ભ્રમરકાવ્ય

January, 2001

ભ્રમરકાવ્ય : શ્રીમદભાગવતનો દશમ સ્કંધ કેટલાંક સુંદર સંસ્કૃત ગીતો આપે છે; જેવાં કે, ‘વેણુગીત’, ‘ગોપીગીત’, ‘યુગલગીત’, ‘ભ્રમરગીત’ અને ‘મહિષીગીત’. આ ગીતો છેલ્લા ગીત સિવાય વાસ્તવમાં વિરહગીતો છે. આમાંનું ‘ભ્રમરગીત’ એ વિરહગીત તો છે જ, ઉપરાંત એ ‘દૂતકાવ્ય’ પણ છે. ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામ અક્રૂર સાથે મથુરા ગયા અને ત્યાં કંસવધ પછી સ્થિર થયા. આ પછી વ્રજભૂમિમાં સ્થિત ગોપાંગનાઓના સમાચાર લેવા શ્રીકૃષ્ણે પોતાના વિશ્વાસુ ઉદ્ધવને વ્રજમાં મોકલ્યો. ત્યાં એ ગોપાંગનાઓને મળ્યો ત્યારે ગોપાંગનાઓ વિરહને કારણે ‘વિપ્રલંભ શૃંગાર’નું વિરહગાન ગાય છે. લજ્જા છોડી તેઓ ભગવાનના કિશોર અને બાલ્યકાલના પ્રસંગોને યાદ કરતી રડવા લાગી. એ વખતે કોઈ એક ભમરાને જોઈને અને પ્રિયતમે દૂત તરીકે જાણે કે મોકલ્યો છે એવી ભાવનાથી ‘કપટીના મિત્ર અલ્યા ભમરા’ (मधुप कितव-बन्धो) એવું સંબોધન કરી વિરહગાન કરતું ગાન કર્યું એ ‘भ्रमरगीत’ તરીકે જાણીતું છે. મધ્યકાલના ગુજરાતી કવિઓએ આ વસ્તુ લઈને ‘ભ્રમરગીત’નું ગુજરાતી કવિતાના રૂપમાં ગાન કર્યું છે. ગુજરાતી ભાષામાંનાં આ ગીતો નોંધપાત્ર છે. દશમ સ્કંધ ઉપર મધ્યકાલમાં ભાલણ, સંત રઘુનાથ, પ્રેમાનંદ, સુંદર, તુલજારામ જેવા કવિઓએ ગેય કોટિની રચનાઓ કરી છે. ભાલણે એ નાનાં નાનાં પદોમાં ગાઈ છે અને વિસ્તાર કર્યો નથી, જ્યારે પ્રેમાનંદે દશમના ભ્રમરગીતને લગતા 47મા અધ્યાયને 137મા કડવામાં લઈ 141મા કડવા સુધી લંબાવ્યો છે, જેમાં નંદ અને યશોદાને પણ ઉદ્ધવ મળ્યાનાં ગીત છે. 136મા કડવામાં ઉપક્રમ કર્યા પછી ‘ભમરા’ને ઉદ્દેશી 137મા કડવામાં માત્ર 12 કડીમાં ગોપીનું ભમરાને સંબોધીને કરેલું ગાન છે. પ્રેમાનંદકૃત ‘ભ્રમરપચીસી’માં 20, 21 એ બે પદમાં ‘ભમરા’ને સંબોધી, કૃષ્ણને લક્ષ્ય કરી સુંદર સંદેશો આપવામાં આવતો એમ ચંદ્રભાગા ગાઈ રહી છે. પ્રેમાનંદની રસિક બાનીમાં આ બેઉ પદો ખીલી ઊઠે છે.

પ્રેમાનંદની પૂર્વે 1553 જેટલા જૂના સમયમાં ‘બ્રેહેદેવ’ નામના કવિએ નાનાં 40 જેટલાં કડવાંઓમાં ‘ભ્રમરગીતા’ રચી છે. કવિએ એની રચનાને ‘રઢિયાળો રાસ’ કહેલ છે અને એણે રાસા-પદ્ધતિનાં પદો આપ્યાં પણ છે. એટલું જ કે ‘રાસ-રાસા’માં મોટી સંખ્યાનાં કડવાં હોય એમ ન કરતાં મોટેભાગે ધ્રુવ ઉપરાંત ચાર કડીઓ આપવાનું વલણ સ્વીકાર્યું છે. આ બધાં પદો કોઈ ને કોઈ રાગમાં ગવાતાં નોંધ્યાં છે. રાગોમાં ‘રામગ્રી’, ‘ધન્યાશી’, ‘વૈરાટી’ (વેરાડી), ‘સામેરી’, ‘સારંગ’, ‘કેદાર’ અને ‘વસંત’ લીધા છે; તો નરસિંહ મહેતાના પ્રકારના ઝૂલણા પણ આપેલ છે. સમગ્ર કાવ્ય કરુણામૂલક વિપ્રલંભશૃંગારનું હૃદયંગમ નિરૂપણ કરે છે. ચાલુ દેશીઓમાં એ જે તે રાગની જમાવટ કરે છે. આ કાવ્યની વિશિષ્ટતા એ છે કે હસ્તલિખિત ગ્રંથસંગ્રહોમાં એની અનેક હસ્તપ્રતો મળે છે. આ ઉપરાંત ગોવિંદ, વિશ્વનાથ જાની અને મહીદાસ નામના આખ્યાનકારોએ પણ ‘ભ્રમરગીતા’ઓ આપી છે. સારથી ભારથી નામના કવિએ નાની ભ્રમરગીતા ગાઈ છે. આ બધા કવિઓએ કરુણમૂલક વિપ્રલંભશૃંગાર ગાયો છે.

કે. કા. શાસ્ત્રી