મઝુમદાર, પં. તેજેન્દ્ર નારાયણ (જ. 17 મે 1961, કૉલકાતા) : જાણીતા સરોદવાદક.
તેજેન્દ્ર નારાયણ મઝુમદારને ગળથૂથીમાંથી જ સંગીત અને સાહિત્ય વારસામાં મળ્યાં હતાં. પરિવારમાં સંગીતનું વાતાવરણ અને દાદાશ્રી બિભૂતિ રંજન મઝુમદાર સંગીતના અભ્યાસુ. તેમના પિતાશ્રી રંજન મઝુમદાર સિતારવાદક હોવાથી ઘરમાં તંતુવાદ્યમાંથી આવર્તનો નીસરતાં. પુત્ર તેજેન્દ્રને તેમણે તારવાદ્ય સરોદની તાલીમ લેવા માટે પ્રેર્યા. ઉ. બહાદુરખાન, પં. અમરેસ ચૌધરી અને શ્રી અનિલ પાલિત પાસે કાચી વયથી સરોદની તાલીમ લેવાનું સદભાગ્ય સાંપડ્યું. અઢારેક વર્ષોમાં તો તેઓ ઊંડા અભ્યાસને કારણે એક પ્રતિભાશાળી સંગીતજ્ઞ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. સઘન અભ્યાસ તેમણે ઉ. અલી અકબરખાનની નિશ્રામાં કર્યો. ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતના ‘સેનિયા મૈહર ઘરાણા’ના તેઓ સુસજ્જ ઉસ્તાદ સાબિત થયા. આ ઘરાણાની બૌદ્ધિક ઊંડાણ અને ટૅકનિકલ કૌશલ્ય સંગ એમને અસાધારણ સ્વર સ્પર્શ અને લય માધુર્યનો લાભ મળ્યો. ધ્રુપદ, તંત્રકારી અને ગાયકી અંગની વાદન શૈલીનાં તત્ત્વોનો તેમને સુપેરે મહાવરો મળ્યો. વીસ વર્ષની ઉંમરે તો તેજેન્દ્રજીને આકાશવાણી યોજિત સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો. એમને રાષ્ટ્રપતિ સ્વર્ણપદક અને પં. ડી. વી. પલુસ્કર પુરસ્કાર પણ મળ્યો.
પં. મઝુમદાર ભારતના પ્રત્યેક પ્રતિષ્ઠિત શાસ્ત્રીય સંગીત સમારોહોનો જાણીતો ચહેરો છે. સિતાર દિગ્ગજ પં. રવિશંકરજીની રાહબરીમાં એમને દેશમાં અને વિદેશમાં પોતાની કરિશ્માતી પ્રસ્તુતિની અઢળક તકો મળી – જેમાં યુરોપના દેશો, અમેરિકા, કૅનેડા આદિ અનેક દેશોનો સમાવેશ થાય છે. અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટી ઉપરાંત અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં તેજેન્દ્રજી સતત છવાયેલા રહ્યા. ઊંડી સાંગીતિક સમજ, રાગ, આલાપ, જોડ, ઝાલા, તાલ, લય, સૂર સાથે તેમની સરોદમાંથી જાણે કે સ્વરો ગીત રૂપે નીતરતા. વર્તમાનમાં પણ તેઓ શાસ્ત્રીય સંગીતના અવ્વલ નંબરના કલાકાર અને પ્રચારક છે.
પં. તેજેન્દ્રજીએ ‘પં. મઝુમદાર શ્રી રંજની ફાઉન્ડેશન’ની સ્થાપના કરી છે જેની પ્રવૃત્તિઓ અંતર્ગત તેઓ ભારતનાં વિવિધ રાજ્યોમાં – શહેરોમાં શાસ્ત્રીય નૃત્ય અને સંગીતના કાર્યક્રમોનું નિયમિત આયોજન કરતા રહે છે. સંગીતમાં પ્રયોગો, વિશિષ્ટ રચના અને સંયોજનોના તેઓ પ્રખર હિમાયતી છે. ટાગોરની રવીન્દ્ર સંગીત આધારિત રચનાઓ પણ તેઓ પ્રસ્તુત કરે છે. મૈહર ઘરાનાના સ્થાપક બાબા અલ્લાઉદ્દીન ખાનસાહેબની પ્રેરણા અને પં. અનિલ પાલિતજીની અદભુત લયકારી એમને બળ પૂરું પાડે છે. અસાધારણ કર્ણપ્રિય સંગીતના આ સાધક પ્રસારભારતીના ‘એ ગ્રેડ’ કલાકાર છે, પરંતુ સંયોજન કે વધુ પડતા ફેરફારોથી તેઓ દૂર રહે છે. હા, અર્થસભર ફિલ્મો કે સંગીતનાટિકાઓ માટે થઈને તેઓ કોઈ પણ આહવાનને પહોંચી વળે છે. અનેક ગીતોમાં સંગીત આપવા અને વિદ્યાર્થીઓ માટે શિબિરો કરવા તેઓ તત્પર રહે છે. સિતાર ઉસ્તાદ શુજાતખાન સાથેની સંગતમાં ‘ચારૂકેશી’ નામના દક્ષિણ ભારતીય રાગની રમઝટની નોંધ સંગીતવિશ્વમાં લેવાયેલી. ઉપરાંત અનેક આલબમો, બંગાળી ફિલ્મોમાં આપેલું સંગીત અને વૉશિંગ્ટનમાં રાગમાલા સિરીઝમાં ભાગ લીધો તેની જાણ જગતને થઈ. ઉપરાંત ફિલ્મો અને ટીવી માટે લખવાનો મોકો તેઓ નિષ્ઠાથી પાર પાડે છે.
2025ના પ્રયાગના કુંભમેળામાં ‘કલાગ્રામ મંચ’ ઉપરની તેમની પ્રસ્તુતિ ખૂબ વખણાઈ. તેમના નિજ પરિવારમાં પણ સંગીતની સૂરાવલિઓ વહે છે. પત્ની શ્રી માનસી સિતારવાદક અને પુત્ર ઇન્દ્રાયુધ સરોદનો વારસો આગળ ધપાવી રહ્યાં છે. પં. તેજેન્દ્રજીને 2015માં ‘બંગભૂષણ’નું બિરુદ મળેલું. 2017માં આઈ.ટી.સી. – કૉલકાતાનો ઍવૉર્ડ અને 2018માં સંગીત નાટક અકાદમીના ઍવૉર્ડથી પંડિતજીને નવાજાયા. 2025માં ભારતના રાષ્ટ્રપતિએ એમને ‘પદ્મશ્રી’નો ઇલકાબ આપી વિભૂષિત કર્યા. 2026માં જ તેમને ગુજરાતના અમદાવાદના વિશ્વવિખ્યાત ‘સપ્તક શાસ્ત્રીય સંગીત કાર્યક્રમ’માં પ્રસ્તુતિ કરીને શ્રોતાઓને ભીંજવવાની તક મળી હતી જેને એમણે ઊજવી જાણી હતી.
સુધા ભટ્ટ
