મંકણિકા : એક પ્રાચીન નગરી. કટચ્ચુરિ રાજા તરલસ્વામીએ કલચુરી (સંવત 346) ઈ. સ. 595માં એક ભૂમિદાન કરેલું, તેના દાનશાસનમાં આ નગરીનો નિર્દેશ આવે છે. આ નગરી તે હાલ વડોદરા જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલું માંકણી નામે ગામ છે, જ્યાંથી આ દાનશાસનનું પહેલું પતરું મળ્યું છે. એનું બીજું પતરું પણ સંખેડા તાલુકામાંથી મળેલું, તે પણ પ્રાય: આ ગામનું લાગે છે. દાનશાસનમાં આપેલી વિગતો પરથી માલૂમ પડ્યું છે કે એ બનાવટી છે ને આઠમી સદીમાં એને તરલસ્વામીના નામે ઉપજાવી કાઢવામાં આવ્યું હતું.
દક્ષિણ ગુજરાતના આ ભાગમાં કટચ્ચુરિ વંશ પછી નાંદીપુરી-ભરુકચ્છના ગુર્જરનૃપતિવંશની સત્તા પ્રવર્તી (ઈ. સ. 620થી 740). એ પછી ત્યાં થોડો વખત ચાહમાન વંશની સત્તા રહી. પછી દક્ષિણ ગુજરાતમાં દખ્ખણના રાષ્ટ્રકૂટ રાજાઓની સત્તા પ્રવર્તી. લાટમંડલની શાખામાં સુવર્ણવર્ષ કર્કરાજ નામે રાજા થયો, એનાં ઈ. સ. 812થી 824નાં દાનશાસન પ્રાપ્ત થયાં છે. એના શક સંવત 738(ઈ. સ. 816)ના દાનશાસનમાં મહી-નર્મદા વચ્ચેના પ્રદેશમાં આવેલ શમીપદ્રક નામે ગામ તથા મંકણિકા ભુક્તિમાં આવેલ સંબંધી નામે ગામ બાદાવી(વાતાપી–બાદામી)ના બ્રાહ્મણને દાનમાં આપ્યાનું જણાવ્યું છે. સંબંધી ગામની પૂર્વે સજ્જોડક નામે ગામ, દક્ષિણે બ્રાહ્મણપલ્લિકા, પશ્ચિમે કરંજવસહિકા અને ઉત્તરે કાષ્ઠામંડપ ગામ આવેલાં હતાં. એમાંનું સંબંધી તે હાલનું સમધી, કાષ્ઠામંડપ તે હાલનું કાઠમાંડવા અને બ્રાહ્મણપલ્લિકા તે હાલનું બામરોલી છે. આ બધાં ગામ સંખેડા તાલુકામાં આવેલાં છે. મંકણિકા (માંકણી) એ એનું વડું મથક પણ સંખેડા તાલુકામાં આવેલું હોઈ એ વિભાગ ભરુકચ્છ વિષયની પૂર્વે અને નર્મદાની ઉત્તરે છેક સંગમ ખેટક વિષય (સંખેડા જિલ્લા) સુધી વિસ્તૃત હોવાનું સ્પષ્ટ થાય છે.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી