મત્સ્યભોજ (Osprey) : હિમાલયનું વતની અને શિયાળાનું યાયાવર પંખી. તેનું શાસ્ત્રીય નામ Pandion haliaetus. વર્ગ : Falconiformes; કુળ: Pandionidae.
કદ સમળીથી નાનું, 56 સેમી. ઉપરનું શરીર ઘેરું બદામી. પેટાળ સફેદ. છાતી પર આડા બદામી પટાને લીધે ગળે હાર પહેર્યો હોય તેવું લાગે. માથે સફેદ નાની કલગી. ઊડે ત્યારે સફેદ પેટાળમાં છાતી ઉપરના બદામી પટાથી તે ઓળખાય છે. પાંખો લાંબી અને અડધેથી ખૂણો પાડી વળાંક લેતી હોય છે. તે વળાંકના ખૂણા પર ઘેરો ડાઘ હોય છે. આ તેને ઓળખવાની બીજી નિશાની છે.
એટલે 7.6મી.થી 15.2 મી. ઊંચે સુધી હવામાં ચડી તે સ્થિર ઊડે છે અને ત્યાંથી કલકલિયાની જેમ પાણીમાં સીધો ઠેકડો મારે છે અને પાણીમાં અર્દશ્ય થવાને બદલે તેની સપાટી પર તરતી માછલીને પગથી પકડી લેવાની ચીલઝડપ દાખવે છે, જે રોમાંચક લાગે છે. વળી માછલી જ તેનો ખોરાક છે. સુંવાળી માછલીનો શિકાર સરકી ન જાય તે માટે તેની આંગળીઓના નીચેના ભાગમાં અણીદાર ભીંગડાં હોય છે.
મોટાં તળાવો અને સરોવરોમાં તેમજ દરિયાકાંઠે ભરાઈ રહેતાં ખારાં પાણીના અને મોટી નદીઓના વિસ્તારોમાં તે જોવા મળે છે. શિયાળા દરમિયાન નળ સરોવરમાં તો તે અચૂક દેખાય છે. પાણીમાંના ઝાડના ઠૂંઠા પર કે એવી કોઈ જગ્યાએ તે બેઠો હોય છે કે જ્યાંથી સપાટી પર તરતી માછલી નજરમાં આવે. અવારનવાર પાણી પર તરતી માછલી પર નજર રાખી તે પાણીની સપાટીની નજીક પણ ઊડે છે.
ચોમાસું પૂરું થતાં યુરોપ અને સાઇબીરિયાથી તે ભારતમાં આવી આખો શિયાળો રોકાય છે.
વૃક્ષોમાં અને ટેકરીઓ પર સૂકી ડાળખીઓ, નાના છોડ અને ડાળીઓનો અણઘડ માળો તે બનાવે છે. આંતરે વર્ષે 2થી 5 (સામાન્ય રીતે 3) ઈંડાં મૂકે છે; જેમને નર અને માદા બંને સેવે છે. મુખ્યત્વે માદા 35થી 38 દિવસ તેનું સેવન કરે છે. તેનાં બચ્ચાં જન્મે ત્યારથી 51થી 63 દિવસ સુધી માળામાં ઊછરે છે.
બળદેવભાઈ કનીજિયા