ભોરિંગણી (બેઠી રિંગણી) : દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Solanum surattense Burm. F. syn. S. xanthocarpum Schrad & Wendl. (સં. कंटकारिका, क्षुद्रकंटकारी, व्याध्री; હિં. छोटी कटेली (कटेरी), लघु कटाई; બં. કંટકારી; મ. ભૂઈરિંગણી; ગુ. ભોરિંગણી, બેઠી રિંગણી; ક. નેલગુલ્લુ; તે. રેવટીમુલંગા, વ્રાકુટીચેટુ; ત. કરીમુલ્લી; મલ. ચેરૂવાલુટિના; અં. યલો બેરીડ્ નાઇટશેડ) છે. તે લગભગ 1.2 મી. સુધીની ઊંચાઈ ધરાવતી કાંટાળી શાકીય વનસ્પતિ છે અને સમગ્ર ભારતમાં રસ્તાની બંને બાજુએ ઉજ્જડ–પડતર ભૂમિમાં થાય છે. તેનાં પર્ણ, પર્ણદંડ અને બધાં અંગો પર બારીક સફેદ કાંટા હોય છે. પર્ણો અંડાકાર કે ઉપવલયાકાર (elliptic), તરંગિલ (sinuate) અથવા લગભગ પક્ષવત્ વિદર (pinnatificdl) પ્રકારનું છેદન ધરાવતાં હોય છે. કાંટા લગભગ 1.0 સેમી. જેટલા લાંબા હોય છે. પુષ્પવિન્યાસ પાર્શ્વીય પરિમિત પ્રકારનો જોવા મળે છે. પુષ્પો વાદળી રંગનાં હોય છે. ફળ અનષ્ઠિલ (berry) પ્રકારનું અને ગોળાકાર અને 1.2થી 2.0 સેમી.નો વ્યાસ ધરાવે છે. તે અરોમિલ, પીળા કે સફેદ રંગનું અને લીલા રંગના ડાઘવાળું હોય છે. બીજ કાળા રંગનાં અને ખૂબ નાનાં હોય છે. પુષ્પ પરથી તેના બે પ્રકાર છે. એક જાતનાં પુષ્પ વાદળી રંગનાં અને બીજી જાતનાં સફેદ રંગનાં હોય છે. સફેદ જાત ભાગ્યે જ જોવા મળે છે. સફેદ ભોરિંગણીને લક્ષ્મણા કહે છે. તેની અન્ય એક જાતને ઊભી કે મોટી ભોરિંગણી કહે છે.
સૂકી વનસ્પતિમાં 10.8 % ભસ્મ (દ્રાવ્ય ભસ્મ, 7.6 %) હોય છે. આ ભસ્મમાં પોટૅશિયમ નાઇટ્રેટ, કાર્બોનેટ અને સલ્ફેટ મુખ્ય છે. તે 1.6 % કુલ શર્કરા ધરાવે છે. અપચાયક (reducing) શર્કરા તરીકે ગ્લુકોઝ 0.6 % જેટલો હોય છે. વનસ્પતિના આલ્કોહૉલીય નિષ્કર્ષમાં મેદીય અને રાળયુક્ત પદાર્થો હોય છે. ફળમાં સોલેસોનિન હોય છે, તેમાં ગ્લાયકો આલ્કેલૉઇડ દ્રવ્ય લગભગ 3.5% જોવા મળે છે; કુલ આલ્કેલૉઇડ 1.1 % જેટલું હોય છે. વનસ્પતિમાં ડાયોસ્જેનિનની હાજરી માલૂમ પડી છે. ફળમાં તેના 20.7 % જેટલું વજન ધરાવતાં બીજ ઉત્પન્ન થાય છે. બીજ દ્વારા લગભગ 19.3 % જેટલું લીલાશ પડતું પીળું, વિશિષ્ટ વાસ ધરાવતું અર્ધશુષ્કન (semidrying) તેલ મેળવવામાં આવે છે.
