મંથન (ચલચિત્ર) (1976) : સહકારી ડેરી-પ્રવૃત્તિને કેન્દ્રમાં રાખીને બનાવાયેલું ચલચિત્ર. એક પ્રકારનું પ્રચારાત્મક ચિત્ર હોવા છતાં અને માત્ર દસ્તાવેજી ચિત્ર બની રહેવાની પૂરી સંભાવના ધરાવતું હોવા છતાં રસપ્રદ કથા અને કુશળ દિગ્દર્શનને કારણે તે મનોરંજક ચિત્ર બની રહે છે. ભાષા : હિન્દી-ગુજરાતી મિશ્ર. રંગીન. નિર્માણ-સંસ્થા : સહ્યાદ્રિ ફિલ્મ્સ. દિગ્દર્શક : શ્યામ બેનેગલ. કથા : શ્યામ બેનેગલ, વી. કુરિયન. પટકથા : વિજય તેન્દુલકર. સંવાદ : કૈફી આઝમી. છબિકલા : ગોવિંદ નિહાલાણી. સંગીત : વનરાજ ભાટિયા. ગીતકાર : નીતિ સાગર. મુખ્ય કલાકારો : ગિરીશ કર્નાડ, સ્મિતા પાટીલ, નસીરુદ્દીન શાહ, અનંત નાગ, અમરીષ પુરી, કુલભૂષણ ખરબંદા, મોહન અગાશે.
ગુજરાતના એક ગામડામાં ડેરીનો માલિક સરપંચની મદદગારીથી દૂધનો વ્યવસાય કરનારાઓનું શોષણ કરે છે. દૂધ વેચનારાઓની એક સહકારી મંડળી બનાવવામાં આવે તો દૂધના વધુ ભાવ મળી શકે એવું ગામલોકોને સમજાવવાનો પ્રયત્ન શહેરમાંથી આવેલી એક ટુકડી કરે છે. અભણ ગામલોકો પર ડેરીના માલિક અને સરપંચની પકડ હોવાથી આ કામ મુશ્કેલ બની રહે છે. પણ નિરાશ થયા વિના ડૉ. રાવ અને તેમના સાથીદારો પોતાના પ્રયત્નો ચાલુ રાખે છે. એક માંદા હરિજન બાળકને સાજું કરીને ડૉ. રાવ તેમનો વિશ્વાસ જીતી લે છે, પણ બીજી બાજુ તેમના જ એક સાથીદારના એક હરિજન યુવતી સાથેના સંબંધોથી તેમનું કામ વધુ મુશ્કેલ બને છે. પણ તમામ પ્રકારના વિરોધ અને કાવાદાવા પછી અંતે તેમને એટલી સફળતા તો મળે છે કે ગામલોકોને તેઓ તેમના અધિકારો અંગે જાગ્રત કરી શકે છે. સરપંચની ચૂંટણીમાં એક હરિજનનો વિજય થાય છે. ગુજરાતી–હિંદી મિશ્ર ભાષાનો પણ સુંદર ઉપયોગ કરાયો છે. 1978માં ‘મંથન’ને શ્રેષ્ઠ ચિત્રનો તથા શ્રેષ્ઠ પટકથાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.
‘મંથન’ બનાવતાં પહેલાં શ્યામ બેનેગલે ‘ધ ક્વાએટ રેવૉલ્યૂશન’ નામનું દસ્તાવેજી ચિત્ર બનાવ્યું હતું. તેમાં સ્વતંત્ર ભારતમાં દૂધ- ઉત્પાદકોની સહકારી સંસ્થાઓને મળેલી સફળતા અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમે તેમાં ભજવેલી ભૂમિકાની વાત કેન્દ્રસ્થાને હતી. એ પછી નિગમના તત્કાલીન મૅનેજિંગ ડિરેક્ટર વી. કુરિયને કરેલું સૂચન ગમી જતાં બેનેગલે દૂધ-ઉત્પાદકો પાસેથી ફાળો ઉઘરાવીને ‘મંથન’નું નિર્માણ કર્યું હતું. તેના અનુસંધાનમાં આ ચિત્ર ઉતારવામાં આવ્યું.
હરસુખ થાનકી