મડિયા, કાન્તિલાલ મોહનલાલ (જ. 3 જુલાઈ 1932, લાઠી) : નવી ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ નટ-દિગ્દર્શક અને લેખક. લાઠીમાં દેશી નાટકમંડળીઓ દ્વારા ભજવાતાં ‘કાદુ મકરાણી’ અને ‘વીર રામવાળો’ જેવાં નાટકોમાંથી પ્રેરણા લઈ કાન્તિ મડિયા હાથમાં લાકડી લઈ ગામની શેરીમાં છોકરાં ભેગાં કરી ‘કાદુ મકરાણી’ જેવાં નાટકો ભજવતા. નાટકના એ પહેલ-વહેલા સંસ્કાર. 10–12 વર્ષની ઉંમરે સોનગઢના કાનજી સ્વામીની હાજરીમાં શ્રીમદ્ રાજચન્દ્રના ‘નિમિત્ત અને ઉપાદાન સંવાદ’ રૂપે પહેલું નાટક ભજવ્યું. 1946માં પિતાનું અવસાન થતાં મુંબઈ આવી મામાને ત્યાં રહી ભણ્યા. 1948માં મૅટ્રિક પાસ કરી ખાલસા કૉલેજમાં દાખલ થયા. તે સમયે કૉલેજમાં ‘રજનીસંધ્યા’ નામે થતા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પહેલવહેલું એકાંકી નાટક ચિનુભાઈ પટવાનું ‘ભૂતઘર’ ભજવ્યું. તે પછી વાર્ષિકોત્સવમાં ‘સિલ્વરમૂનનો સ્વયંવર’ રજૂ કર્યું. ભારતીય વિદ્યા ભવનના કલાકેન્દ્ર દ્વારા આયોજિત આંતરકૉલેજ એકાંકીસ્પર્ધાના બીજા વર્ષે 1952માં ખાલસા કૉલેજ તરફથી રજૂ થયું ‘ગળેપડુ ગોકળદાસ’. તેમાં કાન્તિ મડિયાએ નાયક, રૂપાંતરકાર અને દિગ્દર્શક એમ ત્રેવડી ભૂમિકા ભજવી અને શ્રેષ્ઠ નટ તરીકેનું દ્વિતીય પારિતોષિક મેળવ્યું. ગુજરાતી રંગભૂમિની શતાબ્દી નિમિત્તે કલાકેન્દ્ર દ્વારા રજૂ થયેલા નાટક ‘રાખનાં રમકડાં’માં ચન્દ્રવદન ભટ્ટના સહાયક દિગ્દર્શક તરીકે જવાબદારી ઉપાડી ‘જ્યોતિષી’નું પાત્ર પણ ભજવ્યું. દરમિયાન જાણીતા રંગકર્મી રમેશ જમીનદારની ટકોર-ટીકા અને માર્ગદર્શનથી મડિયા નાટકનાં તમામ પાસાંથી માહિતગાર થયા અને પ્રતિબદ્ધતા અને સજગતાથી નાટકની દુનિયામાં આગળ વધ્યા. ચન્દ્રવદન ભટ્ટના અન્ય ત્રિઅંકી નાટક ‘અમલદાર’માં મુખ્ય ભૂમિકા ભજવી અને ‘વડલાની છાયા’માં પણ અભિનય આપ્યો. અદી મર્ઝબાન સાથે કરેલા ‘રંગમિલન’ પછી અદી સાથે જોડાયા અને ‘પીરોજાભવન’, ‘મોટા દિલના મોટા બાવા’માં ભૂમિકા કરી. 1957માં ‘રાજાને ગમી રાણી’ ત્રિઅંકીની રજૂઆત કરી અને પ્રાગજી ડોસા લિખિત હાથસાળની પ્રવૃત્તિ પર આધારિત ‘સહકારના દીવા’ નામનું પહેલું ત્રિઅંકી નાટક દિગ્દર્શિત કર્યું. મરાઠી રંગભૂમિના ખ્યાતનામ કલાકાર રાંગણેકર સાથે ‘સબ ભૂમિ ગોપાલ કી’ રજૂ કર્યું. પોતાની સંસ્થા ‘બોહીમિયન્સ’ માટે સફળતાથી ‘અમે, તમે ને રતનિયો’ તથા ‘તસ્કર ખાતર પાડવા’ કર્યાં. પછી કલાકેન્દ્રમાંથી ‘જોજો મોડાં ન પડતાં’ નામનું પ્રહસન અને લાલુ શાહના આમંત્રણથી ‘પઢો રે પોપટ’ નામનું હેતુલક્ષી સામાજિક નાટક રજૂ કર્યું, જે પાછળથી ‘જીવનસાથી’ના નામે અત્યંત સફળતાપૂર્વક ભજવાયું. 1963માં ‘ઘેર બેઠાં ગંગા’ અને ‘વર વગરનો વરઘોડો’ નાટક રજૂ કર્યાં. 1966માં વિજય દત્તના શતપ્રયોગી નાટક ‘એક જ દે ચિનગારી’માં યાદગાર ભૂમિકા ભજવી અને 1967માં તેમની જ સંસ્થા માટે ‘એકલો જાને રે’નું દિગ્દર્શન કર્યું.
