મઝુમદાર, રોનુ (પં.) (જ. 22 જૂન 1963, બનારસ) : બાંસુરીવાદક.
પં. રોનુ મઝુમદાર યુવા કલાકાર વર્ગના પ્રિય કલાકાર છે, તેમજ આબાલવૃદ્ધ સંગીતરસિયાઓના પણ ખાસ કલાકાર છે. એમની લોકપ્રિયતાનું કારણ રોનુજીનો સંગીતપ્રેમ, ચીવટ અને પ્રસ્તુતિની પદ્ધતિ છે. ભારતીય પ્રાચીન વાદ્ય વાંસળીને વૈશ્વિક સ્તરે મૂકી આપનાર આ સંનિષ્ઠ કલાકારે બાળવયથી જ પિતાશ્રી ડૉ. ભાનુ મઝુમદાર પાસેથી બાંસુરીવાદનની તાલીમ લીધી અને ત્યારબાદ ગુરુ પં. લક્ષ્મણપ્રસાદ જયપુરવાલે અને પછી પં. વિજય રાઘવ રાય પાસેથી સઘન તાલીમ પ્રાપ્ત કરી. ભાગ્યવશ તેમને મહાન ગુરુ પં. રવિશંકર પાસેથી પ્રશિક્ષણ લેવાનો અવસર પ્રાપ્ત થયો. મૈહર ઘરાના સાથે સંકળાયેલા આ કલાકારે વેણુવાદનમાં ઉલ્લેખનીય સ્થાન મેળવ્યું છે અને તેથી જ 1996માં આંતરરાષ્ટ્રીય ગ્રેમી ઍવૉર્ડમાં એમનું નામાંકન થયું હતું. રોનુજીએ ‘શંક (શંખ)’ બાંસુરીનું આગવું સર્જન કર્યું હતું. એ ત્રણ ફૂટ લાંબી વાંસળીને કારણે તેઓ વિશ્વભરમાં પોખાયા. આ એવા એક નોંધપાત્ર કલાકાર છે જેઓ ટી.વી. (રિયાલિટી શો) અને રેડિયોના પ્રતિષ્ઠિત કાર્યક્રમોમાં પ્રસિદ્ધિ પામ્યા. વારાણસીથી શરૂ થયેલી એમની સંગીતસભર શુભયાત્રા શાસ્ત્રીય સંગીતથી માંડીને હોલિવુડ અને બોલિવુડ સુધી પહોંચી.

(પં.) રોનુ મઝુમદાર
રોનુ મઝુમદારનું મૂળ નામ તો રણીન્દ્રનાથ કે રણેન્દ્રનાથ હતું; પરંતુ તેઓ લાડનામ રોનુ તરીકે જગત આખામાં ઓળખાયા. દેશ-વિદેશમાં પ્રસ્તુતિઓ થકી જાણીતા થયેલા રોનુજી આજે પણ બાળપણ યાદ કરીને કહે છે કે પિતાજીના ગુરુ વાંસળીવાદક પં. પન્નાલાલ ઘોષે વાંસળીવાદનક્ષેત્રે પાયાના પથ્થરનું કામ કર્યું હતું. એ સમૃદ્ધ વારસાને આગળ ધપાવવાનું ભગીરથ કાર્ય તેઓ આજે હોંશપૂર્વક કરે છે. છ વર્ષની ઉંમરથી શરૂ થયેલી એમની યાત્રાનો પ્રથમ પડાવ તે તેરમે વર્ષે કરેલી પ્રથમ પ્રસ્તુતિ; એ પરંપરાને વળગી રહેવું એ એમનું સદભાગ્ય છે. આ કર્મનિષ્ઠ વાદક 1981માં આર. ડી. બર્મન સાથે જોડાયેલા. એમની પ્રત્યેક પ્રસ્તુતિમાં આજે પણ પૂર્વે અનુભવેલું ઔત્સુક્ય છે. વિશ્વવિખ્યાત ગાયકો – લતા મંગેશકર, આશા ભોસલે, પં. જસરાજજી, વિદુષી કિશોરી આમોનકર, કિશોરદા, પં. કિશન મહારાજ, પં. બિરજુ મહારાજ, શંકર મહાદેવન, પં. ભીમસેન જોશી, ઉ. ઝાકિર હુસેન ઇત્યાદિ સાથે બાંસુરીની સંગત કર્યાનો તેમને ભારે આનંદ છે અને વર્તમાનમાં પણ એ ઉમંગ અને એ તૈયારી એમણે બરકરાર રાખ્યાં છે એનો સંતોષ પણ છે.
મધુર મોરલી ઉપર હાથ અજમાવતાં પહેલાં લીધેલી કંઠ્ય ગાયનની તાલીમ તેમના વાદનને વધુ ઉત્કૃષ્ટ બનાવે છે. સૂર, તાલ અને લયની દુનિયામાં જાણે કે તેઓ શ્વસતા હોય તેમ લાગે છે. રોનુજીના ત્રીસથી વધુ સંગ્રહો કલાકારો અને સંગીતપ્રેમીઓને ડોલાવે છે.
અનેક ઍવૉર્ડ્ઝ અને માન-સન્માન પં. રોનુ મઝુમદારને મળ્યાં છે : 1981માં ‘આકાશવાણી’માં પ્રથમ પારિતોષિક અને પ્રેસિડન્ટ સુવર્ણચંદ્રક મળ્યાં. પ્રતિષ્ઠિત ‘આદિત્ય વિક્રમ બિરલા’ પારિતોષિક પ્રાપ્ત થયું. ‘એશિયાડ’ નિમિત્તે દિલ્હી અને મૉસ્કોમાં ઊગતા કલાકારોના આ પ્રિય ગુરુએ માર્ગદર્શક જનમનરંજન કાર્યક્રમો કર્યા. 5,378 વાદકોના સમૂહમાં વાંસળીવાદનને કારણે ‘ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ’માં એમની નોંધ લેવાઈ. ગ્વાલિયરમાં ‘તાનસેન સમારોહ ઉત્સવ’ના 100મા અવતરણમાં ‘સામવેદ’ કૃતિમાં 2024માં 546 કલાકારો સાથે વાદન કર્યું. ફરીથી ગિનિસ બુકે એની નોંધ લીધી. 2025માં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂર્મુના હસ્તે એમને પદ્મશ્રીનો ઇલકાબ મળ્યો. આ ઍવૉર્ડ એમણે કાશ્મીરમાં રહેતા યુદ્ધપીડિત પરિવારોને અર્પણ કરી દીધો. આ સિવાય સંગીતનાટક અકાદમી અને અન્ય સંસ્થાઓએ તો એમને નવાજ્યા જ છે પણ સાથે સાથે ‘બાંસુરીવાલા’ નામક એક દસ્તાવેજી ફિલ્મ પણ બનાવી. રાષ્ટ્રીય કુમાર ગાંધર્વ પુરસ્કાર અને મહારાષ્ટ્રમાં લાઇફટાઇમ એચીવમેન્ટ પુરસ્કારથી પણ સન્માનિત કરાયા છે. તેઓ મુંબઈમાં વસવાટ કરે છે.
સુધા ભટ્ટ
