ભેજસ્રવન (efflorescence) : હવામાં ખુલ્લા રખાતા જલયોજિત (hydrated) ઘન પદાર્થો દ્વારા તેમાં સંયોજિત પાણીના અણુઓને બાષ્પ રૂપે ગુમાવવાનો ગુણધર્મ. જ્યારે ઘન-પદાર્થની સપાટી ઉપરની જળબાષ્પનું આંશિક દબાણ (પદાર્થનું વિયોજન દબાણ) હવામાં રહેલી જળ-બાષ્પના આંશિક દબાણ કરતાં વધુ હોય ત્યારે આ ઘટના જોવા મળે છે.
સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ (Na2CO3·10H2O) અને ગ્લોબર-ક્ષાર (Na2SO4·10H2O) જાણીતાં ભેજસ્રાવી સંયોજનો છે. 25° સે. તાપમાને ગ્લોબર-ક્ષાર માટે નીચેના સમીકરણ વડે દર્શાવેલી ભેજસ્રવનપ્રક્રિયાનું વિયોજન દબાણ 2,586.4 પાસ્કલ છે (જે આ તાપમાને શુદ્ધ પાણીના સંતૃપ્ત બાષ્પદબાણના 81 % જેટલું છે.) :
Na2SO4·10H2O (s) → Na2SO4(s) + 10H2O(g) (i)
ભેજમય વાતાવરણમાં ગ્લોબર-ક્ષાર નીચે દર્શાવેલી પ્રક્રિયા મુજબ પાણી ગ્રહીને દ્રાવણ બનાવે છે :
Na2SO4·10H2O(s) + H2O(g) → Na2SO4 (સંતૃપ્ત જલીય દ્રાવણ).
આ સંતૃપ્ત દ્રાવણનું બાષ્પદબાણ 2,917.3 પાસ્કલ (શુદ્ધ પાણીના બાષ્પદબાણના 92 % જેટલું) હોય છે. આમ ગ્લોબર-ક્ષાર 25° સે. તાપમાને જે વાતાવરણની સાપેક્ષ આર્દ્રતા (relative humidity) 81.92 % જેટલી હોય તેમાં સ્થાયી રહે છે અને 81 %થી ઓછા મૂલ્યે તે ભેજસ્રવન કરે છે. જ્યારે 92 %થી વધુ મૂલ્યે તે ભેજગ્રાહી બને છે. કૉપર સલ્ફેટ પેન્ટાહાઇડ્રેટ (CuSO4·5H2O) માટે બાષ્પદબાણ ઓછું હોવાથી જ્યારે તે લગભગ શુષ્ક હવામાં હોય ત્યારે ભેજસ્રવન પામે છે.
સામાન્ય રીતે ઘન પદાર્થ દ્વારા આ રીતે સ્વયંભૂપણે (spontaneously) પાણી ગુમાવવું એ પદાર્થની સ્ફટિક-રચના (crystal structure) ઉપર આધાર રાખે છે. આથી ભેજસ્રાવી ક્ષારો સ્ફટિકજળ ગુમાવે ત્યારે સૂક્ષ્મ સ્ફટિકમય પાઉડર બની જાય છે.
જ. પો. ત્રિવેદી