ભોજો ભગત (જ. 1785, દેવકીગાલોલ, જેતપુર; અ. 1850) : ચાબખા લખનાર મધ્યકાળનો પ્રખ્યાત ગુજરાતી ભક્ત કવિ. તેમની જન્મતિથિ નિર્ણીત નથી, પરંતુ પરંપરાથી તેમની કર્મભૂમિ ફત્તેપુર(અમરેલી)માં વૈશાખી પૂર્ણિમાએ તેમની જન્મજયંતીનો મહોત્સવ ઊજવવામાં આવે છે. ભોજા ભગતના પિતાનું નામ કરશન ભગત તથા માતાનું નામ ગંગાબાઈ હતું. જ્ઞાતિએ સાવલિયા અટકના લેઉવા પાટીદાર હતા. જન્મથી જ ભોજા ભગતમાં વિલક્ષણ વ્યક્તિત્વ અને અલૌકિક તેજ હતું ! તેમની 12 વર્ષની વય થઈ ત્યાં સુધી તેમણે અન્નનો આહાર કર્યો ન હતો, માત્ર દૂધ જ પીતા હતા, તેથી આખા સોરઠપંથકમાં તેઓ ત્યારે ‘દૂધાહારી બાળયોગી’ તરીકે વિખ્યાત હતા. ગિરનારના શેષાવનમાંથી રામેતવન નામના એક યોગી દેવકીગાલોલ આવ્યા. ભોજા ભગતને તેમણે આશીર્વાદ આપ્યા તથા મસ્તક ઉપર હાથ મૂકી શક્તિપાત કર્યો, જેનાથી ભોજા ભગતની કુંડલિની શક્તિ જાગ્રત થઈ ગઈ. તેમણે ભોજા ભગતને અન્નપ્રાશન કરવાનો આદેશ આપ્યો અને તેમનાં માતાપિતાને કહ્યું, ‘આ બાળક મહાન ભગત, યોગી અને કવિ થશે.’ ગુરુ રામેતવનનું આ ભવિષ્યકથન સાચું પડ્યું. ભોજા ભગતે એમની વાણીના પ્રત્યેક પદના અંતે ‘ભોજા ભગત કહે ગુરુપ્રતાપે’ એમ કહીને આ ગુરુકૃપાનું અહોભાવથી સ્મરણ કર્યું છે.
લગભગ 25 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી ભોજા ભગત દેવકીગાલોલ ગામમાં રહ્યા, પરંતુ પછી રાજકીય અંધાધૂંધી તથા દુષ્કાળને લીધે, તેમનું કુટુંબ ત્યાંથી સ્થળાંતર કરી ગાયકવાડી રાજ્યના અમરેલી પ્રાંતમાં આવ્યું. અહીં સુશાસનના પરિણામે પ્રજામાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ હતાં. થોડો વખત તેઓ અમરેલી નજીક 4.8 કિમી. દૂર ચક્કરગઢ ગામમાં રહ્યા. તે સમયમાં અમરેલીમાં ગાયકવાડના શૂરવીર, બુદ્ધિશાળી અને બાહોશ દીવાન વિઠ્ઠલરાવ દેવાજી(કાઠિયાવાડી દીવાન)નું કડક શાસન હતું. આખા કાઠિયાવાડ ઉપર એમની ધાક હતી. ચક્કરગઢ ગામમાં અલ્પ સમય વસ્યા પછી ભોજા ભગત અમરેલીથી દક્ષિણમાં 3.2 કિમી. દૂર એક નિર્જન ટીંબામાં આશ્રમ બાંધી રહેવા આવ્યા. એ ટીંબાનું નામ ‘ફત્તેપુરિયો ટીંબો’ હતું. ત્યાં પહેલાં ગામ હતું, પરંતુ ત્યાં ભૂતપ્રેત થાય છે એવી માન્યતાથી તે ઉજ્જડ બની ગયેલું. ભોજા ભગતે પહેલું કામ આવી અંધશ્રદ્ધાને દૂર કરવાનું કર્યું. ત્યાં આશ્રમ સ્થાપ્યો. લોકમાનસમાંથી અંધશ્રદ્ધા અને વહેમનાં ઝાડીઝાંખરાં હઠાવી, શ્રદ્ધા અને સમજદારીનાં બીજ વાવ્યાં અને ત્યાં ભક્તિરસથી ઊભરાતું ‘ફત્તેપુર’ ગામ વસાવ્યું. આ જ ગામમાં ભોજા ભગતે સતત 40 વર્ષ સુધી અખંડ સાધના કરી ભક્તિ, જ્ઞાન અને કાવ્યવાણીની ત્રિવેણી વહાવી હતી. ભોજા ભગત ‘ચમત્કારો કરી ભોળા લોકોને ભરમાવે છે’ એવી રાવ કોઈ વિઘ્નસંતોષી માણસે, અમરેલીના દીવાન વિઠ્ઠલરાવને કરી તેથી તપાસ કરવા એમણે ભોજા ભગતને અમરેલી બોલાવ્યા અને ભરી સભામાં તેમને ‘ચમત્કારો’ કરવા કહ્યું. ભોજા ભગત તો સરળ સંત હતા. તેમણે કહ્યું, ‘મહારાજ ! મને ચમત્કાર નથી આવડતા. હું તો ભૂખ્યાને ભોજન કરાવું છું અને હરિભજન કરું છું. પરમ કૃપાળુ પરમાત્માએ આપણને આ અમૂલખ મનખાદેહ આપ્યો એ જ મોટો ચમત્કાર છે !’ ભગતની આવી નિષ્કપટ વાણીમાં, દીવાન વિઠ્ઠલરાવને કપટની ગંધ આવી અને તેમણે ભોજા ભગતને 15 દિવસ કારાગૃહમાં નજરકેદ કર્યા. ભોજા ભગત યોગી હતા. તેથી યૌગિક ક્રિયાથી 15 દિવસ પર્યંત એકાસન ઉપર બેસી રહ્યા અને ‘અજપાજાપ’ જપતા રહ્યા. દીવાનને ભગતની આધ્યાત્મિક શક્તિનો પરિચય થયો. તેમને બહુમાનપૂર્વક સભામાં લઈ આવ્યા, એમના શિષ્ય બન્યા અને આત્મકલ્યાણ માટે ઉપદેશ આપવા વિનંતી કરી.
