ભોપાલ : મધ્યપ્રદેશના મધ્ય પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને રાજ્યનું પાટનગર. ભૌગોલિક સ્થાન : તે 23° 16´ ઉ. અ. અને 77° 24´ પૂ. રે.ની આજુબાજુનો 2,772 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં ગુના; ઉત્તર ઈશાન અને પૂર્વમાં વિદિશા; પૂર્વ અને અગ્નિમાં રાયસેન; દક્ષિણમાં રાયસેન અને સિહોર; નૈર્ઋત્ય અને પશ્ચિમમાં સિહોર તથા વાયવ્યમાં રાજગઢ જિલ્લાઓ આવેલા છે. જિલ્લાનું નામ જિલ્લામથક પરથી પાડેલું છે. મૂળ નામ ભોજપાલ પરથી ભોપાલ ઊતરી આવેલું છે.
ભૂપૃષ્ઠ-જળપરિવાહ : આ જિલ્લાને બે બહોળા કુદરતી વિભાગોમાં વહેંચેલો છે : (1) બેરસિયાનું જંગલ અને (2) ભોપાલનો ઉચ્ચપ્રદેશ. આખોય જિલ્લો માળવાના ઉચ્ચપ્રદેશની પૂર્વ ધાર પર આવેલો છે. મધ્યભાગની આબોહવા માફકસરની છે. વનસ્પતિ-આવરણ ઓછું થતું જવાથી જંગલવિસ્તાર ઘટી રહ્યો છે. ભોપાલ શહેર બે મોટાં સરોવરો વચ્ચે આવેલું છે, તે પૈકીનું એક સરોવર આશરે 6 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે.
ખેતી-પશુપાલન : જિલ્લાનો કુલ ખેતીલાયક વિસ્તાર 1,82,600 હેક્ટર જેટલો છે, પરંતુ જિલ્લાની જળસંપત્તિનો સિંચાઈમાં પૂરેપૂરો ઉપયોગ થતો નથી. અહીં કૂવાઓ સિંચાઈનું મુખ્ય સાધન છે. ઘઉં, જુવાર અને ચણા અહીંના મુખ્ય કૃષિપાકો છે. ગાયો અને ભેંસો અહીંનું મુખ્ય પશુધન છે.
ઉદ્યોગો-વેપાર : ભોપાલ મધ્યપ્રદેશનું મુખ્ય વહીવટી મથક હોવા ઉપરાંત મધ્યવર્તી ઔદ્યોગિક કેન્દ્ર બન્યું હોવાથી જિલ્લાનો ઔદ્યોગિક વિકાસ વધતો જાય છે. જિલ્લામાં ન્યૂ ભોપાલ ટેક્સ્ટાઇલ મિલ, ભોપાલ સ્ટ્રૉ-પ્રૉડક્ટ્સ, સેન્ટ્રલ ઇન્ડિયા ફ્લોર મિલ, ભોપાલ શુગર ઇન્ડસ્ટ્રીઝ, હેવી ઇલેક્ટ્રિકલ્સ (ઇંડિયા) લિ., બટવા મેકિંગ ઍન્ડ ઝરી એમ્બ્રૉઇડરી, ભારત હેવી કેમિકલ્સ એ આગળપડતા ઉદ્યોગો છે. અહીં ટ્રાન્સફૉર્મર, સ્વિચ-ગિયર્સ, દીવાસળીઓ, લાખ, રમતગમતનાં સાધનો તથા ટર્બાઇનનું ઉત્પાદન તેમજ તે બધાંની જિલ્લા બહાર નિકાસ પણ થાય છે. કૃષિક્ષેત્રે ઘઉંની પણ નિકાસ થાય છે.
