મંજીખાં (જ. 1888; અ. 1937) : હિંદુસ્તાની સંગીતના જયપુર ઘરાનાના સુપ્રસિદ્ધ ગાયક. તેઓ અગ્રણી સંગીતકાર અલ્લાદિયાખાંસાહેબના પુત્ર હતા. એમના પૂર્વજો હિન્દુ હતા. સ્વામી હરિદાસથી તેમની પરંપરા માનવામાં આવે છે. ઔરંગઝેબના જમાનામાં ધર્મપરિવર્તનને કારણે તેઓ મુસલમાન બન્યા હતા એમ કહેવાય છે.
મંજીખાંએ ધ્રુપદ-ગાયકીની તાલીમ સૌપ્રથમ પોતાના કાકા હૈદરખાં પાસેથી મેળવી હતી. ત્યારબાદ પોતાના પિતા અલ્લાદિયાખાં પાસેથી પણ સંગીતની શિક્ષા લીધી.
પિતા-પુત્ર વચ્ચે મનભેદ થવાથી તેમણે ઘર છોડ્યું અને સાત વર્ષ સુધી સંગીતનો ત્યાગ કર્યો હતો. તે દરમિયાન તેમણે કોલ્હાપુર રિયાસતમાં જંગલ-અધિકારીની નોકરી પણ કરી હતી. બાપુસાહેબ કાગલકરની સમજાવટ પછી મુંબઈ જઈને તેમણે ફરી સંગીતસાધના શરૂ કરી હતી. એમનો અવાજ ખ્યાલ અને ધ્રુપદ બંને ગાયકી માટે યોગ્ય હતો. મધુરતા, સુરીલાપણું તથા મીંડ લેવાની ક્ષમતા – એ એની ખાસિયતો હતી. તેમનો અવાજ ભરાવદાર હતો. કંપનયુક્ત સુરીલા સ્વરો, સાફ તાન અને મુરકી, તાર-સપ્તકના સ્વરો લેતી વખતની કોમળતા અને માધુર્ય – આ બધાંથી તેમના શ્રોતાઓ મુગ્ધ થઈ જતા.
મંજીખાં ઘરાનાઓના વાડાથી પર હતા. પોતાના ઘરાનાની ગાયકી તો તેઓ ગાતા જ હતા, પણ અન્ય ઘરાનાઓની સારી વસ્તુઓને પણ અપનાવતા હતા. તેથી જ પોતાની તાનપ્રધાન ગાયકી ઉપરાંત આગ્રા ઘરાનાની લયકારી તથા બોલતાનો, ગમક, તાનપ્રધાન ગાયકી છતાં ગીતના સ્પષ્ટ બોલ – આ બધી તેમની ગાયકીની વિશિષ્ટતાઓ હતી. પોતાના ઘરાનામાં ઠૂમરી ગાવાનો રિવાજ ન હોવા છતાં ભર્યા ભર્યા ભાવે તેઓ મુરકી, ખટકા, સ્વર-કંપન, આંદોલન વગેરેથી ઠૂમરી ગાતા.
પોતાના ઘરાનાના માલશ્રી, દેશકાર, હિંડોલ, જયત-કલ્યાણ, જયજયવન્તી, શહાના, નાયકી-કાનડા, કાફી-કાનડા, હેમનટ, હેમ કલ્યાણ, બાગેશ્રી, કાનડા વગેરે રાગો તેઓ કુશળ રીતે રજૂ કરતા હતા.
વ્યક્તિ તરીકે પણ મંજીખાં સીધાસાદા અને સાફ દિલના હતા. શરૂઆતનાં વર્ષોમાં કોલ્હાપુરમાં અને 1930 પછી મુંબઈમાં રહ્યા. તેમના પ્રશંસકો તથા મિત્રોની સંખ્યા ખૂબ મોટી હતી. તેમણે અનેક શિષ્યોને તાલીમ આપી, જેમાં પંડિત મલ્લિકાર્જુન મનસૂરનો પણ સમાવેશ થાય છે.
નીના ઠાકોર