ભ્રષ્ટાચાર : નિયમ બહાર કે નિયમ વિરુદ્ધ હોદ્દા, સ્થાન કે પદનો વૈયક્તિક કે સામૂહિક ધોરણે ગેરલાભ લેવો તે. ઈ. પૂ. ચોથી સદીમાં પ્લેટોએ ‘રિપબ્લિક’માં જણાવ્યું કે જાહેર નીતિનો વ્યક્તિગત લાભ ન ઉઠાવે તેઓ જ શાસન કરવા લાયક છે. પ્રાચીન અને મધ્યકાલીન યુગમાં રાજાઓ કે અન્ય શાસકોએ તેમની સત્તાનો દુરુપયોગ કર્યાનાં અનેક પ્રમાણો છે. શાસકો વિરુદ્ધ થયેલી ઇંગ્લૅન્ડની, ફ્રાંસની, ફિલિપાઇન્સની કે અન્ય કોઈ પણ ક્રાંતિ સત્તાધીશોની સત્તાની ભ્રષ્ટતાની સાક્ષી છે. તેમાં શાસકીય ભ્રષ્ટાચાર અસહ્ય બનતાં પ્રજાએ ક્રાંતિનો માર્ગ પકડ્યાનું જોઈ શકાય છે.
મધ્યકાલીન યુગ ચર્ચની સત્તાના અતિરેકની વાત કરે છે. એ સમયે વ્યાપક પ્રમાણમાં ધાર્મિક વ્યવસાયવૃત્તિના અધિકાર (patronage) પ્રવર્તતા હતા. આવા અધિકારો વિરુદ્ધ ઊહાપોહ જગાવવાના કારણે પાદરી અને ચિંતક બ્રુનોને જીવતો જલાવી દેવાનો ચુકાદો ચર્ચે આપ્યો હતો. આમ ઇતિહાસના વિવિધ સૈકાઓમાં ભ્રષ્ટાચાર પ્રવર્તતો જોવા મળ્યો છે.
ભ્રષ્ટાચાર લોભ, લાલચ, લાંચ, ઉચાપત; સ્થાન, હોદ્દા કે સત્તાનો દુરુપયોગ – એમ વિવિધ સ્વરૂપો અને નામથી જાણીતો છે. જટિલ કાયદાઓ, ગૂંચવણભર્યું કરમાળખું, ધાર્મિક સંકુચિતતા, જાહેર નોકરીમાં નિષ્ઠાનો અભાવ વગેરે બાબતો ભ્રષ્ટાચારને વ્યાપક બનાવે છે. કૌટિલ્યે કહેલું કે પાણીમાં જીવનાર માછલી ક્યારે કેટલું પાણી કેવી રીતે પી જાય છે તે શોધી કાઢવું અશક્ય છે તેવું જ ભ્રષ્ટાચારને વિશે કહી શકાય. સમાજજીવનમાં અને રાજકારણમાં ચાલતા વ્યાપક ભ્રષ્ટાચારને આ સંદર્ભમાં સમજવાની કોશિશ કરી શકાય. ભ્રષ્ટાચાર ઓછા જોખમ અને ભારે નફાની પ્રવૃત્તિ છે તેથી જાહેર અને રાજકીય જીવનની નબળી કડીઓ ભ્રષ્ટાચારને ખાતર-પાણીની જેમ પોષણ આપે છે. તે જાહેર જીવનનો મહાવ્યાધિ અને સાર્વજનિક જીવનનો એક ભાગ બન્યો છે. સામાન્ય રીતે જૂના બની ગયેલા કાયદાઓ અને પુરાણી રીતરસમો ભ્રષ્ટાચારને ફળવંત-બળવંત બનાવવામાં મોટો ભાગ ભજવે છે. ભ્રષ્ટાચાર વિનાના સ્વચ્છ વહીવટની કલ્પના દિન-પ્રતિદિન અશક્ય બનતી જાય છે. જાહેર જીવનનું એક પણ ક્ષેત્ર તેનાથી બાકાત રહેતું નથી.
આ બધામાં રાજકીય ભ્રષ્ટાચાર ઉઘાડું સત્ય છે તેમજ સૌથી વધુ વ્યાપક સ્વરૂપ ધરાવે છે. રાજકીય ભ્રષ્ટાચાર એટલે અમાન્ય એવા ખાનગી કે વૈયક્તિક લાભ મેળવવા માટે જાહેર હોદ્દા કે સત્તાનો દુરુપયોગ કરવો તે. જોકે ગેરવર્તણૂક તેનો ભાગ ગણાતી નથી, પરંતુ સામાન્ય રીતે સ્વીકૃત થયેલાં વેતનો અને ભથ્થાં ઉપરાંત હોદ્દેદારો વધારાના અમાન્ય લાભ મેળવે યા લાંચ લે ત્યારે રાજકીય ભ્રષ્ટાચાર થાય છે. અલબત્ત, માન્ય–અમાન્ય વચ્ચેની સીમારેખા દોરવી મુશ્કેલ હોય છે તેમજ સ્વીકાર્ય વર્તનની સીમા બાંધવી પણ અઘરી થઈ પડે છે.
