ભેડાઘાટ : નર્મદા નદીના કાંઠા પર આવેલું નયનરમ્ય સ્થળ. તે મધ્યપ્રદેશ રાજ્યના જબલપુર શહેરથી આશરે 21 કિમી. અંતરે આવેલું છે. જે સ્થળે નર્મદા નદી આશરે દસ મીટર ઊંચાઈથી નીચે ખીણમાં પડે છે તે સ્થળ ધુંવાધાર નામથી ઓળખાય છે. ધોધની તળેટી પછીનો નર્મદાનો પ્રવાહ ક્રમશ: સંકોચાય છે. તેની બંને બાજુએ આરસપહાણના અત્યંત શુભ્ર અને ચળકતા પાષાણ જોવા મળે છે. આ પાષાણની ઊંચાઈ 16થી 32 મી. જેટલી છે. નદીના પ્રવાહના એક સ્થળે નદીનો પટ એટલો બધો સાંકડો બન્યો છે કે વાંદરો તેના એક કાંઠેથી સામે કાંઠે છલાંગ મારીને જઈ શકે છે. સ્થળની આ વિશિષ્ટતાને લીધે આ સ્થળ ‘બંદરકૂદ’ નામથી પ્રચલિત થયું છે. દેશવિદેશના પર્યટકો માટે ભેડાઘાટ આકર્ષણનું કેન્દ્ર છે. સહેલાણીઓને આરસપહાણના ખડકોની વચ્ચેથી નૌકાવિહાર કરવા માટે ખાસ સગવડ ઊભી કરવામાં આવી છે. દરેક માસની પૂનમે અને ખાસ કરી શરદપૂનમના દિવસે ત્યાં પર્યટકો મોટી સંખ્યામાં ઊમટી પડે છે.

યોગિનીઓના મંદિરની એક ઉત્કૃષ્ટ શિલ્પપ્રતિમા
નદીના પ્રવાહ દરમિયાન એક સ્થળે શિવલિંગ છે, જેની પ્રાણપ્રતિષ્ઠા હોળકર સંસ્થાનના શાસક રાણી અહલ્યાદેવી હોળકર દ્વારા કરવામાં આવી હતી. નદીના પટની બંને બાજુ જ્યાં પહાડ નથી ત્યાં કેટલાંક સ્થળે નિસર્ગદત્ત ગુફાઓ છે, જેમાંની એક ગુફામાં દત્તાત્રયની મૂર્તિ છે. આમાંથી જે ગુફામાં ભૃગુઋષિએ તપશ્ચર્યા કરી હતી તે ગુફાના સ્થળને ભૃગુતીર્થ નામથી ઓળખવામાં આવે છે.
ભેડાઘાટના પ્રદેશમાં શિવ નામની એક ટેકરી છે, જેના પર 64 યોગિનીઓનું મંદિર છે, ગૌરીશંકરનું આ મંદિર સ્થાપત્યનો એક આગવો નમૂનો ગણાય છે. વર્તુળાકાર આ મંદિરને છત નથી. મંદિરમાંની માતાજીની 64 મૂર્તિઓમાંથી પાંચ મૂર્તિઓ ઈ. સ. બીજા કે ત્રીજા શતકની છે એવી માન્યતા છે. મંદિરમાંની અન્ય મૂર્તિઓમાં ગણેશની સ્ત્રીમૂર્તિ છે, જે ગણેશાનીની હોય તેવી સંભાવના નકારી શકાય નહિ. આ જ ટેકરીની બાજુમાં એક શૈવ મઠ છે, જે ટેકરીના ગોળ આકારને લીધે ‘ગોલકી મઠ’ તરીકે ઓળખાય છે.
ભેડાઘાટથી આશરે 14.5 કિમી.ના અંતરે બીજી એક ટેકરી છે, જેના પર ગોંડ રાજાનો ગઢ છે. તે મદનમહાલ નામ ધરાવે છે. હવે ત્યાં આ મહેલના માત્ર અવશેષો જ રહ્યા છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે