મંક, કાજ (જ. 13 જાન્યુઆરી 1898; મેરિબો, ડેન્માર્ક; અ. 4 જાન્યુઆરી 1946, સિલ્કબૉર્ગ નજીક, ડેન્માર્ક) : ડેન્માર્કના નાટ્યલેખક, ધર્મોપદેશક અને રાષ્ટ્રભક્ત. મૂળ નામ હૅરલ્ડ લીનિન્ગર. કૉપનહૅગન યુનિવર્સિટી ખાતે ધર્મશાસ્ત્રનો અભ્યાસ. જટલૅન્ડમાંના નાના દેવળના પાદરી તરીકે કારકિર્દીનો પ્રારંભ. તે દરમિયાન તેમણે ધાર્મિક અને વીરરસિક નાટકો લખ્યાં. એ નાટ્યપ્રવૃત્તિના પરિણામે 1930ના દાયકામાં ડેન્માર્કમાં નાટ્યક્ષેત્રે નવજાગરણનો આરંભ થયો.
ધાર્મિક નાટકોના પ્રણેતા હોવા ઉપરાંત તેઓ ખૂબ સૂક્ષ્મ રંગભૂમિર્દષ્ટિ અને નાટ્યસૂઝ ધરાવતા હતા. આ સમન્વયને પરિણામે જ ડેન્માર્કની નાટ્યપ્રવૃત્તિને વેગ મળ્યો.
અભ્યાસકાળ દરમિયાન તેમણે પ્રથમ નાટક લખ્યું તે ‘ઍન આઇડિયાલિસ્ટ’ (અંગ્રેજી ભાષાંતર – 1953). શરૂઆતમાં આ નાટક વિશે ગેરસમજ પેદા થઈ હતી, પણ છેક 10 વર્ષ પછી મંકના સૌથી સુંદર નાટક તરીકે તેની પ્રશંસા થઈ. 1931માં પ્રગટ થયેલા ‘કાન્ટ’ને ખૂબ સફળતા મળી. ઇંગ્લૅન્ડના હેન્રી આઠમાના રાજ્યકાળની પશ્ચાદભૂમાં આલેખાયેલા આ નાટકમાં બ્લૅન્ક વર્સનો ઉપયોગ કરાયો છે અને તેમાં ‘માઇટ મેક્સ રાઇટ’ (સત્તા એ જ સત્ય) એ નીતિસૂત્રને તેમણે વખોડી કાઢ્યું છે. ‘ઑરડેટ’ (ધ વર્ડ) (1932) નામના એ પછીના મિરેકલ નાટકથી તેઓ ડેન્માર્કના અગ્રણી નાટ્યકારનું સ્થાન પામ્યા. આ નાટક પરથી ચલચિત્રનું પણ નિર્માણ થયું હતું. 1938માં ‘હી સિટ્સ ઍટ્ ધ મેલ્ટિંગ પૉટ’ પ્રગટ થયું. પોતાનાં મુખ્ય પાત્રો તરીકે તેઓ આપખુદ સત્તાધીશ જેવી મજબૂત વ્યક્તિઓને જ પસંદ કરે છે. ‘હી સિટ્સ ઍટ્ ધ મેલ્ટિંગ પૉટ’ નાટકમાં હિટલરના સમયના જર્મનીને વિષય બનાવાયો છે. તેમાં હિટલરના યહૂદીવિરોધી વલણ-વર્તનની આકરી આલોચના કરાઈ છે.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ જર્મન આક્રમણ પ્રત્યેના ડેનિશ પ્રતિકારના એક અગ્રણી ધાર્મિક નેતા બની રહ્યા. વિવેક અને સદભાવ ધરાવતા પાદરી તરીકે તેઓ લોકોમાં બેહદ ચાહના પામ્યા હતા. 1943માં તેમણે ‘નિલ્સ એબસન’ નામનું રાષ્ટ્રવાદી નાટક લખ્યું. તેમના ધાર્મિક ઉપદેશોના ફળ-સ્વરૂપે અસંખ્ય લોકો ડેન્માર્કની પ્રતિકાર-ચળવળ પ્રત્યે આકર્ષાયા અને તેના આડકતરા પરિણામે 1944માં નાઝીઓ દ્વારા તેમની હત્યા કરાઈ.
મહેશ ચોકસી