મજમુદાર, બલ્લુભાઈ કૃષ્ણલાલ (બી.કે.) (જ. 1902, મહુવા, જિ. સૂરત; અ. 21 મે 1981, અમદાવાદ) : સ્વાતંત્ર્યસેનાની, પીઢ સમાજવાદી, ચિંતક અને બાહોશ વહીવટકર્તા. પિતાનું નામ કૃષ્ણલાલ અને માતાનું નામ ડાહીબહેન.
બી. કે.ના હુલામણા નામથી ઓળખાતા બલ્લુભાઈનાં માતાપિતાનું 1906માં અવસાન થતાં એમણે ફોઈને ત્યાં સૂરતમાં બાળપણ વિતાવ્યું. સૂરતમાં માધ્યમિક શિક્ષણ પૂરું કરી, 1920માં મુંબઈમાં મૅટ્રિક થયા. સ્નાતક થવા માટે અમદાવાદની સરકારસંચાલિત ગુજરાત કૉલેજમાં પ્રવેશ મેળવ્યો, પરંતુ 1922માં ગાંધીજીએ સરકારી સંસ્થાઓના બહિષ્કારની ચળવળ શરૂ કરી, તેથી રાષ્ટ્રભાવનાથી રંગાયેલા બી. કે. – એ ગુજરાત કૉલેજ છોડીને બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. 1926માં ત્યાં એમ. એ.(અર્થશાસ્ત્ર)ની પદવી મેળવી. એમ. એ. થયા બાદ, સ્કૉલરશિપ મળતાં લંડનની સ્કૂલ ઑવ્ ઈકોનૉમિક્સમાં જોડાવાનું વાજબી માન્યું. 1930માં તેઓ બી.કૉમ.ની પદવી પ્રાપ્ત કરીને ભારત પાછા આવ્યા અને સ્વાતંત્ર્યચળવળમાં જોડાયા.
જયપ્રકાશ નારાયણ અને જયંતિ દલાલના પ્રભાવ હેઠળ તેઓના વહીવટમાં સમાજવાદી રંગે રંગાયા. ત્યારબાદ કસ્તૂરભાઈ લાલભાઈના ઔદ્યોગિક એકમોના વહીવટમાં 1931થી 1973 દરમિયાન કાર્યરત રહ્યા.
અમદાવાદના મજૂર મહાજનના ઉપક્રમે 1942માં મિલકામદારોની ત્રણ મહિના જેટલી લાંબી અભૂતપૂર્વ હડતાળ ચાલી. એ હડતાળને બી. કે.નો ટેકો હતો. ત્રણ મહિને સમાધાન થતાં મજૂર મહાજને હડતાળ સમેટી લેવાનું નક્કી કર્યું. બી. કે.ને તે મંજૂર નહોતું તેથી એમણે કસ્તૂરભાઈના બંગલે આમરણાંત ઉપવાસ માટે ચાર મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. જોકે અતુલમાં પાંચ મહિના જેટલી લાંબી હડતાળને એમણે ચાલવા દીધેલી, જેથી મજૂરો થાકીને શરણે આવે.
1937માં ભારત સરકારે ચાર સભ્યોની એક સમિતિમાં બી.કે.નો સમાવેશ કર્યો. એ સમિતિ વ્યાપારકરાર કરવા માટે યુરોપના દેશોની મુલાકાતે ગઈ હતી. બીજી બાજુ, દેશી શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાના ભાગસ્વરૂપે 1937માં અમદાવાદની અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સભ્ય બન્યા અને ત્યારબાદ તે સંસ્થાના મંત્રી (1941–42 અને 1945–51), ઉપપ્રમુખ (1956–70) અને છેલ્લે પ્રમુખ (1970–81)ના હોદ્દાઓ પર નોંધપાત્ર કામગીરી કરી. 1942માં સ્વાતંત્ર્યચળવળના ભાગ સ્વરૂપે ‘કરેંગે યા મરેંગે’ના આંદોલનના તેઓ સક્રિય કાર્યકર રહ્યા અને ધરપકડ ટાળવા માટે ભૂગર્ભમાં ચાલ્યા ગયા. 1944માં તેમની ધરપકડ થઈ અને તેમણે દોઢ વર્ષ સુધીનો જેલવાસ ભોગવ્યો. 1945માં અમદાવાદ જિલ્લા સ્કૂલ બૉર્ડના અધ્યક્ષ બન્યા. 1947માં અમેરિકાની સાઇનેમાઇડ કંપની સાથે કરાર કર્યા, જે અનુસાર 1952માં વલસાડ પાસે અતુલમાં રંગ અને ત્યારબાદ રસાયણો બનાવવાનાં તોતિંગ કારખાનાં નંખાયાં. અતુલની સ્થાનપસંદગી માટે બી.કે.ની ઔદ્યોગિક જગતમાં મુક્તકંઠે પ્રશંસા થઈ.
1949માં ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ સિંડિકેટના તેઓ સભ્ય બન્યા. 1956માં વલસાડમાં તેમણે નૂતન કેળવણી મંડળની સ્થાપના કરી અને તેના અધ્યક્ષ બન્યા. તેમના માર્ગદર્શન હેઠળ વલસાડમાં એક મોટું વિદ્યાસંકુલ ઊભું થયું. આ દરમિયાન વારસામાં મળેલી મહુવા, પલસાણા અને વેસમાની 2,000 વીઘાં જમીન એમણે ભૂદાનમાં આપી. 1973માં અતુલમાંથી નિવૃત્ત થયા બાદ બાકીનું જીવન અમદાવાદમાં પસાર કર્યું.
સૂર્યકાન્ત શાહ