ભૈષજ્ય-કલ્પના : વિવિધ પ્રકારનાં ઔષધો(દવાઓ) બનાવવા માટેનું આયોજન. ‘ભૈષજ્ય’ અને ‘કલ્પના’ શબ્દોથી બનેલા આ શબ્દનો અર્થ ‘રોગોના ભયને જીતવા માટે રચવામાં આવેલી વિવિધ ઔષધ-કલ્પનાઓ’ – એવો થાય છે. ભૈષજ્યકલ્પના માટે વપરાતો શબ્દ ‘ઔષધિ’ છે. ‘ઔષધિ’માંના ઔષનો અર્થ છે આરોગ્યકારક, શક્તિશાળી રસ (અંશ). તે ધરાવતું દ્રવ્ય અથવા તેની કલ્પના તે ભૈષજ્યકલ્પના.
આયુર્વેદ અનુસાર ‘ભૈષજ્યકલ્પના’નો ઉલ્લેખ ઈ. પૂ. 6000 વર્ષ પૂર્વેનો છે. આયુર્વેદ અને ‘ઋગ્વેદ’નો ઉપવેદ છે; જેમાં વિવિધ ભૈષજ્ય કલ્પનાઓનો ઉલ્લેખ છે.
ભૈષજ્યકલ્પના અંગેની માહિતી ‘ચરકસંહિતા’ (ઈ. પૂ. સાતમી શતાબ્દી), ‘સુશ્રુત સંહિતા’ (ઈ. પૂ. પાંચમી શતાબ્દી), ‘ચક્રદત્ત’, ‘ગદનિગ્રહ’ ઈ. પૂ. સાતમીથી બારમી શતાબ્દી), ‘શારંગધરસંહિતા’, ‘ભાવપ્રકાશ’, ‘યોગરત્નાકર’, ‘ભૈષજ્યરત્નાવલી’, (ઈ. પૂ. બારમીથી ઓગણીસમી શતાબ્દી) જેવા આયુર્વેદના ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. તે ‘પંચવિધ કષાય કલ્પના’ તરીકે નિયોજિત થયેલી જોવા મળે છે. રાજવૈદ્ય જાદવજી ત્રિકમજી આચાર્ય મહારાજે ‘ભૈષજ્યકલ્પના વિજ્ઞાનીયમ્’માં ઉત્તમ રીતે સંકલિત કરેલ છે. તેમણે બધા જ ગ્રંથોના આધારે ભૈષજ્યકલ્પના અંગેનું નિચોડરૂપ જ્ઞાન પંચવિધ કષાય-કલ્પના : (1) સ્વરસ-કલ્પના (2) કલ્ક-કલ્પના (3) કવાથ-કલ્પના (4) હિમ-કલ્પના (5) ફાન્ટ-કલ્પના દ્રવ્યોને આમ વિવિધ કલ્પના દ્વારા તેમણે શક્તિશાળી બનાવી. અનેક રોગોના ઉપાયોમાં તે યુક્તિપૂર્વક યોજવામાં આવે છે; જેમ કે સ્વરસ કલ્પનામાં વનસ્પતિનાં લીલાં પાનને નિર્જલ અથવા અલ્પ જલસહ કચરીને અથવા યંત્ર વડે પીલીને કપડાથી નિચોવીને રસ મેળવવામાં આવે છે. તેમાં અગ્નિનો સંયોગ થતો નથી. માટે તેના નૈસર્ગિક અંશોમાં કોઈ પણ ફેરફાર થયા સિવાય અને પાનનો બિનજરૂરી અંશ કૂચાના રૂપમાં દૂર કરી, ફક્ત કાર્યકારી (શક્તિરૂપ) અંશ ગ્રહણ કરવામાં આવે છે.
કલ્ક-કલ્પમાં લીલાં પાનને લસોટી, ચટણીરૂપ બનાવવામાં આવે છે; જેથી બાહ્ય ઉપચારાર્થે, વ્રણ વગેરે ઉપર થેપલી કરીને મૂકવામાં અનુકૂળતા રહે છે.
