મણિપુરી નૃત્ય : ભારતના ઈશાન પ્રદેશનું વિશિષ્ટટ શૈલી ધરાવતું શાસ્ત્રીય નૃત્ય. ભારતના ઈશાન સીમાડા પરના મણિપુર રાજ્યના વીસ હજાર ચોકિમી.ના વિસ્તારમાં ડુંગરો અને પહાડો છે. આથી તેની 2⁄3 વસ્તી બાકીના સપાટ-ખીણ પ્રદેશમાં વસે છે. આ પ્રદેશ તેના કુદરતી સૌંદર્યને લીધે શોભે છે તેથી જ કદાચ તેનું નામ ‘મણિપુર’ પડ્યું હશે.
આ પ્રદેશની 2⁄3 વસ્તી ઇન્ડો-મૉન્ગોલૉઇડ પ્રકારની કિરાત નામે ઓળખાતી જાતિની છે. પહાડી વિસ્તારમાં વસતી આ જનજાતિ મુખ્યત્વે વન્ય જીવો અને પ્રાચીન દેવી-દેવતાઓની પૂજક છે. તાંત્રિક સંપ્રદાયની અસર આ પ્રદેશ પર પડી ત્યારથી આ પ્રદેશમાં શિવશક્તિની પૂજા આવી હોવી જોઈએ. આજે પણ માઈબી અને માઈબા (સ્ત્રી અને પુરુષ-પૂજક) પ્રાચીન વિધિવિધાન અનુસાર નૃત્ય સાથે શિવ-શક્તિનું આહવાન કરે છે.
પ્રાપ્ત તવારીખો પ્રમાણે મણિપુરના રાજા ગરીબનિવાજે અઢારમી સદીમાં વૈષ્ણવ ધર્મનો અંગીકાર કર્યો, તે અગાઉ બંગાળથી તે પ્રદેશમાં વૈષ્ણવ ભક્ત શાંતિદાસ પધાર્યા હતા અને તેમના પ્રભાવ હેઠળ રાજા ખાંગેબાએ ત્યાં વિષ્ણુનું નાનું મંદિર બંધાવ્યું હતું. આમ આશરે પંદરમી સદીની આસપાસ ચૈતન્ય મહાપ્રભુનો ગૌડીય સંપ્રદાય અહીં પ્રસર્યો અને સમયાંતરે માઈબા-માઈબીનાં તાંત્રિક વિધિનૃત્યોને બદલે કીર્તન અને ચોલોમ (ઢોલ સાથે થતાં) નૃત્યો મંડપોમાં થવા માંડ્યાં. કાળક્રમે મણિપુરની પ્રજાએ વૈષ્ણવ ધર્મના અનેક પંથોનો અંગીકાર કર્યો. આથી વૈષ્ણવ ધર્મ પર સંપૂર્ણપણે આધારિત મણિપુરી શૈલીને અન્ય શાસ્ત્રીય શૈલીની તુલનામાં નવતર શૈલી ગણવામાં આવે છે. અઢારમી સદી બાદ વૈષ્ણવ ધર્મ તેમની સાંસ્કૃતિક પ્રવૃત્તિ પર છવાઈ ગયો, છતાં મૈતેઈ પ્રજાએ તેમના પ્રાચીન ધર્મને વિસાર્યો ન હતો. બલકે, તેમનાં વિધિ-નૃત્યો ઉપરાંત નવા ધર્મના રંગે રંગાયેલ (નવાં) નૃત્યો તેમાં ઉમેરાયાં. આમ મણિપુરી શૈલીના નૃત્યફલકનો બહોળો વિસ્તાર થયો.
મણિપુરી નૃત્યોને મુખ્ય બે વિભાગમાં વહેંચી શકાય : (1) લાઈ હરોબા અને ખામ્બા થાઈબી, તથા (2) ભંગીપરેંગ અને રાસ. પ્રાચીન ધર્મની અસર હજુ પણ આ નૃત્યશૈલીમાં વર્તાય છે. આ તાંત્રિક અસરવાળાં નૃત્યો ઉપરાંત અહીંની પ્રજામાં અતિ પ્રાચીન કાળથી સર્પપૂજાનું મહત્વ છે. આથી અંગ્રેજી આંકડા 8ની આકૃતિમાં ખૂબ મૃદુ તેમજ લાવણ્યપ્રધાન શારીરિક ચેષ્ટાઓ તેમના નૃત્યમાં જળવાય છે. ભંગીપરેંગ ઉપરાંત અન્ય ગતિક્રિયામાં આવી સર્પાકાર નૃત્યક્રિયાઓ જોવા મળે છે. શરીરના મધ્યસૂત્રની આસપાસ થતી ચેષ્ટામાં ઋજુતા ઉપરાંત સતત અભ્યાસ બાદ કેળવાયેલી સ્થિરતા પણ જણાય છે. રાસનૃત્યોમાં તો જાણે પ્રસંગ અનુસાર શ્રીમદભાગવત પૂર્ણપણે ચિત્રિત થાય છે. ભારતની ભાગ્યે જ એવી અન્ય શૈલી હશે, જેમાં આટલી ઝીણવટથી અને વિસ્તારથી ભાગવત-પ્રસંગોનું નિરૂપણ થતું હોય.
