મજુમદાર, નગેન્દ્ર (જ. 1894, વડોદરા; અ. –) : ગુજરાતી, હિંદી અને મરાઠી ચલચિત્રોના અભિનેતા, દિગ્દર્શક. વડોદરામાં જ શિક્ષણ મેળવ્યા બાદ પોલીસખાતામાં જોડાયા. 1923થી ’25ના ગાળામાં અવેતન રંગભૂમિ સાથે જોડાયેલા રહી કેટલાંક નાટકોનું દિગ્દર્શન કર્યા બાદ રૉયલ આર્ટ સ્ટુડિયોમાં જોડાયા. દરમિયાનમાં લક્ષ્મી ફિલ્મ્સ કંપનીમાં દિગ્દર્શક મણિલાલ જોષીનું અવસાન થતાં તેમનું અધૂરું ચિત્ર ‘ખાંડાના ખેલ’ પૂરું કર્યું. ઇન્દુલાલ યાજ્ઞિકે બનાવેલાં કેટલાંક ચિત્રો ‘કાળીના એક્કા’, ‘રસીલી રાણી’ વગેરેનું દિગ્દર્શન કરવા ઉપરાંત ઇમ્પીરિયલ ફિલ્મ કંપની સાથે કામ કરીને ‘કાતિલ કાઠિયાણી’ ચિત્રનું દિગ્દર્શન કર્યું. કૈસરે હિંદ સ્ટુડિયો અને રણજિત મૂવીટોન સહિત એ સમયની જાણીતી ચિત્ર-નિર્માણકંપનીઓનાં ચિત્રોનું તેમણે દિગ્દર્શન કર્યું. તેમણે જે બોલપટોનું દિગ્દર્શન કર્યું તે મુખ્યત્વે અરેબિયન નાઇટસ જેવી કથાઓ પર આધારિત સ્ટંટ ચિત્રો હતાં. પણ ‘શતકર્તા શિવાજી’ જેવું ઐતિહાસિક ચિત્ર પણ તેમણે બનાવ્યું હતું. 1933માં પ્રતિમા પિક્ચર્સ અને 1934માં હની ટૉકિઝની તેમણે સ્થાપના કરી. તેમના પુત્ર નીનુ મજુમદારે સંગીતકાર તરીકે નામના મેળવી.
નોંધપાત્ર ચિત્રો : ‘રા’નવઘણ’, ‘યશોદેવી’ (1925), ‘પાણીમાં આગ’ (1926), ‘ખાંડાના ખેલ’ (1927), ‘અમૃત કે ઝેર’, ‘ગૉડેસ મહાકાલી’, ‘પુનર્લગ્નની પત્ની’, ‘કાતિલ કાઠિયાણી’, ‘વાસવદત્તા’ (1928), ‘જયંત’ (1929), ‘અલબેલો સવાર’, ‘ઝગમગતી જવાની’, ‘કાળીના એક્કા’, ‘રસીલી રાણી’ (1930), ‘દીવાનો’, ‘ગ્વાલન’, ‘કાશ્મીરનું ગુલાબ’, ‘પ્રેમપંખીડાં’ (1931), ‘બહુરૂપી બજાર’, ‘ખૂબસૂરત ખવાસણ’, ‘માતૃભૂમિ’, ‘રંગીલો રાજપૂત’, ‘રાસવિલાસ’ (1932), ‘મિરઝા સાહિબાં’, ‘પતિતપાવન’ (1933), ‘કાલા બાઘ’, ‘મેરા ઈમાન’, ‘શતકર્તા શિવાજી’ (1934), ‘અલાઉદ્દીન–2’, ‘રંગીલા નવાબ’, (1935), ‘કીમિયાગર’ (1936), ‘લહેરી લુટેરા’ (1937), ‘સ્વદેશસેવા’, ‘તલવારવાલા’ (1946).
હરસુખ થાનકી