ભ્રમરોગ : દરેક પદાર્થ ફરતો હોય એવું સંવેદન થવું તે. ભ્રમને આયુર્વેદમાં સ્વતંત્ર વ્યાધિ માનવામાં આવતો નથી, પણ ‘મૂર્ચ્છા’ વ્યાધિની અન્તર્ગત માનવામાં આવે છે. પહેલાં ભ્રમ થાય પછી મૂર્ચ્છા કે ‘સંન્યાસ’ થઈ શકે. ભ્રમ કેટલાક વ્યાધિમાં લક્ષણ કે ઉપદ્રવ-સ્વરૂપે થાય છે એટલે રોગીના પરીક્ષણમાં અન્ય વ્યાધિનું પરીક્ષણ કરવું આવશ્યક બને છે. આયુર્વેદમાં ‘ભ્રમ’ શબ્દ ‘ચક્કર આવવાં’ એ અર્થમાં વપરાય છે. માધવનિદાન આતંકદર્પણ ટીકા અનુસાર चक्रस्थितस्येव संवेदनम् એટલે કે દરેક પદાર્થ ફરતો હોય એવું લાગવું. ગુજરાતીમાં ‘ચક્કર આવવાં’ એવો અર્થ થાય.

ભ્રમ માનસરોગ છે. જ્યારે મનમાં રજોદોષ વધે, તેની સાથે પિત્ત અને વાતનો પ્રકોપ હોય ત્યારે ભ્રમ ઉત્પન્ન થાય છે. रज:पित्तानिभाद् भ्रम:  (સુશ્રુત). જો તમોગુણ વધે તો મૂર્ચ્છા ઉત્પન્ન થાય છે. આયુર્વેદ સત્વ, આત્મા, શરીર ત્રણેયના મેલકને શરીર માને છે. એટલે મનના દોષથી શારીરિક દોષ પર પ્રભાવ પડે છે અને શારીર દોષનો મન ઉપર પ્રભાવ પડે એમ માને છે.

ભ્રમનાં નિદાનકારણ : ક્ષીણ રોગ (ધાતુક્ષય), વિરુદ્ધ આહાર-વિહારનું સેવન, વેગવિધારણ, અભિઘાત, અતિદોષપ્રકોપ, હીનસત્વતા (મનોદૌર્બલ્ય) વગેરે ભ્રમ-મૂર્ચ્છાનાં કારણ છે.

આ ઉપરાંત કોઈ પણ કારણ – આહાર, વિહાર વગેરેથી દોષોનો પ્રકોપ થાય અને મન ઉપર વિકૃતિ કરે ત્યારે ભ્રમ ઉત્પન્ન થાય છે.

કેટલાક રોગોમાં ભ્રમ લક્ષણ-સ્વરૂપે કે ઉપદ્રવ-સ્વરૂપે જોવા મળે છે, જેમ કે વાતવ્યાધિ, જ્વર, સન્નિપાત જ્વર, અન્તર્વેની જ્વર, પાંડુરોગ, રક્તાલ્પતા, રક્તસ્રાવ, અતિસાર, ગ્રહણી, મનોવિકાર, મજ્જાપ્રદોષજન્ય રોગો વગેરે તથા વિષપ્રભાવ, મદ્યપાન, મદાત્યય વગેરે.

પ્રકાર : ભ્રમના મૂર્ચ્છાની માફક મુખ્ય છ ભેદ છે – જેમ કે, વાતજ, પિત્તજ, કફજ, રક્તજ, મદ્યજ અને વિષજ. લક્ષણો પણ મૂર્ચ્છા જેવાં જ હોય છે, પણ અલ્પ પ્રમાણમાં હોય છે. સાન્નિપાતિક ભ્રમ કે મૂર્ચ્છામાં રોગી અપસ્મારની માફક પડી જાય છે, પણ બીભત્સ ચેષ્ટા થતી નથી એટલે કે અપસ્પારમાં મોઢામાં ફીણ આવે, દાંતની બત્રીસી બંધ થઈ જાય છે, જીભ કચડાય છે અક્ષિવિકૃતિ કે સત્વવિકૃતિ થાય છે તે ભ્રમ કે મૂર્ચ્છામાં થતાં નથી. અપસ્મારમાં આક્ષેપ હોય છે તે ક્યારેક જ જોવા મળે છે.

સંપ્રાપ્તિ : વાતાદિ દોષો જ્યારે બાહ્યકરણ એટલે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય અને આભ્યંતરકરણ એટલે મનમાં પ્રવેશ કરે; મન પહેલેથી જ રજોદોષ કે તમોદોષથી વ્યાપ્ત હોય ત્યારે ભ્રમ ઉત્પન્ન થાય છે. સંજ્ઞાવહ નાડીઓમાં વાયુ દ્વારા અથવા વાયુનો અવરોધ થાય ત્યારે તે ઉત્પન્ન થાય છે. ભ્રમ થાય ત્યારે ચક્કર આવે છે, સુખદુ:ખનું ભાન થતું નથી અને રોગી કાષ્ઠ પેઠે નીચે પડી જાય છે.

ચિકિત્સા : શીતલ જલનો છંટકાવ (સેચન), અવગાહન, મોતીની માળા ધારણ કરવી, ચંદનાદિ શીત દ્રવ્યોનો લેપ, શુદ્ધ હવા, આમળાં અને સાકર મુખ્ય છે.

મધુર રસવાળા દ્રવ્યથી સિદ્ધ દૂધ, દાડમનો રસ, જાંગલ માંસરસ, શાલિ ચાવલ અને મુન્દનો આભ્યંતર આહારપ્રયોગ. નાક બંધ કરી, શ્ર્વાસ ઘૂંટવો.

શિરીષબીજ, લીંડીપીપર, કાળાં મરી, સિંધવ, લસણ, મન:શિલા, વજ વગેરે તીક્ષ્ણ દ્રવ્યોનું અંજન અને આ જ દ્રવ્યો ઘી-સાકર સાથે લાંબા વખત સુધી ચાટવાં – એમનું સેવન કરવું.

દુરાલભા(ધમાસો)ના ક્વાથનું, ઘી નાંખી લાંબા વખત સુધી સેવન. સૂંઠ, લીંડીપીપર, શતાવરી, હરડે સરખે ભાગે ચૂર્ણ કરી તેમાં ગોળ મેળવી સેવન કરવું.

તામ્રભસ્મ ઘી સાથે ચાટી ઉપર દુરાલભા(ધમાસો)-ક્વાથ પીવો.

રસૌષધિ : લક્ષ્મીવિલાસ રસ, સ્વર્ણમાક્ષિક ભસ્મ, અભ્રકભસ્મ, સૂતશેખર રસ, મુક્તા કે પ્રવાલપિષ્ટિ, પ્રમેહગજકેસરી, વસંતકુસુમાકર રસ ઉપયોગી છે.

ચ્યવનપ્રાશ અવલેહ, સારસ્વતારિષ્ટનો ઉપયોગ કરી શકાય. રાત્રે ત્રિફલાનું મધ સાથે અને સવારે આદુ + ગોળનું સેવન.

પથ્ય : વિરેચન, લંઘન, કડવો રસ, લાજામંડ, જૂના જવ, લાલ શાલિ ચોખા, મગ, કૂષ્માંડ, દાડમ, નાળિયેર વગેરે.

દ્રાક્ષને અંગાર ઉપર શેકી તેમાં સિંધવ અને મરી મેળવી લેવાથી ‘ભ્રમ’ શાન્ત થાય છે.

અપથ્ય : તાંબૂલભક્ષણ, ભાજીપાલો, આતપ અથવા ઉષ્ણ દ્રવ્યનું સેવન, વિરુદ્ધ આહાર, તીખા પદાર્થો, વેગાવરોધ, દહીં વગેરે.

માનસચિકિત્સા : શાસ્ત્રચિંતન, આત્મબોધ, આત્મજ્ઞાન, ધૈર્ય, ધ્યાનયોગ વગેરે આવશ્યક છે.

ભ્રમ-મૂર્ચ્છાની ચિકિત્સા લાંબા સમય સુધી કરવી પડે છે.

ચં. પ્ર. શુક્લ