રાજકારણના સત્તાધીશો તેમની સત્તાની ગુંજાશ મુજબ ઓછો કે વત્તો ભ્રષ્ટાચાર કરે છે એવી વ્યાપક માન્યતા પ્રવર્તે છે. વિકસિત કે વિકસતા, લોકશાહી કે સામ્યવાદી – કોઈ પણ દેશો આ બદીથી બચી શકતા નથી એવો અત્યાર સુધીનો અનુભવ છે. દેશ-કાળ અનુસાર તેમાં તફાવતો જરૂર હોય છે, પરંતુ ભ્રષ્ટાચારવિહીન દેશો શોધવા મુશ્કેલ છે. જાપાન જેવો પ્રખર રાષ્ટ્રવાદી દેશ પણ ભ્રષ્ટાચારથી મુક્ત રહ્યો નથી. રાજકીય ભ્રષ્ટાચાર વિરુદ્ધ નસિયતના દાખલા જૂજ છે. પ્રત્યેક રાજકીય પદ્ધતિમાં જાહેર નાણાંનો બહોળો દુરુપયોગ જોવા મળે છે. વિકસતા દેશોમાં વિકાસની સાથે સાથે ભ્રષ્ટાચાર પણ ફાલે-ફૂલે છે. તેને અંકુશમાં લેવાના પ્રયાસો થાય છે, પણ બીજી તરફ ભ્રષ્ટાચારના નવા તોર-તરીકાઓ વિકસે છે અને સરવાળે પરિસ્થિતિમાં કોઈ ખાસ સુધારો થતો નથી. રાજકીય ભ્રષ્ટાચાર લગભગ સર્વવ્યાપક ઘટના છે. તમામ યુગમાં અને તમામ દેશમાં રાજકારણીઓ સત્તાનો અનહદ દુરુપયોગ કરે છે. વિશ્વવ્યાપી રાજકીય ભ્રષ્ટાચારનું પૃથક્કરણ કેટલીક સર્વસામાન્ય બાબતો દર્શાવે છે :
1. સત્તાનો દુરુપયોગ કરવાનું કામ શાસકો માટે સરળ હોવાથી શાસકો ભ્રષ્ટાચાર આચરે છે.
2. લાંબો સમય સતત સત્તા પર રહેનાર વ્યક્તિ, પક્ષ કે જૂથ વધુ ભ્રષ્ટાચાર કરે છે.
3. રાજકીય જીવનનો હેતુ જાહેર સેવાનો હોવાની વાત ગઈગુજરી બની છે અને આધુનિક યુગમાં તેનો મુખ્ય હેતુ સત્તા મેળવવાનો અને તે દ્વારા અંગત લાભ મેળવવાનો હોય છે.
4. સત્તા મેળવ્યા પછી સત્તા ટકાવી રાખવાનો ઉદ્દેશ શાસકો ધરાવતા હોવાથી વિરોધી, માફિયા, દાણચોર કે એવા કોઈ પણ જૂથના છોછ વગર તેમની સાથેના સંબંધો માન્ય રાખવામાં આવે છે. નૈતિકતા કે પ્રામાણિકતા ગૌણ બને છે.
લોકશાહી દેશોમાં વધુ મત મેળવવા અન્ય કોઈ પણ જૂથને લાભ આપવામાં કે તેની તરફદારી કરવામાં આવે છે. પક્ષ માટે નાણાં આપતાં ઉદ્યોગગૃહો, ઉદ્યોગપતિઓ કે સંસ્થાઓની તરફદારી સાહજિક છે, તેમજ એક તરફદારીમાંથી બીજી તરફદારી એમ અગણિત તરફદારીની દિશામાં રાજકારણ ધકેલાય છે. પરિણામે ભ્રષ્ટાચારને મોકળું મેદાન મળે છે અને રાજકારણીઓ લોકનજરમાંથી માન ગુમાવે છે. આથી આમજનતાની નજરમાં રાજકારણ સુગાળવી રમત બને છે, શુદ્ધ અને પ્રામાણિક વ્યક્તિઓ રાજકારણથી દૂર રહેવાનું પસંદ કરે છે અને સેવાને બદલે છેવટે સત્તાભૂખ્યા લોકો રાજકારણમાં આવે છે; જાહેર જીવનનો સેવાનો આદર્શ સદંતર ભુલાય છે અને દેશ વિનિપાત ભણી ધકેલાય છે. આ સંદર્ભમાં લૉર્ડ ઍક્ટનનું વિધાન ‘સત્તા ભ્રષ્ટ કરે છે અને સંપૂર્ણ સત્તા સંપૂર્ણ રીતે ભ્રષ્ટ કરે છે’ ઘણું માર્મિક છે. વિશ્વભરમાં સ્વચ્છ રાજકારણીઓ ગણ્યાગાંઠ્યા જ નીકળે છે.
