ભોસલે, માધુરી (જ. 1972, ઉજ્જૈન, મધ્યપ્રદેશ) : જાણીતાં ચિત્રકાર. તેમણે ડ્રૉઇંગ અને પેઇન્ટિંગમાં એમ.એ.ની ડિગ્રી સાથે સુવર્ણચંદ્રક મેળવ્યો. ત્યારબાદ ઉજ્જૈનની વિક્રમ યુનિવર્સિટીમાંથી તેમણે પ્રાચીન ભારતીય ઇતિહાસ અને પુરાતત્વવિદ્યામાં પણ એમ.એ.ની ડિગ્રી મેળવી. વળી ખૂબ ઓછી જાણીતી છતાં મહત્વપૂર્ણ લઘુશૈલી (રાજસ્થાની) ‘રાઘવગઢ સ્કૂલ ઑવ્ પેઇન્ટિંગ’ પર વિવેચનાત્મક અભ્યાસ તૈયાર કરીને પીએચ.ડી. થયાં.
તેમણે મુંબઈની જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટના કલાગુરુ ડૉ. ઓ. પી. ભટનાગર પાસેથી 1988માં અને કલાકાર તથા પુરાતત્વવિદ પદ્મશ્રી વી. એસ. વાકણકર પાસેથી ચિત્રકલાવિષયક માર્ગદર્શન મેળવ્યું છે. તેમણે ભારતમાં ઉજ્જૈન, નાગદા, ઇન્દોર, જયપુર, મુંબઈ અને અમદાવાદ ખાતે તેમજ વિદેશમાં ન્યૂયૉર્ક ખાતે 1995થી ફેબ્રુઆરી 2000 સુધીમાં કુલ 12 વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં છે. તેમનાં ચિત્રો ભારતમાં તેમજ પરદેશની જાણીતી સંસ્થાઓ સહિત 13 સ્થળોએ સ્થાન પામ્યાં છે. ‘વસુધૈવ કુટુંબકમ્’ એ તેમની કલાની ફિલસૂફી છે. 1984માં માત્ર 12 વર્ષની નાની વયે તેમનું લઘુચિત્ર ન્યૂયૉર્કના આંતરરાષ્ટ્રીય પ્રદર્શન માટે પસંદગી પામ્યું હતું. માળવા પ્રદેશની પરંપરા પરની તેમની ચિત્રશ્રેણી કાલિદાસનાં ‘રઘુવંશ’, ‘ઋતુસંહાર’ અને ‘કુમારસંભવ’ની પ્રેરણાની ફલશ્રુતિ છે.
તેમને 1992માં નવી દિલ્હીનો ઇન્ટર-યુનિવર્સિટી સુવર્ણચંદ્રક; 1993માં દેવી અહલ્યા યુનિવર્સિટી, ઇન્દોર તરફથી રાજ્ય સ્તરનું પ્રથમ ઇનામ; 1995માં નૅશનલ કાલિદાસ પેઇન્ટિંગ એક્ઝિબિશન પુરસ્કાર; 1996માં ઑલ ઇન્ડિયા ફાઇન આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સ સોસાયટી, નવી દિલ્હીનો રાષ્ટ્રીય પુરસ્કાર અને 2000માં મધ્યપ્રદેશ રાજ્ય કલા પરિષદ પુરસ્કાર મળ્યાં છે.
તેમનાં ચિત્રોમાં આર્થિક, મનોવૈજ્ઞાનિક તથા સામાજિક વાતાવરણનું સફળ અને પ્રશસ્ય રીતે ચિત્રાંકન કરાયું છે. તેઓ તૈલરંગો દ્વારા રોલર અને રંગદાનીના નાઇફનો કલાત્મક ઉપયોગ કરે છે. હાલ (2001) તેઓ વ્યવસાયી ચિત્રકાર તરીકે કાર્ય કરે છે.
બળદેવભાઈ કનીજિયા