મજુમદાર, ક્ષિતીન્દ્રનાથ (જ. 1891, નિમ્ટીટા, જિ. મુર્શિદાબાદ, બંગાળ; અ. –) : બંગાળ શૈલીના એક અગ્રણી ચિત્રકાર. બાળપણમાં યાત્રા અને કથા જેવા બંગાળી વાર્તાકથન અને લોકરંગમંચનનો આનંદ લૂંટ્યો. 1905માં 14 વરસની ઉંમરે પોતાનું ગામડું છોડી કોલકાતા આવ્યા અને 1909માં 18 વરસની ઉંમરે ખ્યાતનામ ચિત્રકાર ગગનેન્દ્રનાથ ટાગોરના શિષ્ય બન્યા. અહીં 6 વરસ લગી તેમણે અભ્યાસ કર્યો.

પરંપરિત ભારતીય લઘુચિત્રોમાંથી નીપજેલી અવનીન્દ્રનાથની જળરંગી ચિત્રશૈલી મજુમદારે અપનાવી લીધી. ટેકનિક વિશે સંશોધન કરવામાં કે અભિવ્યક્તિના નાવીન્યમાં મજુમદારને રસ નહોતો. તેથી તેમની સમગ્ર કલા-કારકિર્દીમાં ક્યાંય પ્રયોગશીલ તબક્કા કે કોઈ હરણફાળ જોવા મળતાં નથી. વસ્તુત: તેમાં એક યોગી-ધ્યાનીની માફક કલાતપશ્ચર્યાનો સાતત્યપૂર્ણ આલેખ જોવા મળે છે. વાસ્તવિક શૈલીમાં તેમણે સર્જેલી કલાકૃતિઓ જૂજ છે. પોતાની અનુભૂતિની તીવ્રતાને કારણે મજુમદારની કલાકૃતિઓમાં એક પ્રકારનું જોમ જોવા મળે છે. જ્યારે જ્યારે આ અનુભૂતિની તીવ્રતા ઓસરી જાય છે ત્યારે કલાકૃતિઓ ફિક્કી અને નબળી પડી જતી જણાય છે. મજુમદારની કલાકૃતિઓનો વિષય છે મહાપ્રભુ ચૈતન્યની અને ચૈતન્યે ઘડેલાં રાધાકૃષ્ણનાં સ્વરૂપોની અભિવ્યક્તિ. રાધાકૃષ્ણનાં પ્રતીકો દ્વારા તેમણે અમર પ્રેમની અભિવ્યક્તિ કરવા પ્રયત્ન કર્યો છે. તેમનાં ચિત્રોમાં રાધાકૃષ્ણ સિવાયનાં ભારતીય પૌરાણિક પાત્રો જૂજ જોવા મળે છે. આ બાબતમાં મજુમદાર પોતાના મિત્ર અને ગુરુબંધુ નંદલાલ બોઝથી જુદા પડે છે. વળી નંદલાલ બોઝથી ઊલટું, તેમને અજંતા પરંપરાની શાસ્ત્રીય શૈલી અને ટૅકનિકનું આકર્ષણ ન હતું.

ક્ષિતીન્દ્રનાથ મજુમદારે દોરેલું લાક્ષણિક ચિત્ર

મજુમદારનાં ચિત્રો જળરંગની વૉશ ટૅકનિકથી ચીતરાયાં છે, જેમાં કાગળ પર જળરંગોથી લેપન કર્યા પછી તેને પાણીમાં ડુબાડી રાખી ફરી પાછો જળરંગથી ચિત્રિત કરી ફરી પાણીમાં ડુબાડી રાખવામાં આવે છે. કલાકાર પોતાને સંતોષ ન થાય ત્યાં લગી આ પ્રક્રિયા ચાલુ રાખે છે. આ ટૅકનિકથી કાગળ પર જળરંગોની અદભુત ઝાંય સર્જાય છે.

