ભોટવાં : સંગ્રહેલ કઠોળની ખૂબ જ અગત્યની ગણાતી એક જીવાત. આ જીવાતનો સમાવેશ ઢાલપક્ષ (Coleoptera) શ્રેણીના (Bruchidae) કુળમાં કરવામાં આવેલ છે. વૈજ્ઞાનિક નામ Bruchus chinensis L. છે. આ સિવાય તે Calosobruchus chinensis L. તરીકે પણ ઓળખાય છે. આ જીવાતની ઉપરની બાજુએ હૃદયના  આકારના આશરે 4થી 6 મિમી. લાંબા, ચૉકલેટ અથવા ભૂખરા રંગના અને પીળાશ પડતા સફેદ હાથીદાંતના રંગનાં બે ટપકાં જોવા મળે છે.

આ જીવાતનો ઉપદ્રવ ખેતરમાં પાક ઊભો થાય ત્યારથી જ શરૂ થઈ જાય છે. પુખ્ત કીટક સહેલાઈથી ઊડી શકે છે એટલે તેનો ફેલાવો જલદીથી થાય છે. માદા કીટક ખેતરમાં મગ, મઠ, તુવેર, લાંગ, વાલ, ચણા અને અડદ જેવા કઠોળ-પાકની શિંગ/ડોડવાં પર 60થી 90 જેટલાં છૂટાંછવાયાં ઈંડાં મૂકે છે. 4થી 5 દિવસમાં ઈંડાં સેવાતાં તેમાંથી નીકળેલ નાની ઈયળ (ગ્રબ) શિંગોની અંદર પેસી સીધી દાણામાં દાખલ થઈ અંદરની બાજુએથી તેને કોરી ખાય છે. સંગ્રહેલ કઠોળમાં પણ તેનો ખૂબ જ પ્રમાણમાં ઉપદ્રવ થાય છે. ઈયળ દાણામાં દાખલ થવાનાં 2થી 3 અઠવાડિયાંમાં તેનો વિકાસ કોશેટામાં થાય છે. દાણાની અંદર જ કોશેટા-અવસ્થા 4થી 8 દિવસમાં પૂર્ણ થતાં પુખ્ત કીટક કાણા ઉપરનું ઢાંકણ તોડી દાણામાંથી બહાર નીકળે છે. આમ ઉપદ્રવિત કઠોળમાં દાણા પર કાણાં જોવા મળે છે. આ જીવાતના ઉપદ્રવથી થતું નુકસાન અટકાવવા સારી રીતે સાફ કરેલા કઠોળનાં બીજ સૂર્યના તાપમાં તપાવીને તેમનો સંગ્રહ કરાય છે. બીજ ઓછા જથ્થામાં હોય તો ઝીણી રેતી કે દળમાં તેનો દાબો કરવો જોઈએ. ખાંડના ખાલી બારદાનમાં કઠોળનો સંગ્રહ કરવાથી તેના ઉપદ્રવનું પ્રમાણ ઘટાડી શકાય છે.

પરબતભાઈ ખી. બોરડ

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