે છે. મધ્યસ્તર(columnar layer)નું પાણી સ્થિર રહેતું હોવાથી આ પ્રદેશમાં વસતી પાપલેટ (pomfret) જેવી માછલી આકારે ચપટી હોય છે; વામ જેવી આકારે ગોળ (સપર્કિાર) માછલી ઉપરાંત પટ્ટી-મીન (ribbon fish) જેવી માછલીઓ પણ આ પ્રદેશમાં તરતી જોઈ શકાય છે. વળી સુવાહી અને કદમાં મોટી (એકાદ મીટર લાંબી) માછલીઓ પણ આ પ્રદેશમાં ભ્રમણ કરતી હોય છે. આમાં મધ્યસ્તરની માછલીઓ આકાર અને કદની વિવિધતા ધરાવે છે.

નિમ્નસ્તરીય માછલીઓ : આ જલજીવો મુખ્યત્વે છીછરા દરિયાને તળિયે અથવા તો તેની આસપાસ રહેતા હોય છે. આ વિસ્તારમાં જિંગા જેવા જલજીવો તળિયે પ્રચલન કરતા હોય છે, જ્યારે માછલાં આમતેમ તરતાં જોવા મળે છે.

મત્સ્યોદ્યોગની ર્દષ્ટિએ અગત્યના દરિયાઈ જલજીવો : એક રીતે દરિયાની બધી માછલીઓ આર્થિક ર્દષ્ટિએ અગત્યની કહેવાય. ખોરાક તરીકે ખાસ પસંદગીપાત્ર ન હોય તેવા જલજીવોનો ઉપયોગ ખાતર તરીકે થઈ શકે છે. તેમાંના કેટલાક મરઘી જેવાંના ખોરાક તરીકે ઉપયોગી નીવડે છે. સ્વાદિષ્ટ અને પોષણની ર્દષ્ટિએ પસંદગીપાત્ર જલજીવોને મૂલ્યવાન ગણવામાં આવે છે, જ્યારે પસંદગીની ર્દષ્ટિએ ઊતરતી કક્ષાના માનવામાં આવતા જલજીવોને અલ્પમૂલ્ય (trash) મત્સ્ય કહે છે. માછીમારો મુખ્યત્વે મૂલ્યવાન જલજીવો પકડવા તરફ પોતાનું લક્ષ કેંદ્રિત કરતા હોય છે; પરંતુ જાળમાં ફસાયેલી ઘણી માછલીઓ અલ્પમૂલ્ય પ્રકારની હોય છે.

જિંગા (prawn) : જિંગા એક અપૃષ્ઠવંશી પ્રાણી છે; છતાં તે સામાન્યપણે કવચમત્સ્ય (shell-fish) તરીકે ઓળખાય છે; કારણ કે આ જલજીવી પ્રાણીનું શરીર કવચથી ઢંકાયેલું હોય છે. સ્તરકવચી (crustacea) વર્ગના આ પ્રાણીમાં હાડકાં હોતાં નથી; સ્નાયુઓમાં ઊર્જાના સ્રોત તરીકે શર્કરા સંઘરેલી હોય છે. શર્કરાને લીધે તેનું માંસ અત્યંત સ્વાદિષ્ટ ગણાય છે. હાડકાંનો અભાવ, શર્કરાની મીઠાશ હોવા ઉપરાંત તેનું માંસ અલ્પસમયમાં રંધાઈ જતું હોવાથી તેની માંગ વધારે હોય છે અને તેથી તેના ભાવ ઘણા ઊંચા રહે છે. મોટા કદના જિંગાના ભાવ તો અત્યંત ઊંચા હોય છે. ભારતના દરિયામાં મોટા કદનાં બે જાતનાં જિંગા ઉપલબ્ધ છે. Peneus indicus અને P. canaliculatus. P. merguensis નામે ઓળખાતું સમડી બનાના અને સમડી નામે ઓળખાતાં Metapenaeus જિંગા મધ્યમ કદનાં હોય છે. કૉલમી નામે ઓળખાતાં Parapenaeopsis પ્રજાતિનાં અને Palaemonidae કુળનાં જિંગા (કોલમી) કદમાં નાનાં હોય છે.

સાંઢ (lobster) નામે ઓળખાતાં સ્તરકવચી પ્રાણી પણ અત્યંત મોંઘાં હોય છે.

આકૃતિ 2 : આર્થિક અગત્યના કેટલાક દરિયાઈ અપૃષ્ઠવંશી જલજીવો, (અ) જિંગા, (આ) સાંઢો, (ઇ) દેડકા, (ઈ) નરસિંગા

મૃદુકાય (mollusca) જલજીવો : દેડકાં (sepia), નરસિંગા (cuttle fish), મોતીછીપ (pearl oyster), કાલુછીપ (oyster), ખૂબી (meretrix) જેવાં મૃદુકાય પ્રાણીઓ ખોરાકી જલજીવો તરીકે જાણીતાં છે. જ્યારે પવિત્ર શંખ (conch), કવડી (cowrie), જાતજાતનાં છીપલાં (bivalves), બારી-તકતીછીપ (window pane oyster) જેવાં મૃદુકાયોનાં કવચો પણ ઉદ્યોગની ર્દષ્ટિએ અગત્યનાં છે.

આકૃતિ 3 : આર્થિક અગત્યનાં કાસ્થિમત્સ્યો : (અ) મુસી(scoliodon), (આ) પટારી શાર્ક(eulomia), (ઇ) મગર (whale sharkrhincodon), (ઈ) માનવભક્ષી મગર (tiger shark), (ઉ) માનવભક્ષી મગરું (thresher) (Alopius vulpinus)

મીન-પક્ષ માછલીઓ(fin fishes)ને સાચા અર્થમાં માછલી (fish) તરીકે વર્ણવી શકાય. પૃષ્ઠવંશી (vertebrate) વર્ગનાં આ પ્રાણીઓનું શરીર સુવાહી (streamlined) હોય છે અને તેઓ કુશલ તરવૈયા તરીકે જાણીતાં છે. તેમનાં શરીર પર ભીંગડાં હોય છે અને ઝાલરોની મદદથી તેઓ શ્વસન કરે છે. આ માછલીઓ કાસ્થિમત્સ્ય (cartilagenous fish) અને અસ્થિમત્સ્ય (bony fish) – એમ બે પ્રકારની હોય છે.

લગભગ બધાં કાસ્થિમત્સ્યોને આર્થિક અગત્યની માછલી તરીકે વર્ણવી શકાય. તેમનું માંસ સ્વાદિષ્ટ ખોરાકની ગરજ સારે છે. તેમના યકૃતમાંથી નીકળતું તેલ (યકૃતતૈલ – liver oil) પુષ્ટિકારક ખોરાક (tonic) તરીકે લોકપ્રિય છે. તેમની પાંખ(મીનપક્ષ)માંથી સૂપ બનાવાય છે; જ્યારે ચામડી, કાસ્થિ અને ભીંગડાંમાંથી ગુંદર, સરેશ જેવી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. મોટેભાગે કાસ્થિમત્સ્યોનો ઉપાડ ભારત પૂરતો મર્યાદિત છે અને અત્યલ્પ પ્રમાણમાં તેની નિર્યાત થાય છે. મગરુ (white shark), કાનમુસી (hammer headed shark), માનવભક્ષી મગરુ (tiger shark), માનવભક્ષી મુસી મગરુ (shark-Carcharhinas menisourrah) જેવાં નાના-મોટા કદનાં કાસ્થિમત્સ્યો અપતટ વિસ્તારમાં તેમજ ખુલ્લા દરિયામાં જોવા મળે છે. ઉપરનીચેથી ચપટાં એવાં કાસ્થિમત્સ્યો, દા.ત., તરબલા (Raja), કંટકમીન (sting ray), કારજ (eagle ray), વિદ્યુત-મીન પતારા (electric fish) છીછરા પાણીમાં ને સામાન્યપણે તળિયે વાસ કરતાં હોય છે. ઓખાના દરિયાકિનારાના વિસ્તારમાં વિદ્યુત-મીન સામાન્ય છે. ભૂલેચૂકે પાણીમાં તેના સંપર્કમાં આવવાથી વીજળીના આંચકાનો અનુભવ થાય છે.

અસ્થિમત્સ્યો : પાપલેટ (pomfret) : અપતટ વિસ્તારના સ્થિર પાણીમાં વાસ કરતી પાપલેટ-સમૂહની માછલી પાર્શ્વ બાજુએ ચપટી હોય છે. શરીરમાં માંસમાંથી સહેલાઈથી દૂર કરી શકાય એવાં હાડકાંવાળી આ માછલી અત્યંત સ્વાદિષ્ટ હોય છે; તેથી મત્સ્યાહારીઓનો તે પ્રિય દરિયાઈ ખોરાક છે. પાપલેટના ત્રણ પ્રકાર છે : હલવો (black pomfret), વીંછુડો (white pomfret) અને પાઠું (silver pomfret). આમ તો ભારતના દરિયાકિનારે પાપલેટ લગભગ સર્વત્ર મળી આવે છે. ગુજરાત (ખાસ કરીને વેરાવળ-વિસ્તાર), મહારાષ્ટ્ર, કર્ણાટક ઉપરાંત પૂર્વ કિનારે આવેલ તામિલનાડુના દરિયામાં તે વિશેષ પ્રમાણમાં પકડાય છે.

આકૃતિ 4 : પાપલેટ (અ) વીંછુડો (silver pomfret), (આ) હલવો (black pomfret)

બૂમલા (Bombay duck) : પટ્ટી આકારની આ માછલી પુખ્તાવસ્થામાં 300થી 400 મિમી. જેટલી લાંબી હોય છે. સૌરાષ્ટ્રના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં આ માછલી સારી સંખ્યામાં જોવા મળે છે. જાફરાબાદ-વિસ્તાર બૂમલાની પકડાશ માટે જાણીતો છે. ગુજરાત માટે બૂમલા-માછીમારી મહત્વની ગણાય છે. સામાન્યપણે તેનાં બચ્ચાં મહારાષ્ટ્રના વસઈ-વિરાર પ્રદેશમાંથી ઉત્તર તરફ પ્રયાણ કરી ગુજરાતમાં પ્રવેશતાં હોય છે. બીલીમોરા-વિસ્તારમાં પણ આ માછલી પકડાય છે. 20 % બૂમલા માછલી દેશમાં જ વપરાય છે; જ્યારે શેષ માછલીને સૂકવીને તેની નિયર્તિ કરવામાં આવે છે. યાંત્રિકીકરણ દ્વારા ઉપચાર કરવાથી આ માછલી આકર્ષક એવું પટ્ટી-સ્વરૂપ ધારણ કરે છે. તેની નિકાસ ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, જર્મની જેવા પાશ્ચાત્ય દેશો ઉપરાંત દક્ષિણ-પૂર્વ એશિયાના કેટલાક દેશોમાં પણ થાય છે.

ઘોલદારામાછીમારી : ઘોલ (Jewfish – Protonibea diacanthus) અને દારા (thread fin – Polynemus indicus) – આ બે માછલીઓનો ઉદ્યોગ ઘોલદારા માછીમારી તરીકે જાણીતો છે. અપતટ વિસ્તારમાં વાસ કરતી આ માછલીઓ કદમાં 1 મીટર કરતાં પણ લાંબી હોય છે. વજનમાં ભારે હોવાથી, ઘોલદારાને ચીરીને એની અંદરના ભાગમાં મીઠું પૂરીને નાના પરંતુ લાંબા ટુકડા(fillets)ના સ્વરૂપમાં આ માછલીઓનું વેચાણ થાય છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં

આકૃતિ 5 : આર્થિક અગત્યનાં કેટલાંક અસ્થિમત્સ્યો : (અ) વામ (Muraena punctata), (આ) ખગા-ખગી (catfish) (Tachysurus cealatus), (ઇ) ઢોમા (Otolithus maculatus), (ઈ) ઘોલ (Protonibea diacanthus), (ઉ) દારા (Polynemus indicus)

તે સારા પ્રમાણમાં પકડાય છે; જ્યારે પૂર્વ કિનારાના આંધ્ર અને તામિલનાડુ કિનારાએ પણ ઘોલ-દારાની માછીમારી થાય છે.

રાવસ (Polynemus heptadactylus) : તે પણ એક તંતુ-મીનપક્ષ (thread fish) માછલી છે. તે ભારતીય સાલમન (Indian salmon) તરીકે પણ ઓળખાય છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના અપતટ વિસ્તારમાં તે સારી રીતે ફેલાયેલી છે. ભારતમાં અન્ય વિસ્તારોમાં પણ રાવસ અલ્પ પ્રમાણમાં પકડાય છે.

સુરમાઈ (seamer fish – Indocybium guttatum) : બાંગડા જેવા આકારની સ્વાદિષ્ટ માછલી; 15થી 20 સેમી. લાંબી. ગુજરાતમાં તે સારા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આકારે મોટી હોવાથી લાંબા ટુકડા (ફિલેટ્સ) કરી તેનું વેચાણ થાય છે. આમ તો કેરળથી મહારાષ્ટ્રના રત્નાગિરિ-વિસ્તાર સુધી આ માછલી પકડાય છે.

સગ (leather jacket Chlorinemus lysan) : બાંગડાને મળતી ગુજરાતની આર્થિક ર્દષ્ટિએ અગત્યની માછલી. ગુજરાતમાં તે સારા પ્રમાણમાં પકડાય છે.

પટ્ટાપટ્ટી (ribbonfish Trichiurus savala) : એક મીટર જેટલી લાંબી આ પટ્ટીમાછલી ભારતના પૂર્વ કિનારાએ સવિશેષ મળે છે. ગુજરાતમાં તે સારા પ્રમાણમાં પકડાય છે. આર્થિક ર્દષ્ટિએ પટ્ટા-પટ્ટી માછીમારી અગત્યની છે. મોટેભાગે છીછરાં એટલે કે અપતટ વિસ્તારમાં અને દરિયાના નિમ્ન વિસ્તારમાં તે સારી સંખ્યામાં હોય છે.