કેટલાક વિચારકો ભ્રષ્ટાચારને સંક્રાંતિકાલીન ઘટના માને છે. અન્ય કેટલાકના મતે સામાન્ય ભ્રષ્ટાચાર કરતાં રાજકીય ભ્રષ્ટાચાર અને વિશેષે ચૂંટણી-વિષયક ભ્રષ્ટાચાર જોખમી અને ગંભીર હોય છે. રાજકીય ભ્રષ્ટાચારનું મૂળ કારણ ચૂંટણી-ભ્રષ્ટાચાર હોય છે. વળી તેને કાબૂમાં લઈ શકાય તો કદાચ રાજકીય ભ્રષ્ટાચારમાં ઘટાડો થઈ શકે. અલબત્ત, બિનલોકશાહી દેશો ભ્રષ્ટાચારથી મુક્ત છે એવું માનવાની ભૂલ કોઈએ પણ ન કરવી જોઈએ. લશ્કરી તાનાશાહો પણ ભારે ભ્રષ્ટાચારીઓની યાદીમાં સામેલ હોય છે. એકકેંદ્રી કે અલ્પકેંદ્રી શાસનમાં ભ્રષ્ટાચાર માટે જાણે સગવડ પ્રાપ્ત થાય છે. બીજી મહત્વની બાબત એ છે કે કાયદો જેને ભ્રષ્ટ વ્યવહાર માને–ગણે છે તેવી ઘણી બાબતો સામાજિક તથા અન્ય સ્વરૂપે માન્ય–સ્વીકાર્ય હોવાથી રાજકીય ભ્રષ્ટાચાર વેગ પકડે છે; દા. ત., વિવિધ પ્રસંગો કે પર્વોએ અપાતી ભેટ-સોગાદો સામાજિક વ્યવહાર છે, પણ એથી ભ્રષ્ટાચારને વેગ સાંપડે છે. ઉદાર લોકશાહી વ્યવસ્થા પણ આવા ભ્રષ્ટાચારથી મુક્ત હોતી નથી.
રાજકીય સંદર્ભમાં એક સાર્વત્રિક સત્ય એ છે કે સરકારની નીતિઘડતરની પ્રક્રિયા પર પ્રભાવ પાડવાની શક્તિ ધનિકો અને બળવાનો સૌથી વધુ પ્રમાણમાં ધરાવે છે. આ વર્ગો નાણાં અને તાકાતના જોરે જાહેર નીતિઓને મૂળમાંથી પ્રભાવિત કરે છે. બીજી તરફ મોટાભાગના નાગરિકો સંગઠિત હોતા નથી તેમજ પ્રભાવ અને તાકાતના સ્રોત ધરાવતા ન હોવાથી સરકારી નીતિઓને પ્રભાવિત કરવાની પહોંચ કે ક્ષમતા ધરાવતા નથી. આથી રાજ્યતંત્ર દ્વારા ઘડાતી નીતિઓ અને લેવાતા નિર્ણયો મૂળભૂત રીતે જ જાહેર હિતથી દૂર રહી જાય છે તથા અમુક ખાસ વર્ગોને લાભદાયી હોય તેવી નીતિઓ ઘડાય છે. આમ મૂળમાંથી જ ભ્રષ્ટાચાર પાંગરે છે.
ભ્રષ્ટાચાર અંગે ઉદાર અને મનોવૈજ્ઞાનિક ર્દષ્ટિબિંદુ એવું છે કે પ્રલોભનોથી આકર્ષાવું એ માનવસહજ નબળાઈ છે; એથી પ્રલોભનમુક્તિ શક્ય નથી અને તેથી ભ્રષ્ટાચારમુક્ત વિશ્વ પણ શક્ય નથી. આથી ભ્રષ્ટાચારને સંપૂર્ણ દૂર કરવા કરતાં તેને કાબૂમાં રાખવાનાં પગલાંનો વિચાર કરવો ઘટે.
ભ્રષ્ટાચારના કેટલાક લાભ ગણાવવામાં આવે છે; જેમ કે, એથી લાલ ફીતાશાહી (red tapism) દૂર થાય છે અને વહીવટની ઝડપ વધે છે. વળી ભ્રષ્ટાચાર ગરીબ દેશોને આર્થિક પ્રગતિમાં મદદરૂપ બને છે.
વિકસતા દેશોમાં એવી સર્વસામાન્ય છાપ પ્રવર્તે છે કે યુરોપ–અમેરિકા જેવા વિકસિત દેશોમાં ભ્રષ્ટાચાર નથી હોતો; પરંતુ આ છાપ વાસ્તવિકતાથી ઘણી દૂર છે.