ક્વાથ બનાવવા દ્રવ્યોને અધકચરા ખાંડી દ્રવ્ય કરતાં સોળગણા જલ સાથે ઉકાળવામાં આવે છે. આઠમા ભાગનું પાણી બાકી રહે ત્યારે ગાળીને દ્રવ્યનો કૂચારૂપ અંશ દૂર કરી વધેલા દ્રવ્યને ‘ક્વાથ’ રૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. અગ્નિ સાથેના સંયોગને લીધે તે પચવામાં હલકો બન્યો હોય છે.
હિમ-કલ્પમાં તેના નામ પ્રમાણે એક રાત્રિ સુધી દ્રવ્યને જલ સાથે પલાળી મૂકી કાપડથી ગાળીને દ્રવ્ય પૃથક્ કરવામાં આવે છે; જેથી અગ્નિથી પરિવર્તન પામતા, દ્રવ્યના અંશો તેમાં પૂરેપૂરા જળવાઈ રહે છે; સાથે સાથે બિનજરૂરી કૂચારૂપ અંશ પણ દૂર કરી શકાય છે.
ફાન્ટ-કલ્પમાં, ઉકાળેલું જલ, ચૂર્ણ દ્રવ્ય સાથે મેળવી, થોડા સમય બાદ ગાળી લેવામાં આવે છે; જેથી અલ્પ અગ્નિ-સંયોગથી પચવામાં તે હિમ કરતાં હલકું બને છે. વળી વધુ અગ્નિથી પરિવર્તન પામતાં તત્વો પણ આમાં પૂરેપૂરાં જળવાઈ રહે છે.
સમગ્ર ‘ભૈષજ્યકલ્પના’ઓને બે વિભાગમાં વહેંચી શકાય :
(1) ભૌતિક દ્રવ્યોની કલ્પનાઓ, (2) વાનસ્પતિક દ્રવ્યોની કલ્પનાઓ. (રસશાસ્ત્રોક્ત કલ્પનાઓ)
(અ) સાગ્નિ | (બ) નિરગ્નિ | (અ) અગ્નિપાકી | (બ) નિરગ્નિ |
દા.ત., | દા.ત., | દા.ત., | દા.ત., |
ભસ્મો | ખલ્વીય રસાયનો | ક્વાથ | સ્વરસ |
કુપીપક્વ રસાયનો | કજ્જલી વગેરે | ફાન્ટ | કલ્ક |
પર્પટી | અરિષ્ટ | હિમ | |
પોટ્ટલી વગેરે | અર્ક | ચૂર્ણ આદિ | |
ઉપનાહ આદિ |
પેયાદિ મંથ : ‘પેયા’ ‘पीयते इति’ જેનું પાન કરી શકાય તેવી ઔષધ-કલ્પનાઓને પેયા આદિ કહેવામાં આવે છે.
આયુર્વેદોક્ત વિશિષ્ટ ચિકિત્સા — પંચકર્મચિકિત્સા કર્યા પછી, ‘पश्चत्कर्म’ ‘સંસર્જનક્રમ’માં પેયાદિ મહદ્અંશે વપરાય છે.
પેયા આદિ મંથ શબ્દથી આ પ્રમાણે વિવિધ ભૈષજ્યકલ્પનાઓ આયુર્વેદમાં દર્શાવવામાં આવે છે.
પેયાદિમંથ
યૂષ યવાગૂ
કૃતયૂષ અકૃત યૂષ મંડ પેયા વિલેયી
મગ આદિ શિમ્બી ધાન્યને જલ સાથે પકવી, પી શકાય તેવું બનાવવામાં આવે તેને ‘યૂષ’ (અકૃત યૂષ) કહેવાય છે. આ યૂષને વધારવામાં આવે તો કૃત યૂષ ગણાય. વધારવાથી તેના દીપન અને પાચનના ગુણોમાં વધારો થાય છે અને તે રોચક બને છે.