મણિપુરી નૃત્યના માળખાને હાલનું સ્વરૂપ આપવામાં અઢારમી સદીના રાજા ભાગ્યચંદ્રે મુખ્ય ભાગ ભજવ્યો છે. કહેવાય છે કે વૈષ્ણવ ધર્મથી પૂર્ણપણે સિંચિત બનેલ તેમનું મન વિષ્ણુ-કૃષ્ણમય બન્યું હતું. એક વાર તેમણે સ્વપ્નમાં કૃષ્ણની અદભુત રાસલીલાનાં દર્શન કર્યાં અને તે અલૌકિક ર્દશ્ય પુનર્જીવિત કરવા તેવા જ અદભુત પોશાક સાથે તેમણે નર્તકોને તૈયાર કરી નૃત્ય-સંયોજન કર્યું. તાજેતરમાં હાથ લાગેલ તામ્રપત્રો મુજબ આ વાત કપોલકલ્પિત નહિ પરંતુ આધારભૂત જણાઈ છે. રાજા ભાગ્યચંદ્રે નૃત્યસંયોજન, પોશાક ઉપરાંત 1774–84 દરમિયાન આ નૃત્યશૈલીના પાઠ્યપુસ્તક જેવું ‘ગોવિંદ સંગીત લીલાવિલાસ’ પુસ્તક લખ્યું છે. તે અગાઉ ચિત્રરથ ગાંધર્વ દ્વારા ‘નર્તનવાર્તિક’ અને ગર્ગાચાર્ય દ્વારા ‘રાસપ્રકાશ’ પુસ્તકો રચાયાં હતાં.
‘ગોવિંદ સંગીત લીલાવિલાસ’ ગ્રંથ પ્રમાણે તાંડવ અને લાસ્ય, પૌરુષપ્રધાન અને મૃદુ – એમ બે પ્રકારનું નૃત્ય હોય છે. તેમાં જણાવ્યા પ્રમાણે ચલનમ્, ગુંઠન અને પ્રસરણ પેટાવિભાગ છે; જ્યારે સીમિતાંગમ્ અને સ્ફુરિતાંગમ્ લાસ્યના બે પેટાવિભાગ છે. સીમિતાંગમમાં નર્તકી દ્વારા સીમિત ક્ષેત્રમાં ગતિક્રિયાનૃત્ય કરાય છે અને સ્ફુરિતાંગમમાં સ્ફુરિત અથવા ઝડપથી નૃત્ય કરાય છે.
મણિપુરીમાં રાસનું વિશેષ મહત્વ છે. ભાગ્યચંદ્ર રાજાએ મુખ્ય 3 રાસ આ શૈલીમાં આણ્યા : ચૈત્ર-પૂર્ણિમાની રાતે થતો વસંત-રાસ; અશ્વિન-પૂર્ણિમાની રાતે થતો કુંજ-રાસ અને કાર્તિક-પૂનમે થતો મહારાસ. કૃષ્ણલીલાનાં જુદાં-જુદાં ર્દશ્યો રાસ દ્વારા રજૂ થાય છે અને તેમાં આબાલવૃદ્ધ કૃષ્ણ-રાધામાં ગોપભાવથી તરબોળ થઈ તેમનો રાસરસ અનુભવે છે. રાધા-કૃષ્ણની ભૂમિકા ભજવતા નર્તકો દ્વારા દેવદેવીઓનો સાક્ષાત્કાર કરી રાસને અંતે તેમને દંડવત્ કરવામાં આવે છે. પ્રેક્ષકો કૃષ્ણવિરહ કે રાધાવિરહનો સ્વયં અનુભવ કરતા હોય તેમ અશ્રુભીની આંખે તેમને નિહાળે છે. વળી પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં હલ્લીસક, ચર્ચરી કે પિણ્ડીબંધ જેવી જે નૃત્યગૂંથણીનો ઉલ્લેખ છે તે અહીંના રાસમાં જોવા મળે છે. ચંદ્રકીર્તિ રાજાએ ગોપ અને ન્યિ રાસનો ઉમેરો કર્યો.
લાસ્ય-પ્રકારમાં ભંગીપરેંગ, આછૌબા, વૃંદાવન ભંગીપરેંગ તથા ખુરુંબા ભંગીપરેંગનો સમાવેશ થાય છે; જ્યારે તાંડવ-પ્રકારમાં ગોષ્ઠ ભંગીપરેંગ, ગોષ્ઠ વૃંદાવન ભંગીપરેંગ, ગોષ્ઠ ખુરુમ્બાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લાઈ હરોબા, ખાંબ થાઈબીમાં નૃત્ય સાભિનય રજૂ થાય છે. ચોલોમ પ્રકારમાં પણ લાસ્ય અને તાંડવ – આ બે પેટાવિભાગ છે. લાસ્ય-પ્રકારમાં નર્તકી હાથમાં નાના મંજીરા લઈ નૃત્ય કરે છે, જ્યારે તાંડવમાં કરતાલ-ચોલોમમાં મોટી ઝાંઝ જેવાં મંજીરાં સાથે પુરુષો ખૂબ કપરા તાલથી આવેશપૂર્વક નૃત્ય કરે છે. તે જ પ્રમાણે ખોલ કે પુંગ કે ડફ (જુદી જુદી જાતના ઢોલ) લઈ પુરુષો નૃત્ય કરે છે. સ્ત્રીઓ કરતાલી લઈ એટલે કે જુદા જુદા તાલ-આવર્તનમાં તાળી પાડી નુપી ખુબાક ઈશાઈ અને નુપ ખુબાક ઈશાઈ નૃત્યો કરે છે. રાજમેળ (7 માત્રા), રૂપક (6 માત્રા), પંચમ સવારી (15 માત્રા) અને તીનતાલ (7 અને 8 માત્રા) એ મણિપુરી નૃત્યના મુખ્ય તાલ-પ્રકારો છે. આમ નવતર ગણાતી મણિપુરી શૈલીમાં અનેક પ્રકારની વિવિધતા છે.
પ્રકૃતિ કાશ્યપ