પરિવહન : અહીં રેલમાર્ગો અને સડકમાર્ગોની જાળ પથરાયેલી છે. ભોપાલ રેલજંક્શન છે. ભોપાલ રાજ્યનું પાટનગર હોઈને તે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઉજ્જૈન, ઇન્દોર, રતલામ, અમદાવાદ, નાગપુર, બિલાસપુર તથા બીના અને ઇટારસી સાથે રેલમાર્ગે જોડાયેલું છે. દેવાસ–ભોપાલ રાજ્ય ધોરી માર્ગ નં. 18 સિહોરમાંથી પસાર થાય છે. રાજ્યના મોટાભાગના માર્ગો ભોપાલમાં થઈને જાય છે. ભોપાલ–જયપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ રાજ્યનાં ઉત્તર તરફનાં નગરોને સાંકળી લે છે. એ જ રીતે ભોપાલ–દેવાસ–જબલપુર માર્ગ રાજ્યના પૂર્વ તરફના ભાગોને જોડે છે. જિલ્લા-માર્ગો જિલ્લાના બધા ભાગોને આવરી લે છે. દિલ્હી–નાગપુરનાં હવાઈ ઉડ્ડયનો પણ ભોપાલમાં રોકાઈને જાય છે. સંદેશાવ્યવહાર માટે અહીં ટેલિગ્રાફ તથા ટેલિફોન સેવાઓ ઉપલબ્ધ છે; અહીંથી હિંદી ભાષામાં ચાર દૈનિકપત્રો તથા અન્ય સામયિકો બહાર પડે છે. દૂરદર્શન કેન્દ્ર તેમજ આકાશવાણી-મથક પણ અહીં આવેલાં છે.
પ્રવાસન : ભોપાલ, બેરસિયા, બૈરાગઢ તથા બુદની અને ઇસ્લામનગર આ જિલ્લાનાં પ્રવાસમથકો ગણાય છે. (1) બેરસિયા ભોપાલથી વાયવ્યમાં આશરે 40 કિમી.ને અંતરે આવેલું નાનું ગામ છે. (2) બૈરાગઢ ભોપાલથી પશ્ચિમ તરફ 8 કિમી. અંતરે આવેલું એક નગર (વસ્તી : 16,827) છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તે જેલના સ્થળ તરીકે અને તે પછી નિરાશ્રિતોના સ્થળ તરીકે વિકસ્યું છે. (3) બુદની તાલુકામથક છે. તે મધ્ય રેલમાર્ગના ઇટારસી–ભોપાલ રેલવિભાગ પરનું રેલમથક છે. (4) ઇસ્લામનગર ભોપાલથી વાયવ્યમાં 9 કિમી. અંતરે આવેલું છે. રાજ્યના ઇતિહાસમાં આ ગામે ઘણો મહત્વનો ભાગ ભજવેલો છે. અહીં કેટલીક જૂની કબરો આવેલી છે. અગાઉ દોસ્ત મોહમ્મદે અહીં આજુબાજુના રજપૂત શાસકોને ભેગા કરેલા અને પછીથી તેમની નિર્દયતાથી હત્યા કરીને તેમનાં શબ તહાલ નદીમાં ફેંકાવી દીધેલાં. ત્યારથી આ નદી ‘હલાલી’ નદીના નામથી ઓળખાય છે. વાર-તહેવારોએ જિલ્લાનાં જુદાં જુદાં સ્થળો પર આલા-ઉદલ, ભુજરિયા, ગંગા દશેરા, ગુનલ ચવેલી જેવા મેળા ભરાય છે તથા મકરસંક્રાંતિ, શિવરાત્રિ, દશેરા વગેરે જેવા તહેવારો લોકો આનંદથી ઊજવે છે અને માણે છે.
વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 13,51,479 છે. તે પૈકી 7,15,283 પુરુષો અને 6,36,196 સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીની સંખ્યા અનુક્રમે 2,70,677 અને 10,88,802 જેટલી છે. જિલ્લામાં ધર્મવિતરણ પ્રમાણે હિંદુઓ 9,75,122; મુસ્લિમ 32,386; ખ્રિસ્તી 15,501; શીખ : 8,132; બૌદ્ધ 13,967; જૈન 14,776; અન્યધર્મી 106 તથા અનિર્ણીત ધર્મવાળા 15 જેટલા છે. જિલ્લામાં બોલાતી મુખ્ય ભાષાઓ હિંદી અને ઉર્દૂ છે. અહીં શિક્ષિતોની સંખ્યા 7,15,924 છે. તે પૈકી 4,33,529 પુરુષો અને 2,28,395 સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી શિક્ષિતોની સંખ્યા અનુક્રમે 69,889 અને 6,46,035 જેટલી છે. જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા કૉલેજો અને વ્યાવસાયિક સંસ્થાઓ આવેલી છે. ભારતના પશ્ચિમ વિભાગને સાંકળતી NCERT (National Council of Educational Research and Training) શિક્ષણસંસ્થાનું ક્ષેત્રીય મથક પણ અહીં છે. ભોપાલ ખાતે એક યુનિવર્સિટી, એક સંસ્કૃત કૉલેજ, પત્રકારત્વ માટેની યુનિવર્સિટી કક્ષાની એક રાષ્ટ્રીય સંસ્થા તેમજ બે સંગીત-મહાવિદ્યાલય આવેલાં છે. ભોપાલ ખાતે જરૂરી સુવિધાઓ ધરાવતી મોટી હૉસ્પિટલો પણ આવેલી છે. આ વિસ્તારની ર્દષ્ટિએ જિલ્લો પ્રમાણમાં નાનો હોવાથી તે માત્ર બે તાલુકાઓમાં અને બે સમાજ વિકાસ-ઘટકોમાં વહેંચાયેલો છે. જિલ્લામાં માત્ર બે જ નગરો અને 542 (31 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.
ઇતિહાસ : ભોપાલ નામ ભોજપાલ અથવા ભોજસ બંધ પરથી ઊતરી આવ્યાનું કહેવાય છે. ભોજસ બંધ ભોપાલ શહેરનાં સરોવરો(બડા તળાવ, છોટા તળાવ)ને આવરી લે છે. તેનું નિર્માણ ધારાનગરીના પરમાર વંશના શાસક રાજા ભોજના પ્રધાને કરાવેલું હોવાનું મનાય છે. ‘ભોપાલ’ નામ વાસ્તવમાં ‘ભૂપાલ’ હોવાનું વધુ સંભવિત જણાય છે. ડૉ. ફ્લીટ (Fleet) તેને ભૂપાલ (રાજા) પરથી ઊતરી આવ્યાનું કહે છે. ડૉ. જૉન માલ્કમ તેમના ‘માળવા અને પડોશી વિસ્તાર’ – એ મથાળાવાળા લખાણમાં જણાવે છે કે રાજા ભોજના રાજપૂત પ્રધાને તે સ્થાપેલું છે. રાજા ભોજે તે જ અરસામાં તળાવો પણ બનાવરાવેલાં, પ્રદેશ વિસ્તારેલો અને ભોજપુર નામનું નગર પણ વસાવેલું, જે આજે તો ખંડિયેર સ્થિતિમાં જોવા મળે છે. તળાવ જ્યારે બંધાવેલાં ત્યારે તે ખૂબ મોટાં હતાં, પરંતુ તે સમયાંતરે સંભવત: પુરાતાં ગયેલાં છે. આ પૈકીનું મોટું તળાવ ‘બડા તાલાબ’ નામથી ઓળખાય છે. 1956માં ભારતનાં રાજ્યોની ભાષાકીય પુનર્રચનાને પરિણામે ભોપાલ મધ્યપ્રદેશમાં મુકાયેલું છે. તેને જિલ્લાનો દરજ્જો 1–10–1972ના રોજ મળેલો છે.
