મંજુશ્રી : બૌદ્ધ ધર્મની મહાયાન શાખાના બોધિસત્વ તરીકે પ્રસિદ્ધ સંત. બૌદ્ધ ગ્રંથોમાં જણાવ્યું છે કે મંજૂશ્રીની પૂજા માનવીમાં ડહાપણ, અપૂર્વ યાદદાસ્ત, બૌદ્ધિકક્ષમતા, વાકચાતુર્ય અને ધાર્મિક રહસ્યને સમજવાની શક્તિ આપે છે. આથી ઘણા લોકો તેમની વિવિધ સ્વરૂપે પૂજા કરે છે. બૌદ્ધ ગ્રંથો એમને શાક્યમુનિ (ગૌતમ બુદ્ધ) સાથે સાંકળે છે. નામસંગીતિ નામના બૌદ્ધ ગ્રંથમાં તેમને આદિબુદ્ધ તરીકે જણાવેલ છે, જ્યારે ઘણાં સૂત્રોમાં તેમને એક ઐતિહાસિક વ્યક્તિ તરીકે ઓળખાવેલ છે.
બૌદ્ધ અનુશ્રુતિઓ અને વૃત્તાંતો ઉપરથી એટલું તારવી શકાય છે કે મંજૂશ્રી એક સંત હતા, જેમનો જન્મ મૂળ ચીનમાં ઈ. સ.ના પહેલા સૈકામાં થયો હતો. ચીનમાંથી નેપાળમાં આવી બૌદ્ધ ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર કર્યો. કેટલાક એમને નેપાળની સંસ્કૃતિના આદ્ય સ્થાપક કે ત્યાંના બૌદ્ધ ધર્મના પ્રવર્તક તરીકે ઓળખાવે છે. તિબેટના રાજાના અનુરોધથી તેઓ ભારતમાં બૌદ્ધ ધર્મના સાહિત્યનો અભ્યાસ કરવા આવ્યા હતા. ચીનમાં કેટલેક ઠેકાણે નૂતન વર્ષના પ્રથમ દિવસે મંજૂશ્રીના માનમાં મોટો ઉત્સવ થાય છે. કેટલાક તેમને ખેતીના દેવ કહે છે કેટલાક તેમને ઉત્તમ સ્થપતિ કહે છે તો કેટલાક તેમને બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોના મહાન જ્ઞાતા તરીકે ઓળખાવે છે. મંજૂશ્રી નેપાળમાં ક્યારે આવ્યા તે સ્પષ્ટ થતું નથી પરંતુ એટલું સ્પષ્ટ છે કે ઈ. સ.ની ચોથી સદીમાં તેઓ બૌદ્ધ સંપ્રદાયના અનુયાયીઓમાં બોધિસત્વ તરીકે જાણીતા થયા હતા. મહાયાન સંપ્રદાયના અનુયાયીઓ તેમને વિવિધ સ્વરૂપે પૂજે છે. સાધારણ રીતે મંજૂશ્રીની મૂર્તિમાં જમણા હાથમાં તલવાર અને ડાબા હાથમાં પુસ્તક હોય છે. તલવાર એ અજ્ઞાનનો નાશ કરનાર શક્તિનું પ્રતીક છે અને પુસ્તક એ જ્ઞાનનું પ્રતીક છે. તેમની પ્રતિમા મોટે ભાગે બેઠેલી અવસ્થામાં હોય છે.
મંજૂશ્રીની એક પ્રતિમા ઈલોરાની ગુફા નં. 2ના પ્રવેશદ્વાર પર દ્વારપાળ સ્વરૂપે કોતરેલી જોવા મળે છે. વડોદરા મ્યુઝિયમમાં પણ મંજૂશ્રીની એક સ્વતંત્ર પ્રતિમા સંગૃહીત છે.
વિનોદ મહેતા
પ્રવીણચંદ્ર પરીખ