ચાકસી (river shad : Hilsa ilisha) : સામાન્યપણે દરિયામાં વસતી ચપટા આકારની આ ચાકસી માછલી ઈંડાંનું વિમોચન મીઠા પાણીમાં કરે છે. ચોમાસાની શરૂઆતમાં ઈંડાં મૂકવા આ માછલી નદીના મુખ વાટે નદીમાં પ્રવેશે છે. ગુજરાતમાં હાલમાં માત્ર નર્મદા નદી દ્વારા પાણીમાં પ્રવેશીને શુક્લતીર્થ સુધી પ્રયાણ કરી ત્યાં લગભગ સ્થાયી બની તે ઈંડાં મૂકે છે. અગાઉ તાપી નદી પણ ચાકસી-માછીમારી માટે જાણીતી હતી; પરંતુ ઉકાઈમાં બંધ બંધાતાં યોગ્ય સ્થળના અભાવે ચાકસી હવે તાપી નદીમાં પ્રવેશતી નથી. નર્મદા નદીના શુક્લતીર્થ-વિસ્તારમાં તેનાં બચ્ચાં વિકાસ પામી ઉનાળા દરમિયાન દરિયા તરફ પ્રવાસ ખેડે છે અને ક્રમશ: દરિયામાં પ્રવેશે છે.

આકૃતિ 6 : આર્થિક ર્દષ્ટિએ અગત્યની કેટલીક દરિયાઈ માછલીઓ (અ) રાવસ (thread fin – Polynemus heptadactylus), (આ) સુરમાઈ (Indocybium guttatum),  (ઇ) સગ (Chlorinemus lyasan), (ઈ) ચાકસી (Hilsa ilisha), (ઉ) પટ્ટાપટ્ટી (Trichiurus savala)

ખગા (catfish : Tachysurus cealatus) : ઘોલ-દારા કદની આ દરિયાઈ બિડાલમીન અપતટ વિસ્તારના દરિયામાં નીચલા સ્તરે વાસ કરે છે. મોટા કદની હોવાથી આ માછલીના ટુકડા કરી તે વેચવામાં આવે છે. સપ્ટેમ્બરથી મે માસ સુધીના ગાળામાં તે જાળમાં ફસાય છે. વધુ પ્રમાણમાં આ માછલી પકડાય ત્યારે તેમાં મીઠું ભરીને સૂકવાય છે.

વામ (eel) : સાપ-આકારની માછલીઓ. દરિયાના મધ્યસ્તરમાં તરતી વામના ત્રણ મુખ્ય પ્રકાર છે : નારો (Gymnothorax undulatus), ઉપરાંત વામના બે પ્રકારો Muraenesox cinarus અને M. telabonoides વામ અન્ય માછલીઓની પકડાશ દરમિયાન જાળમાં ફસાય છે. વામ માછલીઓ 1–112 મીટર લાંબી હોય છે. અન્ય મોટી માછલીઓના પ્રમાણમાં વામ ઓછા ભાવે વેચાય છે. વામમાં વાયુકોથળી(air bladder) હોય છે. વાયુકોથળીમાંથી કેક પર પાથરવા આઇસિંગ-ગ્લાસ બનાવાય છે. તેથી વામની વાયુકોથળીના સારા ભાવ ઊપજે છે.

ઉપર જણાવેલ માછલીઓ ઉપરાંત દરિયાના અપતટ-વિસ્તારમાં ઘણી જાતની અન્ય માછલીઓ પકડાય છે અથવા તો જાળમાં ફસાય છે.

માંદેલી : પારદર્શક શરીરવાળી, તારલીના કુળની માછલી. આકારે નાની, છતાં મત્સ્યાહારીઓનો તે એક મનપસંદ દરિયાઈ ખોરાક છે. અન્ય માછલીઓ સાથે આ માછલી પકડાય છે. આ માછલી તોં કે સૂકવીને વપરાય છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં તે સારા પ્રમાણમાં પકડાય છે.

બોઈ (mullet) : Mugil પ્રજાતિની આ માછલી કદમાં નાની હોય છે. તેનું પૃષ્ઠ મીનપક્ષ નાનું અને ચાર કાંટાવાળું હોય છે. તે ખાડી વિસ્તારમાં ખાસ કરીને નદીમુખપ્રદેશમાં, સારા પ્રમાણમાં અને લગભગ બારેય માસ પકડાય છે.

ડાઈ (silverbar : Chirocentrus dorab) : શરીર લાંબું અને ચપટું : 30–40 સેમી. લાંબું. મોઢું પહોળું, જ્યારે નીચલું જડબું સહેજ લાંબું. ગુજરાતમાં તે લગભગ સર્વત્ર પકડાય છે. તોં અને સૂકવેલી એમ બે રીતે તે ખોરાકમાં વપરાય છે. વધારાની માછલીને સૂકવીને તેની નિકાસ કરવામાં આવે છે.

ઢોમા અને કોથ : ‘જ્યૂ’ માછલી (jew fishes) નામે ઓળખાતી આ માછલીઓ, અન્ય માછલીઓ સાથે સારી સંખ્યામાં પકડાય છે. ઢોમાનું શાસ્ત્રીય નામ : Otolithus agrentinus. આશરે 20 સેમી. લાંબી. ખાસ કરીને ઓખા-વેરાવળ વિસ્તારમાં સારી સંખ્યામાં પકડાય છે. ગુજરાતમાં તેની ગણના અલ્પમૂલ્ય મીન (trash fish) તરીકે થાય છે. કોથ (શાસ્ત્રીય નામ : Otolithus brumneus) એક મીટર કરતાં પણ સહેજ લાંબી હોય છે. દક્ષિણ ગુજરાતના દરિયામાં અન્ય માછલીઓ સાથે તે જાળમાં ફસાય છે.

અરબી સમુદ્રનું વૈશિષ્ટ્ય અને ભારતના પશ્ચિમકિનારાની મત્સ્ય પકડાશ

ગ્રીષ્મ ઋતુ દરમિયાન ઉદભવતી ઊર્ધ્વારોહણ ઘટના (upwelling phenomenon) : શિયાળા દરમિયાન અરબી સમુદ્રમાં શીતળતા પ્રવર્તે છે. ગ્રીષ્ટમ ઋતુની શરૂઆત થતાં નૈર્ઋત્ય પવનની અસર હેઠળ મોજાંના સ્વરૂપે દરિયા કિનારાનું ઉપલા સ્તરનું પાણી ખસી જાય છે જ્યારે નિમ્ન સ્તરે આવેલું પાણી તેનું સ્થાન લે છે. પરિણામે નિમ્નસ્તરનું પાણી પોષણ-યુક્ત દ્રવ્યોથી ભરપૂર હોવાને કારણે ડાયઍરમ અને ડાયનોફ્લૅજેલેટ જેવી સૂક્ષ્મવનસ્પતિ વિપુલ પ્રમાણમાં સર્જાય છે.

આકૃતિ 7 : અરબી સમુદ્રનું વૈશિષ્ટ્ય – S.Arabia – દક્ષિણ અરેબિયા, Somalia – સોમાલિયા,
Arabian Sea – અરબી સમુદ્ર, ગુજરાત, ભારત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ

ઊર્ધ્વારોહણ પ્રક્રિયાની શરૂઆત લગભગ મે મહિનાની છેવટે ભારતના પશ્ચિમ કિનારાના નીચલા છેડેથી થાય છે અને ક્રમશ: ઉત્તર દિશા તરફ વિસ્તરે છે. ગોવા (160 N)ની ઉત્તરે આ પ્રક્રિયા નજીવી હોય છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકિનારે દરિયા તરફ વહેતી નદીઓને લીધે જૂજ પ્રમાણમાં પાણીની ઊથલપાથલ થાય છે. ક્લુપિડો માછલી અને બાંગડા(mackerel) માછલીઓનો ખોરાક મુખ્યત્વે સૂક્ષ્મ-વનસ્પતિ (fertophyso zooplantation) અને તેના પર પોષાતા સૂક્ષ્મ-પ્રાણી જીવો હોય છે. ખોરાકથી આકર્ષાતી ઉપર્યુક્ત માછલીઓ ઉત્તર દિશા તરફ પાણીના ઉપલા સ્તરે પ્રયાણ કરે છે. દક્ષિણ અરેબિયા અને ભારતના ઉત્તરકિનારા વચ્ચે આવેલ પ્રદેશનું પાણી શીતકર પ્રભાવ(cooling effect) હેઠળ શિયાળામાં ઠંડું થતાં ક્રમશ: ગુજરાત અને મહારાષ્ટ્રના કિનારા તરફ વહે છે. આ પાણી ઠંડું હોવાને કારણે નીચે જાય છે. જ્યારે દરિયાના નીચલા સ્તરે આવેલું પોષણયુક્ત પાણી ઉપરના ભાગ તરફ ખસે છે. આ પ્રદેશમાં આવેલાં ઈંડાં, ડિમ્ભ, અને પુખ્ત પ્રાણીઓ આ પ્રદેશને દરિયાઈ પ્રાણીઓનો ખોરાક બને છે.

આમ તો મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રદેશમાં જલજીવો દક્ષિણ કિનારાયે પણ જોવા મળે છે. પરંતુ સંખ્યાની ર્દષ્ટિએ મોટો તફાવત હોય છે.

સારણી 1 ભારતના દરિયાકિનારે પકડાતાં પ્રમુખ જલજીવો

1. ક્લુપિડો : તારલી (oil sardinos) અને પાલની (anchovy)
2. બૂમલા : (Bombay Duck)
3. પર્ચ : સુરમાઈ (seer fish), પાપલેટ (pomfret), દારા (thread fin), સાગ (leather jacket) વગેરે.
4. ક્રોકર્સ(જ્યુ ફિશિઝ) : ઘોલ (ahot protonibea), ઘોમા (otolithus) વગેરે
5. કેરેન્જિડ્ઝ (અશ્વ બાંગડા) : છાપરી (Caranx), ખાડવો (Atropus) વગેરે
6. બાંગડા : બાંગડા (Rastralliger)
7. સ્તરક્વચી (Crustaceous) : ઝિંગા (Prawn), સાંઠ (Lobster) વગેરે.

સારણી  2 ઉપર્યુક્ત માછલીઓના પકડાશ પ્રમાણની ટકાવારી (%)

  નામ 15 રેખાંશની ઉત્તરે 15 રેખાંશના દક્ષિણે
   1 2 3
1. ક્લુપિડો 22 % 78 %
2. બૂમલા 100 % નહિવત્
3. સુરમાઈ 42 % 58 %
4. જ્યૂ-માછલી 19 % 81 %
5. પાપલેટ 84 % 16 %
6. બાંગડા 15 % 85 %
7. બીડાલમીન (cat fish) 71 % 29 %
8. વામ (eels) 99 % 1 %
9. બોઈ (mullets) 92 % 8 %
10. પટ્ટીમીન (Ribbon fishes) 25 % 75 %
11. કાસ્થિમીનો 78.5 % 21.5 %
12. ઝિંગા-સાંઢ 59 % 41 %
13. શીર્ષપદી (cephalopods) 52 % 48 %
14. અન્ય સમુદાયો 57 % 43 %

મત્સ્યપકડાશ માટે મુખ્ય મોસમ

ગોવાની નીચે : ઑક્ટોબર – ડિસેંબર

ગોવાની ઉત્તર તરફ જાન્યુઆરી – માર્ચ

મત્સ્યહોડીઓ (fishing boats)

જળાશયોનાં વિવિધ ક્ષેત્રોમાં જલજીવો વસતા હોવાથી, દરિયાઈ ખોરાકને પકડવા, તેમનાં નિવાસસ્થાનો પાસે જવું અનિવાર્ય બને છે. મત્સ્ય-પકડાશ માટે જે તે સ્થળે જવા મુખ્યત્વે હોડીઓનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે હોડીઓનો ઉપયોગ માત્ર પરિવહનના સાધન તરીકે મર્યાદિત નથી. મત્સ્ય-પકડાશની સાધનસામગ્રી લઈ જવા ઉપરાંત પકડવામાં આવેલ દરિયાઈ ખોરાકનો સંગ્રહ કરવા પણ હોડી કામ આવે છે.

માછીમારી કિનારા નજીક ફરતી હોય, તો તુરત જ પકડાયેલ માછલીઓને કિનારા પર લાવીને તેમનો નિકાલ એક યા બીજી રીતે કરી શકાય. દરિયાઈ ખોરાક થોડા સમયમાં બગડી જાય છે અને કોહવાય છે. તેથી વધુ સમય સુધી દરિયામાં માછીમારી માટે હોડીને રોકવાની હોય તો હોડીમાં પકડેલી માછલીઓને સાચવી રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવે તે જરૂરી હોય છે. તેથી ઘણી મત્સ્ય-હોડીઓને એ માટે યંત્રસજ્જ કરવામાં આવે છે.

આકૃતિ 8 : પારંપરિક હોડીઓ : (અ) એકલકડી હોડી(canoe), (આ) રાંપણી હોડી (Rampani boat)

હોડીની રચના પાણીમાં તે સહેલાઈથી તરી શકે તે રીતની હોય છે. તેની રચના સુવાહી (streamlined) હોય છે. હોડીના તલસ્થ ભાગ તરફ પઠાણ (keel) હોય છે. તે અણીદાર અને સાંકડો હોય છે. તે એક જ લાકડામાંથી બનાવેલો હોય છે.  જો હોડી મોટી હોય તો બે થાંભલાઓને સ્કાર્ફ-સાંધા વડે જોડીને પઠાણની લંબાઈ વધારી શકાય છે. પઠાણનો ઉપલો ભાગ પહોળો હોય છે અને તેને પેટ અથવા કાઠું (bilge) કહે છે. હોડીનો આગલો ભાગ અને મોટાભાગની હોડીઓનો પાછળનો ભાગ પણ સાંકડો અને અણીદાર હોય છે, તેથી સહેલાઈથી તે પાણીમાંથી પસાર થઈ શકે છે. કેટલીક હોડીઓ માત્ર એક જ લાકડામાંથી કોતરીને બનાવેલી હોય છે. આવી હોડી મોટે ભાગે નાની હોય છે અને તેને એકલકડી (canoe) કહે છે. જોકે મલબાર જેવા ક્ષેત્રમાં મોટી હોડીઓ પણ એકલકડીની બનેલી હોય છે. ફલકીકરણ દ્વારા કૅનો સાથે જોડાવાથી હોડી પહોળી બને છે. ઘણી હોડીઓ ફલકીકરણ (planking) વડે પહોળી કરાય છે. સામાન્યપણે હોડી બનાવવા જાતજાતનાં લાકડાંનો ઉપયોગ કરવામાં આવે છે.