ભોપાલ (શહેર) : મધ્યપ્રદેશનું પાટનગર. તે બે સરોવરોની વચ્ચેના ભાગમાં સમુદ્રસપાટીથી આશરે 500 મીટરની ઊંચાઈ ધરાવતી રેતીખડકથી બનેલી ડુંગરધાર પર વસેલું છે. ભૌગોલિક સ્થાન : 23° 16´ ઉ. અ. અને 77° 24´ પૂ. રે. લોકવાયકા મુજબ આ શહેર 1010થી 1055 દરમિયાન રાજ ભોજે સ્થાપેલું હોવાનું કહેવાય છે. 1722માં ભોપાલ વંશના સ્થાપક દોસ્ત મોહમ્મદે અહીં ફતેહગઢ કિલ્લો બંધાવેલો ત્યારથી તે વિશેષ જાણીતું બનેલું છે. નવાબ ફૈઝ મોહમ્મદ ખાનના શાસનના વખતથી તે આ વિસ્તારનું વડું વહીવટી મથક રહેલું છે. 1903માં અહીં નગરપાલિકાની રચના થયેલી છે. જૂનું શહેર રોશનપુરા નાકાથી ઉત્તર તરફ વસેલું છે. શામલા ટેકરીથી મિન્ટો ટેકરી (વિધાનસભા ભવન) સુધીનો માર્ગ જૂના ભોપાલની સરહદ બની રહેલો છે. તાત્યા ટોપે નગર વિસ્તારની નવી નગરરચના 1956માં અને તે પછીથી નિર્માણ પામેલી છે. શહેરની પૂર્વમાં 5થી 7 કિમી.ને અંતરે અહીંનો જાણીતો હેવી ઇલેક્ટ્રિકલ પ્લાન્ટ (BHEL) આવેલો છે. તાજમહાલ, જામા મસ્જિદ, મોતી મસ્જિદ જેવી કેટલીક ઇમારતો ઘણી જૂની છે. આ પૈકીની ઓગણીસમી સદીની તાજ-ઉલ-મસ્જિદ ભારતની જૂનામાં જૂની મસ્જિદ ગણાય છે. રાજભવન અને મિન્ટો હૉલ અહીંની જૂની ઇમારતો છે; જ્યારે નવી ઇમારતોમાં મૌલાના આઝાદ રિજિયૉનલ ઈજનેરી કૉલેજ તથા ભારતની એકમાત્ર પત્રકારત્વની યુનિવર્સિટી, સચિવાલય માટે ઉપયોગમાં લેવાતું 552 મીટર ઊંચાઈવાળું વલ્લભ ભવન (1965), લક્ષ્મીનારાયણ મંદિર, ભારત ભવન, બિરલા મંદિર અને ટાગોર ભવન વિશેષ ઉલ્લેખનીય છે. શામલા ટેકરી પર એન.સી.ઈ.આર.ટી.નું પ્રાદેશિક કેન્દ્ર અને અહીં જ યુનિયન કાર્બાઈડની બહુરાષ્ટ્રીય કંપનીનું ઔદ્યોગિક એકમ આવેલું હતું. 1984માં ઝેરી વાયુ (મિથાઈલ આઈસોસાયનેટ) પ્રસરવાથી ભોપાલમાં 2000 કરતાં વધુ માનવીઓ થોડા જ સમયમાં મૃત્યુ પામેલાં અને તેની અસર હેઠળ આજે પણ ઘણા માનવો પીડા અનુભવી રહ્યા છે. આકાશવાણીમથક આવેલું છે. 1970માં સ્થપાયેલી ભોપાલ યુનિવર્સિટી સંલગ્ન 15 જેટલી કૉલેજો અહીં આવેલી છે. આ ઉપરાંત અહીં હૉસ્પિટલો તેમજ સંગીત અકાદમી પણ છે. ભોપાલ રેલજંક્શન હોવા ઉપરાંત હવાઈ મથક પણ ધરાવે છે. હબીબગંજની આજુબાજુનો વિસ્તાર કાર્યાલયો તેમજ ખાનગી આવાસો વગેરેના વિકાસથી અત્યારે ઝડપથી વિસ્તરી રહ્યો છે. 1991 મુજબ ભોપાલની વસ્તી 10,63,662 છે.
ગિરીશભાઈ પંડ્યા