ચોખા, જવ આદિ શુક ધાન્યોને જલ સાથે પકવીને, પી શકાય તેવી કલ્પનાને ‘યવાગૂ’ કહેવામાં આવે છે. યવાગૂમાં સિક્થ સાથે દ્રવાંશના વત્તાઓછા પ્રમાણ પ્રમાણે મંડ, પેયા, વિલેયીની કલ્પનાઓ બનાવવામાં આવે છે. મંડ બનાવવા શુક ધાન્યનો તેનાથી ચૌદગણા જલમાં પાક કરી, ગાળીને દ્રવ ભાગ પ્રાપ્ત કરવામાં આવે છે. શુક ધાન્યનો તેનાથી છ ગણા જલમાં પાક કરી બનાવવામાં આવતી સિક્થ અને દ્રવ ભાગ સાથેની કલ્પના પેયામાં હોય છે. ચારગણા જલમાં તૈયાર કરેલી દ્રવાંશ કરતાં ઘનાંશ વધારે હોય તેવી કલ્પના વિલેયીમાં હોય છે. આ યવાગો જ્વરઘ્ન, અનુલોમની, દીપક, તર્પણ, હૃદ, બૃંહણ કર્મ કરનાર પિત્તનાશક હોય છે. તેના ગુણોમાં વધારો કરવા સૂંઠ સિંધવ આદિ પ્રક્ષેપ દ્રવ્યો પણ ઉમેરવામાં આવે છે.
ખલ્વ રસાયન : રસાયન શબ્દમાં પારદને ‘રસ’ અને માર્ગને ‘અયન’ કહેવાય છે. આ રીતે જે જે ઔષધ કલ્પનાઓમાં પારદ(પારો) વપરાય તે સર્વ ઔષધો રસાયન ગણાય છે. આ રસાયનો બે રીતે બનાવાય છે. આ પારદને અગ્નિનો સંયોગ આપીને બનાવાય તે કૂપીપક્વ રસાયનો અને પારદને અગ્નિસંયોગ આપ્યા વિના બનાવેલા રસાયનો તે ‘ખલ્વ રસાયનો’ કહેવાય છે. ‘ખલ્વ રસાયન’ બનાવવા માટે શુદ્ધ પારાને જુદી જુદી શુદ્ધ કરેલી ઔષધિ સાથે ખરલમાં ઘૂંટવામાં આવે છે. રસશાસ્ત્રના ગ્રંથોમાં આવાં ઘણાં ‘ખલ્વ રસાયનો’ તેના ગુણધર્મો સાથે આપવામાં આવ્યાં છે. દા.ત., કજ્જલી નામનું ખલ્વ રસાયન બનાવવા માટે શુદ્ધ પારદ અને શુદ્ધ ગંધકને સમભાગે લઈ, કૃષ્ણ વર્ણનું ચૂર્ણ થાય ત્યાં સુધી ખરલમાં ઘૂ્ંટવામાં આવે છે.
પુટપક્વ રસાયન : પારદ(પારા)માંથી અગ્નિના સંયોગથી બનાવવામાં આવતાં વિવિધ ‘રસાયનો’ને રસશાસ્ત્રીય રીતે ‘કૂપીપક્વ રસાયનો’ (પુટપક્વ રસાયનો) કહેવામાં આવે છે.
‘કૂપીપક્વ રસાયનો’ બનાવવા માટે કાચની શીશીને માટીનાં સાતેક પડથી મઢી લઈને, તેમાં શુદ્ધ પારો અને અન્ય વિવિધ ઔષધો મૂકવામાં આવે છે અને પછી વિશિષ્ટ પ્રકારે છાણાની સખત અગ્નિ આપી તેમને પકવવામાં આવે છે.
‘રસસિંદૂર’, ‘મલસિંદૂર’, ‘સુવર્ણસિંદૂર’ વગેરે આયુર્વેદોક્ત જાણીતાં કૂપીપક્વ રસાયનો છે. અગ્નિના સંયોગથી આ રીતે, ઘણી જ અલ્પમાત્રામાં તીક્ષ્ણતાથી ત્વરિત કાર્ય કરવાની શક્તિ આ રસાયનોમાં આવે છે.
ક્વાથ : ‘ચરકસંહિતા’ના ‘સૂત્રસ્થાન’ના ચોથા અધ્યાયમાં ક્વાથની વ્યાખ્યા આ મુજબ છે : ‘वहनौ तु क्वथितं द्रव्यं शृतमाहुश्चिकित्सका : ।’ તેને શૃત, કષાય, નિર્યૂહ આદિ નામોથી પણ ઓળખવામાં આવે છે.
ક્વાથ માટે ઔષધ દ્રવ્ય તરીકે વનસ્પતિનાં વિવિધ અંગો ત્વચા પત્ર, ફૂલ, મૂળ, નિર્યાસ, પંચાંગ વગેરે) લીલા અથવા સૂકા વાપરવામાં આવે છે.