સાગ (teak) : શાસ્ત્રીય નામ : Tectona grandis. સાગ મજબૂત અને સખત હોય છે. તે પાણીમાં સહેલાઈથી કોહવાતો નથી. સૂર્યના તાપમાં પણ તેના પાટિયામાં ફાટ પડતી નથી. આમ તે આદર્શ લાકડાની ગરજ સારે છે; પરંતુ સાગ ઘણો મોંઘો હોવાથી ખર્ચ ઘટાડવા અન્ય લાકડાંનો ઉપયોગ પણ કરવામાં આવે છે.

બેન્ટીક લાકડું : સ્થાનિક નામ ‘બિલી નાંદી’, ‘નાના નાંદી’ વગેરે. અંગ્રેજી નામ Benteak, Nana wood. શાસ્ત્રીય નામ Loger-stroemia lanceolata. દરિયાના પાણીમાં બેન્ટીક લાકડું ઘણા સમય સુધી ટકી રહે છે અને સખત હોવા છતાં તે સ્થિતિસ્થાપકતાનો ગુણ ધરાવે છે. બેન્ટીક જંગલોમાંથી સહેલાઈથી મળે છે અને સાગના પ્રમાણમાં સસ્તું પડે છે. તેથી સાગના સ્થાને તેનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે.

અંજેલી લાકડું : સ્થાનિક નામ ‘ઐની’, ‘પાઢફણ’; અં. Anjeli wood. શાસ્ત્રીય નામ : Artocarpus hiresuta. સાગ કરતાં ઓછું સખત. તેને દરિયાઈ પાણી કે ફૂગની અસર થતી નથી. પઠાણ માટે તે આદર્શ લાકડું મનાય છે.

સાજડ (sajjad) : શાસ્ત્રીય નામ Terminalia tomentosa. સખ્તાઈ માટે જાણીતું. જંગલમાં તે સહેલાઈથી મળે છે. પ્રમાણમાં સસ્તું. સૂર્યનાં કિરણોની અસરથી તિરાડ પડવાનો સંભવ ખરો. અંજેલીની જેમ પઠાણ બનાવવામાં તે ખાસ ઉપયોગી થાય છે.

યાંત્રિક હોડીઓની રચના : વધારે સમય સુધી જળાશયોમાં રહી શકે તે માટે યાંત્રિક હોડીઓ અનુકૂલન પામેલી હોય છે. ભારતની મોટાભાગની યાંત્રિક હોડીઓનો ઉપયોગ અપતટ વિસ્તારમાં, દરિયાના વિવિધ સ્તરે માછલાં પકડવામાં કરવામાં આવે છે.

હોડીમાં અવરજવર માટે ઉપયોગમાં લેવાતા સપાટીના ભાગને તૂતક (deck) કહે છે. તૂતક વડે હોડીનું કાઠું ઢંકાયેલું હોય છે.

આકૃતિ 9 : યાંત્રિક હોડીની રચના. યાંત્રિક હોડીના વિવિધ ભાગો દર્શાવતી આકૃતિઓ

ડેક પરની સુવિધાઓ

(1) ચક્રઘર (wheel house) : અહીં સુકાન(steering wheel)ની ગોઠવણ હોય છે. સુકાની, સુકાનની મદદથી તેને ફેરવીને તેનું દિશા-સંચાલન કરે છે. ચક્રઘરમાં હોકાયંત્ર, ઉષ્ણતામાપક, ઊંડાઈ-શોધક (depth finder), મત્સ્ય-સ્વશોધક (autopilot-fish-finder) જેવી સુવિધાઓ હોય છે. મત્સ્ય-સ્વશોધક વડે કઈ માછલી કયા વિસ્તારમાં, કયા સ્તરે મળે એમ છે તેનો ખ્યાલ મળે છે. તે માછલી-ઘનતામાપક(densimeter)ની ગરજ પણ સારે છે.

(2) ગરગડી (winch) : જાળને પાણીમાં છોડવા કે તેને પાછી ખેંચવા અને લંગરને દરિયામાં સ્થાપિત કરવા માટે હોડીમાં ગરગડીઓની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. આ ગરગડીઓની ફરતે ધાતુની બનેલી જાડી અને લાંબી દોરીઓ વીંટળાયેલી હોય છે. ગરગડીઓ એક જ હારમાં ડેકના આગલા કે પાછલા ભાગમાં ગોઠવાયેલી હોય છે. પુલી(pulley)ની મદદથી જાળને કે લંગરને પાણીમાં છોડવામાં આવે છે. પુલી થાંભલા પર ગોઠવાયેલી હોય છે.

ગૅલોઝ (gallows) : તેઓ મુદ્રિકા આકારની હોય છે. જાળ ખેંચનારી દોરીઓ ગૅલોઝમાંથી પસાર થાય છે.

ઑટર બૉર્ડ (otter board) : જાળ શંકુ આકારની હોય તો તેનું મોઢું પહોળું રહી શકે તે માટે ઑટરબૉર્ડની ગોઠવણ કરવામાં આવે છે.

લંગરમુદ્રિકા : લંગરની દોરીને આ મુદ્રિકામાંથી પસાર કરવામાં આવે છે.

કેટલાક ખંડોની ગોઠવણ પણ ડેક પર કરવામાં આવેલી હોય છે. જેમ કે, કપ્તાન ખંડ : કપ્તાન વિશ્રાંતિ લઈ શકે તે માટે એક અલગ ખંડની સુવિધા હોય છે. રસોડું : અહીં રસોઈ કરવાની સુવિધાઓ હોય છે. પ્રસાધન ખંડ (toilet) : દૈનંદિનીય નિત્યકર્મો માટે અને સ્નાનાદિ માટે તેનો ઉપયોગ થાય છે.

ડેકની નીચે આવેલા ખંડો :

મશીનખંડ : આ ખંડમાં મશીન બેસાડવામાં આવે છે. ટ્રૉલર જાળનું સંચાલન કરતી સામાન્ય હોડીમાં 75થી 100 હૉર્સ-પાવરવાળું મશીન હોય છે; જ્યારે ડીપ-સી-ફિશિંગ જેવી હોડીમાં વધુ તાકાતવાળાં (350 હૉર્સ-પાવર કે તેના કરતાંયે વધુ તાકાતવાળાં) મશીનો ગોઠવવામાં આવે છે. મશીનની મદદથી પ્રૉપેલર પરિભ્રમણ કરે છે. પ્રૉપેલરના પરિભ્રમણની ગતિ 18,000 R.P.M. જેટલી હોઈ શકે છે. મશીનના બળતણ માટે ડીઝલ વપરાય છે. મશીનનો ઉપયોગ જાળના તેમજ લંગરના સંચાલનમાં પણ કરવામાં આવે છે.

હોડીના પાછલા ભાગના છેડે, પ્રૉપેલરની સહેજ પાછળ, સુકાન (rudder) હોય છે. તેનો ઉપયોગ હોડીને વાળવામાં અને તેની ગતિ(speed)ને નિયંત્રિત કરવામાં થાય છે.

શીતખંડ (cold room) : શીતખંડની શીતલતા જાળવવા થરમોકોલનાં જેવાં પાટિયાં વડે તેનું આચ્છાદન (insulation) કરવામાં આવે છે. સામાન્ય રીતે બરફનો ઉપયોગ શીતખંડની ઉષ્ણતા ઘટાડવામાં કરવામાં આવે છે. જરૂરિયાતને અનુલક્ષીને શીતખંડને એક અથવા એક કરતાં વધારે ખંડોમાં વહેંચવામાં આવે છે, જેથી જિંગા જેવા પોચા જલજીવોને ભારે વજનવાળી માછલીઓથી અલગ રાખી શકાય.

ખલાસીખંડ : ખલાસીઓને રાત રોકાવા અને વિશ્રાંતિ માટે અલાયદા ખંડોની યોજના કરવામાં આવે છે.

પાણીની વ્યવસ્થા : હોડીની સ્વચ્છતા જાળવવા દરિયાના પાણીનો ઉપયોગ થઈ શકે છે; પરંતુ પીવા કે રાંધવા માટેના મીઠા પાણી(fresh water)ને દરિયામાં લઈ જવું અનિવાર્ય હોય છે; કેમ કે કેટલીક હોડીઓ અઠવાડિયાંઓ સુધી દરિયાનો પ્રવાસ ખેડે છે.

રશિયા, જાપાન જેવા દેશોના માછીમારો સ્વદેશથી દૂર હજારો કિલોમીટરની મજલ કાપી દરિયામાં માછલીઓ પકડતા હોય છે. આવા માછીમારો અનેક હોડીઓનો કાફલો રાખે છે. મુખ્ય હોડીને ‘મધર-શિપ’ કહે છે. આ હોડીમાં રહેવા, રમવા અને મનોરંજન માટે સારી સગવડો હોય છે. આ હોડીમાં માછલી પર જરૂરી ઉપચાર (treatment) કરવા માટે ખાસ વ્યવસ્થા હોય છે. આ મધરશિપ, દરિયાના અત્યંત ઊંડા ભાગમાં પડાવ નાંખી મહિનાઓ સુધી એક જ સ્થળે લાંગરેલી રહે છે. તેના કાફલામાંની કેટલીક હોડીઓમાં મત્સ્ય-પકડાશ માટે ખાસ વ્યવસ્થા હોય છે. તેઓ પકડેલ માછલીઓને મધર-શિપમાં ઠાલવે છે. ત્યાં માછલીઓ પર જરૂરી પ્રક્રિયા કરી તેમને સારી રીતે સંઘરવામાં આવે છે. આ કાફલામાંથી કેટલીક હોડીઓમાં તૈયાર માલની હેરફેર કરી વેચવાની, તેની અન્ય દેશોમાં નિકાસ કરવાની સુવિધાઓ હોય છે.

આકૃતિ 10 : મધરશિપ(Cindy Ann). આ હોડી તરતી ફૅક્ટરીની ગરજ સારે છે. અહીં પકડેલ જલજીવોને સૌપ્રથમ સ્વચ્છ કરવામાં આવે છે. ત્યારબાદ આ જલજીવો પર યોગ્ય ઉપચાર કરી તેમને થીજવીને પૅકિંગ કરાય છે, જેથી વેચાણ માટે જલજીવોની સીધી નિકાસ થઈ શકે.

અગાઉ હોડીઓ માત્ર લાકડામાંથી તૈયાર કરવામાં આવતી હતી. હાલમાં મોટી હોડીઓ માટે પોલાદ(steel)નો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. વળી અપતટ વિસ્તારમાં વપરાતી હોડીઓ માટે ફાઇબરગ્લાસ, રેઇનફૉર્સ્ડ પ્લાસ્ટિક (F.R.P.), ફેરો-સિમેંટ અને ફાઇબર-સિમેંટ જેવાંનો ઉપયોગ થાય છે.

મત્સ્ય-પકડાશનાં સાધનો (gears)

વ્યાવસાયિક ર્દષ્ટિએ મોટા પ્રમાણમાં જલજીવો પકડવા મુખ્યત્વે જાળ (net) અને આંકડી તથા દોર (hook  and line) જેવાં સાધનો (gears) વપરાય છે. જાળ પટ્ટી જેવી અથવા તો કોથળી આકારની હોય છે. મોટાભાગની કોથળી જાળ શંકુ આકારની હોય છે. મત્સ્ય-પકડાશમાં જાળનાં આંખિયાં મહત્વનો ભાગ ભજવે છે. આંખિયાં જો મોટા કદનાં હોય તો તેમાંથી નાના કદના જલજીવો સહેલાઈથી પસાર થઈ જાય છે; જ્યારે માત્ર મોટા કદની માછલીઓ જાળમાં ફસાય છે. પટ્ટીજાળની વિશિષ્ટ રચનાને લીધે ઘણી, ખાસ કરીને નાના કદની,  ઝાલર દ્વારા જાળમાં ફસાય છે. તેથી તેવી જાળ ઝાલર-જાળ (gill-net) તરીકે ઓળખાય છે. કોથળી-જાળનાં આંખિયાં મુખદ્વાર તરફ પહોળાં હોય છે. જ્યારે પાછલા ભાગમાં આંખિયાં કમશ: સાંકડા કદનાં બનાવાય છે. આવી કોથળીઓમાં માછલીઓ સહેલાઈથી પ્રવેશે છે; પરંતુ જાળના પાછલા ભાગનાં આંખિયાં કદમાં નાનાં હોવાથી તેઓ તેમાંથી નીકળી બહાર જઈ શકતી નથી અને ફસાય છે. કોથળીજાળનું પાછલું દ્વાર કદમાં નાનું અને નળિયા આકારનું હોય છે. આ દ્વાર દોરી વડે બંધ રાખવામાં આવે છે. માત્ર જરૂર પૂરતું તેને ખોલવામાં આવે છે. તે જલજીવોને જાળમાંથી બહાર કાઢવા માટે ઉપયોગમાં લેવાય છે.

જાળથી કયા જલજીવો પકડવાના છે તે ધ્યાનમાં રાખી જાળનાં આંખિયાં વિવિધ કદનાં બનાવાય છે. વળી જાળમાં માત્ર પુખ્ત વયની માછલીઓ ફસાય અને તેમનાં બચ્ચાં જાળમાંથી સહેલાઈથી પસાર થઈ જાય તે માટેય યોગ્ય કાળજી લેવામાં આવે છે. ઘણા દેશોમાં જે તે જાળમાં જે તે જાતની માત્ર પુખ્ત વયની માછલીઓ જ પકડાય તે માટે કાયદા ઘડાયા છે. પાપલેટ જેવી માછલી કદમાં 10થી 12 સેમી. લાંબી હોય છે. તેથી પાપલેટ પકડવાની જાળનાં આંખિયાં 8થી 10 સેમી.ના કદનાં રાખવામાં આવે છે. ઘોલ, દારા, ખગા જેવી 1થી 1½ મીટર લંબાઈની માછલીઓ પકડવાની જાળનાં આંખિયાંનાં કદ 15 સેમી. જેટલાં હોય છે.

ઉપલા સ્તરે તેમજ છીછરા પાણીમાં વસતા જલજીવો પકડવાની જાળને પાણીમાં દીવાલની જેમ આડી ગોઠવવામાં આવે છે.

