મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ; પણ રાશિચક્રમાં બેકી રાશિને સૌમ્ય ગણવામાં આવે છે. એ રીતે મકર સૌમ્ય રાશિ છે. વળી તેમાં આવતાં નક્ષત્રો ઉત્તરાષાઢા, શ્રવણ, ધનિષ્ઠા શુભ પ્રકૃતિનાં નક્ષત્રો છે.
આ રાશિનો સ્વામી શનિ છે. તે ક્રૂર ગ્રહ ગણાય છે.
મકર રાશિ ચર, પૃથ્વીતત્વવાળી, અર્ધશબ્દ કરનારી, દક્ષિણ દિશાની સ્વામિની, સ્ત્રી, પીળા રંગની, તેજહીન, ઉત્તમ ભૂમિમાં રહેનારી, શીતળ સ્વભાવવાળી, થોડો સ્ત્રીસંગ કરનારી, થોડી પ્રજાવાળી, વાયુપ્રકૃતિવાળી, રાત્રિબલી, અર્ધા ભાગમાં ચતુષ્પદ અને પાછલા અર્ધામાં જલચર, વિષમોદયી તથા વૈશ્ય જાતિની છે.
મકર લગ્નમાં જન્મેલાં જાતકોનો દેખાવ સામાન્ય રીતે ઘઉંવર્ણો હોય છે. તેમનું માથું સહેજ મોટું હોય છે. તેઓ સારી ઊંચાઈ ધરાવે છે. તેમના શરીરે રુવાંટીનું પ્રમાણ વધુ હોય છે. આ રાશિવાળા ઉદાર અને સહાનુભૂતિ ધરાવનારા, ર્દઢ હેતુવાળા અને મજબૂત ઇચ્છાશક્તિવાળા હોય છે. તેમનું વ્યક્તિત્વ શાંત અને ચહેરો આકર્ષક હોય છે. આવા માણસો ખંતીલા અને ચીવટવાળા હોય છે. સહનશીલતાનો ગુણ વધુ હોય છે. વ્યવહારકુશળ, વફાદાર અને વિશ્વાસઘાત કરનારના તેઓ શત્રુ બને છે. તેઓ સ્વભાવે નિરાશાવાદી હોય છે અને વાણી ઉપર સંયમ રાખી શકતા નથી.
ખગોળશાસ્ત્રમાં મેષ, તુલા, કર્ક અને મકર રાશિઓનું ઘણું મહત્વ છે. જ્યારે સૂર્ય મકર રાશિ ઉપર આવે છે, ત્યારે ઉત્તરાયણ થાય છે. મકરના આરંભમાં આવ્યા પછી સૂર્ય પ્રતિદિન ઉપર તરફ ખસતો દેખાય છે. મકર, કુંભ અને મીન – એ ત્રણ રાશિઓ પૂરી થતાં સૂર્ય મેષ રાશિના આરંભમાં આવે છે. અર્થાત્ તે વિષુવવૃત્ત ઉપર આવે છે. જ્યારે સૂર્ય વિષુવવૃત્ત ઉપર હોય ત્યારે રાત્રિ અને દિવસ બંને સરખા પ્રમાણવાળાં રહે છે. મેષથી કર્ક સુધીની ત્રણ રાશિઓ એટલે મેષ, વૃષભ અને મિથુન રાશિ ઉપર સૂર્ય હોય ત્યારે પ્રતિદિન દિવસ મોટો અને રાત્રિ નાની થતી જાય છે; જ્યારે મિથુનના અંત ઉપર આવે છે ત્યારે તેની ગતિ દક્ષિણ દિશા તરફ થાય છે. કર્કારંભબિંદુને કર્કવૃત્ત કહે છે. કર્ક, સિંહ અને કન્યા – એ ત્રણ રાશિઓ પૂરી કરી સૂર્ય ફરી વિષુવવૃત્ત ઉપર આવે છે. કન્યા પૂરી થતાં તુલાનો આરંભ થાય છે. એટલે સૂર્ય જ્યારે વિષુવવૃત્ત પર આવે ત્યારે મેષારંભબિંદુ અને તુલારંભબિંદુ પર હોય છે. તુલા, વૃશ્ચિક અને ધન રાશિ પૂરી કરી સૂર્ય ફરી મકરારંભબિંદુ ઉપર આવે છે. આ વખતે સૂર્ય મકરવૃત્ત પર છે તેમ ખગોળમાં કહેવાય છે. મકરથી આરંભ કરી કર્કના આરંભ પર્યંન્તના કાળને ઉત્તરાયણ કહે છે અને કર્કથી લઈ મકર સુધીના ગતિકાળને દક્ષિણાયન કહે છે. ઉત્તરાયણમાં દિવસ પ્રતિદિન મોટો અને રાત્રિ નાની થતી જાય છે. દક્ષિણાયનમાં દિવસ નાનો થતો જાય છે અને રાત્રિ મોટી થતી જાય છે. ઉત્તરાયણના આરંભથી દેવતાઓનો દિવસ શરૂ થાય છે અને રાક્ષસોની રાત્રિ શરૂ થાય છે. દક્ષિણાયનમાં રાક્ષસોનો દિવસ આરંભાય અને દેવતાઓની રાત્રિ આરંભાય છે.
મેષારંભથી કન્યાના અંત સુધીના ભાગને ઉત્તર ગોલ અને તુલાથી મીન સુધીના ભાગને દક્ષિણ ગોલ કહે છે. ખગોળશાસ્ત્રમાં ‘અયન’, ‘સંધિ’ અને ‘ગોલ’ – એવા શબ્દો વપરાયા છે. તે આ ચાર રાશિઓ (મેષ, તુલા, કર્ક અને મકર)માં સૂર્યનો પ્રવેશ થતાં ગણાય છે.
હિંદુ ધર્મમાં સૂર્યના રાશિ-પરિવર્તનના કાળને સંક્રાંતિ કહે છે. સંક્રાંતિના પ્રવેશકાળથી જગત ઉપર થતા સારા-નરસા ફળનો અંદાજ કાઢવામાં આવે છે.
બાર સંક્રાંતિ પૈકી મકરસંક્રાંતિ દાન-પુણ્ય માટે વિશેષ પ્રસિદ્ધ છે. મકરસંક્રાંતિ તેથી મહત્વનું પર્વ ગણાય છે. મકરના આરંભકાળમાં આકાશ સ્વચ્છ હોય છે અને ઠંડી ઘટવા લાગે છે. વાતાવરણની મનોહરતાને લીધે પતંગ ચઢાવવાનો રમતોત્સવ પણ આ ગાળામાં યોજાય છે.
આજકાલ મકરસંક્રાંતિ 22 ડિસેમ્બરે આવે છે. પણ તે સૂર્યની સાયન સંક્રાંતિ છે. ભારતીય જ્યોતિષમાં નિરયન સંક્રાંતિને મહત્વ અપાય છે અને તે રીતે તે 14 જાન્યુઆરીએ આવે છે.
ભારતી જાની