બ્રિટનને વખતોવખત ભ્રષ્ટાચારની સમસ્યા સતાવતી રહી છે. ઈ. સ. 1770માં વિલિયમ પિટ – અર્લ ઑવ્ ચેધામે ઉમરાવસભાના વક્તવ્યમાં કહ્યું હતું કે અમર્યાદ સત્તા તે ધરાવનારના મનમાં ભ્રષ્ટતા પેદા કરે છે. બ્રિટનના સરકારી વહીવટમાં ફેલાયેલા ભ્રષ્ટાચારને રોકવા નૉર્થકોટ-ટ્રેવેલિયન સમિતિ રચાયેલી. આ સમિતિએ ઈ. સ. 1854માં અહેવાલ આપતાં જણાવેલું કે સનદી સેવાની વ્યવસાય-અધિકાર(પૅટ્રોનેજ)ની પ્રથાને બદલે મુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજીને સનદી સેવકોની ભરતી કરવામાં આવે તો ભ્રષ્ટ વ્યવહારને અંકુશમાં લઈ શકાય. આ સૂચનનો બ્રિટિશ સરકારે સ્વીકાર કરેલો.
આવી જ રીતે બ્રિટિશ સૈન્યમાં હોદ્દાઓનાં ખરીદી અને વેચાણ થતાં. આ વ્યવહાર 1871થી રદ કરવામાં આવ્યો. 1874 સુધી ચર્ચનાં માનદ વેતનોની પણ ખરીદ-વેચ થતી. અંગ્રેજ ઇતિહાસકાર લૉર્ડ ઍક્ટન માનતા કે ભ્રષ્ટતાનું મૂળ કારણ સત્તા જ હોય છે. આમ દીર્ઘ કાળથી સત્તા અને ભ્રષ્ટાચાર વચ્ચેની સાંઠગાંઠ પરસ્પર સાથે સંકળાયેલી છે.
અમેરિકામાં ભ્રષ્ટાચારનો સદંતર અભાવ છે એવી છાપ ભૂલભરેલી છે. ભ્રષ્ટતાની ‘બગાડ-પદ્ધતિ’ (spoils system) અને લૉબિઇંગ(lobbying)ની પદ્ધતિઓ જાહેર જીવનની માન્ય અને સ્વીકૃત પદ્ધતિઓ છે. બગાડ-પદ્ધતિનો ઉપયોગ રાજકીય નિમણૂકો માટે થાય છે. 1812થી આ શબ્દપ્રયોગ થવા લાગ્યો અને ન્યૂયૉર્કના સેનેટર વિલિયમ માર્સી દ્વારા 1832થી આ શબ્દપ્રયોગ પ્રચલિત બન્યો. આ પદ્ધતિ મુજબ ચૂંટણી જીતનાર રાજકીય પક્ષ સત્તામાં આવે પછી પોતાના પક્ષને લાભ થાય એ રીતે વર્તે અને વિશેષે પક્ષના સમર્થકો અને વફાદારોને રાજકીય હોદ્દાઓનો લાભ આપવા માટે અગત્યના હોદ્દાઓ પર તેમની નિમણૂકો કરી તેમની તરફદારી કરે. આમ સત્તા પરનો પક્ષ બદલાય એટલે મહત્વનાં તમામ વહીવટી સ્થાનના હોદ્દેદારો પણ બદલાય. વફાદારોને ઇનામ આપવા અને ચૂંટણી–ઢંઢેરાનાં વચનો પૂરાં કરવા માટે આ આવશ્યક ગણાય છે. વળી, એથી શાસકોને વફાદાર અને સહકારપૂર્વક કામ કરતા સાથીઓ મળે છે. અલબત્ત, એથી ગુણવત્તાનો ભોગ લેવાય, કાર્યક્ષમતા ઘટે અને જાહેર નાણાંનો દુરુપયોગ પણ થાય છે.
આવી જ બીજી પ્રથા લૉબિઇંગની છે. સરકારમાં પોતાને અનુકૂળ આવે તેવી નીતિઓ ઘડાય તે માટે મોટાં ને જાણીતાં ઉદ્યોગગૃહોના સંપર્કપાત્રો સેનેટરો સાથે વારંવારના અને સતત સંપર્કમાં રહી જાહેર નીતિ પોતાને લાભદાયી બને તે રીતે તેને વાળવા, મરડવાનો પ્રયાસ કરતા રહે છે. આ માટે લોભ, લાલચ કે પ્રલોભનો આપીને પણ જાહેર નીતિની રૂખ બદલવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે.