આકૃતિ 11 : પસાર-જાળ (cast net)

પસારજાળ (cast net) : આ જાળ સામાન્ય રીતે માછલીઓની રોજિંદી પકડાશમાં વપરાય છે. કિનારેથી, કિનારાથી સહેજ દૂર અથવા તો કોઈ સંજોગોમાં, હોડીમાંથી તેને ફેલાવવામાં આવે છે. ઉપલા છેડે તે સાવ સાંકડી હોય છે. તેની લંબાઈ 2.5થી 3.0 મીટર હોઈ શકે છે. આગલા છેડા તરફ તેને દોરી વડે ગૂંથવામાં આવે છે. નીચલા છેડે તેનો પરિઘ 10થી 12 મીટર હોય છે. ત્યાં ડુબાડકો(sinkers) તરીકે સીસા અથવા સ્ટીલના બોલ્ટ વાપરવામાં આવે છે. માછીમાર તેને એવી રીતે ફેંકે છે કે જેથી પાણીમાં સારી રીતે પ્રસરે. ડુબાડકો વડે જાળ પાણીમાં ઊતરી જતાં તેના ઘેરાવામાં આવેલ આંખિયાંમાં માછલાં ફસાય છે. આમ તે ઝાલરજાળની ગરજ સારે છે.

પરંપરાગત વપરાતી કેટલીક સામાન્ય જાળ

પટ્ટીજાળ(ઝાલરજાળ)ની રચના : પટ્ટીજાળ સામાન્ય રીતે દીવાલની ગરજ સારે છે અને તેને આડી ફેલાવવાથી પાણીમાં પસાર થતી માછલીઓ તેમાં સહેલાઈથી ફસાય છે. આ જાળને તરતી રાખવામાં પ્લવકો(floats)નો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્લવકો બનાવવામાં લાકડાના ડટ્ટા, પ્લાસ્ટિકના ટુકડા, ઍૅલ્યુમિનિયમના દડા જેવા વજનમાં હલકા પદાર્થો વપરાય છે. જાળ ગૂંથવામાં વપરાતી ઉપલા ભાગની દોરીને ઉપલી દોરી (head rope) કહેવામાં આવે છે. તેની સાથે યોગ્ય અંતરે પ્લવકો બાંધવામાં આવે છે. જાળના નીચલા ભાગને પણ એક દોરી વડે સાંકળવામાં આવે છે. તેને તળિયાની દોરી (bottom/foot-rope) કહે છે. તેની સાથે યોગ્ય કદના પથ્થર, સિમેન્ટ કે લોખંડના ટુકડાઓને ડુબાડકો તરીકે ગોઠવવામાં આવે છે. આમ પ્લવકો અને ડુબાડકોને લીધે જાળ પાણીમાં દીવાલની રીતે અધ્ધર રહે છે.

પાણીમાં પ્રસરેલ જાળને ઉપલી અને તળિયાની દોરી વડે સ્થિર રાખી શકાય છે અથવા તેને ખેંચી પણ શકાય છે. જાળને સ્થિર અને સ્થાયી રાખવા લાકડાના લાંબા થાંભલા કે વાંસનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે બે હોડીઓની મદદથી જાળને વચ્ચે ગોઠવીને તેને સ્થિર રાખી શકાય છે.

સ્થિર જાળના કેટલાક પ્રકાર

ભરતી-વિસ્તારમાં, ભરતીના સમયે કિનારા તરફ પાણીનો ભરાવો થતાં તેની સાથે ઘણી માછલીઓ પણ કિનારા તરફ હડસેલાય છે. ઓટને સમયે માછલીઓ અંદરની બાજુએ હડસેલાતી હોય ત્યારે તેમને ફસાવવા પટ્ટીજાળની આડ ગોઠવવામાં આવે છે. આ જાળ 1થી 1½સેમી. આંખિયાંવાળી હોય છે. આવી જાળમાં મુખ્યત્વે જિંગા, માંદેલી (મેંદેલી), બોઈ (mullets) જેવા નાના કદના જલજીવો ફસાય છે. ખાડી-વિસ્તારમાં પણ ઓટ-ભરતીના સમય દરમિયાન દરિયા અથવા તો ખાડી તરફ પાણી વહેતું હોવાથી આ વિસ્તારમાં પણ પટ્ટીજાળ ખોડવામાં આવે છે.

આડ : આડજાળની રચના પટ્ટી જાળને મળતી આવે છે. મુખ્યત્વે નાના દ્વીપના વિસ્તારમાં આડનો ઉપયોગ કરવામાં આવે છે. તિમરો (sea-beam), સિંગ (lady fish), કુંગા (halfbeak), પલ્લી (anchovy), બોઇ (mullets), લેવટા (goby) જેવી માછલીઓ આડમાં ફસાય છે.

વિરળ : આ જાળ ઘણી લાંબી હોય છે. કચ્છ-પ્રદેશમાં વપરાતી આ જાળ વાયબા અને પાયબા – એવા બે ભાગની બનેલી હોય છે. વાયબા 300 મી. જેટલી લાંબી, જ્યારે પાયબા 200 મીટર જેટલી લાંબી હોઈ શકે છે. વચલા ભાગમાં આંખિયાં 10 સેમી. કદનાં, જ્યારે છેડા તરફનાં આંખિયાં 20 સેમી. જેટલાં પહોળાં હોય છે. આશરે 10 મીટરના અંતરે લાકડી વડે તેને તળિયાના ભાગમાં ખોસવામાં આવે છે. પાપલેટ, ખગા, મગરા, રાવસ અને સુરમાઈ જેવી માછલીઓ વિરળ વડે પકડાય છે.

દોડિયા : 4થી 7 મીટર જેટલી ઊંડાઈવાળા પાણીમાં મોટા કદનાં માછલાં પકડવા દોડિયા વપરાય છે. દોડિયાની લંબાઈ 8થી 10 મીટર, જ્યારે પહોળાઈ 3 મીટર રાખવામાં આવે છે. 30 સેમી. x 5 સેમી. x 205 સેમી. લાકડાના પ્લવકો વડે ઉપરની બાજુએથી તેને સાંકળવામાં આવે છે. નીચલા બંને છેડા આશરે 50 કિલો વજનના પથ્થર વડે બાંધવામાં આવે છે. આંખિયાં 15 સેમી. લાંબાં હોય છે. પોરબંદર-વિસ્તારમાં આ જાળનો ઉપયોગ શાર્ક, ઘોલ, દારા જેવી મોટી માછલીઓ પકડવામાં થાય છે.

રાચ્છ : ક્ષેત્રફળ 35થી 40 સેમી. x 3 સેમી.; આંખિયાં 8 સેમી. કદનાં; ઉપરની બાજુએથી 20 જેટલા લાકડાના પ્લવકો વડે, અને નીચલા ભાગમાં તેટલા જ ડુબાડકો વડે તેને તરતી મૂકવામાં આવે છે. બે હોડીઓની મદદથી રાચ્છ જાળથી માછલીઓને ઘેરવામાં આવે છે અને હલેસાંની મદદથી પાણીનું વિચલન કરવામાં આવે છે. રાચ્છ જાળ બે પ્રકારની હોય છે : વીંછુડા અને દારા. તેની મદદથી અનુક્રમે પાપલેટ અને દારા માછલી પકડાય છે.

ભૂથર : મધવડ વિસ્તારમાં મોટા કદની શાર્ક માછલી પકડવા આ જાળ વપરાય છે. જાળ 20 મી. x 3 મી. ક્ષેત્રફળની હોય છે; જ્યારે આંખિયાં 30થી 40 સેમી. જેટલાં લાંબાં હોય છે. આશરે 11 પ્લવકો અને તેટલા જ ડુબાડકો વડે આ જાળને સ્થિર રાખવામાં આવે છે. અપતટ વિસ્તારમાં આ જાળ વપરાય છે અને માછીમારો હોડીની મદદથી 30થી 40 જેટલી ભૂથર વડે માછલીઓ ભેગી કરે છે.

તરતી જાળના કેટલાક પ્રકારો

તરતી જાળ વાપરવા હોડીઓની મદદ લેવાય છે.

વલિયાર તરતી અથવા ધાકળ : પોરબંદર, વેરાવળ વિસ્તારમાં આ જાળ વપરાય છે. તેનું ક્ષેત્રફળ 50થી 70 મી. x 3 મી. આંખિયાં 11થી 13 સેમી. પ્લવકો પાતળા લાંબા; પુનરવા લાકડામાંથી બનાવેલા. માત્ર જાળને ઊભી રાખવામાં અગત્યના હોય તેટલા ડુબાડકો વાપરવામાં આવે છે. સાંજના સમયે અથવા તો રાત્રે (મધ્યરાત્ર સુધી) વલિયારની મદદથી માછલીઓ પકડવામાં આવે છે. ચોમાસું પૂરું થતાં આ જાળની મદદથી માછલાં પકડાય છે. સુરમાઈ, ખાડાવો (horse mackerel) જેવી માછલીઓ આ જાળમાં ફસાય છે. એપ્રિલ-મે મહિનામાં હલવા (પાપલેટ) સારા પ્રમાણમાં પકડાય છે.

થાનાડી : પોરબંદર-વિસ્તારમાં છીછરા પાણીમાં આ જાળની મદદથી નાના કદની કુંગા (halfbeak) અને જિરા (flying fish) જેવી માછલીઓ પકડાય છે. આ જાળનું ક્ષેત્રફળ 30 મી. x 2 મીટર અને આંખિયાં 5થી 7 સેમી. માપનાં હોય છે. જાળને તરતી રાખવામાં મધ્યમ કદના 12થી 15 પ્લવકો વપરાય છે, જ્યારે ડુબાડકો વપરાતા નથી.

આકૃતિ 12 : પારંપરિક જાળના કેટલાક પ્રકારો : (અ) પટ્ટીજાળ : આ જાળને એક જ જગ્યાએ સ્થિર અને સ્થાયી રાખવા, વાંસ કે લાકડાના થાંભલા વડે તલસ્થ ભાગમાં ખોસવામાં આવે છે. (આ) રાંપણી જાળ : આ એક લાંબી ઝાલર જાળનો પ્રકાર છે. લંબાઈ 1 કિલોમીટર અથવા તો તેના કરતાં પણ વધારે હોઈ શકે છે. આ જાળ વડે પાણીના ઉપલા સ્તરે પ્રયાણ કરતી બાંગડા જેવી માછલીઓના કાફલાને સંપૂર્ણપણે ઘેરીને કિનારા તરફ ખસેડવામાં આવે છે. ખસેડવામાં પ્રત્યેક બાજુએથી 20–40 જેટલા માછીમારો રોકાયેલા રહે છે. (ઇ) તરતી સીનજાળ. (ઇ-1) ડોલજાળનું મુખ : તે પહોળું અને ખુલ્લું રહે તે માટે તરતા પ્લવકો અને ડુબાડકો તરીકે વજનમાં ભારે એવા બે પથ્થર સાથે, જ્યારે તેનો પાછલો છેડો બોટ સાથે જોડવામાં આવે છે. (ઇ-2) બૂમલા પકડવા ડોલ જાળ વપરાય છે.

ખેંચજાળ (drag net) : આ જાળને બંને છેડે વાંસ સાથે બાંધવામાં આવે છે. ક્ષેત્રફળ 6 મી. × 2 મી.; આંખિયાંનાં કદ 1થી 2.5 સેમી. વચલા ભાગમાં તે સહેજ પહોળી બનાવાય છે, જેથી તેનો દેખાવ કોથળીને મળતો આવે છે. જિંગા જેવા જલજીવો આ જાળમાં ફસાય છે.

રાંપણી : કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં બાંગડાને પકડવા તેનો ઉપયોગ થાય છે. આ એક ઘણી લાંબી સીન (પટ્ટી) જાળ છે. લંબાઈ 1થી 2 કિમી. અથવા તો તેના કરતાં લાંબી; આંખિયાં 6થી 8 સેમી. પહોળાં; યોગ્ય અંતરે ગોઠવાયેલા પ્લવકો વડે જાળને તરતી રાખવામાં આવે છે.

વળી તે દીવાલની માફક સ્થિર રહે તે માટે નાના કદના ડુબાડકો વપરાય છે. આ જાળ હંમેશાં પાણીના ઉપલે સ્તરે તરતી રાખવામાં આવે છે. આ જાળને એક મોટા કદની હોડીમાં મૂકી દરિયામાં લઈ જવાય છે. આ હોડીને જમણી બાજુએ તરાપો જોડેલો હોય છે, તેથી તે હંમેશાં પાણીમાં સ્થિર રહે છે. તેના સંચાલનમાં 40થી 80 જેટલા માછીમારો રોકાયેલા હોય છે. બાંગડા માછલી પાણીના ઉપલા સ્તરે કાફલામાં પ્રયાણ કરતી દેખાય છે. કાફલામાં એક લાખથી 10 લાખ જેટલી માછલીઓ હોઈ શકે છે. કાફલો ર્દષ્ટિપથમાં આવતાં જ માછીમારો હોડીની મદદથી કાફલાને જાળમાં ઘેરે છે.

આ કાફલો સામાન્ય રીતે ઑક્ટોબરની શરૂઆતમાં સૌપ્રથમ દરિયામાં ફરતો નજરે પડે છે અને તે ઉત્તર દિશાએ કિનારાની નજીક સ્થળાંતર કરતો રાત કે દિવસ દરમિયાન દેખાય છે. એ કાફલો નજરે ચડતાં તુરત જ માછીમારો તેને ઘેરી લે છે. ત્યારબાદ જાળના બન્ને છેડાને દરિયાકિનારે લઈ જવામાં આવે છે. બંને છેડા કિનારા તરફ હોવાને કારણે કાફલામાંની માછલીઓ છટકી શકતી નથી. બે છેડા વચ્ચેનું અંતર 0.5થી 1 કિલોમીટર જેટલું હોઈ શકે છે. પ્રત્યેક છેડા તરફથી 20થી 40 જેટલા માછીમારો જાળને ખેંચે અને બે છેડા વચ્ચેનું અંતર ઘટી જતાં માછલીઓનો કાફલો કિનારાની સાવ નજીક હડસેલાય છે. બે છેડાઓ સમીપ આવતાં જાળ ખેંચવાનું મોકૂફ રખાય છે. મુંબઈ જેવા સ્થળે તોં બાંગડા માછલીઓનો ઉપાડ સારો હોવાથી લૉંચ વડે આ માછલીઓને મુંબઈ બંદરે લઈ જવામાં આવે છે. સ્થાનિક માર્કેટમાં અને મોટાં બંદરોમાં પણ આ માછલીઓ વેચાય છે. વધારાની માછલીઓને સૂકવીને અથવા તો અન્ય રીતે સાચવવા ફિશક્યોરિંગ યાર્ડ તરફ લઈ જવામાં આવે છે.

