મંડળ (aureole) ભૂસ્તર

January, 2002

મંડળ (aureole) ભૂસ્તર : ગ્રૅનાઇટ, ગ્રૅનોડાયોરાઇટ કે અન્ય આગ્નેય અંતર્ભેદકોની આજુબાજુ તેની ગરમી તથા ઉષ્ણબાષ્પીય પ્રક્રિયાની અસર હેઠળ આવેલા પ્રાદેશિક ખડકમાંથી તૈયાર થયેલો સંસર્ગ-વિકૃતિજન્ય પરિવર્તિત વિભાગ. તે સંપર્કમંડળ કે વિકૃતિજન્ય મંડળ તરીકે ઓળખાય છે.

મંડળ

અંતર્ભેદકની સર્વપ્રથમ અસર પ્રાદેશિક ખડકની કણરચના અને ખનિજઘટકો પર થતી હોય છે. સંપર્કસીમા પર વધુમાં વધુ અને ત્યાંથી દૂર તરફ જતાં અસર ઓછી થતી જતી હોય છે. પ્રાદેશિક ખડકની મૂળ કણરચના, સંરચના તેમજ પરિવર્તિત ખનિજો પરથી વિકૃતિજન્ય મંડળની પરખ થઈ શકે છે. અસરયુક્ત મંડળની પહોળાઈ, પ્રાદેશિક ખડકભેદે આગ્નેય અંતર્ભેદકોનાં કદ, ઉષ્ણતા અને બાષ્પપ્રમાણ મુજબ જુદી જુદી હોય છે; ચૂનાખડક અને શેલમાં, વધુ તો રેતીખડકમાં, ઓછી પહોળાઈ હોય છે. સામાન્યત: તે સેંકડો મીટરની પહોળાઈના વિભાગને આવરી લે છે. લેકોલિથ, લોપોલિથ, બેથોલિથ કે સ્ટૉક જેવા મોટા અંતર્ભેદકોની આજુબાજુ તે વિસ્તૃત હોય છે; તેમાં ખડકોનું પુન:સ્ફટિકીકરણ પણ થતું હોય છે; જ્યારે બૉસ, ડાઇક કે સિલ જેવા નાના અંતર્ભેદકો નાનાં મંડળો તૈયાર કરે છે, જેમાં પ્રાદેશિક ખડકોની દીવાલો શેકાઈને સખત થઈ જતી હોય છે. પરિવર્તિત ખડકોમાં નવું ખનિજીકરણ થતાં ક્યારેક બાયૉટાઇટ, પાયરૉક્સિન, ઍન્ડેલ્યુસાઇટ કે કૉર્ડિરાઇટ જેવાં ખનિજો બને છે. ઊંચા તાપમાનવાળાં ખનિજો સંપર્કસીમા નજીક તૈયાર થતાં હોય છે. અંતર્ભેદકની ગરમીને કારણે મૂળ ખનિજસ્થિત H2O અને CO2 મુક્ત થઈ જવાનું વલણ દાખવે છે; જે ગરમ થતાં મૅગ્માજન્ય બોરૉન, ફ્લોરિન, ક્લોરિન જેવી બાષ્પ સાથે સંકલિત થઈ ટુર્મેલિન, ફ્લોરાઇટ, ટોપાઝ વગેરે જેવાં ખનિજો બનાવે છે; ચૂનાખડક હોય અને મોટા પ્રમાણમાં લોહમાત્રા ઉમેરાય તો સ્કાર્ન પ્રકારના ખડકો તૈયાર થાય છે; પરંતુ મૅગ્નેશિયમ માત્રા ઉમેરાય તો કૉર્ડિરાઇટ–ઍન્થોફાયલાઇટવાળા ખડકો બને છે; સાથે સાથે ક્યારેક ધાતુખનિજ-નિક્ષેપો પણ બનવાની શક્યતા રહે છે. ડૉલેરાઇટ-ડાયાબેઝ પ્રકારના અંતર્ભેદકોની આજુબાજુ સોડિયમ-સમૃદ્ધ મંડળ તૈયાર થતાં હોય છે.

મંડળ રચાતાં પ્રાદેશિક ખડકની એટલા ભાગની કણરચના-સંરચના ભૂંસાઈ જાય છે. ખનિજકણો સમપરિમાણવાળાં, ગમે તેમ ગોઠવાયેલાં જોવા મળે છે; અર્થાત્, એક પ્રકારની મોઝેઇક રૂપરેખા તૈયાર થાય છે. આ રીતે મંડળમાં તૈયાર થતા ખડકો ‘હૉર્નફેલ્સ’ કહેવાય છે. આ ઉપરાંત મંડળમાં પ્રાદેશિક ખડકોના તૂટી પડેલા ભાગો આત્મસાત્ થઈ જતા હોય છે. ક્યારેક તેમના અવશેષો રહી જાય તો તેમને આગંતુક ખડક (xenolith) કહે છે. ક્યારેક મૅગ્માજન્ય દ્રવ્ય સાથે પ્રાદેશિક ખડકનું મિશ્રણ થતાં મિગ્મેટાઇટ પ્રકારના ખડકો બને છે, તો વળી ક્યારેક સંકર ખડકો પણ બનતા હોય છે. મંડળમાં નવા તૈયાર થતા ખડકો પૈકી હૉર્નફેલ્સ, આરસપહાણ, કૅલ્કસિલિકેટ ખડકો, એપિડાયોરાઇટ, ક્વાર્ટ્ઝાઇટ વગેરેનો સમાવેશ કરી શકાય.

ગિરીશભાઈ પંડ્યા