મજુમદારની કલાકૃતિઓમાં રંગો હંમેશાં આછા ઝાંખા જોવા મળે છે. ક્યાંય દર્શકને ભડકાવવાનો પ્રયત્ન હોતો નથી. ચહેરાની આંખો ઢળેલી જોવા મળે છે. માનવઆકૃતિઓ ઊંચી, કૃશકાય અને નાજુક હોય છે. તેમના આકાર રંગોથી નહિ, પણ રેખાઓથી આળેખાયેલા  હોય છે. તેથી તેમની કલાકૃતિઓમાં રંગોનો નહિ, પણ રૈખિક (linear) ઝોક દેખાય છે. માનવઆકૃતિની પાછળ રહેલ વૃક્ષ અને લતાઓના આકારો ચીની પરંપરામાં જોવા મળતી વનસ્પતિ જેવા અંતર્ગોળ–બહિર્ગોળ રેખાઓની રમતોથી સર્જાયેલા હોય છે. ઘણી વાર દૈવી તત્વ રજૂ કરવા માટે માથાની પાછળ તેજોવલય આલેખાયેલું હોય છે. ‘હોળી’ અને ‘રાસલીલા’ જેવાં થોડાં ચિત્રો બાદ કરતાં એમનાં ચિત્રોમાં ક્યાંય આનંદઉલ્લાસનું આલેખન જોવા મળતું નથી. બધાં ચિત્રો પર વિષાદપૂર્ણ ત્યાગ-પ્રેમનું વાતાવરણ છવાયેલું વરતાય છે. રંગ અને રેખાના તેમના વિશિષ્ટ વિનિયોગને કારણે તેઓ તેમના સમકાલીન બંગાળ શૈલીના ચિત્રકાર અબ્દુરરહેમાન ચુગતાઈ સાથે સામ્ય ધરાવે છે.

1916થી મજુમદારે ઇન્ડિયન સોસાયટી ઑવ્ ઓરિયેન્ટલ આર્ટમાં અધ્યાપન કરેલું અને પછી તેના પ્રિન્સિપાલ પણ બન્યા. 1942માં અલ્લાહાબાદ યુનિવર્સિટીએ તેમને કલા-શિક્ષણ આપવા માટે નિમંત્ર્યા અને અહીંથી તેઓ 1964માં નિવૃત્ત થયા. નિવૃત્તિ પછી તેઓ ઘણો સમય અલ્લાહાબાદમાં રહ્યા. 1949માં અને 1964માં મજુમદારનાં પશ્ચાદવર્તી પ્રદર્શનો વારાણસીમાં અને 1963માં કોલકાતામાં યોજાયાં. બેંગૉલ કૉંગ્રેસ કમિટીએ 1963માં મજુમદારનું ‘અશોક સ્તંભ પુરસ્કાર’ વડે બહુમાન કર્યું હતું. મજુમદારની કલાકૃતિઓમાં ‘અભિસારિકા’, ‘પાળેલું હરણ’, ‘માફી આપતા ચૈતન્ય’, ‘દશરથ અને કૈકેયી’, ‘કબરની પડખે’, ‘હોળી’, ‘રાસલીલા’, ‘યક્ષપત્ની’, ‘પારસમણિ’, ‘ચૈતન્યની સેવા’, ‘તમાલ વૃક્ષને આશ્લેષમાં લેતી રાધા’, ‘વિષ્ણુપ્રિયા’, ‘સૂરદાસ અને કૃષ્ણ’, ‘રાધિકા’ – આ કલાકૃતિઓ મહત્વની લેખાય છે. આ ચિત્રો બનારસના ભારત કલાભવન, પંજાબ મ્યુઝિયમ, નવી દિલ્હીની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ અને શાંતિનિકેતનના કલાભવનમાં સ્થાન પામ્યાં છે. બંગાળના તત્કાલીન ગવર્નર લૉર્ડ રૉનાલ્ડ્ઝ અને ભારતના તત્કાલીન વાઇસરૉય લૉર્ડ હાર્ડિન્જે મજુમદારની ઘણી કલાકૃતિઓ ખરીદેલી. મજુમદાર પોતે વૈષ્ણવ ભક્ત હોવા ઉપરાંત સારા ગાયક-કીર્તનકાર પણ હતા.

અમિતાભ મડિયા