કોથળીઆકારની જાળો

ગુંજા : મુખ્યત્વે જિંગા પકડવા આ જાળ વપરાય છે. આકાર ત્રિકોણી થેલી જેવો હોય છે. આશરે તે 6 મીટર જેટલી લાંબી હોય છે. મુખ આશરે 3 મી. x 1 મી. લંબચોરસનું હોય છે. ક્રમશ: તે સાંકડી બને છે અને પાછલા છેડા તરફ તેનો ઘેરાવો આશરે 6થી 8 સેમી. હોય છે. મુખને બે છેડાથી વાંસ કે લાકડાના વળા સાથે બાંધવામાં આવે છે. આંખિયાં જિંગા પકડવામાં અનુકૂળ થાય એવાં હોય છે. બૉઇ, નાના મઘરા, નાની પાપલેટ જેવી માછલીઓ પણ આ જાળમાં ફસાય છે. મુખ્યત્વે કચ્છ-નવલખીના ખાડી-વિસ્તારમાં આ જાળ વપરાય છે. માછીમારો માછલીઓ પકડવા 2થી 5 ગુંજા એકીસાથે વાપરે છે.

ડોલજાળ : આ જાળ ગુજરાતમાં જાફરાબાદ, નવા બંદર તેમજ ઉંબરગાંવની આસપાસના વિસ્તારમાં તેમજ મહારાષ્ટટ્રના થાણે જિલ્લામાં વપરાય છે. મુખ્યત્વે બૂમલા (Bombay duck) આ જાળની મદદથી પકડાય છે. કિનારાથી સહેજ દૂર અને તળિયાની સમીપ તેની ગોઠવણ કરવામાં આવે છે. તેનું મોઢું લંબચોરસ હોય છે – આશરે 3 મી. x 2 મીટરનું. લંબાઈ 60 મીટર જેટલી. ક્રમશ: તે સાંકડી બને છે. પાછલા છેડા તરફ તેનો ઘેરાવો 4થી 5 સેમી. જેટલો રાખવામાં આવે છે. આમ તો પૂંછડી તરફનું દ્વાર ખુલ્લું હોય છે; પરંતુ દોરીની મદદથી તે બંધ રખાય છે. આ દોરી ઘણી લાંબી હોય છે અને તેને એક હોડી સાથે બાંધવામાં આવે છે, જ્યાં તેને દરિયાની સપાટી પર ગોઠવવામાં આવેલ બોયા (buoy) સાથે જોડવામાં આવે છે.

મુખપ્રદેશ પહોળું રાખવા મુખના બંને છેડે પ્લવકોને સાંકળવામાં આવે છે. જ્યારે મુખના નીચલા પ્રત્યેક છેડાને આશરે 40થી 100 કિગ્રા. વજનના પથ્થર વડે લંગરવામાં આવે છે. મુખના ચારેય ખૂણાને ચાર લાંબી દોરીઓ વડે જોડવામાં આવે છે. પ્રત્યેક પાર્શ્વ બાજુની દોરીને ભેગી કરી એકબીજી સાથે બાંધવામાં આવે છે અને આ બંને દોરીઓને એક બોયા સાથે જોડવામાં આવે છે. આમ કરવાથી પાણીમાં જાળ સ્થિર રહે છે. ડોલજાળના મુખ તરફનાં આંખિયાં પહોળાં (આશરે 10 સેમી.) હોય છે; જેથી માછલીઓ સહેલાઈથી જાળમાં પ્રવેશી શકે છે. જાળનો પાછલો છેડો ઘણો સાંકડો હોય છે અને છેડા તરફનાં તેનાં આંખિયાં ભાગ્યે જ 2થી 3 સેમી કદનાં હોય છે. ડોલજાળનો પેટાળ પ્રદેશ સાત ભાગમાં વિભાજવામાં આવેલ છે. ઑક્ટોબરથી જાન્યુઆરી મહિનાઓ બૂમલા માટે સારી ઋતુ મનાય છે. આ સમયગાળા દરમિયાન 2થી 3 વખત તેના પાછલા છેડા વડે જાળમાં ફસાયેલ જલજીવોને હોડીમાં ખસેડવામાં આવે છે. ઋતુના અંતે જાળને ઉપર ખેંચવા પથ્થર સાથે સંકળાયેલ દોરીને કાપી નાખવામાં આવે છે. આ રીતે બાંધેલા પથ્થરોને દરિયાના તળિયે જ રહેવા દેવામાં આવે છે. બૂમલા નિકાસની ર્દષ્ટિએ મહત્વની માછલી પુરવાર થઈ છે.

યાંત્રિક હોડીઓ દ્વારા વપરાતી જાળ

યાંત્રિક હોડીઓ દ્વારા મુખ્યત્વે ટ્રૉલ-જાળ (trawl net) અને પાકીટ-પટ્ટી-જાળ (purse seine) – એમ બે જાતની જાળ વપરાય છે.

ટ્રૉલજાળ : ટ્રૉલ-જાળ કોથળીજાળનો એક પ્રકાર છે. ભારતમાં મુખ્યત્વે જિંગા પકડવામાં તે વપરાય છે. જિંગા, દરિયાના તલસ્થ પ્રદેશમાં વાસ કરે છે. જોકે હાલમાં દરિયાના વિવિધ સ્તરે વાસ કરતી માછલીઓને પણ ટ્રૉલ-જાળની મદદથી પકડવામાં આવે છે.

ટ્રૉલજાળની સામાન્ય રચના : જાળના બે પાંખ (wings), મુખ (mouth), પેટાળ (belly) અને પૂંછડી (cod) – એમ ચાર ભાગ હોય છે. ટ્રૉલની લંબાઈ 12થી 22 મીટર જેટલી રાખવામાં આવે છે. પાંખ સામાન્ય રીતે ત્રિકોણાકાર હોય છે. પાંખને લીધે જલજીવો મુખ તરફ ખેંચાય છે. મોઢું ચતુષ્ટકોણી હોય છે. મુખ તરફનાં આંખિયાં સહેજ પહોળાં હોય છે, જ્યારે છેડા તરફનાં ભાગ્યે જ 2થી 3 સેમી. કદનાં હોય છે. છેડો એટલે કે પૂંછડીનો ભાગ ખુલ્લો હોય છે અને તેને નીસર ગાંઠ વડે બંધ રાખવામાં આવે છે.

મોઢું હંમેશાં ખુલ્લું રહે તે માટે મુખને પાર્શ્વ બાજુએથી ઑટર બૉર્ડ (otter board) નામે ઓળખાતા બે ફલકો વડે સાંકળવામાં આવે છે. મુખના શીર્ષ-દોરડા સાથે પ્લવકો (આશરે 10 જેટલા) ગોઠવવામાં આવે છે. જાળની નિમ્ન-દોરી (foot-rope) સાથે દરેક મીટરના અંતરે એક કિલો વજનની લોખંડની સાંકળ બાંધવામાં આવે છે. સાંકળને લીધે જાળ દરિયાના તળિયા તરફ ખેંચાય છે. આ સાંકળના હલનને લીધે પાણીમાં વિક્ષોભ ઊભો થતાં, જિંગા જ્યાં ત્યાં દોડવા માંડે છે અને જાળમાં ફસાય છે.

ટ્રૉલમાં જિંગા સાથે મધ્યસ્તર તેમજ નિમ્નસ્તરમાં હરતીફરતી માછલીઓ પણ ફસાય છે. વેરાવળના કિનારાએ ટ્રૉલજાળમાં શાર્ક, કિરણ-મત્સ્યો, વામ, ઢોમા, પાપલેટ પટ્ટી-મીન જેવી અન્ય માછલીઓ પણ જિંગા સાથે પકડાય છે.

ટૉલની રચનામાં જૂજ ફેરફાર કરીને તેની મદદથી દરિયાની અન્ય સપાટીએ પણ માછલીઓ પકડી શકાય છે. ઉપલી સપાટીએ ફરતી માછલીઓ પકડવા ટ્રૉલને શંકુ આકારની બનાવવાને બદલે વચ્ચેથી સહેજ પહોળી બનાવવામાં આવે છે અને તેની સાથે પાંખ જોડવામાં આવતી નથી. જાળના ઉપલા ભાગ સાથે મોટા કદના પ્લવકો, જ્યારે નીચલા ભાગે નાના કદના ડુબાડકોને જોડવાથી જાળ ઉપલે સ્તરે તરે છે.

સહેજ નીચલે સ્તરે ટ્રૉલ-જાળ વાપરવી હોય તો, સહેજ વજનમાં ભારે એવા પ્લવકો અને ડુબાડકો વાપરવા જરૂરી હોય છે. વળી આ જાળને નીચલી બાજુએથી સહેજ સાંકડી જ્યારે ઉપલા ભાગેથી સહેજ પહોળી બનાવાય છે.

મધ્યસ્તરે (columnar level) વાપરવાની જાળ આકારે સમચોરસ હોય છે. તેની ચારેય બાજુએથી લંબાઈ એકસરખી રખાય છે. સામાન્ય રીતે આ જાળને ખેંચવા બે ટ્રૉલર-બોટો વપરાય છે. બે હોડીઓ વચ્ચેના અંતરમાં વધઘટ કરવાથી જાળને સહેજ ઉપરના તેમજ નીચલા સ્તરે તરતી મૂકી શકાય છે. ઢોમા, કોથ, પટ્ટી, ઢોરી, ઢાંગેરી જેવી માછલીઓ આ જાળમાં ફસાય છે.

જાળમાં સહેજ ફેરફાર કરવાથી એક જ દોરી વડે આ જાળને ખેંચી શકાય છે. સામાન્ય રીતે દરિયો શાંત હોય તેવા વિસ્તારમાં પણ આ જાળ વાપરી શકાય છે. શાંત દરિયામાં તે સતત 3–4 મહિના સુધી વાપરી શકાય છે. વળી એક વિસ્તાર બદલીને જ્યાં વધુ જલજીવો વસતા હોય તેવા બીજા વિસ્તારમાં પણ આ જાળ ટ્રૉલર-હોડી દ્વારા લઈ જઈ શકાય છે. કમાણીની ર્દષ્ટિએ આ જાળ દ્વારા દરિયાના વિવિધ વિસ્તારોમાં માછલીઓ પકડવાની ગોઠવણ વધુ ફાયદાકારક નીવડતી હોય છે.

આકૃતિ 13 : યાંત્રિક હોડીઓની મદદથી મત્સ્ય-પકડાશ માટે વપરાતી કેટલીક હોડીઓ : (અ-1 અને અ-2) પર્સસીન વડે માછલીઓના કાફલાને ઘેરીને (અ–1) જાળને હોડી તરફ ખેંચવામાં આવે છે. (આ) ટ્રૉલર જાળ અને ટ્રૉલર હોડી, (ઇ) હોડીની મદદથી ઝાલર જાળ વડે મત્સ્ય-પકડાશ, (ઈ) આંકડી (hook) અને પોલાદની સાંકળ. લંબ-દોરીની મદદથી મત્સ્ય-પકડાશ (longline fishing)

મુખ્યત્વે અપતટ-વિસ્તારના વિવિધ સ્તરે તેમજ ઊંડા દરિયામાં (deep sea fishing) જુદા જુદા પ્રકારની ટ્રૉલ-જાળ વડે જલજીવો પકડાય છે. આમ કોથળી આકારની જાળની મદદથી યાંત્રિક હોડીઓ માછલીઓ પકડતી હોય છે. દરિયાની ઉપલી સપાટીએ તરતી માછલીઓને પકડવા માટે ઝાલર-જાળ(gill-netter/seine)નો ઉપયોગ કરવામાં આવે છે; દા.ત., કિનારાની નજીકથી માછલીઓનો કાફલો (દા.ત., બાંગડા/તારલી) પસાર થતો હોય તો તેને પકડવા આ ઝાલર-જાળ વાપરી શકાય છે. આ જાળની મદદથી માછલીના કાફલાને ચારેય બાજુએથી ઘેરી શકાય છે.

આકૃતિ 14 : મેજર કાર્પ : (1) રોહુ (L. rohita) (Ham), (2) કાટલા (Catla-catla), (3) મૃગલ (Cirrhina mrigala)

વળી આ જાળને પ્લવકો તેમજ ડુબાડકોની મદદથી ઉપલે સ્તરે તરતી મૂકવામાં આવે છે અને આ જાળના બંને બાજુઓના છેડા, લાંબી દોરી વડે હોડીઓ સાથે સાંકળવામાં આવે છે. બે હોડીઓની મદદથી આ જાળનું સંચાલન કરવામાં આવે છે. દોરને સહેજ ઢીલ મુકાતાં જાળ પર્સ(purse)નો આકાર ધારણ કરે છે, તેથી તેને પર્સ સીન જાળ કહે છે. જો એક જ હોડી વડે જાળનું સંચાલન કરવું હોય તો તેની બંને બાજુએ એક છેડાને બોયા સાથે સાંકળવામાં આવે છે.

પર્સ સીન વડે માછલીના કાફલાને જૂજ સમયમાં ઘેરી શકાય છે. સામાન્ય રીતે બિનયાંત્રિક રાંપણી-હોડીની મદદથી બાંગડા કે તારલી જેવી માછલીઓને ઘેરવામાં આવે છે. આમાં 40થી 80 જેટલા માછીમારો રોકાયેલા હોય છે. રાંપણી જાળના છેડાનું સંચાલન કિનારેથી કરવામાં આવતું હોવાથી રાંપણીમાં માત્ર કિનારાની નજીકથી પસાર થતી માછલીઓ જ પકડી શકાય છે; જ્યારે પર્સ સીન વડે કિનારાથી દૂરના વિસ્તારમાંથી પસાર થતી માછલીઓના કાફલાને પણ ઘેરી શકાય છે. કર્ણાટક વિસ્તારમાં સરકાર પર્સ સીન વડે માછલાં પકડવા આર્થિક સહાય આપે છે; પરંતુ માત્ર આર્થિક રીતે સંપન્ન હોય તેવો વર્ગ જ તેનો લાભ લઈ શકે છે. આના પરિણામે આર્થિક રીતે નબળા તેમજ સંપન્ન માછીમારો વચ્ચે વૈમનસ્ય અને સંઘર્ષ થયા કરે છે. યાંત્રિક હોડીઓને કિનારા નજીકની માછલીઓ પકડવા સામે પ્રતિબંધ મૂકવાથી આ સમસ્યા હલ થઈ શકે તેમ છે.