1967ના ઑગસ્ટની પહેલી તારીખે પોતાની મશહૂર નાટ્યસંસ્થા ‘નાટ્યસંપદા’ની સ્થાપના કરી તેના નેજા હેઠળ વિવિધ વિષય, વિધવિધ ટૅકનિક અને સામાજિક સુસંગતતા ધરાવતાં એકએકથી ચડિયાતાં નાટકો ભજવ્યાં; જેવાં કે શિક્ષણક્ષેત્રે વ્યાપેલા ભ્રષ્ટાચારને નિરૂપતું ‘આતમને ઓઝલમાં રાખ મા’, મહર્ષિ કર્વેના જીવન પર આધારિત ‘નોખી માટી ને નોખાં માનવી’, ઇતિહાસવિદની કથા અને વ્યથા આલેખતું ‘મુઠ્ઠી ઊંચેરો માનવી’, ઉપરાંત તબીબી વિજ્ઞાનની અવનવી શોધોથી ઊભા થનાર નૈતિક સામાજિક પ્રશ્નો પરત્વે અંગુલિનિર્દેશ કરતાં નોંધપાત્ર નાટકો ‘અમે બરફનાં પંખી’ (કૅન્સર), ‘મૃગજળ સીંચીને અમે ઉછેરી વેલ’ (ટેસ્ટટ્યૂબ બેબી), ‘બાણશય્યા’ (મર્સી કિલિંગ), ‘કોઈ ભીંતેથી આયના ઉતારો’ (બ્રેન-ટ્રાન્સપ્લાન્ટ), ‘મહામાનવ’ (તબીબી વિજ્ઞાન વિરુદ્ધ કુદરત), ‘ચીતરેલા મોરનો ટહુકો’ (પક્ષઘાતની પીડા), ‘કાચિંડો’ (માનસિક વિકૃતિ) વગેરે. કાયદાની છટકબારી સામે જંગે ચઢતા ન્યાયમૂર્તિનો વલોપાત નિરૂપતું ‘હવે પાંપણમાં અદાલત ભરાશે’, ‘કૉલગર્લ’ની સમસ્યા નિરૂપતું ‘સાવ રે અધૂરું મારું આયખું’, રાજકીય રમતનું નાટક ‘સંતાનો સૌ ગાંધારીનાં’, બે પેઢીના સંઘર્ષની કથા આલેખતું ‘સ્નેહાધીન’ ઉપરાંત ‘વસ્ત્રાહરણ’, ‘હંસા હંસા હુરેરે’, ‘સળગે લીલુડાં વાંસવન’, ‘છળ’, ‘ઝાકળભીનાં પારિજાત’, ‘તાક્ ધિના ધિન’, ‘ત્રિશંકુ’, ‘સંસાર બિલોરી કાચ’, ‘સાવ અચાનક’, ‘રસ્તે રઝળતી વાર્તા’ વગેરે રજૂ કર્યાં. પ્રયોગાત્મક નાટકો ‘પીળું ગુલાબ અને હું’, ‘કમલા’, ‘બાકી ઇતિહાસ’ તેમજ વિખ્યાત વિદેશી નાટ્યકૃતિઓ પર આધારિત નાટકો ‘કાચી નીંદર, કાચાં સપનાં’ (ડેથ ઑવ્ એ સેલ્સમૅન), ‘આંદોલન’ (‘ઑલ માઇ સન્સ’), ‘જાગતા રે’જો’ (ડેન્જરસ ગેમ), ‘જૂજવે રૂપ અનંત ભાસે’ (રૉશૉમન), ‘આંખની અટારી સાવ સૂની’ (વેટ અન્ટિલ ડાર્ક), ‘આતમ ઓઢે અગનપછેડી’ (બેકેટ), ‘ખેલ ખતરનાક’ (ડેથટ્રૅપ) વગેરે ભજવ્યાં. છેલ્લાં 33 વર્ષના ગાળામાં 35 જેટલાં નાટકોનું એકલે હાથે નિર્માણ અને દિગ્દર્શન કરી તેમણે તખ્તાના ‘વન-મૅન આર્મી’ તરીકેનું બિરુદ મેળવ્યું છે.
‘કાશીનો દીકરો’ ફિલ્મના યશસ્વી દિગ્દર્શન ઉપરાંત કાન્તિ મડિયાએ ગુજરાતી સાહિત્ય પરિષદના નિમંત્રણથી 1982 અને 1983માં નાટ્યલેખન શિબિર યોજી સાહિત્યકારોને નાટક લખવા આકર્ષ્યા. 1988માં એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીમાં એક પ્રલંબ નાટ્યશિબિર યોજી મધુ રાયનું ‘પાનકોર નાકે જઈ’ ત્રિઅંકી ભજવ્યું. છેલ્લાં 15 વર્ષથી ‘કાવ્યસંપદા’ સંસ્થા દ્વારા ‘નૅશનલ સેન્ટર ફૉર પરફૉર્મિગ આર્ટ્સ’માં પ્રતિષ્ઠિત કવિઓના કાવ્યપઠનનું આયોજન કરનાર કાન્તિ મડિયાએ 1994માં કવિ રમેશ પારેખના જાણીતા પાત્ર ‘આલા ખાચર’ની રજૂઆત દ્વારા ગુજરાતી કવિતાને રંગભૂમિના માધ્યમમાં રજૂ કરવાનો એક અનોખો પ્રયોગ કર્યો.
કાન્તિ મડિયાની બહુમુખી નાટ્યપ્રતિભાએ રંગભૂમિ અને સાહિત્યને નજીક લાવવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે, જે એમનું બહુમૂલ્ય પ્રદાન છે.
મહેશ ચંપકલાલ શાહ