વીસમી સદીમાં રાજકીય ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો અને ભ્રષ્ટાચારી રાજકીય નેતાઓ અગ્રિમ હરોળમાં સ્થાન પામી શકે એવો વ્યાપક ભ્રષ્ટાચાર ફેલાવતા રહ્યા. ફિલિપાઇન્સમાંનો ફર્ડિનાન્ડ માર્કોસ, યુગાન્ડાનો ઈદી અમીન, રુમાનિયાનો નિકોલસ ચોસેસ્ક્યુ, જર્મનીનો ઇરીય હોનેકર, સેંટ્રલ આફ્રિકન પ્રજાસત્તાકનો જિન બેડેલ બોકાસા, સોવિયેત સંઘનો જોસેફ સ્ટાલિન, ઇન્ડોનેશિયાનો સુકાર્નો – આવાં તો અનેક ઉદાહરણો આપી શકાય. ઇટાલીમાં માફિયા ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં ફેલાયેલો હતો અને સન્માનનીય રાજકારણીઓ તેમાં સંડોવાયેલા હતા. 1993માં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વિવિધ દેશોમાં વિવિધ સ્તરે ફેલાયેલા હોવાના અહેવાલો જાહેર થયા હતા; જેમાં ઑસ્ટ્રેલિયા, બોલિવિયા, બ્રાઝિલ, બલ્ગેરિયા, ફ્રાંસ, હૈતી, ભારત, ઇટાલી, જાપાન, મલેશિયા, પારાગ્વે, દક્ષિણ આફ્રિકા, સ્પેન અને અમેરિકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બ્રાઝિલમાં ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે પ્રમુખને રાજીનામું આપવું પડ્યું હતું અને બાદમાં તેમની પર મહાઅભિયોગનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. ઇટાલીમાં અગાઉના વડાપ્રધાન અને માફિયા વચ્ચેની કડીઓ તપાસવા તપાસપંચ નીમવામાં આવેલું. જાપાનમાં પણ વડાપ્રધાન પર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. ત્રીજા વિશ્વના દેશોમાં ભ્રષ્ટાચાર વ્યાપક, વિકૃત અને ગંભીર રૂપ ધરાવે છે. ત્યાં અત્યંત ચિંતાજનક સ્તરે તે વ્યાપ્ત છે. દક્ષિણ એશિયામાં પણ આવી જ પરિસ્થિતિ છે. આ દેશોની વસ્તી ગરીબાઈ અને ભૂખમરામાં સબડતી હોવાને કારણે વિકાસ માટેનાં નાણાં પણ તેમાં વપરાય છે અને અસહ્ય ભ્રષ્ટાચાર ફેલાતાં આ દેશો આંતરવિગ્રહમાં ફસાઈ જાય તેવો ડર પેદા થયો છે.
એશિયન ડેવલપમેંટ બૅંક ભારત સહિત એશિયાના અન્ય દેશોમાં સામાન્ય વિકાસના વિવિધ પ્રકલ્પોમાં મોટા પ્રમાણમાં નાણાકીય સહાય કરે છે તેમજ રોકાણનું પૂરું વળતર મળે ને નાણાં અધવચ્ચે ખવાઈ ન જાય તેની તકેદારી માટે ભ્રષ્ટાચાર વિરુદ્ધ પરિષદ યોજે છે. ડિસેમ્બર, 2000માં દક્ષિણ કોરિયાના પાટનગર સોલ શહેરમાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર-વિરોધી પરિષદમાં બૅંકના ઉપપ્રમુખ જૉન લિટિંજરે વૈશ્વિકીકરણના પગલે પગલે ભ્રષ્ટાચારનું પ્રમાણ પણ ખૂબ વધશે એવી ચેતવણી સાથે જણાવ્યું કે 1997–98માં એશિયાના દેશોમાં આવેલી બરબાદીમાં જે તે સરકારોના ગેરવહીવટ અને લાંચરુશવત તેમજ પરિસ્થિતિને સંભાળવાની તેમની બિનઆવડતો કારણભૂત હતી. આથી બૅંક દ્વારા હાથ ધરાયેલા પ્રકલ્પોમાં ભ્રષ્ટાચાર ન થાય તેની ખાસ તકેદારી રાખવા તેઓ ઇચ્છે છે તેમજ શુદ્ધ વહીવટ અને હરીફ બજારોને તથા ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશોને ટેકો આપશે. તેમના અભિપ્રાય અનુસાર એશિયાવાસીઓમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અસંતોષનો જ્વાળામુખી ધગધગે છે અને વર્તમાન પ્રથામાં આ રાક્ષસ કાબૂમાં આવતો નથી. વળી એશિયાની કમનસીબી એ છે કે આમાંના ઘણા દેશો લોકશાહી પદ્ધતિ ધરાવે છે અને એક ભ્રષ્ટાચારી સરકાર હઠાવવામાં આવે તો બીજી ભ્રષ્ટાચારી સરકાર આવે છે. લોકો કોને ચૂંટવા તેની વિમાસણમાં છે.