આંતરપ્રદેશીય (inland) મીઠા જળાશય(fresh water)ની માછલીઓ :

ભારતનો આંતરપ્રદેશીય વિસ્તાર અત્યંત વ્યાપક છે. નાનીમોટી એવી ઘણી નદીઓ, ભારતના જુદા જુદા ડુંગરોમાંથી ઊગમ પામી અરબી સમુદ્ર તેમજ બંગાળના ઉપસાગરમાં પોતાનાં પાણી ઠાલવે છે. એ નદીઓમાં અનેક જાતની માછલીઓ વાસ કરતી હોય છે. ભારતમાં તળાવ, સરોવર જેવાં બદ્ધ જળાશયો પણ વિપુલ પ્રમાણમાં છે. વળી ભાકરા, ઉકાઈ જેવાં માનવનિર્મિત સરોવરો પણ અનેક સ્થળોએ બંધાયાં છે. શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં ઘણી નાનીમોટી તળાવડીઓ પણ આવેલી છે. આ બધાં આંતર-પ્રદેશીય જળાશયો મત્સ્ય-ઉત્પાદન અને પકડાશ માટે અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. ગ્રામવિસ્તાર તેમજ જંગલોમાં વસતા ગ્રામજનો અને આદિવાસીઓને આવાં નાનાંમોટાં જળાશયોમાં મત્સ્ય-ઉછેર માટે તક આપી તેમની આવકનું સાધન વધારી શકાય તેમ છે. ગુજરાત 1.5 લાખ હેક્ટર જેટલા જળ-વિસ્તારો ધરાવે છે. મત્સ્ય-બીજનો પુરવઠો સુલભ કરી આ પ્રદેશમાં મત્સ્ય-ઉત્પાદન મોટા પાયા પર થઈ શકે તેમ છે. મત્સ્ય-ઉત્પાદનથી રોજી તેમજ પોષક ખોરાકનો પુરવઠો મળી રહેતાં ગ્રામજનો અને આદિવાસીઓને બેવડો લાભ આપી તેમને સ્વાવલંબી બનાવી શકાય એમ છે.

આર્થિક ર્દષ્ટિએ આંતરપ્રદેશીય ‘કાર્પ’ નામે ઓળખાતી મીઠા જળાશયની માછલીઓ મહત્વનો ભાગ ભજવે છે.

મેજર કાર્પ : કટલા (Catla catla); રોહુ (Labeo rohita) અને મૃગલ (Cirrhina mrigala) માછલીઓને મેજર કાર્પ કહે છે. આ ત્રણેય માછલીઓનો ઉછેર એક જ જળાશયમાં થઈ શકે છે, કારણ કે કટલા જળાશયોના ઉપલા સ્તરે રહેવાનું પસંદ કરે છે; જ્યારે રોહુ મધ્ય સ્તરે જોવા મળે છે. નીચલે સ્તરે મૃગલ પોતાનું જીવન વિતાવે છે. કટલાનો ખોરાક વાનસ્પતિક પેશી અને સૂક્ષ્મ જીવોનો હોય છે. રોહુ પણ લગભગ ઉપર્યુક્ત ખોરાક પસંદ કરે છે. વધારામાં કાદવમાંનો ખોરાક પણ તે લે છે. પુખ્ત મૃગલનો ખોરાક કોહવાતા સજીવો, તેમજ કાદવમાં મળતા સેંદ્રિય પદાર્થોનો હોય છે.

મેજર કાર્પોનો ઉછેર સહેલાઈથી થાય છે. કટલા, પહેલા વરસે દોઢ કિલો વજનની, જ્યારે બીજે વરસે પાંચ કિલો વજનની થઈ જાય છે. પ્રમાણમાં રોહુ વજનમાં પહેલા વરસે એક કિલો જેટલી, બીજે વરસે 2થી 21 કિલોની વજનની બને છે. મૃગલ પણ પ્રથમ વરસના અંતે એક કિલો, અને બીજા વરસના અંતે 2થી 21 કિલો વજન ધરાવે છે. ભારતમાં આ ત્રણેય માછલીઓનો ઉછેર મોટા પાયા પર કરવામાં આવે છે.

કૉમન કાર્પ (Cyprinus carpio) : આ માછલી વરસમાં વર્ષાઋતુની શરૂઆતમાં અને શિયાળામાં એમ બે વખત ઈંડાં મૂકતી હોય છે. તે જળાશયોના ઉપલા સ્તરે વસે છે. તેની વૃદ્ધિને રોહુની સાથે સરખાવી શકાય.

ઘાસકાર્પ (Ctenopharyngodon) : તે કિનારે ઊગતા ઘાસ અને જલજીવી વનસ્પતિને ખોરાક તરીકે સ્વીકારે છે. આ ખોરાક સામાન્ય રીતે સારા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી ઘાસ-કાર્પનો વિકાસ ઝડપી થાય છે. તેનું વજન વરસને અંતે 1.5–2.00 કિલો જેટલું હોય છે. અનુકૂલ સંજોગોમાં તેનું વજન 5 કિલો જેટલું પણ વધી શકે છે.

ઉપર જણાવેલી મેજર કાર્પ માછલીઓનાં બીજ બે રીતે મેળવી શકાય. મોટી નદી(દા.ત., ગંગા અને બ્રહ્મપુત્રા જેવી)ઓમાં ચોમાસાની શરૂઆતમાં મેજર કાર્પોનું બીજ સારા પ્રમાણમાં મળે છે. તેનો ઉપયોગ મત્સ્ય-ઉછેર કરવામાં આવે છે. જોકે પરપ્રાંતમાંથી બીજ મંગાવવાને બદલે બીજ-ઉત્પાદન સ્થાનિક કેન્દ્રોમાં કરી સહેલાઈથી બીજ મેળવી શકાય છે અને આંતરપ્રદેશીય વિસ્તારોમાં આવેલાં જળાશયોમાં આ બીજના સંવર્ધનથી પુખ્ત માછલી મેળવી શકાય છે. ગુજરાતમાં બીજ-ઉત્પાદન માટે મત્સ્ય-ખાતા દ્વારા ઘણાં કેન્દ્રો ખોલવામાં આવ્યાં છે. પ્રાંતિજ, લિંગડા અને ઉકાઈ જેવાં કેન્દ્રો દ્વારા કરોડોની સંખ્યામાં બીજનું ઉત્પાદન કરવામાં આવે છે અને તેના ઉછેર માટે આંતર-પ્રદેશીય જળાશયોની પસંદગી કરવામાં આવે છે.

નીચે જણાવેલ મીઠા જળાશયની માછલીઓનો ઉછેર કરવામાં આવતો નથી. આ માછલીઓનું કુદરતી ઉત્પાદન મીઠાં જળાશયોમાં વિપુલ પ્રમાણમાં થાય છે અને તેઓ ત્યાં જાળમાં ફસાય છે.

1. કલબાસુ (minor carp) : નામે ઓળખાતી માછલીનું શાસ્ત્રીય નામ છે Labeo calbasu. લગભગ બધાં મીઠાં જળાશયોમાં આ માછલી જોવા મળે છે.

2. મરળ : આ એક હવા-શ્વાસી (air-breathing) માછલી છે. તે ગુજરાતનાં મોટાભાગનાં જળાશયોમાં સામાન્ય રીતે મળે છે. ઓછા પાણીમાં અને પાણીની બહાર પણ તે ઘણા સમય સુધી જીવી શકે છે. જમીન પરની તેની ચાલને સર્પગતિ સાથે સરખાવી શકાય. આ માછલીનાં હાડકાં માંસથી સહેલાઈથી અલગ કરી શકાય છે અને તેનો સ્વાદ પણ સારો ગણાય છે. બજારમાં આ માછલી પ્રમાણમાં ઓછા દરે વેચાય છે.

3. કુદના (ઢેબરી, કાર્પ માછલીનો એક પ્રકાર) : Barbus પ્રજાતિની આ માછલીઓ સામાન્ય રીતે બધાં મીઠાં જળાશયોમાં જોવા મળે છે. તે કદમાં નાની હોય છે અને ઓછા દરે બજારમાં વેચાય છે.

બિડાલ-મીન (catfish) તરીકે ઓળખાતી શિંગી (macrones) કાંટાવાળી હોવાથી કાટિયા (Mystus sp.), શિંગી–2 (Hetero-pneustes fossilis) અને પહાડી (Wallago attu) મીઠાં જળાશયોમાં સારા પ્રમાણમાં જોવા મળે છે.

અન્ય માછલીઓ : જાળમાં ફસાતી અન્ય માછલીઓમાં લેવટા (goby), પાત્રા (Notopterus), વામ (Mastecembalus), ચાલુ (chela) અને ટિલાપિયા (tilapia) જેવી માછલીઓનો સમાવેશ થાય છે.

આકૃતિ 15 : કેટલીક મીઠા જળાશયની માછલીઓ : (1) ચીતલ (feather back-notopterus), (2) ઢેબરી (Barbus ticto), (3) કાલબાસુ, (4) ટિલાપિયા, (5) બોઈ(mugil), (6) સિલ્વર ચેલા, (7) સિલ્વર કાર્પ, (8) મરળ (Channa puntatus)

આર્થિક ર્દષ્ટિએ મત્સ્યોદ્યોગની અગત્ય : પૌષ્ટિક ખોરાક પૂરો પાડવા ઉપરાંત મત્સ્યોદ્યોગ ભારત દેશને હૂંડિયામણ કમાવી આપવામાં અત્યંત મહત્વનો ફાળો આપે છે. ખંડીય છાજલીથી ઘેરાયેલ ભારતનો દરિયો જલજીવોથી અત્યંત સમૃદ્ધ છે. હાલમાં ભારતના માછીમારો મુખ્યત્વે કિનારાથી નજીક આવેલા 30 કિમી.ના વિસ્તારમાં માછલીઓ પકડાતી હોય છે. યોગ્ય સુવિધાના અભાવમાં ઊંડા પ્રદેશની (deep sea/open sea fishing) એટલે કે દરિયાકિનારાથી દૂરની માછીમારીનું પ્રમાણ નહિવત્ છે. ઊંડા પ્રદેશમાં મત્સ્ય-પકડાશ માટે વધુ સમય ગાળવો જરૂરી હોય છે. ઓછામાં ઓછા 15–20 દિવસ રોકાઈ શકાય તેવી સગવડ ધરાવતી હોડી વડે ઊંડા પ્રદેશમાંની માછલીઓ પકડી શકાય છે. આવી હોડીઓ રડાર, સોનાર (sonar) જેવાં સાધનો વડે માછલીઓની શોધ કરે છે. તે હોડીઓમાં રેડિયોસંદેશ-વ્યવહારનાં યંત્રો પણ વસાવેલાં હોય છે. ઊંડા પ્રદેશમાં મત્સ્ય-પકડાશ કરતી હોડીઓ 400 ટન અથવા તો તેના કરતાં પણ વધુ વજનવાળી હોય છે. આ હોડીઓ પ્રયાણદીઠ 100 ટન જેટલા અથવા વધારે જલજીવો પકડી શકે અને તેમને સાચવી શકે તેવા શીતખંડોથી સુસજ્જ હોય છે. આવી કેટલીક હોડીઓને તો તરતી મત્સ્યોદ્યોગની ફૅક્ટરીઓ તરીકે વર્ણવી શકાય.

ભારતના દરિયાનું અધિકૃત આર્થિક ક્ષેત્ર (EE) કિનારાથી 320 કિલોમીટર સુધીનું છે. આ પ્રદેશ જલજીવોથી અત્યંત સમૃદ્ધ હોવાથી આ વિસ્તારમાં મત્સ્ય-પકડાશથી વધુ ને વધુ પ્રમાણમાં હૂંડિયામણની કમાણી થઈ શકે છે.

યાંત્રિક હોડીઓની મદદથી માછલાં પકડવાની શરૂઆત ગુજરાતમાં ઈ.સ. 1960ના અરસામાં થઈ. ભારત દેશ ઈ.સ. 1964માં દરિયાઈ ખોરાકની નિકાસથી આશરે 4 કરોડ રૂપિયાનું હૂંડિયામણ કમાયેલો, જ્યારે ઈ.સ. 1997માં ભારતે 3,79,580 મેટ્રિક ટન દરિયાઈ ખોરાકની નિકાસ કરી 4,697.93 કરોડ રૂપિયાના પરદેશી ચલણની કમાણી કરી હતી. હાલની જેમ મુખ્યત્વે માત્ર અપતટ વિસ્તારમાં માછલાં પકડવાને બદલે EE વિસ્તારમાં પણ મોટા પાયા પર મત્સ્ય-પકડાશ કરવામાં આવતાં નોંધપાત્ર પ્રમાણમાં હૂંડિયામણ મેળવી શકાય એમ છે. વળી મોટા પ્રમાણમાં ભાંભરા પાણીમાં પણ જિંગાનો ઉછેર કરી, તેનું વધુ ઉત્પાદન મેળવી, તેની નિકાસ દ્વારા સવિશેષ પરદેશી ચલણ પ્રાપ્ત કરી શકાય તેમ છે.

ભારતના મત્સ્યોદ્યોગના સાહસિકો નિકાસ કરવામાં આવતા જલજીવોની ગુણવત્તા જાળવવા પ્રત્યે વિશેષ ધ્યાન આપતા નથી. અમેરિકા અને જાપાન જેવા સમૃદ્ધ દેશો જિંગાની આયાત મોટા પ્રમાણમાં કરતા હોય છે; પરંતુ જલજીવો દેખાવે આકર્ષક, સ્વચ્છ, અને સાવ જંતુરહિત હોય તે જરૂરી છે. યોગ્ય કાળજીના અભાવે ભારતમાંથી નિકાસ થયેલ જલજીવોનો વિકસિત દેશોએ અસ્વીકાર કર્યાનો અને તેમણે હંગામી ધોરણે ભારતમાંથી થતી નિકાસ પર પ્રતિબંધ પણ લાદ્યાના અનેક દાખલા છે.

