મંધાના, સ્મૃતિ (જ. 18 જુલાઈ, 1996, મુંબઈ, મહારાષ્ટ્ર) : અર્જુન ઍવૉર્ડ વિજેતા, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે ‘રન-મશીન’, વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો વિક્રમ રચનાર ડાબોડી ભારતીય મહિલા- ક્રિકેટર. જે રીતે ભારતમાં મહિલા ટેનિસમાં સાનિયા મિર્ઝા, મહિલા બૅડમિન્ટનમાં સાનિયા નેહવાલ પર્યાય બની ગઈ છે એ જ રીતે સ્મૃતિ મંધાના ‘ભારતમાં આગામી મહિલાક્રિકેટરો’ માટે પ્રેરણામૂર્તિ બની ગઈ છે.

સ્મૃતિનો જન્મ સ્મિતા અને શ્રીનિવાસ મંધાનાના મારવાડી હિંદુ પરિવારમાં થયો. પિતા રસાયણોના વિતરક તરીકે કાર્યરત હતા. માતા ગૃહિણી હતાં. સ્મૃતિ બે વર્ષની હતી ત્યારે પરિવારે મહારાષ્ટ્રના સાંગલીના પરાંવિસ્તાર માધવનગરમાં સ્થળાંતરણ કર્યું. અહીં જ સ્મૃતિએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. પછી સાંગલીમાં ચિંતામણ રાવ કૉલેજ ઑફ કૉમર્સમાં પ્રવેશ મેળવ્યો. પિતા સાંગલી માટે જિલ્લા સ્તરે ક્રિકેટ રમ્યા હતા અને ભાઈ શ્રવણ પણ જિલ્લા સ્તરે ક્રિકેટ રમવાનો અનુભવ ધરાવતો હતો. શ્રવણ હાલ બૅન્ક મૅનેજર છે, પરંતુ પિતા અને ભાઈના ક્રિકેટ પ્રત્યેના પ્રેમમાંથી સ્મૃતિને ક્રિકેટમાં કારકિર્દી બનાવવાની પ્રેરણા મળી.

નવ વર્ષની વયે સ્મૃતિની પસંદગી મહારાષ્ટ્રની અંડર-15 ટીમ માટે થઈ અને 11 વર્ષની વયે મહારાષ્ટ્રની અંડર-19 ટીમમાં તેનો સમાવેશ થયો. 12 વર્ષની વયે સ્મૃતિએ ખાનગી કોચ અનંત તામ્બવેકરનો સંપર્ક કર્યો. તામ્બવેકરને મંધાના જેવી શિષ્ય મળવાથી આનંદ થયો. સ્મૃતિ હકીકતમાં તામ્બવેકરના  હાથ નીચે તૈયાર થનાર પ્રથમ મહિલાક્રિકેટર છે. પિતા તામ્બવેકરથી સારી રીતે પરિચિત હતા, કારણ કે પુત્ર શ્રવણ અંડર-16ની ટીમમાં રમતો હતો એ સમયે તામ્બવેકર કોચ હતા.

15 વર્ષની વયે સ્મૃતિએ મોટો સ્કોર કરવાની ક્ષમતા પ્રદર્શિત કરી. તેણે મહારાષ્ટ્રની અંડર-19 ટીમ માટે વેસ્ટ-ઝોન વન-ડે ટુર્નામેન્ટમાં ત્રણ સદી અને એક બેવડી સદી કરીને વિક્રમ સર્જી દીધો. તેમાં ગુજરાત સામે 150 બૉલમાં અણનમ 224 રન સામેલ હતા. આ મૅચમાં તેને રાહુલ દ્રવિડ પાસેથી ભેટમાં મળેલા બૅટનો ઉપયોગ કર્યો હતો. હકીકતમાં આ  બૅટની ભેટ રાહુલ દ્રવિડે સ્મૃતિના ભાઈ શ્રવણને આપી હતી. એ સમયે ભાઈએ પોતાની બહેન માટે બૅટ પર રાહુલ દ્રવિડનો ઑટોગ્રાફ લીધો અને પછી સ્મૃતિને આપી દીધું. આગામી થોડાં વર્ષો સ્મૃતિ આ જ બૅટ સાથે રમતી રહી અને મોટી સંખ્યામાં રન કર્યા. હાલ આ બૅટ સ્મૃતિના ઘરની બેઠકમાં શોભી રહ્યું છે.

ઑગસ્ટ, 2014માં સ્મૃતિએ વૉર્મ્સ્લી પાર્કમાં ઇંગ્લૅંન્ડ સામેની ટેસ્ટમૅચ રમીને આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું. આ મૅચમાં બે ઇનિંગ્સમાં તેણે અનુક્રમે 22 અને 51 રન ફટકારીને ભારતીય મહિલા ટીમનો વિજયનો માર્ગ મોકળો કરી દીધો. આ અગાઉ એપ્રિલ, 2013માં તેણે બાંગ્લાદેશ સામે ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સામેલ થઈને વન-ડે ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. 2016માં ભારતના ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં હોબાર્ટમાં બેલરિવે ઓવલની બીજી વન-ડેમાં સ્મૃતિએ પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી 109 બૉલમાં 102 રન બનાવીને ફટકારી.

જેમ જેમ સ્મૃતિમાં ક્રિકેટની સમજણ વધતી ગઈ, તેમ તેમ તે ઑસ્ટ્રેલિયાના મેથ્યૂ હેડની જેમ રમવા ઇચ્છતી હતી. પરંતુ આગળ જઈને તે શ્રીલંકાના મહાન બૅટ્સમૅન કુમાર સંગાકારાથી પ્રભાવિત થઈ. આ કારણસર સ્મૃતિની બૅટિંગમાં સંગાકારા જેવી આક્રમકતાની સાથે રાહુલ દ્રવિડ જેવી ધીરજનો સમન્વય જોવા મળે છે. જે સ્વાભાવિક લાંબા અને ગગનચુંબી શૉટ મારે છે, એ જ રીતે સિંગલ અને ડબલ પણ ચોરી લે છે. સ્મૃતિએ સતત રમીને ટેસ્ટ અને વન-ડે ટીમોમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું. ક્રિકેટનિષ્ણાતો સ્મૃતિને ગાંગુલી, દ્રવિડ અને સંગાકારનું મિશ્રણ કહે છે. તેમના કહેવા મુજબ, સ્મૃતિમાં ગાંગુલીની જેમ કવર ડ્રાઇવ મારવાની, દ્રવિડની જેમ ધીરજ સાથે રમવાની અને સંગાકારની જેમ સ્કોરકાર્ડ ફરતું રાખવાની ક્ષમતા છે.

15 જાન્યુઆરી, 2025ના રોજ આયર્લૅન્ડ સામે ત્રીજી વન-ડેમાં સ્મૃતિએ 70 બૉલમાં સદી ફટકારી. આ રીતે તે સૌથી ઝડપી સદી ફટકારનારી ભારતીય મહિલાક્રિકેટર બની ગઈ. અગાઉ આ રેકૉર્ડ હરમનપ્રીત કૌરના નામે હતો, જેણે 2024માં બૅંગાલુરુમાં દક્ષિણ આફ્રિકામાં 87 બૉલમાં સદી ફટકારી હતી. સ્મૃતિએ યાદગાર ઇનિંગમાં 12 ચોક્કા અને સાત છક્કા સાથે 135 રન ફટકાર્યા. આ સાથે મંધાનાએ 10 વન-ડે સદી ફટકારી વન-ડે ક્રિકેટની દુનિયામાં સૌથી વધુ સદીનો રેકૉર્ડ ધરાવતી મહિલાઓમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ. આ યાદીમાં 15 સદી સાથે પ્રથમ સ્થાન પૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન મેગ લેનિંગ અને 13 સદી સાથે ન્યૂઝીલૅન્ડની સુઝી બૅટ્સ ધરાવે છે.

વર્ષ 2014માં સ્મૃતિને આઇસીસી મહિલા ટી-29 ટીમ એટલે કે મહિલા ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવી. આ માટે સ્મૃતિને 12મા ધોરણની પરીક્ષા છોડવાનો નિર્ણય લેવો પડ્યો. ધીમે ધીમે તે ટી-20 ટીમનું પણ અભિન્ન અંગ બની ગઈ. તે ટી-20 ઇન્ટરનેશનલમાં સૌથી નાની વયે કૅપ્ટન બનનાર ભારતીય છે. તેણે 22 વર્ષ ને 229 દિવસની વયે ટી-20 ઇન્ટરનેશનલમાં ટીમ ઇન્ડિયાનું કૅપ્ટનપદ સંભાળ્યું. વર્ષ 2019માં ન્યૂઝીલૅન્ડ સામે ટી-20 ઇન્ટરનેશનલ મૅચમાં ભારત તરફથી સૌથી ઝડપી અર્ધસદી કરનાર મહિલાબૅટ્સમૅન બની ગઈ. ટી-20માં સદી કરનારી ફક્ત બીજી ભારતીય મહિલાખેલાડી છે. સ્મૃતિએ એશિયા કપમાં થાઇલૅન્ડ સામે પોતાના 100મી ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચ રમી. આ મુકામ સુધી પહોંચનારી સ્મૃતિ બીજી ભારતીય મહિલાક્રિકેટર છે. હરમનપ્રીત કૌર ભારત તરફથી 135 ટી-20 મૅચ રમી છે.

વર્ષ 2018માં સ્મૃતિ મંધાનાને ‘આઇસીસી વિમેન્સ ક્રિકેટ ઑફ ધ યર’ ઍવૉર્ડ મળ્યો. એ જ વર્ષે તેને વન-ડે ક્રિકેટર ઑફ ધ યરનો પુરસ્કાર પણ મળ્યો. આ જ વર્ષમાં સ્મૃતિને આઇસીસીએ પસંદ કરેલી વન-ડે અને ટી-20 ટીમમાં સામેલ કરવામાં આવી. વર્ષ 2019માં જ તે આઇસીસીની વન-ડે રેન્કિંગમાં ટોચની બૅટ્સમૅન બની. વર્ષ 2021માં સ્મૃતિએ બીજી વાર આઇસીસી(આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ)નો બેસ્ટ ક્રિકેટનો ઍવૉર્ડ મેળવ્યો. આઇસીસીએ વર્ષ 2021માં તેને ટેસ્ટ, વન-ડે અને ટી-20 એમ ત્રણેય ફોર્મેટમાં ‘બેસ્ટ વિમેન્સ ક્રિકેટર’નો ઍવૉર્ડ આપ્યો. વર્ષ 2022માં તેને આઇસીસી વિમેન્સ ક્રિકેટર ઑફ ધ યરનો ઍવૉર્ડ મળ્યો. વર્ષ 2019માં ફૉર્બ્સ ઇન્ડિયાની 30 અંડર – 30ની યાદીમાં સ્થાન મેળવ્યું.

લગભગ નવ વર્ષથી ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલી રહેવા છતાં દેશવિદેશના પ્રવાસ દરમિયાન પણ સ્મૃતિએ સાંગલી સાથે પોતાનો સંબંધ અતૂટ રાખ્યો છે. મંધાના 2019થી સંગીતકાર-ફિલ્મનિર્માતા પલાશ મુછ્છળ સાથે પ્રેમસંબંધમાં છે.

કેયૂર કોટક