મંત્ર : સંસ્કૃત ભાષાના ચમત્કારિક અક્ષર, પદ કે વાક્ય, જે ઉચ્ચારવાથી ઇષ્ટસાધક અને અનિષ્ટનિવારક અસર ઉત્પન્ન કરે. વળી જેનું મનન કરવાથી મનુષ્યનું રક્ષણ થાય તેને પણ ‘મંત્ર’ કહેવાય છે. ખાસ કરીને વેદની ઋચાઓને ‘મંત્ર’ શબ્દથી ઓળખવામાં આવે છે. આ વૈદિક મંત્રો (1) પ્રગીત અને (2) અપ્રગીત – એમ બે પ્રકારના હોય છે. સામવેદના સામ પ્રગીત પ્રકારના વૈદિક મંત્રો છે, જ્યારે છંદોબદ્ધ અપ્રગીત વૈદિક મંત્રો ઋગ્વેદની ઋચાઓ છે. વળી યજુર્વેદના યજુષ અછંદોબદ્ધ અને અ-પ્રગીત વૈદિક મંત્રો છે. આ વૈદિક મંત્રોમાં દેવની ત્રીજા પુરુષમાં સ્તુતિ કરવામાં આવી હોય તો તેને પરોક્ષ મંત્ર, બીજા પુરુષમાં સ્તુતિ હોય તો તેને પ્રત્યક્ષ મંત્ર અને પહેલા પુરુષમાં સ્તુતિ હોય તો તેને આધ્યાત્મિક મંત્ર કહે છે. વળી વૈદિક મંત્રમાં જો ઉદાત્તાદિ સ્વર, અકારાદિ વર્ણો અને એક દેવ કે એક યજ્ઞવિધિ માટેનો મંત્ર બીજા દેવ કે બીજા યજ્ઞવિધિ માટે પ્રયોજાય તો તે જુદો જ અર્થ બતાવે છે અને તેનો પ્રયોગ અનિષ્ટકારક બની રહે છે.
વૈદિક મંત્રો જેવો મંત્રોનો બીજો મહત્વનો પ્રકાર તાંત્રિક મંત્રોનો છે. તાંત્રિક મંત્રોમાં કોઈ દેવ કે કોઈ શક્તિને સાધવા માટે એમ ગૂઢ શબ્દ કે વાક્ય રહેલું હોય છે. તાંત્રિકો મંત્રોના (1) સ્ત્રીમંત્રો, (2) પુરુષમંત્રો અને (3) નપુંસક મંત્રો એમ ત્રણ પ્રકારો છે. કોમળ કાર્યો સિદ્ધ કરનાર મંત્રો સ્ત્રીમંત્રો કહેવાય; હિંસક કાર્યો કરનાર મંત્રો પુરુષમંત્રો કહેવાય અને જે કશું ફળ ન આપી શકે તે નપુંસકમંત્રો કહેવાય. વળી ચારથી નવ અક્ષરો ધરાવતા મંત્રોને બીજમંત્રો, દસથી વીસ અક્ષરો ધરાવતા મંત્રોને મૂલમંત્રો અને વીસથી વધુ અક્ષરો ધરાવતા મંત્રોને માલામંત્રો કહે છે.
તાંત્રિક ગુરુ તંત્રશાસ્ત્રમાં કહેલા વિધિ મુજબ અધિકારી શિષ્યને ગુપ્ત રીતે મંત્ર આપે છે. મંત્રનો જપ કરવાથી સંકટનો નાશ, રોગનું નિવારણ, વ્યક્તિ વગેરેનું વશીકરણ, ઝેરની અસરનો નાશ, યુદ્ધમાં વિજય, સંતાનની પ્રાપ્તિ, દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ, દુષ્કાળ અથવા ભૂતપ્રેતાદિ બાધાનું નિવારણ, શત્રુનો નાશ વગેરે અનેક વાંછિત ફળ મળે છે.
મંત્રને ફળપ્રદ બનાવવા માટે (1) જનન, (2) જીવન, (3) તાડન, (4) બોધન, (5) અભિષેક, (6) વિમલીકરણ, (7) અધ્યાપન, (8) તર્પણ, (9) દીપન અને (10) ગોપન – એ દસ સંસ્કારો કરવા પડે છે.અન્યથા મંત્ર નિષ્ફળ રહે છે.
મંત્રનો જપ ત્રણ પ્રકારનો છે : (1) વાચિક (2) ઉપાંશુ અને (3) માનસ. મોટેથી બોલીને મંત્રનો જપ કરે તેને વાચિક જપ કહેવાય, જ્યારે ફક્ત હોઠ ફફડે, પણ શબ્દો ન સંભળાય તેને ઉપાંશુ જપ કહે છે. જ્યારે હોઠ પણ ફફડાવ્યા વિના મંત્રના અર્થનો મનથી ખ્યાલ કરવામાં આવે ત્યારે તેને માનસ જપ કહે છે, જે શ્રેષ્ઠ લેખાય છે. પતંજલિએ યોગદર્શનમાં આપેલા સૂત્ર तज्जपस्तदर्थभावनम् । અનુસાર માનસ જપ જ સાચો જપ છે. દર્ભના આસન પર બેસીને, મસ્તક ખુલ્લું રાખી અવ્યવસ્થિત રીતે એક પગ પર બીજો પગ ચઢાવ્યા વિના બેસી, સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી, મંત્રનો જપ કરવો જોઈએ. ક્યારેક પાણીમાં ઊભા રહી મંત્રનો જપ થાય છે.
દિવસ, વાર, રાશિ અને નક્ષત્ર વગેરે શુદ્ધ અને ફળદાયી હોય ત્યારે મંત્રનો જપ કરવો. ખુદ મંત્ર પણ અનુકૂળ અને ફળદાયી હોય તો જ તેનો જપ કરવો. જે મંત્ર ખરાબ ફળ આપે તેનો જપ ન કરાય. આથી ગમે તે માણસ ઠીક પડે તે મંત્રનો જપ કરી ન શકે. તેનાથી ઇચ્છેલું ફળ મળતું નથી. આ રીતે જુદાં જુદાં દેવદેવીઓના એક અક્ષરથી માંડી અનેક અક્ષરોના મંત્રોમાંથી બધી બાબતો વિચારી તે પછી જ ચોક્કસ મંત્ર જપ માટે નક્કી કરવામાં આવે છે. મંત્રની ફળદાયિતા નક્કી કરવાના અનેક સૂક્ષ્મ નિયમો તંત્રશાસ્ત્રમાં રજૂ થયા છે. ૐ અને अथ એ બે માંગલિક મંત્રો છે, તેથી તેના પછી જ બધા મંત્ર બોલવામાં આવે છે.
છેલ્લે, મંત્ર બોલનારી જીભ પારકાના અન્નથી બળેલી ન હોવી જોઈએ. મંત્રની જપસંખ્યા ગણનારી માળાને ફેરવનારો હાથ પ્રતિગ્રહથી બળેલો ન હોવો જોઈએ અને મંત્રના અર્થનો જપ કરતી વેળા જપ કરનારનું મન પારકાની સ્ત્રી વિશેની આસક્તિથી બળેલું ન હોવું જોઈએ. તો જ તે મંત્ર ફળપ્રદ બને એમ દત્તાત્રેય કહે છે.
પ્ર. ઉ. શાસ્ત્રી