મત્સ્યોદ્યોગની ર્દષ્ટિએ દુનિયાના અગ્રિમ દેશોમાં અનુક્રમે જાપાન, રશિયા, ચીન, યુ.એસ., ચિલી, પેરુ, ભારત, દક્ષિણ કોરિયા, ઇન્ડોનેશિયા અને થાયલૅંડનો સમાવેશ થાય છે. ભારતની માછીમારી મુખ્યત્વે અપતટ-વિસ્તાર પૂરતી મર્યાદિત છે. EE વિસ્તારમાં ભાગ્યે જ માછલી પકડાય છે. જો આ વિસ્તારમાં આવેલ ઊંડા દરિયાની માછલીઓ પકડવામાં (deep sea-fishing) આવે, તો આ માછલીઓની નિકાસથી વધુ ને વધુ હૂંડિયામણ કમાઈ શકાય. ગુજરાતમાં જૂજ પ્રમાણમાં પોરબંદરેથી ઊંડા દરિયાની માછલી પકડવામાં આવે છે.

ગુજરાતમાંથી જલજીવોની નિકાસ મુખ્યત્વે મુંબઈ, પોરબંદર અને કંડલા બંદરોએથી કરવામાં આવે છે.

હાલમાં ગુજરાતમાંથી સારા એવા પ્રમાણમાં દરિયાઈ જલજીવોની નિકાસ કરવામાં આવે છે. તે અંગેના છેલ્લાં ત્રણ વર્ષોના આંકડા આ મુજબ છે :

  વર્ષ નિકાસ (મે. ટન) હૂંડિયામણ-કમાણી
1997–98 1,25,561 677.85 કરોડ રૂ.
1998–99 70,432     –
1999–2000 68,000 475.00 કરોડ રૂ.

આંતરરાષ્ટટ્રીય બજારમાં પ્રવર્તતી મંદીના કારણે 1998-2000 દરમિયાન ગુજરાતની હૂંડિયામણની કમાણીમાં સારો એવો ઘટાડો નોંધાયેલો છે. જોકે યુરોપ, જાપાન અને ઉત્તર અમેરિકાના નિષ્ણાતોએ, ગુજરાતના સાહસિકોએ હાલમાં અપનાવેલ અત્યાધુનિક મત્સ્ય-ઉપચાર માટે વપરાતાં સાધનો પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે. અત્યુત્તમ ગુણવત્તાવાળા દરિયાઈ ખોરાક માટે તેઓ સારો એવો ભાવ આપવા તૈયાર હોય છે. તેથી ગુજરાતના માછીમારો મત્સ્યોદ્યોગમાં પ્રવર્તતી મંદીમાંથી વહેલી તકે બહાર આવશે તેવી અપેક્ષા રાખી શકાય.

સારણી 3 ગુજરાતમાંથી મત્સ્યપેદાશની નિકાસ (1997–98)

જથ્થો કિંમત (કરોડમાં) રૂ.
     દેશ મૅટ્રિક ટનમાં ટકાવારી  કુલ ટકાવારી
1. અગ્નિ એશિયા 1,05,940 84% 427.84 67%
2. જાપાન 7,032 6% 100.44 16%
3. યુરોપના દેશો 4,972 4% 35.84 6%
4. અમેરિકા 4,153 3% 46.46 7%
5. મધ્યપૂર્વના દેશો 1,831 1% 17.90 3%
6. અન્ય 1,633 1% 6.00 1%

દરિયાઈ પકડાશમાં ગુજરાત રાજ્ય પ્રથમ નંબરે (આશરે 7.0 લાખ) છે. જોકે આ ઉત્પાદનમાં ગુણવત્તા(quality)વાળી અને અલ્પમૂલ્યવાળી – એમ બંને પ્રકારની માછલીઓનો સમાવેશ થાય છે. જલજીવોની કુલ નિકાસની ટકાવારી 32.54 % (1.20 લાખ મે. ટન) અને કિંમતમાં ટકાવારી 13.58 (677.85) જેટલી છે. માત્ર સંખ્યાની ર્દષ્ટિએ ધ્યાન આપવાને બદલે, જો ગુણવત્તાવાળી માછલી પકડવા તરફ વધુ ધ્યાન અપાય તો તે કમાણીની ર્દષ્ટિએ હિતાવહ છે.

સારણી 4 આર્થિક ર્દષ્ટિએ ગુજરાતની અગત્યની દરિયાઈ માછલીઓની પકડાશ (1997–98)

ક્રમ માછલી મત્સ્ય-પકડાશ (ટનમાં)
1 બૂમલા 1,14,704
2 પટ્ટા-પટ્ટી 78,768
3 જિંગા 48,823
4 દેડકા-નરસિંગા 24,122
5 ખગા-ખગી 21,110
6 વીંછુડા 11,097
7 ઘોલ-દારા 8,285
8 સુરમાઈ 7,269
9 હલવા 3,343
10 ચાકસી 2,556
11 સગ 1,171
12 ટીટણ 478

જલજ ખોરાકની સાચવણી

જલજીવોને પાણીમાંથી બહાર કાઢતાં વિપરીત ઉત્સેચકીય અને ઑક્સિડેશન પ્રક્રિયા હેઠળ તેમજ પરોપજીવી સૂક્ષ્મજીવોના ચેપને લીધે ટૂંકસમયમાં તેઓ બગડવા માંડે છે. માંસ પોચું બને છે અને પેશીઓનું વિઘટન થતાં તે ખોરું બને છે અને તેમાંથી વાસ પણ આવે છે. આ પકડાયેલા જલજીવો પર જો વિવિધ પ્રક્રિયા કરવામાં આવે તો તેમને સાચવી શકાય છે.

જલજીવોને સાચવવા માટેના કેટલાક ઉપાયો : (1) સૂકવવું (drying); (2) ખારું કરવું (salting); (3) ઠારવું (freezing); (4) અતિશીત પ્રક્રિયા વડે સૂકવવું (freeze drying) અને (5) ધુમાવવું (smoking).

1. સૂકવવું : જલજીવોને સૂકવવાથી પાણીના અભાવમાં શરીરમાં આવેલા ઉત્સેચકો નિષ્ક્રિય બને છે અને સૂક્ષ્મજીવો પણ સુકાતાં માંસ ચેપથી બચી જાય છે. વળી યોગ્ય ઉપચારથી સૂકવેલ અવસ્થામાં તેમને મહિનાઓ સુધી ખોરાક તરીકે વાપરી શકાય છે.

જલજીવોને સૂકવતા પહેલાં, શરીરની અંદર આવેલાં અંગોને કાઢી નાખવાં હિતાવહ છે; કારણ કે પાચનતંત્રમાં ખોરાક સાથે પરોપજીવી સજીવો ઉપરાંત હાનિકારક ઘટકો પણ શરીરમાં પ્રવેશતા હોય છે. મોટા કદની માછલીના શરીર પર કાપ મૂકવાથી અથવા તો તેના ટુકડા કરવાથી શરીરનો અંત:સ્થ ભાગ પણ ટૂંકસમયમાં ભેજવિહોણો બને છે.

ઓછા સમયમાં માછલીઓને સૂકવવા ધાતુનાં પતરાંનાં બનેલાં ટનલ કે કબાટોનો ઉપયોગ કરી શકાય છે. જેમના પર પ્રાથમિક પ્રક્રિયા કરેલી હોય તેવી માછલીઓને અંદર આવેલી છાજલીઓ પર વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે. ટનલને તડકામાં મૂકી તેની અંદરની હવાને બહાર ખેંચી કાઢવા એક્ઝૉસ્ટ પંખા ગોઠવવામાં આવે છે. તેથી માછલી સૂકવવાની પ્રક્રિયા વેગીલી બને છે. કબાટની અંદર મૂકેલી માછલીઓને ઇલૅક્ટ્રિક હીટરની મદદથી પણ સૂકવવામાં આવે છે.

2. ખારું કરવું (salting) : પકડેલી માછલીઓને ખારા પાણીમાં બોળવાથી અથવા તો તેમના શરીર ઉપર મીઠું ચોપડવાથી તેમના શરીરની અંદર આવેલું પાણી બહાર ખેંચાય છે. સૌપ્રથમ માછલીને સ્વચ્છ કરી અંદરનાં અંગોને બહાર કાઢી તેના પર કાપ મૂકવા અથવા તો તેના ટુકડા કરવામાં આવે છે. મીઠું પાણીને ચૂસે છે. મીઠું સૂક્ષ્મજીવો માટે હાનિકારક હોવાથી ખારી કરેલી માછલી ચેપમુક્ત રહે છે. સામાન્ય રીતે માછલીઓને સૂકવવા સિમેંટવાળી જમીનનો ઉપયોગ કરવાથી સ્વચ્છતા જાળવી શકાય છે. ખારું કરવાની પ્રક્રિયાના ભાગ રૂપે દક્ષિણ ભારતના કેટલાક માછીમારો જમીનમાં ખાડો ખોદી તેની અંદર માછલીને મૂકી તેમના બે સ્તરો વચ્ચે મીઠું પાથરતા હોય છે. છેલ્લે ખાડામાં માછલીઓ ગોઠવી દીધા પછી તેના પર એક ભારે વજનવાળું ઢાંકણ મૂકવામાં આવે છે. વજનના દબાણ હેઠળ માછલીના શરીરમાંથી પાણી ઝડપથી નીકળતાં મીઠું તેને શોષે છે અને તે જમીનમાં પ્રસરે છે. આ પ્રકારે જૂજ સમય માટે ઓછા ખર્ચે માછલી સાચવી શકાય છે. પરિણામે નબળા વર્ગના લોકો આ રીતે સાચવેલી માછલીઓનો પ્રોટીનયુક્ત ખોરાક નજીવા ભાવમાં મેળવી શકે છે.

3. ઠારવું : આ પ્રક્રિયાથી ઓછા તાપમાને ચેપી સૂક્ષ્મજીવો અને શરીરમાં આવેલા વિઘટક ઉત્સેચકો નિષ્ક્રિય બનવાથી જલજીવોનો થતો બગાડ અટકાવી શકાય છે. બરફના ટુકડાઓ જલજીવો વચ્ચે રાખવાથી તેમનો બગાડ થતો ટૂંકા સમય માટે અવરોધી શકાય છે. વળી બરફનું પ્રમાણ વધારીને કલાકો સુધી પણ એ જલજીવોને સાચવી શકાય છે. 2–3 દિવસ સુધી જલજીવીય ખોરાકને સાચવવા તેને બરફનાં શીતાગારોમાં મૂકવામાં આવે છે.

અતિશીતન વડે સાચવણી : જલજીવોને વધુ સમય માટે એટલે કે મહિનાઓ સુધી સાચવવા તેમને  –200 સે. સુધીના તાપમાનમાં સંઘરવામાં આવે છે.

જૅકસ્ટન-ફૉસ્ટર ઉપકરણ : સ્વાદ વધારે તાજો રાખવા, જેના પર પ્રાથમિક પ્રક્રિયા કરવામાં આવી હોય તેવા દરિયાઈ ખોરાકને તુરત જ –400 સે. સુધીના ઘટેલા તાપમાનવાળા વિશિષ્ટ શીતાગારમાં સાચવવામાં આવે છે. જોકે માછલીઓની સાચવણીનો આ એક મોંઘો ઉપાય છે.

4. થીજવીને સૂકવવું (freeze drying) : જેના પર પ્રાથમિક પ્રક્રિયા કરવામાં આવી હોય એવા જલજ ખોરાકને સૌપ્રથમ મીઠાના પાણીમાં બોળવામાં આવે છે અને ત્યારબાદ તેને –200 સે. તાપમાન શૂન્યાવકાશ(vacuum)માં ગોઠવવામાં આવે છે. શૂન્યાવકાશની અસર હેઠળ 7–8 દિવસની અંદર શરીરમાંનું બધું પાણી ખેંચાતાં તે ખોરાક સંપૂર્ણપણે શુષ્ક બને છે અને વાદળી (sponge) જેવું સ્વરૂપ ધારણ કરે છે. આવા ખોરાકને સારી રીતે વીંટવાથી તે મહિનાઓ સુધી ટકી રહે છે. રાંધતી વખતે તેને ગરમ પાણીમાં બોળવાથી તે અસલ સ્વરૂપ ધારણ કરે છે અને પૂર્વવત્ લીલું બને છે અને તેનો સ્વાદ તાજા ખોરાકના જેવો લાગે છે.

જિંગાની થિજવણી : દરિયાઈ ખોરાકની નિકાસથી થતી હૂંડિયામણની મોટાભાગની કમાણી જિંગાની નિકાસને લીધે છે. મુખ્યત્વે જાપાન, અમેરિકા જેવા વિકસિત દેશો જિંગા મોટા પાયા પર ખરીદતા હોય છે. જિંગા સ્વચ્છ અને જંતુમુક્ત અને કદમાં એકસરખું હોય તેવો તેઓ આગ્રહ રાખે છે.

આકૃતિ 16 : વિશ્વમાં મત્સ્યપકડાશનાં પ્રમુખ ક્ષેત્રો

ઉપર્યુક્ત મુદ્દાને ધ્યાનમાં રાખી, થિજવણીના ભાગ રૂપે સૌપ્રથમ જિંગાની પૂંછડીને અલગ કરી, તેના ઉપર આવેલ કવચને કાઢી નાખવામાં આવે છે અને કદ પ્રમાણે તેનું વિભાજન કરવામાં આવે છે. ત્યારબાદ તેને –200 સે.થી –300 સે. શીતમાનમાં દબાણથી પૂંઠાંની પેટીઓમાં ભરવામાં આવે છે, અને શીતખંડોમાં સાચવવામાં આવે છે, અને છેલ્લે શીતવાહનોમાં મૂકી શીતખંડથી સજ્જ હોડીઓ દ્વારા તેની નિકાસ કરવામાં આવે છે.

5. ધુમાવવું (smoking) : આ પ્રક્રિયામાં ધુમાડાની ભઠ્ઠી (smoking kiln) દ્વારા પકડેલા જલજીવોને ધુમાડો આપવામાં આવે છે. ભઠ્ઠીના નીચલા ભાગમાં બળતણ માટે ચૂલો ગોઠવવામાં આવે છે, જ્યારે ઉપલા ભાગમાં દોરી કે સળિયા વડે જેમના પર પ્રાથમિક ઉપચાર કર્યો હોય તેવી માછલીઓને હારબંધ લટકાવવામાં આવે છે. ધુમાડાને લીધે જલજીવો જૂજ સમયમાં સુકાય છે અને ધુમાડામાં આવેલાં વિશિષ્ટ રસાયણોને લીધે ચેપરહિત બને છે. ધુમાડાને લીધે જલજીવોનો વિશિષ્ટ સ્વાદ આવે છે. આ સ્વાદ બળતણ માટે વપરાતા લાકડાની જાત પર આધાર રાખે છે.