આ વખતે, બિલકુલ નિરક્ષર હોવા છતાં, ભોજા ભગતના અંતરમાંથી વાણીની પાવન ગંગા પ્રગટી અને દીવાનને કુલ 150 પદો સંભળાવ્યાં, જે ગુજરાતી સાહિત્યમાં ‘ચાબખા’ નામથી જાણીતાં છે. ભોજા ભગતનાં આ પદો મૌલિક છે, માર્મિક છે અને નૂતન લયવાળાં છે. આ કાવ્યપ્રકારનું ‘ચાબખા’ નામાભિધાન પણ એમણે જ આપ્યું છે. એમના એક પદમાં પણ આ નામનો ઉલ્લેખ થયો છે : ‘ચાબખડો સદગુરુ તણો જેને વ્રેહે ઘણો વાગ્યો રે’. તેમાં તત્કાલીન સમાજનાં વહેમો, રૂઢિઓ, પાખંડો, ધર્માંધતા અને જડતા ઉપર તીખી તરવાર જેવી ભાષામાં વેધક પ્રહારો કર્યા છે. ગુજરાતી સાહિત્યમાં નરસિંહનાં પ્રભાતિયાં, અખાના છપ્પા, ધીરાની કાફી અને દયારામની ગરબીની જેમ જ ભોજા ભગતના ‘ચાબખા’ અત્યંત લોકપ્રિય છે. ‘ચાબખા’ ઉપરાંત ભોજા ભગતે પ્રભાતિયાં, કીર્તન, ભજન, ધોળ, ધૂન, સરવડાં, કવિત, તિથિ, વાર, મહિમા, હોરી, બાવનાક્ષરી, આખ્યાન તથા ભક્તમાળ જેવી રચનાઓ કરી છે. મનસુખલાલ સાવલિયાએ સંપાદિત કરેલ ‘ભોજા ભગતની વાણી’માં કુલ 204 પદોનું સંકલન છે. સંસારની અસારતા અને બ્રહ્મપ્રાપ્તિ એ જ તેમની કવિતામાં ગુંજતો ધ્વનિ છે. ગુરુકૃપા, સંતસ્મરણ, પ્રભુભજન અને આત્મવિશ્વાસ (ભરોંસા) ઉપર ભોજા ભગત ખૂબ જ ભાર મૂકે છે. માયાવશ જીવને ભક્તિનો રંગ ચડે એટલા માટે સનાતન સત્યને, કવિતાની ખરલમાં તેમણે અવિરત ઘૂંટ્યા કર્યું છે.
ભોજા ભગતની ભાષા તળપદા ઠોકવાળી ગ્રામીણ છતાં મનને ગમી જાય તેવી, સાદી છતાં ચોટદાર છે. તેની અભિવ્યક્તિ સ્પષ્ટ અને અસરકારક છે. તત્વજ્ઞાન અને વૈરાગ્યની ગહન વાતો અંતરમાં ઊતરી જાય તેવી રીતે તેમાં થઈ છે. શબ્દોના તથા અર્થોના અલંકારોની રંગીન આતશબાજી ભોજા ભગતની વાણીમાં એવી રીતે ફૂટે છે કે એવાં બધાં કાવ્યાત્મક તત્વોને કારણે ભોજા ભગત મધ્યયુગના તેજસ્વી કવિઓની હરોળમાં મુકાય છે. આમ, વાણીની વીણામાંથી અધ્યાત્મજ્ઞાનનું સંગીત રેલાવતાં ઈશ્વરના વિરાટ સ્વરૂપનું દર્શન કરાવનાર ભોજા ભગત મહાન ભજનસાગરના કુશળ વહાણવટી હતા.
ભોજા ભગતના અનેક શિષ્યોમાં બે શિષ્યો મુખ્ય ગણાય છે : વીરપુરના ભગત જલારામ તથા ગારિયાધાર ગામમાં થયેલ ભગત વાલમરામ. આ બંને સ્થળોએ આજે પણ ભોજા ભગતના ગુણગાન ગાતા ભવ્ય આશ્રમો છે. અમરેલી નગરની બાજુમાં ભોજા ભગતની જગ્યા છે, જ્યાં તેમના ભજનના ઓરડામાં ભોજા ભગતનાં સ્મૃતિચિહ્નો – ઢોલિયો, પાઘડી, માળા અને ચરણપાદુકા સાચવવામાં આવ્યાં છે અને તેનું નિત્યપૂજન થાય છે. 1850માં ભોજા ભગતે, પોતાનો દેહત્યાગ, શિષ્ય જલારામના સાન્નિધ્યમાં વીરપુરમાં કર્યો હતો. જ્યાં તેમના અગ્નિસંસ્કાર કરવામાં આવેલા તે સ્થળે સમાધિની સ્મૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે અને જલારામની જગ્યામાં એમનું ફૂલસમાધિનું મંદિર છે.
મનસુખલાલ સાવલિયા