ભૈરવ : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો એક પ્રાત:કાલનો સંધિપ્રકાશ રાગ. રાત્રિ અને દિવસની સંધિના સમયે તે ગવાય છે, અને તેથી તેને સંધિપ્રકાશ રાગ કહેવાય છે :
प्रातसमय मध्यम प्रबल, रि-द कोमल रिधि जान ।
शिवगण पुनि रागधिपत, गुनि कर भैरव गान ।।
આ રાગમાં રિષભ અને ધૈવત કોમળ તથા બાકીના બધા સ્વર શુદ્ધ પ્રયુક્ત થાય છે. રાગની જાતિ સંપૂર્ણ-સંપૂર્ણ છે. રાગનો રસભાવ શાંત, ગંભીર અને ભક્તિરસપૂર્ણ છે. રિષભ અને ધૈવત સ્વર આંદોલિત લેવાય છે, જે તેના રસભાવને પોષક બને છે. આલાપની પૂર્ણાહુતિ સામાન્ય રીતે ગમરેસાથી થાય છે. આ રાગમાં મધ્યમ સ્વર મહત્વનો છે.
ભારતીય શાસ્ત્રીય સંગીતમાં આદિકાળથી ભૈરવનું સ્થાન ખૂબ જ સન્માનભર્યું રહ્યું છે. પ્રાચીન સમયમાં મુખ્ય છ રાગોમાં તેની ગણના થતી હતી. ઉત્તર ભારતીય તથા દક્ષિણ ભારતીય બંને સંગીતપદ્ધતિઓમાં આજે પણ તેને મેલ અથવા થાટ માનવામાં આવે છે. દક્ષિણ ભારતીય એટલે કે કર્ણાટક સંગીતની પદ્ધતિમાં ભૈરવ જેવા સ્વર ધરાવતો મેલ માયામાલવગૌડ નામનો રાગ છે. દક્ષિણ ભારતમાં આજે પણ ગાયન કે વાદનના શિક્ષણનો પ્રારંભ માયામાલવગૌડ કે ભૈરવથી કરવાનો રિવાજ છે.
ભૈરવમાંથી અનેક મિશ્ર રાગોનું નિર્માણ થયું છે; જેવા કે. ભૈરવબહાર, અહીરભૈરવ, નટભૈરવ, સૌરાષ્ટ્રભૈરવ, શિવમતભૈરવ, બંગાલભૈરવ, આનંદભૈરવ, મંગલભૈરવ, કબીર ભૈરવ, પ્રભાતભૈરવ, આસાવરી ભૈરવ વગેરે. આમાંના કેટલાક રાગોના મિશ્રણ વિશે વિદ્વાનોમાં મતભેદ જોવા મળે છે.
ભૈરવના સમપ્રકૃતિક રાગોમાં રામકલી અને કાલિંગડાનો પણ સમાવેશ થાય છે.
સામાન્ય ચલન :
નીના ઠાકોર