મત્સ્યોદ્યોગ

આનુષંગિક ઉત્પાદનો અને ઉદ્યોગો : મત્સ્યોદ્યોગનું ક્ષેત્ર તાજા કે પ્રક્રિયા કરેલા જલજ ખોરાકના વેચાણ પૂરતું મર્યાદિત નથી. મત્સ્યોદ્યોગમાં પકડાતા જલજીવોમાં પસંદગીપાત્ર પ્રાણીઓનું પ્રમાણ 50 % અથવા તો તેના કરતાં પણ ઓછું હોઈ શકે છે. શેષ પકડાશમાં ખોરાકની ર્દષ્ટિએ નિરુપયોગી અથવા તો પસંદગીની ર્દષ્ટિએ હલકી જાતના ગણાતા જલજીવોનો પણ સમાવેશ થાય છે. આવા જલજીવો પર યોગ્ય પ્રક્રિયા કરવાથી આર્થિક ર્દષ્ટિએ મૂલ્યવાન એવી આડપેદાશો (byproducts) પ્રાપ્ત કરી શકાય છે. વળી આવી પ્રક્રિયા દરમિયાન પસંદગીપાત્ર દરિયાઈ ખોરાકમાંથી અલગ કરવામાં આવતાં મીનપક્ષો, યકૃત, હાડકાં, ત્વચા અને કવચમાંથી પણ ઉપયોગી ચીજો બનાવવામાં આવે છે.

ફિશમીલ : માનવ-ખોરાક તરીકે નિરુપયોગી ગણાતા જલજીવો પર પ્રક્રિયા કરી ફિશ-મીલનું ઉત્પાદન કરવામાં આવે છે. આવા જલજીવોને સૌપ્રથમ વરાળ વડે પકાવી તેમને સૂકવવામાં આવે છે. ત્યારબાદ ઘંટીમાં દળીને તેમનો ભૂકો કરવામાં આવે છે. ફિશ-મીલ નામે ઓળખાતા આ ભૂકામાં પ્રોટીન, ખનિજ-તત્વો, વિટામિન, કાર્બોદિતો જેવા ખોરાકી ઘટકો સારા પ્રમાણમાં આવેલા હોવાથી આ ભૂકો પાલતુ પ્રાણીઓ માટે સારા ખોરાકની ગરજ સારે છે. ખાસ કરીને મરઘીના ખોરાક તરીકે તેનો બહોળો ઉપયોગ થાય છે. વળી ભૂકાને પશુદાણમાં ભેળવવાથી પશુખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારી શકાય છે.

ખાતર : ખોરાક તરીકે ન વપરાતા જલજીવોને સૂકવીને તેમનો ભૂકો કરવાથી તેમનું ઉપયોગી ખાતર થઈ શકે છે. સારી રીતે સૂકવેલ જલજીવો પાલતુ પ્રાણીઓના ખોરાક તરીકે પણ વાપરી શકાય છે. જોકે આ ભૂકામાં ચેપી સૂક્ષ્મજીવો કે કચરો હોવાનો સંભવ રહે છે. તેમ છતાં, આવો ખોરાક ઓછા ભાવે બજારમાં પ્રાપ્ત થતો હોવાથી મરઘી તેમજ અન્ય પ્રાણીઓના ખોરાક તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

જલજીવોમાંથી માનવીના ઉપયોગાર્થે લેવાતી ફિશમીલ : ઢોમા, પાલ્લી, મેંદલી, ડાઇ, પટ્ટી જેવી ઓછી પસંદગીપાત્ર માછલીઓ પણ પૌષ્ટિક ખોરાકની ગરજ સારે છે. આમ છતાં બજારમાં ખોરાક તરીકે તેમનો ઉપાડ ઓછો હોવાથી શેષ રહેલી માછલીઓમાંથી માનવી માટે ફિશ-મીલ બનાવાય છે. આવી માછલીઓને સૌપ્રથમ દબાણથી વરાળ વડે બાફવામાં આવે છે. બફાવાની પ્રક્રિયા દરમિયાન માછલીઓમાંનું મત્સ્ય-તેલ છૂટું પડે છે. તે પછીના તેમના શેષ ભાગને સુકવણી યંત્ર (dryer) દ્વારા સૂકવીને તેમનો ભૂકો બનાવવામાં આવે છે. આ ભૂકામાંથી માછલીની  ગંધ કે તેનો સ્વાદ આવતાં નથી. વળી રોટલીના લોટમાં કે અન્ય રીતે આ ભૂકો માનવીના ખોરાકમાં ભેળવી તેને ઉચ્ચ પ્રોટીનયુક્ત કરી શકાય છે. સૂપ (soup) તથા સ્વાદિષ્ટ પુષ્ટિકારક આહાર (tonic) બનાવવામાં આ ફિશ-મીલ સારા પ્રમાણમાં વપરાય છે.

મઘરા યકૃત તેલ (shark liver oil) : ભારતના દરિયામાં મળતાં પટારી, ભૂથર, કાનમુશી, સાંઢો, છૂરિયો જેવાં નાનાંમોટાં કાસ્થિમીનોના યકૃતમાંથી તેલ મેળવાય છે. આ માછલીઓમાંથી અલગ કરવામાં આવેલાં એમનાં યકૃતને ગરમ પાણીમાં ધોઈને સ્વચ્છ કરવામાં આવે છે. પછી યંત્રની મદદથી તેમનો લોંદો બનાવવામાં આવે છે. આ લોંદાને પકાવવાના પાત્ર(digestion chamber)માં રાખીને તેમાં સોડિયમ બાયકાર્બોનેટ જેવા આલ્કલીનું 2 % મંદ દ્રાવણ ઉમેરી, તેને પકાવવામાં આવે છે. આમ કરતાં વધારાના ફૅટી ઍસિડો તટસ્થ બને છે અને આશરે 30–40 મિનિટમાં તૈલી ઘટકો અલગ થઈને પાણીની ઉપલી સપાટીએ તરે છે, જ્યારે શેષ ઘટકો નીચેના ભાગમાં જમા થાય છે. હવે પ્રવાહી મિશ્રણને સેંટ્રિફ્યૂગલ બાસ્કેટમાં મૂકી ફેરવવાથી શેષ નક્કર પદાર્થો પ્રવાહી પદાર્થોથી સંપૂર્ણપણે અલગ થઈ જાય છે. આ પ્રવાહી પદાર્થને પાણી વડે સારી રીતે ધોવાથી 4–5 કલાકમાં તૈલી પદાર્થો પાણીની સપાટીએ તરવા માંડે છે. હવે આ તૈલી ભાગને 15,000 rpm શક્તિ ધરાવતા સેંટ્રિફ્યૂગલ યંત્રમાં રેડી યંત્ર ચાલુ કરવાથી તૈલી પદાર્થો સંપૂર્ણપણે અલગ થઈ જાય છે.

આ તૈલી પદાર્થની ચકાસણી કરી તેની ગુણવત્તા પ્રમાણે તેનું વિભાજન, ઔષધીય (pharmaceutical) અને પશુચિકિત્સકીય (veterinary) – એમ બે પ્રકારમાં કરવામાં આવે છે. ઔષધકીય યકૃત-તેલમાં ગ્રામદીઠ વિટામિનનું પ્રમાણ 6000 i.u. (international unit) કરતાં વધારે હોય છે. આમાં યોગ્ય પ્રમાણમાં વનસ્પતિ-તેલ ઉમેરી, પચાવવામાં હલકા એવા અન્ય પૌષ્ટિક ઘટકો ઉમેરીને તેમાંથી ટૉનિક બનાવાય છે.

પશુચિકિત્સકીય પ્રકારમાં વિટામિનનું પ્રમાણ સહેજ ઓછું હોય છે. આ તેલનો ઉપયોગ મરઘી અને અન્ય પાલતુ જાનવરોના ખોરાક તરીકે કરવામાં આવે છે.

આઇસિંગ ગ્લાસ : આ એક મોંઘી ચીજ છે, જે વામ, બિડાલ-મીન, ઢોમા જેવી માછલીઓનાં વાતાશયોમાંથી બનાવાય છે. તેનો ઉપયોગ બિયર અને વાઇન જેવાં કેફી પેયો અને વિનેગર જેવાં ખોરાકી દ્રવ્યો સ્વચ્છ કરવામાં થાય છે. પ્લાસ્ટિક અને સિમેન્ટ ઉદ્યોગમાં પણ તે વપરાય છે.

અન્ય ખોરાકી પદાર્થોમાં સૂપપાઉડર, ફિશ-સ્ટિક, અથાણું અને ઔષધીય મિશ્રણો વગેરેનો સમાવેશ કરી શકાય.

મત્સ્યગુંદર : મુખ્યત્વે કાસ્થિમીનોનાં કાસ્થિ, ચામડી, અન્નમાર્ગ જેવાં અંગોમાં સંયોજક પેશીના ભાગ તરીકે, તંતુ-સ્વરૂપે કૉલેજન-રસાયણ સારા પ્રમાણમાં આવેલું હોય છે. આવાં અંગોનો ભૂકો કરી યોગ્ય રસાયણો વડે ઉપચાર કરવાથી કૉલેજનને અલગ કરી શકાય છે. લોંદા રૂપે આવેલ આ મિશ્રણને બાફવાથી જેલી જેવા પદાર્થનું નિમર્ણિ થાય છે. તેનો ગુંદર તરીકે બહોળો ઉપયોગ થાય છે.

ચામડી : કાસ્થિમીનો જેવી સખત ચામડી ધરાવતી માછલીઓની ત્વચા પર યોગ્ય ઉપચાર કરવાથી તેમાંથી કમરપટ્ટા, પર્સ જેવી ચીજો બનાવાય એવું ચામડું તૈયાર થાય છે. આ ચામડીમાંથી જિલેટિનનું ઉત્પાદન પણ થઈ શકે છે. તે દવા માટેની કૅપ્સ્યૂલ બનાવવામાં ઉપયોગી થાય છે.

મૃદુકાયોનાં કવચો : મૃદુકાયોનાં શંખ, છીપ, કોડી જેવાં કવચો દેખાવે આકર્ષક હોય છે. આવાં કવચોમાંથી ધ્યાન ખેંચે એવી ચીજો, હાર, પેપરવેઇટ જેવી વસ્તુઓ બનાવાય છે.

Xanchus મૃદુકાયનો શંખ પવિત્ર લેખવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. તે પૂજા દરમિયાન વગાડવામાં પણ વપરાય છે. નાની કોડી, અને શંખમાંથી માળાઓ બનાવવામાં આવે છે. દેડકાં અને નરસિંગા(sepia)માં અંત:સ્થ કવચો હોય છે. કાચ જેવી વસ્તુઓને પૉલિશ કરી તેનો ચળકાટ વધારવામાં આ કવચો ખાસ ઉપયોગી નીવડે છે.

ચૂના-વ્યવસાયમાં કાચા માલ તરીકે મૃદુકાયનાં કવચો ખાસ ઉપયોગી છે.

મોતીસંવર્ધન (pearl culture) : મોતી-છીપ(pearl oyster)ના શરીરમાં મોતીનું નિર્માણ થતું હોય છે. મોટા કદનાં મોતી મોંઘાં હોય છે. મોતીની માગ ધ્યાનમાં લઈને કૃત્રિમ રીતે મોતી ઉત્પન્ન કરવામાં આવે છે. અગાઉ સિક્કાની ખાડીમાં મોતી-છીપનું સંગોપન કરી, તેમાંથી મોતીનું ઉત્પાદન કરવામાં આવતું હતું; પરંતુ હાલમાં પ્રદૂષણને લીધે, ત્યાંના મોતી-સંવર્ધન પર માઠી અસર પહોંચી છે.

પરવાળાં : ઘણી જાતનાં પરવાળાં (દા.ત., લાલ પરવાળાં, વૃક્ષ-પરવાળાં, દરિયાઈ પંખો વગેરે) દેખાવે આકર્ષક હોય છે. શોભાયમાન વસ્તુઓ તરીકે ઘણા લોકો તેમને સંઘરે છે. આ બધાં પરવાળાં વસ્તુત: પ્રાણીઓનાં બાહ્ય-કંકાલ હોય છે.

મૂલ્યવાન (precious) લેખાતાં પ્રખ્યાત પરવાળાં ઠંડા દરિયાની ઊંડાઈએ, મધ્ય સમુદ્રમાં અને જાપાનના દરિયા જેવાં સ્થળોએ વાસ કરતાં હોય છે. આ પરવાળાં શરીરના અંત:સ્થ  કંકાલરૂપ હોય છે. પરવાળાંને ઘસવાથી તેઓ લાલ (red), ગુલાબી (rosy) અને આછો ગુલાબી (pink) જેવો રંગ ધારણ કરે છે. આવાં પરવાળાંમાંથી બનાવવામાં આવતાં આભૂષણો અત્યંત મોંઘાં હોય છે.

વાદળી (sponge) : વાદળીનું કંકાલ મૃદુ હોવા ઉપરાંત તે આકુંચન પામવાનો ગુણધર્મ ધરાવે છે. તેથી તે પાણીને સહેલાઈથી ચૂસી શકે છે. વાદળીનો ઉપયોગ ભેજ લૂછવામાં, સ્નાનમાં અને કાચ, બેસિન અને સિરૅમિકની વસ્તુઓને સ્વચ્છ કરવામાં થાય છે. બાથ-સ્પંજ નામે ઓળખાતા સ્પંજનું સંવર્ધન કૅરિબિયન અને મધ્ય (mediterranian) સમુદ્રમાં મોટા પાયા પર કરવામાં આવે છે.

કાઇટોસન : જિંગાના કવચમાં સારા એવા પ્રમાણમાં કાઇટન-જૈવ-રસાયણ આવેલું હોય છે. કવચમાં મળતું કાઇટન કાપડ-ઉદ્યોગમાં સાઇઝિંગ-પદાર્થ તરીકે વપરાય છે. તે કાગળની ગુણવત્તા વધારવામાં પણ ઉપયોગી થાય છે. દારૂના શુદ્ધીકરણમાં પણ તે વપરાય છે. વળી સ્થિરકારક (stabiliser) અને ગાઢકારક (thick agent) તરીકે પણ તે કામ આપે છે.

મ. શિ. દૂબળે