મંથરા : વાલ્મીકિના રામાયણનું ગૌણ પાત્ર. ભગવાન રામના પિતા દશરથની ત્રીજી પત્ની કૈકેયીની તે દાસી હતી. કૈકેયીના પિયરથી તે તેની સાથે આવેલી. કૈકયનો પ્રદેશ હાલના પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આવેલો મનાય છે. પૂર્વજન્મમાં મંથરા દુંદુભિ નામની ગંધર્વસ્ત્રી હતી. શરીરે ત્રણ ઠેકાણેથી તે વાંકી હોવાથી તેનું બીજું નામ ‘ત્રિવક્રા’ પણ હતું. મંથરા રાજખટપટોથી માહિતગાર હતી.

રામનો રાજ્યાભિષેક થવાના સમાચારે ખુશ થયેલી કૈકેયીને તે અવળી મતિ સુઝાડે છે અને રાજા દશરથે ભૂતકાળમાં યુદ્ધ સમયે કૈકેયીએ કરેલી સહાય બદલ આપેલાં બે વરદાનો માંગવા સલાહ આપે છે. બે વરદાનો વડે તે રામનો વનવાસ અને ભરતનો રાજ્યાભિષેક માંગી લેવા કહે છે. કૈકેયી કોપભવનમાં જઈ રાજા દશરથ પાસેથી તે વરદાનો માંગે છે. પરિણામે રામાયણ સર્જાય છે. રામાયણનું ખલપાત્ર મંથરા છે એમ કહી શકાય. આમ મંથરાની સલાહના પરિણામસ્વરૂપે રામ વનમાં જાય છે અને દશરથનું મૃત્યુ થાય છે. ભરત આવી સલાહ આપવા બદલ કૈકેયી અને મંથરા બંને પર પુણ્યપ્રકોપ ઠાલવે છે. કૌશલ્યાની ભલામણથી મંથરાને શિક્ષા કરવાની વાત ભરત માંડી વાળે છે. કૈકેયી સાથે મંથરા પણ ભરતના રામની શોધના કાર્યમાં જોડાય છે. તુલસીદાસે ‘રામચરિતમાનસ’માં મંથરાને વાક્પટુ, કુશળ અને રાજકારણી પાત્ર તરીકે રજૂ કરી છે. ‘આનંદરામાયણ’ મુજબ મંથરા કૃષ્ણાવતારમાં કંસની દાસી કુબ્જા તરીકે જન્મી અને કૃષ્ણના હાથે સુંદર શરીર પામી. કેટલાંક પુરાણોમાં મંથરા કૃષ્ણાવતારમાં પૂતના રાક્ષસી તરીકે જન્મી કૃષ્ણને ખતમ કરવા જતાં પોતે ખતમ થઈ હોવાનું જણાવ્યું છે.

વિનોદ મહેતા