કર્માનુસાર પણ ક્વાથનાં નામો ‘પાચનક્વાથ’ ‘જ્વરઘ્ન ક્વાથ’, ‘શ્રમહર ક્વાથ’ વગેરે આપવામાં આવે છે.
આભ્યંતર ઉપયોગાર્થે અનુપાન ઔષધ, સ્નેહપાક, આસવ વગેરે તરીકે અને ભાવનાર્થે વપરાય છે; જ્યારે બાહ્ય ઉપયોગાર્થે વ્રણોના પ્રક્ષાલનમાં ધારાઓ કરવામાં વપરાય છે.
સાકર, મધ, જીરું, સિંધવ, હિંગ, સૂંઠ, મરી, પીપર વગેરે દ્રવ્યો જરૂરત પ્રમાણે પ્રક્ષેપ દ્રવ્યો તરીકે ક્વાથમાં નાખવાથી તેના ગુણોમાં વધારો થાય છે.
વય અને જરૂરિયાત પ્રમાણે 50થી 100 મિલી. માત્રામાં ક્વાથ જુદા જુદા સમયે આપવામાં આવે છે.
સ્વરસ : ‘શાઙગધર સંહિતા’માં સ્વરસની વ્યાખ્યા આ રીતે આપી છે ;
‘वस्त्रनिष्पीडितो यः सः रसः स्वरसः उच्यते’ (शा. पू 1/2)
વળી ‘ચરકસંહિતા’માં તો ‘સ્વરસ’ તૈયાર કરવા માટે યંત્રનો ઉલ્લેખ પણ કર્યો છે :
‘यन्त्रनिष्पीडिताद् द्रव्याद्रसः स्वरसः उच्यते ।’ (च. सू. 4/7)
દ્રવ્ય શુષ્ક ચૂર્ણ હોય તો, બેગણા જલમાં અહોરાત્રિ ભીંજાવી રાખીને કાપડથી ગાળી લઈ સ્વરસ બનાવવાનો ઉલ્લેખ છે.
કેટલાંક કઠિન દ્રવ્યો માટે પુટપાક વિધિથી એટલે કે દ્રવ્યના કલ્કને દિવેલાના પાનમાં વીંટાળી ઉપર ભીની માટીનો લેપ કરી, કોલસામાં મૂકી અગ્નિ આપી, તપ્ત અવસ્થામાં જ તેને ખોલી, કપડાથી નિચોવીને સ્વરસ મેળવવામાં આવે છે.
ગુણો વધારવા માટે સ્વરસમાં પ્રક્ષેપ દ્રવ્યો તરીકે મધ, સિંધવ, જીરું, ગોળ, સાકર વગેરે પણ જોઈતા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે.
બાહ્ય રીતે ભાવના માટે, વ્રણ પ્રક્ષાલન માટે તથા આભ્યંતર રીતે ઔષધ – અનુપાન તરીકે પણ સ્વરસ વપરાય છે.
મોદક : લાડુની માફક ગોળ રૂપમાં બનાવેલા ઔષધને મોદક કહેવાય છે. તેને ગુટિકા, વટક, વટી, ગોળી વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. વિવિધ ઔષધ-દ્રવ્યોને ચૂર્ણ રૂપમાં લઈને મધ, ગોળ, સાકરની ચાસણી વગેરે દ્રવ્ય સાથે મેળવીને યોગ્ય પ્રમાણમાં ગોળીઓ બનાવવામાં આવે છે. આ રીતે ગોળીઓ બનાવવાથી ચૂર્ણ ઔષધોના અપ્રિય સ્વાદ, ગંધ વગેરેમાં ઘણો સુધારો થઈ શકે છે. વળી ચૂર્ણ કરતાં વધારે સમય સુધી ગોળીને હીનવીર્ય થતી અટકાવી શકાય છે. ચૂર્ણરૂપમાં ઔષધની ચોક્કસ માત્રા દર વખતે લેવામાં તકલીફ પડે, તે પણ મોદક બનાવવાથી નિવારી શકાય છે. ચૂર્ણને લાવવા લઈ જવામાં થતો બગાડ પણ ગોળીના રૂપમાં તેને ફેરવવાથી અટકાવી શકાય છે.
હીરુભાઈ પટેલ
મધુકાન્ત ભગવાનજી પંડ્યા