સંયુક્ત રાષ્ટ્રો દ્વારા આયોજિત માનવ વિકાસ કેંદ્રે દક્ષિણ એશિયાના દેશોના અભ્યાસને આધારે તારણ કાઢ્યું છે કે ભ્રષ્ટાચારથી પેદા થયેલી સંપત્તિ રાષ્ટ્રીય વિકાસમાં ઉપયોગી થતી નથી તેમજ સંપત્તિના છૂપા સ્વર્ગ સમા બહારના દેશોમાં તે ઊડી જાય છે. એક આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણ અનુસાર સૌથી વધુ ભ્રષ્ટાચારનાં મુખ્ય સાત ક્ષેત્રો છે : તેમાં બાંધકામના કરારો, માર્ગો, બંધો, શસ્ત્રોના સોદા ને વિમાની મથકોનાં તેમજ અન્ય બાંધકામોમાં સૌથી વધુ ખાયકી ચાલે છે. આ સર્વેક્ષણ ચાર મહિના ચાલ્યું હતું. તેમાં 780 વહીવટી સંચાલકો અને વ્યાવસાયિકોની મુલાકાત લેવામાં આવેલી. 60 % વિશ્વવ્યાપારને આવરી લેતાં 14 જેટલાં વિશ્વબજારોનો સમાવેશ થયો હતો. મધ્ય-પૂર્વ અને અખાતી દેશોમાંથી પૂરતી વિગતો ન સાંપડવાની વાત આ સર્વેક્ષણમાં જણાવવામાં આવી છે. આ સર્વેક્ષણ અનુસાર સૌથી વધુ ભ્રષ્ટાચાર ઊતરતા ક્રમે નીચેનાં ક્ષેત્રોમાં થતો હોય છે. (ક) સંરક્ષણ સોદાઓ, (ખ) બાંધકામ, (ગ) પેટ્રોલિયમ, અન્ય ઇંધણ અને વીજળી-ક્ષેત્રો, (ઘ) ઔદ્યોગિક અને ખાણ-ખોદકામવિષયક સાધન-સરંજામ, (ઙ) આરોગ્ય-વિષયક બાબતો, (ચ) દૂરસંદેશા-વ્યવહાર, (છ) સમાજકલ્યાણની કામગીરી, (જ) મુલકી ઍરોસ્પેસ, (ઝ) બૅંકિંગ અને (ઞ) ધિરાણક્ષેત્રો. વીસમી સદીના છેલ્લા દસકાથી ભ્રષ્ટાચાર વિશ્વવ્યાપી બન્યો છે તે સહુ સ્વીકારે છે. લોકશાહી કે બિનલોકશાહી, વિકસિત કે વિકસતા એમ વિવિધ દેશોમાં તે વધતો જાય છે. આંતરરાષ્ટ્રીય વ્યવહારમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવા માટે કામ કરતી તથા આ ક્ષેત્રમાં સર્વેક્ષણ કરતી જર્મન સંસ્થા છે ટ્રાન્સપૅરન્સી ઇન્ટરનૅશનલ. આ સંસ્થાએ પ્રગટ કરેલ ઈ. સ. 2000ના વાર્ષિક અહેવાલમાં 90 દેશોને આવરી લેવામાં આવ્યા છે. આ સંસ્થા પ્રામાણિકતા અને પારદર્શકતાનો આંક તૈયાર કરી તેના આધારે દેશોના ભ્રષ્ટાચારનો ક્રમાંક નિયત કરે છે, જેમાં ઓછામાં ઓછા ભ્રષ્ટ દેશો સૌથી મોખરે અને ક્રમશ: વધુ ભ્રષ્ટાચાર ધરાવતા દેશોની યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં સૌથી મોખરાનું સ્થાન સ્વીડન ધરાવે છે અને ભારતનું સ્થાન 69મું છે. એથી નીચલા સ્તરે આવતા અન્ય 29 દેશોમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે. તેમાં મોટાભાગના દેશો આફ્રિકાના, દક્ષિણ અમેરિકાના તથા સામ્યવાદી દેશો છે. ચીન, ઘાના, મૉરેશ્યસ અને દક્ષિણ આફ્રિકાથી નીચલા સ્તરે ભારતનું સ્થાન છે.
ભારત : આઝાદીની પ્રાપ્તિ પૂર્વેના દાયકાઓ તથા આઝાદીના પ્રથમ દાયકામાં પ્રવર્તતાં નૈતિક મૂલ્યો અને જાહેર જીવનના ઊંચા ખ્યાલોને લીધે પ્રજાજીવનમાં ભ્રષ્ટાચાર ભાગ્યે જ અનુભવાતો હતો. સ્વાતંત્ર્યના બીજા દાયકામાં વહીવટી ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદો સરકાર સમક્ષ આવવા લાગી. તે સમયથી ભ્રષ્ટાચાર વ્યાપક બનતો ગયો અને તેનાં મૂળ ઊંડાં ઊતરતાં રહ્યાં અને વીસમી સદીનાં અંતિમ વર્ષોમાં તો રાજકીય ભ્રષ્ટાચાર એક ઉઘાડું સત્ય બની રહ્યો.