આ વનસ્પતિના જલીય અને આલ્કોહૉલીય નિષ્કર્ષ દાબહ્રાસી (hypotensive) અસર ધરાવે છે; જે ઍટ્રોપિન દ્વારા કેટલેક અંશે અવરોધાય છે. રક્તદાબમાં થતો દીર્ઘસ્થાયી દ્વિતીયક ઘટાડો અને શ્વસની-સંકીર્ણન (broncho-constriction) પ્રતિહિસ્ટેમીન ઔષધો દ્વારા અવરોધાય છે. નિષ્કર્ષના ગ્લાયકો આલ્કેલૉઇડ અને મેદીય અમ્લના ઘટકોની હાજરીમાં કપાયેલાં ફેફસાંની પેશીમાંથી હિસ્ટેમીન મુક્ત થાય છે. આ ઔષધ દ્વારા શ્વાસનલિકા અને ફેફસાંની પેશીમાં થતો હિસ્ટેમીનનો ઘટાડો શ્વાસનલિકાના દમ માટે અત્યંત લાભદાયી છે. સમગ્ર વનસ્પતિનો નિષ્કર્ષ રાનીખેત-રોગ વાઇરસ અને ઉંદરીમાં સાર્કોમા-180 સામે પ્રતિવાઇરલ સક્રિયતા દાખવે છે. પ્રરોહ અને ફળના નિષ્કર્ષ staphylococcus aureus અને Escherichia coli સામે ફૉસ્ફેટ બફર(pH 9.0)માં પ્રતિજીવાણુ સક્રિયતા દર્શાવે છે.
આયુર્વેદ અનુસાર તે કડવી, તીખી, તીક્ષ્ણ, હળવી, વિપાકે કડવી, ઉષ્ણવીર્ય, રુક્ષ, ગરમ, કફ તથા વાયુદોષનાશક, પીડાહર, ભૂખવર્ધક, પાચક, રેચક અને દમ, ખાંસી, કફ પીનસ, સળેખમ, તાવ, અરુચિ, આમદોષ, મૂત્રકૃચ્છ્ર, હૃદયરોગ, પડખાનું શૂળ, હેડકી, કંઠદોષ, ખૂજલી, મેદરોગ, કૃમિ, જળોદર, બરોળ અને યકૃતની વૃદ્ધિ, મૂત્રાશયની પથરી, ગોનોરિયા અને મૂત્રાઘાત જેવાં દર્દોનો નાશ કરે છે. કફ, શરદી અને શ્વાસમાં ખૂબ વપરાતી આ વૈદ્યોની પ્રિય ઔષધિ છે.
તેનાં ફળ ભેદક, રસકાળે અને પાકકાળે તીખાં, રુચિકર, હૃદ્ય, પિત્તલ, કડવાં, અગ્નિદીપક તથા લઘુ છે અને વાયુ, કફ, શ્વાસ, કંડૂ, જ્વર, કૃમિ, મેહ તથા શુક્રદોષનો નાશ કરે છે. સફેદ ભોરિંગણી રુચિકર, તીખી, ઉષ્ણ, નેત્રને હિતકર, અગ્નિદીપક, ગર્ભસ્થાપક અને કફનો નાશ કરનારી છે. બીજા ગુણ સરખા છે.
તેમાંથી કંટકારી અવલેહ, ક્ષાર, ઘૃત અને અર્ક બને છે. ઉધરસ, શરદી અને શ્વાસમાં ભોરિંગણીનાં મૂળ સૂંઠ અને લીંડીપીપરનો ઉકાળો કરી મધ નાખી આપવામાં આવે છે, સંધિવામાં ભોરિંગણીના પંચાંગના રસમાં બમણું તેલ ઉમેરી તે સિદ્ધ કરી માલિસ કરવાથી લાભ થાય છે. તેનાં પર્ણનો રસ ઉંદરી પર લગાવવાથી ટાલમાં વાળ ઊગે છે.
બળદેવપ્રસાદ પનારા
બળદેવભાઈ પટેલ