ભેલસંહિતા

January, 2001

ભેલસંહિતા (ઈ. સ. 300 આશરે) : એક આયુર્વેદિક પ્રાચીન ગ્રંથ. પુનર્વસુ આત્રેય આયુર્વેદની ઔષધિ શાખાના આદિ આચાર્ય ગણાય છે. અગ્નિવેશ, ભેલ, જતૂકર્ણ, પરાશર, હારિત અને ક્ષારપાણિ એ છ તેમના પ્રખર શિષ્યો હતા. તે દરેકે પોતાના નામે આયુર્વેદની સ્વતંત્ર સંહિતાઓ રચી છે.

અપ્રિય શિષ્ય ભેલે રચેલ આ આયુર્વેદિક ચિકિત્સાગ્રંથ ત્રુટિત છે. તેની રચના ચરકસંહિતાને મળતી છે. છતાં ભારતમાં તે બહુ લોકપ્રિય કે પ્રચલિત થયો નથી. ચરકસંહિતામાં કાયચિકિત્સા વિષયક જે સવિસ્તર માહિતી છે, તે ભેલમાં નથી; તેમ છતાં વૈદકના કેટલાક મહત્વના સિદ્ધાંતોનાં કથનો જે ભેલમાં સ્પષ્ટ રૂપે જોવા મળે છે તે ચરક કે સુશ્રુત ગ્રંથમાં મળતાં નથી. આ ગ્રંથ મૂળ અગ્નિવેશતંત્રની રચના સમયે અને નાવનીતક ગ્રંથ પહેલાં એટલે કે ઈ. સ. 300ની આસપાસમાં રચાયેલ હોવાની માન્યતા છે. તેની હસ્તપ્રત ઈ. સ. 1650માં તેલુગુ લિપિમાં લખાયેલી મળી હતી. તે ઉપરથી કલકત્તા યુનિવર્સિટીએ 1921માં તેને છપાવી હતી.

બળદેવપ્રસાદ પનારા