દસ લાખ પાઉન્ડનું જીપ-કૌંભાડ, દિલ્હીની સ્ટેટ બૅંક ઑવ્ ઇન્ડિયામાંથી લાખો રૂપિયા ઉપાડવાનું કૌભાંડ (નગરવાલા પ્રકરણ), હર્ષદ મહેતા શૅરકૌંભાડ, બોફોર્સ તોપ-સોદો, યૂરિયા કૌભાંડ, હવાલા અને ચારા કૌભાંડ, ઝારખંડ મુક્તિ મોરચા કૌભાંડ, ક્રિકેટમાં ‘મૅચ ફિક્સિગં’ કૌભાંડ – એમ વિવિધ કૌભાંડોની હારમાળા સર્જાઈ અને ભ્રષ્ટાચારે જાહેર જીવનને ભરડામાં લીધું. જાહેર સ્થાન કે હોદ્દાનો દુરુપયોગ કરી ‘વૉટબૅંકો’ ઊભી કરવા મતવિસ્તાર, શહેર, નગર કે ગ્રામીણ વિસ્તારોને લાભ ખટાવવાની પરંપરા સર્જાઈ અને ભ્રષ્ટાચાર શિષ્ટાચારનું સ્વરૂપ પામ્યો. એથી રાજકીય ચશમપોશીને વેગ મળ્યો. નોકરશાહી પણ ભ્રષ્ટાચારમાં જોડાઈ.
પ્રજા પણ ભ્રષ્ટાચારમાં સામેલ થઈ અને લાંચ દ્વારા કામ પતાવી લેવાનું મુનાસિબ સમજતી ગઈ. આથી કામને ટલ્લે ચઢાવવાની વિલંબનીતિ પોષાઈ. હોદ્દેદારો અને રાજકીય નેતાઓની સાંઠગાંઠ મજબૂત બનવા લાગી. પરિસ્થિતિ એટલી હદે કથળતી ગઈ કે થોડાં વર્ષો પહેલાં ગેરકાયદેસર કામો માટે થતો ભ્રષ્ટાચાર નેવુંના દાયકામાં કાયદેસરનાં કામો કરાવવા માટે પણ થવા લાગ્યો.
એકવીસમી સદીના પ્રારંભે ભ્રષ્ટાચારનું કૅન્સર દેશની રગેરગમાં પ્રસરી ગયું. 26 જાન્યુઆરી, 2001ના રોજ ગુજરાત ભૂકંપનો ભોગ બન્યું અને તેના કચ્છ જિલ્લામાં પારાવાર નુકસાન થયું એને ભારે જાનહાનિ થઈ ત્યારે વિદેશોમાંથી વ્યાપક સહાય આ ભૂકંપપીડિતો માટે આવી જેમાં તંબુઓ, દવાઓ અને ખાદ્યસામગ્રી વગેરે હતાં. આમાંની ઘણી સહાયસામગ્રીમાં ભ્રષ્ટાચાર થયો અને ઘણા ભૂકંપપીડિતો સુધી તે સામગ્રી પહોંચી નથી એમ વારંવાર ફરિયાદ થઈ છે.
એ જ રીતે તહેલકા ડૉટ કૉમ દ્વારા માર્ચ, 2001ના બીજા અઠવાડિયામાં પ્રસારિત કરાયેલ એક ર્દશ્ય કૅસેટમાં ભાજપના અધ્યક્ષ નાણાં લેતા દર્શાવાયા તેમજ સમતા પક્ષના અધ્યક્ષ, સંરક્ષણ પ્રધાન તેમજ સેનાના કેટલાક હોદ્દેદારો નાણાં સ્વીકારવામાં સંડોવાયા હોવાની માહિતી સંચાર માધ્યમો દ્વારા પ્રસારિત થઈ છે. આ કહેવાતા કૌભાંડની સર્વોચ્ચ ન્યાયાલયના વર્તમાન અથવા નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા તપાસ કરાવવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે.
તાજેતરની આવી ઘટનાઓ દર્શાવે છે કે ભારતમાં ભ્રષ્ટાચાર ખતરનાક રીતે વ્યાપી ચૂક્યો છે. ભારતની ગણના દુનિયાના સૌથી વધુ ભ્રષ્ટ દેશોની હરોળમાં થાય એવી શોચનીય પરિસ્થિતિ છે.
