ભેળસેળ : જાહેર સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે તેવા વિવિધ વસ્તુઓના અનિષ્ટ મિશ્રણ સાથે સંકળાયેલ ગુનો. સામાન્ય અર્થમાં (ભેળસેળ કરવી એટલે) એક વસ્તુમાં કે પદાર્થમાં બીજી વસ્તુ કે પદાર્થ મિશ્ર કરવો. નફો કરવાના આશયથી નુકસાનકારક ન હોય તેવા પદાર્થો કોઈ વસ્તુમાં ભેળવવાથી કોઈ શિક્ષાપાત્ર ગુનો થતો નથી; દા.ત., દૂધમાં પાણી ભેળવવું અથવા વનસ્પતિ તેલમાં ઘી ભેળવવું એ ભારતીય દંડસંહિતા હેઠળ શિક્ષાપાત્ર ગુનો નથી.

ખાવાપીવાના પદાર્થમાં, વસ્તુમાં બીજી વસ્તુ મિશ્ર કરવી એટલે ભેળસેળ, પરંતુ કોઈ વાર ભેળવવામાં આવેલી વસ્તુ ઝેરી અથવા તો સ્વાસ્થ્યને નુકસાનકર્તા હોય અને તેના ઉપયોગથી વાપરનારનું સ્વાસ્થ્ય બગડે અથવા તો તેનું મૃત્યુ પણ થાય. તેથી ભેળસેળને સૂક્ષ્મ મૃત્યુ (subtle murder) ગણ્યું છે.

ભારતીય દંડસંહિતાની કલમ 272, 273, 274 અને 275 આ સંદર્ભમાં છે. વેચવા માટે રાખેલા ખોરાક અથવા પેયમાં ભેળસેળ કરવી, ઝેરી અથવા નુકસાનકારક ખોરાક કે પીણાં વેચવાં એ ગુનો છે, જે માટે છ માસ સુધીની કેદ અથવા રૂ. 1,000 સુધીનો દંડ અથવા બંને શિક્ષા એક સાથે થઈ શકે છે. એ જ પ્રમાણે દવાઓમાં ભેળસેળ કરવી અને તેવી દવાઓનું વેચાણ કરવું એ પણ ઉપર જણાવેલી શિક્ષાને પાત્ર ઠરે છે. ભેળસેળવાળાં પીણાં કે ખોરાક વેચવા માટે પ્રદર્શિત કરવાં તથા સૌંદર્યપ્રસાધનોમાં ભેળસેળ કરવી એ પણ ગુનો છે.

અગાઉ પણ ભેળસેળના ગુના થતા હતા, પરંતુ હવે તેનું પ્રમાણ ઉદ્યોગીકરણ, વૈજ્ઞાનિક શોધખોળો અને માનવીય મૂલ્યોના હ્રાસને પરિણામે અત્યંત વધી ગયું છે. ભેળસેળ એ સામાજિક-આર્થિક ગુનો છે. આ ગુનો કરનારા સમાજમાં બહુધા પ્રતિષ્ઠિત અને આગળપડતું સ્થાન ધરાવતા હોવાથી એને વ્હાઇટ કૉલર ક્રાઇમ પણ કહે છે. ખાદ્ય પદાર્થો અને પીણામાં, દવાઓમાં અને સૌંદર્યપ્રસાધનોમાં ભેળસેળના ગુનાઓ વર્તમાન સમયની પેદાશ છે; જે જાહેર સ્વાસ્થ્ય સાથે ચેડાં રૂપ છે. ધાડ, લૂંટ, ખૂન વગેરે ચીલાચાલુ ગુનાઓ(traditional crimes)થી આ ગુનાઓ અલગ પડે છે; તેથી તેમને વધુ ભયંકર ગણ્યા છે.

ભેળસેળ અટકાવવા માટે પ્રિવેન્શન ઑવ્ ફૂડ ઍડલ્ટરેશન ઍક્ટ 1986 ઘડાયો છે. ખોરાક, પેય વગેરેની ચકાસણી માટે સેન્ટ્રલ ફૂડ લૅબોરેટરી સ્થાપવામાં આવી છે. ખોરાકના પરીક્ષણ માટે સરકાર દ્વારા સરકારી કે જાહેર પૃથક્કરણકારો નીમવામાં આવે છે. ભેળસેળ અટકાવવાના કાયદા હેઠળ ભેળસેળવાળો ઝેરી ખોરાક વેચનાર, આયાત કરનાર, બનાવનાર, સંગ્રહ કરનાર, તેનો કબજો ધરાવનાર અને તેનો વિતરક – આ બધા ગુનેગાર ગણાય છે. તેમની સજા, ગુનાની ગંભીરતા પ્રમાણે છ માસથી માંડીને ત્રણ વર્ષ સુધીની કેદની અથવા તો રૂ. 5,000 સુધીના દંડની છે. કંપનીઓ આ ગુના કરે તો તેમને પણ શિક્ષા કરવાની કાયદામાં જોગવાઈ છે. ભેળસેળવાળી ચીજો જપ્ત કરી શકાય છે અને આ કાયદાની કલમ 16 હેઠળના ગુના પોલીસ-અધિકારના અને બિનજામીનપાત્ર છે.

ભાનુપ્રસાદ મ. ગાંધી