સંસદસભ્યો અને રાજકીય નેતાઓને અપાતી સુવિધાઓનો વિસ્તાર થતો જાય છે. અસંતુષ્ટ સભ્યોને સંતોષવા પ્રધાનમંડળનાં કદ મોટાં અને વધુ મોટાં બનતાં ભીમકાય બનવા લાગ્યાં છે. ભીમકાય પ્રધાનમંડળો થકી ભ્રષ્ટતાની સગવડો પૂરી પાડવામાં આવી રહી છે. સામાન્ય નાગરિક લાચાર બની આ વરવો રાજકીય તમાશો જોઈ રહ્યો છે.
સાઠીના દાયકામાં ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદોને તપાસવા અને એ અંગેનાં સૂચનો માટે વિચારણા કરવા સંથાનમ્ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિની ભલામણોને આધારે 1964થી કેંદ્રીય તકેદારી પંચ (Central Vigilance Commission) નીમવામાં આવ્યું; પરંતુ પંચની કામગીરી સક્રિયતાથી દૂર રહી; કારણ, ભ્રષ્ટાચારના આક્ષેપોમાં ઊંડાં ઊતરતાં તેની દિશા રાજકારણ ભણી રહી હતી. તેમાં મુખ્યત્વે વહીવટદારો અને રાજકીય હોદ્દેદારો સંકળાયેલા હોવાથી તપાસની કામગીરી ભાગ્યે જ ગંભીર સ્વરૂપ ધારણ કરતી; પરંતુ જૈન હવાલા કેસના સમયથી પંચની કામગીરી કંઈક અસરકારક બની. આ કેસ બાબતે સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે ચૂંટણી પંચની સમકક્ષ સ્થાન ધરાવતું આ સ્વાયત્ત પંચ છે તેમજ પંચને સુપરત થયેલી સત્તાઓનો ઉપયોગ જરૂર જણાય ત્યારે તે કરી શકે છે. તે ઇચ્છે તો કેંદ્રીય તપાસ પંચ(Central Bureau of Investigation)ની કામગીરીનું નિરીક્ષણ કરી શકે છે. આ પંચનું કાર્યાલય ‘સતર્કતા ભવન’માં સ્થિત છે અને 1999થી તેના અધ્યક્ષ એન. વિઠ્ઠલ છે. જેથી ભ્રષ્ટાચારની દિશામાં નિર્ણાયક કાર્યવહી કરી શકાય. આ માટે તેમણે સૌપ્રથમ તો અત્યંત ભ્રષ્ટ વહીવટી અધિકારીઓની વેબસાઇટ તૈયાર કરી છે, જેથી આ અધિકારીઓ સામે ઝૂઝી શકાય. 2000ના વર્ષના પ્રારંભના ત્રણ માસમાં જ પંચને 9,200 જેટલી ભ્રષ્ટતા અંગેની ફરિયાદો મળી હતી. તેમના મતે ભારતની રાજકીય પ્રથાને ભ્રષ્ટ બનાવનાર મુખ્ય ચાર પરિબળો છે : (1) માલ તથા માલવાહક સેવાઓની અછત, (2) તંત્રની તુમારશાહી અને વિલંબનીતિ, (3) રાજકીય અને વહીવટી વ્યવહારોમાં પારદર્શકતાનો અભાવ અને (4) વહીવટી પ્રથામાં તપાસ કે ખાતાકીય તપાસને નામે અપનાવવામાં આવતી વિલંબનીતિ. તેઓ માને છે કે ભ્રષ્ટાચારને રોકવા માટે તેના મૂળમાં પ્રહાર કરવો જરૂરી છે. પણ આ પ્રહાર કોણ કરશે તે મુખ્ય સવાલ છે. કેંદ્રીય તકેદારી પંચ આવો પ્રહાર કરવાની તૈયારી કરી રહ્યું છે.
ઇન્દરકુમાર ગુજરાલ વડાપ્રધાન બન્યા ત્યારે ઑગસ્ટ, 1997માં વડાપ્રધાનના કાર્યાલયમાં તેમના મુખ્ય સચિવની દેખરેખ હેઠળ એક ભ્રષ્ટાચાર-વિરોધી ઘટક (anti-corruption cell) શરૂ કરવામાં આવેલો, જેના પ્રથમ સચિવ એમ. એમ. વ્હોરા હતા. આ ઘટક ફરિયાદ-નિવારણ એકમ (clearing house) તરીકે કાર્ય કરે છે; પરંતુ ફરિયાદોની તપાસમાં ઊતરતું નથી.
લાંબા સમયથી ફાલેલો ભ્રષ્ટાચાર એકાએક દૂર કરવો શક્ય નથી, પરંતુ એને અંકુશમાં લેવાનું કામ અશક્ય પણ નથી. આ માટે રાજકારણ અને ગુનાખોરી વચ્ચે પેદા થયેલાં સમીકરણો તોડવામાં આવે અને સમયાતીત બની ગયેલા કાયદાઓને સુધારી તેનો અમલ કરવામાં આવે તો પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો શક્ય બને એમ તકેદારી પંચના વડાનું માનવું છે.
રક્ષા મ. વ્યાસ